કુમારી જસબીર કૌર આહુજા એમ.એ.બી.ટી. સહકારી સેવા તાલીમ કેન્દ્ર, પતિયાળામાં અંગ્રેજીના સિનિયર વ્યાખ્યાતા છે. તેમણે પંજાબીમાં અનેક ગ્રંથો લખ્યા છે, જેમાં શ્રીરામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ અને સિસ્ટર નિવેદિતાનાં જીવનચરિત્રોનો સમાવેશ થાય છે. શ્રીરામકૃષ્ણના ઉપદેશોનું તેઓ પંજાબીમાં ભાષાંતર કરી રહ્યા છે. ભાષાંતરનું પ્રથમ પુસ્તક પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે.

ગુરુ ગ્રંથ સાહેબ સ્વયં વિશ્વવ્યાપી, સંદેશનું મૂર્તિમંત સ્વરૂપ છે. એ સમયે ‘આદિગ્રંથ’ તરીકે પ્રસિદ્ધ, એવા આ ગ્રંથનું સંપાદન પાંચમાં શીખ -ગુરુ અર્જુનદેવજીએ ઈ. સ. ૧૬૦૪માં કર્યું. તેની બીજી આવૃત્તિ ઈ. સ. ૧૭૦૫માં દશમાં ગુરુ -ગુરુ ગોવિંદસિંહજીએ તૈયાર કરી. તેમાં તેમણે નવમા ગુરુ તેગબહાદુરનાં ભજનોનો સમાવેશ કર્યો. તે સમયથી આ ધાર્મિક ગ્રંથ -જે આજે ગુરુ ગ્રંથસાહેબ તરીકે સુપ્રસિદ્ધ છે તે – લોકોને માટે એક પ્રેરણાનો શાશ્વત સ્રોત બની રહ્યો છે. આ ગુરુ ગ્રંથ એ ગુરુનો જ ગ્રંથ છે, જેના દ્વારા ગુરુ પોતાના શિષ્યોને, અનુયાયીઓને, યુગોથી સંબોધે છે. આ રીતે તેને ‘ગુર્બાની’, ગુરુની વાણી કહેવામાં આવે છે. જે કોઈ તેમાંની સ્તુતિ ધ્યાનથી વાંચે, ગાય કે તેનું શ્રવણ કરે તેને ગુરુનો પ્રત્યક્ષ વ્યક્તિગત સંપર્ક થાય છે અને જે વાસ્તવિક રીતે તો તે સ્તુતિમાં સાકાર રૂપે રહેલા છે. તેના પૂર્ણ થવા સાથે જ ગુરુ અર્જુનદેવજીએ શીખોને આદેશ આપ્યો કે તેઓએ, ગ્રંથનું આદરપૂર્વક સન્માન કરવું, જે રીતે તેઓ સ્વયં ગુરુને સન્માને છે, અને તેમણે જણાવ્યું કે તેઓની વચ્ચેથી કાળધર્મ પામ્યા પછી પણ તેની સ્તુતિઓમાં, ખંતથી વાંચનારાને, શોધનારને તેમનો સાક્ષાત્કાર થશે. પોતાની આધ્યાત્મિક શક્તિઓનો પોતાના ઉત્તરાધિકારીમાં આવિર્ભાવ કરાવવાની, પ્રથમ શીખ ગુરુ નાનકે શરૂ કરેલી પ્રણાલિકા મુજબ ગુરુ ગોવિંદસિંહના આખરી કાર્યનું વર્ણન આ રીતે કરવામાં આવ્યું છે.

‘તેમણે ગ્રંથ સાહેબ ખોલીને શ્રીફળ, પાંચ પૈસા તેને ધરાવીને વિધિ પૂર્વક તેને પોતાના ઉત્તરાધિકારી તરીકે પ્રણામ કર્યા. ત્યાર બાદ ‘વાહે ગુરુજીકા ખાલસા! વાહે ગુરુજી કી ફતેહ’, બોલતાં બોલતાં પવિત્ર ગ્રંથની પ્રદક્ષિણા કરી અને કહ્યું, ‘હે વહાલા ખાલસા! જે કોઈ મને મેળવવાની ઝંખના કરતા હોય તેણે ગુરુ ગ્રંથનાં દર્શન કરવાં, ગ્રંથ સાહેબના આજ્ઞાપાલક બનવું, તે ગુરુનું સાક્ષાત રૂપ છે અને જે કોઈને મારો સાક્ષાત્કાર કરવાની તાલાવેલી હોય તેણે ખંતપૂર્વક તેની સ્તુતિઓને ઊંડાણથી તપાસવી, અભ્યાસ કરવો.’

ગુરુ અર્જુનદેવજીએ માત્ર પોતાના પુરોગામીઓની સ્તુતિઓનો જ સમાવેશ કર્યો એટલું જ નહિ, પરંતુ અન્ય ભારતીય સંતોના દિવ્ય પ્રેમથી રંગાયેલ સ્તુતિઓનો પણ સમાવેશ કર્યો. પોતાના પુરોગામીઓનાં કાવ્યોના સંબંધમાં પરિવારમાંથી ઉતરી આવેલી મૂળપ્રતો પર વિશેષ અધિકાર હતો. ગુરુ અમરદાસના પુત્ર બાબા મોહનનો સંપર્ક સાધતાં તેમણે મૂળપ્રતો, થોડા ખચકાટ સાથે આપી. તેમણે પ્રથમ ચાર ગુરુઓ-ગુરુ નાનક, ગુરુ અંગદેવ, ગુરુ અમરદાસ, ગુરુ રામદાસ-ની રચનાઓનો તેમજ એ સાથે કબીર, નામદેવ, ત્રિલોચન સેન, રવીદાસ સદના, ધના, પીપા, જયદેવ અને બાબા ફરીદ (૧૨મી સદીના મહાન સંત કવિ)નો સમાવેશ કર્યો. ગુરુ અર્જુનદેવે અન્ય હસ્તપ્રતોમાંથી બાકીની રચનાઓનો સંગ્રહ કર્યો. સ્વયં ચારણ -ભાટો અથવા તેમના પુત્રોએ એજ પ્રશસ્તિઓ આપેલી. બાકીની સ્તુતિઓ કબીરના શિષ્યો, નામદેવ અને એ સમયના પંજાબના અન્ય સમકાલીન સંતો પાસેથી એકઠી કરવામાં આવી હતી. ડો. એસ. એસ. કોહલીના શબ્દોમાં –

“ગ્રંથ સાહેબની રચનાઓ એક જ સમયે જન્મ પામી ન હતી. જુદા જુદા સમયે તેની રચના કરવામાં આવી હતી. ૧૨મી સદીના બંગાળી સંત જયદેવ, જુનામાં જુના રચનાકારનો સમાવેશ આ પવિત્ર ગ્રંથમાં કરવામાં આવ્યો. મહારાષ્ટ્રના સુપ્રસિદ્ધ કવિ નામદેવ ચૌદમી સદીના હતા. ગંગાખીણના હિન્દી કવિ કબીર પંદરમી સદીમાં વિકાસ પામ્યા. ગુરુ નાનક અને તેના ઉત્તરાધિકારીઓ સોળ અને સત્તરમી સદીમાં થઈ ગયા. આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે ગુરુ ગ્રંથ સાહેબ છ સદીઓના સમયગાળાને આવરી લે છે.”

ખરેખર એ નવાઈ પમાડે તેવી બાબત છે કે ગ્રંથ સાહેબના ગ્રંથકર્તા ગુરુ અર્જુને માત્ર સમકાલીન વિશાળ રચનાઓનો અભ્યાસ કર્યો, એટલું જ નહીં પણ થઈ ગયેલા સંત કવિઓની કાવ્યકૃતિઓનો, પસંદગીના હેતુથી, અભ્યાસ કર્યો. એક આદર્શના પાયા પર આ પસંદગી કરવામાં આવી હતી.

ગુરુ ગ્રંથ સાહેબનો પ્રારંભ પ્રાત:કાળની પ્રાર્થના ‘જપજી’થી થાય છે. તે પછી સાયં પ્રાર્થના ‘રહીરાસ’ આવે છે. ત્યારબાદ રાત્રિની પ્રાર્થના ‘કિરણ સોહીલ’ આવે છે.

