શ્રી શારદા મઠનાં સંન્યાસિની પરિવ્રાજિકા આત્મપ્રાણાજી રામકૃષ્ણ શારદા મિશન, દિલ્હીનાં સેક્રેટરી છે. તેઓ શ્રી શારદા મઠ દ્વારા પ્રકાશિત દ્વિવાર્ષિક અંગ્રેજી પત્રિકા ‘સંવિત’નાં સંપાદિકા પણ છે. તેમનાં પુસ્તકોમાં ‘Sister Nivedita of Ramakrishna – Vivekananda’, ‘Ramakrishna – Vivekananda by Sister Nivedita’ પ્રસિદ્ધ છે. તેમણે “The Complete Works of Sister Nivedita (5 vols)’ અને ‘Sri Ramakrishna’s Dakshineshwar’ પુસ્તકોનું સંપાદન કાર્ય પણ કર્યું છે.

(ગતાંકથી આગળ)

બૌદ્ધ ધર્મમાં સ્ત્રીઓ માટે સાધુ જીવન :

વર્ષોની આકરી સાધના અને દેહના દમન પછી કુમાર ગૌતમ બોધિ પામ્યા અને બુદ્ધ, પ્રકાશ લાધેલા કહેવાયા. બુદ્ધની ઘણાં વર્ષો પૂર્વ ‘મુંડક ઉપનિષદ’ (૧.૨.૭)ના ક્રાંતિકારી દ્રષ્ટાએ વેધક શબ્દોમાં કહ્યું હતું કે :

‘યજ્ઞો અને ક્રિયાકાંડો’ નાજુક તરાપા છે. જે મૂર્ખ જનો તેમનું મૂલ્ય બહુ આંકે છે અને તેમાં પડે છે તેઓ જીવન-મરણના ચક્રમાં ફરીફરી પ્રવેશે છે.’

બુદ્ધે સત્યની ખોજ માટે સાંસારિક સમૃદ્ધિ અને સુખનો જે ત્યાગ કર્યો અને જે રીતે વેદિક ક્રિયાકાંડોને તેમણે માનવજાતના કલ્યાણના હેતુ માટે નિરુપયોગી ગણ્યા, તેમાં આ જ વિચારનો પડઘો છે. બુદ્ધના જીવનની મહત્તા જ એ છે કે, તેમણે ભૌતિક જીવનની તુચ્છતાનું ભાન થયા પછી અને નિર્વાણ પ્રાપ્ત કર્યા પછી, આધ્યાત્મિક પરિકલ્પનાઓ અને આધિદૈવિક કોયડાઓમાં ન પડતાં, સ્ત્રીપુરુષના, ઉચ્ચનીચના કે રંકરાયના ભેદ વિના બધા લોકોમાં પોતાનું જ્ઞાન વહેંચ્યું. પોતાના એક આદેશાત્મક ગ્રંથમાં તેઓ કહે છે : ‘અને પુરુષ હો વા સ્ત્રી હો, જેને માટે આવો રથ રાહ જોઈ રહ્યો છે, તે સૌ એ જ રથમાં આરૂઢ થઈ નિર્વાણ સમક્ષ આવશે.’

બુદ્ધે સાધુજીવનનો બોધ આપ્યો હતો તે એ કારણે કે તેઓ જાણતા હતા કે પોતાનો સંદેશ જગતને ખૂણે ખૂણે પોતાના સાધુઓ જ દૂર સુદૂર લઈ જશે. સાધુઓ અને સાધ્વીઓ પ્રત્યે પોતે શા માટે પક્ષપાત દાખવે છે તેવા એક સંસારી ભક્તના પ્રશ્નના ઉત્તરમાં બુદ્ધે કહ્યું કે,

‘મારા સાધુઓ અને સાધ્વીઓ ઉત્તમ ખેતર જેવાં છે. આરંભે, મધ્યમાં અને અંતે જે સુંદર છે એવો ધર્મ એ સૌને હું પ્રબોધું છું. ધર્મનો શબ્દ અને અર્થ બેઉ હું તેમને સમજાવું છું અને સંપૂર્ણપણે સિદ્ધ થયેલા, તદ્દન વિશુદ્ધ એવા બ્રહ્મમાર્ગનું જ્ઞાન તેમને આપું છું અને આમ શા માટે? આ લોકો જ પ્રકાશ માટે, આશ્રય માટે, બળ માટે અને શરણ માટે મારી પાસે રહે છે.’ ૧૪

પરંતુ, બુદ્ધે પોતાના સાધુઓના સંઘમાં સ્ત્રીઓને હિચકિચાટ વિના સ્વીકારી ન હતી. પ્રવેશ માટે બુદ્ધ પાસે જનાર પ્રથમ મહિલા એમનાં પોતાનાં માસી અને ધાવમાતા મહાપ્રજાપતિ ગોતમી હતાં. પોતાના પરિભ્રમણ દરમિયાન, કપિલવસ્તુ આવી બુદ્ધે થોડાં બોધપ્રવચનો કર્યાં ત્યારે, એમના પિતા શુદ્ધોદન સંસારી દીક્ષિત બન્યા હતા. પણ, એમના પુત્ર રાહુલે અને ભત્રીજા નંદે સાધુત્વ ગ્રહણ કર્યું હતું. એ વેળા મહાપ્રજાપતિ ગોતમીને સાધુસંઘમાં પ્રવેશની ના પાડવામાં આવી હતી. પરંતુ રાજા શુદ્ધોદનના અવસાન પછી એ અને એમની પાંચસો સખીઓ મુંડન કરાવી પીળાં વસ્ત્રો ધારણ કરી, વૈશાલી ગઈ. આ સમયે પણ બુદ્ધે તેમને સંઘમાં દાખલ થતાં અટકાવ્યાં. પરંતુ આનંદે આગ્રહપૂર્વક વિનંતી કરતાં કહ્યું કે, નિર્વાણ માટે સ્ત્રીઓને પણ પુરુષો જેટલા જ અધિકાર છે. ત્યારે બુદ્ધ ઢીલા પડ્યા. એમણે તે બધી સ્ત્રીઓને સંઘમાં દાખલ કરી અને એ રીતે ભિક્ષુણીઓના સંઘનું મંડાણ થયું. પરંતુ તેમણે ભવિષ્ય ભાખ્યું કે, ‘સંઘમાં ભિક્ષુણીઓને દાખલ કરવાથી પોતાના ધર્મની વિશુદ્ધતા ઊણી થશે અને તેથી, એના નિર્ધારિત કાલ કરતાં અર્ધા સમયથી તે વધારે ટકશે નહીં.’

બુદ્ધે સ્ત્રીઓ પર આકરી કસોટીઓ લાદી હતી અને ભિક્ષુણીઓના સમગ્ર સમુદાયને ભિક્ષુઓ કરતાં નીચલી કક્ષાએ રાખ્યો. સ્ત્રીઓને સંઘમાં પ્રવેશ આપવા માટેનો એમનો તર્ક એ હતો કે, પોતાના ભાવિનું નિર્માણ કરી આધ્યાત્મિક નિર્વાણ પામવાનો એમને પણ અધિકાર છે. સાધુઓને અપાતું તે જ શિક્ષણ તેમને અપાતું. આ પગલાંથી સ્ત્રીઓનું સ્થાન ઊંચું આવ્યું પરંતુ, તેમની સ્વતંત્રતા ઉપર મોટો અંકુશ મૂકવામાં આવ્યો. બધા સાધુઓ પ્રત્યે તેઓને આદર દાખવવો પડતો. સો વર્ષની વયે પહોંચેલી સાધ્વીએ પણ જુવાન સાધુને પ્રણામ કરવાં પડતાં. સાધુઓની પરવાનગી વિના સાધ્વીઓ કશું કરી શકતી નહીં. તેમણે પોતાના દોષોનો એકરાર સાધુઓ સમક્ષ કરવો પડતો અને તેઓ જે શિક્ષા કરે તે સાધ્વીઓએ સહેવી પડતી. કોઈ પણ સંજોગોમાં તેઓ સાધુઓને ઠપકો આપી શકતી નહીં કે ગાળ દઈ શકતી નહીં. આ આકરાં બંધનો છતાં, સત્યની ખોજમાં પડેલી અનેક સાધિકાઓ અરહત્ત બની હતી અને નિર્વાણને પામી હતી.

આ સાધિકાઓની સિદ્ધિઓની કથા ‘થેરી ગાથા’ નામના નાના પુસ્તકમાં સચવાઈ છે. ‘થેરી ગાથા’ એટલે સાધ્વીઓનાં ગીતો; તેમાં એમની આધ્યાત્મિક અનુભૂતિઓ અને પ્રાપ્તિઓની વાતો સંઘરાઈ છે. બિંબિસારની પત્ની મહાપ્રજાપતિ ખેમા, ધમ્મદિન્ના, સુક્કા, પટાચારા અને અમ્બપાલી જેવી વિખ્યાત ભિક્ષુણીઓનો ઉલ્લેખ કરી શકાય.

બૌદ્ધ ધર્મના પ્રચારના આરંભના કાળમાં ઘણી સ્ત્રીઓ સંઘમાં જોડાઈ હતી. તેઓ રાજ-કુટુંબમાંથી તેમ જ રંક ઘરોમાંથી આવતી અને નગરોમાંથી તેમ જ ગ્રામપ્રદેશોમાંથી આવતી. તેઓ વિવિધ વયજૂથોની હતી. કેટલીક પરણેલી તો કેટલીક કુંવારી.

સંઘમાં પ્રૌઢ ભિક્ષુણીઓમાં બૌદ્ધિક અને નૈતિક સ્તર ઊંચું હતું. આમ છતાં, બુદ્ધના નિર્વાણ પછી, બૌદ્ધ ધર્મમાં આધિદૈવિક અનુમાનો અને શુષ્ક ચર્ચા પ્રાધાન્ય ભોગવતાં થયાં. પરિણામ એ આવ્યું કે, વ્યક્તિગત અને સામાન્ય સ્ખલનો ભિક્ષુઓ અને ભિક્ષુણીઓમાં દેખાવા લાગ્યાં. પાછોતરી બૌદ્ધિક પ્રવૃત્તિએ જનસામાન્યને આકર્ષ્યા નહીં અને લૌકિક બૌદ્ધ ધર્મ ધસાઈ જઈ ભારતમાં નામશેષ થઈ ગયો. સાતમી સદીથી તો બૌદ્ધ સાધુ સંઘોનું, અને ખાસ કરીને ભિક્ષુણીઓના સંઘનું નામનિશાન પણ રહેવા પામ્યું નહીં.

પ્રાચીન આદર્શનું પુનરુત્થાન

સમયના વહેવા સાથે આપણે ઓગણીસમી સદીમાં આવી પહોંચીએ છીએ. એ સદી શ્રીરામકૃષ્ણ, શ્રી શારદા દેવી અને સ્વામી વિવેકાનંદના આગમનથી પ્રખ્યાત બની છે. નિર્દિષ્ટ વિષયની મર્યાદામાં રહીને, વિવેકાનંદનાં વચનો આપણે જોઈએ :

સ્ત્રીઓની પરિસ્થિતિમાં સુધારો ન થાય તો જગતના કલ્યાણ માટે કોઈ તક નથી. કોઈ પંખી એક જ પાંખે ઊડી શકે નહીં. એથી જ તો, શ્રીરામકૃષ્ણના અવતારમાં, સ્ત્રીનો ગુરુ તરીકે સ્વીકાર, તેથી જ તો, નારીવેશે અને નારીભાવે એમણે કરેલી સાધના, તેથી જ નારીઓના માતૃત્વને દિવ્ય માતાનાં રૂપો તરીકે સ્વીકારવાનો એમનો બોધ, તેથી જ તો મારો પ્રથમ પ્રયત્ન હશે સ્ત્રીઓ માટે મઠની સ્થાપના, ગાર્ગીઓ અને મૈત્રેયીઓના અને એથીયે વધારે ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર નારીઓના ઉદ્‌ભવનું સ્થાન એ મઠ બનશે.૧૫

શ્રી શંકરાચાર્ય પછી, ‘તવંગરોમાં રંક’ અને ‘સાધુઓમાં રાજા’ સ્વામીજી પ્રથમ હતા, જેમણે ભગવાં વસ્ત્રની પ્રતિષ્ઠા વધારી હતી. ‘સંન્યાસીનો પીળો અંચળો,’ એમણે થાઉઝંડ આઈલેંડ પાર્કમાં કહ્યું હતું.. ‘મુક્તાત્માની નિશાની છે.’ ‘સંસારનો ભિખારીનો વેશ ઉતારી નાખો અને મુક્તિનો ધ્વજ, ભગવો અંચળો અપનાવો.’૧૬ ‘જેને આ લોકની કે પરલોકની કોઈ શક્તિ અટકાવી શકે તેમ નથી તે, પશુ-માનવની દેવ-માનવમાં ઉત્ક્રાંતિ સાધવાનું માતૃભૂમિ ભારતનું ભવ્ય ભાવિ નિર્માણ’, ત્યાગ અને સેવા દ્વારા જ હાંસલ કરી શકાશે એમ તેઓ સમજતા હતા.

(એમણે કહ્યું હતું. કે) ‘દૈહિક તાકાતથી નહીં પરંતુ, આત્માની શક્તિથી, વિનાશના વાવટાથી નહીં પરંતુ, શાંતિ અને સ્નેહના સંન્યાસીના અંચલથી, સંપત્તિના જોરથી નહીં પરંતુ, ભિક્ષાપાત્રની શક્તિથી ભારતનું ઉત્થાન સધાશે.’૧૭

સંન્યાસના પરંપરાગત નિયમોને સ્વામી વિવેકાનંદે ફેરવ્યા નહીં પરંતુ, સંન્યાસી વિશે સ્પષ્ટ જણાવ્યું કે :

તે બધાં સાંસારિક મરતબો, મિલકત અને નામને ત્યજી દે છે અને સર્વસ્વના ત્યાગનું જીવન જીવવાને તથા સતત આધ્યાત્મિક જ્ઞાનની ખોજમાં જગતમાં એ પરિભ્રમણ કરે છે. પ્રેમ અને કરુણામાં એ પરિપૂર્ણ થવા તથા સનાતન દર્શન પામવા એ પ્રયત્નશીલ રહે છે. વર્ષોના ધ્યાન, સંયમ અને ખોજ પછી સમય જતાં, એ ગુરુ બને છે અને એને સેવતા, સંસારી તેમજ સાધુ શિષ્યોને, એ જ્ઞાન અને શ્રેયસની લહાણી કરે છે.૧૮

બધાં ભૂતો પાછળ એક જ સત્ય રહેલું છે એમ શ્રી શંકરાચાર્યે પ્રબોધ્યું હતું પરંતુ સ્ત્રીઓને સંન્યાસનો અધિકાર તેમણે નકાર્યો હતો. ત્યારે સ્વામી વિવેકાનંદે પોકાર્યું હતું કે, ‘પરબ્રહ્મના સર્વોત્તમ સત્યમાં લિંગભેદ નથી. એટલે પુરુષ બ્રહ્મજ્ઞાની બની શકે તો, જ્ઞાનની એ જ કક્ષાએ સ્ત્રી શા માટે ન પહોંચી શકે?’ પોતાના સંઘમાં જોડાવા માટે સ્ત્રીઓને તેમણે આવકારી હતી પરંતુ, તેઓ ઈચ્છતા હતા કે સ્ત્રીઓ જાતે જ આગળ આવી પોતાની મુક્તિનો રાહ શોધે. આપણને પુરુષો અને સ્ત્રીઓ બંનેની જરૂર છે. આત્મામાં લિંગભેદ નથી…. ગૌરી મા, યોગિન મા અને ગોલાપ મા ક્યાં છે? પોતાના વિચારોનો પ્રચાર કરવાનું તેમને કહો…..આપણને એક સંસ્થાની જરૂર છે.૧૯

શ્રીરામકૃષ્ણના જીવનકાળ દરમિયાન એમની કેટલીયે શિષ્યાઓ ઉચ્ચ આધ્યાત્મિક દશાએ પહોંચી હતી. જેમ કે અઘોરમણિદેવી (ગોપાલન મા), યોગીન્દ્ર મોહિની દેવી (યોગિની મા), ગોલાય સુંદરીદેવી (ગોલાય મા), મૃદની ચટ્ટોપાધ્યાય (ગૌરી મા) અને લક્ષ્મીમણિ દેવી (લક્ષ્મી દેવી દીદી) વગેરે એ દરેકની કથા અતિ પ્રેરક છે. પરંતુ, આપણે સીધા શ્રી શારદા દેવી પર આવીશું. તેઓ શ્રીરામકૃષ્ણનાં જીવન સહચરી, પ્રથમ શિષ્યા અને સાધ્વી, ત્રણેનું મિશ્રણ હતાં. વિશ્વની આદિ જનનીની કરુણાળુ આધ્યાત્મિક શક્તિના અને વિદ્યાની દેવી સરસ્વતીના રૂપે શ્રીરામકૃષ્ણ તેમને નિહાળતા. એથી જ તો પોતાના આખરી દિવસોમાં, પોતાના સાધુ તેમ જ સંસારી શિષ્યોની સંભાળ લેવાની જવાબદારી શ્રીરામકૃષ્ણે તેમની ઉપર ઢોળી હતી. એમની આધ્યાત્મિક શક્તિને પિછાણનાર સ્વામી વિવેકાનંદ પહેલા હતા અને તેમણે પોતાના ગુરુભાઈઓને ૧૮૯૪ જેટલું વહેલું લખ્યું હતું કે :

‘મેં નિશ્ચય કર્યો છે કે, પ્રથમ શ્રીમા માટે નિવાસ ઊભો કરવો. તમે-તમે કોઈયે- શ્રીમાના જીવનનું આશ્ચર્યકારક રહસ્ય સમજી શક્યા નથી પણ ધીમે ધીમે તમને જ્ઞાન થશે કે શક્તિ વિના જગતનો ઉદ્ધાર શક્ય નથી. ભારતમાં એ અદ્‌ભુત શક્તિની પુન: જાગૃતિ માટે શ્રીમાનો જન્મ થયો છે; અને એમને કેન્દ્રમાં રાખીને જગતમાં પુન: ગાર્ગીઓ અને મૈત્રેયીઓ અવતરશે… એટલે આપણે પ્રથમ શ્રીમા માટે મઠ બાંધવો જોઈએ. પહેલાં મા અને માની દીકરીઓ પછી પિતા, એના દીકરાઓ. તમે આ સમજો છો?’૨૦

સ્વામીજી ધારતા હતા કે, પ્રેરણાના કેન્દ્રબિંદુએ શ્રીમા રહીને, ગંગાને પૂર્વ કાંઠે એક મઠ સ્થાપી શકાશે. પુરુષોના મઠમાં બ્રહ્મચારીઓ અને સાધુઓને તાલીમ અપાશે તે રીતે, સ્ત્રીઓના મઠમાં બ્રહ્મચારિણીઓ અને સાધ્વીઓને તાલીમ આપવામાં આવશે. હિંદુ સમાજના સંકુચિતપણાના લઈને તે જ સમયે સ્ત્રીઓનો મઠ શરૂ કરવાનું શક્ય ન બન્યું. પરંતુ, શબ્દના સાદા અર્થમાં સ્વામીજીનું આ સ્વપ્ન સ્વપ્ન ન હતું; સમયના વહન સાથે પ્રગટ થાય તેવું, ભાવિ ઘટનાઓનું, ઋષિનું આર્ષદર્શન તે હતું. આજે પાછળ દૃષ્ટિ ફેંકતાં એમ સ્પષ્ટ લાગે છે કે દૈવી યોજના કામ કરી રહી હતી. શ્રીમાની જન્મ શતાબ્દી આવી ત્યારે સમય પાકી ગયો હતો. ને આમ, ૧૯૫૪ની બીજી ડિસેમ્બરે શ્રી શારદા મઠની સ્થાપના થઈ.

ભગિની નિવેદિતા, ભગિની ક્રિસ્ટાઈન, સુધીરા દેવી, યોગિન મા, ગોલાય મા, ગોપાલની મા અને સરલાદેવી સૌને વિધિએ શ્રી શારદાદેવી સમીપ રાખ્યાં હતાં. એમનું ઘર નાનો ધર્મસમાજ હતો ને ત્યાં, ભગિની નિવેદિતાએ સુંદર રીતે વર્ણવ્યા પ્રમાણે, ‘એમનું જીવન દીર્ઘ, પ્રશાંત પ્રાર્થના છે… ને તે છતાં, તેઓ સંગીતથી પૂર્ણ છે, વિનમ્રતાની, રમતિયાળપણાની મૂર્તિ જેવાં, અને જે ખંડમાં તે પૂજા કરે છે તે માધુર્યથી સભર છે.’ એમનામાં જે આધ્યાત્મિક શક્તિ હતી તે સંતની તાકાતથી અને ખાતરીથી વ્યક્ત થતી.

શ્રીમાનાં પોતાનાં જ શિષ્યા સરલા દેવી (પ્રવ્રાજિકા ભારતીપ્રાણા)ને આ મઠની જવાબદારી સોંપીને ગુરુપરંપરાને અહીં ચાલુ રાખવામાં આવી છે. ૧૯૨૬માં સ્વામી શારદાનંદે એમને તાંત્રિક સંન્યાસ આપ્યો હતો અને એમનું નામ ભારતી રાખવામાં આવ્યું હતું. ૧૯૫૯ સુધી તેમણે આ નામ ધારણ કર્યું હતું. તે સમયે, તેમને અને બીજી સાત બ્રહ્મચારિણીઓને રામકૃષ્ણ મઠ અને મિશનના સાતમા અધ્યક્ષ સ્વામી શંકરાનંદે વિધિપૂર્વક સંન્યાસદીક્ષા આપી હતી. ત્યાર પછીથી શારદા મઠની બ્રહ્મચારિણીઓને સંન્યાસદીક્ષા આપવાનું કાર્ય તેમણે કર્યું હતું.૨૧

હિંદુ, જૈન, બૌદ્ધ કે ખ્રિસ્તી કોઈ પણ સંન્યાસના આદર્શના ઇતિહાસમાં, આ જ એક એવો નારી સંઘ છે, જે ધર્મની અને વ્યવહારની તમામ બાબતોમાં પુરુષોના નિયંત્રણથી સ્વતંત્ર છે. સંન્યાસ આપતી વખતે બધી વૈદિક વિધિઓ વિરજા-હોમ, મુંડન, ભગવાં વસ્ત્રનું ગ્રહણ, નામાંતર વગેરે અનુસરવામાં આવે છે. અત્યાર સુધી નહીં વપરાયેલું નામાભિધાન, ‘પ્રવ્રાજિકા’ સંન્યાસિનીઓને આપવામાં આવે છે અને એમનાં સાધ્વી નામની પાછળ ‘પ્રાણા’ અનુગ લગાડવામાં આવે છે, જે અન્ય પંથોની સંન્યાસિનીઓથી એમને અલગ તારવે છે.૨૨

સ્વામીજીએ સાધુઓ માટે જે નિયમો ઘડેલા છે તેનું જ અનુકરણ શારદા મઠની સાધ્વીઓ કરે છે. શ્રી શારદા દેવીનું સરળ, શાંત જીવન અને તેને અનુસરીને, પ્રવ્રાજિકા ભારતીપ્રાણાના જીવને : મઠના અંતેવાસીઓની દિનચર્યાનો, ખાસ કરીને એમની આધ્યાત્મિક સાધના અને દૈનિક પૂજાપાઠનો સૂર બાંધી આપ્યો છે. ઉષકાળની પૂર્વે, ઠીક ઠીક સમય પહેલાંથી બધી સંન્યાસિનીઓ શાંતિથી જાગૃત થઈને પોતાનાં જપધ્યાનમાં લાગી જાય. પછી શાસ્ત્રાભ્યાસ અને વિવિધ સામૂહિક પ્રવૃત્તિઓમાં કાર્યરતતા સ્વાભાવિક ક્રમ તરીકે આવે છે. બપોરના આરામ પછી સામૂહિક કાર્યોનું ચક્ર શરૂ થાય છે. સાંજ થવા આવે છે, ફરીથી નીરવ શાંતિ સ્થપાઈ જાય છે અને દરેક સાધ્વી પોતાની આધ્યાત્મિક સાધનામાં મગ્ન થઈ જાય છે. ભારતના વિવિધ પ્રદેશોમાંથી અને પરદેશોમાંથી પણ આવેલી ખૂબ ભણેલી યુવતીઓ શ્રી શારદાદેવીના આ ધામમાં એક કુટુંબની માફક રહે છે તે અદ્‌ભુત છે.

આરંભમાં, બેલુડ મઠના ટ્રસ્ટીઓના માર્ગદર્શન હેઠળ બ્રહ્મચારિણીઓ આ મઠનું સંચાલન કરતી. પણ, ૧૯૫૯ના ઑગસ્ટથી શારદા મઠે સ્વતંત્ર દરજ્જો ભોગવ્યો છે અને રામકૃષ્ણ મઠના અધ્યક્ષ સ્વામી શંકરાનંદે કરેલા ટ્રસ્ટ ડીડ અનુસાર, સંન્યાસિનીઓ ટ્રસ્ટી બની છે. સ્વામીજીની ઈચ્છાનુસારની માનવસેવાની પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે ૧૮૬૦ના ૩૧મા કાયદા હેઠળ શ્રીરામકૃષ્ણ શારદા મિશનની નોંધણીના પાંચ ભાગ પાડી શકાય : શૈક્ષણિક કાર્ય, તબીબી સેવા, ગ્રામ-સુધારણા કાર્ય, જરૂરતમંદોને મદદ અને સાંસ્કૃતિક તથા આધ્યાત્મિક વિચારણાનો પ્રસાર. કલકત્તામાંનાં પોતાનાં નારીકેન્દ્રો શ્રીરામકૃષ્ણ મિશને ૧૯૬૧ના માર્ચમાં રામકૃષ્ણ શારદા મિશનને સોંપ્યાં અને ૧૯૬૮માં ત્રિચુર કેન્દ્રની સોંપણી શારદા મઠને કરી.

શ્રીરામકૃષ્ણ, શ્રી શારદાદેવી અને સ્વામી વિવેકાનંદના નેજા હેઠળ છેલ્લા ત્રણ દાયકાથી, શ્રી શારદા મઠ અને શ્રીરામકૃષ્ણ-શારદા મિશન દૃષ્ટાંતયોગ્ય પ્રવૃત્તિ કરી રહેલાં છે. એમનાં કેન્દ્રો સમગ્ર ભારતમાં પથરાયેલા છે. પાંચ કલકત્તા નગરમાં, ચાર પશ્ચિમ બંગાળના ગ્રામ વિસ્તારમાં, ત્રણ કેરળમાં, સંન્યાસિનીઓના એકાંતવાસ માટેનાં બે ઉત્તર પ્રદેશ અને અરુણાચલ પ્રદેશ, દિલ્હી, કર્ણાટક, મદ્રાસ, પુણે, ઓરિસ્સા અને(ઓસ્ટ્રેલિયામાં) સિડની, દરેક મુકામે એકેક કેન્દ્ર છે.

ભારત વર્ષના સાંસ્કૃતિક, ધાર્મિક અને આધ્યાત્મિક ઇતિહાસમાં, શારદા મઠની સ્થાપનાએ એક નવું અને અર્થપૂર્ણ પ્રકરણ ઉમેર્યું છે. દેખાવે નાનો એવો આ શારદા મઠ ઉપનિષદોના બોધના મર્મનો પ્રતીક છે અને વળી શ્રીરામકૃષ્ણ, શ્રી શારદા દેવી અને સ્વામી વિવેકાનંદે પ્રેરેલ મહાન આધ્યાત્મિક મોજાના ભાગરૂપ છે.

આ રીતે, સાધુ જીવનમાં મહિલાઓની પ્રગતિને દૂરગામી મહત્ત્વની ઘટના ગણી શકાય; વર્તમાનની લાક્ષણિકતાના અને ભાવિના આકારનો ઘાટ ઘડતાં પરિબળોની શૃંખલાની કડીરૂપ એ ઘટના છે.

ભાષાંતર : દુષ્યન્ત પંડ્યા

નોંધ અને સંદર્ભ-સૂચિ

૧૪. ‘ધ કમ્પેશનેટ બુદ્ધ’ પૃ. ૧૨૧.

૧૫. ‘લેટર્સ ઓફ સ્વામી વિવેકાનંદ’ (કલકત્તા અદ્વૈત આશ્રમ, ૧૯૮૧) પૃ. ૨૦૧.

૧૬. ‘કમ્પ્લીટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ’, ૮ ભાગ (કલકત્તા અદ્વૈત આશ્રમ, ૧૯૮૯) ૭ : ૯૩.

૧૭. ‘લેટર્સ ઓફ સ્વામી વિવેકાનંદ’ પૃ. ૧૬૮

૧૮. ‘કમ્પ્લીટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ’. ૫. પૃ. ર૬૦

૧૯ ‘લેટર્સ ઓફ સ્વામી વિવેકાનંદ’ પૃ. ૧૧૨

૨૦ એજન, પૃ. ૧૮૧

૨૧. ‘ભારતી પ્રાણાર સ્મૃતિકથા’ (બંગાળી), પ્રવ્રાજિકા ભારતીપ્રાણાની જીવનકથા ૧૯૮૮માં શારદા મઠે પ્રકાશિત કરી હતી. એનો અંગ્રેજી અનુવાદ તુરતમાં પ્રકાશિત થશે.

૨૨. પરંતુ, હવે ભારતમાં કેટલાયે સ્વતંત્ર આશ્રમો એ જ નામ અને એ જ અનુગ વાપરતા થયા છે જેથી, પ્રજામાં ગૂંચવણ ઊભી થાય છે.

Total Views: 179

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.