શ્રીમદ્ સ્વામી પ્રભાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે.

શાંતિ અને સહિષ્ણુતાને વરેલા આ પ્રાચીન દેશના વિભાજન પછી, અનિચ્છાએ સ્વીકારાયેલ બ્રિટિશ રાજ ગયા પછી દેશમાં કોમી દાવાનળના પરિણામ સ્વરૂપે લોહીની નદીઓ વહી. આ વિભાજનના મોટા ટુકડાને ભારત એવું નામ અપાયું. પાશ્ચાત્ય શિક્ષણથી રંગાયેલ કેટલાક ઉચ્ચ લોકોએ ગંભીરતાપૂર્વક ભારતને એક બિન-મજહબી, સામાજિક અને સર્વસત્તાધીન ગણરાજ્ય જાહેર કરવાનો નિર્ણય કર્યો. ગણતંત્રનાં આ ચાલીસ જેટલાં વર્ષ દેશ ટકી તો ગયો છે. ઘણી વાર કટોકટીમાં તે ફસાયો તેમાંથી તે સફળતાપૂર્વક ઉગરી તો ગયો છે પણ તેની અસરરૂપે ભારતવાસીઓએ જે ઉચ્ચ આદર્શોને સ્વીકાર્યા હતા તેને ઝાંખા પાડી દે તેવી યાતનામય અનુભવોની સ્મૃતિ પાછળ રહી ગઈ છે. ધર્મ આધારિત વિભાજન ઈચ્છનારાં પરિબળોએ કાશ્મીર અને પંજાબને ભારતથી વિચ્છિન્ન કરી નાખ્યાં છે. આસામે તો વળી પ્રદેશવાદને અતિ વકરાવ્યો છે. હિન્દુ તત્ત્વોની તરફેણ કરનારાની ચળવળને દાબવા તામિલનાડુમાં હિંસક દેખાવાનો આશરો લેવાયો છે. નિરાશામાં ડૂબેલા યુવા-વર્ગે મંડલ પંચના અમલીકરણના વિરોધ સ્વરૂપે આત્મવિલોપનના લંગરનું શરણું શોધ્યું છે. તો વળી બાબરી મસ્જિદ-રામ-જન્મભૂમિ પ્રશ્ન રેડાયેલ ઘીથી કોમવાદ ભભૂકી ઊઠ્યો છે. તેનાથી પણ બદતર સ્થિતિ તો એ છે કે, કેન્દ્ર અને રાજ્ય શાસકોની અણઆવડત અને અણઘડપણાને લીધે બીજા અનેક પ્રશ્નો ઉભા થયા છે.

ભ્રષ્ટાચાર, અપ્રમાણિકતા, સગાવાદ વગેરે કેન્સરની જેમ દેશમાં છવાઈ ગયેલ છે. આ બધાંએ છેલ્લા થોડા દશકાઓથી દેશમાં પોષણ પામતા સમાજવાદ, ધર્મનિરપેક્ષતા ગણતંત્રતા જેવા આદર્શોને ફક્ત છિન્ન ભિન્ન કરવાનો ભય ઉત્પન્ન કર્યો છે. એટલું જ નહિ પરંતુ, યુવા પેઢીને સામાન્યત: ભારતીય સંસ્કૃતિમાં અભિપ્રેરિત એવાં માનવસહજ મૂલ્યોથી દૂર કરવા માંડી છે. કહેવાતી એવી નેહરુ સર્જિત સર્વ-સંમતિ કે જે અત્યાર સુધીના સમગ્ર ભારતીય રાજકારણના કેન્દ્રમાં રહી છે. તેના પર પણ આઘાત થવા માંડ્યો છે. સવિશેષ, છેલ્લાં થોડાં વર્ષમાં અનુભવાયેલ યાતનામય અનુભવોએ આપણી સંસ્થાઓની પોકળતાને ખુલ્લી પાડી દીધી છે. એનાથી તો શંકા ઉદ્‌ભવી છે કે, આ પાશ્ચાત્ય નકલો આપણા માનસ પર કોઈ અસર ઉપજાવી શકી છે કે કેમ?

આ પશ્ચાદભૂમિકામાં અગ્રગણ્ય ધર્મોપદેશકોમાં ગણમાન્ય એવા તેજસ્વી સ્વામી વિવેકાનંદને કોમવાદના કહેવાતા પ્રખર ધૂરંધરો જ નહિ, પણ ધર્મનિરપેક્ષતામાં જ માનતા હોવાનું કહેવરાવનારાઓ પણ યાદ કરે છે. આને કારણે કેટલાક બૌદ્ધિકોને સ્વામીજીના ઉપદેશોમાં વિરોધાભાસ હોવાની આશંકા થવા લાગી છે. આ ઉપરથી બાઈબલ વેચાણનો વ્યવસાય કરનારા પણ અંદરો અંદર ઝઘડતાં ખ્રિસ્તી જૂથોની વાત મને યાદ આવે છે. દરેક જૂથે પોતે સાચા હોવાના આધાર તરીકે બાઈબલનાં અવતરણો આગળ ધર્યાં. આશ્ચર્યની વાત તો એ છે કે, બંને પક્ષોએ એકબીજાને આરોપી ઠરાવવા પોતાની દલીલોને અંતે બાઈબલનું એકજ અવતરણ “પોતાનો હેતુ સારવા શેતાન પણ ધર્મપુસ્તકનો જ આધાર ટાંકે છે.” નિર્દેશ્યું. એટલે એવું નોંધવું રહ્યું કે, સ્વામીજીનાં શક્તિશાળી અવતરણોનો દુરુપયોગ પોતાનો હેતુ સિદ્ધ કરવા માટે કેટલાક લોકો ખોટી રીતે અને સંદર્ભ વગર કરતાં હોવાનું જણાવ્યું છે.

‘વિભાજન કરો અને રાજ્ય કરો’ની દુષ્ટ અંગ્રેજ રાજનીતિનો સામનો કરવા આપણા રાષ્ટ્રીય નેતાઓએ આપણા રાષ્ટ્રનું – ઉદારતા, માનવીય-ધર્મ-નિરપેક્ષ અને લોકતાંત્રિક આદર્શોની ભૂમિકા પર – ઐક્ય સાધવા પ્રયત્નો કર્યા. આ જાતની હવા ઊભી કરનારાઓમાંના સ્વામી વિવેકાનંદ એક હતા. તેમની દૃષ્ટિએ ભારત વિવિધ જાતિઓના એક સંગ્રહસ્થાનરૂપ જ હતું. દુનિયાની સમગ્ર જાતિઓએ અહીંનો માનવ મહેરામણ સર્જવામાં પોતપોતાના લોહીનો ફાળો આપ્યો હતો. ભારતના હૃદયમાં મોટામાં મોટી સંખ્યામાં ધર્મો સ્થપાયા અને ફૂલ્યા ફાલ્યા છે. કોઈ પણ દેશ અભિમાન લઈ શકે તેના કરતાં વિશેષ સંખ્યામાં ભારતમાં ભાષાઓ અને તળપદી વિકસિત બની છે. આ વિવિધ ધર્મો, વિવિધજાતિ સભર અને વિવિધ ભાષી હોવાની દૃષ્ટિએ ભારતે વિવિધતામાં એકતાના સિદ્ધાંતને અનુસરવામાં સંવાદિતા સાધી છે. ‘ભારત-તીર્થ’ નામના પોતાના એક કાવ્યમાં રવીન્દ્રનાથ ટાગોરે આ ભારતીય વિશિષ્ટતાનો બુદ્ધિપૂર્વક નિર્દેશ કર્યો છે. સ્વામી વિવેકાનંદની અતિ ગહન ઐતિહાસિક સૂઝે તેમને સમજાવ્યું કે, આ એકતાનો સિદ્ધાંત ધર્મના સત્ત્વરૂપ એવા અધ્યાત્મવાદમાં જ રહેલો છે.

અધ્યાત્મવાદ ભારતીય રાષ્ટ્રીય જીવન-સંગીતનો મુખ્ય સૂર રહ્યો છે. આપણી આધુનિકતા અને સુધારવાદના ઓછાયા નીચે પણ આધ્યાત્મિકતાની અસર આજે પણ એટલી જ છે જેટલી શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના સમયમાં હતી. આ સંવેદનાએ જ આપણામાં રાષ્ટ્રીય ભાવનાની ચિનગારી પેટાવી અને પ્રગતિ માટે અનિવાર્ય એવી ભાવનાઓ વિકસાવી અને ગંભીર ઉશ્કેરણીઓ છતાં રાષ્ટ્રને એકસૂત્રે રાખવાની શક્તિ બક્ષી. કોઈપણ સંજોગોમાં ભારત આ આધ્યાત્મિકતાને તજી શકે નહિ. સ્વામી વિવેકાનંદે આપણને ચેતવ્યા છે કે, સેંકડો વર્ષના અનુભવે જે માર્ગ આપણે અપનાવ્યો છે તેની દિશા બદલવાનો પ્રયત્ન કરવો એટલે ભારતે હાંસલ કરેલી લાક્ષણિકતા ગુમાવવી. જેમ મનુષ્યે હાંસલ કરેલ આધ્યાત્મિક પ્રગતિ તેના શરીર અને મનને શક્તિ આપે છે. તે જ પ્રમાણે સ્વામીજીના મંતવ્ય પ્રમાણે સમગ્ર રાષ્ટ્રજીવનની આધારશિલા આધ્યાત્મિકતા છે. રાષ્ટ્રીય જીવનના વૃક્ષનો વિકાસ તેના મૂળની સંભાળ પર આધારિત છે. સાથે સાથે, સ્વામીજીએ ધર્મની વ્યાવહારિકતાને સુધારવા તેની સદીઓ જુની પવિત્રતા પાછી લાવવાના પ્રયત્ન કર્યા. ધર્મ એટલે હોવું અને થવું. મનુષ્યમાં રહેલ પૂર્ણત્વનું પ્રગટીકરણ એ જ સાચો ધર્મ કહેવાય. ધર્મ મનુષ્યના ચારિત્ર્યને બળવત્તર બનાવે છે. તેનાથી બિનસ્વાર્થપરાયણ વિશ્વબંધુત્ત્વની ભાવના કેળવાય છે. જીવનમાં ઓતપ્રોત થયેલ ધર્મ એ એક એવી પ્રક્રિયા છે કે, જે મનુષ્યને પોતાના ક્ષુલ્લક અહમ્‌થી નિર્લેપ બનાવે છે અને ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવે છે. એટલું જ નહિ પરંતુ, તેને માનવીમાં ઈશ્વરનાં દર્શન પણ થવા લાગે છે. માનવ ઇતિહાસ સાક્ષી પૂરે છે કે, મહાન ધર્મો એ શક્તિના મહાન સ્રોત છે.

જટીલ મહાલય જેવા આપણા રાષ્ટ્રનો પાયો પણ એટલો જ મજબૂત હોવો જોઈએ કે, ગમે તેવા ઝંઝાવાતો કુદરતી આફતો કે માનવસર્જિત સંહારો સામે એક થઈ શકે. આ તો જ શક્ય બને કે, રાષ્ટ્રરૂપ વહાણનું લંગર સાચા ધર્મ સાથે બાંધેલું હોય જે આધ્યાત્મિકતા જ છે. વિશ્વપ્રેમ અને માનવસેવા – આ માટે અનિવાર્ય છે. સુપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી પ્રો. વી. કે. આર. વી. રાવે ૧૯૭૮માં જ્યારે એ ચેતવણી લખી હતી ત્યારે તે જેટલી પ્રસ્તુત હતી એટલી આજે પણ છે. તેમણે કહ્યું હતું કે, “અર્વાચીન ભારતમાં જેમ આપણે આધ્યાત્મિકતાને તિલાંજલિ આપી છે તેમ જ કરતાં રહીશું અને સમગ્ર જીવન શૈલીમાં તેને ઓતપ્રોત કરવામાં નિષ્ફળ જઈશું તો જેમ બીજી સંસ્કૃતિઓ થોડો વખત રહી નાશ જ પામી છે અને આજે તેનું ઇતિહાસમાં ફક્ત નામ જ રહે છે તેવું જ આપણી સંસ્કૃતિનું પણ થશે”. ધર્મનો ભળતો જ અર્થ થવાની શક્યતાનો ભય હોવા છતાં, સ્થાપિત હિતો દ્વારા સહેલાઈથી તેનો દુરુપયોગ થવાની દહેશત હોવા છતાં સ્વામી વિવેકાનંદ દેશના માનસમાં શુદ્ધિકરણ લાવી શકવાના ધર્મના સામર્થ્યથી પણ વાકેફ હતા અને આથી જ દેશના પુનરુત્થાન માટે તેમને દેશના લોકોના ધાર્મિક જીવનને પ્રાણવાન બનાવવાની જરૂરિયાત વર્તાઈ. પણ ભારતના રાજ્યબંધારણમાં “ધર્મ” શબ્દની જ સૂગ છે – જાણે કે એ શબ્દ અસ્પૃશ્ય જ છે. પચાસના દાયકા સુધી અન્ય કોઈને હાનિકારક ન નીવડે તો બિનસાંપ્રદાયિક રાજ્યમાં પણ સૌ કોઈને માન્ય ધર્મ અનુસરવા દેવામાં આવતો. પણ એંશીના દાયકામાં તો બિનમજહબી એટલે કટ્ટર ધર્મ-હીનતા એમ સમજવા લાગ્યું. આ સંબંધમાં પ્રખર સામ્યવાદી નેતા શ્રી હીરેન મુખરજીના ડહાપણ ભર્યા શબ્દો યાદ કરવા યોગ્ય ગણાશે. તેમણે લખ્યું છે કે-

“કોઈ પણ વ્યક્તિ ઈચ્છે તો પણ ન તો ધર્મ કે કર્મકાંડથી દૂર રહી શકે; અને એવું કોઈ ઈચ્છે પણ નહિ”. એન્જેલ જેવા લેખકે પોતે જ કહ્યું હતું કે, “સમાજવાદી વિચારધારા”વાળાં રાજ્યમાં ધર્મ બહિષ્કૃત હશે એવી ક્રાંતિકારી વાતને મશ્કરી જ ગણાશે. અમુક પાગલ ક્ષણોને બાદ કરતાં કોઈ પણ સમાજવાદી વ્યવસ્થાએ ક્યારેય ‘ધર્મ ઉપરનું રાજકીય યુદ્ધ’ જેવો જુગાર ક્યારેય નથી ખેલ્યો.

અનેકવાર ચેતવ્યા છતાં રાષ્ટ્રીય નેતાઓએ ધર્મને દગો જ કર્યો છે. કહેવાતા ધર્મનિરપેક્ષતાની માન્યતાવાળા તો વળી ધર્મને કોઈ હઠીલા ચેપી રોગ જેમ તિરસ્કૃત ગણે છે. આપણા જેવા બિનમજહબી રાજ્યમાં સરકાર કોઈ પણ ધર્મને ટેકો ન આપી શકે તેવું બંધારણમાં હોઈ નૈતિક શિક્ષણ જેવા ધાર્મિક વિષયોને પણ શાળા-કોલેજમાં શિખવાતા રોકવામાં આવે છે. આ પરિસ્થિતિનો હેતુ ધરાવતા લોકો અન્ય લોકોની લાગણીને ઉશ્કેરે છે અને ટૂંકી દૃષ્ટિવાળા રાજકારણીએ વિવિધ લઘુમતીના મત મેળવવા માટે આ સ્થિતિનો ગેરલાભ ઉઠાવે છે. અગ્નિનો જો સદુપયોગ થાય તો ખૂબ ઉત્પાદક નીવડે, પણ જો તેના પર ધ્યાન ન રખાય તે વિનાશ જ નોતરે. શાંતિના સ્રોત તરીકે જેનો એક વખત ઉપયોગ થતો અને હજી પણ થઈ શકે છે તેવાં ધર્મનો હવે ખતરનાક પરિબળ તરીકે ઉપયોગ થવા લાગ્યો છે. પરિણામે ભારત જે એક સમયે એકતા અને અખંડિતતાને પોષતું તે હવે વિભાજનમાં રાચતાં તત્ત્વોનો અડ્ડો બની ગયું છે, કે જ્યાં સમયે-સમયે કોમી-પ્રદૂષણ ફેલાવી રાષ્ટ્રીય જીવનને વિષમય બનાવાય છે.

અધ્યાત્મવાદ, તેનું સંસ્કૃતિકરણ અને ધર્મ સ્વામી વિવેકાનંદનાં ચિંતાનાં કેન્દ્રો હતાં. મનુષ્યની બુદ્ધિ, સૌંન્દર્યમીમાંસા, નૈતિકતા કે વ્યવહારુપણાથી તેનો આત્મા પર છે. જ્યારે વ્યવહારમાં ધર્મનો અર્થ કર્મકાંડ, માન્યતાઓ, કઠોર નૈતિક ધોરણો અને કેટલીક વાર તો રાજકારણ મિશ્રિત ધર્મ પ્રથાઓ – એમ ગણાય છે. આમ છતાં આનાથી અળગા રહી શકાય તેમ નથી. કારણ કે ઈશ્વર કે આત્માને પામવા માટેનાં તે સાધન રૂપ છે અને જેમ કણસલું અન્નનું રક્ષક છે તેમ આ સાધનો પણ આત્મજ્યોતને રક્ષણરૂપ નીવડે છે. આમ છતાં સમય જતાં માન્યતાઓ અને કર્મકાંડોમાં વિષમતાઓ પેસે છે અને વિધિઓમાં અસલ સ્વરૂપને બદલે બાહ્ય સ્વરૂપ જ જોવામાં આવે છે અને એટલે જ સમયે સમયે તેમાં સુધારા વધારાની જરૂર પડે છે. એમ ન થાય તો અધ્યાત્મવાદથી તે સેંકડો જોજન દૂર જ ફેંકાઈ જવાનો ભય રહે છે.

સ્વામી વિવેકાનંદ ધર્મપ્રચાર કરતાં ધર્મ વ્યવહારને અગ્રતા આપતા. તેમના મતે અન્યના ધર્મ તરફ માન અને સહિષ્ણુતા તેમજ સર્વધર્મમાં એક મજબૂત સત્ય હોવાનો સ્વીકાર અને આપ-લે કરવી એ જ મુખ્ય વાત હતી, અને તે વારંવાર દોહરાવતા. ભારત જેવા અનેક ધર્મી સમાજમાં દીર્ઘદૃષ્ટિવાળા સ્વામી વિવેકાનંદે એક આદર્શ સમાન ધર્મની કલ્પના કરી છે કે, જેમાં હિન્દુઓનો અધ્યાત્મવાદ, બૌદ્ધ ધર્મની કરુણા, ખ્રિસ્તીઓની ક્રિયાશીલતા અને મુસલમાનોના ભાઈચારાની ભાવનાનો આપણા વ્યવહારમાં સમાવિષ્ટ થતો હોય.

શક્તિશાળી ભારતને સારો એવો આંચકો આપવા અને ફરી ગતિશીલ બનાવવા કૃતનિશ્ચયી સ્વામીએ ભારતવાસીઓના માનસ ૫૨ સત્ત્વધર્મકાંડ ઓતપ્રોત કરવા નિર્ણય કર્યો. દુનિયાના ધર્મો નથી વિરોધાભાસી કે નથી શત્રુતા પ્રેરક, પણ તે એકબીજાના પૂરક છે. વિવિધ ધર્મના સમાન સૂર-રૂપ-અધ્યાત્મવાદ વિવિધ ધર્મીઓને એક કરી શકે. વિનાશક તત્ત્વોને એક કરી શકે. કારણ કે માનવસમાજને એકરૂપ કરવા તે પ્રબળ શક્તિ ધરાવે છે. સર્વ ધર્મના સત્ય તરફ ધ્યાન દોરવા તેમણે પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણના શબ્દો ટાંક્યા છે. ‘હિન્દુ, ખ્રિસ્તી, મુસ્લિમ, વગેરે જેવાં વિવિધ નામો મનુષ્ય મનુષ્ય વચ્ચેના ભાઈચારાની લાગણી માટે અવરોધક છે.’ સ્વામીજીએ તેમાં ઉમેર્યું કે, આ શબ્દોએ પોતાનાં સારાં તત્ત્વો ગુમાવ્યાં છે અને તેની વિપરીત અસરો જ બાકી રાખી છે, કે જેની અસર નીચે આપણામાંના શ્રેષ્ઠ લોકો પણ રાક્ષસ જેવાં કાર્ય કરવા પ્રેરાય છે. આ અનિષ્ટને પરિણામે સાંપ્રદાયિકતા, કટ્ટર ધર્માંધતા અસ્તિત્વમાં આવ્યાં અને પૃથ્વીને હિંસાથી અવારનવાર લોહી નીંગળતી બનાવી તથા સંસ્કૃતિનો વિનાશ સર્જી રાષ્ટ્રોને નિરાશાની ગર્તમાં ધકેલ્યાં.

શ્રીરામકૃષ્ણે ધર્મને અંધશ્રદ્ધા, તિરસ્કાર, દુશ્મનાવટની અસરથી મુક્ત કરવા અથાગ શ્રમ કર્યો. જ્યારે સ્વામી વિવેકાનંદે શક્તિ, પ્રેમ, ઉદારતા અને શાંતિના પ્રતીક એવા સાચા ધર્મને સ્થાપવા ખૂબ ખૂબ મહેનત લીધી. સાંપ્રત પ્રશ્નોના પડકારના નિરાકરણમાં સહાય કરવા તેમણે ધર્મમાં રહેલાં દૂષણોને નિવાર્યાં અને આ બધું તેમણે ‘વ્યવહારુ વેદાંત’ની ભેટ આપીને કર્યું.

શું સ્વામીજીની હિન્દુત્વભાવના સંકુચિત હતી? ચોક્કસ નહિ. જે વેદાંતિક સિદ્ધાંતોના તે પ્રચાર કરતા તે સિદ્ધાંતો જ સંકુચિતતા વિરોધી છે અને ફક્ત સત્ય, પવિત્રતા, શુદ્ધિ અને ઉદારતા ધર્મમાં જ આધારભૂત શ્રદ્ધા રાખે છે. સ્વામીજીનું હિન્દુત્વ સર્વગ્રાહી હતું. તેમના ગુરુ શ્રીરામકૃષ્ણ બધા ધર્મોના સુમેળના આગ્રહી હતા કે, જ્યાં વિવિધધર્મી લોકો એકસાથે સુલેહ-સંપથી ભેગા રહી શકે. સ્વામી વિવેકાનંદ કહેતા કે. એનો અર્થ એવો ન હતો કે તે ધર્મમાં એક બીજાએ ધર્મપલટો કરવાનો હતો. સમાજમાં શાંતિ અને પ્રગતિની ખાતરી માટે તેમણે બીજાના ધર્મમાં એકરૂપ થવા છતાં પોતાના ધર્મનું વ્યક્તિત્ત્વપણું અખંડિત રાખી પ્રગતિના નિયમને અનુસરવા ઉપદેશ આપ્યો. એ પ્રમાણે સ્વામીજીએ પ્રચારેલો ધર્મનો કેન્દ્રવર્તી ધ્વનિ એવો છે કે, એક જ ઈશ્વરીતત્ત્વને જુદાજુદા ધર્મો અને નામે ઓળખવામાં આવે છે અને ખૂબ પરિશ્રમ કરીને સારી રીતે તેને અનુસરવામાં આવે તો ઈશ્વર-સાક્ષાત્કાર થાય. વિશ્વબંધુત્ત્વમાં માનનારા શ્રી વિવેકાનંદે કાશ્મીરવાસ દરમ્યાન ખરેખર એક બ્રાહ્મણ અને એક મુસ્લિમ કન્યાને માતા ઉમા તરીકે પૂજી પણ હતી.

વળી, સ્વામીજી પુનરુત્થાનવાદી પણ ન હતા. એક મહાન આર્ષદ્રષ્ટા તરીકે તેઓ કહેતા કે, “ભૂતકાળનું સર્વ ગ્રહણ કરવું, વર્તમાનનો પ્રકાશ માણવો અને ભવિષ્યમાંથી આવનાર દરેક વસ્તુ માટે હૃદયનાં દ્વાર ખુલ્લાં રાખવાં.” ભૂતકાળમાંથી આવેલી કોઈ પણ વસ્તુનો તેમણે વગર વિચારે કદી પણ સ્વીકાર કર્યો નથી. ભારતના પ્રાચીન વારસામાં માનતા અને ગર્વ લેતા સ્વામીજી શિક્ષિત પશ્ચિમવાસીઓના વૈજ્ઞાનિક વલણ તેમ જ વ્યવસ્થાશક્તિને બિરદાવનાર પ્રાચીન – અર્વાચીન ધર્મવિજ્ઞાન પૂર્વ અને પશ્ચિમનું સંશ્લેષણ કરનારા હતા. શ્રી જવાહરલાલ નહેરુએ ઓગણીસસો પચીસનાં વર્ષોમાં કહેલ કે, આ પ્રગતિશીલ સ્વામીજીએ ભારતના આત્માને ઢંઢોળ્યો. એટલું જ નહિ પરંતુ, તેના માનસનું ઘડતર પણ કર્યું. પણ પછીના વર્ષોમાં બનેલ દુ:ખદ બનાવોએ (કે જેને અવગણી ન શકાય) એવો પ્રશ્ન ઊભો કર્યો છે કે, દેશના રાજકીય નેતાઓનું સ્વામી વિવેકાનંદની ભારત વિષેની અને તેના પ્રશ્નોના ઉકેલની દૃષ્ટિ સમજાય છે કે નહિ તે એક પ્રશ્ન છે.

બીજો પ્રશ્ન આવે છે કે, શું સ્વામીજીનું હિન્દુત્વ આક્રમક છે. સિસ્ટર નિવેદિતા મારફત આપણને જાણવા મળે છે કે, એક ખાનગી વાર્તાલાપમાં સ્વામી વિવેકાનંદે ડરપોક અને માયકાંગલો હિન્દુ આક્રમક બને તેવી ઈચ્છા પણ વ્યક્ત કરેલ. ધર્મપરિવર્તનમાં કોન્ફયુસીઅસ ધર્મ અને આધુનિક જુડાઈસ્ઝ્મની જેમ હિન્દુ ધર્મ માનતો ન હોવા છતાં હિન્દુ સક્રિય અને ગતિશીલ બને તેવી તેમની ઈચ્છા હતી. કારણ કે તેમ કરવાથી હિન્દુ ધર્મ છોડી ગયેલ દરેક તેમાં પાછા ફરી શકે. સનાતન ધર્મને ફરી શક્તિશાળી બનાવવા તેની જુદી જુદી શાખાઓના સામાન્ય મૂળની તે શોધમાં હતા. કારણ કે તે વગર હિન્દુ ધર્મ વ્યવસ્થિત રીતે ચાલી ન શકે. સ્વામી દયાનંદ સરસ્વતીના આર્યસમાજમાં ધર્મભ્રષ્ટ થયેલનો પુન:પ્રવેશ શક્ય હતો પણ સ્વામી વિવેકાનંદે એવા કોઈ કાર્યક્રમનો વિચાર કરેલ નહિ. હિન્દુ-મુસ્લિમ વચ્ચેની કટ્ટર દુશ્મનાવટથી સમાન એવા તેમણે માતૃભૂમિ ખાતર હિન્દુ ધર્મના વેદાંત અને ઈસ્લામ ધર્મના સુમેળમાં જ આશા જોઈ. આધ્યાત્મિક અને ભૌતિક જરૂરિયાત જોતાં સામાન્ય હોય તેવા બીજા ધર્મનું ગઠબંધન તેમણે સૂચવ્યું. ખરેખર, રાષ્ટ્રધર્મ બજાવનારે આના માટે ગંભીરપણે વિચારવું જોઈએ. અહીં નોંધ લેવી ઘટે કે, રામકૃષ્ણમઠ અને મિશનના ઘણાં કેન્દ્રો નાતાલ, બુદ્ધ જયંતી અને એક તો વળી ઈદનો તહેવાર પણ ઉજવે છે.

ગરીબાઈ અને અજ્ઞાનમાં સબડતા મોટા જનસમુદાયને સ્વામી વિવેકાનંદ પોતાના સમાજ – ઉત્થાન અને મોક્ષના ઉપદેશોથી જાગૃત કરવા માગતા હતા. જન સમુદાય એ જ સમાજમાં સર્વોપરી હોવાનું દૃઢપણે માનતા. કારણ કે તેને તે કરોડરજ્જુ સમાન માનતા. શિક્ષણની જાદુઈ લાકડીથી તેઓને ઇતિહાસમાં તેમનું સ્થાન ક્યાં છે તે બતાવવા ઈચ્છતા અને તેઓને સ્વાશ્રયી બનાવવા માગતા. આ પ્રયત્ન સફળતા પ્રાપ્ત કરવાનું રહસ્ય તેઓ એક થાય તેમ જ એક જ સરખું વિચારે એમાં રહેલ છે, તેમ તે કહેતા.

વર્તમાન જ્ઞાતિપ્રથાને તેઓ દૈવીપ્રકોપ માનતા અને હરિજનો કે પછાત કોમ પરના શોષણ સામે તે ઊકળી ઊઠતા. તેઓ માનતા કે, પ્રાચીન સમયની ગુણ અને કર્મ આધારિત ફેરફાર થઈ શકે તેવી પ્રથાને આજના સમાજે એક અતિ કઠોર રચનામાં ફેરવી નાખી છે. જ્ઞાતિ પ્રથા વિશે તે કહેતા કે, તે રાજકારણનો જ એક ફણગો છે અને વંશવારસથી ચાલતી આવતી વ્યાપારી સંસ્થા છે. પરદેશી આક્રમણ સમયે જ્ઞાતિપ્રથા અભેદ્ય દીવાલ જેવું કામ કરીને સાંસ્કૃતિક વારસો જાળવતી. પરિણામે જ્ઞાતિપ્રથામાં સંકુચિતતાએ પગપેસારો કર્યો અને વિભાજન શરૂ થયું. વિશિષ્ટ અધિકાર ભલે તે પછી જ્ઞાતિ, બુદ્ધિ, સંપત્તિ, રાજકીય હોદ્દો કે અન્ય કારણે હોય તો પણ તે પ્રગતિબાધક છે. આ વિચાર સામે આવતાં સ્વામીજી કહેતા કે, ચાલો આપણે એવા જ્ઞાનની ખોજ કરીએ કે, જેનાથી માનવજાતમાં સમાનતામાં દર્શન કરી શકીએ. સમાનતાની સ્થાપનાથી ચાંડાલ જેવી વ્યક્તિ પણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો અધિકાર ભોગવી શકે ત્યાં સુધી તેઓ મદદ કરવા તૈયાર થતા. ભારતમાં તે પ્રથમ સમાજવાદી હતા. તેઓ દૃઢપણે માનતા કે, ફક્ત સમાનતાથી જ માનવ સમુદાયનું ભલું થશે. આ વસ્તુને ધ્યાનમાં લઈને તેઓ માનવ સમુદાયને સાંસ્કૃતિક રીતે નવજાગૃત કરી પોતાના સ્વપ્નનું નવું ભારત ખડું કરવા માગતાં હતા. આ વાત હાંસલ કરવા દેશના શિક્ષિત યુવાનોને તેમણે પછાત વર્ગને મદદ કરી. તેમને પોતાની તાકાત અને વ્યવસ્થા શક્તિ માટે સભાન કરવા હાકલ કરી.

આજના સમાજવાદી ભારતમાં અર્ધા જેટલા ભારતવાસી ગરીબીની રેખા નીચે જીવી રહ્યા છે. જ્યારે શહેરી ગણ્યાગાંઠ્યા લોકો એશઆરામમાં રાચે છે. આપણી સ્ત્રી વર્ગનો ૭૪% ભાગ અશિક્ષિત છે. ત્યારે સરકાર સાધનસંપન્ન કુટુંબના નબીરાઓના ઉચ્ચ શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરે છે. કાકા કાલેલકર અને મંડલ કમિશનનાં સંશોધનોના પરિણામે ડો. આંબેડકરના બંધારણ રચના પછીનાં પ્રથમ દસ વર્ષ માટેની પછાત-જાતિ-અનામત-પ્રથાથી તેમનાં બધાં વિઘ્નોનું નિવારણ થઈ જશે એવા સ્વપ્નના ચૂરેચૂરા થઈ ગયા છે. ભારત-પાકિસ્તાનના વિભાજન પછી હમણાં-હમણાંમાં ધર્મ નિરપેક્ષ ભારતમાં ફરી પાછો કોમવાદનો દાવાનળ ભભૂકી ઉઠ્યો છે. સ્વાર્થી રાજકારણીઓનાં ગઠબંધનો, સમાજ દ્રોહી તત્ત્વો, નશીલા પદાર્થોની હેરાફેરી કરનારા, આતંકવાદ, કોમવાદી રાજકારણ અને ધર્માનુસરણ, શિક્ષણ અને જીવનમાં અન્ય અંગોમાં એવો ગૂંચવાડો અને ગેરવ્યવસ્થા ફૂલીફાલી છે કે, છેલ્લા સ્વાતંત્ર્યદિન પ્રવચનના રાષ્ટ્ર પ્રસારણમાં રાષ્ટ્રપતિએ એવી ગંભીર ચિંતા વ્યક્ત કરી કે રાષ્ટ્ર એક ગંભીર કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. વાસ્તવિકતા એ છે કે, શાંતિ એક સ્વપ્ન બની ગઈ છે. પાછલી સ્થિતિના અભ્યાસે આપણી આંખો ઉઘાડી નાખી છે કે, વિદેશી સંસ્થાઓને આપણા સમાજમાં જે ઠોકી બેસાડવામાં આવી છે તે આપણને અનુકૂળ આવેલ નથી. આપણે સમયસર આ બાબતનો ગંભીરપણે વિચાર કરી, યોગ્ય નિદાન કરી જે રોગનાં ચિહ્નો હાનિકારક લાગે છે તે રોગથી જડમૂળથી મુક્ત થવા શું પ્રયત્ન ન કરવો જોઈએ?

આઝાદી પ્રાપ્ત થયા પછીના ભારતના નેતાઓએ લોકો પર કેટલાક વિદેશી આદર્શો લાદ્યા. તેઓએ પાશ્ચાત્ય સંસ્કરણને ભારતીય સંસ્કરણનો ઓપ આપવા યત્ન કર્યા. પરિણામ એ આવ્યું કે, સ્વતંત્ર ભારતે ખરી સ્વતંત્રતા જ ન અનુભવી. કેટલાક માને છે અને કદાચ સાચી રીતે કે, આદર્શોના ગૂંચવાડાઓ અને દેશને તેમાંથી બહાર લાવવાના સંઘર્ષરૂપ ધૂળની ડમરી છેવટે તો રાષ્ટ્રની સ્વતંત્ર ઓળખ માટેની એક દોટ જ છે. કટોકટીના આ સમયે દેશના પંડિતો અને ધુરંધરોને સ્વામી વિવેકાનંદ તરફ એક નવી જ નજરે જોવાનું સૂચન કરું? શ્રી સી. રાજગોપાલાચારીએ તેમના વિશે કહેલ કે, “સ્વામી વિવેકાનંદ ન હોત તો આપણે આપણો ધર્મ ગુમાવ્યો હોત અને સ્વતંત્રતા હાંસલ ન કરી હોત. આથી આપણું બધું જ સ્વામી વિવેકાનંદને આભારી છે.”

ભાષાંતર : શ્રી વીરેન્દ્ર અંતાણી

(વેદાન્ત કેસરી’ જૂન ૧૯૯૧ થી સાભાર)

Total Views: 174

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.