૫. રામકિંકર ઉપાધ્યાય ‘રામચરિતમાનસ’ પરનાં પોતાનાં પ્રવચનો માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે. તેમનો ‘રામચરિતમાનસ’ પરનો અભ્યાસ ઊંડો અને અનોખો છે. તા. ૩૦ એપ્રિલથી ૬ મે સુધી તેમણે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં “શ્રી હનુમાન ચરિત્ર” પર પ્રવચનો આપ્યાં હતાં. તેમનો સારક્ષેપ અહીં અમે ધારાવાહિકરૂપે રજૂ કરી રહ્યા છીએ.

જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે ભગવાન પોતે સંસારના કલ્યાણાર્થે પૃથ્વી પર અવતાર ગ્રહણ કરે છે. આપણા આધુનિક યુગમાં ભગવાનનો અવતાર શ્રીરામકૃષ્ણરૂપે થયો છે. પોતાના જીવનમાં સર્વ ધર્મની સાધના કરી તેમણે વિભિન્ન ધર્મો વચ્ચે સમન્વય સાધ્યો. અવતાર એકલા આવતા નથી. તેમની સાથે તેમના પાર્ષદો હોય છે. તેમના પાર્ષદોમાં સૌથી મહાન હતા સ્વામી વિવેકાનંદ.

ભગવાન જ્યારે શ્રીરામરૂપે અવતર્યા ત્યારે તેમની સાથે દેવતાઓ પણ વાનરરૂપે આવ્યા. શિવજી પોતે હનુમાનજીના રૂપમાં અવતરે છે અને ભગવાન રામની લીલામાં સહાયરૂપ થાય છે.

રામચરિત માનસમાં એક અદ્ભુત વાત છે કે, રાવણને પણ અવતાર તરીકે વર્ણવવામાં આવ્યો છે. આને આપણે આ રીતે સમજી શકીએ : કોઈ વ્યક્તિ સીડી પરથી નીચે જાય અસાવધાનીથી, તો તે પણ અવતરણ છે અને જો બીજી વ્યક્તિ આ વ્યક્તિને બચાવવા નીચે ઊતરે તો તે પણ અવતરણ જ છે. પણ આ અવતરણોમાં અંતર છે.

રાવણમાં દુર્ગુણો આવ્યા, તેનું પતન થયું. શ્રીરામ અવતાર ગ્રહણ કરે છે, તેનો વધ કરે છે અને પછી કથા કહે છે કે, રાવણનું તેજ શ્રીરામમાં જઈને સમાઈ ગયું. આપણું આધ્યાત્મિક વિજ્ઞાન કહે છે કે, સમસ્ત સૃષ્ટિ ચૈતન્યમાંથી ઉત્પન્ન થાય છે અને ચૈતન્યમાં લીન થાય છે. કોઈ પણ વ્યક્તિ તેના મૂળ સ્વરૂપમાં ખરાબ નથી. ભૌતિક વિજ્ઞાન માને છે કે સમસ્ત સૃષ્ટિ જડમાંથી ઉત્પન્ન થઈ છે અને આ રીતે તેના જીવનનો જોવાનો દૃષ્ટિકોણ જુદો જ હોય છે.

મનુષ્યનું શરીર પશુપક્ષીઓ કરતાં ચડિયાતું છે, દેવતાઓ કરતાં પણ ચડિયાતું છે. કેમ કે દેવતાઓની યોનિ પણ ભોગયોનિ જ છે, જેટલા પ્રમાણમાં પુણ્યનો સંચાર થયો હોય તેટલા પ્રમાણમાં અને તેટલા સમય પૂરતો જ દેવતાઓ સ્વર્ગનો આનંદ માણી શકે છે. કોઈ કહે કે, મનુષ્ય શરીરમાં તો જરા, મરણ, વ્યાધિ, વગેરે રહેલા છે જ્યારે દેવશરીરમાં તો આવું કાંઈ નથી. ના, ત્યાં સ્વર્ગમાં પણ દેવતાઓને એક રોગ સતાવે છે અને તે છે ઈર્ષાનો રોગ. ઈર્ષ્યા તો મનુષ્યોમાં પણ છે, પણ અહીં ઈર્ષાવશ થઈ મનુષ્યને કર્મ કરવાની આગળ વધવાની સ્વતંત્રતા છે જ્યારે સ્વર્ગમાં તો દેવતાઓને પોતપોતાના પુણ્ય પ્રમાણે મળેલી સ્થિતિ પર જ રહેવાનું છે. મનુષ્યને સ્વતંત્રતા છે. એ ધારે તે પ્રમાણે સ્વર્ગ, નરક અથવા મોક્ષનો માર્ગ લઈ શકે છે. શ્રીરામ પ્રજાજનોને મનુષ્ય શરીર વિષે કહે છે ‘સ્વર્ગ નરક અપવર્ગ નિસૈની.’ આ વિશે એક રસપ્રદ વાર્તા છે.

રઘુરાજાના પિતા રાજા દિલીપે એકસો અશ્વમેઘ યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો. એક સો અશ્વમેઘ યજ્ઞ કરે તેને ઈન્દ્રનું આસન મળે. ૯૯ યજ્ઞો પૂરા થઈ ગયા. આ તરફ સ્વર્ગમાં ઈન્દ્રને બીક લાગી કે, આ તો મારો હરીફ થશે. એટલે તેણે યજ્ઞનો ઘોડો ચોરાવી લીધો. રઘુ બહાદુર હતા. તેમણે કહ્યું, હું સ્વર્ગ પર ચડાઈ કરી ઘોડો પાછો મેળવીશ પણ રાજા દિલીપ તેને તેમ કરવાની ના પાડે છે અને કહે છે, મને ઈન્દ્ર બનવાની ઈચ્છા નથી. ઈન્દ્રને પણ જો હરીફાઈની બીક લાગતી હોય અને ચોરી કરવાની દાનત રહી જાય તો એવા ઈન્દ્રાસનનું મારે કામ નથી.

માનવશરીર આપણને સતત ઉપદેશ આપે છે. જો એ ઉપદેશ ગ્રહણ કરી બાળપણમાં ભક્તિ, યુવા અવસ્થામાં કર્મ અને વૃદ્ધાવસ્થામાં જ્ઞાનને અપનાવીએ તો આપણને વૃદ્ધાવસ્થાની ચિંતા ન રહે, મૃત્યુની ચિંતા ન રહે.

શ્રી હનુમાનજીએ પોતાના ચરિત્રમાં જ્ઞાન, ભક્તિ, કર્મ બધા યોગોને સ્થાન આપ્યું છે, એટલે જ તેમનું ચરિત્ર ઉદાત્ત છે. પરિસ્થિતિ પ્રમાણે તેઓ એક પ્રકારના યોગનો આશ્રય લે છે. હનુમાનજી ક્યારેક તો ‘સોડહમ્‌’નો ભાવ લઈ જ્ઞાનીની અવસ્થામાં રહે છે તો ક્યારેક ‘દાસોડહમ્‌’નો ભાવ ગ્રહણ કરી ભક્તની અવસ્થામાં રહે છે. પરિસ્થિતિ પ્રમાણે તેઓ ભારે બની શકે છે અને હલકા પણ બની શકે છે.

શ્રી હનુમાનજીની વિશેષતા છે કે, તેઓ પોતાની મમતાને ફેલાવતાં પણ જાણે છે અને સમેટતાં પણ જાણે છે. હનુમાનજીને જ્યારે લંકામાં રાવણના દરબારમાં હાજર કરવામાં આવે છે ત્યારે રાવણ કહે છે – ‘કપિ કે મમતા પૂંછ પર’ વાનરની મમતા પૂંછડી પર હોય છે એટલે એની પૂંછડીમાં આગ લગાવી દો. તેથી પૂંછડીમાં તેલ લગાવવામાં આવે છે. આ તરફ હનુમાનજી કૌતુક કરે છે. તેઓ પોતાની પૂંછડીને વધારતા જ જાય છે ત્યાં સુધી કે લંકામાં તેલ ખૂટી ગયું. પછી જ્યારે પૂંછડીમાં આગ લગાડવામાં આવી ત્યારે પૂંછડીને સંકોરીને કૂદતા કૂદતા બધે લંકામાં આગ લગાડવામાં લાગી જાય છે. હનુમાનજી જાણે વ્યંગમાં રાવણને કહે છે, રાવણ, હું તો મારી મમતાને ફેલાવતાં પણ જાણું છું અને સમેટતાં પણ જાણું છું. પણ તારું દુર્ભાગ્ય એ છે કે, તું તારી મમતાને લંકામાં ફેલાવતાં તો જાણે છે પણ સમેટતાં નથી જાણતો.’ આપણા જીવન માટે આ એક મોટી શીખ છે આપણે પણ આપણી સંસાર પ્રત્યેની આસક્તિ-મમતા વધારતાં તો જાણીએ છીએ પણ જરૂર પડ્યે મમતાને સમેટવાનું જાણતા નથી, અને તેથી જ દુ:ખી થઈએ છીએ.

હનુમાનજીની બે છલાંગો પ્રસિદ્ધ છે : પહેલી-જન્મતાંની સાથે જ તેઓ સૂર્યને ફળ સમજીને સૂર્યને પકડવા છલાંગ લગાવે છે. બીજી, લંકા જવા માટે સમુદ્રને લાંઘવા તેઓ છલાંગ લગાવે છે. જ્યારે બધા વાનરો સમુદ્રને લાંઘવામાં અસમર્થતા જાહેર કરે છે ત્યારે અંગદ કહે છે કે, હું સમુદ્રપાર જઈ તો શકું પણ પાછો ફરી શકીશ કે કેમ તેમાં સંદેહ છે. લંકાની મોહમાયામાં કામિની કાંચનની માયામાંથી તેઓ છૂટી શકશે કે નહિ તે અંગદને શંકા છે. મહાભારતમાં પણ પ્રસંગ આવે છે કે અભિમન્યુ કહે છે, મને ચક્રવ્યૂહમાં પ્રવેશ કરવાની વિદ્યા તો આવડે છે પણ તેમાંથી બહાર આવવાનું હું નથી જાણતો. કારણ કે જ્યારે મારા પિતા મારી માને આ કહી રહ્યા હતા ત્યારે મારી માને નિદ્રા આવી ગઈ હતી. આ ભયંકર સ્થિતિ છે. અધકચરું જ્ઞાન ખતરનાક છે. કેટલાક લોકો શાસ્ત્રોનો થોડો અભ્યાસ કરી પોતાની રીતે તેનો અર્થ કરી અર્થનો અનર્થ કરે છે. અધકચરું જ્ઞાન મુસીબતને નોતરે છે. સાંભળો ત્યારે પૂરી વાત સાંભળો, અર્ધી નહિ.

હનુમાનજીની લંકાયાત્રા-વિશેના થોડા મુદ્દાઓ સૂત્રરૂપે આપું છું. – તેની વિશેષ ચર્ચા આગળ કરીશું.

મનુ વનમાં જઈ તપસ્યા કરી દશરથ બને છે. પ્રતાપભાનુ પણ વનમાં જાય છે, પણ તપસ્યા માટે નહિ, શિકાર માટે અને દશમુખ બને છે. કપટ કરે છે માટે કપટમુનિ મળે છે. આજકાલ સારા મુનિ મળતા નથી એમ કહેતા નહિ. તમને જેવા મુનિઓની આવશ્યક્તા હશે તેવા મળશે.

હનુમાનજીની સેવાના મર્મ વિશે આપણે આગળ ચર્ચા કરીશું.

(ક્રમશ:)

Total Views: 471

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.