(ગતાંકથી આગળ)

ઈશ્વર પ્રાર્થનાની ઉપયોગિતા

કોઈ એમ કહી શકે કે, જો ઈશ્વર એક કમ્પ્યૂટર જેવો જ હોય, તો પછી એની પ્રાર્થના કરવાનો શો અર્થ રહ્યો? કમ્પ્યૂટર તો કોઈના તરફ પક્ષપાત રાખે જ નહિ. તો પછી આ ભજન, પૂજન, હવન, પાઠ, વગેરે જે ચાલી રહ્યાં છે, એનો ઉપયોગ શો છે? આના ઉત્તરમાં એમ કહી શકાય કે ભજન, પૂજન, પ્રાર્થના પાઠ વગેરે ક્રિયાઓ આપણી ભાવનાઓને શુદ્ધ કરે છે અને આ શુદ્ધ ભાવનાઓના સંસ્કારો ઈશ્વર કમ્પ્યૂટરમાં અંકિત થઈને આપણા હિસાબમાં જમા થઈ જાય છે. જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ, ત્યારે કંઈ આકાશમાં બેઠેલ કોઈ ઈશ્વર આપણી વાત સાંભળતો હોતો નથી. એ તો આપણી પોતાની એક ભાવના છે કે, આ પ્રકારની પ્રાર્થનાથી શુદ્ધ અને ઉદાત્ત બને છે. આ ઈશ્વર કમ્પ્યૂટર તો સર્વવ્યાપી છે અને દરેક જીવના ચિત્તમાં એની Personal File વ્યક્તિગત નમૂનેદારી હોય છે, એ અનુસાર એ જીવનું નિયંત્રણ કરે છે. એટલા માટે જ તો ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં અર્જુનને કહે છે :

ईश्वरः सर्वभूतानां हृद्देशेडर्जुन तिष्ठति ।
भ्रामयन् सर्वभूतानि यंत्रारुढानि माययां ॥(१८/६१)

“હે અર્જુન, જાણે યંત્ર પર આરૂઢ થયાં હોય એવાં સકલ ભૂતોને એમનાં પોતાનાં કર્મો પ્રમાણે, પોતાની માયાથી ઘુમાવતો રહેતો ઈશ્વર બધાં ભૂતોના હૃદયમાં નિવાસ કરી રહેલો છે.”

વસ્ત્ર, ઘર અને જળોનાં ઉદાહરણોનો સમન્વય

પહેલાં આપણે એ પ્રશ્ન ખડો કર્યો હતો કે, શરીરાંતરગ્રહણમાં જળોનું ઉદાહરણ બરાબર છે કે પછી વસ્ત્ર અને ઘરનું ઉદાહરણ? આચાર્ય શંકર બ્રહ્મસૂત્ર ઉપરના પોતાના શારીરિક ભાષ્યમાં આ પ્રશ્ન ઊભો કરે છે અને પછી એનો તર્કપૂર્ણ ઉત્તર આપે છે. તેઓ કહે છે કે, દેહી આત્માજીવ-પંચાગ્નિક્રમથી નવું શરીર ધારણ કરે છે અને એની સાથોસાથ તેઓ જળો અને વસ્ત્ર એ બંને ઉદાહરણોનો સમન્વય પણ કરી આપે છે. અહીં તેમનું એક વાક્ય છે

‘कर्मोपस्थापितप्रतिपत्तव्यदेहविषय भावना ।
दीर्घीभावनावं जतुक्या उपमीयते’ । (३/१)

અર્થાત્, ‘મૃત્યુ વખતે હવે પછીનો જન્મ પ્રાપ્ત કરાવવા માટે, જે પ્રારબ્ધકર્મ કે પ્રધાનક્રમ અગ્રસર થાય છે, તે હવે પછી પ્રાપ્ત થનાર શરીરની ભાવનાને એ જ સમયે ઉપસ્થિત કરી દે છે. આ ભાવનાનો ‘દીર્ઘીભાવ’ એટલે કે ‘બીજું સ્થૂલ શરીર પ્રાપ્ત થાય, ત્યાં સુધી ટકી રહેવું.’ એ જ વાત જળોની ઉપમા દ્વારા પ્રદર્શિત કરવામાં આવી છે.’

મરણોત્તર જીવન

વ્યક્તિની છેલ્લી ઘડી જ્યારે નજીક આવે છે, એ વખતે એ બહારના સંસાર માટે તો બેહોશ બની રહેલી હોય છે, પણ પોતાની ભીતરમાં તો એ પૂરેપૂરી ભાનમાં હોય છે. એ વખતે એના જન્મજન્માંતરના બધા જ સંસ્કારોનો સમૂહ એના માનસપટ ઉપર જાણે કે ખડો થઈ જાય છે, અને એમાંથી જે સંસ્કારો સૌથી પ્રબળ હોય છે, તે એ વ્યક્તિના આવનારા શરીરની ભાવના ઉત્પન્ન કરે છે. આ પ્રબળ સંસ્કારસમૂહને જ ‘પ્રારબ્ધ’ કહેવામાં આવે છે. વર્તમાન સ્થૂલ શરીર છોડતા જીવના સૂક્ષ્મ શરીરને આ સંસ્કારસમૂહ, આગામી-પ્રાપ્તવ્ય શરીરને માટે અનુરૂપ હોય એવી ભાવનાથી આક્રાન્ત કરે છે અને એને તદનુરૂપ આકાર આપે છે. અર્થાત્, મરણ વખતે જીવ પોતાના વર્તમાન શરીરમાં વિદ્યમાન રહ્યે રહ્યે જ આગામી શરીરની ભાવનાથી યુક્ત થઈ જાય છે, અને એના પછી જ આ શરીર છોડે છે. આ જ વાતને ભાગવત અને બૃહદારણ્યકોપનિષદમાં ‘આગલા શરીરને પકડવું’ એવો અર્થ કરીને જળોનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. જીવન મરણકાળની ભાવના જ એની શરીરાંતર પ્રાપ્તિનું કારણ બને છે. ગીતામાં જ કહેવામાં આવ્યું છે :

यं यं वापि स्मरन्भावं त्यज्यन्ते कलेवरम् ।
तं तमैवैति कौन्तेय सदा तद्भावभावितः ॥(८/६)

‘હે કૌન્તેય, મનુષ્ય જે ભાવનું સ્મરણ કરતો કરતો છેલ્લે દેહ છોડે છે, તે હંમેશાં એ ભાવથી યુક્ત હોવાને કારણે એને જ પ્રાપ્ત થાય છે.’ આ રીતે વસ્ત્ર અને ઘરનાં ઉદાહરણો પણ અહીં બંધબેસતાં થાય છે અને જળોના ઉદાહરણની સંગતિ પણ બરાબર જળવાય છે.

આ રીતે આપણે જોયું કે, મૃત્યુ વખતે મનુષ્યના બધા જ સંસ્કારો એના માનસપટલ ઉપર આવીને જાણે કે ખડા થઈ જાય છે. એ સંસ્કારસમૂહમાંથી જે સંસ્કારોની પ્રબળતા હોય છે, તે એના સૂક્ષ્મ શરીરને તદ્દનુરૂપ આકાર અર્પે છે અને એની આગામી યોનિ એ જ ક્ષણે નિશ્ચિત થઈ જાય છે. જે સંસ્કારો પ્રબળ થઈને જીવની આગામી યોનિને નક્કી કરી આપે છે. આગામી યોનિનું જે સંસ્કારો કારણ બને છે, એ સંસ્કારો ‘પ્રારબ્ધ’ નામે ઓળખાય છે અને આ ‘પ્રારબ્ધ’ જ એની આગામી યોનિનું ‘સૂક્ષ્મ શરીર’ બની જાય છે. સંસ્કારોનો બીજો જે વિપુલ સમૂહ બાકી બચેલો હોય છે, તે ‘કારણ શરીર’માં જમા થઈ રહેલો હોય છે. મૃત્યુને વખતે ‘સૂક્ષ્મ શરીર’માં ‘કારણ શરીર’ની સાથે આ ‘સ્થૂલ શરીર’માંથી બહાર નીકળી જાય છે. આ જ મૃત્યુની અવસ્થા છે. આ રીતે, ‘કારણ શરીર’ આપણા જન્મજન્માંતરના સંસ્કારોના સંચિત સમૂહથી બને છે, એ વાસનામય હોય છે. ‘સૂક્ષ્મ શરીર’ અને “કારણ શરીર’ની યુતિ – (મિલિત સ્વરૂપ)ને ‘જીવ’ એવું સામાન્ય નામ આપવામાં આવ્યું છે. અમીબાથી માંડીને જ્યાં સુધી જ્ઞાનપ્રાપ્તિ ન હોય, ત્યાં સુધી દરેકે દરેક જીવના ‘સૂક્ષ્મ શરીર’ની પોતાની એક અલગ વિશિષ્ટતા, ખાસિયત, એક અલગ પિછાણ આ જીવ પોતાના ‘પ્રારબ્ધ’ પ્રમાણે ઉપર અથવા તો નીચે જાય છે; અથવા તો મધ્યમાં રહે છે. પ્રારબ્ધમાં સત્ત્વગુણની પ્રધાનતા રહી હોય તો મૃત્યુ પછીય સ્વર્ગ વગેરે ઉચ્ચ લોકોમાં જાય છે; જો રજોગુણ પ્રબળ હશે, તો એ મનુષ્યલોકમાં જ રહે છે, અર્થાત, મૃત્યુ થયા પછી ફરી વખત મનુષ્ય યોનિમાં જ જન્મ લે છે અને જો તમોગુણનું પ્રાબલ્ય હશે તો એ અધોગતિને પ્રાપ્ત કરશે. અર્થાત, જીવજંતુ, પશુ, વગેરે ક્ષુદ્ર યોનિઓમાં જન્મ લે છે. ગીતામાં કહ્યું પણ છે :

ऊर्ध्वं गच्छन्ति सत्त्वस्था मध्ये तिष्ठन्ति राजसाः ।
जधन्यगुणवृत्तिस्था अधो गच्छन्ति तामसाः ॥ १४/१८

‘સત્ત્વગુણપ્રધાન લોકો ઉપર સ્વર્ગ વગેરે લોકમાં જાય છે. રજોગુણપ્રધાન મનુષ્યો વચ્ચેના મનુષ્યલોકમાં રહે છે. તમોગુણપ્રધાન (હલકા ગુણવાળા) નીચે પશુ વગેરેની યોનિઓમાં જાય છે.’

મનુષ્ય યોનિમાંથી ભિન્ન યોનિઓમાં ગમન

હવે અહીં એક બીજો વધુ પ્રશ્ન ઊભો થાય છે. શું જીવ પીછેહઠ કરીને મનુષ્યયોનિઓમાંથી પાછળની અલ્પવિકસિત યોનિઓમાં પાછો ગમન કરે છે ખરો? એક વાર જેણે મનુષ્યયોનિ પ્રાપ્ત કરી લીધી હોય, એ ફરી વખત શું એની નીચેની જીવજંતુ કે પશુપક્ષીઓની યોનિઓમાં જઈ શકે ખરો કે? આના ઉત્તરમાં એમ કહી શકાય તેમ છે કે હા, જીવનું નીચેની યોનિઓમાં જવાનું સંભવિત છે. પુનર્જન્મનો સિદ્ધાંત આ વાતનો સ્વીકાર કરે છે. જેવી રીતે જીવ પોતાનાં પુણ્યકર્મોના ભોગવટા માટે સ્વર્ગ વગેરે ઉચ્ચ લોકોમાં જાય છે, તેવી જ રીતે તે પોતાનાં હલકાં કર્મોનાં ફળો ભોગવવા માટે હલકી યોનિઓ પ્રાપ્ત કર્યા કરે છે. જેવી રીતે દેવયોનિઓ, , ‘ભોગયોનિઓ’ કહેવાય છે. તેવી જ રીતે હલકી યોનિઓ પણ ‘ભોગોયોનિઓ’ જ છે. ફક્ત એક મનુષ્યની યોનિ જ ‘કર્મયોનિ’ છે. આ યોનિમાં જ મનુષ્ય પોતાનાં કર્મો દ્વારા પોતાની નિયતિનું, પોતાના ભાવિ જન્મનું નિર્માણ કરી શકે છે, અને એ કરે જ છે. મનુષ્ય સિવાયની બાકીની બધી જ યોનિઓ તો ફક્ત ‘ભોગયોનિઓ’ જ છે. આ યોનિઓમાં કોઈ કર્મો કરી શકતાં હોતાં નથી, અહીં તો ફક્ત કર્મોનાં ફળો જ ભોગવી શકાય છે. જેવી રીતે જીવ પોતાનાં પુણ્યકર્મોનાં ફળ, સ્વર્ગ વગેરે લોકમાં ભોગવીને પોતાના બાકી બચેલા સંચિત સંસ્કારોનો ઉપભોગ કરવા માટે ફરી પાછો મનુષ્યયોનિમાં પ્રવેશ કરે છે, તેવી જ રીતે તે હલકી યોનિઓમાં પોતાનાં પાપકર્મોનાં ફળો ભોગવીને પોતાના બાકી બચેલા સંચિત સંસ્કારોને પરિણામે, ફરી પાછો માનવયોનિમાં આવે છે; અને આ રીતે જન્માંતરણની આ ઘટમાળ, ઠેઠ ત્યાં સુધી અવિરત ચાલ્યા જ કરે છે કે જ્યાં સુધી તે પોતાની દિવ્યસ્વરૂપતાને પૂરેપૂરી રીતે અભિવ્યક્ત કરી લેતો નથી. દિવ્યસ્વરૂપતાની આ પૂર્ણાભિવ્યક્તિ જ પૂર્ણતાની અવસ્થા છે; અને એને જ આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન, આત્મસાક્ષાત્કાર, નિર્વિકલ્પ સમાધિ, ઈશ્વર દર્શન, વગેરે ભાતભાતનાં નામોથી પિછાણવામાં આવે છે.

મોક્ષનું તાત્પર્ય : જીવન્મુક્તિ અને વિદેહમુક્તિ

અહીં વળી એક પ્રશ્ન એ થાય છે કે, આ મોક્ષ અથવા બ્રહ્મજ્ઞાનની અવસ્થા એવી તે વળી કેવી છે કે જે જન્માંતરણની અવિરત ચાલતી ઘટમાળને પણ સમાપ્ત કરી દે છે? આના ઉત્તરમાં એવું કહેવામાં આવે છે કે, જ્યારે મનુષ્ય પોતાના મનને સાધના દ્વારા તુરીય અવસ્થામાં લઈ જાય છે, ત્યારે જ્ઞાનાગ્નિના તાપથી એ બળી જાય છે. આનું તાત્પર્ય એ છે કે, સંબોધિની એ ક્ષણે જ્ઞાનના ઉત્તાપમાં ‘કારણ શરીર’ બળી જાય છે. એનો નાશ થઈ જાય છે અને એ રીતે અહંભાવ બળીને ખાખ થઈ જવાને કારણે કર્તાપણાનો નાશ થાય છે. એટલા માટે જ્ઞાનપ્રાપ્તિ થયા પછી થતાં કોઈ પણ કર્મોના સંસ્કાર ઉત્પન્ન થતા નથી. અર્થાત્ ક્રિયમાણ કર્મોના સંસ્કારો નિર્બીજ થઈ જાય છે. કોઈ પણ કર્મનો સંસ્કાર તો ત્યારે જ ઉત્પન્ન થાય છે કે જ્યારે એની પાછળ કર્તાપણાનો ભાવ રહેલો હોય. આ રીતે સંચિત સંસ્કારો તો બળી જ જાય છે, અને ક્રિયમાણ સંસ્કારોની ઉત્પત્તિ બંધ થઈ જાય છે. ત્યારે હવે તો કેવળ પ્રારબ્ધ કર્મ જ બાકી રહ્યું. આ પ્રારબ્ધ કર્મનો નાશ એને ભોગવીને જ થાય છે. જેવી રીતે, માનો કે એક પંખો ચાલી રહ્યો છે. આપણે એનું બટન ‘ઓફ’ કરી દઈએ, એટલે એ પંખો કંઈ એ જ ક્ષણે તો બંધ થઈ જતો નથી એ તો ત્યાં સુધી ફરતો જ રહેવાનો કે જ્યાં સુધી એનામાં પહેલાં પ્રાપ્ત કરેલી ગતિ બાકી રહી હોય. બસ, એ જ રીતે, આ જ્ઞાનપ્રાપ્તિ પણ કર્મના બટનને બંધ કરવા બરાબર જ છે. સંચિત સંસ્કારોનો તો નાશ થઈ ગયો અને વળી નવા સંસ્કારો બનવાનું બંધ પડી ગયું એટલે તો બસ, જ્ઞાનપ્રાપ્તિની આ અવસ્થામાં ફક્ત પ્રારબ્ધ સંસ્કારો દ્વારા જ જીવનનું ગાડું ચાલ્યા કરે છે. આ અવસ્થાને ‘જીવન્મુક્ત’ની અવસ્થા કહેવામાં આવે છે. મન વગેરે બધું આ અવસ્થામાં મોજૂદ તો હોય છે. પણ એની બાંધવાની શક્તિનો તો નાશ થઈ જાય છે. બળી ગયેલ દોરડાંની રાખનો આકાર તો દોરડાં જેવો જ દેખાય છે ખરો પણ એમાં કશાને બાંધવાની ત્રેવડ તો હોતી નથી. મોઢેથી થોડી ફૂંક મારીએ ત્યાં તો એ રાખ ઊડીને વેરવિખેર થઈ જાય છે. જ્ઞાનીનું મન આ બળેલાં દોરડાં જેવું હોય છે. એના મનનો આકાર તો અકબંધ રહેલો દેખાય છે. એટલે એને પણ મનની બધી જ રીતની સંવેદનાઓ થતી હોય એવું દેખાય તો છે, પરંતુ આ મન એને બાંધી શક્યું નથી. પ્રારબ્ધનો વેગ સમાપ્ત થઈ જાય કે તરત જ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર બંને નાશ પામી જાય છે અને કારણ શરીર તો પહેલાં જ બળી ચૂક્યું હોય છે. આ રીતે સૂક્ષ્મ શરીર તેમ જ કારણ શરીરનો નાશ થઈ જવાથી આવનજાવન કરનાર દેહાભિમાની જીવના અજ્ઞાનનો પડદો નાશ પામી જાય છે અને તે પોતાની આત્મસ્વરૂપતાની અનુભૂતિ કરીને બ્રહ્મસ્વરૂપ થઈ જાય છે. આને જ ‘વિદેહમુક્તિ’ની અવસ્થા કહેવામાં આવે છે.

(કમશ:)

ભાષાંતરકાર : કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 233

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.