રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ૨૪ થી ૩૦ ડિસેમ્બર, ૧૯૮૫માં એક વિરાટ યુવ-સંમેલન યોજાયું હતું. તેમાં ૧૦,૦૦૦થી પણ વધુ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. આ સંમેલનમાં રામકૃષ્ણ મઠ અને મિશનના વર્તમાન ઉપાધ્યક્ષ શ્રીમત સ્વામી રંગનાથાનંદજી મહારાજે યુવા વર્ગના પ્રમોના ઉત્તર આપ્યા હતા. આ રસપ્રદ પ્રશ્નોત્તરીના થોડા અંશો અમે ધારાવાહિકરૂપે આપી રહ્યા છીએ.
પ્ર : આ આંતરરાષ્ટ્રીય યુવ-વર્ષ છે. અહીં, આ સંમેલનમાં ભારતનાં જુદાં જુદાં રાજ્યોમાંથી આવેલાં ૧૦,૦૦૦ યુવકયુવતીઓને આપણે જોઈએ છીએ. ઘણા પરદેશોની મુલાકાત આપે લીધી છે; તો વિદેશી અને ભારતીય યુવાનોના માનસિક વલણોની તુલના કરવા કૃપા કરો.
ઉ. : સુકાન વગરના વહાણની માફક આપણા યુવાનો સુકાન વગરના જણાય છે. જો કે, ભારતનાં જુદાં જુદાં રાજ્યોમાંથી આવેલાં યુવાન-યુવતીઓ સાથે હું વ્યવહાર કરું છું ત્યારે, મને તેમ જણાતું નથી. એમની પાસે નવી દૃષ્ટિ હોય છે. તમારામાં મને તે નવી ભાવના જોવા મળે છે, આદર્શવાદની ભાવના. પ્રોફેસર બોઝે જે પ્રેરણાની વાત કરી તે તમારામાં છે. કારણ કે તમે રામકૃષ્ણ અને વિવેકાનંદનો અભ્યાસ કર્યો છે.
અમેરિકામાં મને જોવા મળ્યું કે, ત્યાં યુવાનો ઘણા આદર્શવાદી છે. તેઓ કશા માટે પ્રયત્ન કરે છે તો, તે કોઈ માનવકાર્ય માટે હોય છે. જેમ કે વિયેતનામ યુદ્ધ અટકાવવાનું કે અમેરિકન નીતિમાં પરિવર્તન આણવાનું. પરંતુ, સ્વતંત્રતા પછી આપણા યુવકોમાં એ ભાવના પ્રગટી નથી. એમનાં આંદોલન ક્ષુલ્લક કારણો માટે હોય છે. કોઈ વાર તો આંદોલન સિનેમાની ટિકિટ મફત મળે તે માટે હોય છે. ભારતમાં કોઈ ગંભીર આંદોલન જોવા મળતું નથી. ‘અસ્પૃશ્યતાને આપણે હાંકી કાઢીએ’, ‘આપણે કોમી એકતાનો આરંભ કરીએ’ : આના જેવા કોઈ કારણસર આંદોલન નથી થતું. કેવળ ક્ષુલ્લક કારણોસર આંદોલનો થાય છે. સ્વામીજીની પ્રેરણા યુવાનોને મળશે ત્યારે તેમાં પરિવર્તન આવશે.
આજે તમે સૌ ભાવાત્મક મન લઈને આવ્યાં છો. પરદેશોમાં મેં જોયું છે તેની સાથે આ સુસંગત છે. ત્યાં કદીયે એ લોકો અંગત સગવડો માટે કે અંગત સ્વાર્થ માટે આંદોલન કરતા નથી. નજીવી બાબતો માટે તો નહીં જ. બધા દેશોમાં મેં એ ભાવના જોઈ. આ યુવા ભાવના આપણને માનવ પ્રેરણા સાથે, આધ્યાત્મિક પ્રેરણા સાથે પ્રાપ્ત થવી જોઈએ. આ ચોક્કસ દિશા તરફ પોતાને પ્રેરવા માટે પાશ્ચાત્ય યુવાનો એ આધ્યાત્મિક પ્રેરણા ઝંખે છે. એટલે ભારતના અને પશ્ચિમના યુવાનો વેદાંત અને સ્વામી વિવેકાનંદ પાસેથી પ્રેરણા લઈ એકતા સ્થાપશે. ધીમે ધીમે એ થઈ રહ્યું છે. જર્મની, હોલેન્ડ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ મેં એ જોયું છે. વેદાંતને, સ્વામી વિવેકાનંદને યુવાનો સાંભળે છે. ત્યારે આંખો ખોલી બોલી ઊઠે છે : ‘આ કંઈક અદ્ભુત છે; આ બાબતો અમે કદી સાંભળી નથી. ઉદાહરણ તરીકે – આત્મા વિશે સ્વામીજીનો બોધ, દરેક માનવીમાં રહેલો દિવ્ય ‘સ્ફુલ્લિંગ’. બર્લિનમાં એક જાહેર વ્યાખ્યાનમાં બેઠેલો એક જર્મન યુવાન વ્યાખ્યાનને અંતે આગળ આવ્યો અને મારી સામે જોઈ બોલ્યો, સ્વામીજી! તમે કંઈક અદ્ભુત વાત કરી દરેક મનુષ્યમાં દિવ્ય સ્ફુલ્લિંગ રહેલો છે. મેં આવું કદી સાંભળ્યું ન હતું. એ વાત તદ્દન નવીન છે, એ ખૂબ આકર્ષક છે, એ અદ્ભુત વિષય છે. આ વાત તેઓ સમજે છે ત્યારે તેમનો પ્રતિભાવ આવો હોય છે.
રોમાં રોલાએ ફરી કહ્યા પ્રમાણે, સ્વામીજીના બધા બોધનો કેન્દ્રવર્તી વિચાર દરેકના અંતરમાં રહેલી દિવ્યતા અને અપ્રમેય વિકાસની તેની શક્તિનો છે. જગતભરના યુવાનોને આ બોધ પ્રેરણા આપશે અને એ મહાકાર્યમાં પાયાનું કામ તમારે કરવાનું થશે. એ માટે તો આ મહા સંમેલનમાં ભાગ લેવા માટે તમે સૌ અહીં આવ્યાં છો.
પ્ર : જગતને નેતૃત્વ આપતી મહાસત્તાઓની આક્રમક બૂમોએ અણુયુદ્ધને નિશ્ચિત બનાવ્યું છે. ઘણી શાંતિ પરિષદો મળે છે. ભારતે પોતાનું ધ્યેય શાંતિનું રાખ્યું છે. પરંતુ આ બધી પ્રક્રિયાઓ ધીમી છે, અને તે ફળીભૂત થાય તે પહેલાં વિશ્વયુદ્ધ અનિવાર્ય બની ગયું હશે. તો, સ્વામીજીના આદર્શોને અનુલક્ષીને આ અટકાવવા માટે તાકીદનું ક્યું પગલું લેવું જોઈએ?
ઉ. : માત્ર રશિયામાં જ નહીં, અમેરિકામાં પણ, આખા જગતમાં, અણુયુદ્ધની શક્યતા વિશે લોકો ચિંતન કરી રહ્યા છે.
વિખ્યાત અમેરિકન નેતાઓ અને પંડિતો આવી હોનારતને નિવારવા પ્રયત્નો કરી રહ્યા છે. ઉદાહરણ તરીકે, જેમને હું બોસ્ટનમાં મળ્યો હતો તે ભારત ખાતેના ભૂતપૂર્વ અમેરિકન એલચી જોન કેનેથ ગોલબ્રેયમે મને કહ્યું હતું કે, ‘મારા દેશમાં યુદ્ધ કરવાની વાતો ખૂબ થયાં કરે છે પણ, આ જગતમાં શાંતિ લાવવા માટેના પ્રયત્નો પણ ખૂબ જોરથી ચાલી રહ્યા છે અને અમેરિકા-રશિયાને નજીક લાવી જગતમાં શાંતિની સ્થાપનાના કાર્ય માટે મારી જાત મેં સમર્પિત કરી છે. આમ, શાંતિનાં આવાં પરિબળો જોવા મળે જ છે. પરંતુ તમારે એક વાત જાણવી જોઈએ. સામો પક્ષ શું કરશે, એની પાસે કઈ રહસ્યમય પદ્ધતિ છે એ વિશે શંકા છે, ભય છે. એ જ રીતે, એ પક્ષને પણ લાગે છે કે આ પક્ષ પાસે કંઈ રહસ્યમય પદ્ધતિ છે. આમ શંકા, બસ! શંકા જ છે. બંને પક્ષો પરસ્પર સાથે વાટાઘાટ કરે છે એ આશાસ્પદ છે. લડાઈને હાલ મુલતવી રાખવી અને અંતે તેને તજી દેવા માટેનો એકમાત્ર માર્ગ ચાલુ રાખવી તે છે. સદ્ભાગ્યે જીનિવામાં, અને અન્યત્ર, રાજકારણીઓની વાટાઘાટ ચાલુ છે. એટલે હવે, બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું તેને ચાળીસથી વધારે વર્ષ થયાં તે છતાં, યુદ્ધની વાતો ભલે થતી હોય, વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું નથી. એ લોકો યુદ્ધની વાતો કર્યા કરશે, કોઈક વાર શાંતિની વાતો પણ કરશે અને આખરે, માનવજાતને ભારત પાસેથી આશીર્વાદ મળશે.’ ટોયમ્બી જેવા ચિંતકને મતે, એ આશીર્વાદ ક્યો હશે? શાંતિનો આશીર્વાદ. માત્ર ભારત જ શાંતિની વાત કરી શકે. જગતમાં બધે આપણો ધર્મ હિંસા વગર પ્રસર્યો હતો. જેમ કે બૌદ્ધ ધર્મ હિંસા વગર પ્રસર્યો હતો. બૌદ્ધ ધર્મ આખા એશિયામાં ફેલાયો હતો પણ ક્યાંય હિંસાની એક પણ ઘટના બની ન હતી. અશોકના મહાસંદેશ સમન્વયનું પણ તેમ જ હતું. આ યુગમાં પ્રથમ રામકૃષ્ણ-વિવેકાનંદ આવ્યા અને પછી ગાંધીજી થયા. માનવમનને નવો ઘાટ આપનારાં આ બધાં મહાન પરિબળો છે અને ભારત તરફથી થતી આ ઘાટ ઘડવાની પ્રક્રિયાને માનવમન આવકારે છે. આ સંમેલનમાં વારંવાર ઉલ્લેખાયેલાં ટોયમ્બીનાં વચનોને યાદ રાખો : “વીસમી સદીનો પ્રારંભ પાશ્ચાત્ય ઢબે થયો હતો. વિશ્વને જીવંત રહેવું હોય તો, એ સદીનો અંત ભારતીય ઢબે આવવો જોઈએ. ભારતીય અસર હોવી જ જોઈએ. ક્યા ભારતની અસર? બુદ્ધના ભારતની, અશોકના ભારતની, રામકૃષ્ણના ભારતની, ગાંધીજીના ભારતની.” ટોયમ્બીએ આ ભારતનો ઉલ્લેખ કર્યો છે. આ માર્ગે ભારતને સુદૃઢ કરવાની જવાબદારી તમારા જેવા યુવાનોની છે. જેથી, જગત ઉપર ભારતની અસર શક્ય અને સાચી બને.
એટલે ભારતમાંથી આ વિકાસ ફેલાય ત્યાં સુધી, લોકો ભલે વાટાઘાટો કરે, રશિયનો અને અમેરિકનો ભલે યુદ્ધને મુલતવી રાખે. પછીથી આપણે સમગ્ર જગતમાં સંપૂર્ણ શાંતિની આશા રાખી શકીશું.
ભાષાંતર : શ્રી દુષ્યંત પંડ્યા
Your Content Goes Here