કેટલાક લોકો એવા હોય છે કે, જેઓ એમ માને છે કે પોતે ધર્મનો સાદ સાંભળ્યો છે. તેઓ સાંસારિક પ્રવૃત્તિઓને છોડીને ખુલ્લા દિલથી ધાર્મિક રીતભાતને અપનાવે છે. ઘણા તો પોતાના ક્ષણિક ભાવાવેશમાં ત્યાગી જીવનને અપનાવવા મઠમાં પણ જાય છે. પણ મહદ્ અંશે એવું બને છે કે, આમાંના ઘણા ઉમેદવારો ધાર્મિક અને ત્યાગી જીવન જીવવા માટે ભાગ્યે જ લાયક હોય છે. તૈયારી અને યોગ્યતાની તેઓમાં ખામી હોય છે, જેના વગર ધાર્મિક જીવન શુષ્ક, વેરાન, અત્યંત દુ:ખી અને નુકસાનકારક પુરવાર થાય છે. એનું કારણ એ છે કે, ધર્મનું આચરણ સહેલું નથી. એ ફક્ત પસંદગીની જ બાબત નથી. દુન્યવી મનુષ્ય ખરા અર્થમાં, ગાંભીર્યપૂર્વક ધર્મને આત્મસાત્ કરે તે પહેલાં તેણે ઘણા તબક્કાઓને ઓળંગી આવરી લેવા પડે છે. આવા તબક્કાઓના અસ્તિત્વની જાણ પણ મોટા ભાગના મનુષ્યોને ભાગ્યે જ હોય છે અને જો હોય તો તેઓ તેમને ધ્યાનમાં લેતા નથી. બિનઅનુભવી અને બિનસાધનસંપન્ન એવા આ લોકો ધર્મ દ્વારા મળતી સુખશાંતિને લણી લેવા આતુર છે, જેનું પરિણામ છે – માનસિક અરાજકતા અને તીવ્ર હતાશા. મનુષ્યજાતિનો મોટો ભાગ સાચા અર્થમાં, વિચારપૂર્વક ધાર્મિક જીવન જીવવા લાયક નથી. તે માટે આવશ્યક મનની સ્થિતિથી તેઓ ખૂબ દૂર છે. તેઓમાં શરીર પ્રત્યેની સભાનતા વધુ હોય છે અને તેઓ સીમિત વસ્તુઓની નિરંતર ઝંખના દ્વારા બદ્ધ થયેલ હોય છે. ત્યાં સુધી અસીમ, અનંતની દૂરથી ઝાંખી પણ તેમને માટે થતી નથી. તેઓ શરીરનાં સુખો, સત્તા, દુન્યવી સંપત્તિ, જાતીય સુખ અને દીર્ઘાયુષ્ય ઇચ્છે છે; અને તેઓ ત્યાગ અને મૃત્યુથી ભયભીત થયેલ હોય છે. આમ, મોટા ભાગના મનુષ્ય જીવનની મર્યાદાઓને તોડવાના સભાન પ્રયત્નો કર્યા વગર, પૂર્ણપણે સપાટી ઉપરનું જીવન જીવીને મૃત્યુ પામે છે. તેમને માટે ધર્મ ફક્ત ઔપચારિક છે.

જો તેમને એકાકી ટાપુ ઉપર એકલા મૂકવામાં આવે અને સાંસારિક પ્રવૃત્તિઓ માટેનાં સાધનો આપવામાં આવે તો તેઓ ધર્મ માટે જરા પણ તસ્દી લેશે નહીં. પણ એમને એવા સમાજમાં રહેવાનું છે, જ્યાં ધર્મ સાર્વત્રિક સંસ્થાનું સ્થાન ધરાવે છે અને આ સમાજમાંથી તેઓ કહેવાતા ધાર્મિક વિચારો અને ટેવો શીખતા હોવાથી એવું દેખાય છે કે, તેઓ ધર્મમાં રસ ધરાવે છે. પણ ધર્મનો સાચો ખ્યાલ તેમને નથી.

જો કે દુન્યવી મનુષ્યનું આ સંપૂર્ણ ચિત્ર નથી. તેની બીજી અને વધુ ઊજળી બાજુ પણ છે, જે મનુષ્યની અપ્રકટ પ્રતિભા માટે આશા જન્માવે છે. મનુષ્ય ફક્ત પોતા માટે જ જીવતો નથી. સામાન્યમાં સામાન્ય મનુષ્ય પણ ફક્ત પોતાની જ જાતને ચાહી સંતોષ મેળવી શકતો નથી. તે બીજા લોકોને પણ ચાહે છે. ભલે તેઓ પોતાનાં નજીકનાં સગાં હોય. તેનામાં નૈતિક જાગૃતિ છે. તે વધારે ને વધારે જ્ઞાનને શોધે છે : તેણે સત્યના આકર્ષણને પિછાણ્યું છે, તેની પાસે સૌંદર્યની સૂઝ છે. ભલે તે સુષુપ્ત અવસ્થામાં કેમ ન હોય! તેનું અસ્તિત્વ છે ખરું!

આ જ વસ્તુ મનુષ્યને સત્યના સાક્ષાત્કાર અને જીવનના સાર્થક્ય તરફ ઊંચે લઈ જાય છે. નૈતિક સમજ, સૌંદર્યલક્ષી સૂઝ, પ્રેમ, જ્ઞાન અને સત્ય માટેની શ્રદ્ધા, સક્રિયતા આ બધાં મનુષ્ય જીવનનાં ઉદ્ધારક અને ઉદાત્ત તત્ત્વો છે. તેમાંથી ધર્મ ઉદ્ભવે છે. પહેલી સ્થિતિનો પૂર્ણ પરિત્યાગ અને બીજી સ્થિતિના પૂર્ણ વિકાસમાં જ ધર્મનો સર્વાંગસંપૂર્ણ વિકાસ છે.

પ્રારંભિક અવસ્થાઓમાં, જ્યારે મનુષ્યમાં રહેલો પશુ બળવાન હોય છે, ત્યારે તેના માટે ધર્મ એટલે પવિત્ર માન્યતાઓ, સ્વરૂપો તેમ જ ક્રિયાકાંડોની અધીનતા. તેના માટે ધર્મ વાસ્તવિક અને જીવંત નથી. આમ છતાં મૂર્તિઓ અને માન્યતાઓમાં તેની એ નિષ્ઠા તેની આધ્યાત્મિક ચેતનાના ક્રમિક વિકાસ માટે મહત્ત્વનો ભાગ ભજવે છે. મોટા ભાગના લોકો માટે ઉત્સવો અને કલાલક્ષી આનંદ પૂરતું જ ધર્મનું મહત્ત્વ છે. આથી બધા જ દેશોમાં ધર્મની સાથે સંબંધિત મંદિરો, મૂર્તિઓ, પૌરાણિક કથાઓ, ભવ્ય ઉત્સવો અને તહેવારોનું અસ્તિત્વ છે. હકીકતે, મનુષ્ય ધાર્મિક બનવાની આશા સેવે તે પહેલાં તેણે પોતાના મનને સ્થૂળ બાબતોથી પેલે પાર જઈ સૂક્ષ્મતર વાસ્તવિકતાઓમાં અવસ્થિત રહેતાં શીખવવું જોઈશે. કલા, નીતિમત્તા, જ્ઞાનની શોધ, અત્યંત ક્રિયાશીલતા, ઔદાર્ય અને પ્રેમ મનને સૂક્ષ્મતાથી વસ્તુઓને અનુભવવામાં અને ગ્રહણ કરવાની તાલીમ આપવામાં અતિશય મદદરૂપ થાય છે.

કલા શું છે? એ સ્થૂળ પદાર્થો અને ઇન્દ્રિયોના વિષયોને અપાર્થિવતાનાં વસ્ત્રો પહેરાવી કરાતી રજૂઆત છે. આપણે બધા જાણીએ છીએ કે, શા માટે આપણે ખોરાક લઈએ છીએ, વસ્ત્રો પહેરીએ છીએ અથવા મકાનમાં રહીએ છીએ! છતાં આપણે આ ક્રિયાઓના આડંબરયુક્ત હેતુઓને ભૂલવાની કોશિશ કરતા રહીએ છીએ. કારણ કે તેમના પ્રત્યક્ષ હેતુઓ જીવન માટે ગમે તેટલા જરૂરી હોવા છતાં સ્થૂળ છે અને આપણે જિંદગીના ભૌતિક પાસાને ભૂલવા માંગીએ છીએ. આથી આપણે તેને કલાના વાઘા પહેરાવીએ છીએ. આહાર, વસ્ત્રો અને વસવાટની ઐહિક બાજુઓને આપણે સૂક્ષ્મતમ સૌંદર્યની સજાગતામાં ડુબાડવા માંગીએ છીએ. ફક્ત પોષક ખોરાક લેવો એ જ આપણા માટે પૂરતું નથી. ખોરાક સુંદર દેખાવવાળો, રંગ, સુગંધ અને સાથેસાથે સ્વાદિષ્ટ પણ હોવો જોઈએ. તે કલાત્મક ઢંગથી, ઉત્તમ પાત્રોમાં પિરસાવો જોઈએ; જમવાની જગ્યા સુંદર હોવી જોઈએ અને સાથે આપણે રસપ્રદ સંવાદો ચાલુ રાખવા જોઈએ; જાણે એ જ અગત્યનો ભાગ હોય અને જમવું એ ગૌણ હોય! આપણાં વસ્ત્રો ફક્ત આપણને હવામાનની આંધી સામે રક્ષી શકે એવાં જ કંઈ નહીં પણ સુંદર પણ હોવાં જોઈએ. આપણા મન માટે, વસ્ત્રોની ગુણવત્તા કરતાં તેની સુંદરતા વધુ મહત્ત્વની છે. એવું જ આપણા રહેઠાણ માટે પણ છે. આ રીતે, આપણે સ્થૂળથી પર જવાનું શીખીને સૂક્ષ્મતર અનુભૂતિઓને ગ્રહણ કરી શકીએ છીએ અને આપણું મન એ રીતે ભૌતિક જીવન તરફ તીવ્ર અસંતોષ અનુભવતાં અને ઉચ્ચતર વાસ્તવિકતાઓને રાખતાં શીખે છે.

પરંતુ, સાધારણ મનુષ્યના મનના ઊર્ધ્વીકરણ માટે ફક્ત કલા જ પર્યાપ્ત નથી. આ કલા તો મનને દુર્બળ પણ બનાવી શકે છે. કારણ કે સૌંદર્ય જલદીથી સરી જનારું છે અને આપણે અવારનવાર ભ્રમને સત્ય તરીકે ઓળખવાની ભૂલ કરી શકીએ છીએ. આથી, સાથોસાથ નૈતિક પરિશ્રમ પણ હોવો જોઈએ. સૌંદર્યને પારખવાની આપણી સૂઝને ફક્ત દૃઢ નૈતિક જાગૃતિ અને ઉચ્ચ વિચારો માટેની ઉત્કટ ઇચ્છા જ પાંખો આપીને તેને આધ્યાત્મિકતાની પ્રશાંત પરાકાષ્ટાએ ઉડ્ડયન કરાવી શકે. નૈતિક સભાનતા વગરની કલા ઘણી વખત દુન્યવીપણાની ગર્તામાં ધકેલાઈ જાય છે. નીતિમત્તા આપણને હેતુલક્ષી સિદ્ધાંતોને દૃઢતાથી પકડીને જીવવાનું શીખવે છે અને આપણને શક્તિ આપે છે. નીતિમત્તા વડે આપણે સ્થૂળને જીતી, સૂક્ષ્મની પરિપાટી ઉપર જતાં શીખીએ છીએ. જગતમાંના આપણા બધા જ સંબંધો, પ્રયત્નો, હેતુઓ અને ક્રિયાઓને તે યોગ્ય વલણ આપે છે.

પ્રેમ પણ સમાનપણે આપણને સ્થૂળની સીમિતતામાંથી વિમુક્ત કરે છે. પ્રેમ અને સેવા નિમ્ન અહંનો નાશ કરી, શરીર અને સ્થૂળ જગતની સાથે જોડતાં આપણાં બંધનોને છોડી નાખે છે.

એ જ રીતે, જ્ઞાન અને કર્મનું પણ છે. બાહ્ય દૃષ્ટિએ સામાન્ય લાગતી વસ્તુઓમાં છુપાયેલાં રહસ્યોને જ્ઞાન પ્રગટ કરે છે અને આપણને દેખાવમાં સત્ય લાગતા જગતની પેલે પાર લઈ જાય છે અને કર્મો આપણને સંતોષ અર્પી, દુન્યવી વૃત્તિઓનો નાશ કરી, ઉચ્ચતર, સૂક્ષ્મતર જીવનનો સ્વાદ આપે છે. ક્ષુલ્લક દુન્યવી વસ્તુઓ, તુચ્છ પ્રાપ્તિ અને તે માટેનો હર્ષોલ્લાસ આપણને વધુ વખત સંતોષી શકતાં નથી. આપણે વિશાળ અને બૃહદ વસ્તુઓ ઝંખીએ છીએ.

આ બધાં જ પરિબળો મનુષ્યની ઉન્નતિ અને મુક્તિ માટે ધીમેથી છતાં મક્કમતાથી કામ કરી તેને સાચા ધર્મ તરફ પ્રેરી રહ્યાં છે. તેમના વગર સામાન્ય મનુષ્ય અને ધાર્મિક મનુષ્ય – આ બે અંતિમો વચ્ચેના અંતરને આવરી શકાય નહીં. નિમ્ન ‘અહં’ અને દુન્યવી વસ્તુઓ માટેની કામનાનો ત્યાગ એ આધ્યાત્મિકતા માટેની અનિવાર્ય શરત છે. લાખો વસ્તુઓની ઇચ્છા કરવામાં વિખેરાઈ ગયેલું મન ઈશ્વર તરફ પહોંચી શકે નહીં તેણે સુગ્રથિત થઈ, તેનાં વિખરાયેલાં કિરણોને એક જ દિશામાં કેન્દ્રિત કરવાં જોઈએ; તો જ તે ઈશ્વરના મુખને પ્રકટ કરી શકે. શરૂઆતમાં મન દ્વારા કામનાઓનો આવો ત્યાગ અશક્ય છે. મન ખૂબ સ્થૂળ હોય છે, કામનાઓમાં જ લગભગ સંપૂર્ણપણે ગૂંથાયેલ હોય છે અને સૂક્ષ્મતર વાસ્તવિકતાઓને તે ગ્રહણ કરી શકતું નથી. ફક્ત કલા, નીતિમત્તા, પ્રેમ, સેવા, જ્ઞાન અને ક્રિયાશીલતા જ મનને તેના દુન્યવીપણામાંથી મુક્ત કરી શકે છે.

પરંતુ, કોઈ એક ધર્મ અને તેનાં મૂળભૂત તત્ત્વોમાં સંનિષ્ઠા વગર આમાંનું કોઈ પરિબળ યોગ્ય રીતે કાર્યક્ષમ બની શકે નહીં. જ્યાં સુધી આપણે કોઈક શાશ્વત, અંતિમ અસ્તિત્વમાં તેમ જ જીવન અને બ્રહ્માંડના ઐક્યમાં ન માનીએ ત્યાં સુધી કલા, નૈતિકતા, સામાજિક સેવા કે જ્ઞાન આમાંનું કંઈ જ ફાલીફૂલી શકતું નથી. અહીં આપણે એવા અપવાદરૂપ લોકોની વાત નથી કરતા કે જે સભાનપણે ધાર્મિક તથ્યોનો આશ્રય લીધા વગર જ ફક્ત આંતરિક સૂઝ વડે જ ઉચ્ચતમ તથ્યોને પામે છે. મોટા ભાગના મનુષ્યો જ્યાં સુધી કલા, નૈતિકતા કે દાનને દિવ્યતાના સિદ્ધાંત સાથે સાંકળી ન શકે ત્યાં સુધી તેને સમજી શકતા નથી કે તેનાથી કોઈ લાભ પણ મેળવી શકતા નથી. આથી જ આપણે જોઈએ છીએ કે કલા, નીતિમત્તા, સેવા, વગેરેનું અસ્તિત્વ બધા જ યુગોમાં ધાર્મિક સિદ્ધાંતો કે સંસ્થાઓ સાથે સુસંબદ્ધ રહ્યું છે.

આથી, બહુસંખ્યક મનુષ્યજાતિના કલ્યાણ માટે અને મનુષ્યો ખરા અર્થમાં ધાર્મિક બની શકે એ માટે આપણું સામુદાયિક જીવન વધારે ને વધારે કલાલક્ષી, ગૌરવશીલ, દાન, પ્રેમ, સેવા, જ્ઞાન, સત્ય અને તીવ્ર ઉદ્યમની ઝંખનાથી ભરપૂર હોવું જરૂરી છે. ખરેખર તો, અત્યારે મોટા ભાગના લોકો જે કરી રહ્યા છે તે પ્રાર્થનાઓ ગણગણવા કરતાં, મંદિરોની મુલાકાતો લેવા કરતાં અને ધર્મની સાથે નખરાંબાજીની રમત કરવા કરતાં જો મનુષ્ય અત્યંત ઉદ્યમી બનવાની સાથે લલિત કળાઓ, નીતિમત્તા અને સેવા તરફ વધુ સજાગ રહે તો પોતાનું વધુ ભલું કરી શકે. પણ કમભાગ્યે, ધાર્મિક માન્યતાઓ અને સંસ્થાઓ સાથે સંલગ્ન થયા વગર, તેને માટે ખરો નીતિલક્ષી કે કલાલક્ષી વિકાસ અથવા સેવા માટેનો જુસ્સો આવવો શક્ય નથી. તેથી, વ્યાવહારિક હેતુઓ માટે સિદ્ધાંતો, માન્યતાઓ કે કર્મકાંડો સહિતનો વિધિપૂર્વકનો ધર્મ તો હોવો જ જોઈએ. પણ એની સાથોસાથ નૈતિકતા, કલા, સેવા, કર્મ અને જ્ઞાનનો પૂર્ણપણે સમાંતર વિકાસ પણ થવો જ જોઈએ. કારણ કે તેમાં જ મનુષ્યોની સાચી મુક્તિ રહેલી છે.

હિંદુ શાસ્ત્રો પ્રમાણે તમસ્‌ (આળસ, પ્રમાદ)ને રજસ્‌ (કર્મ)થી અને રજસ્‌ને સત્ત્વ (શાંત આનંદ)થી જીતવું જોઈએ પણ સત્ત્વનો ક્રમિક વિકાસ જ સંભવી શકે. જેમાં સત્ય યોગ્ય રીતે પરાવર્તિત થઈ શકે એવી મનની શાંતિ ગંભીર અવસ્થા એ સત્ત્વ છે અને તે અચાનક જ જન્મતું નથી. કલા, નૈતિકતા, જ્ઞાન, પ્રેમ, સેવા, વગેરેના ક્રમિક તબક્કા વડે તે વ્યક્ત થાય છે.

જો ધર્મ પોતે સ્થૂળ અને ભૌતિક વસ્તુઓને આધ્યાત્મિક બનાવી શક્યો હોય તો આપણે કલા-કૌશલ્ય, નીતિમત્તા, વગેરે ઉપર શા માટે ભાર મૂકવો જોઈએ? આ ખૂબ પ્રસંગોચિત પ્રશ્ન છે. સમય જતાં, પછી લોકો તેને માન્યતા અર્પે છે. આમ, હિંદુઓ પોતાના ધર્મમાં માને છે અને તેના શિક્ષણમાં રહેલા સત્યને સ્વીકારે છે. તેની સાથે સંબંધિત નિયમો અને રિવાજો પણ હોય છે, જે અલગ અલગ જગ્યાઓએ વસવાટ કરતા વિવિધ સ્તરના લોકોમાં ભિન્ન ભિન્ન હોવા છતાં, તેમને પવિત્ર ગણવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ, લોકો ધર્મ પ્રત્યે એટલા ગંભીર ન હોય તો પણ તેમને આ માન્યતાઓ અને નિયમોનાં બંધનો સ્વીકાર્ય હોય છે. આમ, મોટા ભાગના હિંદુઓ જમતા પહેલાં ખોરાક માનસિક રીતે ઈશ્વરને અર્પણ કરે છે. જીવનની નાની કે મોટી બધી જ બાબતોમાં ઈશ્વરીય વિચારનો ઐહિક વસ્તુઓ સાથેનો આવો સંબંધ પ્રસ્થાપિત નિયમ બની ગયો છે. હિંદુ ધર્મ પોતાના ઉપાસકોને જીવનની બધી જ ક્રિયાઓમાં અને માનવીય સંબંધોમાં આધ્યાત્મિક દૃષ્ટિ કેળવવાનું શીખવે છે. કલા વગેરેની મદદ વગર આધ્યાત્મિકતા વડે કેળવાયેલો ઈશ્વર સાથેનો આવો સીધો સંબંધ મનને સૂક્ષ્મતર વાસ્તવિકતાઓને ગ્રહણ કરી, અનુભવતાં શીખવે છે તે નિ:શંક છે.

