વિશ્વ પ્રખ્યાત પુસ્તક “The Tao Physics”ના થોડા અંશો વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરી રહ્યા છીએ.

પાશ્ચાત્ય વિજ્ઞાન અને પૂર્વના જ્ઞાન વચ્ચે સંવાદિતા છે એમ દર્શાવીને આ પુસ્તક વિજ્ઞાનની છબી સુધારવાનો હેતુ રાખે છે. આ પુસ્તક એમ સૂચવવા માગે છે કે આધુનિક ભૌતિકશાસ્ત્ર યંત્રવિદ્યા (Technology)થી તે ઘણું આગળ જાય છે. ભૌતિકશાસ્ત્રોનો માર્ગ જડવાદી નથી. એ માર્ગ આધ્યાત્મિક અને આત્મજ્ઞાનનો માર્ગ હોઈ શકે.

પૂર્વના જીવનદર્શનની એક ખૂબ જ અગત્યની વિશિષ્ટતા છે. એ એના જીવનદર્શનનો અર્ક છે. એમ કહી શકાય કે બધી વસ્તુઓ અને ઘટના વચ્ચે ઐક્ય (unity) અને પારસ્પરિક સંબંધ છે એમ એ જીવનદર્શન માને છે. પૂર્વની પ્રણાલિકા આ પરમ, અવિભાજ્ય સત્યનો સતત ઉલ્લેખ કરે છે. આ સત્ય બધી વસ્તુઓમાં પોતાનો આવિર્ભાવ કરે છે અને બધી વસ્તુઓ એ પરમ સત્યના અંશો છે. હિંદુધર્મમાં એને ‘બ્રહ્મ’ કહેવામાં આવે છે. બૌદ્ધધર્મમાં ‘ધર્મકાય’ અને તાઓધર્મમાં એને ‘તાઓ’ કહેવામાં આવે છે.

આ વિશ્વની પાયાની એકરૂપતા એ માત્ર ગૂઢવિદ્યાના અનુભવની જ મુખ્ય લાક્ષણિકતા નથી. પણ આધુનિક ભૌતિકશાસ્ત્રના જે ઘણા રહસ્યસ્ફોટ થયા છે. તેમાંનો આ પણ એક છે. આ બાબત અણુ-પરમાણુના સ્તરે સ્પષ્ટ બને છે. કોઈ વ્યક્તિ જેમ જેમ પદાર્થનું વધુને વધુ પૃથક્કરણ કરતી જાય છે તેમ તેમ તે બાબત વધુને વધુ સ્પષ્ટ થતી જાય છે. પૂર્વના જીવનદર્શન અને આધુનિક ભૌતિકશાસ્ત્રની તુલના કરતાં આપણી સમક્ષ એક મુદ્દો વારંવાર ઉપસ્થિત થાય છે કે બધી વસ્તુઓ અને ઘટનાઓમાં એક પાયાની એકરૂપતા છે.

ભૌતિકશાસ્ત્રના સાપેક્ષવાદનો જે અવકાશ-સમયનો (space-time) સિદ્ધાંત છે તે ઉચ્ચતર પરિમાણવાળા કાલાતીત (timeless space)ના સિદ્ધાંતને મળતો છે. તેમાંની બધી ઘટનાઓ એક બીજા સાથે સંકળાયેલી છે. પણ તેમની વચ્ચે કાર્યકારી સંબંધ નથી. સૂક્ષ્મ રજકણોની પારસ્પરિક અસરો કાર્યકારણ સંદર્ભના અર્થમાં ત્યારે જ મૂલવી શકાય જ્યારે અવકાશ-સમયની રેખાકૃતિઓને (diagrams) ચોક્કસ દિશામાં વાંચવામાં આવે. ઉદાહરણ તરીકે નીચેથી ઉપર તરફ જેને સમયની કોઈ ચોક્કસ દિશા નથી એવી ચતુર્થ પરિમાણવાળી રેખાકૃતિઓ લેવામાં આવે ત્યારે કશું આગળ નથી અને કશું પાછળ નથી. (no ‘before’ no ‘after’) એમ કહી શકાય અને તેથી કારણભૂત બનવાની પ્રક્રિયા નથી. કાર્યકારણ સંબંધ નથી.

