(સ્વામી હર્ષાનંદજી રામકૃષ્ણ મઠ, બેંગ્લોરના અધ્યક્ષ છે. તેમના પુસ્તક ‘Hinduism through Questions and Answers’નો અનુવાદ અમે ધારાવાહિકરૂપે રજૂ કરીએ છીએ.)

પ્ર.૧.      હિન્દુ ધર્મનો અર્થ શો છે?

ઉ.        પ્રાચીન ફારસી ભાષામાં ‘સ’નું ઉચ્ચારણ ‘હ’ થાય છે. તેથી જ ફારસી લોકોએ સિંધુ નદીના આ વિસ્તારને હિન્દુસ્તાન એટલે કે ‘હિન્દુ’ દેશ, ભારતના રહેવાસીઓને હિન્દુ અને તેમના ધર્મને હિન્દુ ધર્મ તરીકે ઓળખાવ્યો. આ દૃષ્ટિએ જોતાં ‘હિન્દુ’ દેશમાં પ્રચલિત સર્વ ધર્મો- પછી તે જૈન ધર્મ, બૌદ્ધ, શીખ ધર્મને હિન્દુ ધર્મની જ અલગ અલગ બાજુઓ તરીકે માની શકાય.

ગમે તેમ પણ ‘હિન્દુ’ ધર્મની વ્યાખ્યાની ભીતર તે એ ધર્મ છે કે, જે વેદો પર આધારિત અને આર્યજાતિ દ્વારા અનુસરવામાં આવતો રહ્યો છે. એનું પરંપરાગત નામ ‘સનાતન ધર્મ’ પડી ગયું છે અને એ યોગ્ય જ છે. કારણ કે તે અત્યંત પ્રાચીન છે અને તેમાં શાશ્વત મૂલ્યોની સંકલ્પના છે. (સનાતન = પ્રાચીન + શાશ્વત) સનાતનનો અર્થ એ જ છે. ધર્મ શબ્દની વ્યુત્પત્તિ ‘ધ્રુ’ (ધારણ કરવું) ધાતુમાંથી છે. તેનો અર્થ વિશ્વને ધારણ કરવાવાળો એવો થાય છે. તેનું બારીકાઈથી વિશ્લેષણ કરતાં તે ‘ઈશ્વર’નો પર્યાયવાચી ઠરે છે. ગૌણ અર્થની દૃષ્ટિએ ધર્મ આધ્યાત્મિક અનુશાસનનો એ માર્ગ છે જે ઈશ્વરાનુભૂતિ અથવા ભગવદ્-પ્રાપ્તિ પ્રતિ આપણને પ્રેરે છે. ઘણા પ્રાચીન કાળથી આજ સુધી હિન્દુ ધર્મના સર્વ પંથોનું નિષ્ઠાપૂર્વકનું અનુસરણ જ ઈશ્વરાનુભૂતિ માટે પ્રેરણારૂપ બન્યું છે. ભવિષ્યમાં પણ તે જરૂર પ્રેરક બની રહેશે. તેથી જ ‘સનાતન ધર્મ’ નામ ખરેખર ઉચિત છે.

પ્ર.૨.      તેનો ઉદ્‌ગમ ક્યારે અને કોના દ્વારા થયો?

ઉ. જગતના અન્ય ધર્મોની વાત જુદી છે. ધર્મના કોઈ એક પયગંબર દ્વારા કે માનવ ઇતિહાસના કોઈ કાળવિશેષમાં હિન્દુ ધર્મનો ઉદય નથી થયો. હિન્દુ ધર્મની વિશેષતા તો એ છે કે, ધર્મના દૂત કહી શકાય કે પયગંબરના નામને યોગ્ય હોય તેવા અગણિત, અસંખ્ય સંતો, ઋષિઓ અને તપસ્વીઓની પોતાની સહજ, આત્માનુભૂતિ અને આધ્યાત્મિક સાધનાઓ પર તે આધારિત છે. પ્રાપ્ય થઈ શકે તેવી આધ્યાત્મિક અનુભૂતિના મજબૂત પાયા પર આધારિત હિન્દુ ધર્મની પરંપરાનો પ્રવાહ યુગોથી ગંગાના અવિરત પ્રવાહની માફક ચાલ્યો આવે છે. તેથી જ તો તેનું ‘સનાતન ધર્મ’ એવું નામ પડ્યું છે.

પ્ર.૩. હિન્દુ ધર્મનો મૂળ ગ્રંથ ક્યો છે? તમે તેનો સાર કહી શકશો?

ઉ. વેદ જ હિન્દુ ધર્મનો મૂળ ગ્રંથ છે. ‘વેદ’ શબ્દનો વાચ્યાર્થ ‘જ્ઞાન’ અથવા ‘વિવેક’ છે. ‘શ્રુતિ’ (જે સહજ-સ્ફૂર્ત છે), ‘આગમ’ (જે વારસામાં પ્રાપ્ત થયેલ છે), ‘નિગમ’ (જે જીવનની શાશ્વત સમસ્યાઓને સ્પષ્ટ કરી અને તેનું ચોક્કસ સમાધાન પણ આપે છે) ઇત્યાદિ તેને માટે ઉચિત એવાં અન્ય નામો છે. ઈશ્વર અથવા પરમેશ્વર, પરમાત્માની કૃપાથી ઋષિઓ-તપસ્વીઓની જ્ઞાનમૂલક અનુભૂતિના ઊંડાણમાં સહજ સ્ફૂર્ત થવાને લીધે તેને અપૌરુષેય માનવામાં આવે છે. અર્થાત્ તે માનવરચિત નથી.

ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ એ ચાર વેદો છે. તેમાં ઋગ્વેદ જ સૌથી પ્રાચીન છે. તેમાંથી પ્રાપ્ત થતાં જ્યોતિષ શાસ્ત્રનાં તથ્યોને આધારે લોકમાન્ય તિલક તથા અન્ય વિદ્વાનો એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે, ઋગ્વેદ આઠ હજાર વર્ષ પ્રાચીન છે.

ઋગ્વેદ – ઋચાઓ – પ્રાર્થનાઓનું સંકલન છે. યજુર્વેદમાં યજ્ઞનાં વિધિ-વિધાનો અને કર્મકાંડોનું વિવરણ છે. સામવેદમાં ઋગ્વેદની વિશિષ્ટ ઋચાઓને જ સ્વરબદ્ધ સ્વરૂપ અપાયું છે, તેનો વિશિષ્ટ યજ્ઞો સમયે પાઠ થાય છે. સામવેદમાંથી ભારતનાં રાગ ને રાગિણીઓ ઉદ્ભવ્યાં છે. અથર્વવેદ નીતિ સિદ્ધાંતોનું સંકલન છે, જેમાં વિજ્ઞાનની આયુર્વેદ જેવી શાખાઓનો ઉલ્લેખ છે; જે સ્વાસ્થ્ય અને આયુષ્ય વધારવા સંબંધી વિજ્ઞાન છે.

શરૂઆતથી જ પ્રત્યેક વેદનું ચાર ભાગોમાં વર્ગીકરણ થયું છે. જેવા કે મંત્ર અથવા સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ. ‘સંહિતાઓ’ ઈન્દ્ર, વરુણ, વિષ્ણુ ઇત્યાદિ વૈદિક દેવતાઓના સ્તુતિ – મંત્રો છે. ‘બ્રાહ્મણ’ યજ્ઞયાગનાં વિધિ-વિધાનોનું વર્ણન કરે છે. (બ્રાહ્મણ શબ્દ બ્રાહ્મણ જાતિનું સૂચન કરતો નથી) ‘આરણ્યક’ યજ્ઞના કર્મકાંડો પર આધારિત અને વનમાં આચરવાનાં ધ્યાન-સમાધિનું વર્ણન કરે છે. વિશ્વના મૂળમાં રહેલું સત્ય શું છે? માણસનું અસલ સ્વરૂપ ક્યું છે? જીવનનું લક્ષ્ય શું છે? તેને પ્રાપ્ત કરવાનું સાધન ક્યું છે? આવા પ્રશ્નો પર પ્રકાશ પાડતાં ચિંતનનાં દાર્શનિક પ્રતિપાદનો ‘ઉપનિષદ’માં થયેલાં છે.

(ક્રમશ:)

ભાષાંતર : શ્રી સી. એ. દવે.

Total Views: 225

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.