જેવી રીતે ન્યાયમૂર્તિ રાનડેનાં ધર્મવિષયક પુસ્તકોએ મને નાસ્તિકતાથી આસ્તિકતા તરફ વાળ્યો એવી જ રીતે સ્વામી વિવેકાનંદના મૂળ-ગ્રંથોને વાંચ્યા પછી હું ‘સંત મત તરફ વળતો થયો હતો. પણ સ્વામી વિવેકાનંદનું આ વાક્ય મારા અંત:કરણને અસર કરી ન ગયું હોત કે, મારામાં જે કાંઈ છે તે બધું મને સદ્ગુરુ રામકૃષ્ણ પરમહંસ તરફથી મળ્યું છે, તો સ્વામીજીને વાંચીને પણ મેં મારી ‘પ્રાર્થનાસમાજી વૃત્તિ’ ન છોડી હોત. ધર્મનો આશય છે શ્રદ્ધા, નિષ્ઠા, અનુભવ અને સાક્ષાત્કાર. આ બધું સ્વામી રામકૃષ્ણમાં હતું, અને ખરેખર એઓ અવતારી પુરુષ હતા; યુગપુરુષ હતા. મને આજે પણ એવું જણાય છે કે અંગ્રેજી શિક્ષણથી વિશેષ પ્રભાન્વિત એવાથી અને સ્વામી વિવેકાનંદનો ઉપદેશ પણ અંગ્રેજીમાં હોવાથી જ તે વધુ હૃદયંગમ થઈ શક્યો.

મેક્સમૂલરે પ્રગટ કરેલ રામકૃષ્ણ પરમહંસના ઉપદેશ પણ એટલા હૃદયંગમ ન થઈ શકત જો એ પહેલાં વિવેકાનંદને ન વાંચ્યા હોત.

અંગ્રેજી ભાષાના આકર્ષણ ઉપરાંત સ્વામી વિવેકાનંદની વિવેચનશૈલી પણ ધ્યાન દેવા જેવી છે. એમને એ વાતનો સ્પષ્ટ ખ્યાલ હતો કે એમણે પોતાની વાતો બુદ્ધિવાદી જગત સમક્ષ રજૂ કરવી હતી. સાથે સાથે તે જ શૈલીથી નિરૂપણ કરવામાં પણ તેઓ સિદ્ધહસ્ત હતા.

સ્વામી વિવેકાનંદે રાજકારણમાં કદી ભાગ નથી લીધો છતાં એમની નસેનસમાં દેશાભિમાન ભર્યું હતું. આ વિચારને એમણે જ જન્મ આપ્યો હતો કે, પતિત ભારત પ્રબુદ્ધ ભારત બનીને સંસારભરનું ગુરુપદ ગ્રહણ કરે. અને એ અનુસાર એમને અનેક પાશ્ચાત્ય અનુયાયીઓ પણ મળ્યા એવામાંનાં લિંગની નિવેદિતાનું નામ ખાસ લેવું જોઈએ. આ મહાનભિગનીએ ઇતિહાસ, કેળવણી અને કલાનાં શાસ્ત્રોનું ગંભીર અધ્યયન કર્યું હતું. તે જ રીતે એમનું સમાજશાસ્ત્ર વિશેનું જ્ઞાન પણ અસાધારણ હતું. સ્વામી વિવેકાનંદ જેવા મહાપુરુષ પાસેથી હિંદુ ધર્મ-હિંદુસંસ્કૃતિનું રહસ્ય સમજી શકવાની પાત્રતા એમનામાં વિશેષ રૂપે હતી અને એ રહસ્યને પોતાની સંસ્કારી અને સહાનુભૂતિપૂર્ણ દૃષ્ટિથી ગૌરવપૂર્ણ શૈલીમાં સંસાર સમક્ષ રજૂ કરવામાં પણ એ ઠીક સફળ થયા. એમનું તમામ સાહિત્ય ઉચ્ચ કોટિનું છે. અને એનું વાચન કરવું એટલે વિશ્વવિદ્યાલયની સંપૂર્ણ કેળવણી લઈ લીધા બરાબર છે. એ મહાન દેવીએ હિંદમાં આવી હિંદુ ધર્મની દીક્ષા લીધી અને હિંદુ સમાજ સાથે એકરૂપ થઈને શુદ્ધ અંત:કરણની લાગણીથી સેવા કરતાં ચંદનની માફક પોતાની કાયા ઘસી જીવન સફળ કર્યું. એમને એવી ખાતરી થતી હતી કે રામકૃષ્ણ અને વિવેકાનંદ એ ગુરુ-શિષ્યની જોડી નહીં પરંતુ એ બે શરીરમાં વિચરતી એક જ વ્યક્તિ ઈશ્વરે નિર્માણ કરી હતી. એની જ પ્રેરણાથી અનેક બંગાળી યુવકોએ નિરનિરાળા ક્ષેત્રમાં પ્રવેશ કરી પોતાના બુદ્ધિવૈભવથી તરેહવાર ચમત્કારો કરી દેખાડયા.

 

એક દિવસ ભગવા રંગની બાંધણીનું એક પુસ્તક મારા હાથમાં આવી ગયું. એ પુસ્તકનું નામ હતું “ગોસ્પેલ ઑફ રામકૃષ્ણ પરમહંસ, ધી આઈડિયલ મૅન ઑફ ઈન્ડિયા ઍન્ડ ધી વર્લ્ડ. સ્વામી વિવેકાનંદનો આભારદર્શક પત્ર શરૂમાં હતો- ‘અત્યંત, અત્યંત, અત્યંત આભાર ! ઈશ્વરઇચ્છા ગુરુદેવનું ચરિત્ર આપને હાથે જ લખાવીલેવાની હતી. અમારાથી તો એ કામ કદી ન બની શકત. ગ્રીસ ન દેશના અફલાતુને (પ્લેટોએ) પોતાના ગુરુ સુકરાત (સૉક્રેટિસ)નો સંવાદ લખ્યો હતો પરંતુ એ આખામાંપ્લેટો જ દેખાયા કરે છે. આપે ગુરુદેવનું ચરિત્ર લખ્યું પણ આપને તો આપે ગુપ્ત જ રાખ્યા છે.’

ઉક્ત ગ્રંથના લેખક ‘એમ’ રામકૃષ્ણ પરમહંસના શિષ્ય મહેન્દ્રનાથ ગુપ્ત જ હતા. સ્વામી વિવેકાનંદે ઉપરના પત્રમાં એમની અટક `ગુપ્ત’ શબ્દ પર શ્લેષની સુંદર રમત કરી છે. (આ સ્મૃતિચિત્ર લખતી વખતે મારી પાસે એક પણ ગ્રંથ નથી. ઉપરનું અવતરણ પણ યાદદાસ્ત ઉપર આધાર રાખીને લખેલ છે. રામકૃષ્ણ મિશનમાં મહેન્દ્રનાથ ગુમને માસ્ટર મહાશય કહેતા. એમણે “માર્ટન હાઈસ્કૂલ” નામે એક મોટી હાઈસ્કૂલ ચલાવી હતી, એટલે કદાચ એટલા જ કારણે એમનું એ નામ પડી ગયું હશે.

માસ્ટર મહાશયનું ‘ગોસ્પેલ’ ખરેખર એક અપૂર્વ ગ્રંથ છે. રામકૃષ્ણ પરમહંસ પોતાના શિષ્યો વચ્ચે બેસીને જે અનેકાનેક ધર્મચર્ચા કર્યા કરતા તે ચર્ચાને ખૂબ નિષ્ઠાથી અક્ષરેઅક્ષર ડાયરીમાં ઉતારી લેતા. એથી ગુરુદેવના દેહત્યાગ પછી સ્વામી વિવેકાનંદ દ્વારા રામકૃષ્ણ મિશનની સ્થાપના થયા પછી એમણે પોતાની ડાયરીમાંથી નોંધ જોઈ જોઈ આખો સંવાદ લખી નાખ્યો. પ્રત્યેક સંવાદની શરૂઆતમાં ગુરુદેવ એ સમયે ક્યાં બેઠા હતા, કઈ તરફ એમનું મોં હતું, કેવું ઉપવસ્ત્ર પહેર્યું હતું, એમનો હોકો કોણ તૈયાર કરતું હતું-આવી આવી ઝીણી બાબતો લખીને એમણે પ્રસંગનું આબેહૂબ ચિત્ર ખડું કરી આપ્યું.

રામકૃષ્ણ પરમહંસે વાચન પરથી વિદ્વત્તા તો નામમાત્રયે નહોતી મેળવી. એમનું સમગ્ર જ્ઞાન જુદાજુદા અવસરે એમણે ગુરુ માનેલ જુદીજુદી વ્યક્તિઓને મુખેથી જ પ્રાપ્ત કરેલું. ભિન્ન-ભિન્ન સંપ્રદાયોની ભિન્ન-ભિન્ન સાધનાઓનો એમણે પ્રત્યક્ષ અનુભવ કરી જોયો હતો. જ્યારે કોઈ એમની સામે બેસી શાસ્ત્રવાચન કરવા લાગતો ત્યારે એ કહેતા, “હું જે કહું છું તે જ સાચો અર્થ છે, કારણ કે એ અનુભવનો વિષય છે. જો મારો બતાવ્યો અર્થ શાસ્ત્રમાંથી વ્યક્ત ન થતો હોય યા શાસ્ત્રની સાથે તે સંગત ન હોય તો સમજી લેવું જોઈએ કે લખવામાં અથવા અર્થ કરવામાં જરૂર ક્યાંક ભૂલ થઈ છે.”

દરેક શિષ્યને તૈયાર કરવા માટે એમની પદ્ધતિઓ પણ ભિન્નભિન્ન હતી. જેમની જેવી યોગ્યતા અને મનોવૃત્તિ એવી એમને સાધના બતાવવામાં આવતી. પોતાને પ્રથમ પહેલી જ મુલાકાતે ગુરુદેવે એમના ઉપર કેવી કૃપા કરેલી એનું ખૂબ છટાદાર વર્ણન આપીને માસ્ટર મહાશયે પોતાના ગ્રંથની શરૂઆત કરી છે. મૂળ તો આ સંવાદો “શ્રી રામકૃષ્ણ કથામૃત” નામે પ્રગટ થયેલ. એનું જ અંગ્રેજી તે ‘ગોસ્પેલ’ થયું. આ પુસ્તકથી એમને ખૂબ જ લાભ થયો, પરંતુ તેને એમણે ‘કથામૃત-ફંડ’ના નામથી અલગ રાખીને ચરિત્રવાન સાધકોને એમાંથી ઠીક સહાયતા કરી.

જેવી રીતે કાગડાને કંઈ ખાવાની ચીજ મળે તો તે કા કા કા કા કરીને પોતાના બધા જાતભાઈઓને બોલાવે છે અને એકલો જ ન ખાતાં ઇષ્ટ મિત્રોની સાથે બેસીને ખાવાની શાસ્ત્રઆજ્ઞા પાળે છે, એવી જ દશા મનુષ્યજાતની છે. આથી મેં મારા એક મિત્રની સાથે મળી ગોસ્પેલનો મરાઠી અનુવાદ કરવાનો નિશ્ચય કર્યો. આ પહેલાં સ્વામી રામતીર્થના લેખોનો અનુવાદ હું કરી ચૂક્યો હતો એટલે “આધુનિક શિક્ષિતોના વેદાંત”ને મરાઠીમાં પ્રતિપાદન કરવાની કળા હાથ બેસી ગઈ હતી.

એ અરસામાં વેદાન્તનાં વાચન અને મનન તથા દેશની પરિસ્થિતિને કારણે વૈરાગ્યસાધના માટે હિમાલય જવું મને જરૂરી લાગ્યું. આથી ત્યાં જતાં પહેલાં કલકત્તા જઈ આવી સ્વામી વિવેકાનંદનો મઠ, ઉદ્‌બોધન કાર્યાલયના સ્વામી શારદાનંદ, શ્રી રામકૃષ્ણનાં પત્ની શ્રી શારદા માતા અને માસ્ટર મહાશયને મળી લેવાનું મેં નક્કી કર્યું. સવારે ૯-૧૦ વાગ્યે હું માસ્ટર મહાશય પાસે પહોંચ્યો. ઘર બતાવવા મિશનનો એક બ્રહ્મચારી મારી સાથે આવ્યો હતો. મને ખબર મળી કે ત્યારે માસ્ટર મહાશય પૂજામાં બેઠા હતા. ઘરમાં જ્યાં ત્યાં સાદાઈ દેખાતી હતી. થોડી જ વારમાં એક ભવ્ય મૂર્તિ અમારી સામે આવી ઊભી. મારી થોડી ઓળખાણ કરી લીધા પછી એમણે સંતોષ અનુભવતાં કહ્યું, ‘ગોસ્પેલ’નો મરાઠી અનુવાદક કેવળ પંડિત જ નથી, તે સાધક પણ છે. સફેદ દાઢીથી એમનો ચહેરો ભવ્ય દેખાતો જ હતો. પરંતુ એથી વિશેષ તો એમનાં નેત્રોમાંથી લાંબા સમય સુધીધ્યાનમાં બેસવાની દૃઢતા વ્યક્ત થતી હતી. સામું જોવાથી એમની દૃષ્ટિમાં વ્યવહારકુશળ મનુષ્યની વેધકતા અને અધ્યાત્મપરાયણ સાધુતાનું ઉત્તમ મિશ્રણ જોઈ શકાતું હતું. થોડો સમય વાતો કર્યા પછી મેં એમની વિદાય લીધી.

આ પછી મેં હિમાલય ઉપર ગંગોત્રી, જમનોત્રી, કેદાર-બદરી અને કાશ્મીરમાં અમરનાથ આદિની યાત્રા પૂરી કરી પુરશ્ચરણ માટે હૃષીકેશની બાજુમાં કોઈ સ્થાને રહેવાનો નિશ્ચય કર્યો. અહીં રહેતો હતો તે સમયે રામકૃષ્ણ મિશનના એક સંન્યાસી અને બે બ્રહ્મચારીઓ મારી પાડોશમાં રહેવા આવી ગયા હતા. એમની સાથે મુખ્યત્વે હું ધર્મ, સાધના, દેશ અને પરિસ્થિતિની જ કેવળ ચર્ચા કર્યા કરતો. મારા મિત્ર અનંત બુવા (બાબા) મરઢેકર અને સ્વામી આનંદ પણ એ દિવસોમાં હ્રષીકેશમાં હતા. એક દિવસ નિર્મલ નામના બંગાળી બ્રહ્મચારીએ મને કહ્યું, માસ્ટર મહાશય આ વખતે શિયાળાના કેટલાક દિવસ રહેવા માટે હર્ષીકેશમાં આવી રહેશે. આ જાણી મને ખૂબ આનંદ થયો. એમને રહેવા માટે સ્થળ વગેરેની ગોઠવણ કરવામાં મેં ઠીક પરિશ્રમ લીધો. જે દિવસે તેઓ આવ્યા, તે દિવસે દાસ નવી’ (સમર્થ રામદાસની પુણ્યતિથિ) હતી. અનંતબુવાએ સમર્થની તિથિ પાળી હતી. એ દિવસથી અમે રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદનાં સ્મરણો માસ્ટર મહાશય પાસે અનેક વાર જઈને સાંભળતા. એ વખતે એમના સ્વરમાં પ્રેમાદ્રતા અને અપત્ય (બાળકમાં હોય છે તેવી) પ્રેમવત્સલતા વિશેષ રૂપમાં પ્રગટ થતી. અમારામાંથી અનંતબુવાની ભક્તિ જોઈ એમને ખૂબ જ આનંદ થતો. એક દિવસ માસ્ટર મહાશયે મને હ્યું, “તારે હજી ઘણાં કર્મ કરવાનાં છે જ્યારે બુવાનાં બધાં કર્મો સંપૂર્ણ થયેલ હોવાથી હવે એમને ભાગે કેવળ ભક્તિ-ભક્તિ જ રહી છે.”

સાધકે કેવી રીતે રહેવું, કેવું આચરણ રાખવું, અને કેટલું બોલવું તથા ક્યાં સુધી મૌન રહેવું એ બધી બાબતો તેઓ ખૂબ વિસ્તારથી સમજાવતા. માસ્ટર મહાશયની પાસે રામકૃષ્ણ પરમહંસના સમયની નિત્યનોંધની નાની નાની ચોપડીઓ રહેતી. એમાંનું કોઈ પાનું ઉઘાડીને એમાં લખેલી બાબતોને જોતા અને પછી પાંચ-સાત મિનિટ આંખો બંધ કરીને એ વાતોનું ધ્યાન ધરતા. આમ કરતાં જ્યારેએ પ્રસંગ એમનાં અંત:ચક્ષુઓ સમક્ષ ખડો થતો ત્યારે એનું તેઓ વર્ણન કરવા લાગતા. એ વખતે અમને એવું લાગતું કે એ અમારી સન્મુખ બેઠા જ નથી પરંતુ એ પ્રસંગના સમયમાં રામકૃષ્ણ પરમહંસના સાંનિધ્યમાં પહોંચી ગયા છે.

શિષ્ટાચારમાં માસ્ટર મહાશય બહુ જ જૂના મતના લાગતા. અમારું મંડળ તથા બીજા બ્રહ્મચારીઓ અને સાધુ-સંન્યાસીઓ પાસેથી પોતે ગૃહસ્થાશ્રમી હોવાને કારણે ડગલેપગલે સંકોચ અનુભવતા. ખાવાની વસ્તુઓ અમે બીજે ઠેકાણેથી લાવતા એટલે એ તો તેઓ અમારી પાસેથી ન જ લેતા. પરંતુ અમે એમનું આસન ઉપાડી દઈએ કે પાણીનો લોટો ભરી દઈએ એ પણ એમને ઠીક નહોતું લાગતું. એમના આ સંકોચને દૂર કરવા માટે પ્રથમ તો મેં મારો મહારાષ્ટ્રીય અત્યાગ્રહ કરી જોયો, પરંતુ બંગાળી સાથીઓએ મને મના કરી. એમણે કહ્યું, ‘માસ્ટર મહાશય તમારા આ આગ્રહથી ખિન્ન થાય છે.’

એક વિષયમાં તો મેં એમને બહુ જ દુ:ખી કર્યા. હૃષીકેશમાં જયારે માસ્ટર મહાશય પ્રસિદ્ધ સંન્યાસીઓ અથવા વિભિન્ન સંસ્થાઓ જોવા જતા ત્યારે મારે પણ એમની સાથે જવું પડતું. એ સમયે મેં એમની સાથે લોકો ઉચિત સન્માનપૂર્વક વર્તે એ વિચારે કોઈ પણ વાર્તાલાપ શરૂ થતાં પહેલાં હું જલદીથી એમનો પરિચય આપવા માંડતો કે તેઓ સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ હતા. એમણે શ્રીરામકૃષ્ણના સંવાદો પ્રત્યક્ષ સાંભળીને લખ્યા હતા, ઈત્યાદિ. માસ્ટર મહાશય મને વારંવાર કહેતા કે મારે એમનો પરિચય ન આપવો કારણ કે એઓ બિલકુલ સાધારણ માણસની પેઠે બધું જોવા માગતા; સાથે-સાથે એમને એ પણ જાણવું હતું કે એ સંન્યાસીઓ સાધારણ મનુષ્યના પ્રશ્નોના ઉત્તર કેમ આપતા. પણ મને તો એમ જ થતું કે જો લોકો એમની સાથે સંપૂર્ણ વિનયપૂર્વક નહીં વર્તે અને મામૂલી સમજીને વાત કરશે તો મારી શી દશા ! હું મારી આંખો સમક્ષ એમનું અપમાન અથવા અનાદર કેમ જોઈ શકીશ ? એમ થવા દેવું એ મારે માટે કર્તવ્યચ્યુત થવા જેવું ન ગણાય ? આ ભાવનાથી હું જીવ મુઠ્ઠીમાં રાખીને એમની સાથે ઘૂમતો, કોઈ પણ સ્થળે એમનો પરિચય આપવાનું ન ભૂલતો.

એક દિવસ એમને હું સ્વામી રામતીર્થના એક શિષ્ય પાસે લઈ ગયો. એઓ અંગ્રેજી જાણતા હતા. ત્યાંથી પાછા ફર્યા પછી બીજે દિવસે હું એકલો જ એ રામશિષ્ય પાસે ગયો. એ વખતે એમણે એક બીજા સજજન જોડે માસ્ટર મહાશયના સંબંધમાં વાત કરતાં કહ્યું -એઓ પોતાને વિવેકાનંદના ગુરુ તરીકે ઓળખાવે છે. એમના આ ઉદ્ગારોમાં તિરસ્કાર જેવો કંઈક ભાવ સ્પષ્ટ દેખાતો હતો.

હું તરત જ સમજી ગયો કે મેં કરેલ વર્ણનમાંથી ‘ગુરુભાઈ’ શબ્દ એમણે પૂરો સાંભળ્યો નથી. એટલે મેં એ જ ક્ષણે એમની ભૂલ સુધારી. જોકે પોતાની આ ભૂલ તો એમણે સુધારી, પરંતુ પેલો તિરસ્કારનો ભાવ એમના ચહેરા પરથી ન ખસ્યો. પણ એમ કહી શકાય કે એ ભાવ વધુ દૃઢ થયો. મને બહુ જ માઠું લાગ્યું. અને તે દિવસથી એક મહાપુરુષની મારે હાથે વ્યર્થ જ અસેવા થઈ રહી છે એ વિચારીને મેં એમનો ઉચિત પરિચય આપવાના સ્વેચ્છાએ સ્વીકારેલ કર્તવ્યનો ત્યાગ કર્યો.

ગંગાને કિનારે કેરી અને નાળિયેરના આકારના ઘણા પથ્થર પથરાયેલા હોય છે. એની ઉપર એક સાધુ એક જ સ્થાને સતતબેઠેલો દેખાતો. કોઈ શ્રદ્ધાળુએ એમને તડકો અને હવાથી બચાવવા એના પર એક રાવટી જેવું ઊભું કરી દીધું હતું. માસ્ટર મહાશયે હૃષીકેશના હજારો સાધુઓમાંથી એને જ પસંદ કર્યો. એઓ વારંવાર એની પાસે જઈને બેસતા. મને પણ બેચારવાર એની પાસે લઈ ગયા. એ સાધુના બબડાટનો અર્થ હું કંઈ જ સમયો નહીં હોવાથી એની ઉપેક્ષા કરતો પણ માસ્ટર મહાશય મને એ પ્રલાપમાંથી કોઈ ખાસ વચન લઈને એનો ગૂઢ અર્થ સમજાવ્યા કરતા. એમનું એ વિવેચન મને બહુ આકર્ષક અને શિક્ષાપ્રદ લાગતું પણ તે સાથે મનમાં એવી પણ શંકા રહેતી કે એ બધી વાત એ સાધુના મનમાં હતી કે માસ્ટર મહાશયે પોતાની ભોળી શ્રદ્ધાથી એ પાગલના પ્રલાપમાંથી આવો મહાન અર્થ કાઢ્યો છે. એક વાર એ પણ શંકા થઈ હતી કે સ્વામી વિવેકાનંદ અને એમના ગુરુભાઈઓએ મળીને તો રામકૃષ્ણ પરમહંસનું આટલું મહત્ત્વ નહીં વધારી દીધું હોય! પણ આ જાતની શંકા કે નાસ્તિકતા એક ક્ષણ જ ટકી અને મને મારા પોતાને માટે બહુ શરમ લાગવા માંડી. જ્યારે મેં પરમહંસનું ભવ્ય ચરિત્ર અનેએમના ઉદ્ગારો જાતે જ વાંચ્યા હતા ત્યારે તો આ શંકા ટકવાનું શક્ય જ નહોતું. પણ આખરે તો માણસનું મન છે ને, ક્યાંય-ક્યાંયથી શંકાઓ ઊભી કરશે અને ક્યાંય-ક્યાંય આથડશે. માસ્ટર મહાશયને શ્રદ્ધા હતી કે રાવટીમાં રહેનાર તે સાધુ ઉચ્ચ કોટિના મહાત્મા હતા. હું એમની એ શ્રદ્ધાને માર્ગે ન ગયો. પણ છતાંયે માસ્ટર મહાશય કંઈ ભોળા તો નહોતા જ. પોતાની ટપાલ લેવા ક્યારેક-ક્યારેક એ જાતે જ જતા, એક દિવસ ત્યાંથી આવીને મને ધીરેથી કહેવા લાગ્યા, ત્યાંના પોસ્ટ માસ્તરને ‘સર’ કહી બોલાવવાથી તે બહુ ખુશ થાય છે અને આપણું કામ ખૂબ શાંતિ અને શીઘ્રતાથી કરી આપે છે.

હૃષીકેશ પછી માસ્ટર મહાશય કેટલાક દિવસ વૃંદાવન જઈને પણ રહ્યા હતા. ત્યાં એક વાર હું પણ ‘પ્રેમ વિદ્યાલય’ના ઉત્સવ ઉપર ગયો હતો. ઉત્સવના અવસરે એ સંસ્થાના પ્રાણરૂપ અને પ્રખ્યાત દેશભક્ત રાજા મહેન્દ્રપ્રતાપ તદ્ન સાદા વેશમાં નમ્રભાવે અહીંથી તહીં જતા આવતા દેખાતા હતા. જેમણે એમને જોયા હતા તેઓ તો એમની આત્મવિલોપનની ભાવના પર ખૂબ આશ્ચર્ય પામતા હતા. હું માસ્ટર મહાશયને એ ઉત્સવમાં લઈ ગયો. આ વખતે મેં નિશ્ચય કરી લીધો હતો કે એમનો કોઈ પણ જાતનો પરિચય કોઈને નહીં આપું. અમે અમારે સ્થાને જઈને બેઠા. એટલામાં જ માસ્ટર મહાશયે એટલા જબ્બર જનસમુદાય વચ્ચે રાજા મહેન્દ્રપ્રતાપને બરાબર ઓળખી કાઢયા અને મારા કાનમાં ધીરેથી કહ્યું “એ પેલા સફેદ સાફો બાંધેલ પણે ઊભા રહેલા છે તે જ રાજા મહેન્દ્રપ્રતાપ કે? એ જ હોવા જોઈએ.” હું તો આશ્ચર્ય જ પામી ગયો, હા એ જ હશે. પરંતુ આપે એને કેવી રીતે ઓળખી કાઢયા ? એમણે કહ્યું, “મને એવું અંતરમાં ઊગી આવ્યું કે, એ જ એ મહાપુરુષ હોવા જોઈએ. એમની આંખો તો જુઓ? એમાં કેટલી ગંભીરતા, જનકલ્યાણ માટે અંતર્વેદના અને એક પ્રકારની ભવ્ય શાંતિ દેખાય છે ! એ મહાપુરુષ જ્યાં હશે ત્યાં પોતાની ભવ્યતાથી ઊંચા જ દેખાશે.”

ઉત્સવ પછી મેં માસ્ટર મહાશય સાથે થોડી સાર્વજનિક જીવનની વાતો કરવાની ઇચ્છા કરી, પરંતુ એમને એ રુચ્યું નહીં. અત્યંત કોમલ અને નમ્ર સ્વરે એમણે કહ્યું, “તારા જેવા સાધકોએ એવી વાતોનેમનમાં પણ સ્થાન ન આપવું જોઈએ. તું તો અખંડ ઈશ્વરપ્રાપ્તિનો વિચાર કરે એ જ યોગ્ય છે.”

એમનું કથન મને સાચું તો લાગ્યું પરંતુ મારોવૈરાગ્ય એવા પ્રકારનો નહોતો, એમાં હું શું કરું?

આ પછી એક વાર જ્યારે કલકત્તા એમને હું મળવા ગયો ત્યારે તેઓ ખૂબ વૃદ્ધ થઈ ગયા હતા. પરંતુ છતાં એમને જર્જર તો ન કહી શકાય. એમની બેઠકમાં બે નાની પાટ, એક પુસ્તક અને એક નોટબુક સિવાય કંઈ જ નહોતું. એમણે મને મીઠાઈ મગાવીને બહુ આગ્રહપૂર્વક ખવરાવી અને મારા મિત્રો વિશે આવશ્યક પૂછપરછ પણ કરી. જ્યારે એમણે જાણ્યું કે હું શાંતિનિકેતનમાં જઈને કેટલોક સમય અધ્યાપન-કાર્ય કરવાનો છું ત્યારે એમણે મને સૂચન કર્યું કે અમે પહાડીમાં એક શિક્ષણસંસ્થા ખોલવા ઇચ્છીએ છીએ, તું એમાં ભાગ લેશે? પરંતુ એમને હું અનિશ્ચિત જેવો જવાબ આપીને પાછો ફર્યો કારણ કે એ સમયે ટાગોરની સંસ્થા તરફ મને વિશેષ આકર્ષણ હતું. માસ્ટર મહાશય સમજ્યા હશે કે આ જુવાન એ એકાન્તને નહીં પચાવી શકે, શિક્ષણના ક્ષેત્રનો એ કીડો છે અને રામકૃષ્ણ મિશનના વૈરાગ્ય તરફ એનું વલણ છે, એટલા માટે એને ત્યાં જ લગાડી દેવો ઠીક છે. પરંતુ એ પોતે તો સર્વ પ્રકારના વ્યવસાયોથી મુક્ત થઈ ચૂક્યા હતા. ‘શ્રી રામકૃષ્ણ કથામૃત’ના અનેક ભાગોની અનેક આવૃત્તિઓ નીકળી ચૂકી હતી; એનું સંશોધન કરવા ઉપરાંત અન્ય કથાપ્રસંગોના સંવાદોને નિષ્ઠાવાન લોકોને માટે નવીનવી ઢબે વિશિષ્ટ બનાવવા સિવાય બીજી કોઈ પણ પ્રવૃત્તિમાં તેઓ ભાગ ન લેતા.

હું એમને ઘણીવાર મળ્યો, અને અનેક પરિસ્થિતિઓમાં મેં એમને જોયા. દરેક પ્રસંગે મારા મન પર એવી જ છાપ પાડી કે એઓ એક મહાન વિભૂતિ છે. રામકૃષ્ણ પરમંહસ પાસેથી એમને ખરેખર કોઈ અદ્‌ભુત વસ્તુ પ્રાપ્ત થઈ છે અને એ જ કારણથી એમના જીવનમાં અલૌકિક અને સ્થાયી પરિવર્તન થયું છે. એમની એ શાંતિ, ઈશ્વરનિષ્ઠા અને પિતાતુલ્ય વાત્સલ્ય હું કદી નહીં ભૂલી શકું.

મેં રામકૃષ્ણ પરમહંસના ત્રણ શિષ્યો જોયા: માસ્ટર મહાશયની સન્મુખ ગુરુદેવની ચર્ચા આરંભ કરતાં જ એમના અંતરમાં જાણે પ્રેમની ધારા ફૂટતી અને એમના મોંમાંથી પરમહંસના ઉપદેશનું દુગ્ધામૃતવહેવા લાગતું. સ્વામી પ્રેમાનંદ સ્વભાવે બરાબર નામ તેવા ગુણ ધરાવનારા અને આચરણે મૂક સેવાનંદ હતા. એમને જયારે ગુરુદેવનાં સંસ્મરણો સંભળાવવાનું કહેતા ત્યારે કંઈક કહેવાનો પ્રયત્ન કરવા એકાગ્ર થતા પણ જોતજોતામાં જ ગદ્ગદ થઈ જતા અને મોંમાંથી એક શબ્દ પણ ઉચ્ચારી શકતા નહીં અને ચૂપ થઈ રહેતા. સ્વામી બ્રહ્માનંદની પાસે ગુરુદેવની ચર્ચા ખોલીએ તો ઘડીક ગંભીર ચર્ચા થયા પછી તુરત વિષયાંતર કરી નાખતા, જાણે મૂકભાવથી એમ કહેતા કે અમારો એ ગૂઢ અને પવિત્ર અનુભવ વાણીથી વ્યક્ત ન થઈ શકે. એ વાતો તમારે માટે નથી. એ અચિંત્ય ભાવનાઓને વાણી સાથે જોડી દેવી ઉચિત નથી.

કલકત્તામાં રહેતા ત્યારે માસ્ટર મહાશયને જ્યારે પણ કંઈ દવાની જરૂર પડતી તો તે પણ એઓ એ દુકાનેથી જ લેતા કે જ્યાંથી ગુરુદેવ લેતા. ગુરુદેવને જે ખોરાક પસંદ હતો તે જ તેઓ પસંદ કરતા. કેશવચંદ્ર સેનના બાલમંદિરમાં ગુરુદેવ જે સ્થાને ઊભા રહેતા તે જ સ્થાને એ જ ભાવનાથી એઓ થોડી વાર ઊભા રહેતા કે જે ભાવનાથી આપણે દેવમંદિરમાં દર્શને જતાં થોડી વાર બેસી જઈએ છીએ. ગુરુદેવને જે રંગની ચાદર ગમતી, જેવાં સ્લીપર એઓ પહેરતા, એવી જ ચીજો એ જ દુકાનેથી મગાવીને ઉપયોગમાં લેતા. એમની એ ભક્તિ, એ વૈરાગ્ય અને ગૃહસ્થને ઉચિત એવો નમૂનો જોઈને મનમાં થતું કે ભિક્ષુસંન્યાસી થવામાં શું ખરેખર જ કોઈ લાભ છે?

રામકૃષ્ણ મિશનના અનેક બ્રહ્મચારીઓ અને સંન્યાસીઓ તથા મિશનની બહાર રહેનાર ઘણા શ્રદ્ધાવાન લોકોએ માસ્ટર મહાશય પાસેથી પ્રેરણાત્મક જ્ઞાન મેળવ્યું છે. ખરે જ ગઈ પેઢીની તેઓ એક અલૌકિક વિભૂતિ હતા.

(કાકા કાલેલકર ગ્રંથાવલિ પૃ.૬૩૧૬૩૮ નવજીવન ટ્રસ્ટના સૌજન્યથી)

Total Views: 147
By Published On: May 1, 1992Categories: Kaka Saheb Kalelkar0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram