શ્રીરામકૃષ્ણદેવ મંદિર, બેલુડ મઠ

(મુખપૃષ્ઠ પરિચય)

પશ્ચિમી સંસ્કૃતિની નાગચૂડમાંથી ભારતને બચાવવા અને સનાતન ધર્મની પુન: સ્થાપના કરવા જ્યાં જન્મ લઈ, જે ભૂમિને શ્રીરામકૃષ્ણદેવે પાવન કરી, તે બંગાળમાં તેમની પવિત્ર સ્મૃતિમાં એક કાયમી સ્મારક રચાય, એવી સ્વામી વિવેકાનંદની તીવ્રતમ્ ઈચ્છા હતી. પણ આ માટેની જરૂરી નાણાકીય સહાય તેમને મળી શકી નહિ એટલે આ વિચાર તેમણે થોડા સમય માટે પડતો મૂક્યો. પણ તેમણે પોતાના ગુરુભાઈઓને લખેલા પત્રો એ સ્પષ્ટ દર્શાવે છે કે આ વિચારને પોતાના મનમાં તેમણે સતત ધોળ્યો હતો અને તેઓ કોઈ યોગ્ય ક્ષણની રાહ જોઈ રહ્યા હતા. ભારતમાં અને વિદેશોમાં તેમના પ્રવાસો દરમિયાન દેશવિદેશની વિવિધ સ્થાપત્યકલાઓનો તેઓ સતત અભ્યાસ કરતા રહ્યા હતા. તેઓ કહેતા કે “ભારતીય અને વિદેશી સ્થાપત્યકળામાં જે કંઈ ઉત્તમ છે, તેને હું એક જ નમૂનામાં ઉતારવા માગું છું.”

તેમની આ ઈચ્છા પૂર્ણ કરવા માટે તેમના અંગ્રેજ શિષ્યમિત્ર હેનરીટા મુલરે રૂ।. ૩૦,૦૦૦ આપ્યા. એ મદદથી, ભગવાન નારાયણ સિંઘ નામના એક બિહારી સજ્જન પાસેની બેલુર ગામમાં આવેલી ૭ એકર જમીનની ખરીદી ઈ.સ. ૧૮૯૮માં કરવામાં આવી. આ જમીન ઉપર મંદિર ઊભું કરવાનું ભગીરથ કાર્ય સ્વામી વિજ્ઞાનાનંદજીને સોંપવામાં આવ્યું, જેઓ પોતાના પૂર્વાશ્રમમાં ઈજનેર હતા. એક દિવસ, સ્વામી વિજ્ઞાનાનંદજી સાથે, આ નવી ખરીદેલ જમીન ઉપર ચાલતાં ચાલતાં સ્વામીજીએ ભવિષ્યના મંદિરની સ્થાપત્ય યોજના એવી રીતે રજૂ કરી કે જાણે તેઓ મંદિરને નજરે જોઈ રહ્યા ન હોય! વિજ્ઞાનાનંદજીએ આ મંદિરનો નકશો ત્રણ વખત દોર્યો અને આખરી નકશાને સ્વામીજીએ મંજૂર કર્યો.

પણ જમીનની ખરીદી અને મંદિરના ખાત-મુહૂર્ત વચ્ચેનો સમયગાળો ૩૦ વર્ષનો રહ્યો અને એ પછી બાંધકામ શરૂ થવામાં બીજાં ૬ વર્ષનો વિલંબ થયો. આ માટેનાં કારણો મુખ્યત્વે નાણાકીય જ હતાં. એ દરમિયાન સ્વામી વિવેકાનંદ, સ્વામી બ્રહ્માનંદ વગેરેએ મહાસમાધિ પણ લઈ લીધી. ફરીથી અમેરિકાના બે વેદાન્તનાં અભ્યાસુ શિષ્યો મિસ હેલ્વી રૂબલ અને મિસીસ અન્ના વોરસેસ્ટર મઠમાં આવ્યાં અને તેમણે મંદિર બાંધવા માટેનાં નાણાં આપ્યાં. મંદિર બાંધવા માટેનો કોન્ટ્રાક્ટ કલકત્તાની વિખ્યાત કંપની માર્ટિન બર્ન ઍન્ડ કું. ને આપ્યો અને તેમને ખાસ જણાવવામાં આવ્યું કે મંદિર માટેની સ્વામી વિવેકાનંદની ત્રણ મૂળભૂત સંકલ્પનાઓ (૧) ગર્ભદ્વારની ધુમ્મટાકારની રચના- (૨) ખ્રિસ્તી દેવળોમાં હોય છે તેવો પ્રાર્થનાખંડ અને (૩) ભારતીય ઢબનું સુશોભન – આ ત્રણમાં કોઈ ફેરફાર કરવામાં ન આવે.

જુલાઈ ૧૬, ૧૯૩૫ ના રોજ બાંધકામ શરૂ કરવામાં આવ્યું. પરંતુ કંપનીના ઈજનેરોની સલાહ મુજબ છ વર્ષ પહેલાં, ૧૩ માર્ચ, ૧૯૨૯ માં પૂજ્ય સ્વામી શિવાનંદજી મહારાજના હસ્તે જ્યાં ખાતમુહૂર્ત થયું હતું તે જગ્યાએથી ૧૦૦ ફૂટ દૂર એ ખાતમુહૂર્ત કરેલ પથ્થરને ખસેડી ત્યાં કામ શરૂ કરવામાં આવ્યું. એ દિવસે સાધુઓ, બ્રહ્મચારીઓ અને ભક્તોએ વિશેષ પૂજા કરી અને વિવિધ શાસ્ત્રો તેમજ શ્રીરામકૃષ્ણ કથામૃતમાંથી વાંચન કરવામાં આવ્યું.

૩૩,૦૦૦ ચોરસ ફૂટની જગ્યામાં આવેલ આ વિશાળ મંદિર ચુનાર પથ્થર, સફેદ આરસ, કાળા પથ્થર અને સિમેન્ટની મદદથી બાંધવામાં આવ્યું. પરંપરાગત મંદિરોમાં મુખ્ય ગર્ભગૃહ ચારે તરફ દીવાલોથી વીંટળાયેલું હોય છે અને તેમાં અંધારું હોય છે તેને બદલે, જ્યાં શ્રીરામકૃષ્ણદેવ બિરાજમાન છે એ ગર્ભગૃહ ખુલ્લું, હવાઉજાસ અને મોકળાશવાળું છે. શ્રીરામકૃષ્ણદેવના સંપૂર્ણ ત્યાગના આદર્શને નજર સમક્ષ રાખીને તેમાં કોઈ સુશોભન કરવામાં આવતું નથી. સામાન્ય રીતે પરંપરાગત હિંદુ મંદિરોમાં ગર્ભગૃહને, પ્રાર્થનાખંડ સાથે જોડવામાં આવતું નથી. પણ અહીં, આ બંનેને ખ્રિસ્તી દેવળોમાં હોય છે તેમ જોડવામાં આવ્યાં છે. ગર્ભગૃહની ઉપર રાજસ્થાની શૈલીના નવગુંબજો છે. મધ્યસ્થ ગુંબજ, પુરીના જગન્નાથ મંદિરને મળતો આવે છે. તેની ઉપર સોનાનો ઢોળ ચડાવેલ ધાતુનો કુંભ છે અને તેની અંદરથી પ્રોજ્જવલ પ્રકાશ બહાર નીકળે છે. મધ્યસ્થ ગુંબજની નીચેના કોણીય ગુંબજો બંગાળનાં ગામડાઓનાં ઘરોની ઉપર વપરાતી પરાળની છતને મળતાં આવે છે. આવું જ એક ગામડું-કામારપુકુર શ્રીરામકૃષ્ણદેવની જન્મભૂમિ છે.

મંદિરના સુશોભનની જવાબદારી નંદલાલ બોઝને આપવામાં આવી. ગર્ભગૃહની પરિક્રમા કરવાના રસ્તાની કમાનો ઉપર નવ ગ્રહોના દેવો દર્શાવવામાં આવ્યા છે. લંબચોરસ યજ્ઞવેદી, કે જેના ઉપર પૂર્ણવિકસિત કમળ છે તે પણ નંદલાલ બોઝની જ ડીઝાઈન છે. આ કમળની ઉપર સફેદ ઈટાલિયન આરસમાંથી બનાવેલ શ્રીરામકૃષ્ણદેવની પ્રતિમા છે. આ પ્રતિમા કામુરટુલીના પ્રખ્યાત શિલ્પી ગોપેશ્વર પાલે બનાવેલી છે. વેદીના ઉપરની છતમાં સાદો લાકડાનો ‘ઑમ્‌કાર’ રાખેલો છે.

પ્રાર્થનાખંડની રચનાને વર્ણવતાં ‘હિસ્ટરી ઑફ રામકૃષ્ણ મઠ ઍન્ડ મિશન’ પુસ્તકમાં સ્વામી ગંભીરાનંદજી મહારાજ લખે છે: ‘દક્ષિણમાંથી પ્રવેશ કરતાં જ બૌદ્ધ શૈલીનો આગળનો ભાગ દૃષ્ટિગોચર થાય છે. ઉપર દક્ષિણનાં મંદિરોના ગોપુરને મળતી આવતી રચના, એક સ્તરની ઉપર ગોઠવાયેલ બીજું સ્તર, આવી રચના જોવા મળે છે. અંદર જતાં જ વિશાળ પ્રાર્થનાખંડ, ગર્ભગૃહ અને આ બંનેની આસપાસના રસ્તા ઉપરથી ઝરૂખો દેખાય છે. અને આ બધું કાર્લાની ગુફાની યાદ અપાવે છે. પ્રાર્થનાખંડની બારીઓ અને ગર્ભગૃહની આસપાસની કમાનો રજપૂત અને મોગલ શૈલીના સ્થાપત્યને મળતી આવે છે. પ્રાર્થનાખંડ અને તેની આગળ રહેલું ગર્ભગૃહ, ખ્રિસ્તી ક્રોસ જેવું લાગે છે.

મુખ્ય પ્રવેશદ્વારે સ્તંભો વડે આધારિત મુખ્ય વિશાળ કમાન છે, તેની ઉપર એક નાની કમાન આવેલી છે અને તેની ઉપર એક શિવલિંગ મૂકેલું છે. આ કમાનની બે બાજુ બે હાથીઓ છે. સ્તંભોની ઉપરની બાજુ બે ચર્મપત્રના આકારના કાગળના વીંટા જેવી આકારની રચનાઓ બંને તરફ છે, જે શ્રીરામકૃષ્ણ ઉપનિષદને દર્શાવે છે. કમાનની વચ્ચે રામકૃષ્ણ સંઘનું પ્રતીક છે. પૂર્વ અને પશ્ચિમ તરફના પ્રવેશદ્વારની ઉપર અનુક્રમે ગણેશ અને મહાવીરની મૂર્તિઓ મૂક્વામાં આવેલી છે.

મૂળભૂત રીતે હિંદુ મંદિર હોવા છતાં, મંદિરનું સ્થાપત્ય શ્રી રામકૃષ્ણના ધર્મ પ્રત્યેના દૃષ્ટિકોણનો પડધો પાડે છે. મંદિરનો બહાર નીકળતો ભાગ, બંગાળી હિંદુ મંદિરની યાદ અપાવે છે, એકબીજા સાથે જોડાયેલા ગર્ભગૃહ અને પ્રાર્થનાખંડ ખ્રિસ્તી દેવળોની યાદ અપાવે છે. જ્યારે દક્ષિણ તરફનું પ્રવેશદ્વાર આપણને બૌદ્ધ કાર્લા અને અજંટાની ગુફાઓની યાદ અપાવે છે. ગુંબજો મુસ્લિમ મસ્જિદોને મળતા આવે છે. આમ શ્રીરામકૃષ્ણદેવનું મંદિર સર્વધર્મોના લોકો માટે અને લોકો દ્વારા કરાતી પ્રાર્થના તેમજ પૂજાનું પવિત્ર સ્થાન છે.

Total Views: 249

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.