(1)

[બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી હતા.]

પૃથ્વી ઉપર મનુષ્યનો ઉદ્ભવ થયો ત્યારથી દુ:ખ તેની સાથે જ છે. આજે પણ તે બધાની સાથે છે. કેટલીક વખત આપણને શરૂઆતમાં ન ગમતી ચીજ લાંબા સહવાસથી ગમતી થઈ જાય છે, પરંતુ માણસનું દુ:ખ તરફનું વલણ ફેરફાર વગરનું રહેલું છે. જૂના કાળમાં દુ:ખને માણસ ધિકકારતો હતો તેટલો જ આજે પણ ધિકકારે છે. દુ:ખને દૂર કરવા તે ગમે તે ઉપાય કરવા તૈયાર થશે. દુ:ખની નિવૃત્તિ માટે જગતની ઉત્પત્તિથી અત્યાર સુધીમાં તેણે ઘણા-ઘણા પ્રયત્નો કર્યા છે. વિજ્ઞાન, કળા અને તત્ત્વજ્ઞાનના વિકાસની પાછળ પણ માણસની દુ:ખ નિવૃત્તિની શોધની કથા છે. ધાર્મિક ક્રિયાકાંડ પાછળ પણ આવી જ કથાઓ છે. ગુનાખોરી અને આપઘાત પાછળ પણ કોઈ સ્ત્રી કે પુરુષની નિરાશામાંથી દુ:ખ નિવૃત્તિની શોધ કથા જ હોય છે. જે લોકો દારૂ અગર બીજા કેફી પીણાની લતે ચઢે છે તેમાં પણ દુ:ખમાંથી છૂટવા માટેનો માર્ગ ખોળવાપણું છે.

આ માણસે જાતે પોતાને અને પોતાના પાડોશીને દુ:ખ મુકત કરવા માટે જ કેટલાંય દુ:ખો જન્માવ્યાં છે અને તેમ છતાં પરિણામ શું? દુ:ખ મુકિતના ઉપાય શોધવામાં એ સફળ થયો છે?

આ પ્રશ્નનો જવાબ “ના” અને “હા” બન્ને હોઈ શકે.

આટલા બધા પ્રયત્નો છતાં માણસ દુ:ખથી મુક્ત થવામાં સફળ થયો નથી તે જીવનનું એક સત્ય તેને છેવટે સમજાય છે.

દિવસને અંતે જેમ રાત્રી નકકી જ છે તેવી જ રીતે જીવનમાં દુ:ખ અને મૃત્યુ નકકી જ છે. પૃથ્વી પર જયાં સુધી જીવન છે ત્યાં સુધી દુ:ખ રહેવાનું જ. દુ:ખની વાસ્તવિકતાનો નાશ માણસ નથી કરી શકતો અને તેને માટે એને કંઈ રસ્તો બતાવવામાં આવ્યો નથી. (It is not given to him to do so).

તેમ છતાં અંગત દુ:ખ દૂર કરવાની રીતો શોધવામાં માણસ સફળ થયો છે અને આ શોધ આશાજનક અને મદદરૂપ છે અને આ શોધ દરેક બુદ્ધિશાળી માણસે જીવન આનંદદાયક બનાવવા માટે જાણવી જરૂરી છે.

તેથી હા-ના નો જવાબ દુ:ખ નિવૃત્તિ માટે જ ઉપર આપ્યો તે કદાચ આ પ્રમાણે સમજી શકાય. સંસારમાં કાંટા હંમેશા છે. પરંતુ તે કાંટા આપણને વાગે નહીં તે માટે સાવચેત રહેવું અગર તો જો કાંટો વાગે તો બીજો એક કાંટો લાવી પહેલા કાંટાને કાઢી નાખવો અને ત્યાર બાદ બન્ને ફેંકી દેવા અને વાગેલા કાંટાથી દુ:ખ મુક્ત થવું.

(૨)

સ્વાભાવિક રીતે જ દુ:ખ એ જીવનનો મૂળભૂત પ્રશ્ન છે. તેથી તેના ઉકેલ માટે પણ મૂળભૂત કુદરતી ઈલાજ યોજવા જોઈએ.

પ્રથમ તો આપણે બધાએ એ વાત યાદ રાખવાની છે કે આપણાં ઘણાં બધાં દુ:ખોને માટે આપણે પોતે જવાબદાર છીએ અને તેથી તેના નિવારણની યોજના આપણે જ કરવી પડશે.

આપણે સ્પષ્ટપણે સમજી લેવાની જરૂર છે કે, જીવનનાં બધાં જ સ્તરોમાં દુ:ખ આવેલું છે. તમે તમને ગમે તે ક્ષેત્રે અને ગમતી પરિસ્થિતિમાં જ રહેવાનું પસંદ હશે અને તેનો જ આગ્રહ રાખો તો તમારા દુ:ખનો અંત શક્ય નથી.

દાખલા તરીકે, તમે એક કાંટા ઉપર તમારી આંગળી દબાવો છો અને ત્યાંથી ઉપાડવાની ના પાડો છો. પરિણામે લોહી નીકળે છે અને તમે રડો છો. ઊંટ કાંટાવાળી ડાળીઓ ખાવાનું પસંદ કરે છે અને જેમ તે વધારે ખાય છે તેમ તેના મોંઢામાંથી વધારે લોહી નીકળે છે, છતાં ખાવાનું તે છોડતો નથી. આવી પરિસ્થિતિમાં તમારે તમારું મન બદલવું જોઈએ. તેમાં બીજો કોઈ મદદ કરી શકે નહિ.

એક એવી પણ પરિસ્થિતિનું ક્ષેત્ર છે કે જયાં તમે વિચાર કરો છો અગર કંઈ વર્તન કરો છો-કે તમે શરીર અને મન છો; અથવા તો તમે સદા યુવાન રહેશો અને વૃદ્ધાવસ્થા તમને આવવાની નથી-કે પછી તમોને કોઈ રોગ થવાનો નથી-કે મૃત્યુ તમારી પાસે અને તમારા કુટુંબ પાસે આવવાનું નથી-કે તમે જે બધું ભેગું કરો છો, તે સદાકાળ તમારી સાથે રહેશે. આ પરિસ્થિતિએ પણ તમે તમારા દુ:ખનું નિવારણ નહિ કરી શકો. કારણ કે, તમારી આ બધી આશાઓ ખોટી છે અને ખોટી સાબિત થવાની છે અને તે આશાઓ જ વહેલી કે મોડી દુ:ખ લાવશે.

એક એવી પરિસ્થિતિયે છે કે જયારે તમે વિચારો છો કે, તમે કોઈ ચાલાકીથી અથવા વધુ શ્રમ કરીને તમે ખોટાં કર્મોના ફળને અટકાવી શકશો. પરંતુ આ પરિસ્થિતિએ પણ તમે દુ:ખ-મુકિત નહિ લાવી શકો. પ્રકૃતિના કાયદાને છેતરી શકશો નહિ.

શા માટે આપણે વર્તમાન સ્થિતિમાં જ દુ:ખનો અંત લાવવાની આશા ન રાખીએ? કારણ કે, જીવનનો અર્થ જૂઠો સહયોગ, જૂઠી આકાંક્ષાઓ અને આપણા સર્વેમાં રહેલું અજ્ઞાન જ છે. એટલે આપણે વસ્તુના સ્વભાવનું સાચું દર્શન કરીએ. જીવનની વાસ્તવિકતાનો સ્વીકાર કરીએ, જૂઠા ભયો અને જૂઠી આકાંક્ષાઓનો ત્યાગ કરીએ અને એ રીતે અંગત દુ:ખો દૂર કરવા માટે આપણી જાતને તૈયાર કરીએ.

જો તમો વધારે પડતો અયોગ્ય ખોરાક ખાશો, તો તમને જરૂર બેચેની લાગશે. સારું તો એ હોય કે આવો ખોરાક ખાવો જ નહિ.

(3)

આ આપણા અસ્તિત્વનું સ્તર ઊંચું લઈ જવા માટેના ઉપાય તરીકે કંઈક શુદ્ધ “ખોરાક”ની જરૂર છે કે જેથી દુ:ખોનું નિવારણ કરી શકાય. અને તે માટે આપણે જે મહાન અને કરુણાવંત પુરુષોએ શાસ્ત્રો લખ્યાં છે, તે શાસ્ત્રો તરફ તથા જેમણે તે લખ્યાં છે તેમના જીવન તરફ વળવાની જરૂર છે. જે ગુરુઓની વાતો પ્રમાણભૂત ન હોય, અગર જેનાં લખાણ માટે શંકા-કુશંકાઓ ઊભી થઈ હોય, તેમના તરફ વળવાનો કોઈ અર્થ નથી.

એ રીતો જ વિશ્વાસપાત્ર ગણાય છે કે જે સમયના વહેવા સાથે અને સેંકડો વર્ષો વીત્યાં છતાં સત્ય અને મદદરૂપ સાબિત થઈ હોય.

આપણી ભારતીય વિચારધારાને જ વળગી રહીને આપણે જોઈએ કે, અંગત દુ:ખોનો અંત કેવી રીતે આણી શકાય? ભારતીય પ્રજ્ઞાનું ખરું સત્ય ઉપનિષદોમાં છે. આધ્યાત્મિક દૃષ્ટિએ જોતાં જીવનના મૂળભૂત પ્રશ્નોનો જવાબ તેમાંથી મળી રહે છે.

દુ:ખ મુક્તિના આ વિષયની ગુરુચાવી રૂપે એક ઉપનિષદ (શ્વેતાશ્વતર ઉપનિષદ) કહે છે કે, “પરમાત્માના જ્ઞાન સિવાય મનુષ્ય દુ:ખ મુક્ત ત્યારે જ થશે કે જયારે આખા બ્રહ્માંડને ગડીવાળીને બગલમાં રાખે.” પરમતત્વના સાક્ષાત્કાર સિવાય દુ:ખ મુક્તિનો ઉપાય મિથ્યા છે.

આપણી શોધનો-દુ:ખ-મુકત કેમ થવું, તેનો સચોટ અને પૂરો જવાબ અહીં આપણને મળે છે, બ્રહ્માંડને ગડીવાળીને બગલમાં રાખવું અશકય છે, તેમ પરમ ચૈતન્યના જ્ઞાન સિવાય દુ:ખ મુક્ત થવું પણ અશક્ય છે.

આ કથનનો અર્થ બે રીતે સમજી શકાય : (૧) જેણે પરમાત્માને જાણ્યા છે, તેનાં બધાં દુ:ખનો અંત આવી ગયો છે. (૨) જેણે પરમાત્માને જાણવા માટેની રીતો અને તેની શિસ્તનું આચરણ કરવાનો રસ્તો લીધો છે, તે દુ:ખ દૂર કરવાના રસ્તા ઉપર જઈ રહ્યો છે.

બીજા બધા રસ્તા દુ:ખના મૂળને નાશ કર્યા સિવાય તેની કાતીલતા ઓછી કરવા વાળા છે. તે બધા દુ:ખના એકાદ જલદ હુમલા સામે ટકી શકે તેમ નથી.

વળી ફરી એકવાર ઉપનિષદ તેની તે જ વાત હકારાત્મક રીતે કહે છે: ‘એક જે સર્વોપરી સત્તા છે, તે દરેકની ભીતર રહેલી છે. તે પોતાનાં ઘણાં સ્વરૂપોમાં જણાય છે. જે સુજ્ઞ મનુષ્યો તેને પોતાની અંદર જોઈ શકે, તેઓને અનંત સુખ પ્રાપ્ત થાય છે. બીજાને નહિ.’ (કઠોપનિષદ ૨-૨-૧૨)

બીજા શબ્દોમાં કહીએ તો તે પરમ ચૈતન્યને જેઓ પોતાની અંદર જોઈ શકે છે, તે પોતાનાં દુ:ખોનો અંત આણી શકે છે. ‘નાશવંત વસ્તુઓમાં તે એક અનંત અને પરમ સત્ય છે અને તે સભાન તત્ત્વોમાં તે સાચી જાગૃત ચેતના છે. તે અદ્‌ભુત છે, છતાં બધાની ઇચ્છાઓ તૃપ્ત કરે છે. સુજ્ઞ મનુષ્યને જ અનંત શાંતિ પ્રાપ્ત થાય છે, બીજાને નહિ.’ (કઠોપનિષદ ૨-૨-૧૩).

અને આ અનંત શાંતિ ત્યારે જ આવશે કે જયારે બધાં જ દુ:ખ દૂર થયાં હશે.

વળી, તે જ ઉપનિષદ બીજા એક શ્લોકમાં કહે છે: “અણુ કરતાં પણ નાનો અને બ્રહ્માંડ કરતાં પણ મોટો એવો આત્મા દરેક જીવંત પ્રાણીમાં રહેલો છે. જેને કોઈ તૃષ્ણા નથી. તે સ્વને જોઈ શકે છે, અને તે મન અને ઇન્દ્રિયોની શાંતિ દ્વારા દુ:ખમાંથી મુક્ત થાય છે.” (કઠોપનિષદ ૧-૨-૨૦)

મનુષ્યની પ્રજ્ઞા અને આધ્યાત્મિક દૃષ્ટિ આનાથી આગળ ગઈ નથી. અને દુ:ખ કેમ દૂર કરવું તેનો આ સંપૂર્ણ જવાબ છે.

આ સત્યનો વિરોધ થઈ શકે તેમ નથી કારણ કે તે નિર્ભેળ સત્ય છે. પાછળના વિચારકોએ અલબત્ત આ સત્યને ધાર્મિક અને મૌવૈજ્ઞાનિક રીતે લંબાણ પૂર્વક સમજાવવા પ્રયત્ન કર્યો છે. પરંતુ તે સર્વનો છેવટનો જવાબ આ છે: “આત્માને ઓળખો, અને દુ:ખનો નાશ કરો.” “પરમાત્મા સંબંધી જ્ઞાન તમને દરેક દુ:ખમાંથી મુકિત આપશે.”

આવાં સત્યોનું સ્પષ્ટ દર્શન કરાવનારાઓમાંના શ્રીકૃષ્ણ ભગવદ્ગીતામાં આ બાબત ઘણી વખત સીધી રીતે તેમજ આડકતરી રીતે ચર્ચે છે, અને તેમાં દુ:ખ દૂર કરવાનો માર્ગ બતાવે છે. તેમનાં કેટલાંક કથનો આપણા આ પ્રશ્નોનો સ્પષ્ટ જવાબ આપે છે, અને કેટલાંક આડકતરી રીતે આપે છે. આપણે તેમાંના કેટલાક જવાબો જોવાનો પ્રયત્ન કરીએ.

એક અગત્યની ચેતવણી આપતાં શ્રીકૃષ્ણ કહે છે: “હે કુંતીપુત્ર, વિષયજન્મભોગોથી દુ:ખની જ ઉત્પત્તિ થાય છે. તેને આદિ છે અને અંત પણ છે એટલે ડાહ્યા માણસો એમાં આનંદ માનતા નથી.” (ગીતા ૫-૨૨)

ત્યારબાદ એક વધારે સ્પષ્ટ કથનથી દુ:ખ નાશનું સાધન બતાવે છે:

“યોગ સઘળાં દુ:ખોને દૂર કરે છે.” (ગીતા ૬-૧૭) આ વાત વિગતે સમજાવતાં તેઓ કહે છે: જેમાં એકાગ્રતાની તાલીમને લીધે મન શાંત પડયું રહે છે, આત્માને આત્માથી ઓળખવામાં આવે છે, જયાં પોતે પોતાનામાં મસ્ત છે અને જયાં ઇન્દ્રિયોની પકડની બહાર રહેલા અક્ષય આનંદને સમજણથી જ અનુભવાય છે અને તે આનંદનો એકવાર સ્પર્શ થયા બાદ તેનો અનુભવ ખોવાતો નથી, અને જેને આ પ્રાપ્ત થાય છે તેને બીજું કાંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી, અને તે સ્થપાયા બાદ મોટામાં મોટા દુ:ખથી પણ તેમાંથી ચલિત થવાતું નથી- તેનું નામ યોગ છે, તે કઠિન છે. બહુજ ખંત અને મજબૂત મનથી તેનું પાલન કરવું જરૂરી છે.” (ગીતા ૬/૨૦ થી ૨૩)

શ્રીકૃષ્ણ ફરી કહે છે કે, યોગ એટલે સંપૂર્ણ શાંતિ, ચતુરાઈભર્યું એ કામ છે. સંયમી અને સમતુલિત જીવન છે. શ્રીકૃષ્ણ તેને જ યોગ કહે છે કારણકે તે મનુષ્યના મનને પરમાત્મા સાથે જોડે છે. એના અનુસંધાનમાં શ્રીકૃષ્ણ કહે છે કે, (૧) એ સ્થિતપ્રજ્ઞ (Man of steady wisdom) પોતાનાં બધાં દુ:ખોનો નાશ કરી શકે છે. આવો સ્થિતપજ્ઞ દ્વન્દ્વ ભાવથી મુંઝાતો નથી.

(૨) એ ગુણાતીત બને છે. એટલે કે, વિશ્વમાં જે અસાધારણ બનાવો બની રહ્યા છે, તેનાથી અલિપ્ત રહે છે. તે પોતાનાં દુ:ખોનો નાશ કરી શકે છે.

(૩) જે જાણે છે કે, પરમાત્મા સર્વેનો મિત્ર છે અને પોતાનો બધો વ્યવહાર આ સત્યને કેન્દ્રમાં રાખીને કરે છે, તે પોતાનાં દુ:ખોનો નાશ કરે છે.

(૪) નિરંતર દુ:ખોની અંદર રહીને પણ જે પરમાત્માની પૂર્ણ ભકિતથી પ્રાર્થના કરે છે તે પોતાનાં દુ:ખોનો નાશ કરે છે.

(૫) બધા શક્ય રસ્તાઓએ પોતાનું જીવન પ્રભુને સમર્પણ કરતો જે માયાને તરી જાય છે, તે પોતાનાં દુ:ખોનો નાશ કરે છે.

(૬) જે દૃઢ સંયમી હોય છે અને કોઈને ધિક્કારતો નથી અને જેને કોઈ તૃષ્ણા નથી અને બધાં કેન્દ્રોથી પર છે, તે પોતાનાં દુ:ખોનો નાશ કરે છે.

શ્રીકૃષ્ણની વાણી આગળ કહે છે કે “જે દુ:ખથી અશાંત થતો નથી, જે સુખને માટે તલસતો નથી, જે રાગ, ભય અને ક્રોધથી પર છે, તે પોતાનાં દુ:ખોનો નાશ કરી શકે છે.”

આ અને આવાં અનેક વચનોથી અગાધ શિક્ષણ આપ્યા બાદ શ્રીકૃષ્ણ એક બહુજ સહેલો ઉપાય સૂચવે છે: “સામાન્ય મનુષ્ય જાત માટે પ્રભુને સર્વ સમર્પણ એ અનંત શાંતિ અને સર્વ દુ:ખોના નિવારણ માટેનો એક માત્ર ઉપાય છે.”

ઉપરના પ્રમાણભૂત સૂચનો કોઈ પણ વ્યકિત ગમે તે વખતે અને જગતના કોઈપણ ભાગમાં, જો વર્તનમાં મૂકે, તો છેવટે તો પોતાનાં દુ:ખોનો નાશ કરી શકે છે. એમાં કોઈ શંકા નથી.

(૪)

અત્યાર સુધી આપણે દુ:ખના મૂળભૂત પ્રશ્નોના ઉકેલ માટે ચર્ચા કરી, પરંતુ આપણાંમાંના ઘણાને આ ઉકેલ માફક નહિ આવે. આવો ઉકેલ કદાચ આપણે એક કાને સાંભળી બીજે કાને કાઢી નાખીશું અથવા તો આપણા પ્રતિકૂળ સંજોગોને લીધે આપણે એ બતાવેલી શિસ્ત અને નિયમો પાળી શકીશું નહિ.

તેમ છતાં આ દુ:ખનો એક મૂળભૂત પ્રશ્ન હોઈ આપણા જીવન સાથે જડાયેલો છે. એટલે આપણે નિદાન, આપણા પૂરતાં તે દુ:ખ દૂર થાય તો પણ જેમ બને તેમ ઓછાં કરી જીવન જીવવા જેવું બનાવવું જોઈએ, કે જેથી આપણે જગતના રોજબરોજના વ્યવહારમાં ડહાપણ, ઉત્સાહ અને સંપૂર્ણ આનંદથી ભાગ લઈ શકીએ. તોપણ આ રીતે દુ:ખનો સાપેક્ષ ઉપાય શોધતી વખતે એ યાદ રાખવું જરૂરી બનશે કે, આપણાં પ્રમાણભૂત શાસ્ત્રો અને સંતોએ જે ઉકેલ સૂચવ્યા છે તેને ધ્યાનમાં રાખીને આગળ ચાલવું.

હવે આપણે આપણાં દુ:ખો, કે જેમાં આપણામાંના ઘણા ખરા સપડાયેલા છે તેનો, તેને ઓછા કરવાના વહેવારુપણાનો વિચાર કરીએ.

મુખ્ય મુદ્દાની વાત એ છે કે, આપણાં દુ:ખો બાબત આપણું વલણ બરાબર હોવું જોઈએ. આવું વલણ કેળવવા માટે આપણે શું કરીશું?

(૧) આપણે સમજવું જોઈએ કે, જગતમાં આપણે એકલા જ દુ:ખી નથી. જગતમાં જે દુઃખ છે તેનો અંશ જ આપણે ભાગે આવ્યો છે અને આપણાં દુ:ખનો કેટલોય ભાગ બીજાં પ્રાણીઓને ભાગે ગયો છે.

(૨) આપણે આપણા મનને એવી રીતે કેળવવું જોઈએ કે, આવેલાં દુ:ખનો વિવેક અને વિનયથી એ સ્વીકાર કરે, ધિકકાર, વિરોધ અને ચિડિયાપણાના વલણને બદલે મિત્રતાભર્યું અને બહાદુરીભર્યું વલણ દુ:ખો તરફ બતાવવું જોઈએ.

(૩) આપણે દુ:ખોની અતિશયોકિત કરવી ન જોઈએ. કદાચ એમ પણ બનતું હોય કે આપણે ધારતા હોઈએ તેટલું દુ:ખ ન પણ હોય. ભૂતકાળનાં દુ:ખ સાથે વર્તમાન દુ:ખને ઉમેરવાની વૃત્તિને લીધે દુ:ખો બેવડાશે. તદુપરાંત ભવિષ્યમાં આવનાર આપણી કલ્પનાનાં દુ:ખોનો ઉમેરો ન કરવો જોઈએ. એમ પણ બને કે, આપણે કલ્પેલાં દુ:ખ ભવિષ્યમાં ન પણ આવે. હંમેશાં યાદ રાખો કે, આપણા કરતાં પણ વધારે દુ:ખી માણસો છે.

(૪) આવનાર દુ:ખ માટે તૈયાર પણ રહેવું જોઈએ. (એ દુ:ખ માત્ર કલ્પિત ન હોવાં જોઈએ) કે જેથી ઊંઘતા ઝડપાઈ ગયા જેવું ન થાય. દુ:ખથી ભાગી છૂટવાની વૃત્તિ ન હોવી જોઈએ. સ્વામી વિવેકાનંદ હંમેશાં કહેતા : “એ રાક્ષસનો સામનો કરો.”

(૫) આપણી સહનશક્તિ વધારવી જોઈએ. આપણામાં જે અગાધ શકિત રહેલી છે, તેની આપણને બહુ થોડી ખબર છે. આપણે જે દુ:ખ માટે ફરિયાદ કરીએ છીએ, તેનો આપણામાં રહેલી શકિત પાસે કોઈ હિસાબ નથી. તેમ છતાં તે શકિતને વધારેને વધારે ઓળખવી જોઈએ અને તેનો સુંદર ઉપાય પ્રાર્થના છે.

(૬) આત્મા એ શરીર અને મનથી જુદો છે, એ સમજણ વધારવી. જો કે આ કામ ઘણું અઘરું છે, પણ બધા જ આધ્યાત્મિક ગુરુઓ એ જ ઉપદેશ આપે છે. ઘણું કરીને અસાધ્ય રોગો સિવાયનાં બધાં જ દુ:ખો વહેલાં કે મોડાં જવાનાં જ છે અને અત્યારે જે છે, તેમાંનું એક પણ દુ:ખ આત્માને સ્પર્શતું નથી.

(૭) બીજાનાં દુ:ખો તરફ સહાનુભૂતિ બતાવીએ; અને એ રીતે પણ તેમને મદદરૂપ થઈએ. આમ કરવાથી આપણાં દુ:ખોની તીવ્રતા સ્વાભાવિક રીતે ઓછી કરી શકીશું.

(ક્રમશ:)

ભાષાંતર : શ્રી ગણપતરાય . વ્યાસ

(‘પ્રબુદ્ધ ભારત’ નવે. ડિસે. ૧૯૭૬માંથી સાભાર )

Total Views: 125
By Published On: May 1, 1992Categories: Budhananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram