‘ઈશ્વરની ઉપાસનાના અનેક માર્ગો છે. નદીમાં ઉતરવા માટે જેમ અનેક ઓવારા હોય છે તે જ રીતે આનંદના સાગર સમાન પરમાત્માની પાસે પહોંચવા માટે પણ અનેક ઓવારા છે. એમાંના કોઈ પણ એક ઓવારાથી ઊતરીને આપણે આરામથી એ સાગરમાં નાહી શકીએ છીએ. શુદ્ધ ભક્તિથી પાળેલો કોઈ પણ ધર્મ આપણને પરમાત્મા પાસે પહોંચાડી શકે છે. દાદરથી, અથવા વાંસની નિસરણીથી કે દોરડાની મદદથી પણ માળ પર ચડી શકાય છે. માર્ગો ભિન્ન ભિન્ન પ્રકારના હોવા છતાંયે આપણે ધારેલ મુકામે પહોંચીએ જ છીએ. અલગ અલગ જેટલા ધર્મો છે તે બધા પરમાત્મા પાસે પહોંચવાના માર્ગો જ છે. એથી સૌ પોતપોતાના ધર્મ પ્રમાણે ઈશ્વરની ઉપાસના કરે. ખ્રિસ્તીઓ ખ્રિસ્તી ધર્મની રીતે, મુસલમાનો ઈસ્લામની રીતે અને હિંદુઓ હિંદુ ધર્મશાસ્ત્રો અનુસાર ઈશ્વરની ઉપાસના કરે એમાં જ સૌનું ભલું છે. સાચા ભક્તો બીજા ધર્મવાળાઓનો કદી પણ અનાદર કરતા નથી.’

શ્રીરામકૃષ્ણ પરમહંસે એ ઉપદેશ આજથી સો વરસ પહેલાં આપ્યો હતો. બે હજાર વરસ પહેલાં સમ્રાટ અશોકે પણ શિલાઓ પર એ જ મતલબનું લખાવ્યું હતું: ‘દેવોનો પ્રિય પ્રિયદર્શી સમ્રાટ બધા ભિક્ષુઓ તથા બધા ગૃહસ્થોનું સન્માન કરે છે; બધા ધર્મવાળાઓને એકસરખી રીતે દાન વગેરે આપીને સંતુષ્ટ કરે છે. મહારાજ ઇચ્છે છે કે, સૌ પોતપોતાની રીતે જ આત્મજ્ઞાન વધારે, પોતાના ધર્મનું મહત્ત્વ બતાવવા માટે બીજા ધર્મોનું કદી અપમાન ન કરતાં તેમના પ્રત્યે આદરભાવ રાખે. એથી બીજાઓને ફાયદો થાય છે અને એમાં જ પોતાનું પણ ગૌરવ છે. બીજા ધર્મોની નિંદા કરવાથી પોતાના ધર્મની જ હાનિ થાય છે. બીજાઓની નિંદા કરવા થકી કોઈ પોતાનું માન વધારી શકતું નથી. એથી સૌ કોઈ પોતપોનાના ધર્મનું સારી રીતે અધ્યયન કરે અને ભક્તિભાવ વધારે. સમ્રાટ પ્રિયદર્શી અશોકની સૌના પ્રત્યે એ જ પ્રાર્થના છે. સૌ આ વિચારોનો પ્રચાર કરે.’

હજારો વરસ પહેલાં ભગવાન શ્રીકૃષ્ણે પણ ગીતા દ્વારા લોકોને આવો જ ઉપદેશ આપ્યો હતો.

સમ્રાટ અશોક પછી શ્રીરામકૃષ્ણ અને તેમના પછી આપણા જ જીવનકાળમાં આપણા માર્ગદર્શક મહાત્મા ગાંધીએપણ આપણને વારંવાર એ જ શીખવ્યું. એ મહાત્માઓની આજ્ઞાની વિરુદ્ધ આપણે શાને ચાલીએ?

બે છોકરાઓ કાચંડાના રંગની બાબતમાં ચર્ચા કરવા લાગ્યા. એકે કહ્યું “બરાબર જો તો ખરો, એ તો લાલ કાચંડો છે. તું આંધળાની જેમ બકે છે. એ પીળો ક્યાં છે?”

બીજા છોકરાઓએ જવાબ આપ્યો: ‘જા જા,પાગલ! આંધળો તો તું છે. સાફસાફ દેખાય છે કે એ એકદમ પીળો છે.’

ચર્ચા લડાઈનું રૂપ ધારણ કરવા લાગી. એટલામાં એક ડોશી આવી. તેણે ઝઘડાનું કારણ પૂછ્યું અને એ તેને કહેવામાં આવ્યું ત્યારે તે ખૂબ હસી. ડોશીએ બંને છોકરાઓને સમજાવ્યું કે એક જ કાચંડો અનેક રંગોવાળો દેખાય છે-કોઈ વાર લાલ, કોઈ વાર પીળો અને કોઈ વાર બીજા કોઈ રંગનો. એના રંગનો નિર્ણય કરવા માટે લડવું એ ગાંડપણ છે.’

એ જ રીતે ભક્તજનો પરમાત્માને જુદે જુદે રૂપે જુએ છે. ભગવાનનું સાચું સ્વરુપ વિતંડાવાદીઓને કદી દેખાઈ શકતું નથી. અહંકાર અને દંભને વશ થઈને તેઓ વ્ય ચર્ચાઓમાં વખત વિતાવે છે.

ચાર આંધળા ભિખારીઓ ભીખ માગવાને ગયા. રસ્તામાં એક હાથી ઊભો હતો. બધા આંધળાઓએ તેના પર હાથ ફેરવ્યો. મહાવત મશ્કરો હતો. તેણે આંધળાઓને પૂછ્યું, ‘કહો જોઈએ, હાથી કેવો છે?’ પહેલો આંધળો, જે હાથીના પગ પર હાથ ફેરવતો હતો, તેણે કહ્યું: ‘આ જાનવર એક મોટા થાંભલા જેવું લાગે છે.’

હાથીની સૂંઢ પર હાથ ફેરવતા બીજા આંધળાએ કહ્યું: ‘અરે જા, એનો દેખાવ ઝાડની ડાળી જેવો હોવો જોઈએ.’

ત્રીજો બોલ્યો: ‘મને તો એ એક મોટા પીપ જેવો લાગે છે.’ તેણે હાથીના પેટ પર હાથ મૂક્યો હતો.

હાથીના કાનને અડીને ચોથા આંધળાએ કહ્યું: ‘તમારા ત્રણેની વાત ખોટી છે. મને તો લાગે છે કે હાથીનો દેખાવ સૂપડા જેવો છે.’

આપણે જો ભગવાનના સ્વરૂપની બાબતમાં વ્યર્થ ચર્ચા કરીએ અને લડવાને તૈયાર થઈ જઈએ તો, બિલકુલ આંધળા જ બની જઈએ છીએ.

Total Views: 147

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.