આ સૃષ્ટિના ચેતન જીવો અને અચેતન વસ્તુઓ કોઈ અલૌકિક શક્તિથી એકબીજા સાથે સંબંધિત છે. નદીઓ, પર્વતો, સમુદ્રો, આકાશ, તારા, ચંદ્ર, સૂર્ય, ગ્રહો, પ્રાણીઓ, પક્ષીઓ, મનુષ્યો, વનસ્પતિ, જંગલો, પવનો, જમીન, વાતાવરણ આ બધાં જ સમ્મિલિત થઈને પર્યાવરણ બનાવે છે. આમ, પર્યાવરણમાં સમગ્ર ભૌતિક, જૈવિક અને સામાજિક પરિવેશ જેમાં માનવી અને અન્ય જીવો મુકાયેલા છે તેનો સમાવેશ થઈ જાય છે અને આ બધા પરિવેશો વચ્ચે એક પ્રકારનો તાલ, લય અને મેળ વરતાય છે. તેમની વચ્ચે સંપૂર્ણ સંતુલન છે. વૈદિક સંહિતામાં ‘ऋत’નો ખ્યાલ એ પૃથ્વી ઉપરના ઘટકોમાં એકતા અને સંવાદિતાનો સૂચક છે. જેમ કે ઋગ્વેદની સંહિતા કહે છે, “આકાશ અને પૃથ્વી અમને આશીર્વાદ આપો; વાતાવરણ અમારા માટે આશીર્વાદરૂપ હો, ક્ષુપો અને જંગલનાં વૃક્ષો અમારા માટે બક્ષિસરૂપ હો. સ્વર્ગમાં રહેલા વિજયી એવા ઈશ્વરની અમારા ઉપર કૃપા હો!’ (ઋગ્વેદ ૭ – ૩૫ – ૫)

ચીનના લોકો પણ એમ માને છે કે, સારાયે વિશ્વમાં સંપૂર્ણ એકરાગ અને તાલબદ્ધતા છે, જેને તેઓ ‘લી’ (Li) એવું નામ આપે છે. આ પ્રાચીન ખ્યાલો સ્પષ્ટપણે સૂચવે છે કે, પૃથ્વી ઉપરનું સમગ્ર જીવન એકબીજા ઉપર અને ભૌતિક પરિબળો ઉપર આધારિત રહીને સંબંધોની એક નાજુક જાળ રચે છે. મનુષ્ય એ જાળનો એક તારમાત્ર છે. જો આ પૃથ્વી ઉપરની કોઈ જાતિ નાશ પામે તો એક તાર તૂટી જાય છે અને જો મનુષ્ય આ કરવામાં કારણભૂત હોય તો તે પોતે જ વિનાશ તરફ ધકેલાય છે. હકીકતે, મનુષ્ય આ કાર્ય જાણીબૂઝીને કરી રહ્યો છે. શહેરીકરણ અને ઉદ્યોગીકરણની નવી સંસ્કૃતિ તરફ હરણફાળ ભરતા મનુષ્યે પોતાના જીવનને પોષતાં વૃક્ષોનું છેદન કરી પર્યાવરણ-તંત્ર (eco-system)નો નાશ કરી, સંબંધોની સંવાદિતાને તોડવાની હિંમત કરી છે.

વનસ્પતિ અને મનુષ્ય વચ્ચેના સંબંધનાં મૂળ ભૂસ્તરીય પ્લીસ્ટોસીન (geological pleistocene – ૧૮૦ લાખ વર્ષો પૂર્વનો સમય) સુધી વિસ્તરેલ છે. તે વખતની વનસ્પતિસૃષ્ટિ અને જંગલોએ જ આપણા પૂર્વજોને જંગલી ફળો અને પર્ણો દ્વારા પોષ્યા હતા. ત્યાર પછી, વૃક્ષોએ તેમને શિકાર અને સ્વરક્ષણ કરવા માટેનાં શસ્ત્રો આપ્યાં, રહેવા માટે ઝૂંપડી આપી. મનુષ્યો પણ વૃક્ષોને પવિત્ર ગણીને પૂજતા. મનુસંહિતા (૧-૪૯)માં ઉલ્લેખ છે કે, વનસ્પતિ પણ ચૈતન્ય અને સંવેદનાથી ભરપૂર લાગણીતંત્ર ધરાવે છે.

આજે આધુનિક વનસ્પતિશાસ્ત્રીઓએ અનેક પ્રયોગો દ્વારા તેને સમર્થન આપ્યું છે. આપણા પૂર્વજોને વનસ્પતિજગત વિષે ઊંડું જ્ઞાન હતું અને તેઓ એ પણ જાણતા હતા કે, સજીવ સૃષ્ટિના અસ્તિત્વ અને વિકાસ માટે જરૂરી પર્યાવરણ-સમતુલનને ટકાવી રાખવામાં વૃક્ષોનો ફાળો અમૂલ્ય છે.

પણ, આપણા પૂર્વજો જે સમજી શક્યા હતા તે, સુસંસ્કૃત અને આધુનિક હોવાનો દાવો કરતા આપણે સમજી શક્યા નથી. આપણે પોતાના સ્વાર્થ માટે નૈસર્ગિક સંપત્તિનું એટલી હદે શોષણ કર્યું છે કે, પ્રસિદ્ધ પર્યાવરણ સંરક્ષક માર્ક નિકોલ્સનના શબ્દોમાં, આમ કરીને આપણા સુંદર ગ્રહને કચરાપેટીમાં ફેરવી દીધો છે! કુદરત તરફના આપણા અસંતુલિત અભિગમને કારણે અનેક પર્યાવરણ પ્રશ્નો ઊભા થયા છે; પણ તે બધામાં વૃક્ષોનું નિકંદન- Deforestation મુખ્ય છે. આજથી ૧૦,૦૦૦ વર્ષો પહેલાં જ્યારે આપણા પૂર્વજોએ ખેતી કરવાની શરૂઆત કરી ત્યારે પૃથ્વી ઉપર ૬૨૦ કરોડ હેક્ટર જગ્યા ઉપર ગાઢ જંગલો હતાં, જે આજે ઘટીને ૪૨૦ કરોડ હેક્ટર જેટલી જગ્યામાં જ સીમિત થઈ ગયાં છે. હજુ પણ વર્ષે ૧ કરોડ ૧૧ લાખ હેક્ટર જમીનમાં જંગલોનો નાશ થઈ રહ્યો છે. ઈ. સ. ૧૯૮૮માં, બ્રાઝિલમાં ૧૨,૩૫૦ ચોરસ મિટર જગાનાં વિષુવવૃત્તીય વર્ષા જંગલોને બાળીને રાખ બનાવી મૂક્યાં! ભારત દર વર્ષે ૧૩ લાખ હેક્ટર જમીન ઉપરનાં જંગલો ગુમાવે છે. આ પોતાના ઉપર હંમેશાં ઉપકાર જ કરતાં રહેતાં અબોલ, શાંત વૃક્ષો પ્રત્યેની મનુષ્યની વર્તણૂક દર્શાવતો નગ્ન ચિતાર છે!

આ હકીકત ઉપર વિચાર કરતાં પ્રશ્ન થાય છે કે, શા માટે વૃક્ષોનું આવું અવિચારી નિકંદન થઈ રહ્યું છે? તેનાં મુખ્ય કારણોમાં જંગલની જમીનનું ખેતી વિષયક જમીનમાં રૂપાંતર, બળતણની જરૂરિયાત, ઔદ્યોગિક દેશોની લાકડાની માંગ, પશુઓ માટે ઘાસચારાની માગ, ડેમની બાંધણી જેવાં વિકાસલક્ષી આયોજનો અને સ્વાર્થી, પૈસાભૂખ્યા બાંધકામ કરનાર ઠેકેદારો છે, જે લાકડા માટે જંગલોને આડેધડ કાપે છે. આ બધું પ્રગતિ અને વિકાસને નામે થાય છે, જે કંઈક અંશે વાજબી છે, પણ અમુક સીમાની બહાર, વણવિચાર્યો નૈસર્ગિક સંપત્તિનો નાશ એ તો પેલા મૂર્ખ માણસ જેવું છે, જે પોતે જેના ઉપર બેસેલ તે ડાળને જ કાપી રહ્યો હતો! વસ્તુત: આપણો આ અભિગમ holistic value system (એકત્વ તરફ લઈ જતાં મૂલ્યો)ને અનુસરવાની આપણી અનિચ્છા સૂચવે છે. જેનો સતત ભોગ જેમણે આપણને કોઈ પણ આશા વગર શાંતિથી આપ્યા જ કર્યું છે તેવાં વૃક્ષો બનતાં રહ્યાં છે.

વૃક્ષો – મનુષ્યજાતિનાં શાંત ઉપકારક

ભારતીયોના સમીકરણ પ્રમાણે એક વૃક્ષ બરાબર દસ પુત્રો. વૃક્ષની આ દસ ભેટ છે – ઓક્સિજન, પાણી, માટી, ઈમારતી લાકડું, ખોરાક, દવા, ઘાસચારો, રેસા, બળતણ માટેનું લાકડું અને છાંયડો. આ સિવાય વાંસ, રેઝિન (Resin), બિલાડીના ટોપ (Mushrooms) અને મધ પણ જંગલનાં જ ઉત્પાદનો છે. વૃક્ષ સંરક્ષક સંસ્થાના એક અંદાજ પ્રમાણે, આ ઉત્પાદનો વાર્ષિક ૧ હજાર કરોડ ડૉલરનો વેપાર કરાવી આપે છે. ઓક્સિજન તો શ્વસન માટે ખૂબ જરૂરી છે, જેના વગર પૃથ્વી ઉપરના કોઈ જીવનની હસ્તી ન હોઈ શકે અને આ ઓક્સિજન વનસ્પતિઓ પોતાની દેહધાર્મિક પ્રક્રિયા – પ્રકાશસંશ્લેષણ (Photosynthesis) દરમ્યાન વાતાવરણમાં બહાર કાઢે છે. આશરે એક વૃક્ષ ૧૦૦ વ્યક્તિઓને જોઈએ તેટલો ઓક્સિજન બનાવે છે. આ ઉપરાંત શહેરોમાં અવાજના પ્રદૂષણને વૃક્ષો ઘટાડે છે; અને સાપેક્ષ ભેજ (Relative humidity), હવાની ઘનતા અને પવનના વેગને પણ અસર કરે છે. બગીચાઓ અને રસ્તાની બંને તરફ વાવેલાં વૃક્ષો સુંદરતા વધારે છે.

વૃક્ષો કાર્બનના પરિભ્રમણમાં પણ અગત્યનો ભાગ ભજવે છે. અબજો કરોડ ટન કાર્બન વૃક્ષોમાં સંગ્રહાયેલો છે. તેમને બાળવાથી પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનો વધારો થાય છે. વિશ્વના બધા દેશો જે સમસ્યાથી અત્યારે ચિંતિત છે તે ‘ગ્રીનહાઉસ ઈફેક્ટ’ (Greenhouse Effect) (વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ, મિથેન જેવા વાયુઓ વધવાથી વૈશ્વિક ઉષ્ણતામાન વધવાની પ્રક્રિયા)નું એક કારણ વૃક્ષોનું દહન છે.

જંગલોનો નાશ કરવાથી ઘણા વિસ્તારોનું પર્યાવરણીય સંતુલન (ecological balance) ખોરવાઈ જાય છે, જેને પરિણામે વિપુલ પ્રમાણમાં માટીનું ધોવાણ થાય છે, જમીનની ઉત્પાદનશીલતા ઘટે છે અને પૂર અથવા તો દુષ્કાળની પરિસ્થિતિ ઉત્પન્ન થવાની શક્યતાઓ વધે છે. ઋતુઓના ચક્રમાં પણ ફેરફાર થાય છે. નવી દિલ્હીના વિજ્ઞાન અને પર્યાવરણ વિકાસ કેન્દ્ર (Centre for Science and Environment)ના અહેવાલ મુજબ હાલમાં, ભારતમાં પૂરથી તરત જ અસર પામે એવો વિસ્તાર પ.૯ કરોડ હેક્ટર જમીન છે, જે ૧૯૬૦માં અંદાજવામાં આવેલ ૨.૫ કરોડ હેક્ટર વિસ્તાર કરતાં બમણાથી પણ વધુ છે.

છેલ્લાં ત્રણચાર વર્ષોમાં ઝડપથી કપાઈ રહેલાં વિષુવવૃત્તીય વર્ષા- જંગલો તો આ ખૂબ પ્રમાણમાં જૈવિક વિવિધતા (Biological Diversity)ને પોષે છે. વર્ષાજંગલોના લાક્ષણિક ૪ (ચાર) ચોરસ મિટરની જગ્યાના ભાગમાં વિવિધ જાતિનાં ૭૫૦ વૃક્ષો હોય છે. સસ્તન પ્રાણી (Mammals)ની ૧૨૫ જાતિઓ, પક્ષીની ૪૦૦ જાતિઓ, પેટે ચાલતાં પ્રાણીઓ (reptiles)ની ૧૦૦ જાતિઓ અને ઉભયજીવી પ્રાણીઓ (amphibions animals)ની ૬૦ જાતો રહે છે. દરેક પ્રકારના વૃક્ષમાં ૪૦૦ કરતાં વધારે કીટકોના પ્રકારો રહે છે. આપણે કલ્પના કરી શકીએ છીએ કે આવાં જંગલોમાંથી વૃક્ષોના નાશ સાથે પૃથ્વી ઉપરની અમૂલ્ય જૈવિક સંપત્તિ અને વિવિધતાનો કેટલો મોટો ભાગ નાશ પામે છે!

વૃક્ષોની જાળવણી અને વનીકરણ

સ્વામી વિવેકાનંદે એક વખત કહેલું, “કુદરતનો ન્યાય હંમેશાં કડક અને નિર્દયી હોય છે.” માનવીનાં કૃત્યોથી પર્યાવરણની સમતુલાનો જાણે સંધ્યાકાળ આવી ગયો છે અને કુદરત પણ તેના પર રૂઠીને પોતાની નારાજી દર્શાવે છે. અનેક વૈશ્વિક કક્ષાના પર્યાવરણીય પ્રશ્નો મનુષ્યજાતિને જાણે પોતાનું કરાલ રૂપ દર્શાવી રહ્યા છે. આવી પર્યાવરણીય સમસ્યાઓમાં વૃક્ષોનું નિકંદન, પ્રદૂષણ, એસિડ વર્ષા, ઓઝોનનો ઘટાડો, ગ્રીન-હાઉસ અસર, ઔદ્યોગિક કચરાનો નિકાલ, વગેરે મુખ્ય છે અને વધારાની સમસ્યા તો એ છે કે, તેઓ બધાં અંદરો-અંદર એકબીજા ઉપર આધારિત છે. પણ સાથેસાથે, આ પ્રશ્નોએ લોકોને પર્યાવરણ પ્રત્યે સજાગ, સાવચેત પણ કરી દીધા છે અને ઠેર ઠેર, જેટલાં વૃક્ષો, જંગલો છે તેની જાળવણીની સાથે સાથે વનીકરણ પ્રવૃત્તિઓનો પ્રારંભ પણ થયો છે. ફક્ત બ્રાઝિલ એકલામાં જ પર્યાવરણ માટે કામ કરતી ૧૦૦૦ કરતાં વધારે સંસ્થાઓ અસ્તિત્વમાં છે અને તેઓ બચી ગયેલાં ફક્ત ૩% વર્ષાજંગલોને બચાવવા ઝઝૂમી રહી છે. કેનિયામાં ગ્રીન-બેલ્ટ ચળવળ (Green-belt movement) શરૂ થઈ છે, જેમાં ૧૦ લાખ યુવાનો અને યુવતીઓ વૃક્ષોનાં બીજાંકુરો વાવી તેમને કાળજીથી ઉછેરે છે. ભારતનું ચીપકો (વૃક્ષોને ચીપકો) આંદોલન, જે ગાંધીજીના અહિંસાના સિદ્ધાંત ઉપર આધારિત છે, તેને વિદેશોમાં પણ સારો પ્રતિભાવ મળી રહ્યો છે અને એ સિદ્ધાંત ઉપર જ ત્યાંના લોકો પણ જંગલોને બચાવવાના પ્રયત્નો કરી રહ્યા હતા. સુંદરલાલ બહુગુણા પ્રેરિત આ આંદોલન હિમાલયનાં જંગલોની સફાઈ અટકાવવા માટે છે. કેરલમાં આવાં ૭,૩૦૦ મંડળો છે, જેઓ વનીકરણની પ્રવૃત્તિ હોંશથી કરી રહ્યાં છે. ઈ.સ. ૧૯૮૫માં ચીનમાં જેટલી જમીન ઉપર જંગલો હતાં તેના કરતાં બમણી જમીન ૦.૮ કરોડ હેક્ટર જમીન ઉપર એક વર્ષમાં વૃક્ષોનું વાવેતર થયું હતું.૧૨ દરેક જગ્યાએ એ જોવામાં આવે છે કે, જ્યારે જે તે વિસ્તારના સ્થાનિક લોકોને જાગૃત કરવામાં આવે છે ત્યારે આવા આંદોલનો વધુ અસરકારક બને છે.

આવી સ્વૈચ્છિક સંસ્થાઓ સિવાય, યુ.એન.ડી.પી. (United Nations Development Programmes), એફ.એ.ઓ. (Food and Agriculture Organization), World Resource Institute અને World Bank એ પણ ૬૦૦ કરોડ ડૉલરનું વધારાનું રોકાણ કરવા માટે પંચવર્ષીય યોજના બનાવી છે, જે વૃક્ષોનું છેદન અટકાવવાની સાથે નવાં વૃક્ષોની વાવણીની યોજનાનું અમલીકરણ કરશે.

આ ઉપરાંત ખેતીવનીકરણ (Agroforestry) અને સામાજિક વનીકરણ (Social Forestry) પણ એટલાં જ અગત્યનાં છે, જેમાં જંગલોમાં વૃક્ષોની વચ્ચેની જગ્યામાં પાકને ઉગાડવામાં આવે છે અને રસ્તાની બંને તરફ, રેલવેલાઈનની બંને તરફ વૃક્ષોને ઉગાડવામાં આવે છે. આનો બેવડો ફાયદો છે. જરૂરી પાક લઈ શકાય છે અને ગ્રામીણ વિસ્તારના લોકોની બળતણના લાકડાંની, ઈમારતી લાકડાંની અને ઢોર માટેના ઘાસચારાની માગને સહેલાઈથી પહોંચી વળાય છે, અને અસંખ્ય લોકોને રોજગારી પણ મળી શકે છે.

આ બધી યોજનાઓની થોડીઘણી સફળતાએ પણ લોકોના અને પર્યાવરણ નિષ્ણાતોના મનમાં આશાનો સંચાર કર્યો છે કે આખરે વૃક્ષો મનુષ્યોના જીવનમાં પોતાને જોઈતું સ્થાન હાંસલ કરી શક્યાં છે ખરાં! વિશ્વવ્યાપી પર્યાવરણીય ખતરાઓ સામે આંતરરાષ્ટ્રીય સંધિ કરાર કરી પૃથ્વીને સુરક્ષિત, જીવવાલાયક રાખવા માટે હિંમતભેર પગલાં લેવાય એ આજનો પડકાર છે. વનીકરણના પ્રયત્નોની સાથે સાથે, સામાન્ય પ્રજાના માનસમાં એ ઠસાવવાની વધુ જરૂર છે કે, મૃત વૃક્ષ કરતાં જિવિત વૃક્ષ આર્થિક રીતે વધુ ફાયદાકારક છે. તેને કાપવા કરતાં તેનો પોષક (Sustainable) ઉપયોગ વધુ સ્થાનિક અને રાષ્ટ્રીય આવક આપી શકે તેમ છે અને આર્થિક વિકાસનો અર્થ એ નહીં કે, નૈસર્ગિક સંપત્તિનો નાશ કરવો. આર્થિક વિકાસની સાથે સાથે વૃક્ષોની જરૂરી સાચવણીથી જ આપણે ખરા અર્થમાં માતબર બનીએ છીએ. સરકારી કે સ્વૈચ્છિક સંસ્થાનો મૂળભૂત અભિગમ એવો હોવો જોઈએ કે જે આમજનતાનાં મૂલ્યો, અભિગમો, ઉદ્દેશો, રૂઢિચુસ્ત ખ્યાલો અને માન્યતાઓને નવો વળાંક – નવી દિશા આપી શકે. વિજ્ઞાન અને ટેકનોલોજીની સાથે આ અભિગમનો સુમેળ સધાય એ ખૂબ જરૂરી છે. મહાન કૃષિ વૈજ્ઞાનિક લ્યુથર બરબેન્કના શો આ સ્થળે ખાસ ઉલ્લેખ માંગી લે છે. વૈજ્ઞાનિકોના એક સમૂહને સંબોધતાં તેમણે કહ્યું કે, “પૂર્વ નિર્ધારિત ખ્યાલો, માન્યતાઓ અને પૂર્વગ્રહયુક્ત વલણને એક બાજુ મૂકી, આ પ્રકૃતિ આપણને જે પાઠ શીખવવા માગે છે તેને સાંભળવા તૈયાર રહો. તે પોતાનાં સત્યો તેની સમક્ષ જ રજૂ કરે છે, જે શાંત મને નવા વિચારો ગ્રહણ કરવા તત્પર છે. જો પ્રકૃતિએ શીખવેલાં તથ્યોનો સ્વીકાર કરવામાં આવે તો આખું બ્રહ્માંડ આપણી સાથે એકરૂપ છે.”૧૪ અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઈ જતો આ સંદેશ ખૂબ પ્રાસંગિક છે. જે ભારતના યુગો જૂના દર્શન ‘વિવિધતામાં એકતા’નું જ પુન: ઉચ્ચારણ છે. તે કહે છે કે, બાહ્ય નામરૂપની પાછળ જે એકત્વ છે તેને ધ્યાનમાં રાખી, પ્રકૃતિની સાથે એકરૂપ થાઓ. મનુષ્યોના ભાગ્યને વૃક્ષો સાથે જોડતાં બંધનો ખૂબ મજબૂત છે અને આ બંધનોને વધારે મજબૂત કરવાનો અને આપણા જીવનમાં વૃક્ષના સ્થાનને પુન: શોધવાનો સમય પાકી ગયો છે.

સંદર્ભ-સૂચિ

૧. ગેરી જુકેવ, ધી ડાન્સીંગ વુ લી માસ્ટર્સ (યુ.એસ.એ. બેન્ટામ બુક્સ, ૧૯૮૦), પૃ. ૫

૨. પી. સેનશર્મા, પ્લાન્ટસ ઈન ઈન્ડિયન પુરાનસ (કલકત્તા, નયા પ્રકાશ, ૧૯૮૯) પુ. ૧૦ ઉપરથી ટાંકેલ

૩. પીટર ટોમ્પકિન્સ અને ક્રિસ્ટોફર બર્ડ, ધી સિક્રેટ લાઈફ ઑફ પ્લાન્ટસ (ઈંગ્લેન્ડ, પેંગ્વીન બુક્સ, ૧૯૭૩)

૪. સ્પાન, જૂન ૧૯૯૦ (ન્યુ દિલ્હી, ધી યુનાઈટેડ સ્ટેટસ ઇન્ફર્મેશન સર્વિસ), પૃ. ૧૧

૫. ધી ઈલસ્ટ્રેટેડ વીકલી ઓફ ઇન્ડિયા, ૨૭ મે, ૧૯૯૦ પૃ. ૨૦

૬. સ્પાન, જૂન ૧૯૯૦ પૃ. ૧૩

૭. સ્પાન, જૂન ૧૯૯૦ પૃ. ૧૩

૮. ટાઈમ, સપ્ટેમ્બર ૧૮, ૧૯૮૯ (યુ.એસ.એ. ટાઈમ ઇન્ટરનેશનલ મેગેઝીન કંપની) પૃ. ૩૭.

૯. ધી કમ્પલીટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ (કલકત્તા, અદ્વૈત આશ્રમ, ૧૯૮૯), વોલ્યુમ-૫, પૃ. ૨૪૦.

૧૦. ટાઈમ, એપ્રિલ ૨૩, ૧૯૯૦, પૃ. ૩૮.

૧૨. ધી કુરિયર, જાન્યુઆરી ૧૯૮૯ (પેરિસ, યુનેસ્કો), પૃ. ૯.

૧૩. ધી કુરિયર, જાન્યુઆરી ૧૯૮૯ (પેરિસ, યુનેસ્કો), પૃ. ૯,

૧૪. ધી સિક્રેટ લાઈફ ઓફ પ્લાન્ટસ, પૃ. ૧૨૪-૨૫

Total Views: 266

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.