મનુષ્યોને જ્યાં સુધી ધર્મમાં શ્રદ્ધા છે ત્યાં સુધી બેશક ધર્મ પોતે જ તેમને સૂક્ષ્મ બુદ્ધિગમ્યતા શીખવવા ઉપયોગી થશે. પરંતુ મહદ્ અંશે લોકો ધર્મને ગંભીરતાથી લેતા ન હોવાથી, તેમના માટે વધુ વાસ્તવિક, વધુ આકર્ષક મધ્યમ માર્ગો શોધવા જોઈએ અને તેમને ધર્મની સાથે સાંકળવા જોઈએ. મોટા ભાગના લોકો માટે આધ્યાત્મિક સચ્ચાઈઓ કરતાં નૈતિકતા વધુ સાચી અને વાસ્તવિક છે, જ્ઞાન વધુ અસરકારક છે, સેવા વધુ ફળદાયી છે. આથી સરેરાશ માણસોની બાબતમાં આ બધા ઉપર વધારે ભાર મૂકવો જોઈએ. જીવનની બધી જ બાબતોમાં આધ્યાત્મિક દૃષ્ટિ કેળવવી જોઈએ જરૂર, પરંતુ નીતિમત્તા, કલા-કૌશલ્ય, જ્ઞાન, કર્મ અને સેવાની મૂલ્યવાન મદદ વગર મનુષ્યો ખૂબ ધીમી પ્રગતિ કરી શકે છે.

તો પછી, જો કોઈ મનુષ્ય ધાર્મિક જીવન અપનાવવાનો આશય ધરાવતો હોય તો આપણે સૌ પ્રથમ એ લક્ષમાં લેવું પડે કે, તેણે તમસ્‌ને દૂર કર્યો છે કે નહીં? તેનું મન સૂક્ષ્મતર વસ્તુઓની મહત્તા સ્વીકારી તેને અનુભવવાનું શીખ્યું છે કે નહીં? તેની પાસે દૃઢ નૈતિક સૂઝ છે કે નહીં? અને તેનાં મનનાં કિરણો એક વિશિષ્ટ લક્ષ્યના જ વર્તુળમાં કેન્દ્રિત થયેલાં છે કે નહીં? આ બધી કેટલીક અનિવાર્ય શરતો છે. તેમના વગર, મનુષ્ય ધાર્મિક જીવન જીવવા માટે અયોગ્ય છે. આવા મનુષ્ય માટે સૌથી સારી સલાહ એ જ હોઈ શકે કે : જાઓ, ઉદ્યમી બનો, નૈતિક બની તમારા બાંધવોની નિ:સ્વાર્થ, પ્રેમપૂર્વક સેવા કરો.

કમભાગ્યે, ધાર્મિક જીવન ઇચ્છતા ઉમેદવારો માટે આવી શરતોનું પાલન ફરજિયાત બનાવી શકાય એવી કોઈ વ્યવસ્થા અસ્તિત્વમાં નથી. અરે, ઘણી વખત અર્ધતૈયારી સાથે જ આપણે ધર્મનો અભ્યાસ, આચરણ શરૂ કરી દઈએ છીએ. જે વિચારોના તુમુલ ઘમસાણ અને અફળતાની કડવાશમાં પરિણમે છે.

હકીકતે, સ્પષ્ટ સીમાંકન અને નિયમો બનાવવા અશક્ય છે. મન એ આસાનીથી છટકી જતી વસ્તુ છે અને ગમે તે સમયે તેની સ્થિતિમાં સાતત્યની ખાતરી રાખવી મુશ્કેલ છે. ઘણી વખત તે આપણને છેતરીને એવા રસ્તે લઈ જાય છે, જે ઉપર ચાલવા આપણે જવલ્લે જ યોગ્ય હોઈએ છીએ. ત્યાં, અનિવાર્યપણે સહન જ કરવાનું છે, વળી, બીજા વ્યવસાયોની જેમ ધાર્મિક જીવન બધા માટે ખુલ્લું છે. સ્વાભાવિક રીતે જ તે એવા લોકોને પણ પ્રલોભિત કરે છે, જેઓ કદાચ એ માટે તૈયાર નથી. તેથી આપણે તેને અપનાવતા પહેલાં હંમેશાં શાંતિથી વિચારવું જોઈએ અને ઉપર વર્ણવેલ માપદંડથી તોલવામાં આવે તો આપણે ખોટે રસ્તે ન જ જઈએ તે ચોક્કસ છે.

ભાષાંતર : ડૉ. ચેતના માંડવિયા

(અદ્વૈત આશ્રમ, કલકત્તા દ્વારા પ્રકાશિત ‘Spiritual Practice’ માંથી સાભાર)

Total Views: 223

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.