આપણે સૌ ભાઈ ભાઈ!

બંગાળમાં કોમી રમખાણો ચાલે છે. કલકત્તાય એનાથી મુક્ત નથી. હિંદુ-મુસ્લિમો ભાઈચારાની ભાવનાને એક બાજુએ મૂકીને એકબીજાનાં ગળાં રહેંસવા આતુર છે. દિવસે ને દિવસે આ કોમી હુલ્લડો ભયંકર રૂપ ધારણ કરતાં જાય છે. કોઈ કોઈનુંય સાંભળતા નથી. બસ! એક ગાંડપણ વળગ્યું છે સૌને! બસ…. મારો…ને કાપો! ક્યાંય માનવમાનવનો પ્રેમ જોવા મળતો નથી. આ જોઈને કવિવર રવીન્દ્રનાથ ટાગોરનું હૃદય દ્રવી ઊઠ્યું…

આ બધું સળગતું હતું એ દરમિયાન જ રક્ષાબંધનનો તહેવાર આવ્યો. રક્ષાબંધનનો તહેવાર એટલે તો બહેન ભાઈને પ્રેમના પ્રતીકરૂપે રાખડી બાંધે. કવિવર રવીન્દ્રનાથ ટાગોરને વિચાર આવ્યો કે, આજના આ પવિત્ર દિવસે સૌ કોઈને રાખડી બાંધીને કોમી એખલાસ જગાડીએ. આ પવિત્ર દિવસે રવીન્દ્રનાથ ટાગોર કેટલાક મિત્રો સાથે ગંગાસ્નાન કરવા ગયા. ગંગાસ્નાન કરીને પાછા ફરતાં રસ્તામાં મળેલા મિત્રોને એમણે રાખડી બાંધી જેમાં કેટલાક મુસ્લિમ બિરાદરો પણ સામે મળ્યા. રવીન્દ્રનાથે તો એમને પણ રાખડી બાંધવા માંડી. કવિવરને આમ રાખડી બાંધતા જોઈ બીજા કેટલાક મુસ્લિમભાઈઓ એમની પાસે દોડી આવ્યા અને એમને રાખડી બાંધવા માંડ્યા.

ઘડીભરમાં તો વેરઝેરનું વાતાવરણ વિસરાઈ ગયું અને હિંદુ-મુસ્લિમ ભાઈબહેનો એકબીજાને રાખડી બાંધે છે અને માનવપ્રેમના રંગે રંગાતા જાય છે.

કવિવર રવીન્દ્રનાથ ટાગોર ચાલતાં ચાલતાં કલકત્તાના ચિત્તપુર વિસ્તારની મસ્જિદ પાસે આવી પહોંચ્યા. મસ્જિદમાં કેટલાક મૌલવીઓ હતા. આ મૌલવીઓને કવિવર મુસ્લિમ બિરાદરોને રાખડી બાંધી રહ્યા છે એ વાતની જાણ થઇ. મૌલવીઓએ પણ રવીન્દ્રનાથને રાખડી બાંધવા પોતાની ઇચ્છા વ્યક્ત કરી. કવિવર રવીન્દ્રનાથને પણ મસ્જિદમાં જઈને મૌલવીઓને અને બીજા મુસ્લિમ બિરાદરોને રાખડી બાંધવાની ઇચ્છા થઈ. તેમણે કહેવડાવ્યું, “ભાઈઓ, આપણે સૌ ભાઈભાઈ છીએ. આપણી વચ્ચે ભેદભાવ ન શોભે. આપણી વચ્ચે વેરઝેર ન હોય. આપણે તો સૌ એક પ્રભુનાં સંતાન! મા ભારતનાં સંતાન. ભાઈઓ, હું જ તમારી પાસે આવું છું – મસ્જિદમાં જ તમને રાખડી બાંધું છું.”

કવિવર રવીન્દ્રનાથ ટાગોર પહોંચ્યા મસ્જિદમાં અને અરસપરસ રાખડી બાંધવા માંડ્યા. મસ્જિદમાં જતા પહેલાં એક-બે મિત્રોએ રવીન્દ્રનાથને વાર્યા, “કવિવર, આ રહેવા દો. આ ભાઈઓનો ભરોસો કરવા જેવો નથી. એમાં જાનનું જોખમ છે. ઝેરનાં પારખાં ન હોય.” પણ કવિવરે તેમને આટલું જ કહ્યું, હિંદુ-મુસ્લિમ એકતા માટે કદાચ મારો દેહ પડી જાય તો મને વસવસો નહીં થાય. એ તો મારું પરમ અહોભાગ્ય ગણાશે. આવો માનવમાનવ વચ્ચેનો પ્રેમનો સેતુ બાંધવાનો સુઅવસર મને બીજો ક્યો મળવાનો છે?”

કવિવરે રાખડી બાંધતાં બાંધતાં મૌલવીઓને એક વાક્ય કહ્યું, “આપણે સૌ ભાઈભાઈ છીએ. એક જ માતાનાં – ભારતમાતાનાં સંતાન છીએ, એ વાત આપણે કદીએ ભૂલવી ન જોઈએ. એ ભૂલનારા ભાન ભૂલી જાય છે.” અને કોમી એખલાસનું એક અનન્ય વાતાવરણ સર્જાઈ ગયું. ગુરુદેવ ટાગોર મસ્જિદમાંથી બહાર આવ્યા ત્યારે તેમણે પોતાના માનવબંધુઓ માટે કંઈક કર્યું છે, તેનો પરમ સંતોષ તેમના મુખ ઉપર તરી આવતો હતો.

“અપરિગ્રહ એ જ જીવનધન”

‘ગમતું મળે તો ગૂંજે ન ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ.’

ત્યાગ અને અપરિગ્રહ જેમનાં જીવનધન બની જાય એમનું જીવન ધન્ય બની જાય. આવું પ્રભુમય જીવન જીવતાં મહાન સૂફીસંત રાબિયાનો ત્યાગ, વૈરાગ્ય અને પ્રભુભક્તિ ખરેખર અનુપમ હતાં.

એમની જીવનમૂડી એટલે થોડાં થાગડથીગડવાળાં કપડાં, ખાવા માટે એક ભિક્ષાપાત્ર અને પાણી પીવા માટે માટીનો કૂજો. ફાટલીતૂટલી ગોદડી અને ભૂમિ એમનું સૂવાનું ઘર. જે કંઈ મળે એનાથી એમને પૂર્ણ સંતોષ. મળે તો ભલે અને ન મળે તો ખુદાની મહેર માનીને જીવન જીવતાં હતાં સંત રાબિયા. મનમાં પહેલેથી જ ત્રેવડીને રાબિયા આ ભક્તિના માર્ગે ત્યાગ-વેરાગ્યનું ધન લઈને સૌ કોઈને ભેદભાવથી પર રહીને પ્રેમભક્તિ રસ પાતાં હતાં. ફરતાં ફરતાં એક ગામમાં કોઈ એક ધનવાન સાથે એમની મુલાકાત થઈ. ‘શેઠ મળ્યા તેને ગઠડી દીધી અને સંત મળ્યા તેને સાંઈડું કીધું’માં માનનારાં રાબિયાની ગરીબી જોઈને પેલા ધનવાનને થયું કે લાવ, હું આ મહાન સંત સ્ત્રીને મદદગાર થાઉં. વિનંતી સાથે રાબિયાને કહ્યું, “આપ રાતદિવસ જોયા વગર લોકોનાં મનનાં દુ:ખને દૂર કરતાં રહો છો. એટલું જ નહીં પરંતુ, તમારી પાસે જે કંઈ હોય, જે કંઈ મળ્યું હોય તે બધું આપતાં પણ રહો છો. પણ તમે તો ગરીબ અને કંગાલ જ રહો છો. મારી ઇચ્છા તમને મદદ કરવાની છે. જો આપ સ્વીકારો તો હું આપને થોડાં સારાં વસ્ત્રો, સારું ભિક્ષાપાત્ર અને ઓઢવા પાથરવાની ચીજવસ્તુઓ આપવા માગું છું. હું આપને હૃદયપૂર્વક વિનંતી કરું છું કે, મારી આટલી નાની ભેટ સ્વીકારો.”

‘ત્યાગીને ભોગવી જાણો, વાંછો મા ધન અન્યનું.’ ઉપનિષદના આ મહામંત્રને પોતાના જીવનમાં ચરિતાર્થ કરતાં ત્યાગ, વૈરાગ્યની ભાવનાના રંગે રંગાયેલાં રાબિયાએ તેને પ્રત્યુત્તર આપતાં કહ્યું, “ભાઈ, તમારી મારા માટેની લાગણી માટે આભાર! ભગવાન તમારું ભલું કરે. પણ ભાઈ, મારે એમાંથી કશાનો ખપ નથી. મારી આટલી ચીજોને સાચવવી મને મુશ્કેલ લાગે છે, તો વળી તમે જે આપવા માગો છો એનો ભાર મારાથી કેમ વેઠાય? એવાં ઘણાંય છે જેને આ બધી ચીજવસ્તુઓની મારાં કરતાં વધુ જરૂર હશે. એવાં કોઈ જરૂરતમંદને આવું બધું આપતા રહેજો અને ખુદાની દુઆ મેળવતા રહેજો. આ વસ્તુઓ જો હું લઉં તો પ્રભુની ભક્તિ વીસરી જાઉં અને પ્રભુથી દૂર રહેવું મને પોસાય તેમ નથી. વળી, હજાર હાથવાળો જ્યાં દેનાર છે, તો મારે શા માટે કોઈની સામે હાથ લંબાવવો? અમે તો ખાલી ખભે ખેપ ખેડનારા છીએ. અપરિગ્રહ એ જ અમારું જીવનધન છે. ઈશ્વરભક્તિ કે ખુદાની બંદગી એ જ અમારી જીવનસંપત્તિ છે અને આવા મોહના બંધનમાં બંધાઈએ તો અલ્લા સુધીનું અંતર લાંબું થઈ જાય! મારી અને મારા અંતર્યામી વચ્ચેનું અંતર મને પોસાય નહીં. મારે માટે તો એ ખોટનો વેપલો થાય અને મને ઈ ન પોસાય. ભાઈ, તમારે જે કંઈ આપવું હોય એ કોઈ બીજા જરૂરતવાળાને આપજો. મારે એનો ખપ નથી. હું પ્રભુની પ્યારી છું અને પ્રભુપ્રેમ એ જ મારું ધન છે. મારે બીજું કંઈ ન જોઈએ.’

રાબિયાની અપરિગ્રહવૃત્તિ અને ભક્તિભાવના સામે પેલા ધનવાનનું મસ્તક નમી પડ્યું.

માનવસેવા એ જ સાચી પ્રભુસેવા

સેવાધર્મના ભેખધારી, ફૂલની ફોરમની જેમ નિરભિમાનવૃત્તિ ફેલાયેલી હતી તેવા સંત ફ્રાન્સિસ ઈશુ ખ્રિસ્તના ‘તારા પાડોશીને તારી માફક ચાહ’નો જીવનસંદેશ આપતાં આપતાં એક ગામથી બીજે ગામ જતા.

એક દિવસ ઘોડા પર બેસીને જતા હતા ત્યારે રસ્તામાં કોઈ માણસનો કણસવાનો અવાજ એમના કાને પડ્યો. તેમણે ઘોડાની લગામ ખેંચી ઘોડો થોભાવ્યો અને જે દિશામાંથી અવાજ આવતો હતો તે તરફ ગયા. તેમની નજર એક ઝાડ નીચે અસહ્ય રોગની વેદનાથી પીડાતા માણસ પર પડી અને ઘોડા પર બેઠાં બેઠાં એમણે જોયું કે, પેલો માણસ તો ભયંકર રોગથી પીડાતો હતો અને રક્તપિત્તના રોગથી પીડાતો હતો અને રક્તપિત્ત એટેલે તો જીવતુંજાગતું નરક. એને અડવું પણ કેમ? અરે! એનો પડછાયોય જાનનું જોખમ. સંત ફ્રાન્સિસને મનમાં થયું કે, હાથે કરીને આ બધામાં ફસાવું શું કામ? એ તો ચાલ્યા ઘોડાને વાળીને પોતાની વાટે. હજી માંડ થોડાં ડગલાં ઘોડો આગળ ગયો અને સંત ફ્રાન્સિસનો માંહ્યલો જાગી ઊઠ્યો, “ગરવ કર્યો સોઈ નર હાર્યો”, “સિયારામજી!” આ સત્ય એમને સમજાયું, અને મનમાં ને મનમાં વિચારવા લાગ્યા, “ક્યાં ગરીબોના બેલી ભગવાન ઈશુ અને ક્યાં હું એનો ધુતારો મૂરખ ભગત? ભગવાન ઈશુની ભક્તિ કરતાં કરતાં હું એટલુંય ન સમજ્યો કે દીનદુખીયાને મદદ કરનાર જ ભગવાનની નજીક છે. ઈશુ તો કહેતા કે, જે રોગી-દુ:ખીની સેવા કરે તે મારો ભક્ત છે અને હું એની વહારે ધાઉં છું. એના બદલે હું તો આ સેવાના પથથી દૂર ભાગું છું! હે પ્રભુ! મને તું માફ કર. મેં તારા જીવનસંદેશને તારી જેમ જીવી જાણ્યો નથી. પ્રભુ, હું તારો ભક્ત હોવાનો દાવો કરું છું. પણ મને એ અધિકાર નથી. પેલા બિચારા રક્તપિત્તિયાને એકલો અટૂલો દુ:ખમાં સબડતો છોડીને હું તો હાલી નીકળ્યો હતો. ધિક્કાર હજો મને, પ્રભુ તારી અમીદૃષ્ટિ મારા પર કર. મને આવાં દીનદુખીયાની સેવામાં મગ્ન બનાવી દે. હું આવા લોકો માટે મારી જાતને ઘસી નાખું એવી શક્તિ મને આપ. હે પ્રભુ! હું તો ભાન ભૂલ્યો હતો. તેં જ મારી સાન ઠેકાણે લાવી છે. હે પ્રભુ! તારા રાહે ચાલવાની મને શક્તિ આપ.’ આમ કહીને એણે ઘોડાને પાછો વાળ્યો. પેલા રક્તપિત્તિયાની પાસે જઈને એના રક્તપિત્તથી ખરડાયેલા ઘાને પાણીથી સાફ કર્યા અને પોતાની સાથે રક્તપિત્તિયાને લઈ ગયા પોતાની ઝુંપડીએ. અને લાગી ગયા માનવસેવા એ જ પ્રભુના કાર્યમાં.

સંકલન : શ્રી મનસુખલાલ મહેતા

Total Views: 185

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.