સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફીનો સાદ્યંત અભ્યાસ કર્યા બાદ એમની એ વિચારસરણી કેટલા પ્રમાણમાં સક્રિય બની શકે એનો ખ્યાલ આપણને રામકૃષ્ણ મિશનના નરેન્દ્રપુર સંકુલ ઉપરથી આવી શકે એમ છે.

શ્રીરામકૃષ્ણ મિશનના મુખ્ય ચાર સ્તંભો છે : સેવા, ત્યાગ, પ્રેમ અને બંધુત્વ. આ ચાર સ્તંભો ઉપર શ્રીરામકૃષ્ણ મિશન અડીખમ ઊભું છે. શ્રીરામકૃષ્ણ મિશન દ્વારા સંચાલિત શાળાઓ, મહાશાળાઓ, ગ્રામકેન્દ્રો, અનેકવિધ પ્રવૃત્તિઓ કે દવાખાનાં બધાંમાં આપણને સેવા, ત્યાગ, પ્રેમ અને બંધુત્વનાં દર્શન થાય છે.

સ્વામીજીની કેળવણીની ફિલસૂફી અવ્યવહારુ નહીં પણ પૂરી વ્યવહારુ છે એનો ખ્યાલ આપણને શ્રીરામકૃષ્ણ મિશનના નરેન્દ્રપુર કેન્દ્ર પરથી પૂરતો મળી રહે છે. નાત, જાતના ભેદભાવ વિના અહીં બધાંને પ્રેમભર્યો આવકાર મળે છે. ૧૯૪૩ના બંગાળના કારમાં દુકાળ પછી કલકત્તાની ઉત્તરે ‘પાથુરીઆઘાટ’ પાસે શરૂ કરવામાં આવેલ કેન્દ્ર પહેલાં તો ‘અનાથગૃહ’ બની રહ્યું, જેમાં ગરીબ અને અનાથ બાળકોને રાખવામાં આવતાં. પરંતુ ૧૯૫૭માં આ કેન્દ્ર કલકત્તાની દક્ષિણે રાજભવનથી ૧૬ કિલોમિટર દૂર ખસેડવામાં આવ્યું, જ્યાં એ અનેક પ્રવૃત્તિઓથી ધમધમતું એક વિશાળ સંકુલમાં ફેરવાઈ ગયું. ૧૯૮૦માં બહાર પડેલ નરેન્દ્રપુર સમાચારની વાર્ષિક સ્મરણિકા પ્રમાણે નરેન્દ્રપુર શિક્ષણ સંસ્થાનમાં બે હજાર વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ૨૦૦ એકર જમીનમાં બાગ-બગીચા, ખેતીકામ, અમરાઈ અને નાનાંનાનાં તળાવો આવેલાં છે. આખા દેશમાંથી વિવિધભાષી વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા આપી આ શિક્ષણ સંસ્થામાં પ્રવેશ મેળવે છે. વિકલાંગ બાળકો, પછાત વર્ગનાં બાળકો કે આવાસહીન બાળકોને ખાસ પસંદગી આપવામાં આવે છે. તાલીમ કેન્દ્રો તેમ જ રાત્રિશાળામાં તેજસ્વી વિદ્યાર્થીઓને ખાસ પસંદગી અપાય છે. ૧૯૭૯-૮૦માં લગભગ ૨૫૦૦ વિદ્યાર્થીઓ (તાલીમી તેમ જ અન્ય)એ આ સંસ્થાનો લાભ લીધો. લગભગ ૭૦૦૦ લોકોએ પ્રૌઢ શિક્ષણ તાલીમ કેન્દ્ર તેમ જ અવૈધિક શિક્ષણ કેન્દ્રનો લાભ લીધો. લગભગ ૫૦,૦૦૦ લોકો ચર્ચાસભા, કાર્યસભામાં જોડાયા. શિક્ષણ દ્વારા જ સમાજ ઉદ્ધારના ધ્યેયને વરેલ નરેન્દ્રપુર નામની આ સંસ્થામાં નીચે પ્રમાણે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.

  1. General Education                                                                             સામાન્ય શિક્ષણ
  2. Technical and Vocational Education                                             યાંત્રિક અને વ્યાવસાયિક શિક્ષણ
  3. Physically Handicapped                                                                   શારીરિક ખોડખાંપણ ધરાવતાં બાળકો માટેનું શિક્ષણ
  4. Welfare work for Harijans                                                               હરિજનો માટેની સમાજ કલ્યાણ પ્રવૃત્તિ.
  5. Youth leadership Child Welfare, Rural Mass Education           યુવા નેતાગીરી, બાળકલ્યાણ પ્રવૃત્તિ, ગ્રામોદ્ધાર પ્રવૃત્તિ, જનશિક્ષણ, વગેરે.
  6. Medical                                                                                                 દાક્તરી અને અન્ય

સામાન્ય શિક્ષણ

-વિદ્યાર્થી ગૃહ.

– આવાસી મહાવિદ્યાલય.

-આવાસી માધ્યમિક શાળા,

-પ્રાથમિક શાળા.

-મધ્યસ્થ પુસ્તકાલય.

સામાન્ય શિક્ષણના ક્ષેત્રમાં આવતી ઉપરોક્ત શિક્ષણ સંસ્થાઓ ઔપચારિક શિક્ષણ આપી ભવિષ્યની પ્રજાને સ્વામીજીના આદર્શ પ્રમાણે તૈયાર કરે છે. ખૂબ જ સારાં પરિણામો લાવતા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં આદર્શ નાગરિક બની કુટુંબ, સમાજ તેમ જ દેશની નિ:સ્વાર્થ સેવા કરે છે.

બધા જ વિભાગોમાં અલગ અલગ પુસ્તકાલય હોવા ઉપરાંત નરેન્દ્રપુર સંકુલનું મધ્યસ્થ પુસ્તકાલય ઘણું જ સમૃદ્ધ ગણાય છે. નાનાં-મોટાં આશરે ૪૫,૦૦૦ નાના-મોટાં પુસ્તકો તેમ જ અનેક સામયિકોથી આ પુસ્તકાલય જ્ઞાનનિધિ બન્યું છે.

યાંત્રિક તથા વ્યાવસાયિક શિક્ષણ

-જુનિયર ટેકનિકલ સ્કૂલ

-કોમર્શિયલ ઇન્સ્ટિટયૂટ.

-ઓટોમોબાઈલ એન્જિનિયરીંગ, મોટર મિકેનિક સેન્ટર,

– ટ્રેઈડ કોર્સીસ.

દુનિયાનાં અન્ય રાષ્ટ્રો વૈજ્ઞાનિક અને યાંત્રિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યાં છે ત્યારે આપણો દેશ પાછળ રહી શકે નહીં. સ્વામીજી ઇચ્છતા કે, આપણો દેશ અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય કરી આગળ વધે. જુનિયર ટેકનિકલ સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ નથી કરી શક્તા તેમને દાખલ કરવામાં આવે છે. એન્જિનિયરીંગનો ત્રણ વર્ષનો અભ્યાસક્રમ પૂરો કરે એટલે ડિપ્લોમા આપવામાં આવે છે.

કોમર્શિયલ ઇન્સ્ટિટયૂટ

શોર્ટ હેન્ડ. ટાઈપરાઈટીંગના અભ્યાસક્રમો આપવામાં આવે છે.

અન્ય અભ્યાસક્રમ કેન્દ્રોમાં – બુક બાઈન્ડિગ, મરઘાં ઉછેર કેન્દ્ર, દરજીકામ, વગેરેનો સમાવેશ કરવામાં આવે છે.

શારીરિક – ખોડખાંપણ

વિકલાંગ વિદ્યાર્થીઓ :- અંધ વિદ્યાર્થીઓ માટે ખાસ અંધાશ્રમ સંસ્થા ચલાવવામાં આવે છે. આશ્રમમાં લગભગ ૧૪૦ વિદ્યાર્થીઓને સમાવવામાં આવ્યા તેમ જ બહારથી પણ અંધ બાળકો ‘એકેડેમી ફોર ધી બ્લાઈન્ડ’ નામની સંસ્થાનો લાભ લે છે. આ સંસ્થામાં જેમની બૌદ્ધિક ક્ષમતા વિશેષ છે એમને ભણાવવામાં આવે છે. સંગીતમાં રસ ધરાવનારા વિદ્યાર્થીઓને સંગીતના વર્ગોમાં મૂકવામાં આવે છે. હસ્ત ઉદ્યોગનું જ્ઞાન આપવામાં આવે છે. મરઘાં ઉછેરવાં, ડેરી વિજ્ઞાન, કૃષિ અને શાકભાજી ઉત્પાદન વિષે માહિતી પૂરી પાડી તેમને તૈયાર કરવામાં આવે છે.

આ અંધ ભાઈઓ સમાજમાં વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જાય એ જાતના વ્યવસ્થિત પ્રયાસો કરવામાં આવે છે. દરેક અંધ વિદ્યાર્થીને ઓછામાં ઓછું ધોરણ ૮ સુધીનું ઔપચારિક શિક્ષણ આપવામાં આવે છે. પરંતુ જો કોઈ અંધ વિદ્યાર્થી ભણવામાં હોશિયાર નીકળે તો તેને દેખતા વિદ્યાર્થીઓ સાથે જ માધ્યમિક વિભાગમાં મોકલવામાં આવે છે. આ રીતે પ્રગતિ કરવા માટે તેને પૂરતું પ્રોત્સાહન આપવામાં આવે છે. ઘણા અંધ ભાઈઓએ છેક અનુસ્નાતક અભ્યાસક્રમો પૂરા કર્યા છે. અને તેઓ જીવનમાં સ્થિર થયા છે. સંગીતમાં આગળ વધીને સંગીત શિક્ષણનો અભ્યાસક્રમ ઘણા અંધ ભાઈઓ પૂરો કરતા હોય છે. હસ્ત ઉદ્યોગમાં પણ તૈયાર થઈ ઘણા અંધ વિદ્યાર્થીઓ પોતાના પેટ પૂરતું રળી લેતા હોય છે.

ઔદ્યોગિક વ્યાવસાયિક તાલીમ : અમુક અંધ વિદ્યાર્થી – છોકરાઓ લેથ ઉપર કામ કરવાનું શીખે છે. પરિણામે કારખાનામાં કામ કરી તેઓ પોતાનું ગુજરાન ચલાવે છે.

કૃષિ ઉદ્યોગ, પશુપાલન, બાગાયત જેવા વિષયોમાં પણ અંધ વિદ્યાર્થીઓ જરા પણ પાછા પડતા નથી. બ્રેઈલ લાઈબ્રેરી, બ્રેઈલ પ્રેસમાં અનેક પુસ્તકો તૈયાર કરવામાં આવે છે.

અંધ બાળકોને ભણાવવા માટે તૈયાર કરવામાં આવતા શિક્ષકોની સંખ્યા અત્યાર સુધીમાં લગભગ ૧૩૦ સુધીની છે.

ટોકીંગ બુક સ્ટડીઓ, સ્વીમીંગ પુલ, વગેરે દ્વારા બાળકોના શારીરિક, માનસિક વિકાસ પર વિશેષ ભાર દેવામાં આવે છે.

રામકૃષ્ણ મિશનની પ્રણાલિકા પ્રમાણે, આશ્રમે હરિજન ઉત્કર્ષનું કાર્ય ખૂબ જ ગૌરવપૂર્વક અને આનંદથી કર્યું છે. આશ્રમના રસોડાના અમુક કર્મચારીઓ પણ હરિજન હોય છે. સામાજિક અન્યાય દૂર કરવા માટે આથી વિશેષ બીજું શું થઈ શકે? નરેન્દ્રપુર દ્વારા ચાલતી આ હરિજન પ્રવૃત્તિઓથી આગળ વધીને ઝૂંપડપટ્ટીમાં વસતી ગરીબ અને પછાત વર્ગની પ્રજા માટે ‘વિવેકાનંદ સામાજિક કલ્યાણ પ્રવૃત્તિ’ઓનું પણ આયોજન કરવામાં આવે છે. આ પ્રવૃત્તિઓ હરિજનોની ઝૂંપડપટ્ટીઓમાં પણ વિસ્તરી છે.

– શિક્ષણ

-સામાજિક – આર્થિક ઉત્કર્ષ

-સ્વાસ્થ્ય સેવાઓ, વગેરે.

બાળકોને શિક્ષણ આપવા ઉપરાંત બહેનો માટે સીવણ, ભરત, ગૂંથણ, ચિત્રકામ, રમકડાં બનાવવાં, વાંસકામ, વગેરે શીખવવામાં આવે છે. ગરીબ, પછાત, તેમ જ હરિજન લોકોના સ્વાસ્થ્ય માટે ધર્માદા દવાખાનું પણ ચલાવવામાં આવે છે.

યુવા નેતાગીરી, બાલ કલ્યાણ પ્રવૃત્તિ, લોક શિક્ષણ અને ગ્રામ-શહેર વિકાસની સુગઠિત પ્રવૃત્તિ.

લોક શિક્ષણ પરિષદ બે વિભાગમાં કામ કરે છે : ક્ષેત્રીય પાંખ જેની સાથે લગભગ ૮૬ યુવા કલ્યાણ કેન્દ્રો જોડાયેલા છે. અને તાલીમ કેન્દ્ર જેમાં ગ્રામ સેવક તાલીમ કેન્દ્ર : આ જાતનાં કલ્યાણ પ્રવૃત્તિ કરતાં કેન્દ્રોએ આસપાસનાં ગામડાંની આંતરબાહ્ય કાયાપલટ કરી દીધી છે.

બાહ્ય દૃષ્ટિએ જોઈએ તો નરેન્દ્રપુર આશ્રમ સામાજિક પ્રવૃત્તિઓનું જાણે કે ધામ બની ગયું હોય એમ લાગે. પરંતુ આ પ્રવૃત્તિઓની ભીતરમાં ભગવાન વસે છે. “Work is Workship” સૂત્ર અહીં સાર્થક થાય છે.

Total Views: 161

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.