“પાણી ને ઝાડી તણો પ્રદેશ છે કાશ્મીર,
લલ્લા સંતશિરોમણિ, નીર મહીં છે ક્ષીર.”

મનોહર એવી કાશ્મીરની ભૂમિમાં, મનોહર એવાં એક મસ્ત સંત નારી થઈ ગયાં. તેમનું નામ છે લલ્લા. આજથી ૬૦૦ વરસ પહેલાં શ્રીનગરથી દસેક માઈલ દૂર, એક નાના એવા ગામડામાં લલ્લાનો જન્મ થયો હતો. જ્ઞાતિએ બ્રાહ્મણ હતાં. તેમના પિતા મોટા પંડિત હતા.

બાર વરસની લલ્લાના લગ્ન કરવામાં આવ્યાં. લલ્લા પરણીને સાસરે ગઈ. પણ સાસરું સાધનાનું સ્થાન બની ગયું. સાસુ એવી કઠોર કે લલ્લાને ભારે ત્રાસ આપે. આખો દિવસ ખૂબ કામ કરાવે. પૂરું ખાવાનું ય ન આપે. લલ્લાની થાળી સાસુ પીરસે તેમાં પથરા મૂકે, પછી ઉપર ભાત મૂકે. એટલે ભાતનો ઢગલો મોટો દેખાય. રોટલી પીરસે તોય પ્રથમ પથ્થર મૂકે ને પછી રોટલી મૂકે. ઘરના માણસો જુએ તો સૌને થાય કે લલ્લા ઘણું ખાય છે.

પણ લલ્લા તો સિદ્ધાંગના થવા જન્મી હતી. એ થોડી આવા દુ:ખથી ડરે એવી હતી? કોઈને વાત ન કરે. બધું હસતે મુખે સહી લે. ઘરનું કામ આનંદથી કરે પણ અંદરથી સંસારમાંથી મન ઊઠી ગયું. સંસારનું સ્વરૂપ તેને બરાબર સમજાયું. દિલમાં ભારોભાર વૈરાગ પ્રગટ્યો. તેને થયું, સંસાર સાગર જેવો છે. દૂરથી દેખતાં સોહામણો લાગે, પાસે જઈને પસલી ભરીને પીએ તો ખારોખારો લાગે. સંસારનીઅસારતાને તે પામી ગઈ. એ અરસામાં આ વૈરાગી નારીને સદ્ગુરુનું મિલન થયું.

તેમના ગુરુનું નામ શ્રીકંઠ. શ્રીકંઠ તેમના કુળગુરુ હતા. તેમણે લલ્લાને શૈવ ધર્મની દીક્ષા આપી. લલ્લાએ દિલ ખોલીને ગુરુને ઘરની વાત કરી. ગુરુએ તેને અંતર્મુખ થવાનો આદેશ આપ્યો અને શૈવ સંપ્રદાયનું ગૂઢ રહસ્ય સમજાવ્યું. તેમણે કહ્યું: ‘લલ્લા, અંદર જો, બહાર નહીં.’

કબીર કહે છે: ‘તેરા સાહબ તુઝમેં, બાહિરનૈના ક્યું ખોલે?’

લલ્લા અંતર્મુખ થઈ ગઈ. આતમજ્યોતિનો પ્રકાશ પામી. સંસારનાં રહસ્યો તેને સમજાવા લાગ્યાં. સુખ-દુ:ખ હવે તેને સ્પર્શતા ન હતાં. સૌની સાથે પ્રેમથી વર્તે છે. બધાનું પ્રેમથી કામ કરી આપે છે. બધાં કહેવા લાગ્યાં: વાહ! લલ્લામાં તો કાંઈ ડહાપણ છે!

પણ સાસુના સ્વભાવમાં હજુ ફેર ન પડયો! ક્યાંથી પડે! પ્રભુની ઇચ્છા લલ્લાને પૂર્ણ પદવીએ પહોંચાડવાની હતી. કદાચ ઘરમાં સુવિધા થઈ જાય, તો લલ્લા ઘરમાં રોકાઈ જાય. લલ્લાના પ્રારબ્ધમાં સંતનો અધિકાર લખ્યો હતો. તે આવી કઠિનતા હોય તો જ પ્રાપ્ત થાય.

