રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યુટ ઑફ કલ્ચર, કલકત્તા દ્વારા પ્રકાશિત આ વિદ્વાન લેખકના પુસ્તક “Sri Ramakrishna- The Symbol of Harmony of Religions’ના થોડા અંશો પ્રસ્તુત કરી રહ્યા છીએ.

શ્રીરામકૃષ્ણ સાર્વજનિક સુસંવાદિતાનું ઊગમસ્થાન છે. સાંપ્રત સામાજીક ભેદભાવ અને સાર્વજનિક વિસંવાદિતાના વરવા સમયે માર્ગદર્શન માટે આપણા આ ગુરુ તરફ આપણે વળવું પડે છે. આપણે બધા પોકળ મનુષ્યો છીએ. આપણે અપ્રામાણિક છીએ. આપણાં પ્રત્યક્ષ ધ્યેયો સિદ્ધ કરવા આપણે હિંસાનો આશ્રય લેતાં પણ અચકાતા નથી. આપણી ધ્યેય પ્રાપ્તિ થતી હોય તો ગમે તેવી ખૂનરેજી કે ભીષણ માનવસંહાર આચરવા સંમત થઈએ છીએ. ભલે પછી એ ધ્યેય ગમે તેટલો પરિમિત હોય. આ દર્શાવે છે કે આપણામાંથી ધર્મનો લોપ થયો છે. આપણે રીતરિવાજો, ધાર્મિકવિધિઓ અને ધર્મ બંને વિષે અમુક જડ માન્યતાઓને અનુસરીએ છીએ. આપણે આપણા પડોશીને એક સ્વજન તરીકે ચાહતા નથી. આપણે આપણા આ કવચમાંથી બહાર જ આવતા નથી. આપણા પડોશીઓને મળતા નથી, તેમની સાથે આત્મીયતા કેળવતા નથી કે તેમની સાથે રહીને પ્રાર્થના કરવાનું પસંદ કરતા નથી. આપણે એક બીજાનો સંપર્ક ગુમાવ્યો છે. અત્યારે આપણે માત્ર એક ઉપભોક્તાના સમાજમાં જીવી રહ્યા છીએ. આપણાં જીવનરૂપી ઘડિયાળની કમાન તૂટેલી છે. પરિણામે આપણે તમામ માનવ મૂલ્યોનો ઉપહાસ કરીએ છીએ. આપણે બધીજ વસ્તુઓને વિકૃત કરી દઈએ છીએ. આપણે ગાંડાં થઈને જેને તેને મારવા દોડીએ છીએ. આપણે સત્તાના દલાલો છીએ. પ્રત્યાઘાતોમાંજ આપણે વિકાસ કરતા રહીએ છીએ. આપણે સમૃદ્ધિમાં આળોટીએ છીએ. પરંતુ આપણે શ્રીરામકૃષ્ણ અને ગાંધીજીના એ શબ્દો ભૂલી જઈએ છીએ કે આપણા અસ્તિત્વને પુરતું ટકાવી રાખવા આપણને સમૃદ્ધિની નહિં પરંતુ યોગ્ય પુરવઠાની જરૂર છે. આપણે જ્વાળામુખીની કિનારી પર બેઠા છીએ. આપણે આકૃતિહીન માનવીની પૂજા કરીએ છીએ. બુદ્ધિહીન લોકોને આપણે ચાહીએ છીએ. આપણે આપણું હેતુવિહીન રગશિયા ગાડું ચલાવ્યે રાખીએ છીએ. આમ ગમે તેમ કરીને આપણે જીવન જીવી રહ્યા છીએ. આવું જીવન-મૃત્યુનું નાટક આપણને મરણોત્તર જીવનની દીશામાં લઈ જઈ શકે નહિ. શ્રીરામકૃષ્ણ આપણને ભરોસો આપે છે અને જ્યાં સદાકાળ નવપલ્લવિત અંકુરો ફુટ્યા જ કરે એવા શાશ્વત જીવનનો માર્ગ બતાવે છે. ઈશ્વરની ધારણા મુજબ જ મનુષ્ય ઉમદા જીવન જીવી શકે છે. અંતે તો ઈશ્વરની દૃષ્ટિમાં તો મનુષ્ય એક પાત્ર માત્ર છે. તેથી ભવિષ્યનો વિચાર કરો.

બધા ધર્મોના તત્ત્વો વિષેની શ્રીરામકૃષ્ણની સમજણ માનવજાત માટે એક નવાઈ પમાડે એવી વસ્તુ છે. મુસલમાન શું છે એ સમજવા માટે તેઓએ ઈસ્લામ ધર્મનો અનુભવ કર્યો. એજ રીતે તેઓએ જીસસના પયગામને સમજવા ખ્રિસ્તી ધર્મનો પ્રત્યક્ષ પ્રયોગાત્મક અભ્યાસ કર્યો. એ સાહસ કરવામાં તેઓશ્રી સફળ પણ થયા. આમ કરીને તેઓએ બધાજ ધર્મોની વિશાળ દુનિયામાં માનવજાતને ડોકિયું કરાવ્યું. તમને ગમે તો એમ પણ કહી શકો કે તુલનાત્મક ધર્મ તરફ બધાને વાળ્યા.

હવે આપણે શ્રીરામકૃષ્ણની આધ્યાત્મિક ભૂખનું ઝીણવટથી પૃથક્કરણ કરીએ. ઈસ્લામ ધર્મને નજીકથી ઓળખવા એમણે શું કર્યું? તેઓએ સાર્વજનિક એકતા વિષે માત્ર ભાષણો જ ના આપ્યાં. તેઓએ જે કાંઈ કર્યું તે ક્રાંતિકારી હતું. થોડા સમય સુધી શ્રીરામકૃષ્ણ પોતાનાં દેવદેવીઓને સંપૂર્ણ રીતે ભૂલી ગયા, તેમનો ત્યાગ કર્યો. તેમની પૂજા બંધ કરી. તેમને વિષે વિચારવાનું પણ બંધ કર્યું. તેઓ મંદિર તથા આસપાસના પ્રદેશથી દૂર રહેવા લાગ્યા, અલ્લાહના નામનું વારંવાર સ્મરણ કરવા લાગ્યા, મુસલમાન ભાઈઓનો પોષાક પહેરવા લાગ્યા અને જે વર્જ્ય ગણાય એવું પ્રાણીઓનું માંસ ખાવાની પણ તેઓશ્રીએ તૈયારી બતાવી. તેઓના આશ્રયદાતા શ્રીમથુરબાબુ પણ સ્વાભાવિક રીતે જ મૂંઝવણમાં મૂકાઈ ગયા. એ જ રીતે તેઓએ ખ્રિસ્તી ધર્મની રીતરસમો અપનાવી. તેઓ બધા ધર્મોને એક સંપૂર્ણ સંયુક્ત ધર્મમાં સંકલિત કરવા ઈચ્છતા હતા તેથી આમ કરવું તેઓ માટે જરૂરી હતું. આજે આપણે તેઓની આ નીતિને ‘ધર્મધર્મ વચ્ચેના સમભાવ’ તરીકે ઓળખીએ છીએ.

સ્વભાવથી જ શ્રીરામકૃષ્ણ બધા પ્રકારના જડ સિદ્ધાંતો અને રૂઢિચુસ્તતાને ધિક્કારે છે. તેઓ પુસ્તકિયા જ્ઞાનના હિમાયતી ન હતા અને આવું જ્ઞાન ધરાવતી વ્યક્તિઓના તેઓ પ્રશંસક પણ ન હતા. એનાથી ઊલટું, માનવ સંસ્કારની જાળવણી એજ એમની દૃઢ માન્યતા હતી, એજ એમનો ધર્મ હતો. તેમના મત પ્રમાણે ધર્મપ્રેરિત સંસ્કારના દેવળ સિવાય અર્વાચીન વિજ્ઞાન અને ઔદ્યોગિક કળાઓનું શાસ્ત્ર એક વિશાળ નિયંત્રિત પ્રક્રિયા બની રહેશે, અવ્યવસ્થિત થઈ જશે અને સંપૂર્ણ નિષ્ફળતા તરફ દોરી જશે. આની શરૂઆત થઈ ચૂકી છે. શ્રદ્ધા અને વિશ્વાસનો અભાવ, નાગરિક જાગૃતિમાં આવેલું ભંગાણ, જંગાલિયતભરી ક્રૂરતાની અસર, કાલગ્રસ્ત મૂલ્યો પણ જેને સુધારી શકવાને અસમર્થ છે એવી દરેક પ્રકારની વિકૃતિ – આ તમામ આ નિષ્ફળતા તરફ દોરી જતી પ્રક્રિયાનો ખુલાસો છે.

આ સંદર્ભમાં શ્રીરામકૃષ્ણનો સંદેશ મહત્ત્વનો છે.

