શ્રીમત્‌ સ્વામી ગંભીરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. આ વર્ષે ૨૭મી ડિસેમ્બરે શ્રીશ્રી મા શારદાદેવીની જન્મતિથિ પ્રસંગે તેમના ગ્રંથ ‘શ્રીમા શારદાદેવી’ના થોડા અંશો અહીં રજૂ કરીએ છીએ.

માતાજી દેશ, જાતિ કે સંપ્રદાયનો ભેદ સ્વીકારતાં નહીં. ‘સ્વદેશી’ની ચળવળ જ્યારે ચાલતી હતી, (૧૯૦૫-૧૧), લોકોનો અંગ્રેજો પ્રત્યેનો દ્વેષભાવ ખૂબ પ્રબળ હતો, ત્યારે પણ માતાજી કહેતાં : “તે લોકો પણ મારાં જ બાળકો છે.” એક વાર કાંકુડગાછીના ‘યોગોદ્યાન’માં જન્માષ્ટમી વખતે માતાજીને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે તે સ્વીકાર્યું પણ હતું. પરંતુ કેટલાંકને એમનું ત્યાં જવું પસંદ ન પડ્યું, તેથી તેમણે વાંધો ઉઠાવ્યો. તેના જવાબમાં માતાજીએ કહ્યું : “બાપુ, એ તો તમારો ઝઘડો. હું શું એ લોકોની મા નથી?” દાક્તર કાંજીલાલની પત્ની માતાજીને પ્રણામ કરી બોલ્યાં : “મા, આશીર્વાદ આપો કે તમારા દીકરાની (પોતાના પતિની) કમાણી સારી થાય.” એ સાંભળી માતાજી તીક્ષ્ણ દૃષ્ટિથી સામે જોઈ રહ્યાં ને પછી બોલ્યાં : “હું શું એવા આશીર્વાદ આપું કે લોકો માંદા પડે ને દુ:ખી થાય? એ તો હું નહીં કરી શકું. બધાં જ સારાં રહે ને બધાંનું મંગળ થાય હું તો એ જ પ્રાર્થું છું.” નાહીને દરરોજ માતાજી પ્રાર્થના કરતાં : “મા, જગદંબે, જગતનું કલ્યાણ કરો.” પાગલીમામી તો માતાજીને ખૂબ જ ગાળો દેતાં. છતાં, માતાજી તેમની ઘેલછાઓ તરફ ધ્યાન પણ ન આપતાં. એક દિવસ મામીએ એમને ‘સર્વનાશી’ કહ્યું. ત્યારે માતાજીએ કહ્યું : “તારે મને જે કહેવું હોય તે કહેજે. પણ ‘સર્વનાશી’ ન કહેતી. જગતભરમાં મારાં સંતાનો વેરાયેલાં છે, તેમનું અકલ્યાણ થશે.” આ દેશના લોકો માટેના માતાજીના પ્રેમના ઘણા દાખલાઓ આપ્યા; હવે પરદેશી ભક્તો વિશે કહીશું.

સને ૧૯૦૬માં જયરામવાટીમાં માતાજીએ બ્રહ્મચારી ગિરિજાને કહ્યું હતું : “જો, ઠાકુરને ઘણી વાર સમાધિ થતી. એક વાર ઘણા લાંબા સમય પછી સમાધિ ભાંગતાં એઓ બોલ્યા હતા : ‘હું એવા એક દેશમાં ગયો હતો કે જ્યાં લોકો બધા ગોરા હતા અરે! એમની શી ભક્તિ! ત્યારે મને કંઈ થોડી ખબર હતી કે ઓલીબુલ વગેરે બધાં ભક્તો બનીને આવશે?’ હું તો નવાઈ જ પામી હતી કે ગોરા તે વળી કોણ હશે?” તે વખતે એક નાના દૂર દૂરના ગામડામાં ઊછરેલી છોકરીને એ વાત કલ્પનાતીત લાગી હશે! પણ પછી સર્વગ્રાહી માતૃત્વ, ઉદાર દૃષ્ટિબિંદુ અને પ્રેમાળ અંત:કરણે એમને એવી ઉચ્ચ કક્ષાએ મૂક્યાં હતાં કે દૂરત્વ અને વર્ગોના ભેદને ઓળંગી જઈ સદાય અતૃપ્ત રહે એવું સંતાનવાત્સલ્ય એમનામાં વિરાજતું હતું.

બ્રાહ્મણ કુટુંબનાં વિધવા હોવા છતાં પણ તેઓ પરદેશીઓ સાથે છૂટથી હળીમળી શકતાં. સ્વામી વિવેકાનંદ સને ૧૮૯૮ના માર્ચ મહિનામાં એક પત્રમાં તેમના ગુરુભાઈને લખે છે કે, “માતાજી અહીં છે. કેટલીક યુરોપિયન ને અમેરિકન મહિલાઓ એક દિવસ એમને મળવા ગઈ. તમે માની શકો છો કે માતાજીએ એમની સાથે ભોજન પણ લીધું? કેવી ઉદારતા!”

ભગિની નિવેદિતા જ્યારે કાશ્મીરથી પાછાં ફર્યાં ત્યારે એમણે માતાજીનાં સ્ત્રીભક્તોની સાથે રહેવા માટે આગ્રહ કર્યો, જેથી તેઓ ભારતીય સમાજના એક અંગ બનીને દેશસેવા કરી શકે. સ્વામી વિવેકાનંદ માટે આ કોયડો ઉકેલવો મુશ્કેલ હતો. પણ માતાજી એમની વહારે ચડ્યાં. માતાજીએ નિવેદિતાને પોતાની દીકરી તરીકે સ્વીકાર્યાં અને તેમને પોતાની પાસે જ રાખ્યાં. જ્યારે જ્યારે નિવેદિતા માતાજી પાસે આવતાં ત્યારે માતાજી તેને પાસે બેસાડી કુશળ પૂછતાં. બેમાંથી કોઈ એકબીજાની ભાષા સમજતું નહીં, પરંતુ બંનેના ભાવવિનિમયમાં કોઈ મુશ્કેલી ન પડતી. એક દિવસ નિવેદિતા માતાજીની પાસે આવીને બેઠાં. ત્યારે માતાજીએ એને ઊનનો એક પંખો આપ્યો ને કહ્યું : “આ મેં તારે માટે બનાવ્યો છે.” ભગિની નિવેદિતા એથી ખૂબ રાજી થયાં. પંખાને ઘડીક માથે અડકાડે તો ઘડીક છાતીએ લગાડે ને કહે : “કેટલો સુંદર! કેવો અદ્‌ભુત!” એને આમ કરતાં જોઈ માતાજી બોલ્યાં : “આવી નજીવી વસ્તુ મેળવવાથી એને કેવો આનંદ થાય છે, જો! એને કેટલી બધી શ્રદ્ધા છે! જાણે સાક્ષાત્ દેવી! નરેન (સ્વામી વિવેકાનંદ) તરફ કેવી ભક્તિ રાખે છે! નરેન આ દેશમાં જન્મ્યો છે એટલે સર્વસ્વ તજી અહીં એનું કામ કરવા આવી છે. કેવી ગુરુભક્તિ! ને આ દેશ તરફ કેટલો પ્રેમ!” ભગિની નિવેદિતાએ માતાજીને જર્મન-સિલ્વરની એક દાબડી આપી હતી. તેમાં એમણે શ્રીરામકૃષ્ણના વાળ રાખ્યા હતા. એને માટે માતાજી કહેતાં : “પૂજા વખતે દાબડી જોઈને જ નિવેદિતા યાદ આવે.” અને કહેતાં, “નિવેદિતા મને કહેતી કે, “મા, ભક્તજનની!” ગયે જન્મે અમે હિન્દુ હતાં. ઠાકુરના સંદેશના પ્રચાર માટે તે દેશમાં જન્મ્યાં છીએ.” માતાજી પોતાના સંતાનોએ આપેલી ભેટો ખૂબ જતન કરીને રાખતાં અને કહેતાં : “વસ્તુની વળી શી કિંમત છે? કિંમત છે યાદગીરીની” ઘણા વખત પછીની વાત છે. એમની પેટીમાંથી કપડાંલત્તાં બહાર કાઢી તડકામાં મૂકતી વખતે રામમયે (સ્વામી ગૌરીશ્વરાનંદ) જૂની એન્ડીની (જાડા રેશમની) એક ચાદર જોઈને કહ્યું, “મા, આ રાખીને શું કરશો? તદ્દન ફાટી ગઈ છે. ફેંકી દઉં?” માતાજી બોલ્યા : “ના રે ના, દીકરા, કેટલા પ્રેમથી નિવેદિતાએ મને તે આપી હતી. એ રહેવા દે.” એમણે ચાદરની ગડીમાં કલોંજી (કાળું જીરુ) મૂકીને પેટીમાં મૂકતાં કહ્યું : “આ ચાદર જોઈ નિવેદિતા યાદ આવે. કેવી મજાની છોકરી હતી! પહેલવહેલી મારી સાથે વાતો નહોતી કરી શકતી. છોકરાઓ સમજાવી દેતા; પાછળથી તે બંગાળી ભાષા શીખી ગઈ; મારી બા તરફ એને ખૂબ પ્રેમ હતો.”

