શ્રીમત્‌ સ્વામી શિવાનંદજી મહારાજ (૧૮૫૪-૧૯૩૪) શ્રીરામકૃષ્ણદેવના ૧૬ અંતરંગ પાર્ષદમાંના એક હતા અને રામકૃષ્ણ મઠ અને મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. તેઓ મહાપુરુષ મહારાજ તરીકે ઓળખાતા. ૩૧મી ડિસેમ્બરે તેમની જન્મતિથિ પ્રસંગે તેમના વાર્તાલાપોના થોડા અંશો અહીં રજૂ કરીએ છીએ.

બેલુર મઠ, સોમવાર : ૮ એપ્રિલ, ૧૯૨૯ સાંજે લગભગ સાડા પાંચનો સમય. શ્રીમહાપુરુષ મહારાજ ખંડમાં બેઠા છે. એ વખતે એક યુવાન આવીને પ્રણામ કરી જમીન પર બેઠો. શ્રીમહાપુરુષ મહારાજે તેનું નામ પૂછ્યું અને બોલ્યા : “તે શું અહીંથી દીક્ષા લીધી છે?”

ભક્ત – “હા જી, ગયા શ્રાવણ મહિનામાં દીક્ષા લીધી છે.”

શ્રીમહાપુરુષ મહારાજ – એ મજાનું, જપધ્યાન કરો છો? અહીંથી દીક્ષા લીધી હોય કે બીજેથી, પરંતુ પ્રભુનું નામ લેવું જોઈએ, તો જ આનંદ મળે. આર્તભાવે તેમની પાસે પ્રાર્થના કરવી : “ઠાકુર! મને ભક્તિ આપો, શ્રદ્ધા આપો. તમારી ભુવન-મોહિની માયામાં તમે મને મુગ્ધ ન કરો.” જેટલો સમય મળે તેટલી વાર તેમના નામનો જપ કરવો અને ખૂબ વ્યાકુળતાથી પ્રાર્થના કરવી. ના કરો તો, ભાઈ, કશું થાય નહીં.

ભક્ત – શરૂશરૂમાં હું ખૂબ જપધ્યાન કરતો. પરંતુ હવે થોડા દિવસથી સમય મળતો નથી. તેથી થોડું થોડું કરું છું.

શ્રીમહાપુરુષ મહારાજ – એ તો સારું. પરંતુ જેટલો સમય કરો એટલો સમય ખૂબ અનુરાગથી અને ખૂબ પ્રેમપૂર્વક કરો. દસ પંદર મિનિટ કરો તો ચાલે. પણ સમગ્ર પ્રાણ રેડીને કરો. તેઓ તો અંતર્યામી છે. તમારી અંદર જ રહેલા છે. તેઓ તમારા પ્રાણ હૃદય જુએ છે. તમારો અનુરાગ જોશે, તેઓ સમય તો નહિ જુએ ને? દિવસના અંતે જ્યારે પણ મળે, અંત:કરણપૂર્વક તેમને પોકારો. આર્તભાવે પ્રાર્થના કરો : “પ્રભુ! આ સંસારચક્રમાં પડીને તમને હું ભૂલી ન જાઉં.” આ સંસાર તો બે દિવસનો છે. આ માયામય સંસારમાં પડીને એમને ભૂલી ન જશો. અનેક કાર્ય કરો, કરોડ રૂપિયા કમાઓ, પરંતુ મનમાં નિશ્ચય જાણજો કે, આ બધું અનિત્ય છે. આ બધું એક દિવસ છોડીને જવાનું છે. નિત્ય વસ્તુ માત્ર ભગવાન જ છે. તમે શ્રીપ્રભુને પોકારો; તેમને શરણે થાઓ! ભાઈ, બધાં બંધન છેદાઈ જશે.

ભક્ત – આપ આશીર્વાદ આપો તો જ બધું ઠીક થશે.

શ્રીમહાપુરુષ મહારાજ – આશીર્વાદ તો આપું છું, ખૂબ આશીર્વાદ આપું છું. અમારી પાસે આશીર્વાદ સિવાય બીજું કંઈ નથી. તેથી જ તો તમને આ બધું કહું છું. ઠાકુરને પોકારો, તેમના શરણે જાઓ. અમારા ઠાકુર જીવંત અને જાગૃત છે. વ્યાકુળતાથી પોકારીને જુઓ. તેઓ તરત પ્રતિસાદ આપશે. જે પરબ્રહ્મ ભગવાન છે, તે જ અનેક લોકોના કલ્યાણ માટે રામકૃષ્ણરૂપ ધરી આ યુગમાં અવતર્યા. તું જ્યારે આ યુગાવતારના આશ્રયમાં આવ્યો છે તો પછી ચિંતા શાની?

ભક્ત – ભય અને લજ્જાથી એક વાત આપને અત્યાર સુધી અત્યાર સુધી જણાવી શક્યો નથી. થોડા દિવસ પહેલાં મેં લગ્ન કર્યાં છે. માબાપની રોકકળથી લગ્ન કરવું પડ્યું. મારી જરાયે ઇચ્છા હતી નહિ.

શ્રીમહાપુરુષ મહારાજ – તેથી શું? જન્મ, મૃત્યુ અને લગ્ન આ ત્રણેય માણસના હાથની વાત નથી. એ વિધિનિર્મિત હોય છે. લગ્ન કર્યાં છે એટલે તેમાં આસક્ત થઈને રહેવું પડશે એવું કંઈ નથી. ઠીક, તું તારું કામકાજ કર્યા કર. તારાથી બની શકે એટલું સાધન-ભજન કર; સ્ત્રીએ પણ તેવું જ કરવું જોઈએ. તેના જીવનનો પણ એ ઉદ્દેશ છે. માત્ર ભોગવિલાસ માટે જ કંઈ આ જીવન નથી. તું જેમ ભગવાનનું સર્જન છે, તેમ તે પણ છે. તું ભગવાનનો અંશ છે, તે પણ જગદંબાનો અંશ છે. તું જે રીતે જીવન જીવે છે, તે રીતે જીવતાં તેને પણ શીખવજે. તે પણ ભગવાનનું નામ લે. પૂજા-પાઠ કરે, સંસારનાં કામકાજ કરે, ગુરુજનોની સેવા કરે. તેને આ બધું શીખવે તો જ તું ખરો. એ પ્રમાણે ન કરતાં જો તું તેને માત્ર દેહના ભોગવિલાસનું જ સાધન ગણે. તો તને ધિક્કાર! વત્સ! માત્ર તેનામાં આસક્ત ન રહેતો. કામ અને કાંચન માનવીનું મનુષ્યત્વ હરી લે છે.

ભક્ત – મને એ વિશ્વાસ છે કે આપના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે અને શ્રીઠાકુરના આશ્રયે આવ્યો છું, તો બધું બરાબર થશે.

શ્રીમહાપુરુષ મહારાજ – મુખ્ય વાત એ છે કે, જીવનનું ધ્યેય ભૂલી ના જવાય. એ વાત બરાબર અને સતત ધ્યાનમાં રાખજે કે જીવન તો બે દિવસનું અનિત્ય છે. અને જીવન ભોગવિલાસ માટે નથી. હવે થોડી વાર ઠાકુરના મંદિરમાં જા. ઠાકુરને પ્રણામ કરી તેમનું ધ્યાન કર. તેમની પાસે ખૂબ પ્રાર્થના કર, તેઓ ચોક્કસ તને શાંતિ આપશે.

(‘આનંદધામના પથ પર’ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ પૃ. ૧૨૪-૧૨૬)

Total Views: 169

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.