કોમી એખલાસ એ જ એક માત્ર રસ્તો છે. તાત્કાલિક સંપર્કથી સભર એવી આ દુનિયામાં આપણે ઘણો વિકાસ કર્યો છે. યાંત્રિક સંશોધનોએ અંતરની સમસ્યા ઘણી હળવી બનાવી છે, છતાં ભૂતકાળમાં જે માનવીય સમજશક્તિ હતી તેના કરતાં અત્યારે વધુ સારી છે એમ કહી શકાય તેમ નથી. અત્યારના ઘણા રાજકીય પક્ષો અતિનિમ્ન કક્ષાનું માનસ ધરાવે છે. ઐક્યમાંજ ડહાપણ સમાયેલું છે -એવી જેઓ જાહેરમાં વાતો કરે છે તેઓજ ભાગલાવાદી મનોવૃત્તિનો લાભ લે છે. બિનસાંપ્રદાયિકતાનો આડંબર કરનારા પક્ષો પણ નાતજાત અને જૂથબંધીને પ્રોત્સાહન આપી રહ્યા છે.

જો અત્યારે શ્રીરામકૃષ્ણ અને શ્રીવિવેકાનંદ જીવિત હોત તો તેઓએ તમામ ધર્મોની સંપૂર્ણ સંવાદિતાની ભાવનાને જ સ્વીકારી હોત. શ્રીરામકૃષ્ણે ભાગલાવાદી વિષાણુનો પ્રતિકાર કરવા કોઈ જડ ધાર્મિક નુસ્ખો અપનાવ્યો ન હોત. સાથોસાથ તેઓશ્રીએ ધર્મહીન સમાજની કલ્પના પણ ન કરી હોત. “ધર્મનાં ઉત્તમ પાસાંઓ માત્ર આસ્તિકતા નહિં પરંતુ આચરણનો આગ્રહ રાખે છે. ધર્મચુસ્તતા ધર્મની વ્યાખ્યા આપવા પૂરતી સીમિત નથી, પરંતુ તેમાં ધર્મનું આચરણ કરવાની ભાવના પણ સમાવિષ્ટ છે. વ્યાખ્યા તો માત્ર સાધન છે, સાધ્ય નહિ. આપણા લક્ષ્યાંક સુધી પહોંચાડનાર વાહન ધ્યેય કરતાં વધુ અગત્યનું નથી. આપણે ધર્મને નિષ્ઠાપૂર્વક આચરણમાં મૂકવો જોઈએ, માત્ર શબ્દોમાં એનો ઉપદેશ આપવો જોઈએ નહિં. આજે આપણી આસ્તિકતા અને આચરણ વચ્ચે તફાવત છે. જો ધર્મ ગતિશીલ અને વ્યાપક ન હોય, જો માનવજીવનના દરેક પાસાંને તે સ્પર્શી શકતો ન હોય અને દરેક પ્રકારની માનવીય પ્રવૃત્તિ ઉપર એની અસર ન હોય તો તે માત્ર બહારનો દેખાવ છે, વાસ્તવિકતા નહિ.” મેં ડો. એસ.રાધાકૃષ્ણન્‌ના ઉપર્યુક્ત શબ્દો કોઈપણ પ્રકારની દ્વેષભાવના વગર ઉતાર્યા છે. શ્રીરામકૃષ્ણ પોતાના સંપૂર્ણ જીવન દરમ્યાન પણ આજ માન્યતાઓ ધરાવતા હતા એમ મને લાગે છે.

સાંપ્રત સમાજને વેદાંતના ઉપદેશમાંથી જરૂર ફાયદો થશે. વેદાંત વિવિધતાઓનો સમન્વય છે. આ તત્ત્વજ્ઞાનના ઝંડા હેઠળ શ્રી વિવેકાનંદ ભારતના જુદા જુદા સંપ્રદાયોને સંગઠિત કરવા માગતા હતા. ૧૮૯૮ના જૂન માસની દસમી તારીખે તેઓએ નૈનીતાલના એક મુસ્લિમ સદ્‌ગૃહસ્થને લખ્યું હતું કે, ‘અન્ય જાતિઓ કરતાં અદ્વૈતને વહેલો ઓળખવાનો યશ હિન્દુઓને ફાળે જશે, કારણ કે આ જાતિ યહૂદી અને આરબ જાતિ કરતાં પણ વધુ પ્રાચીન છે; છતાં વ્યાવહારિક અદ્વૈતવાદ કે જે આખી માનવજાતિને સ્વયં પોતાના આત્મા તરીકે માને છે અને એ મુજબ જ આચરણ પણ કરે છે, તેનો હિંદુઓમાં સાર્વત્રિક રીતે કદી પણ વિકાસ થયો ન હતો.”

“જ્યારે બીજી તરફ મારો એ અનુભવ છે કે સમાનતાની આવી ભાવના તરફ ઠીક ઠીક પ્રમાણમાં જો કઈ પણ કદી ધર્મે અભિગમ કેળવ્યો હોય તો તે એક માત્ર ઈસ્લામ ધર્મે જ.”

“તેથી મને એવી દૃઢ પ્રતીતિ થઈ છે કે વ્યવહારિક ઈસ્લામ ધર્મની મદદ સિવાય, વેદાંતના તાત્ત્વિક સિદ્ધાંતો ભલે ગમે તેટલા સુંદર અને અદ્ભૂત લાગે છતાં માનવજાતના વિશાળ સમુદાયને માટે સંપૂર્ણપણે અર્થહીન છે. આપણે માનવજાતને એક એવા વિશિષ્ટ સ્થાન ઉપર લઈ જવાની છે જ્યાં વેદ પણ ન હોય, બાઈબલ પણ ન હોય કે કુરાન પણ ન હોય. તેમ છતાં આ કાર્ય આપણે વેદ, બાઈબલ અને કુરાનનો સુભગ સમન્વય કરીને જ કરવાનું છે. માનવજાતને એ શીખવવું જરૂરી છે કે બધા ધર્મો એક જ ધર્મની જુદી જુદી અભિવ્યક્તિ છે અને તે છે ‘ઐક્ય’, જેથી દરેક વ્યક્તિ પોતાને ઉત્તમ પ્રકારે અનુકૂળ આવે તે માર્ગની પસંદગી કરી શકે.”

“આપણી માતૃભૂમિ માટે હિન્દુ અને મુસ્લિમ એ બે મહત્ત્વની વિચારધારાનું સંયોજન-વેદાંતનું મગજ અને ઈસ્લામનું શરીર – એ જ એક માત્ર આશા છે.”

“હું મારી સૂક્ષ્મદૃષ્ટિથી જોઈ શકું છું કે વેદાંતના મગજ અને ઈસ્લામના શરીર વડે ભવિષ્યનું સંપૂર્ણ ભારત અંધાધૂંધી અને સંઘર્ષમાંથી ભવ્ય અને અજેય રીતે બહાર આવશે.”

૧૮૯૮ના મે માસની છઠ્ઠી તરીખે શ્રી આલાસિંગા પેરુમલ પર લખેલા પત્રમાં શ્રી વિવેકાનંદ આ વાતને સમર્થન આપે છે અને લખે છે કે, “સમગ્ર ધર્મનો સમાવેશ વેદાન્તમાં, અર્થાત્ વેદાન્ત દર્શનની દ્વૈત, વિશિષ્ટાદ્વૈત અને અદ્વૈત એ ત્રણ ભૂમિકાઓમાં થઈ જાય છે; એક ભૂમિકા બીજીની પાછળ આવે છે. મનુષ્યના આધ્યાત્મિક વિકાસની આ ત્રણ ભૂમિકાઓ છે. એ દરેક ભૂમિકા આવશ્યક છે. ધર્મનો આવશ્યક સાર એમાં આવી જાય છે. ભારતવર્ષમાં રહેલી જાતિઓના અનેકવિધ રિવાજો અને પંથોને વેદાન્ત લાગુ પાડતાં જે સ્વરૂપ થયું તે હિન્દુ ધર્મ છે. યુરોપમાં વસતા ભિન્ન ભિન્ન જાતિસમૂહોના વિચારોને પ્રથમ ભૂમિકા, અર્થાત્ દ્વૈત લાગુ પાડતાં જે બન્યો તે ખ્રિસ્તી ધર્મ અને એજ ભૂમિકા, (દ્વૈત) સેમેટીક પ્રજાઓને લાગુ પાડતાં જે બન્યો તે મુસલમાન ધર્મ. અદ્વૈત ભૂમિકાને તેના યોગ દર્શનના સ્વરૂપમાં લાગુ પાડતાં જે બન્યો તે બૌદ્ધ ધર્મ, વગેરે. હવે ધર્મનો અર્થ થાય છે વેદાન્ત; એટલું જ કે ભિન્ન ભિન્ન પ્રજાઓની આવશ્યકતાઓ, પરિસ્થિતિઓ અને બીજા સંજોગો પ્રમાણે એ જુદી જુદી રીતે લાગુ પડે છે. તમને જણાશે કે તત્ત્વ દર્શન એક જ પ્રકારનું હોવા છતાં શાકતો, શૈવો વગેરે દરેક તેને પોતાના વિશિષ્ટ પંથ અને ‘સ્વરૂપો’ને લાગુ પાડે છે. આ ત્રણે વિચાર પદ્ધતિ પર લેખો લખો અને એક વાદ બીજામાંથી ફલિત થતો આવે છે એ પ્રકારનો તેમની વચ્ચે સમન્વય દર્શાવો; પણ સાથે સાથે દરેકનાં વિધિવિધાનોનાં કર્મકાંડી સ્વરૂપોથી બિલકુલ દૂર રહેજો. તાત્પર્ય એટલું જ કે તત્ત્વજ્ઞાનના આધ્યાત્મિક ભાગનો જ ઉપદેશ કરજો; પછી લોકો ભલે એ જ્ઞાનને પોતપોતાનાં ધર્મસ્વરૂપોને અનુકૂળ બનાવી દે.”

દરેક ધાર્મિક સમાજ પોતાના અનુયાયીઓને જડ સિદ્ધાંતો અને ધાર્મિક વિધિઓની ઊંડી ખાઈમાં નાખવાનો અત્યાર સુધી પ્રયાસ કરતો આવ્યો છે. જો આપણે આપણા ધાર્મિક આંદોલનમાં પ્રગતિ કરવી હોય તો આપણે આ બધાને ઓળંગી જવું પડશે; અને એ જ આપણું સમાજ શિક્ષણ છે. ધાર્મિક સત્ય ભલે સનાતન હોય તો પણ તેને નવા નવા ઢાંચામાં મૂકવું જ પડશે. શ્રી વિવેકાનંદ સાચા અર્થમાં ધાર્મિક છે. તેઓ કહે છે, “વિવિધતા એજ જીવનનું પ્રતીક છે, અને એ હોવું જ જોઈએ. હું ઈચ્છું છું કે આ સંપ્રદાયો વધતા જ રહે અને અંતે આ પૃથ્વી પર જેટલા મનુષ્યો છે તેટલા ધાર્મિક સંપ્રદાયો અસ્તિત્વમાં આવે અને દરેકની પોતાની ધાર્મિક વિચારધારા હોય, આગવી લાક્ષણિક વિચારધારા હોય.”

શ્રી વિવેકાનંદે આ રીતે વેદાંતનો સંદેશ સમજાવ્યો. “આપણે કોઈનો પણ અસ્વીકાર નથી કરતા, પછી ભલે એ ઈશ્વરવાદી, સર્વેશ્વરવાદી, અદ્વૈતવાદી, અનેકદેવવાદી, અજ્ઞેયવાદી કે નિરીશ્વરવાદી હોય; શિષ્ય થવાની એક માત્ર શરત એ છે કે એ વ્યક્તિમાં એકી સાથે ઉમદા અને અતિ ઉત્કટ ચારિત્ર્યનો આદર્શ હોવો જોઈએ.” ગાંધીજીએ પ્રબોધેલાં નીચે જણાવેલાં વચનો તરફ નજર કરો.

૧૯૨૮ના જાન્યુઆરી માસમાં ‘ફેડરેશન ઑફ ઈન્ટરનેશલન ફેલોશીપ’ને સંબોધતાં ગાંધીજીએ કહ્યું હતું કે, ‘બધા ધર્મોમાં સત્ય રહેલું છે. બધા ધર્મોમાં કંઈક ખામી પણ રહેલી છે. મને જેટલો હિન્દુ ધર્મ પ્રિય છે એટલા જ બધા ધર્મો મને પ્રિય છે. બીજા ધર્મો તરફનો મારો પૂજ્યભાવ એટલો જ છે જેટલો મને મારા પોતાના ધર્મ પ્રત્યે છે.’

આ બધી વાતો એ જ દર્શાવે છે કે આપણા દેશમાં ધર્મનું માનવતાવાદી વલણ ઊપસી રહ્યું છે. શ્રીરામકૃષ્ણે આ બાબતમાં પોતાનો ભાગ ખૂબજ સાચી રીતે નિભાવ્યો છે. તેઓએ ઈશ્વરવિજ્ઞાન વિષેના અનુમાન અને પુરોહિતપ્રધાનતાને સદંતર નકારી કાઢ્યું છે. હકીકતમાં શ્રીરામકૃષ્ણે હિન્દુ ધર્મનું રક્ષણ કર્યું છે અને તેને એક નવો જ અર્થ અને મર્મ આપ્યો છે.

અનુવાદક : શ્રી રઘુપતભાઈ મહેતા

Total Views: 128

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.