૮મી ઑગષ્ટે શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ પાર્ષદ સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજ (શશી મહારાજ)ની જન્મતિથિ પ્રસંગે તેમના જીવનચરિત્રને આવરી લેતો આ લેખ રજૂ કરીએ છીએ.

“તું સાકાર પસંદ કરે છે કે નિરાકાર?”

“મને તો એ જ ખબર પડતી નથી કે, ભગવાન છે કે નહીં! તો સાકાર કે નિરાકાર પસંદ કરવાની વાત જ ક્યાં આવી?”

કોલેજમાં અભ્યાસ કરી રહેલા નવયુવક શશીભૂષણના મુખે આવી સ્પષ્ટ અને નિર્ભય વાત સાંભળીને શ્રીરામકૃષ્ણના ચહેરા ઉપર પ્રસન્નતા તરવરી રહી અને તેઓ આગળ બોલવા લાગ્યા, “આજકાલનાં મા-બાપો નાની ઉંમરમાં જ છોકરાઓને પરણાવી દે છે. સ્કૂલ-કોલેજમાંથી બહાર નીકળે ત્યાં સુધીમાં તો તેઓ કેટલાંય છોકરાંના બાપ બની ગયા હોય છે. પછી કુટુંબના ભરણપોષણ માટે નોકરીની તલાશમાં દોડધામ કરવા લાગે છે.”

“તો મહારાજ! પરણવું એ શું ખરાબ છે?” ત્યાં હાજર રહેલા શ્રોતાઓમાંથી એક બોલી ઊઠ્યો અને એના ઉત્તરમાં શ્રીરામકૃષ્ણ પોતાના ઓરડામાં ‘બાઈબલ’ની એક નકલ હતી એમાંથી નિશાની કરેલો એક ફકરો તેઓને વાંચવા કહ્યું : “અપરિણીતો અને વિધવાઓને હું એ જ કહું છું કે, ન પરણવું એ જ સારું છે. જેમ કે હું પોતે અપરિણીત રહ્યો છું. પણ જો તેઓ સંયમનું આચરણ ન કરી શકે તો પછી પરણી જવું વધારે સારું છે. કેમ કે વાસનાની આગમાં સળગ્યા કરવા કરતાં પરણી જવું જ વધારે લાભદાયી છે.”

“તો શું વિવાહ કરવા એ ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધ છે?” સાંભળી રહેલા એક શ્રોતાએ શ્રીરામકૃષ્ણને પૂછ્યું અને વળી પોતાના મનની ચિંતા વ્યક્ત કરતાં કહ્યું, “તો પછી ઈશ્વરની સૃષ્ટિ કેમ ચાલશે?”

આ સાંભળીને શ્રીરામકૃષ્ણે હસતાં હસતાં કહ્યું, “એને માટે તમારે ચિંતા કરવાની જરાય જરૂર નથી. જેઓ પરણવા ઈચ્છે છે, તેઓ ભલે પરણે. આ તો અમારી વચ્ચે એમ જ એક વાત થઈ ગઈ. મારે જે કહેવું હતું તે કહી દીધું. તમે આગળપાછળનું છોડીને બાકીનું લઈ લો.”

આ રીતે તે દિવસે કલકત્તાથી એમને પ્રથમ વાર જ મળવા આવેલા નવયુવક શશી અને શરત્‌ને શ્રીરામકૃષ્ણે જે કંઈ કહેવું હતું તે માર્મિક રીતે કહી દીધું. પરંતુ તે દિવસે અનેક ભક્તો ત્યાં હતા તેથી સ્પષ્ટરૂપે વિશેષ કંઈ કહી શક્યા નહીં. છતાં તેમણે શશીને એટલું તો જરૂર કહ્યું, “ફરી પાછો આવજે. પણ એકલો જ. ધર્મની સાધના છૂપી વસ્તુ છે.”

શ્રીરામકૃષ્ણે પ્રથમ મુલાકાતે જ શશીના અંતરમાં પ્રવેશ કરી લીધો. શશીને પોતાના અંતરમાં પ્રજ્વળતી આધ્યાત્મિક ભૂખના શમનનો માર્ગ ઠાકુરની વાણીમાં સ્પષ્ટ થતો દેખાયો. કાલીમાતાના ઉપાસક પિતા ઈશ્વરચંદ્ર અને ધર્મપરાયણ માતાના આ તેજસ્વી પુત્રનો જન્મ ૧૩મી જુલાઈ ઈ.સ. ૧૮૬૩ને રવિવારે-અષાઢ વદ તેરસને પ્રભાતે ચાર ને છપ્પન મિનિટે થયો હતો. માતાપિતાના ધાર્મિક સંસ્કારો શશીને વારસામાં મળ્યા હતા. પાઠ-પૂજા, જપ-ધ્યાન, નામસંકીર્તન, વગેરે બધું શશીના અંતરમાં શૈશવકાળથી જ વણાઈ ગયેલું હતું. ગામડાની નિશાળનું ભણતર પૂરું કર્યા પછી તેમણે ઉચ્ચ માધ્યાત્મિક અને કોલેજનો અભ્યાસ શરતચંદ્રના ઘરે રહીને કર્યો હતો. કલકત્તામાં શરતનો સાથ મળતાં શશીની આધ્યાત્મિક ભૂખ વધુ પ્રજ્વલિત બની ગઈ આથી તેઓ બંને તે સમયે બંગાળમાં વહી રહેલી બ્રાહ્મોસમાજની ભાવધારામાં જોડાઈ ગયા અને કેશવચંદ્રસેનનું માર્ગદર્શન મેળવવા લાગ્યા. શશી થોડો સમય કેશવચંદ્રના પુત્રના ગૃહશિક્ષક પણ બન્યા. આમ, કેશવચંદ્રના સંપર્કથી શશીની આધ્યાત્મિક ભૂખ થોડી શમી ખરી પણ એથી એમના અંતરાત્માને તૃપ્તિ ન મળી. એમનું અંતર પોતાની આધ્યાત્મિક ભૂખનું સંપૂર્ણ શમન કરે એવા કોઈ મહાપુરુષના સાંનિધ્યને ઝંખવા લાગ્યું. સદ્ભાગ્યે આ જડ અરસામાં એમના હાથમાં “ઈન્ડિયન મિરર” વર્તમાનપત્રની એક નકલ આવી, જેમાં દક્ષિણેશ્વરના પરમહંસ વિષે લેખ હતો. એ લેખ વાંચતાં જ શશીના અંતરમાં પરમહંસદેવને મળવાની અદમ્ય ઈચ્છા જાગી અને એક દિવસ તેઓ શરતની સાથે સાથે દક્ષિણેશ્વર પહોંચી ગયા.

શ્રીરામકૃષ્ણે પહેલી જ મુલાકાતમાં જાણી લીધું કે, આ બન્ને યુવકો તો એમના અંતરંગ ભક્તમંડળમાંના છે. આથી જ વિદાય આપતી વખતે એમણે બંનેને એકલા આવવા ભારપૂર્વક કહ્યું. શ્રીરામકૃષ્ણના થોડી ક્ષણોના સાંનિધ્યે અને વાર્તાલાપે શશીના અંતરમાં આ મહાપુરુષ પ્રત્યે તીવ્રતમ આકર્ષણ જગાવી દીધું હતું. આથી કલકત્તામાં પણ શશીનું મન વારંવાર એ પરમ પુરુષના સાંનિધ્યમાં પહોંચી જતું. પછી તો જ્યારે જ્યારે કોલેજમાં રજા પડતી ત્યારે તેઓ દક્ષિણેશ્વર પહોંચી જતા અને શ્રીરામકૃષ્ણનાં વચનામૃતોનું એકાગ્રતાથી પાન કરતા. ઘણી વાર એવું બનતું કે, જ્યારે તેઓ દક્ષિણેશ્વર જતા ત્યારે ત્યાં ઠાકુરને અનેક ભક્તોથી વીંટળાયેલા જોતા. શશીના મનમાં અનેક પ્રશ્નો, મૂંઝવણો અને શંકાઓ ઊઠતી રહેતી, તે સઘળીનું ઠાકુર સમક્ષ નિવેદન કરી તેઓ નિરાકરણ કરવા ઇચ્છતા. પણ આટલા બધા ભક્તોની વચ્ચે અંતરની વાત કહેવી કઈ રીતે? મનની શંકાઓ રજૂ કરવી કઈ રીતે? વિચારીને શશી મનોમન મૂંઝાતા. પણ અંતર્યામી ઠાકુર એમની મૂંઝવણ કળી જતા. તેઓ અત્યંત પ્રેમભાવથી એને સત્કારતા અને કહેતા, “આવ બેસ, બેસ” અને તેમને પોતાની પાસે બેસાડતા. અને કંઈક આશ્ચર્યકારક બની જતું! ઠાકુરની સમીપ બેસતાં જ મનમાં ઉઠતી સઘળી શંકાઓ શમી જતી. મન શાંત સરોવર જેવું નિસ્તરંગ અને સ્થિર થઈ જતું! ત્યારે શશીને થતું કે, વ્યક્ત વાણી કરતાં આ આધ્યાત્મિક પુરુષનાં અવ્યક્ત આંદોલનોનો પ્રભાવ એટલો પ્રબળ છે કે, એ વ્યક્તિના દોડધામ કરતા ચંચળ મનને પકડીને શાંત અને સ્થિર કરી દઈ શકે છે.

