(ગતાંકથી ચાલુ)

અધ્યાત્મરાજ્યમાં તો પોતે મહાસામ્રાજ્ઞી હોઈ, એમનામાં આશ્ચર્યકારક વ્યવહારબુદ્ધિ પણ હતી. આ બાબતમાં ઇતિહાસમાં એમના પોતાના સિવાય એમની સમાન બીજું કોઈ જ હતું અને જો કોઈ હતું તો તે શ્રીરામકૃષ્ણ હતા, કેવળ તેઓ એકલા જ; અન્ય કોઈ જ નહીં. “નિવેદિતાની બેલુઠ મઠ છોડી જવાની વાતે અમારી જુવાનીના એ દિવસોમાં મોટો વિવાદ સર્જ્યો હતો અને આજે પણ ઘણાંનાં મનને તે પીડે છે. આજે તમને મેં જે તારણો કહ્યાં તે બધાં, અગાઉ કહ્યા પ્રમાણે, તાજેતરમાં જ કાઢેલાં છે. થોડાંક વર્ષો પૂર્વે મને મળેલા શ્રી શંકરી પ્રસાદ બસુ સાથે પણ મારે આ વિશે વાત થઈ હતી. ત્યાં સુધી હું માનતો હતો કે, નિવેદિતાને રામકૃષ્ણ મિશન અને વિશેષ તો સ્વામી બ્રહ્માનંદે અન્યાય કર્યો છે : નિવેદિતાની તેમણે ઉપેક્ષા કરી છે. મારી આ માન્યતા ભૂલભરેલી હતી એમ શંકરી બાબુએ મને કહ્યું હતું. પોતાના મુદ્દાની તરફેણમાં તેમણે કેટલીક હકીકતો રજૂ કરી હતી, જેમાંની ઘણી હવે હું ભૂલી ગયો છું. પરંતુ તેમણે મારું ધ્યાન એક અગત્યની વાત તરફ દોર્યું, જે મને યાદ છે. જો કે તે ઘડીએ તે વાત પર મેં વધારે લક્ષ દીધું ન હતું. પરંતુ ધીમે ધીમે મને તેની અગત્ય સમજાઈ હતી. વાસ્તવમાં તો મારે માટે એ સત્યનો સાક્ષાત્કાર હતો. રામકૃષ્ણ મિશનને નિવેદિતા માટે કેટલો પ્રેમાદર હતો તેનો પુરાવો, શંકરી બાબુએ મને કહ્યા પ્રમાણે એ હતો કે, સ્વામીજીનાં ‘કમ્પલીટ વકર્સ’(વિવેકાનંદ ગ્રંથમાળા)ની પ્રસ્તાવના નિવેદિતાએ લખેલી છે અને એ ગ્રંથમાળા રામકૃષ્ણ મિશનના સાધુઓ માટે ‘ગીતા’ના સ્થાને છે. તેઓ રામકૃષ્ણ મઠથી અલગ થયાં તે પછી, ૧૯૦૭માં તેમણે આ પ્રસ્તાવના લખી હતી. તે કાળે સ્વામી બ્રહ્માનંદ અને સ્વામી શારદાનંદ બેલુડ મઠના સુકાનીઓ હતા. પોતાના લાડીલા નેતાનાં વચનામૃતો અને કૃતિઓની જગતને જાણ કરવાની ભવ્ય જવાબદારી તેમણે નિવેદિતાને પ્રદાન કરી હતી અને તે સમયે એ નિવેદિતા કોણ હતી? બહારના લોકોની દૃષ્ટિએ બીજી કોઈ નહીં પણ રામકૃષ્ણ મિશનમાંથી હકાલપટ્ટી કરાયેલી અને વાડા બહાર કાઢી મુકાયેલી એક વ્યક્તિ. શંકરી બાબુએ લક્ષ્ય દોર્યું કે, મિશનથી નિવેદિતાના અલગ પડ્યા અંગેની અતિ ચિંતનીય બાબતને લાગેવળગે છે ત્યાં સુધી આ ઘટના જ શું બરાબર કહી નથી દેતી કે એમનું મિશન છોડવું એ કેવળ ઔપચારિક ઘટનાથી વિશેષ કશું ન હતું? એ ઘટના અંગેના લાંબા કાળ સુધી સેવેલા મારા વિચારોને લઈને તત્કાલ તો મેં શંકરી બાબુની વાતને સ્વીકારી ન હતી. પણ આજે મને ખાતરી થઈ ગઈ છે કે, એ ઘટનાનો ન્યાય કરવામાં શંકરી બાબુ તદ્દન સાચા હતા.…

કેટલાંક વર્તુળોમાં નિવેદિતા વિશે પ્રવર્તતા એક ખોટા ખ્યાલનો હું અહીં ઉલ્લેખ કરું. કેટલાક માણસોને મેં એમ કહેતાં સાંભળ્યા છે કે, સ્વદેશી ડાકુગીરીના આતંકવાદનાં નિવેદિતા ચુસ્ત ટેકેદાર હતાં. પરંતુ આપણા પીઢ ક્રાંતિકારો પાસેથી તેમ જ નિવેદિતાની નિકટના ક્રાંતિકારો પાસેથી મેં જે સાંભળ્યું છે તે આથી ઊલટું જ છે. વળી, હું માનું છું કે, નિવેદિતા વિશેનો આ ખ્યાલ પાયા વગરનો અને તદ્દન કપોલકલ્પિત છે. કેટલાક પ્રૌઢ ક્રાંતિકારો પાસેથી મેં સાંભળેલી એક ઘટનાનો ઉલ્લેખ હું અહીં કરું છું. નિવેદિતાને પરિચિત એવી આતંકવાદી ટોળીના કેટલાક સભ્યોએ એ વેળા, પોતે કલકત્તા નજીક જે ધાડ પાડવા વિચારતા હતા તે વિશે નિવેદિતાને વાત કરી. પરંતુ એ વાત સાંભળતાં વેંત જ નિવેદિતા ખૂબ ગુસ્સે થઈ ગયાં અને એ સૌને ઉધડા લીધા. એમણે તે યોજના ત્યાં જ રદ કરવા તે સભ્યોને દૃઢપણે કહ્યું. એટલેથીયે પોતે સંતુષ્ટ ન રહ્યાં. એ ટોળીના નેતાને તેમણે ટોળીની આ યોજનાની જાણ કરી, તે બાબત એ નેતાને વચમાં નાખ્યા અને આ રીતે એ યોજના અમલી ન બને તે માટેની સોએ સો ટકા ખાતરી મેળવી.

પોતાની રાજકીય નજરપહોંચથી નિવેદિતા સમજતાં હતાં કે, સ્વદેશી આતંકવાદ સ્વદેશી આંદોલનને જ નુકસાન પહોંચાડશે. માનવતાને કારણે આમજનતા ક્રાંતિકારો પર સહાનુભૂતિ નહીં દાખવે. ઉગ્રવાદીઓ સામે લોક વાહ ભયની, શંકાની અને અવિશ્વાસની લાગણી સંઘરતું થશે. આથી વિશેષમાં, ઉગ્રવાદીઓમાં પોતાનામાં પણ લોભ, ક્રૂરતા, વગેરે પ્રસરી જશે અને તેનું સ્વાભાવિક પરિણામ એ જ આવશે કે, પોતાના ઉચ્ચ આદર્શથી તેમનું પતન થશે અને આવી સ્વદેશી ડાકુગીરીને લઈને સ્વદેશી આંદોલનને ખૂબ ભોગવવું પડ્યું એ એક હકીકત છે ને એ વિશે શંકા નથી. માટે એ સત્યનો સ્વીકાર કરવો જોઈએ કે, મુક્તિ માટે સ્વદેશી ડાકુગીરીમાં માનનારાઓમાંનો એક હું પણ હતો. નિવેદિતા ખૂબ તરંગી સ્વભાવનાં હતાં. છતાંય, એમનામાં ઊંડું રાજકીય શાણપણ પણ હતું. તે કાળના આપણા રાષ્ટ્રીય નેતાઓ એમની સલાહને મૂલ્યવાન ગણતા. અરવિંદનો કિસ્સો દાખલા તરીકે આપી શકાય. અરવિંદને ફરી પકડવાના બ્રિટિશ કાવતરાની ગંધ એમને આવી જતાં તેમણે જ અરવિંદને બંગાળ છોડી પોંડીચેરીમાં આશ્રય લેવા સલાહ આપી હતી. આટલું જ નહીં પરંતુ, આ કિસ્સા અંગે બીજી પણ વ્યવસ્થા કરવામાં અને તેને લગતાં બીજાં કાર્યોમાં નિવેદિતાનો ફાળો નોંધપાત્ર હતો. અરવિંદની અનુપસ્થિતિમાં એમનાં બે સામયિકો, ‘કર્મયોગી’ અને ‘ધ ધર્મ’નું નિયમિત પ્રકાશન કરવાની જવાબદારી નિવેદિતાએ ઉપાડી લીધી હતી. એટલે બ્રિટિશ સરકારને અરવિંદની ગેરહાજરીની જાણ થઈ નહીં અને આ તકનો પૂરો લાભ લઈ તેઓ સરકારની પકડમાંથી દૂર છટકી ગયાં.

પૂજ્ય શ્રીમાની અસાધારણ વ્યવહારદક્ષતા અને પૂર્વાશ્રમમાં ઉગ્રવાદીઓ રહ્યા હોય તેવા સંન્યાસીઓ પ્રત્યે અને નિવેદિતા પ્રત્યે તેમની ઊંડી વત્સલતા વિશે હું તમને કહેતો હતો. પરંતુ, એમને જે ભાગ ભજવવાનો હતો તેને લક્ષમાં લઈએ તો એમાં કશું આશ્ચર્ય પામવા જેવું નથી. આપણો સૌનો અનુભવ છે કે, પિતાઓ કરતાં માતાઓ વધારે પ્રેમાળ હોય છે અને વધારે વ્યવહારચતુર હોય છે અને વળી આ ‘મા’ કેવળ કંઈ શ્રીરામકૃષ્ણના અનુયાયીઓની જ મા નથી. એ તો જગન્માત્રની મા છે, બધાંની મા છે. આખી મનુષ્ય જાતનું ધારણપોષણ કરતી અને જે સર્વગ્રાહી, સર્વવ્યાપી માતૃશક્તિ છે, તેનું એ પ્રત્યક્ષ સ્વરૂપ છે, જેના પુનરાગમન માટે વિભુએ આ વેળા શ્રીરામકૃષ્ણનો અવતાર લીધો હતો અને, રામકૃષ્ણના અવતારનાં અનેક લક્ષણોમાંનું આ એક નહીં પણ સૌથી મોટું લક્ષણ છે..