નિવેદિતાના મૃત્યુ પછી એક દિવસ સાંજે ભગિની ક્રિસ્ટિન સુધીરાદેવી સાથે માતાજીને મળવા ગયાં. ત્યારે નિવેદિતા અને ક્રિસ્ટિનની મૈત્રી યાદ કરી માતાજીએ સુધીરાદેવીને કહ્યું : “અરેરે! બંને એકસાથે રહેતી હતી. એકલાં રહેતાં એને કેટલું દુઃખ થશે!” તેમણે ક્રિસ્ટિનને કહ્યું : “એને માટે એમને કેટલું લાગે છે! તને તો વધારે લાગતું હશે. શું છોકરી હતી! એને માટે આજે પણ દેશના લોકો રડે છે.” એમ કહી માતાજીએ રડવા માંડ્યું. પછી તેમણે ક્રિસ્ટિનને નિવેદિતા સ્કૂલ વિશે ઘણું પૂછ્યું.

માતાજીનો પ્રેમ બીજાને કેવી રીતે વિહ્‌વળ બનાવી દેતો, તે શ્રીમતી મેકલાઉડના એક દિવસના વર્તનથી સમજી શકાય છે. સ્વામી નિર્ભયાનંદ તેમને બેલુર મઠથી ‘ઉદ્‌બોધન’ લઈ ગયા હતા. તે મઠમાં પાછા ફર્યા ત્યારે આરતી શરૂ થઈ હતી. મંદિરમાં પ્રણામ કરી, થોડી વાર ધ્યાન કરી મેકલાઉડ જ્યારે અતિથિગૃહે પાછાં ફરતાં હતાં ત્યારે અંધકાર થઈ ગયો હતો તેથી સ્વામી ધીરાનંદે એક બ્રહ્મચારીને ફાનસ લઈ સાથે જવાનું કહ્યું. મેકલાઉડ જરા આગળ નીકળી ગયાં હતાં. બ્રહ્મચારીએ એમની પાછળ જતાં જતાં સાંભળ્યું: લાગણીવશ થઈને તેઓ અંગ્રેજીમાં ધીમે ધીમે સ્વગત બોલતાં હતાં : “મેં તેમને જોયાં છે… મેં તેમને જોયાં છે.” અચાનક બ્રહ્મચારીને પોતાની પાસે જોઈ તેઓ ગળગળાં થઈને ધીમેથી કહેવા લાગ્યાં : “મા પવિત્રતાસ્વરૂપિણી છે. મેં તેમને જોયાં છે.” આનંદના ઉલ્લાસમાં પગલાં ક્યાં પડે છે તેનો ખ્યાલ રાખ્યા વગર જ ‘મા’ ‘મા’ બોલતાં બોલતાં તેઓ ચાલતાં હતાં. ભગિની નિવેદિતા પણ કેવા પૂજ્યભાવથી માતાજીને જોતાં, તેનો આપણને એમના એક પત્ર પરથી ખ્યાલ આવે છે. સને ૧૯૧૦ના ડિસેમ્બરની અગિયારમી તારીખે કેમ્બ્રિજ મેસેચ્યુસેટ્સથી લખેલા પત્રમાં નિવેદિતા જણાવે છે કે, “ઈશુની મા મેરીનો વિચાર કરતાં મારી દૃષ્ટિ સમક્ષ માતાજીનો ચહેરો જ તરી આવે છે.”

માતાજી આ પરદેશી ભક્તો ઉપર ફક્ત પ્રેમ વર્ષાવતાં એમ ન હતું, એમનો શિષ્ટાચાર પણ શીખ્યાં હતાં. ૧૯૨૦ના એપ્રિલ મહિનામાં સાંજે એક યુરોપિયન સ્ત્રી એમને મળવા આવી ત્યારે એ લોકોના શિષ્ટાચાર પ્રમાણે હાથ લંબાવી એમણે કહ્યું. “આવો.” પછી બંગાળી રિવાજ પ્રમાણે એની ચિબુકને હાથ લગાડી ચુંબન કર્યું. એ સ્ત્રીની દીકરી માંદી હતી, તેથી એ માતાજીનો આશીર્વાદ લેવા આવી હતી. માતાજીએ એને અંત:કરણપૂર્વક આશીર્વાદ આપ્યા ને પછી એક કમળ ને બીલીપત્રનું નિર્માલ્ય આપી કહ્યું : “તમારી દીકરીને માથે અડકાડજો.” કૃતજ્ઞતાપૂર્વક આભાર માની એ સ્ત્રીએ વિદાય લીધી. એની દીકરીની તબિયત સારી થઈ ગઈ. એ સ્ત્રી વારંવાર માતાજી પાસે આવતી. પાછળથી એમની પાસે દીક્ષા પણ લીધી હતી. માતાજી એને ખૂબ પ્રેમ કરતાં હતાં.

ભગિની નિવેદિતાના એક પુસ્તકમાંથી માતાજીની બીજા ધર્મોની ભાવનાઓ અને વિચારો સમજવાની અદ્ભુત શક્તિનો પરિચય મળે છે. તેઓ લખે છે કે : “એક વખત ઇસ્ટરના દિવસોમાં માતાજી અમારે ઘેર પધાર્યાં હતાં ત્યારે પ્રથમ મને એમની શક્તિનો અનુભવ થયો. તે પહેલાં હું એમને મળતી ત્યારે એમને સમજવાનો પ્રયત્ન કરવામાં એટલી બધી ડૂબેલી રહેતી કે બીજા કોઈ દૃષ્ટિબિંદુથી એમને જોતી જ નહીં. આ દિવસે એમણે અમારા આખા ઘરમાં ફરી છેવટે પૂજાના ઓરડામાં બેસવાની ઇચ્છા વ્યક્ત કરી, અને મને ઇસ્ટરનું મહત્ત્વ સમજાવવા કહ્યું. પછી સંગીત ને ભજનો થયાં. એમની સૂક્ષ્મ સમજશક્તિ અને ઊંડી સહાનુભૂતિને લીધે તેમને ઇસ્ટરમાં ગવાતાં ભજનોમાં ભાવની જુદાઈ ન લાગી અને પહેલી જ વખત અમે શારદાદેવીની આધ્યાત્મિકતાની ઉચ્ચ અવસ્થાનાં દર્શન કર્યા બીજે એક દિવસે માતાજીએ મને મારી ગુરુભગિનીને યુરોપીય લગ્નવિધિ સમજાવવાનું કહ્યું, ખૂબ જ આનંદ અને હાસ્યથી કોઈક વાર વરવધૂ બની, કોઈક વાર પાદરી બની અમે તેમને તે સમજાવી, પણ અમારા બંનેમાંથી એક પણ જણ જાણતું ન હતું કે માતાજી પર એની શી અસર થશે! “દુ:ખમાં કે સુખમાં, સંપત્તિમાં કે વિપત્તિમાં, માંદગીમાં કે સ્વાસ્થ્યમાં મૃત્યુ આપણને છૂટાં ન પાડે ત્યાં સુધી છૂટા પડીશું નહીં.” એ લગ્નના શપથ સાંભળીને બીજાં બધાં ખૂબ આનંદમાં આવી ગયાં, પરંતુ માતાજી સૌથી વધારે ખુશી થયાં. ને વારંવાર અમારી પાસે એનું પુનરુચ્ચારણ કરાવ્યું, અને બોલ્યાં : “કેવા ધાર્મિક શબ્દો! કેવા પવિત્ર શબ્દો!”

(શ્રીમા શારદાદેવી-સ્વામી ગંભીરાનંદ દ્વિતીય સંસ્કરણ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ. પૃ. ર૮૩-૨૮૬)

Total Views: 161

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.