ગુરુ ગ્રંથની બીજી નોંધપાત્ર લાક્ષણિકતા તેના છંદોની ચોકસાઈ અને તેના કાવ્ય-સૌંદર્યમાં છે. તેનો બહુધા ભાગ તેના પરંપરાગત પદોમાં (શ્લોકો અને પૌડીઓ) ઢાળવામાં આવેલો છે; અને તેને સુપ્રસિદ્ધ શાસ્ત્રીય રાગોના સંદર્ભમાં જ સારી રીતે સમજી શકાય. કેટલાંક ભજનો અને ગીતોમાં લોકગીતોની લય અને માત્રાઓનો ઉપયોગ થયો છે. (જેવી કે ‘અલાહાનીઓ’ અને ‘હોરીઓ’). તેમાં સંગીત અને પદો વચ્ચેનો આંતરિક અને એકીકૃત સંબંધ પણ જળવાયો છે. સમસ્ત ‘બાની’ તેનું વર્તમાન સ્વરૂપ છે; છાપેલી પ્રતોમાં ૧૪૩૦ પાનાનું છે, અને ૩૩ વિભાગોમાં વહેંચાયેલું છે. તેના પ્રથમ વિભાગમાં ગુરુ નાનકના પ્રેરક ગીત ‘જપજી’નો સમાવેશ થાય છે, જ્યારે તેનો આખરી ભાગ શ્લોકો અને ભાટોના સવૈયાઓનો સમાવેશ કરતા વિવિધ પદોનો સંગ્રહ છે. બાકીના ૩૧ ભાગોના નામ સુપ્રસિદ્ધ શાસ્ત્રીય રાગો પરથી રાખવામાં આવ્યા છે, જેવા કે, ‘શ્રી’, ‘મેહ’ (માહ), ‘ગૌરી’, ‘ગુજરી’, ‘દેવગાંધારી’, ‘ધનાશ્રી’, ‘બિલાવલ’, ‘કેદાર’, ‘મલ્હાર’, ‘કલ્યાણ’, વિગેરે. આ રીતે વિભાગ ચુસ્ત રીતે સંગીતશાસ્ત્ર પર આધારિત છે. તદુપરાંત પ્રત્યેક સ્તવન યા ગીતની પહેલાં એક ‘અંકે’ (મોહલ્લા) હોય છે જે તેના રચયિતા ગુરુ – ગુરુ નાનકથી આગળના-નામનું સૂચન કરે છે. દરેક ગુરુ સંસ્થાપક ગુરુના નામે બોલે છે, જેની શક્તિનો સંચાર તેના નવ ઉત્તરાધિકારીઓમાં થાય છે. મોટા ભાગની મુખ્ય સ્તુતિઓ ‘જપજી’ (ગુરુ નાનક) ‘આનંદ’ (ગુરુ અમરદાસ) ‘સુખમણી’ અથવા ‘શાંતિ સ્તવન’ (ગુરુ અર્જુનદેવ), ‘રેહ રસ’ (ગુરુ રામદાસ, ગુરુ નાનક, ગુરુ અર્જુનદેવ)નો બહોળા પ્રમાણમાં વ્યક્તિગત રીતે તેમજ ધર્મસભાઓમાં વફાદાર શ્રદ્ધાળુઓ દ્વારા મંગળ અને સાયં પ્રાર્થનાઓના સમયે ગાવામાં આવે છે. તેના મનને શાંત કરનારા અને અમૃતમય હવાએ સમસ્ત જગતમાં લાખો લોકોને દિલાસો આપ્યો છે. ગુરુ ગ્રંથમાં મૂર્તિમંત થતી શીખ ફિલસૂફી ક્રિયાકર્મોની ફિલસૂફી છે.

ગુરુ ગ્રંથ સાહેબમાં કેટલીક ભાષાઓ અને પ્રાંતીય ભાષાઓ જોવામાં આવે છે કારણ કે જે સંતોએ તેની રચના કરી, તે એક સ્થળેથી બીજે સ્થળે ફરતા રહેતા. ગુરુ નાનક દેવજીએ પંજાબથી આસામ, હિમાલયથી સિલોન અને મધ્યપૂર્વમાં મક્કા-મદીનાની પણ યાત્રા કરી. કબીરે પણ ભારતના વિવિધ ભાગોની યાત્રા કરી. નામદેવ પણ આવ્યા હોવાનું માનવામાં આવે છે, કારણ કે ગુરુદાસપુર જિલ્લામાં તેમનું સ્મૃતિ સ્થળ આવેલું છે. લોકકવિઓ હોવાથી તેઓ લોકભાષા બોલતા, જે આમપ્રજા સમજી શકતી. ગુરુ નાનક અને ગુરુ અર્જુનદેવે સંસ્કૃતમાં પણ લખ્યું. તેમની રચનાઓ પર, કવિઓ પર જે પ્રદેશમાંથી આવ્યા હોય, તેનો સામાન્ય રીતે પ્રભાવ પડતો હોય. ઉદાહરણ તરીકે નામદેવજીની ભાષામાં અંતમાં મરાઠી ગણોનો સમાવેશ થતો. ગુરુઓના કાવ્યો પર પંજાબની અસર જોવા મળે છે. વળી ગુરુ સાહેબમાં મરાઠી, ગુજરાતી, અવધી, પૂર્વીપંજાબી, દખ્ખણી, હિન્દી, ઉર્દુ, અરબી, સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓની અસર જોવા મળે છે. મધ્યકાલીન ભારતીય ભાષાઓનો એ અમૂલ્ય સંગ્રહ છે.

વેદાંતની બધી શાખાઓને ઈશ્વરના અસ્તિત્વમાં શ્રદ્ધા છે. ઈશ્વર સર્વ શક્તિમાન અને સર્વજ્ઞ છે. ગુરુ ગ્રંથ સાહેબના મત મુજબ દરેક વસ્તુનું ‘તેણેજ’ સર્જન કર્યું છે અને તે પોતાના સર્જનમાં જ વસે છે.

“આ વનપ્રદેશ ઈશ્વરનું નિવાસસ્થાન છે અને તે તેમાં જ વસે છે.”

(વર આસા-શાલોક મહાલા-૨)

“પ્રત્યેક જીવો અને જગત ઈશ્વરનું જ સર્જન છે.” ગુરુ અર્જુનદેવજી કહે છે, “એકમાંથી અનેક બને છે અને સ્પષ્ટ રીતે અનેકમાંથી ઐક્ય સધાય છે.”

(માહ મહાલા-૫)

“ઈશ્વર એક છે. તેનું નામ જ સત્ય છે. તે જ સર્જનહાર છે. તે ભય અને શત્રુતા વિહીન છે. તે જન્મમૃત્યુથી પર છે. તે સ્વ-અસ્તિત્વ ધરાવે છે. માત્ર ગુરુકૃપાથી જ તેને જાણી શકાય છે.” આ રીતે ગ્રંથ સાહેબના મતાનુસાર ઈશ્વર પૂર્ણ ગુણોનો ભંડાર છે, તેનું નામ સત્ય છે, અન્ય બધાં નામો, સતનામ સિવાયના, રચાયેલા (કિર્તમ) નામો છે. કેટલાંક ‘કિર્તમ’ નામોનો ઉપયોગ થાય છે કારણ કે વિવિધ પંથોના લોકો વડે વધારે સ્પષ્ટ રૂપે એ નામોને સમજવામાં આવે છે. શીખો ‘વાહી ગુરુ’ના નામને વિશિષ્ટ મહત્ત્વ આપે છે. ભાટ-ચારણો વડે એનો ઉપયોગ થયો છે.

ઈશ્વર સમસ્ત સૃષ્ટિનું નિર્માણ કરનાર છે. ઈશ્વર એક માત્ર શાશ્વત છે, જેણે પુરુષ અને પ્રકૃતિનું સર્જન કર્યું છે. તે પુરુષ અન્ય પુરુષો કરતાં અલગ જ છે. તે ‘સ્વયં સર્જિત’ છે. તે જ પરમાત્મા છે જેમાંથી અન્ય આત્માઓ ઉત્પન્ન થાય છે. તે આદિ, પરમઆદિ અને અનાદિ છે. રજસ્‌, તમસ્‌ અને સત્ત્વ ત્રણે ગુણોનો નિર્માતા પણ તે જ છે. આ ગુણો તેની માયા દ્વારા જ નિર્માણ પામ્યા છે. ઈશ્વરના બે સ્વરૂપો હોવાનું માનવામાં આવે છે . ‘વિકાર વર્તીન’ –‘વિશ્વવ્યાપી રૂપ’ અને ‘ત્રિગુણાતીત, ઉત્કૃષ્ટરૂપ’ – જે માયાથી અલિપ્ત કે વિખુટું છે, તે નિર્ગુણ તેમજ સગુણ છે, જેણે શક્તિના ઉપયોગથી અન્યને ભ્રમમાં નાખ્યા. (સુખમણી શ્લોક-ર૧)

ઈશ્વર પોતાના ભક્તોને તેમની ઇચ્છાઓને પ્રાર્થનાઓ મુજબ સંતોષવા સગુણરૂપ ધારણ કરે છે. ગુરુ ગ્રંથ સાહેબ સૂક્ષ્મ જીવોમાં પણ વસે છે. આપણું પોતાનું શરીર પણ એક સૂક્ષ્મ જગત છે, જેમાં ઈશ્વર વસે છે. સમસ્ત વિશ્વનો સાર આપણા દેહમાં સંગ્રહિત છે. (ઈશ્વરને મેળવવા મથતો) સાચો શોધક (મુમુક્ષુ) દેહની ખોજ કરીને તેમાં રહેલા (ઈશ્વરરૂ૫) છૂપા ખજાનાને શોધે છે. સાચા ગુરુની કૃપાથી જ ઈશ્વરને ઓળખી શકાય છે. ગુરુનો અર્થ છે દિવ્ય-શિક્ષક. ખુદ ઈશ્વરનું વર્ણન પણ જગત-ગુરુ તરીકે કરવામાં આવ્યું છે. એક સાચા ગુરુ, ખરેખર સત્ય અને જ્ઞાનના મહાસાગર છે. તે જે જ્ઞાન આપે છે એ હંમેશાં સત્ય (રૂપ) જ હોય છે. ગુરુ સ્વયં જ્ઞાનના પ્રકાશ (રૂપ) હોવાથી તેના શબ્દો (વાણી) જગત માટે પ્રકાશ (રૂપ) હોય છે.

ગુરુ ‘નામ’ – ઈશ્વરનું નામ -પોતાના શિષ્યોને આપે છે, અને તેને હંમેશા યાદ રાખવાની રીત શીખવે છે. જ્યારે શિષ્ય આ નામને યાદ કરવાનું – તેનું સ્મરણ કરવાની સતત સાધના કરે છે, ત્યારે ભ્રાંતિ કે ભ્રમનું આવરણ દૂર થાય છે. તે નિર્વાણના પદને પામે છે. શિષ્ય સાચા (સદ્) ગુરુને પ્રાપ્ત કરીને પોતાની જાતને ધન્ય માને છે. તે પોતાના તન, મન, ધન અને પોતાના સર્વસ્વનું ગુરુ-ચરણે સમર્પણ કરે છે અને તેની આજ્ઞા અનુસાર તેનો ઉપયોગ કરે છે. ગુરુ આવા શિષ્યને ચાહે છે, જે રીતે એક માતા પોતાના બાળકને.

નિયંતાનું નામ જ સ્વયં ઈશ્વર છે. ગુરુ શબ્દ જ સ્વયં ગુરુ છે. ગુરુ ને ગોવિંદ, એક છે. ઈશ્વરના સાન્નિધ્યમાં પણ શિષ્ય, ગુરુને જ વંદન કરે છે, કારણ કે ગુરુની કૃપા વડે જ શિષ્ય ઈશ્વરને પામવા સમર્થ બની શકે છે.

‘નામ’ શું છે? પ્રો. તેજાસિંઘ, “નામ”ને ઈશ્વરનું જ રૂપ કહે છે અથવા તેનું જ લક્ષણ ગણે છે. તેની ઉદારતા, તેની કરુણા દ્વારા જ આપણે તેને ઓળખીએ છીએ.” ડો. શેરસિંઘ કહે છે, “ચેતન વિનાનો દેહ મૃત છે અને નામ વિનાનું જીવન મૃત છે.” ‘નામ’ અનંત આત્મા અને અનંત પિતા ઈશ્વરને સાંકળનારી કડી છે. આવી ઈશ્વરના’ નામ’ની મહાન ભેટ માત્ર યોગ્ય માર્ગે જ આપણને મળી શકે છે. ગુરુ દ્વારા જ ઈશ્વર તે બક્ષે છે. જ્યારે ‘તેને’ મેળવવાને આપણે પાત્ર બનીએ છીએ ત્યારે જ સંતભક્તને તે આપણા પાસે મોકલે છે. ઈશ્વરની પ્રેમ-સુધાનું પાન આપણે કેટલા આનંદ સાથે કરીએ છીએ! એ અમૃત વિના આપણે તૃષાતુર (તરસ્યા રહીને) મૃત્યુ પામીએ, ઈશ્વર વિના આપણે શેકી નાખે તેવા ઐહિક પરિતાપ વચ્ચે જીવી શકીએ નહીં. ચાલો, આપણે સાધુ-સંતોના સત્સંગને જ અહર્નિશ વળગી રહીએ, જેથી કરીને આપણે હંમેશાં દિલ-દિમાગમાં તેને રાખી શકીએ અને એ દ્વારા જ શાશ્વત જીવનનો મધુર આનંદ માણી શકીએ!

સુખી જીવન માટે પવિત્ર સંગાથ – સત્સંગની આવશ્યક્તા છે. સત્સંગના આનંદની પ્રાપ્તિ સાથે જ વ્યક્તિ પર પરમાત્માની કૃપાનો પ્રારંભ થાય છે. સંત પરમાત્મા સાથેનો સુમેળ સાધે છે. તે હંમેશાં ઈશ્વરના સાન્નિધ્યમાં રહે છે. એક પાપી સુદ્ધાં સંતોના સમાગમથી જ આધ્યાત્મિક ઉન્નતિ સાધે છે.

ગુરુ ગ્રંથ સાહેબની ફિલસૂફીમાં દિવ્યકૃપાનું ઘણું મહત્ત્વનું સ્થાન છે. નિયંતા આપણા કર્મોનું નિયમન કરે છે, છતાં પણ તેણે આપણને મુક્તેષણાનો વિવેક આપેલો છે. જે કોઈ પરમાત્માની ઈચ્છાનુસાર કર્મ કરે તેને તેની કૃપાનું મહત્ત્વ સમજાય છે. કર્મ જ જન્મ-મૃત્યુનું નિમિત્ત છે અને તેની કૃપા વડે જ પરમસુખની પ્રાપ્તિ થાય છે.

અજામિલની અને એના જેવી અન્ય બોધવાર્તાઓ પ્રભુનામ અને પ્રાર્થનાની શક્તિ કેવી છે, તે દર્શાવે છે. અજામિલના દુષ્કૃત્યો (પાપો) પણ ઈશ્વરની કૃપા વડે જ ધોવાઈ ગયા અને અંતે ન્યાયદેવતા પણ કશું જ કરી શક્યા નહીં. કૃપાની પ્રાપ્તિ માટે વ્યક્તિને પુરુષાર્થ-પ્રયત્ન કરવો પડે છે અને પ્રમાદી બની બેસી રહેવાનું નથી. પ્રેમ અર્થાત પ્રેમ-ભક્તિ આવશ્યક છે. આ આદર્શની પ્રાપ્તિ કેવળ ગુરુ અને ગુરુ-મંત્રની સહાય વડે જ શક્ય છે. સત્યમય જીવન અને પ્રભુ નામ સ્મરણ નિર્વાણ પ્રતિ દોરી જાય છે.

આદિ ગ્રંથમાં નિર્વાણને ચૌથાપદ એવું નામ આપવામાં આવ્યું છે. ચૌથાપદની પ્રાપ્તિ એવા સંત જ કરી શકે છે, જે પ્રથમ ત્રણ પદો ‘જાગૃતિ’, ‘સ્વપ્ન’ અને ‘સુષુપ્તિ’થી પરે (ઊંચે) જાય છે. વળી તે ત્રિગુણથી પણ પરે જાય છે. જગત-ત્રણ સ્થિતિ અને ત્રિગુણ-માયાની અંદર જ રહે છે. ચૌથાપદની પ્રાપ્તિ ભાગ્યે જ કોઈ કરે છે, (અને આ પણ શક્ય બને છે) કેવળ ગુરુકૃપા વડે. ચોથું પદ ‘તુરીય અવસ્થા’થી પણ ઓળખાય છે. યોગની પરિભાષામાં આ સ્થિતિ ‘ઉન્માન’ તરીકે ઓળખાય છે.

ગુરુ નાનકદેવજીના ‘જપજી – સાહેબ’માં આધ્યાત્મિક વિકાસના પાંચ સોપાન સંગ્રહીત થયા છે. આ સોપાનો છે – ધર્મખંડ, જ્ઞાનખંડ, સરમખંડ, કરમખંડ અને સાચખંડ જેનો અનુક્રમે અર્થ થાય છે- ફરજ, જ્ઞાન, પુરુષાર્થ, કૃપા અને સત્ય. ઈશ્વર પ્રાપ્તિની ઇચ્છા રાખનાર નૈતિક સ્તરેથી અધ્યાત્મના સ્તર સુધીની ઊંચાઈ પ્રાપ્ત કરે છે. નૈતિકતા, આધ્યાત્મિક પ્રગતિનો પાયો બને છે. ગુરુ નાનકદેવજીનો ઉપદેશ છે, ‘સત્ય સૌથું ઊંચું છે પણ સત્યમય જીવન એનાથી પણ ઊંચું છે.’

ગુરુ ગ્રંથ સાહેબનો ધર્મ સાર્વત્રિક અને વ્યવહારુ છે. જ્ઞાતિ, જાતિ કે રંગના કોઈ પણ ભેદભાવને તેમાં સ્થાન નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય અને કહેવાતા શુદ્રો સૌ સાથે બેસે છે. હિન્દુ મુસલમાન સાથે બેસે છે. રાજા, હલ્કી કોટીના સાથે બેસે છે. ‘લંગર’માં સમાજના ભોજનમાં તેઓ સૌ સાથે જ બેસે છે અને ‘પ્રસાદ’માં ભાગ લે છે. ‘સંગત’માં તેઓ સૌ સાથે બેસી પવિત્ર પ્રાર્થના એકી સાથે ગાય છે. પ્રેમ, સત્ય, સંતોષ, નમ્રતા, ઈશ્વરનું પિતૃત્વ, માનવીનું ભ્રાતૃત્ત્વ, લાગણી પર અંકુશ, જીવો પર દયા, પવિત્રતા, આત્મા-પરમાત્માની શોધ, સ્ત્રી-પુરુષની સમાનતા, અન્ય લોકોની સેવા, અન્ન-વસ્ત્રની રીતભાતમાં ઉદારતા-તેને એક સાર્વત્રિક ધર્મ બનાવે છે. ઈશ્વરેચ્છા પ્રતિ ભક્તિ અને શરણાગતિનો એ ધર્મ છે. ગુરુ-ભક્તિ મહત્ત્વનો ભાગ ભજવે છે. ગુરુઓએ જે કાંઈ ઉપદેશ્યું તેનું પ્રથમ, તેમણે જાતે જ આચરણ કર્યું. કેટલીક મર્યાદાઓને લીધે, સાર્વત્રિક આકર્ષણ છતાં પણ, ગુરુ ગ્રંથ સાહેબનો સંદેશ સમસ્ત જગતમાં પ્રસારી શકાયો નહીં ગુરુ અર્જુનદેવની ઈચ્છા હતી કે, આ ધર્મ – પુસ્તકનો ભારતની તેમજ જગતની ભાષાઓમાં અનુવાદ કરવામાં આવે. મેકૌલીફે અને યુનેસ્કોએ પણ આ દિશામાં થોડા પ્રયત્નો કર્યા છે. ભારતના ઘણા ભાગોમાં ભક્તો, ગુરુ ગ્રંથ સાહેબના સંતોની પૂજા-અર્ચના કરે છે. પ્રેમ, ઐક્ય, સેવા અને ભક્તિ જે સૌનો સામાન્ય હિસ્સો છે. લોકોને જોડનારી કડી છે. ભક્તોને તેની સમજ કે જાણકારી આપવાની તાતી જરૂરિયાત છે.

વિશ્વ સળગી રહ્યું છે અને તેને બચાવી લેવું જ જોઈએ. તેને પ્રેમ અને ભ્રાતૃભાવનાના પ્રદેશ નીચે લાવવું જોઈએ, ગમે તે રીતે કે માર્ગે, જે આ હેતુની પ્રાપ્તિ માટે યોગ્ય કે ઉચિત હોય. ત્રીજા ગુરુ અમરદાસજી પોતે પ્રાર્થે છે, “હે ઈશ્વર! આ સળગતા વિશ્વને તારી કૃપા વડે બચાવ, તેને જે કોઈ અનુરૂપ (ઉપાય) રીતે બચાવી શકાય, તે રીતે બચાવ” (શા લોક (શ્લોક) મહાલા-૩ બીલાવલ કી વર).

ડો. તરનસિંઘના મતાનુસાર ગ્રંથ સાહેબનો સંબંધ કે ઔચિત્ય એ હકીકતમાં છે કે –

“બધા ધર્મો અને ગહન અનુભવોનું મૂળભૂત ઐક્ય સાધવાનો ગુરુ અર્જુનદેવનો વિચાર હતો. એમ કહી શકાય કે તે મન અને આત્માની આધ્યાત્મિક પ્રકાશ પર કામ કરતી પૂર્ણ મહાસભા હતી.”

આ રીતે ભક્તો, સૂફી-સંતો અને ભાટોના ગીતોને લિપિબદ્ધ કરી, ઉન્નત બનાવ્યા- જેનો હેતુ સર્વ શક્તિમાનની શક્તિને સલામ કરવાનો હતો, પછી તે ઈશ્વરના મહિમાને પ્રગટ કરવા કોઈપણ સ્વરૂપ ધારણ કરે. આવું એ સમયે જ કરવામાં આવ્યું કે જ્યારે ભારતમાં જ્ઞાતિ-જાતિ પ્રથાએ માણસના આંતરમનને પાંગળું બનાવી દીધું હતું. ખરેખર એ, ભારતના જુદાજુદા ભાગોનો એક ભવ્ય ટૂંકસાર હતો. વળી એ સાથે જ, તે એ સમયની ભારતની સામાજિક, આર્થિક અને રાજકીય પરિસ્થિતિને પ્રતિબિંબિત કરતો એક અરિસો હતો.

ગુરુ ગ્રંથ સાહેબ સમસ્ત જગત માટેની એક અમૂલ્ય અને આધ્યાત્મિક ભેટ હતી, ખાસ કરીને પંજાબને માટે. સમસ્ત માનવજાત માટે એ ગર્વની વાત છે. પ્રેમ અને ભ્રાતૃભાવનું મૂર્તિમંત સ્વરૂપ. આ પવિત્ર ધર્મપુસ્તક સર્વ ધર્મોના મુમુક્ષઓને સદા પ્રેરણા આપતું રહેશે- ભલે પછી તેમનો આધ્યાત્મિક ખોજનો માર્ગ કે પંથ ગમે તે હો.

ભાષાંતર : સી.એ. દવે

સંદર્ભ સૂચિ

(૧) ગુરુ ગ્રંથસાહેબનો ઉપદેશ થીયોસોફીકલ પ્રકાશન ગૃહ, મદ્રાસ ૧૯૬૮ (૨) મેકૌલીફ ‘શીખધર્મ’ (૧૯૯૦) ગ્રંથ ૨ પાના-૨૪૪ (૩) ડો. એસ.એસ. કોહલી, ‘આદિગ્રંથને વિવેચનાત્મક અભ્યાસ’, નવી દિલ્હી, પંજાબી લેખકોની સહકારી મંડળી લી. ૧૯૬૧. પ્રસ્તાવના (૪) ડો. તરનસિંઘ, ગુરુ ગ્રંથ રત્નાવલી (પતીયાળા) પંજાબી યુનિવર્સિટી, શ્રી ગુરુ ગ્રંથ સાહેબ, અભ્યાસ વિભાગ પ્રસ્તાવના પાના નં. ૨૯ (૫) ડંકન ગીનલેસે ‘ધી ગોસ્પેલ ઓફ ધ ગ્રંથ સાહેબ’માંથી ટાંકેલું. (૬) એજન પાનું ૧૧૮ (૭) ડો. એસ. એસ. કોહલી ‘આદિગ્રંથનો વિવેચન- અભ્યાસ’ પાના નં. ૩૬૩ (૮) ડો. તરનસિંઘ ગુરુ ગ્રંથ રત્નાવલિ પાના નં. ૨૮-૨૯.

Total Views: 217

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.