એવી જ રીતે, પૂર્વના ગૂઢવિદ્યાના તજજ્ઞો નિશ્ચિતપણે કહે છે કે સમયની મર્યાદાઓ ઓળંગતા તેઓ કાર્યકારણ સંબંધ ધરાવતા વિશ્વને પણ ઓળંગી જાય છે. અવકાશ અને સમયના આપણા સામાન્ય ખ્યાલોની માફક કારણભૂત બનવાની પ્રક્રિયા પણ એક એ વિચાર છે કે જે વિશ્વના કોઈ ચોક્કસ અનુભવ પૂરતો મર્યાદિત છે અને જ્યારે એ અનુભવને વિસ્તૃત કરવામાં આવે છે ત્યારે એ વિચારને છોડી દેવો પડે છે.

સ્વામી શ્રીવિવેકાનંદજીના શબ્દોમાં કહીએ તો (Jnana yoga p. 169) “સમય, અવકાશ અને કારણભૂત બનવાની પ્રક્રિયા એક કાચ જેવા છે, કે જેના મારફત અનંત (Absolute)નાં દર્શન થાય તે અનંતમાં સમય પણ નથી અને કારણભૂત બનવાની પ્રક્રિયા પણ નથી.”

સમયના સામાન્ય અનુભવની મર્યાદાઓની બહાર નીકળવા માટે પૂર્વની આધ્યાત્મિક પ્રણાલિકાઓ તેઓના અનુયાયીઓને ઘણા માર્ગો બતાવે છે અને તેવી જ રીતે કાર્યકારણ સંબંધ ધરાવતી સાંકળમાંથી તેઓને મુક્ત કરવાના માર્ગો બતાવે છે. કર્મના બંધનમાંથી મુક્ત કરે છે. એટલે હિંદુઓ અને બૌદ્ધો કહે છે તેમ અહીં પણ એમ કહેવામાં આવે છે કે સમયની મર્યાદામાંથી મુક્તિ થવી. પૂર્વની ગૂઢવિદ્યા આ વાત સાપેક્ષ ભૌતિકશાસ્ત્ર વિષે પણ એ જ કહી શકે છે.

‘ક્ષેત્ર સિદ્ધાંત’ (field concept)ના જાહેર થયા પછી ભૌતિકશાસ્ત્રીઓએ ભિન્ન ભિન્ન ક્ષેત્રોને એક મુખ્ય ક્ષેત્રમાં એકરૂપ કરવાનો પ્રયત્ન કર્યો છે કે જે બધી ભૌતિક ઘટનાઓને પોતાનામાં સમાવે. આવા એકરૂપ થયેલા ક્ષેત્રની શોધ કરવામાં આઈન્સ્ટાઈને પોતાની જીંદગીનાં છેલ્લાં વર્ષો ગાળ્યાં હતાં. હિંદુઓના ‘બ્રહ્મ’ને બૌદ્ધોના ‘ધર્મકાય’ને અને તાઓવાદીઓના ‘તાઓ’ને એક અંતિમ એકરૂપ થયેલા ક્ષેત્ર તરીકે જોઈ શકાય. આ ક્ષેત્રમાંથી માત્ર ભૌતિકશાસ્ત્રમાં જેનો અભ્યાસ થાય છે તે પ્રક્રિયાઓ જ નહિ પણ બીજી બધી પ્રક્રિયાઓ બહાર આવે છે.

પૂર્વના દર્શન પ્રમાણે બધી ઘટનાઓમાં અંતર્ગત એવું તે પરમતત્ત્વ બધા આકારોથી પર છે અને તેનું વર્ણન થઈ શકતું નથી. એથી વારંવાર એમ કહેવાય છે કે તે આકારરહિત અને શૂન્યાવકાશ (Void) છે પણ આ શૂન્યાવકાશને માત્ર અસ્તિત્ત્વહીનતા ગણી ન શકાય. એથી ઊલટું તે બધા આકારોનો અર્ક છે. અને બધાં સ્વરૂપોમાં જે જીવન જોવા મળે છે તેનું ઉદ્‌ગમસ્થાન છે. તેથી ઉપનિષદો કહે છે :

‘બ્રહ્મ જીવન છે, બ્રહ્મ આનંદ છે

બ્રહ્મ શૂન્યાવકાશ છે…

આનંદ ખરેખર, શૂન્યાવકાશ છે,

શૂન્યાવકાશ, ખરેખર આનંદ છે.’

(છાંદોગ્યોપનિષદ ૪/૧૦૪)

આધુનિક ભૌતિકશાસ્ત્રમાં અણુઓની પ્રક્રિયાઓના અવલોકનમાંથી ચેતનાનો પ્રશ્ન ઉદ્‌ભવ્યો છે. ‘કવૉન્ટમ સિદ્ધાંત’ એ સ્પષ્ટ કરે છે કે આ બધી ઘટનાઓ પ્રક્રિયાઓની એક સાંકળની કડીઓ તરીકે જ સમજી શકાય કે જેનો અંત અવલોકન કરનાર મનુષ્યની ચેતનામાં પડેલો છે. “કવૉન્ટમ સિદ્ધાંત”ના વ્યવહારિક સૂત્રીકરણનો વૈજ્ઞાનિકો પોતાનાં વૈજ્ઞાનિક કાર્યોમાં ઉપયોગ કરે છે. પણ સ્પષ્ટ રીતે તે સિદ્ધાંત તેઓની ચેતનાનો ઉલ્લેખ કરતો નથી, વિનગર અને બીજા ભૌતિકશાસ્ત્રીઓએ એવી દલીલ કરી છે કે ભવિષ્યમાં પદાર્થના સિદ્ધાંતોમાં માનવ ચેતનાનો સમાવેશ એક અગત્યનું પાસું બને. આવી વિકાસની પ્રક્રિયા પૂર્વની ગૂઢવિદ્યા અને ભૌતિકશાસ્ત્ર વચ્ચે સીધી પારસ્પરિક અસરની ઉત્તેજક શક્યતાઓ ખુલ્લી કરશે. પોતાની ચેતના અને તેની બાકીના વિશ્વ સાથેના સંબંધની સમજણ એ બધા ગૂઢ અનૂભવોનું આરંભબિંદુ છે.

જો ભૌતિક શાસ્ત્રીઓ તેઓના સંશોધન ક્ષેત્રમાં માનવ ચેતનાનો સમાવેશ કરવા ઈચ્છતા હોય તો પૂર્વના વિચારોનો અભ્યાસ તેઓને પ્રોત્સાહક નવા દૃષ્ટિબિંદુઓ પૂરા પાડી શકે.

ગૂઢવિદ્યાના તજજ્ઞોથી વિરુદ્ધ ભૌતિકશાસ્ત્રી ભૌતિક વિશ્વનો અભ્યાસ કરીને પદાર્થના આવશ્યક ગુણધર્મ જાણવાના પ્રયત્નનો આરંભ કરે છે. પદાર્થનું અતિ સુક્ષ્મ પૃથક્કરણ કરતાં કરતાં આજે ભૌતિકશાસ્ત્રીઓ એ બાબત વિષે સભાન થયા છે કે બધી વસ્તુઓ અને ઘટનાઓમાં એક તાત્વિક એકરૂપતા છે. એથી વિશેષ ભૌતિકશાસ્ત્રીઓને એ પણ જાણ્યું છે કે પોતે સ્વયં અને પોતાની ચેતના આ એકરૂપતાના અંતર્ગત અંશ છે. આવી રીતે, ગૂઢવાદી અને ભૌતિકશાસ્ત્રી એક જ નિર્ણય ઉપર પહોંચે છે. એક પોતાના અંતરજગતથી શરૂ કરે છે અને બીજા બાહ્ય જગતથી શરૂ કરે છે. બંનેના દૃષ્ટિબિંદુઓની સંવાદિતા પુરાતન ભારતીય જ્ઞાનનું સમર્થન કરે છે કે બ્રહ્મ કે જે અંતિમ પરમતત્ત્વ છે તે આત્માથી ભિન્ન નથી; સમાન છે અને તે આત્મા અંતરજગતનું પરમ તત્ત્વ છે.

ભાષાંતર – શ્રી સી.એમ. દવે

Total Views: 148

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.