દિવાળીના દિવસો હતા. લલ્લા નદીએ પાણી ભરવા ગઈ. સરખી સાહેલીઓ વાતો કરતી હતી. કોઈ કહે, મેં મીઠાઈ ખાધી કોઈ કહે, બાસુંદી ખાધી.લલ્લાને કહે…‘હેં! અલી લલ્લા, તેં શું ખાધું?’ લલ્લા કહે ‘પથરા.’

બરાબર આ જ વખતે લલ્લાનાસસરા ત્યાંથી પસાર થયા. તેમણે આ શબ્દો સાંભળ્યા. તે વિચારમાં પડી ગયા. તે દિવસે લલ્લાનું ભાણું પીરસાયું ત્યારે તેમણે ધ્યાન રાખ્યું. જોયું તો થાળીમાં ખરેખર પથ્થર હતો અને ઉપર ભાત હતો. પોતે લલ્લાનું ધ્યાન ન રાખ્યું, તે માટે પસ્તાવો થયો.

અહીં સંત નારી સખુબાઈની યાદ આવે છે. તેમને પણ સાસરામાં કઠિનતા સહેવી પડી. તેમાં ચમત્કારની વાત આવે છે. અહીં નરી વાસ્તવિકતા છે. જીવનના તથ્યની વાત છે. ભૌતિક દુ:ખ-તાપથી લલ્લાની આધ્યાત્મિક પ્રગતિ ઝડપી થઈ. જેમ સોના કે રૂપાને ઘાટ આપવો હોય ત્યારે તેને તપાવવું પડે છે તેમ જિંદગીને નવો ઘાટ આપવો હોય ત્યારે તેને પણ તપ કરવું પડે છે. પૃથ્વી પરનું જળ ગ્રીષ્મમાં તપીને બાષ્પ બનીને આકાશે જાય છે ત્યારે તે મનોહર મેઘનું રૂપ ધારણ કરે છે. તેમ સંત થવા માટે માણસે તપવું પડે છે.

મહાવીર સ્વામીએ જંગલમાં રહીને બાર વરસ તપ કર્યું ત્યારે પરમજ્ઞાની થયા. અહીં લલ્લાએ બાર વરસ ઘરમાં તપ કર્યું ત્યારે પરમ સત્યનું દર્શન કર્યું. હવે તે ઘરની દીવાલો વચ્ચે રહી શકે, તેમ ન હતું. ઘર તેને રોકવા સમર્થ ન હતું. ઘરમાં રહીને સાધના કરનારની એક ભૂમિકા એવી આવે છે, જ્યારે તેનો સંસાર આપોઆપ છૂટી જાય છે. છોડવો પડતો નથી. લલ્લાનો સંસાર પણ એમ છૂટી ગયો હતો.

જે સત્યનું એણે દર્શન કર્યું હતું તે તેણે લોકો પાસે કહેવાનું શરૂ કર્યું. બરાબર ચોવીસ વરસની યુવાવયે તે ઘર છોડીને નીકળી પડી. તે સુંદર કાવ્યો રચતી. કાશ્મીરની તે પ્રથમ કવિયત્રી હતી. ભક્તિભાવથી ભરપૂર એવાં ભજનો તે મસ્ત બનીને ગાતી. કાશ્મીરના લોકો તેનાં ભજનો હોંશે-હોંશે ગાવાલાગ્યા. આજે પણ ત્યાં લોકો લલ્લાના ભજનો ગાય છે. ગૂઢ રહસ્યવાળાં, તત્ત્વજ્ઞાનથી ભરપૂર એવાં તેનાં ભજનો લોકોની જીભે રમે છે. તેમાંના કેટલાક તો કહેવતો તરીકે લોકબોલીમાં ઊતરી આવ્યાં છે.

કહે છે, લલ્લાને પૂર્વજીવનનું જ્ઞાન હતું. તેણે તેના ગુરુ શ્રીકંઠને કહ્યું હતું કે તેનો આ ભવનો પતિ તે ગયા ભવનો પુત્ર હતો. તેને જન્મ આપીને તે મૃત્યુ પામી હતી. બનવાજોગ છે કે તેના પછી નવી સ્ત્રી આવી હોય, તે આ છોકરાને અપરમા થતી હોય એટલે અપર સાસુ તરીકે તેણે લલ્લાને દુ:ખ દીધું હોય. જે હોય તે.

લલ્લા શૈવ ધર્મની યોગિની હતી, પોતાની ધૂનમાં મસ્ત હતી. આહાર-વિહાર-આવરણમાં બેદરકાર હતી. કપડાનું ઠેકાણું ન હતું. તે માટે લોકો તેની નિંદા કરતાં. એક વખત તે રસ્તા પરથી પસાર થતી હતી ત્યારે કેટલાક છોકરાઓએ તેની પાછળ ધૂળ ઊડાડી. એક વણિક આ જોઈ ગયા. તેમણે છોકરાંને ધમકાવ્યા. લલ્લાને તે ગમ્યું નહીં. તેમણે તે વણિક પાસે એક વસ્ત્ર માગ્યું. વસ્ત્ર આપ્યું, એટલે લલ્લાએ તેના બે ટુકડા કર્યો, બંને ખભે એક એક ટુકડો નાખ્યો, અને ચાલતી થઈ. આખો દિવસ ગામમાં ફરી. કોઈ માન આપે તો એક ટુકડાને ગાંઠ વાળે, અને અપમાન કરે તો બીજા ટુકડાને ગાંઠ વાળે. સાંજ પડી ત્યાં ઘણી ગાંઠો વળી, સાંજે પાછી પેલા વણિક પાસે આવી અને કહ્યું કે આ બંને ટુકડાનું વજન કરો. વજન કર્યું તો બંનેનું વજન સરખું થયું. લલ્લાએ કહ્યું – ‘જો ભાઈ, બંનેનું વજન સરખું છે ને ? તો પછી તમે છોકરાઓ પર ગુસ્સો શા માટે કર્યો?’આવી હતી તેની માનસિક ભૂમિકા અને ઉપદેશ આપવાની રીત!

લલ્લાને જૂની પ્રણાલિકા અને માન્યતા પસંદ ન હતાં. તે કહેતી, સાધના માટે ઘર છોડીને જંગલમાંજવાની જરૂર નથી. મઠ કે આશ્રમમાં જવાની જરૂર નથી. કામ, ક્રોધ, અભિમાનનો ત્યાગ કરો. આસક્તિનો ત્યાગ કરો. સર્વકર્મ પ્રભુને સમર્પિત કરો. દેશ અને વેશ બદલવાની જરૂર નથી.

ચમત્કાર કરનારને તે કહેતાં, “તમે જાદુ શા માટે કરો છો? તમારે અગ્નિને ઠારી નાખવો છે? નદીને ઊલટી વહેવડાવવી છે? લોકોને શું કામ ભરમાવો છો?”

તે સમયે કાશ્મીરમાં હિંદુ-મુસલમાન વચ્ચે ધર્મના ઝઘડા ચાલતા હતા. સામાજિક, રાજકીય જીવનમાં અજંપો હતો. લલ્લાએ કહ્યું: ‘આપણે સૌ એક જ પ્રભુનાં સંતાન છીએ. ભેદભાવ મિથ્યા છે.’ પાણીના પ્રદેશમાં વસનાર આ સંતનારી ઉપમાઓ પણ એવી જ શોધે છે. કહે છે: ‘બરફ અને પાણી એક છે. બરફ જામેલો દેખાય છે પણ તેના પર સૂર્યનાં કિરણો પડે ત્યારે તે પાણી જ પાણી છે. એમ મનુષ્ય સર્જેલા ધર્મના વાડા મિથ્યા છે. ધર્મભાવના પર જ્યારે પ્રભુતાનો પ્રકાશ પડે, ત્યારે સઘળા ભેદભાવ ભુંસાઈ જાય છે. બધે પ્રભુ જ પ્રભુ છે.’

લલ્લા મસ્ત બનીને પ્રભુભક્તિનાં ભજનો ગાતાં નાચી ઊઠતી. તે કહેતી: ‘મારે આકાશનું અંબર છે, વાયુનું વસ્ત્ર છે.’ પોતાના ભજનના તાનમાં તેણે કાશ્મીરને ઘેલું કર્યું.

લલ્લાએ પૂરું આયુષ્ય ભોગવ્યું. પાકી ઉંમરે શ્રીનગરથી પચીસ માઈલ દૂર બ્રિજવિહારમાં તેણે દેહ છોડ્યો. કહે છે, દેહ છોડતી વખતે તેનામાંથી આત્મજ્યોતિ દીપક રૂપે બહાર આવી, આકાશમાં અદૃશ્ય થઈ ગઈ. જ્યોતમાં જ્યોત ભળી ગઈ.

(‘સ્ત્રી સંતરત્નો’ માંથી સાભાર)

Total Views: 140

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.