અલમોડા,
૧૦મી જૂન, ૧૮૯૮
વહાલા મિત્ર,
આપના પત્રની હું ખૂબ કદર કરું છું અને આપણી માતૃભૂમિ માટે ઈશ્વર નીરવપણે અદ્ભુત તૈયારીઓ કરી રહ્યો છે તે જાણીને અત્યંત હર્ષ પામું છું. આપણે તેને વેદાંતવાદ કહીએ કે બીજો ગમે તે ‘વાદ’ કહીએ, પણ સાચું એ છે કે અદ્વૈતવાદ એ ધર્મ અને તત્ત્વજ્ઞાનની અંતિમ મંજિલ છે.અને ત્યાં પહોંચીને માણસ સર્વ ધર્મો અને સંપ્રદાયોને પ્રેમભાવપૂર્વક જોઈ શકે. અમે માનીએ છીએ કે ભવિષ્યની સુશિક્ષિત માનવજાતનો ધર્મ એ જ છે. અદ્વૈત સિદ્ધાંતે બીજી પ્રજાઓ કરતાં પહેલાં પહોંચવાનો યશ હિંદુઓને મળે છે, કેમ કે યહૂદીઓ કે આરબો કરતાં પણ આ પ્રજા પ્રાચીન છે. તેમ છતાં ‘આત્મવત્ સર્વભૂતેષુ’માં માનવાનો અને આચરવાનો વ્યાવહારિક અદ્વૈતવાદ હિંદુઓમાં વિશ્વવ્યાપક રીતે વિકસાવાનો હજી બાકી છે.
બીજી બાજુએ, આપણો અનુભવ એવો છે કે જે સમાનતાના સિદ્ધાંતને હિંદુઓ એક નિયમ તરીકે સાવ સ્પષ્ટતાથી સમજે છે, તેના ઊંડા અર્થથી ભલે સામાન્ય રીતે તદ્દન અજાણ હોય, તો પણ આ સમાનતાને વ્યાવહારિક રોજિંદા જીવનમાં વર્તનમાં ઉતારવાની ભૂમિકાએ જો કોઈ પણ ધર્મના અનુયાયીઓ વખાણવા યોગ્ય હદે કદીયે પહોંચી શકયા હોય તો તે કેવળ ઈસ્લામના અને ઈસ્લામના જ છે.
તેથી અમારો દૃઢ મત છે કે વેદાન્તના સિદ્ધાંતો ગમે તેવા સુંદર અને અદ્ભુત હોય તો પણ વ્યાવહારિક ઈસ્લામ ધર્મની સહાય વિના, વિશાળ માનવજાત માટે તે તદ્દન-મૂલ્યહીન છે. જયાં વેદો નથી, બાઈબલ નથી કે કુરાન નથી તેવાં સૌથી પર એવાં સ્થાને અમારે માનવજાતને દોરી જવી છે; અને છતાં વેદો, બાઈબલ અને કુરાન વચ્ચે સંવાદિતા સાધીને જ આ સિદ્ધ કરવાનું છે. માનવજાતને એ શીખવવું જોઈએ કે જુદા જુદા ધર્મો એ એક મહાધર્મ-અદ્વૈતનાં માત્ર વિવિધ સ્વરૂપો છે; કે જેથી જેને જે માર્ગ સૌથી અનુકૂળ લાગે તે અપનાવે.
આપણી માતૃભૂમિને માટે તો એક આશા છે : હિન્દુ ધર્મ અને ઈસ્લામ ધર્મ જેવા બે મહાન ધર્મોનો સંગમ-વેદાંતી બુદ્ધિ અને ઈસ્લામી શરીર.
આ અંધાધૂધી અને અને ઝઘડામાંથી, વેદાંતી બુદ્ધિ અને ઈસ્લામી શરીરયુકત, મહિમાવંત અનેઅજેય ભારતને પ્રગટતું હું માનસચક્ષુ વડે જોઈ રહ્યો છું.
માનવજાતની, અને ખાસ કરીને આપણી અત્યંત ગરીબ માતૃભૂમિની સહાય માટે ઈશ્વર તમને નિમિત્ત બનાવે તેવી હરહંમેશ મારી પ્રાર્થના છે
ભવદીય,
વિવેકાનંદ
(સ્વામી વિવેકાનંદના પત્રો (સંચયન) શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ. પૃ. ૧૨૮ – ૧૨૯)
Your Content Goes Here