હું પોતે મારામાં છલકું પંચામૃતનો

મુખરિત પારાવાર!

હું છું મારો ફેનિલ આરો

ને હું મુજ ઉર્મિલ મઝધાર:

પંચામૃતનો મુખરિત પારાવાર!

ફેનફેનના કુન્દધવલ કંઈ ઘૂઘરના ઘમકાર,

હું છું મારું સ્મિત સ્વરમંડલ

ને હું મારો અભિહત હાહાકાર!

પંચામૃતનો

હું મારો વિરહાકુલ પ્રેમી હું મારો અભિસાર;

સ્વયં વિવર્તિત, સ્વયં વિસર્જિત

નશ્વર ને તોફાની તબડક તરંગના તોખાર!

હું પોતે નિજ રેન સમાલું હું મારો અસવાર!

પંચામૃતનો

ઋતમય તેજઋચા હું પોતે, હું ઉદ્‌ગાતા ને હું શ્રોતા,

હું મુજ મંત્રોચ્ચાર

અનંતમાં લીલામય રમતા છંદલલિતે ઉદ્‌ગાર!

પંચામૃતનો

ચેતનમય છલછલ જલઅંબર ફર ફર ફરકે-

દૂર દૂર જઈ આત્મવિલોપનમાં સહુ મરકે-

મોજમોજનાં ગેબગતકડાં,

ક્ષણભંગુરનો ક્ષણ ક્ષણ નવ અવતાર :

મોજાંનો છે રવ, રવનાં છે મોજાં અપરંપાર!

પંચામૃતનો

હું મારામાં અસીમ-સીમિત,

અવિરત ચંચલ, અકલિત એકાકાર:

નિત્ય શિવોડહમ્ નિત્ય જીવોડહમ્

હું પોતે મારામાં મલકું

પંચતત્ત્વનો પુલકિત પારાવાર!

પંચામૃતનો પારાવાર!

– વેણીભાઈ પુરોહિત

Total Views: 147

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.