જર્મનીમાં હેમલિન નામનું એક નગર છે. કહે છે કે આ નગરમાં ઈ.સ. ૧૩૭૬ની ૨૨મી જુલાઈએ એક અનોખી ઘટના બની હતી. એ નગરમાં ઉંદરોનો જબરો ત્રાસ હતો. ત્યાં ઉંદરો એટલા બધા વધી ગયા હતા કે માણસો તો પારાવાર પરેશાન હતાં જ, પણ નગરની બિલાડીઓ અને કૂતરાં પણ ત્રાસી ગયાં હતાં. ઘણા ઉપાયો કર્યા પણ ઉંદર ઘટવાને બદલે વધતા જ જતા હતા.

લોકો નારાજ થઈ ગયા હતા. નગરપતિને પકડીને ક્યાંક મોકલી દેવા અથવા તેમને નદીમાં ડુબાડી દેવાનું સૌ વિચારતા હતા. આ નગર હેમલ અને વેસર નદીની વચ્ચે આવેલું હતું. નગરના પ્રશાસકોને અને કૉર્પોરેશનના સભ્યોને ભય લાગ્યો કે લોકો ક્રોધાવેશમાં નગરપતિને પકડી નદીમાં ડુબાડી દેશે. નગર પર ચિંતાનાં ઘેરાં વાદળ ઝળૂબી રહ્યાં હતાં ત્યારે એક વાંસળી વગાડનારો એ નગરમાં ઓચિંતો આવી ચડ્યો. એને થોડીવારમાં નગરની પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો. લોકો કેટલી હદે ઉંદરોથી તંગ આવી ગયા હતા તે સમજતાં તેને વાર ન લાગી. એણે પ્રશાસકો અને નગરજનો સમક્ષ પ્રસ્તાવ મૂક્યો કે તમારા પર આવેલી આ ભયાનક આપત્તિ હું દૂર કરી શકું તેમ છું. પ્રત્યેક જીવને આકર્ષવાની મારી પાસે આવડત છે. એક રાજાને અને તેની પ્રજાને મેં મચ્છરના ત્રાસમાંથી મુક્ત કરી છે. તમારું કામ કરી આપવા હું તૈયાર છું. મને શું આપશો? તમે મને એક હજાર મુદ્રાઓ આપો તો તમારું કામ કરી આપું.

સૌ એટલી હદે તંગ થઈ ગયા હતા કે કૉર્પોરેશનના સભ્યો એક હજાર નહીં પણ પચાસ હજાર મુદ્રાઓ આપવા તૈયાર હતા. તેમણે કહ્યું: તમે રકમની ચિંતા ન કરો. ઉંદરો નગરમાંથી જવા જોઈએ.

વાંસળી વગાડનારે વાંસળી હોઠ પર મૂકી અને વગાડતો-વગાડતો નગરની ગલીઓમાં ફરવા લાગ્યો. એની વાંસળીના સૂર સાંભળી ઉંદરો બહાર નીકળી એની પાછળ ચાલવા લાગ્યા. સાંજ પડે તે પહેલાં નગરમાં રહેતા બધા જ ઉંદરો એક વિરાટ સૈન્ય સેનાપતિ પાછળ ચાલતું હોય તેમ ચાલવા લાગ્યા. The Pied Piper of Hamelin’ના લેખક કહે છે કે સર્વ ઉંદરોએ વાંસળીવાદક પાછળ નદીમાં પ્રવેશ કર્યો અને એક ઉંદર સિવાય તમામ ઉંદરો નાશ પામ્યા. એક તગડો ઉંદર નદી પાર કરી સામે કાંઠે પહોંચી ગયો.

વાંસળીવાદકે નગરપતિ પાસે હજાર મુદ્રાઓ માગી તો તેઓ ગુસ્સે થયા. કહેવા લાગ્યા: હવે ઉંદરો ખતમ થઈ ગયા. પાછા આવવાના નથી. હજાર મુદ્રા કેવી અને વાત કેવી! જોઈતી હોય તો પચાસ મુદ્રાઓ લઈ જા. વાંસળીવાદક ગાંજ્યો જાય તેવો નહોતો. તેણે કહ્યું: અતિલોભ પાપનું મૂળ છે. મારે બપોર સુધીમાં બગદાદ પહોંચવું છે. ત્યાંનો શાસક વીંછીઓથી પરેશાન છે. તમે એમ માનતા હો કે હું તમને શું કરી લેવાનો હતો, તો ત્યાં તમારી ભૂલ થાય છે. મારી વાંસળીની શક્તિ તમે જાણતા નથી. તમે લોભ કરો છો તેનું ઘાતક પરિણામ તમારે સૌએ વેઠવું પડશે.

લોભીજનોમાં વિવેકશક્તિ ભાગ્યે જ હોય છે. ગરજ હતી ત્યારે ઘણું આપવા તૈયાર હતા; પણ કામ પતી ગયું એટલે અંગૂઠો બતાવતા હતા. મ્હેતા હતા: તારાથી થાય તે કરી લે. તું બગાડી-બગાડીને કેટલું બગાડીશ?

વાંસળીવાદક વાંસળી લઈ ફરીથી નગરની ગલીઓમાં નીકળી પડયો. આ વખતે એણે એવા સૂર છેડ્યા કે નગરનાં તમામ છોકરા-છોકરીઓ એની પાછળ-પાછળ ચાલી રહ્યાં હતાં. નગરપતિને એમ કે બાળકોને કરી-કરીને શું કરશે? વાંસળીવાદક બાળકોને પહાડ તરફ લઈ જઈ રહ્યો હતો. આવડો મોટો પહાડ કાંઈ બાળકો ઓળંગી શકશે નહીં એટલે સૌ પાછાં ફરશે એવી ગણતરી હતી. પણ કહે છે કે પહાડમાં એક દરવાજો હતો તે ખુલી ગયો અને સૌ અંદર દાખલ થઈ ગયા પછી દરવાજો બંધ થઈ ગયો! માત્ર એક લંગડો છોકરો બચી ગયો, કારણ કે એ ખૂબ પાછળ રહી ગયો હતો.

હેમિલનના લોકોને પારાવાર પસ્તાવો થયો. લોભવૃત્તિને વળગી રહેવાથી હજારો બાળકો ગુમાવવાં પડયાં. આ કથા પહાડના પથ્થર પર કોતરાયેલી આજે ય જોવા મળે છે.

દુનિયાનાં લાખો લોકો આ કથાથી પરિચિત છે; પણ લોભની વાત આવે છે ત્યાં કથાનું વિસ્મરણ થઈ જાય છે. સિંકદરે અનેક રાજ્યો જીત્યાં હતાં અને પારાવાર સંપત્તિ એકઠી કરી હતી. એની મૃત્યુની ઘડી સમીપ આવી ત્યારે તેણે લાગતાવળગતા સૌને સૂચના આપી કે મને દફનાવવા લઈ જાવ ત્યારે મારા બંને હાથ બહાર લટકતા રાખજો, જેથી જગતના લોકોને ખબર પડે કે વિરાટ સંપત્તિનો માલિક પણ ખાલી હાથે અહીંથી જાય છે!

કહેનારા નગારાં વગાડીને કહે છે, સાંભળે છે કોણ?

Total Views: 163
By Published On: May 1, 1992Categories: Kantilal Kalani0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram