(ગતાંકથી આગળ)

(૨૨) યોગનો આશય શો છે? યોગના ભેદ કેટલા? યોગની સાધના કેવી રીતે થાય છે?

‘युज्’માંથી યોગ શબ્દ આવ્યો છે. તેનો અર્થ છે ‘જોડવું.’જીવાત્માને પરમાત્મા સાથે જોડે તે ‘યોગ.’ આધ્યાત્મિક સાધના, જે એમાં સહાયક બને છે, તે જ યોગ છે. યોગ મુખ્યત્વે ચાર છે. જ્ઞાનયોગ, ભક્તિયોગ, રાજયોગ અને કર્મયોગ. વેદાંતમાર્ગ, જ્ઞાનયોગ છે. ૨૦મા પ્રશ્નમાં વેદાન્તનો ઉલ્લેખ થયો છે. ઈશ્વરમાં અનુરાગ, તેના સ્વરૂપનું ધ્યાન કરવું, તેનું નામસ્મરણ કરવું ઈત્યાદિ ભક્તિયોગ છે. રાજયોગ આત્માનું ચિંતન છે. જે યમ, નિયમ, આસન, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ વડે થાય છે. નિષ્કામભાવે લોકોની સેવા દ્વારા, મનને નિર્મળ રાખવું, એ કર્મયોગ છે. એવા નિર્મળ મન વડે જ સર્વત્ર-સ્થિત-આત્માની અનુભૂતિ થાય છે.

ચારેય યોગોમાં સ્વાસ્થ્ય, દેહશુદ્ધિ, સદાચાર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

(૨૩) આ પ્રસંગમાં ગુરુ, શિષ્ય, ઇષ્ટદેવતા, મંત્ર, પ્રણવ, દીક્ષા, ધ્યાન, જપ જેવા શબ્દો સાંભળવા મળે છે. તેનું પ્રયોજન શું છે?

અજ્ઞાનજન્ય અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવે તે ‘ગુરુ’છે. ગુરુના માર્ગદર્શન વગર આધ્યાત્મિક સાધના શક્ય નથી. તેની યોગ્યતાને સંબંધ છે ત્યાં સુધી, તેઓ ધર્મગ્રંથોના મર્મજ્ઞ હાય અને તેમણે ઈશ્વરસાક્ષાત્કાર કરેલો હોય. શિષ્ય પ્રતિ તેમનામાં અપાર કરુણા અને સહાનુભૂતિ હોવાં જોઈએ.

શિષ્ય એ છે કે જે પ્રશિક્ષણ અને અનુશાસનને યોગ્ય હોય અને જેનામાં સત્યને જાણવાની જિજ્ઞાસા હોય, ઉત્કંઠા હોય. તે તેની યોગ્યતા છે. દરેક પ્રકારનાં વિઘ્નો સામે ઝઝૂમવું, ગુરુમાં અટલ શ્રદ્ધા હોય અને જે વિનયશીલ હોય; આવા સદ્ગુણોને તેની વિશેષ લાયકાત માનવામાં આવી છે.

ઇષ્ટદેવતા, તે ઈશ્વરનું એ રૂપ છે, જેને ભક્તિયોગનો સાધક, ઉપાસના અને ધ્યાનના ઉદ્દેશ્ય માટે સ્વીકારે છે. પોતાની ઇચ્છાથી કે ગુરુની પ્રેરણાથી એકવાર તેનો સ્વીકાર કર્યા પછી, તેનો કદાપિ ત્યાગ કરવો જોઈએ નહીં.

મંત્ર ઇષ્ટદેવતાનું નામ છે. મંત્રમાં ‘પ્રણવ’ હોય જ છે. તેની સાથે કોઈ બીજાક્ષર હોય છે. જુદાજુદા આરાધ્યદેવના બીજાક્ષર અલગ-અલગ હોય છે.

પ્રણવ ૐ છે. જે અ, ઉ, મ વર્ષોથી બનેલો છે. તે સમસ્ત વર્ણો-પદોનું મૂળ છે. તેથી આપણા ધર્મગ્રંથોમાં તેને સમસ્ત પદાર્થોના સ્ત્રોતરૂપ માનવામાં આવે છે. એટલા માટે તે, ઈશ્વરનું સર્વોચ્ચ અને સર્વશ્રેષ્ઠ પ્રતીક છે. માંત્ર હિન્દુધર્મમાં જ નહીં પરંન્તુ જૈન, બૌદ્ધ અને શીખ ધર્મોમાં પણ તેનો બહુ આદર છે.

ગુરુ દ્વારા શિષ્યને મંત્રનો ઉપદેશ થવો જોઈએ.એ જ‘દીક્ષા’છે.

એક ઠામમાંથી, બીજા ઠામમાં રેડવામાં આવતા તેલની ધાર જે રીતે અતૂટ રહે, તેવી જ રીતે ઇષ્ટદેવતા-પ્રતિ મનની સતત પ્રવૃત્તિ રહેવી, એ જ‘ધ્યાન’ છે.

દીક્ષા દ્વારા ગુરુ પાસેથી મળેલા મંત્ર અથવા દિવ્યનામનું ઉચ્ચારણ જ ‘જપ’છે. શ્રદ્ધાપૂર્વક, મંત્રનો અર્થ સમજીને જ જપ કરવા જોઈએ.

(૨૪) માનવોનો ‘પુનર્જન્મ’ થાય છે? જો થાય છે તો તેનું કારણ શું?

માનવોનો પુનર્જન્મ થાય છે. કર્મ જ એનું કારણ છે. એ સ્વીકારાયેલી હકીકત છે કે એક ક્ષણમાં આગી દાઝી જવાથી થતો ઘાવ ઘણા દિવસો બાદ રુઝાય છે. તેવી જ રીતે એક જન્મમાં કરેલાં સારાં-નરસાં કર્મોનું ફળ ભોગવવા આપણે અનેક જન્મો લેવા પડે છે. ભાવિ જન્મો પર વિશ્વાસ રાખીએ તો જ આમ થવું સંભવિત છે. કેટલાક સમયથી પુનર્જન્મના વિષય પર ઘણી ચર્ચાઓ થાય છે. અને કેટલાંય પુસ્તકો તે અંગે પ્રકાશિત થયાં છે. પહેલાંના કરતાં, હાલમાં પુનર્જન્મના સિદ્ધાંતને વિશેષ સ્વીકૃતિ મળેલી હોય, તેવું લાગે છે. માનવોમાં જોવા મળતાં, એક બીજાથી જુદાપણા અને અંતર કે તફાવતને વર્તમાનના પરિવેશ કે સંજોગો સાથે કશો સીધો સંબંધ નથી. વિકલાંગ બાળકોના જન્મ અથવા જોડીઆં બાળકોના માનસિક ઘડતરમાં પરસ્પર તફાવત, તેનાં ઉદાહરણરૂપ હોઈ શકે. તેથી આવા પ્રકારના વિકારોને ભૂતકાળનાં કર્મો કે આચરણોનું ફળ માનવું, એ જ વધારે યોગ્ય લાગે છે. હિન્દુધર્મ મુજબ આત્મા અમર છે. તેથી કર્મસિદ્ધાંત અથવા પુનર્જન્મ તેના ચોકઠામાં બેસી જાય છે. જૈન અને બૌદ્ધ ધર્મ પણ આ સિદ્ધાંતમાં માને છે.

(૨૫) તર્કના આધાર પર શું‘કર્મસિદ્ધાંત’ સાચો ઠરે છે? આ સિદ્ધાંતના પરિણામે, હિન્દુ સમાજની પ્રગતિ કુંઠિત નથી થઈ શું?

‘જેવું વાવો તેવું લણો’ એ કહેવતનું વિશદરૂપ એ જ ‘કર્મસિદ્ધાંત.’ જીવનનાં નૈતિક મૂલ્યો તરફ જ તેનો સંકેત છે. ગમે તે કાર્યનું કોઈ કારણ તો હોય જ છે.વર્તમાન જીવનના સારા નરસાપણાનો સંબંધ વર્તમાન સાથે ન જોડી શકાતો હોય તો પછી તે પાછલા જન્મો સાથે સંકળાયેલો હશે. કર્મસિદ્ધાંતના મૂળમાં આ તર્ક છે. આજે નહીં તો પછી, પાછળથી પણ આપણે આપણાં કર્મોનું ફળ ભોગવવું જ પડશે. એનાથી કોઈ છૂટી શકે નહીં. આજે જે કાંઈ પ્રાપ્ત થાય છે, તે પણ આપણાં કર્મોનું જ ફળ હોય છે. ભાવિ જીવન આજનાં આપણાં કર્મોને અનુરૂપ જ હશે, એવો કર્મસિદ્ધાંતનો દાવો છે.

કર્મસિદ્ધાંત અને પુનર્જન્મના સિદ્ધાંતને ન માનીએ તો વર્તમાન સાથે કોઈ સંબંધ ન રહે. તો આપણા સુખદુ:ખનું તર્કસંગત વિશ્લેષણ કઠિન બની જાય. અથવા તો એમ માનવું પડે કે ઈશ્વર પક્ષપાત કરે છે, અથવા તો એ ઘણો નિર્દયી, આતંક ફેલાવનાર છે; અથવા તો ઈશ્વર જેવી કોઈ સત્તા જ નથી અને જીવનની ઘટનાઓ, કોઈ તાલમેલ વગર અકારણ અને વિકૃત રીતે, બનતી જાય છે. બુદ્ધિમાન માણસને આવી દલીલ ગળે ઊતરતી નથી. એટલા માટે જીવનમાં દૃષ્ટિગોચર થતી વિસંગતતાઓનું મૂળ કર્મસિદ્ધાંતમાંથી જ શોધવું રહ્યું. કર્મસિદ્ધાંતને પૂર્વગ્રહથી મુક્ત બની સ્વીકારવામાં આવે તો હિન્દુસમાજ ઝડપથી ઉન્નતિ સાધી શકે. દર્શાવવામાં આવેલું છે કે સમાજ પાછળ રહી શકે નહીં. આપણી અગાઉની ભૂલો અને ઉપેક્ષાવૃતિને લીધે, આજે આપણી પડતી થઈ છે, થતી રહે છે. આ વખતે, આ જન્મે આપણે મન લગાડી મહેનત કરીએ તો ભવિષ્ય ઉજજવલ અને સુંદર બની શકે, એ જ આપણા જીવનનું ધ્યેય હોવું જોઈએ. આ આશાવાદ છે, જે સ્વાવલંબનને વધારે ગતિ આપે છે. આજે હિન્દુસમાજ નિયતિવાદ કે ભાગ્યવાદને સ્વીકારી જડસું બની ગયો છે. એ લોકો વિપરીત બુદ્ધિવાળા છે, જે આ સિદ્ધાંતને સાચા સ્વરૂપે સમજવા માગતા નથી.

Total Views: 177

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.