હું ક્રાંતિકારી હતો પરંતુ, હું કદીયે ક્રાંતિકારી મટ્યો નથી. હજીયે હું ક્રાંતિકારી જ છું. મારા સમગ્ર જીવન દરમિયાન હું ક્રાંતિકારી જ રહ્યો છું. મને ક્રાંતિની ઘેલછા વળગેલી છે અને મારા લોહીના પ્રત્યેક કણમાં તેના જંતુઓ પ્રસરેલા છે અને એ લોહીને, અન્ય કોઈના નહીં પણ સ્વામી વિવેકાનંદના જાદુઈ સ્પર્શે પ્રેરણા પાઈ હતી. એટલે જ્યાં સુધી એ લોહી આ શરીરમાં વહેતું રહેશે ત્યાં સુધી ક્રાંતિની છેલછા મારાથી પળવાર પણ અળગી થશે નહીં. તેથી જ તો આજે પણ, મને જેનામાં ક્રાંતિની સુવાસ આવે છે તેની પ્રત્યે હું આકર્ષાઉં છું. આમ જ મેઝિની, ગેરિબાલ્ડી, કમાલ પાશા, લેનિન, માર્ક્સ, માઓત્સે તુંગ અને સુભાષચંદ્ર સમા વિશ્વભરના ક્રાંતિકારીના જીવનમાં મને રસ પડ્યો છે. એમની જીવનકથાઓથી હું પરિચિત છું. મેઝિની અને ગેરિબાલ્ડીનાં જીવનચરિત્રો મારી યુવાનીના પ્રભાતમાં કે કદાચ તેથીયે વહેલાં મેં વાંચ્યાં હતાં અને આ ભૂમિના મહાન ઉદામવાદી સુભાષચંદ્ર બોઝને મેં નિકટથી જોયા છે. ભારતની રંગભૂમિ પર મેં તેમને આવતા ને ભવ્ય ઊંચાઈએ જતા જોયા છે. પરંતુ સ્વામીજીની તુલનામાં આ મહાન ઉદામવાદીઓ પણ માત્ર બાળકો છે. ને શ્રીરામકૃષ્ણ? તેઓ તો સમ્રાટ છે. આ જગતે જોયેલા બધા ક્રાંતિકારોના મુકુટમણિ છે, અને વળી મોંઘેરા શારદાદેવી તેમનાં સહધર્મચારિણી છે. શ્રીરામકૃષ્ણ અને શારદાદેવીમાં ક્રાંતિનાં ક્યાં ચિહ્‌નો જોવા મળે છે?’ એમ પ્રશ્ન પૂછી શકાય. છે જ, એમનામાં એ છે જ. અતિક્રાંતિનાં બીજ એમની શાંત, સ્થિર અને મૂક સ્થિતિમાં લાંબા સમય સુધી કોઈનું ધ્યાન ખેંચતાં નથી. ભાવિ જગતમાં જે વિરાટ ક્રાંતિ આવવાની છે તેનું પ્રતીક શ્રીરામકૃષ્ણ – શારદાદેવી – સ્વામી વિવેકાનંદની મહાન ત્રિમૂર્તિ હતી. આખા જગતના ચિંતનમાં અને જાગૃતિમાં એમણે મહાન ક્રાંતિ આણી છે. એમણે આરંભેલી ક્રાંતિમાં બહારનો કોઈ સળવળાટ નથી કે નથી કોઈ ગતિની ઝલક. લોકોની દૃષ્ટિ સમક્ષ તો ફક્ત એનું બાહ્ય સ્વરૂપ જ પ્રગટ થાય તે પહેલાં કદાચ એકબે સૈકા નીકળી જાય. પરંતુ જેને ‘શ્રીરામકૃષ્ણ ક્રાંતિ’ને નામે ઓળખાવવી મને ગમે છે તે આ ક્રાંતિ કોઈ દિવસે અટકી નથી. અશ્રુતપણે અને અદૃષ્ટપણે તે તો પોતાનું કાર્ય કર્યે જ જાય છે. મનુષ્યના અંતરમાં નિહિત જે ખજાના પડ્યા છે તેને ધીમે ધીમે પ્રકાશમાં લાવવાનું અને એના ચિંતનની ઉત્ક્રાંતિના વ્યાપાર દ્વારા મનુષ્ય પોતાની પૂર્ણતાને પ્રાપ્ત કરે ત્યાં સુધી એને દોરવણી આપવાનું કાર્ય આ ક્રાંતિ કરે છે. આ શાંત ક્રાંતિના તરંગો હેઠળ આખું જગત ઢંકાઈ ગયેલું ભાવિ પેઢીના લોક જોશે.’

૨. હેમચંદ્રનો આ મત એમનો પોતાનો મત જ છે. પૂજ્ય શ્રીમા નિ:શંકપણે અસાધારણ વ્યવહારદક્ષતા ધરાવતાં હતાં એમનો દેહ ટક્યો ત્યાં સુધી, મઠ અને મિશનની અગત્યની બાબતોમાં એમનો નિર્ણય છેવટનો અને અલંઘ્ય ગણાતો. પરંતુ, ચતુરાઈનો અંશ દાખવી તેમણે કદી કોઈ સલાહ આપી ન હતી કે નિર્ણય આપ્યો ન હતો. નિવેદિતાના મામલાની બાબતમાં તેમણે કદી મત આપ્યો હોય તો (અમારી માહિતી અનુસાર તેમણે તે આપ્યો જ ન હતો), તે કેવળ મઠના નિયમો જળવાઈ રહે તેથી આપ્યો હતો. સ્વામીજીએ પોતે ઘડેલા મઠના નિયમો પ્રમાણે, મઠના કોઈ પણ સભ્યે રાજકારણ સાથે કશો જ સંબંધ રાખવો નહીં જોઈએ. પૂજ્ય શ્રીમા સાક્ષાત્ પ્રેમમૂર્તિ હતાં, પરંતુ આશ્રમના નિયમની અને આદર્શના પાલનની વાત આવતી ત્યારે, સંઘમાતા તદૃન અસાધારણ અને અસમાધાનકારક વલણ અપનાવતાં. નિવેદિતા લખે છે : ‘શું એમને વળી સખ્તાઈની જરૂર છે? કોઈ ગાલાવેલી આળપંપાળ એમને ચલિત કરી શકતી નથી. એમણે નિર્ધારિત સૌજન્ય અને નિયમની મર્યાદા જેણે ઓળંગી તે એમની હાજરીમાં દાખલ જ ન હોઈ શકે. (‘ધ માસ્ટર આઈ સો હીમ’, ઉદ્‌બોધન કાર્યાલય, કલકત્તા, ૧૯૭૨ : પૃ. ૧૪૩-૧૪૪). મઠ અને મિશનથી ‘વિખૂટાં’ પડ્યા પછી કેટલાંક વર્ષો બાદ નિવેદિતાએ આ લખ્યું હતું તે ધ્યાનમાં રાખવું જોઈએ. : ‘શ્રીમાની સેવામાં રહેનાર એક સાધુએ કોઈ મોટું ગેરકૃત્ય આચરતાં તેને મઠમાંથી જવું પડ્યું હતું. હૃદયમાં ખૂબ દુ:ખ થતું હોવા છતાં, પોતે તે સાધુ સામે જ પગલું લીધું હતું તેને પૂજ્ય શ્રીમા દૃઢપણે વળગી રહ્યાં હતાં. આ ઘટનાને થોડાં વર્ષો વીતી ગયા પછી વ્યક્તિનું નામ કોઈએ લીધું ત્યારે પૂજ્ય શ્રીમા ગંભીર થઈ બોલી ઊઠ્યાં હતાં : ‘મારી સમક્ષ કદીયે એ નામ ન બોલો. એણે સંન્યાસીની પ્રતિજ્ઞાનો કર્યો હતો. ‘મા’ આવાં હતાં મઠના નિયમો અને આદર્શોના પાલનમાં આટલાં દૃઢ અને આકરાં.

૩. હેમચંદ્રના શબ્દોએ મને વિલ અને એરિયલ ડ્યુંરાના શબ્દોનું સ્મરણ કરાવ્યું : ‘ચિત્તને પ્રકાશિત કરવામાં અને ચારિત્ર્યને વિશુદ્ધ કરવામાં જ સાચી ક્રાંતિ છે, સાચી મુક્તિ વ્યક્તિગત છે અને ફિલસૂફો અને સંતો સાચા ક્રાંતિકારો છે.’ (‘લેસન્સ ઑફ હિસ્ટરી’ સાટમન એંડ શુસ્ટર, ન્યૂયોર્ક ૧૯૬૮, પૃ. ૭૨)

Total Views: 314
By Published On: August 1, 1991Categories: Purnatmananda Swami0 CommentsTags: , , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram