ડો. દિલાવરસિંહ જાડેજા, સરદાર પટેલ યુનિ., વલ્લભવિદ્યાનગરના કુલપતિ છે.

માનવએકતા તથા સર્વધર્મસમભાવનો પાયો સંવાદિતા અને શાંતિ છે. સર્વધર્મસમભાવ તથા માનવએકતાને દૃઢમૂલ શી રીતે કરી શકાય? સુયોગ્ય મનોવલણોની ખિલવણી એમાં મદદરૂપ થાય. માનવ અસ્તિત્વનું એક કેન્દ્ર જરૂર હોય, પરંતુ કેન્દ્રમાં પ્રતિષ્ઠિત રહી ચારે દિશાઓમાંથી વાયરાઓને આવકારવાનું, સર્વગ્રાહિતા કેળવવાનું મનોવલણ ઉપકારક ગણાય. એક જ વ્યક્તિનાં, જનસમૂહનાં અથવા એક બાબતમાં અનેકવિધ સ્વરૂપો, પાસાંઓ હોઈ શકે, દરેક સ્વરૂપ કે પાસાંમાં તથ્ય હોઈ શકે એવું દૃષ્ટિબિંદુ વિકસાવવામાં જૈનધર્મની સ્યાદ્વાદ પોષક થાય એમ છે. સ્યાદ્વાદનું સૂત્ર વાંચો :

“એક જ પુરુષમાં પિતા, પુત્ર, પૌત્ર, ભાણેજ, ભાઈ, વગેરે અનેક સંબંધ હોય છે. (એક જ સમયે એ પોતાના પિતાનો પુત્ર અને પોતાના પુત્રનો પિતા હોય છે.) એટલા માટે એકનો પિતા હોવાથી એ બધાનો પિતા થતો નથી. (આ જ સ્થિતિ બધી વસ્તુઓના સંબંધે છે.)” સત્યને પામવાના અનેક માર્ગો હોઈ શકે. સત્યને પામવાનો કોઈ એક ધર્મ પાસે ઈજારો નથી. કોઈ એક જ દૃષ્ટિબિંદુમાં સર્વગ્રાહી સત્ય આવી ગયું હોતું નથી.

સ્યાદ્વાદના અન્ય સૂત્રમાં એક પ્રસિદ્ધ ઉદાહરણ અપાયું છે : “જેવી રીતે હાથીનું પૂંછડું, પગ, સૂંઢ, વગેરે જે સ્પર્શ કરીને એ હાથી છે એવું માનનારા જન્માંધ લોકોનો અભિપ્રાય મિથ્યા છે, તેવી રીતે અનેક ધર્માત્મક વસ્તુના એક-એક અંશ ગ્રહણ કરી, અમે પૂરી વસ્તુ જાણી લીધી છે એવી સ્વીકૃતિ કરનારાઓનું તે વિશેનું જ્ઞાન મિથ્યા ગણાય છે.” એટલા માટે જે પુરુષ કેવળ પોતાના મતની જ પ્રશંસા કરે છે અને બીજાનાં વચનોની નિંદા કરે છે અને એ રીતે પોતાનું પાંડિત્ય બતાવે છે. એ સંસારમાં મજબૂત રીતે જકડાઈ ગયેલા છે. માત્ર સ્વમતાગ્રહી બનવાની સ્યાદ્વાદમાં ના કહી છે. સિક્કો ઉછાળતાં ધારો કે ચત્તી બાજુ દેખાઈ, પરંતુ સિક્કાની હાલ ચત્તી બાજુ છે તેથી અન્ય સમયે બઠ્ઠી બાજુ ન હોઈ શકે એમ કહી શકાય નહિ. એમ શક્યતાનાં અનેક વર્તુળો વિસ્તારી શકાય. અહીં કવિશ્રી સુરેશ દલાલની આ પંક્તિઓ વાંચો :

“હું સાચો હોઉં અને તમે ખોટા ન હો – સમજણના આ બિંદુ પર આપણે મળીએ કે ન મળીએ?”

શ્રીરામકૃષ્ણ પરમહંસનું જીવન અને કાર્ય અનેકાંતવાદના પ્રત્યક્ષ ઉદાહરણ સમું છે. પહેલાનાં કાલિપ્રસાદ (પછી સ્વામી અભેદાનંદ) શ્રીરામકૃષ્ણ પરમહંસને કહેતા હતા કે, એમને ઈશ્વરમાં, ધર્મમાં કે મૂર્તિપૂજામાં કશામાં શ્રદ્ધા નથી. ત્યારે શ્રીરામકૃષ્ણ પરમહંસ એ વખતના નાસ્તિક કાલિપ્રસાદને સમજાવે છે : ‘તું મૂર્તિપૂજાને ઉવેખે છે, પણ તેનોય ઉપયોગ છે. મા પોતાનાં સર્વ સંતાનોને રુચે અને પચે એવું જુદું જુદું અન્ન રાંધે છે. એક જ આટામાંથી રાબ, રોટલી, પૂરી, શીરો, વગેરે જુદી જુદી વાનગીઓ મા શું નથી રાંધતી?’ શ્રીરામકૃષ્ણ પરમહંસે આપણને સમજાવ્યું છે કે ગમે તે દેવને નમસ્કાર કરો પણ છેવટે એ ઈશ્વરને જ જાય છે. માત્ર પરધર્મસહિષ્ણુતા કેળવવાની નથી, પરંતુ પ્રત્યેક જીવ એ શિવ છે એવી અનુભૂતિમાંથી માનવજાતિએ સર્વધર્મસમભાવ ખિલવવાનો છે, એવી પાયાની વાત એમણે કહી છે.

માનવએકતાનો ખરો આધાર નિયમો, કાયદા-કાનૂનો ઉપર નહિ, પરંતુ આધ્યાત્મિકતા ઉપર હોવો ઘટે. માનવએકતા તથા સર્વધર્મસમભાવને દૃઢમૂલ કરવાની વાત કરીએ છીએ ત્યારે ધર્મના હાર્દ સમું ધર્મનું ચિરંતન સ્વરૂપ આપણી નજર સમક્ષ હોવું ઘટે. અર્થહીન ક્રિયાકાંડમાં, સાંપ્રદાયિક સંકુચિતતામાં, કટૂતામાં, વહેમમાં, અજ્ઞાનમાં, છૂતાછૂતમાં કેદ થઈ ગયેલા ધર્મનો માનવજાતિને ખપ નથી. ભારતવર્ષનું પરિભ્રમણ કર્યા પછી સ્વામી વિવેકાનંદને પ્રતીતિ થઈ કે પાણિયારા અને રાંધણિયામાં પૂરાઈ રહેલા ધર્મની કોઈ પ્રસ્તુતતા વ્યાપક જન-સમુદાય માટે નથી.

ધર્મનું વ્યાપક અને ચિરંતન સ્વરૂપ તે આધ્યાત્મિકતા છે. હવે પછીનો યુગ ધાર્મિક સાંપ્રદાયિકતાનો નથી, પરંતુ આધ્યાત્મિકતાનો છે. આ આધ્યાત્મિકતાનાં લક્ષણો ક્યાં? બધા ધર્મગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યા પછી વિનોબા ભાવેએ મૂળભૂત શ્રદ્ધાના વિષયરૂપ એવી આધ્યાત્મિકતાનાં આવાં લક્ષણો તારવ્યાં છે : (૧) જીવનની એકતા અને પવિત્રતા (૨) મૃત્યુ પછીયે જીવનની અખંડિતતા (૩) નિરપેક્ષ નૈતિક મૂલ્યોમાં શ્રદ્ધા (૪) પરમેશ્વર (પરમ તત્ત્વ) શ્રદ્ધામાંથી જન્મતી ‘વિશ્વમાં એક વ્યવસ્થા છે’ એવી પ્રતીતિ (૫) કર્મ વિપાક (એકશન્સ હેવ ધેર રીઝલ્ટ) (૬) જીવનમાં પૂર્ણતાનો અનુભવ થઈ શકે છે. સર્વધર્મસમભાવ તથા માનવએકતા ખિલવવામાં “યુનિટી એન્ડ સેન્કટિટી ઓફ લાઈફ’નું પ્રથમ લક્ષણ વિશેષ ઉપકારક જણાય છે.

દેશ અને દુનિયાની હાલની પરિસ્થિતિ વિસંવાદિતા અને સંઘર્ષથી ભરેલી દેખાય છે. ભાગલામાં અને ખંડિતતામાં બધું વિભક્ત થતું વરતાય છે. તેવી પરિસ્થિતિમાં સર્વધર્મસમભાવની વાત કરવાનું કોઈને અપ્રસ્તુત લાગે. પરંતુ નજરે દેખાતી વિસંવાદિતાના પાયામાં સૂક્ષ્મ સ્તરે સંવાદિતા વિલસી રહેલી છે એવું અધ્યાત્મ માર્ગના મરમીઓ કહે છે. બાહ્ય જગતમાં અનુભવાતી વિસંવાદિતામાંથી સંવાદિતા પ્રગટ કરવા વાસ્તે પહેલાં તો વ્યક્તિ અને સમાજે પોતાની ઊંડે રહેલી સંવાદિતાથી સજગ થવાનું રહેશે. શ્રીમાતાજીએ કહ્યું છે કે, વિસંવાદિતાના કઠોર ખડક નીચે સંવાદિતાનું ઝરણું વહી રહ્યું છે. સંવાદિતાના આ સૂક્ષ્મ સ્તરને આપણે જો પ્રતિસાદ આપી શકીએ, આંતર સંવાદિતાને આપણે જો વ્યવહાર જગતમાં આવિષ્કૃત કરી શકીએ તો આપણે વ્યક્તિગત તેમજ સામૂહિક જીવનમાં સુમેળથી શાંતિપૂર્વક રહી શકીએ. આપણા વ્યક્તિગત જીવનનાં વિરોધી અને વિસંવાદી પાસાંઓને પણ સુમેળમાં રૂપાંતરિત કરવાનાં છે.

‘હરિ અનંત, હરિ કથા અનંતા’ આવા શ્રી હરિ સાથેના એકત્વમાંથી સંવાદિતા (હાર્મની), શાંતિ (પીસ), માનવએકતા, સર્વધર્મસમભાવ પ્રગટાવી શકાય. શાંતિ અને સંવાદિતા સ્થાપવાનો મૂળભૂત માર્ગ શ્રીમાતાજીએ આ રીતે દર્શાવ્યો છે: “બધી સંકુચિતતા, સ્વાર્થમયતા, મર્યાદિતતાને ખંખેરી નાખો અને માનવએકતાની ચેતના પ્રત્યે જાગ્રત થાઓ.”

Total Views: 118

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.