તે દિવસે શશી દક્ષિણેશ્વરમાં રોકાઈ ગયા હતા અને કોઈ વસ્તુ શોધી રહ્યા હતા. તે શોધવા માટે તેઓ ઠાકુરનો ઓરડો ઝડપથી વટાવીને બહાર નીકળ્યા. એમને આ રીતે કંઈક શોધતા અને ઉતાવળે જતા જોઈને ઠાકુરે કહ્યું, “તું જેને ચાહે છે, તે આ જ છે. આ જ છે, આ જ છે.”

“અરે, ઠાકુર આ શું કહી રહ્યા છે? પોતાના અંતરમાં રહેલી વાત ઠાકુરે જાણે આજે આ રીતે પ્રગટ કરી!”

વિસ્મિત ચહેરે તેઓ ઠાકુર સામે જોવા લાગ્યા, તો મંદ મંદ સ્મિત વહાવતા ઠાકુર કૃપા વરસાવતા સામે ઊભા છે! તત્ક્ષણ શશીના અંતરમાં પ્રકાશ પથરાયો કે, તે જેને ઝંખે છે, તે સાચે જ આ જ છે અને ત્યારે તેમના અંતરમાં અત્યાર સુધી ભભૂકી રહેતી આધ્યાત્મિક ભૂખ શમી ગઈ. હવે ઠાકુરના અંતરમાંથી સહજપણે વહી આવેલી આ વાણીએ એમને સ્પષ્ટ ખાતરી કરાવી આપી કે, જીવનમાં મેળવવા જેવી એકમાત્ર વસ્તુ આ જ છે. તેમના મનના સઘળા સંશયો હટી ગયા, હૃદયનો દાવાનળ શમી ગયો, જીવનનું ધ્યેય સ્પષ્ટ થઈ ગયું. તેમણે ઠાકુરનાં ચરણોમાં પોતાની જાતનું અશેષ સમર્પણ કરી દીધું.

હવે શશી વારંવાર દક્ષિણેશ્વર આવવા લાગ્યા. પરિણામે નરેન્દ્ર, રાખાલ, બાબુરામ, વગેરે અન્ય યુવાન ભક્તો સાથે તેમનો પરિચય પણ વધ્યો. ઠાકુરના પ્રેમસૂત્રે આ સહુ ભક્તોને અંતરંગ આત્મીય સ્વજનો બનાવી દીધા. નરેન્દ્ર એક વખત સૂફી કાવ્યોની પ્રશંસા કરી. આથી શશીને એ કાવ્યો વાંચવાની ઇચ્છા જાગી. એ માટે તેમણે ફારસી ભાષા શીખવી શરૂ કરી. તે દિવસે શશી ફારસીના અધ્યયનમાં એકાગ્ર હતા. ઠાકુરે એમને બોલાવ્યા પણ તેમણે કશું સાંભળ્યું ન હતું. ઠાકુરે બીજી વાર બૂમ પાડી તોય જવાબ ન મળ્યો. ત્રીજી વાર પણ એમ જ થયું. આથી ઠાકુરને નવાઈ લાગી અને થયું કે. તે એવી કઈ બાબતમાં આટલો બધો તલ્લીન બની ગયો છે કે મારી બૂમ પણ સાંભળી શકતો નથી! તેમણે શશીને કહ્યું : “અપરાવિદ્યામાં ડૂબીને જો તું પરાવિદ્યાને ભૂલી જઈશ તો તારું હૃદય ભક્તિહીન બની જશે.” અને શશીનો ફારસીનો અભ્યાસ ત્યાં જ પૂરો થઈ ગયો. પછી એને સૂફી કાવ્યો વાંચવાની જરૂર જ ન રહી.

શશી માટે ઠાકુર સર્વસ્વ હતા. તેમની હૃદયપૂર્વકની સેવાથી ઠાકુર શશી ઉપર અત્યંત પ્રસન્ન હતા. તેઓ ઘણી વાર તેમને દક્ષિણેશ્વરમાં રોકાઈ જવા આગ્રહ કરતા. પરંતુ કૉલેજનો અભ્યાસ, આર્થિક જવાબદારી અને અન્ય કામકાજમાં રોકાયેલા હોઈને શશી દક્ષિણેશ્વરમાં વધારે સમય રોકાઈ શક્તા નહીં. છતાં પણ જેટલો સમય મળતો, એ સમય ઠાકુરની સેવામાં જ ઉપયોગ કરતા. એક વખત ઉનાળામાં તેઓ ઠાકુર માટે બરફ લાવ્યા. બરફના ટુકડાને અંગૂછામાં વીંટાળીને પગે ચાલતા ચાલતા તેઓ દક્ષિણેશ્વર આવ્યા. તેમણે એટલી સંભાળપૂર્વક બરફ સાચવ્યો હતો કે, આવી ગરમીમાંય એ બિલકુલ પીગળ્યો ન હતો. પણ એમનું શરીર પરસેવાથી નીતરી રહ્યું હતું અને અસહ્ય તાપથી એમનું મુખ મ્લાન થઈ ગયું હતું. આ જોઈને ઠાકુર વ્યથિત બની બોલી ઊઠ્યા, “અરે શશી, તને ખૂબ તકલીફ પડી ને?” પણ બરફના ટુકડાને અકબંધ જોઈને શશીને બિરદાવતાં તેઓ બોલ્યા : “જો જેના હાથમાંથી પાણી ઝરી જતું નથી, એને લોકો કંજૂસ કહે છે. પણ હું તો જોઉં છું કે, તું કંજૂસ નથી પણ દાતા છે. આ સાંભળતાં જ શશીનો કરમાયેલો ચહેરો પ્રસન્નતાઓથી ખીલી ઊઠ્યો અને કલકત્તાથી ચાલતા આવ્યાનો થાક પણ અદૃશ્ય થઈ ગયો.

શ્રીરામકૃષ્ણદેવની માંદગી દરમિયાન નરેન્દ્રનાથના નેતૃત્વ હેઠળ સઘળા યુવાન શિષ્યોએ એમના સેવાકાર્યનો ભાર ઉઠાવી લીધો. શશી પણ આ કાર્યમાં જોડાઈ ગયા. તેમણે ધીમે ધીમે ઘરે જવાનું પણ બંધ કરી દીધું. આથી એમના વડીલોએ વિરોધ કર્યો અને તેમને ત્યાં જતા અટકાવવા માટે તેઓ અનેક પ્રયત્નો કરવા લાગ્યા. પણ ઠાકુરની સેવા એ હવે શશીના જીવનનું એકમાત્ર કાર્ય બની ગયું હતું અને હવે એમને દુનિયાનું કોઈ પણ પ્રલોભન આ કાર્યમાંથી ચલિત કરી શકે તેમ ન હતું. એ દિવસોમાં શશીની બી.એ.ની પરીક્ષા નજીક આવી રહી હતી. આથી એક વૃદ્ધ વડીલે એમને સમજાવતાં કહ્યું, “ભાઈ, પહેલાં પરીક્ષા આપી દે પછી ગુરુસેવા કરને! તને એની કોણ ના પાડે છે?”

“પણ જો હું એ પહેલાં જ મરી જાઉં તો? શું આપ ખાતરીપૂર્વક એમ કહી શકો છો કે, ત્યાં સુધી મારું મૃત્યુ નહીં થાય?”

શશીનો આવો સચોટ જવાબ સાંભળ્યા પછી એ વૃદ્ધ વડીલ વધુ સમજાવવા માટે એક શબ્દ પણ આગળ બોલી શક્યા નહીં. શશી ઠાકુરની સેવામાં સંપૂર્ણપણે ડૂબી ગયા. તે એટલે સુધી કે, શશીને પોતાનું ખાવા-પીવાનું પણ ભુલાઈ જતું. તેઓ ઠાકુરને શી જરૂરત છે, એના જ ખ્યાલમાં મગ્ન રહેતા. આથી પોતાની માંદગીની સ્થિતિમાં પણ ઠાકુરને શશીનું ધ્યાન રાખવું પડતું, અને તેઓ તેને વારંવાર કહેતા રહેતા, “હવે મને સારું છે, જા, તું સ્નાન કરી આવ, ને જમી આવ.” તોય શશી ઠાકુરને છોડીને જવા તૈયાર થતા નહીં. આથી ઠાકુર એમને પરાણે જમવા મોકલી દેતા. શશી ઠાકુરને અવિરત પંખો નાંખતા રહેતા. આથી ઠાકુરને ચિંતા થતી કે, શશીનો હાથ થાકી જશે. એટલે તેઓ તેના હાથમાંથી પંખો લઈને લાટુને આપી દેતા. શશીની આવી અનન્ય સેવાથી પ્રસન્ન થઈને ઠાકુરે એક વખત કહ્યું, “તમારી સહુની આવી સેવાએ તો મને અહીં બાંધી રાખ્યો છે.”

તે દિવસે ઠાકુરને જાંબુ ખાવાની ઇચ્છા થઈ. પણ શિયાળાની એ ઋતુમાં જાંબુ મળે ક્યાંથી? આથી બધા નિરાશ થઈ ગયા કે ઠાકુરની ઇચ્છા કેવી રીતે પૂરી કરવી? પણ શશી નિરાશ ન થયા. તેમણે વિચાર્યું, “સત્ય સંકલ્પ ઠાકુરના હૃદયમાંથી ઇચ્છા ઉદ્દભવી છે, તો ગમે ત્યાં જાંબુ મળશે જ.” તેમણે જાંબુની તપાસ કરતાં તેમને કોઈના બગીચામાં જાંબુ લાગેલાં છે, એ સમાચાર મળ્યા ને બસ, તેઓ ત્યાં પહોંચી ગયા! ઠાકુરના હાથમાં જાંબુ મૂકતાં તેઓ અપાર આનંદનો અનુભવ કરવા લાગ્યા. “અરે! આ ઋતુમાં તું જાંબુ ક્યાંથી લાવ્યો?” પ્રસન્નતાથી ઠાકુર શશીની સામે જોઈ બોલી ઊઠ્યા. એ અમૃતમય દૃષ્ટિના પ્રક્ષેપથી શશીનો પરિશ્રમ સાર્થક થઈ ગયો અને તેઓ ધન્યતાની લાગણી અનુભવવા લાગ્યા!

લીલાસંવરણના બેત્રણ દિવસ અગાઉ ઠાકુરની તબિયત અચાનક બગડી. કાશીપુરમાં તો ત્યારે કોઈ ડૉક્ટર ન હતા. ડૉક્ટરને કલકત્તાથી બોલાવવા પડે તેમ હતા. કોઈ વાહન પણ મળે તેમ ન હતું. હવે કરવું શું? શશી તે દિવસે સાત માઈલ દોડ્યા અને કલકત્તા પહોંચ્યા. ડોક્ટરના ઘરે ગયા તો ડૉક્ટર બહાર જવા નીકળી ગયા હતા. આથી ફરી એક માઈલ દોડીને તેમણે ડૉક્ટરને અર્ધેથી આંતર્યા અને કાશીપુર આવવા કહ્યું, ડોક્ટરે ના પાડી કે, તે સમયે તેઓ આવી શકે તેમ નથી. તો શશીએ ગમે તેમ કરીને ડોક્ટરને સમજાવ્યા અને તેઓ તેમને કાશીપુર લાવ્યા. ઠાકુરને તપાસીને ડોક્ટરે જે ઔષધિઓ આપી તે ઠાકુરને ખવડાવી ત્યારે જ તેમણે નિરાંતનો શ્વાસ લીધો.

તે રાત્રે અન્ય દિવસોની સરખામણીમાં ઠાકુર થોડું વધારે જમ્યા. શશીએ જ એમને અત્યંત પ્રેમથી જમાડ્યા અને આનંદ અનુભવ્યો કે, આજે ઠાકુરની તબિયત સારી છે. એથી તેમણે થોડું વધારે લીધું. પરંતુ પોતાના પ્રાણપ્રિય ગુરુદેવનું એ અંતિમ ભોજન છે, એવી કલ્પના પણ શશી ત્યારે કરી શક્યા નહીં. ઊલટું, ગુરુદેવ હવે ઝડપથી સાજા થઈ જશે એવી આશામાં જ તેઓ રહ્યા હતા. આથી ઠાકુરની મહાપ્રસ્થાન વેળાને પણ તેઓ પિછાણી શક્યા નહીં ઠાકુરે જ્યારે નશ્વર શરીર છોડી દીધું અને મહાસમાધિમાં તેઓ લીન થઈ ગયા ત્યારે પણ તેઓ આ વાસ્તવિકતાને સ્વીકારી શક્યા નહીં તેમણે તો માન્યું કે, ઠાકુરને સમાધિ લાગી ગઈ છે. કેમ કે એમના ચહેરા ઉપર અલૌકિક તેજ છવાઈ ગયું છે, દિવ્ય સ્મિત વિલસી રહ્યું છે, અને એમના અંગે અંગમાંથી આનંદની લહેરો ઊઠી રહી છે. આ તો ઊંડી સમાધિની સ્થિતિ છે અને ઠાકુર હમણાં આ સમાધિમાંથી જાગૃત થશે અને સ્નેહપૂર્ણ નેત્રે સહુને આશીર્વાદ આપશે. એમાં વિશ્વનાથ ઉપાધ્યાયે એમને કહ્યું કે, આવા પ્રકારની સમાધિમાંથી જાગૃત કરવા માટે મસ્તક અને મેરુદંડ પર ઘીની માલિશ કરવી જોઈએ. આથી શશી તેમ કરવા લાગ્યા. પણ એ દેહમાં હવે એના પ્રાણપ્રિય ઠાકુર હતા જ ક્યાં કે જાગૃત થાય? છતાંય શશીએ જાહેર કર્યું કે, ઠાકુર હવે દેહમાં નથી. આ આઘાતથી શશી જડ બની ગયા. ત્યારેય શશી જડવત્ બની ચૂપચાપ સ્મશાનયાત્રામાં ચાલતા હતા. પછી ઠાકુરની ચિતા સામે મૂઢ બનીને બેસી રહ્યા. શરત અને નરેન્દ્રે ખૂબ સમજાવ્યા. પણ એમનું હૃદય, ‘ઠાકુર હવે નથી’ એ હકીકત સ્વીકારવા માગતું જ ન હતું. જ્યારે ચિતા બુઝાઈ ગઈ ત્યારે તેઓ યંત્રવત ઊઠ્યા અને ઠાકુરના દેહના ભસ્માવશેષ ચૂપચાપ એકત્ર કરવા લાગ્યા. એને તામ્રકળશમાં ભરીને, એ કળશને મસ્તક પર મૂકીને પાછા ફર્યા. ઠાકુરની શય્યા પર એ તામ્રકળશ મૂકીને જાણે હવે એ “સાક્ષાત્ ઠાકુર છે” એમ માનીને પૂજા – અર્ચના – આરતી, ભોગ, વગેરે કરવા લાગ્યા. આમ, ઠાકુરના દેહની પ્રત્યક્ષ ગેરહાજરીમાં પણ જાણે ઠાકુર સાક્ષાત સન્મુખ હોય એમ ઠાકુરનું ક્ષણેક્ષણનું સાંનિધ્ય અનુભવતાં અનુભવતાં શશીના જીવનકાર્યનો નવો જ અધ્યાય શરૂ થયો.

(ક્રમશ:)

Total Views: 563
By Published On: August 1, 1991Categories: Jyotiben Thanki2 CommentsTags: , , ,

2 Comments

  1. પરથીભાઈ ચૌધરી,"રાજ"(બાળકવિ, લોક સાહિત્યકાર, ભજનિક) September 20, 2022 at 6:16 pm - Reply

    રામકૃષ્ણ પરમહંસે સાધકોને ખૂબ ગહન માર્ગદર્શન પૂરું પાડ્યું છે. આ મહાપુરુષની દિવ્ય દ્રષ્ટિ જેના પર પડી છે, એ ધન્ય બની ગયો છે. શત શત નમન.

    • jyot October 16, 2022 at 3:43 am - Reply

      જય ઠાકુર

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram