(એક કુમાર્ગી પતિના પરિવર્તનની કહાણી)

(શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે.)

શ્રીમતી કૃષ્ણપ્રિયંગિની જ્યારે દરેક પ્રકારના પ્રયત્નો કરવા છતાં પણ પોતાના પતિને કુમાર્ગેથી સુધારીને યોગ્ય રાહ પર ન લાવી શક્યાં ત્યારે તેમના સ્વભાવમાં કડવાશ અને ચીડિયાપણું આવી ગયાં. છેવટે હતાશ થઈને એક દિવસ તેઓ પોતાની સખીઓ સાથે દક્ષિણેશ્વરમાં મા કાલીની પૂજા અર્થે ગયાં. ત્યાં શ્રીરામકૃષ્ણ સાથે તેમનો મેળાપ થયો અને તેમનામાં એક સહાનુભૂતિવાળા શ્રોતાને જોઈને પોતાના અંતરની વ્યથા તેમની પાસે ઠાલવી દીધી. તેમનો પતિ અવળે રસ્તે ચડીને કુટુંબનો સર્વનાશ નોતરી રહ્યો હતો. તેમણે શ્રીરામકૃષ્ણને કોઈ ઉપાય દેખાડવા વિનંતી કરી. ખાસ કરીને કોઈ ભૌતિક લાભ ખાતર સિદ્ધિનો ઉપયોગ કરવાના શ્રીરામકૃષ્ણ વિરોધી હતા. એટલે એમણે કોઈ વશીકરણમંત્ર વગેરે કહેવાની તો ના કહી દીધી. પરંતુ, ઊંડી સહાનુભૂતિ અને અદમ્ય વિનોદી સ્વભાવને કારણે તેમણે એમને એકદમ નસાડી ન મૂક્યાં. તેમણે એમને ન નોબતખાનામાં જવા કહ્યું, “જુઓ, ત્યાં એક સ્ત્રી રહે છે, તે આવાં જાદુટોણાં અને વશીકરણમંત્ર જાણે છે અને આવી બાબતોમાં તેમની શક્તિ મારા કરતાં વધારે છે.”

શ્રીશારદાદેવી એ સમયે પૂજા કરી રહ્યાં હતાં. તેમણે એ મહિલાની વાત ખૂબ ધ્યાનથી સાંભળી, પરંતુ તેમને ફરીથી તેમણે શ્રીરામકૃષ્ણ પાસે જઈને પ્રાર્થના કરવા કહ્યું. શ્રીરામકૃષ્ણ આ મજાનો મામલો સફળ થતો જોઈને ખૂબ આનંદ પામ્યા. તેમણે એમને ફરીથી શારદાદેવી પાસે મોકલી આપ્યાં. આ પ્રકારે એ લોકોની વચ્ચે ત્રણવાર આવનજાવન થવાથી બિચારાં કૃષ્ણપ્રિયા તો ભ્રમિત થઈ ગયાં. આ વખતે શારદાદેવીને તેમના પર દયા આવી અને તેમણે તેમને સાંત્વન આપ્યું. ભગવાનને પૂજામાં ચઢાવેલ બિલિપત્ર આપતાં તેમણે તેમને કહ્યું, “દીકરી આ લઈ લે. એનાથી તારી ઇચ્છા પૂર્ણ થશે.”શ્રીરામકૃષ્ણે પણ તેમને એમ કહીને ધીરજ આપી કે, “કાલીપદ આ સ્થાનનો જ છે. તું જરાપણ ચિંતા ન કર. એ નજીકના ભવિષ્યમાં જ અહીં આવશે.”આશ્ચર્યની વાત છે કે ત્યારથી કાલીપદમાં સુધારાનાં ચિહ્નો દેખાવાં લાગ્યાં. આગળ જતાં તે શ્રીરામકૃષ્ણના મુખ્ય ભક્તોમાંના એક થઈ ગયા અને તેમની પત્નીને પણ એમ સમજાયું કે આ સંસાર છે તે જેમ કોઈ આનંદનું સ્થાન નથી, તેવી જ રીતે એ અવિરત દુ:ખનું સ્થાન પણ નથી.

કાલીપદનો જન્મ ૧૮૪૯ની એક અમાવસ્યાને દિવસે શ્યામપુકુરના ઘોષ પરિવારમાં થયો હતો. તેના પિતા, ગુરુદાસ ઘોષ શણના એક નાના વેપારી હતા. બધી રીતે પૂરા સંસારી હોવા છતાં પણ મા-કાલી પ્રત્યેની તેમની શ્રદ્ધા અને ભકિતને કારણે ઘણા પ્રસિદ્ધ હતા. માતા મેનકાબાલા કર્તવ્યપરાયણ, ભકિતભાવવાળાં, દયાળુ અને ઉદાર હતાં. બાળકના ચારિત્ર્યનિર્માણમાં તેમનું ઘણું યોગદાન હતું. બાળક કાલીપદ તો એટલો ચંચળ હતો કે ઓરડાની ચાર દીવાલો વચ્ચે તેને બાંધી રાખવો એ મુશ્કેલ હતું. તેની અનેક રુચિઓ હતી. સંગીત, ગીત-રચના, નાટક, રમત-ગમત, રસોઈ કરવી વગેરે-વગેરે. બાળપણથી તે ખૂબ જ હઠીલો હતો. તેના સ્વભાવનું આ એક મુખ્ય પાસું બની ગયું હતું. પરંતુ સાથે એક બીજું પાસું પણ હતું જે હંમેશાં સમર્પણ અને પ્રશંસા કરવા માટે હાજર હતું.

ગુરુદાસ પોતાની આર્થિક ભીંસને કારણે પુત્રને ધોરણ આઠથી વધારે ધોરણ ભણાવી શકે તેમ નહોતુંએટલે તેમણે મે. જૉન ડિકિન્સનની કંપનીમાં તેમને માટે શૉપ આસિટન્ટની નોકરી શોધી દીધી. શરૂઆતમાં એમ લાગ્યું કે તેમના ભાગમાં આ એક જ પ્રકારનો બોજો વેઠવાનું કામ રહેશે. પરંતુ તેઓ ખૂબ ચીવટવાળા માણસ હતા. કામને લગતી બધી બાબતો તેમણે બરાબર જાણી લીધી તથા કામની હોંશને કારણે પોતાના અધિકારીઓનો વિશ્વાસ પ્રાપ્ત કરી લીધો. પોતાની સૂઝ, મહેનતુ સ્વભાવ અને કામની જાણકારીએ તેમની પ્રગતિમાં સતત સાથ આપ્યો. આગળ જતાં કંપનીના વહીવટી કર્મચારીઓમાં તેમનો સમાવેશ થયો. ત્યાં તેઓ સારું કમાયા અને કલકત્તાની શ્યામપુકુર સ્ટ્રીટમાં તેમણે એક ત્રણ મજલાનું મકાન બનાવ્યું. કંપનીના ઘડતરમાં તેમનું યોગદાન એટલું મહત્ત્વનું હતું કે કંપની પોતે જે પ્રકારના કાગળનું ઉત્પાદન કરતી હતી તેના પર તેમના શરીરના ઉપલા ભાગની વોટરમાર્ક છાપ હતી.

કેટલાક સંજોગો એવા બન્યા કે પ્રસિદ્ધ નાટ્યકાર ગિરીશચન્દ્ર ઘોષ તેમનાથી ઉંમરમાં પાંચ વર્ષ મોટા હોવા છતાં કાલીપદ તેમની ખૂબ નજીક આવી ગયા. તેઓ વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા થઈ ગઈ. કાલીપદ તરફથી નમ્ર આદરભાવ હતો, તો ગિરીશ તરફથી મોટાભાઈનો સદ્ભાવપૂર્ણ સ્નેહ. બન્ને વચ્ચે કેટલુંક એવું સામ્ય હતું કે તેમની ઘનિષ્ઠતા જોઈ લોકો તેમને ઘણું કરીને જગાઈ માઈ કહેતા. ગિરીશની જેમ જ કાલીપદનાં સ્વભાવમાં પણ ઉદ્યમ અને લંપટતા એક સાથે દેખાતાં. પરંતુ કાલીપદનું તર્કશકિત પ્રત્યે વધુ ધ્યાન નહોતું. કોઈ ગુરુ પાસેથી આધ્યાત્મિક માર્ગદર્શન પ્રાપ્ત કરવાની તેની ઇચ્છા હતી. આ બાબત ગિરીશ પાસે નહોતી. પોતાના ક્ષુદ્ર અને વિચારહીન નસ્તરંગને કારણે કાલીપદના જીવનનું પતન થયું હતું અને તેમના આંતરિક ભકિત ભાવના તથા વિવેક દબાઈ ગયાં હતાં. પોતાની આ દયનીય સ્થિતિમાંથી ઉગરવા માટે કોઈ કોઈ વખતતેઓ ધાર્મિક ઉત્સવો અને અનુષ્ઠાનોમાં ભાગ લેતા. ધર્મનિષ્ઠ પત્ની દ્વારા તેમને યોગ્ય રાહ પર લાવવાના પ્રયત્નોને કારણે પણ તેમને ઘણીવાર પોતાનાં કાર્યો પર પસ્તાવો થતો હતો. તેમના મનમાં એમ લાગવા માંડ્યું હતું કે મહાન સત્તામાંનો વિશ્વાસ જ તેમને ઉગારી શકશે અને કોઈકોઈ વાર આધ્યાત્મિક ગુરુને શરણે જવાની તેમને આંતરિક ઇચ્છા જાગી ઊઠતી.

૧૮૮૪ના ઉત્તરાર્ધમાં એક અકલ્પિત ઘટના બની, એક દિવસ બપોરે ગિરીશ ઘોષની સાથે કાલીપદ દક્ષિણેશ્વરમાં શ્રી પરમહંસને મળવા ગયા. ગિરીશના આગ્રહની સાથે ઉત્સુકતાએ કાલીપદને દક્ષિણેશ્વરનાં રાણી રાસમણિના કાલીમંદિરમાં જવા પ્રેર્યા. તેઓ પોતાના મિત્ર અને પથપ્રદર્શક ગિરીશના ગુરુને જોવા માટે જ આવ્યા હતા.

પહેલી દૃષ્ટિએ તે મંદિરોદ્યાન, સારી દેખભાળવાળાં બીજાં મંદિરનાં પટાંગણના જેવું જ લાગ્યું. શ્રીરામકૃષ્ણના ખંડમાં પ્રવેશ કરવા માટે કાલીપદ આગળ વધ્યા. ઊંચું કદ, ભારે શરીર, ઘઉંવર્ણ, મોટી-મોટી આંખો અને હસતો ચહેરો તેમના આત્મવિશ્વાસઅને હસમુખા સ્વભાવની ચાડી ખાતાં હતાં. તેમણે જોયું કે શ્રીરામકૃષ્ણનું શરીર ક્ષીણકાય છે. પરંતુ તેમના વિશિષ્ટ રૂપને કારણે આકર્ષક વદનથી કાલીપદ વિચિત્ર રીતે હચમચી ઊઠ્યા. તેઓ શ્રીરામકૃષ્ણના દીપ્ત મુખમંડલ તરફ મંત્રમુગ્ધ રીતે જોતા રહ્યા. ગિરીશનું અનુકરણ કરીને તેમણે શ્રીરામકૃષ્ણનું અભિવાદન કર્યું. ગિરીશે કાલીપદની ઓળખાણ ઠાકુરને જરૂર આપી હશે.

કોઈ પણ વ્યકિતને સામાન્ય તથા આધ્યાત્મિક રીતે ઓળખવામાં વિશેષજ્ઞ શ્રીરામકૃષ્ણે તરત જ પેલી ભટકેલ વ્યકિતના રૂપમાં કાલીપદને ઓળખી લીધો, કે જેની પત્નીએ થોડા સમય પહેલાં પ્રાર્થના કરી હતી. પોતાના સ્વભાવ મુજબ તેમણે કાલીપદની આધ્યાત્મિક યોગ્યતાનું માપ કાઢી લીધું અને જાણીલીધું કે પોતાની દિવ્ય લીલામાં તેણે પણ ભાગ ભજવવાનો રહેશે. વાતચીત દરમિયાન શ્રીરામકૃષ્ણે એમ જ કહ્યું કે રાખાલના પિતા ધનવાન છે. પરંતુ કાયમ મુકદ્દમાઓથી વીંટળાયેલા હોય છે. એમને એવો વિશ્વાસ બેસી ગયો છે કે રાખાલ શ્રીરામકૃષ્ણના સાન્નિધ્યમાં છે એટલે જ તેમને જીતવાની કોઈ આશા નહોતી તેવા ત્રણ કાનૂની મુકદ્દમાઓ તેઓ જીતી ગયા. એ જ દિવસે કાલીપદના પણ ત્રણ મુકદ્દમાની તારીખ હતી. હારવાની સંપૂર્ણ ખાતરી હોવાથી કાલીપદ પોતે તે દિવસે કચેરીમાં જ ગયા નહોતા.

જોકે એમ ક્યાંય લખ્યું નથી છતાંય નિશ્ચિત રીતે એમ માની શકાય કે પોતાના સર્વપરિચિત એવા સ્વભાવ પ્રમાણે શ્રીરામકૃષ્ણે તેમને ‘ફરીથી આવજો’એમ કહીને વિદાય કર્યા હશે. સંતે પોતાના હૃદયને રહસ્યમય રીતે બાંધી દીધું છે એવા અનુભવને કારણે કાલીપદને દક્ષિણેશ્વર છોડ્યા બાદ આશ્ચર્ય થવા લાગ્યું અને ઘેર આવ્યા બાદ જ્યારે તેમને ખબર પડી કે જે મુકદ્દમાઓમાં જીતવાની તેમને કોઈ આશા નહોતી તે ત્રણેય મુકદ્દમાઓ તેઓ જીતી ગયા છે ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. આ કારણે શ્રીરામકૃષ્ણની કૃપાશકિતને માનવા માટે તેઓ પણ બદ્ધ થઈ ગયા. તેમને પોતાનાં કર્યાં પર પસ્તાવો થવા લાગ્યો કે પોતાની ઉદ્ધતાઈને કારણે તેમણે સંત સાથે યોગ્ય વ્યવહાર કર્યો નથી. તેમનામાં ભકિતની ભરતીનાં મોજાં ઉછળવા લાગ્યાં.

કાલીપદના મનમાં સંતનાં પુન:દર્શનની તીવ્ર ઇચ્છા થવા લાગી. તે પૂરી પણ જલ્દીથી થઈ ગઈ. તેઓ એક ભાડાની નૌકાથી ત્યાં પહોંચ્યા. બપોરના આરામ બાદ શ્રીરામકૃષ્ણ પોતાના ખાટલા પર બેઠા હતા. એક સ્વજનની જેમ તેમણે કાલીપદને આવકાર્યો. શ્રીરામકૃષ્ણે કલકત્તા જવાની ઇચ્છા કરી. એકાંતમાં રહેનારા પરમહંસનો આ પ્રસ્તાવકાલીપદને રહસ્યમય લાગ્યો. પરંતુ તેમણે તેમના આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો અને પોતાની સાથે નૌકામાં આવવાની વિનંતી કરી. ભાડાની નૌકા તેમની રાહ જોતી હતી. એટલે પોતાના એક સેવક લાટુની સાથે શ્રીરામકૃષ્ણ કાલીપદ સાથે નૌકામાં કલકત્તા માટે રવાના થયા.

વાત કરતાં શ્રીરામકૃષ્ણને ખબર પડી કે કાલીપદ જગન્માતાનો ભક્ત છે પરંતુ કોઈ સાધારણ ગુરુમાં તેનો વિશ્વાસ નહીં હોવાથી તેણે હજી સુધી કોઈ પાસે દીક્ષા નથી લીધી અને તે કોઈ સિદ્ધ મહાત્માની શોધમાં છે. ઉચ્ચ ભાવાવસ્થામાં શ્રીરામકૃષ્ણે કાલીપદને જીભ બહાર કાઢવા માટે કહ્યું. આજ્ઞા પ્રમાણે કાલીપદે જીભ બહાર કાઢ્યા બાદ શ્રીરામકૃષ્ણે પોતાની આંગળી વડે તેના પર કંઈક લખ્યું અને તેને તે પવિત્ર મંત્રનો જાપ કરવા કહ્યું. કાલીપદને એમ લાગ્યું કે તેમની છાતીમાં કંઈ થઈ રહ્યું છે. જો કે આને કારણે તેમની અંદર એક પ્રકારનો ઉછાળો આવી રહ્યો હતો. પરંતુ તોપણ તે ઓ અલૌકિક કૃપાનું મહત્ત્વ સમજી શક્યા નહોતા. આ પહેલાં તેમને આવો અવર્ણનીય આનંદ કદી મળ્યો ન હતો. હવે તેમને સમજણ પડી કે શ્રીરામકૃષ્ણ તો તેમને જ ઘેર જવા માટે નીકળ્યા છે. હેતુવિહીન આ કૃપાથી ભાવ વિહ્વલ થઈને કાલીપદ તેમને અને લાટુને પૂર્ણ સ્નેહ અને શ્રદ્ધા સાથે પોતાના ૩૦, શ્યામપુકુર સ્ટ્રીટના મકાનમાં ભાડાની ગાડીમાં બેસાડીને લઈ ગયા.

નવેમ્બર મહિનો હતો. હિન્દુ દેવી-દેવતાઓનાં ઘણાં મોટાંમોટાં તૈલચિત્રો ગોઠવ્યાં હતાં એ ઓરડામાં શ્રીરામકૃષ્ણને બેસાડ્યા. તે ચિત્રોને જોઈને શ્રીરામકૃષ્ણને ઘણો આનંદ થયો અને તેઓ તરત જ ભાવસમાધિમાં ડૂબી ગયા. તેઓ કેટલીક મધુર સ્તુતિઓ ગાવા લાગ્યા. પછી તેઓ મૌન થઈ ગયા. જોત-જોતામાં તે ચિત્રો જાણે કોઈ જાદુથી જીવંત હોયતેવાં લાગવા માંડ્યાં. આ અપૂર્વ ઘટનાએ કાલીપદપર ઊંડો પ્રભાવ પાડ્યો.

નિર્લિપ્ત ભાવથી સંસારમાં રહેવા જેવી કોઈ કઠોર સાધના નથી. તો પણ કાલીપદે પોતાના જીવનને સુધારવાની શરૂઆત કરી. આધ્યાત્મિક જીવનના ઘણા સાધકોની જેમ કાલીપદનો વૈરાગ્ય પણ વચ્ચે વચ્ચે ડોલમડોલ થતો હતો. જ્યાં સુધી તેનો વૈરાગ્ય દૃઢ ન થયો ત્યાં સુધી તેઓ પોતાની કુટેવોને વારંવાર છોડતા અને શરૂ કરતા રહ્યા. ઘણાં લોકોને એમ લાગતું હતું કે આ લાંબું નહીં ચાલે પરંતુ આ વૈરાગ્ય તેમના જીવનના અંત સુધી ટકી રહ્યો. સૂક્ષ્મ ઢબે, પરંતુ નિશ્ચિત રીતે, શ્રીરામકૃષ્ણ તેમને સાંસારિકતાથી ઉપલી કક્ષાએ લઈ જઈને પોતાના ભકતમંડળ તરફ લઈ જઈ રહ્યા હતા.

ચારિત્ર્યનિર્માણના અદ્ભુત કારીગર શ્રીરામકૃષ્ણે કાલીપદ પર કોઈ કઠોર નિયમો કે શિસ્તનું બંધન રાખ્યું ન હતું, પરંતુ તેના પ્રત્યે હેતુવિહીન સ્નેહની વર્ષા કરી હતી એમ લાગે છે. આ રીતે કાલીપદ પણ ક્રમશ: ઉન્નતિ કરતા ગયા. શ્રીરામકૃષ્ણ એટલા ઉદાર હતા કે એક દિવસ કાલીપદે આનંદપૂર્વક ભકતોને કહ્યું, “અમારા આ મજાના ઠાકુર છે, જપ, ધ્યાન, તપસ્યા, કંઈ કરવું પડતું નથી.” પછી તેમનું મન સહજ રીતે શ્રીરામકૃષ્ણમાં રહેવા લાગ્યું જેનો મૌન પ્રભાવ તેમના જીવનપરિવર્તનમાં જાદુ જેવું કામ કરી રહ્યો હતો.

સમય જતાં કાલીપદ શ્રીરામકૃષ્ણના એવા દૃઢ ભક્ત બની ગયા કે તેમણે પોતાના ઓરડામાં શારદાદેવીની પણ છબિ રાખી નહોતી. જ્યારે તેમને પૂછવામાં આવતું ત્યારે તેઓ શ્રીરામકૃષ્ણની છબિની સામે હાથ જોડી પ્રણામ કરતા અને કહેતા“આ જ અમારા પિતા છે અને આ જ અમારી માતા છે.”જેમ-જેમ દિવસો જતા ગયા તેમ-તેમ કાલીપદના મનમાં પ્રેમ અને ભકિત મહોરવા લાગ્યાં અને સાથે-સાથે તેમની સ્વભાવગત લંપટતા અને સાંસારિક મહત્ત્વાકાંક્ષાઓ કરમાવા લાગી. પશ્ચાત્ જીવનમાં તેઓ ગાઈ-વગાડીને કહેતા કે“જો કે હું જગાઈ-મધાઈનાં જેવાં દુષ્કર્મો કરનાર હતો છતાં ઠાકુરે મને પોતાનો ગણીને મારા પર કૃપા કરી છે.”શ્રીરામકૃષ્ણે બીજા કરતાં ગિરીશની જેમ કાલીપદને ઘણી છૂટછાટ આપી હતી જો કે તેના વિરુધ્ધ ઘણી ફરિયાદો હતી. અને તે થાય તે યોગ્ય પણ હતું-પરંતુ શ્રીરામકૃષ્ણે કોઈ દિવસ“તમે આમ ન કરો.” જેવા નકારાત્મક ઉપદેશ આપીને સમય બરબાદ ન કર્યો પરંતુ તેમણે તો પેલાઓના સ્વભાવમાં છુપાયેલી સારી પવિત્ર તથા સુંદર વૃત્તિઓ હતી તેનો વિકાસ કર્યો. આ પ્રકારના વિધેયાત્મક ઉપાયોથી કાલીપદની સુધારણા સરળ બની ૧૮ ઓક્ટોબર ૧૮૮૫એ શ્રીરામકૃષ્ણે કહ્યું હતું, “કાલીપદે કહ્યું છે કે તેણે શરાબ પીવાનું એકદમ છોડી દીધું છે.”

હૃદય અને બુદ્ધિના ગુણોથી સભર કાલીપદ બહુ જલદી શ્રીરામકૃષ્ણના ભક્તોના પ્રિયપાત્ર બની ગયા. વ્યવસ્થા શક્તિ ખૂબ સારી હોવાને કારણે કોઈપણ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિ સંભાળી લેવા તે ખુશીથી તૈયાર હતા. શ્રીરામકૃષ્ણ વારંવાર તેમને“મૅનેજર”કહેતા. તેઓ રસોઈશાસ્ત્રમાં પણ હોશિયાર હતા, એટલે ભક્તો તેમને કોઈવાર મજાકમાં“ગૃહિણી” પણ કહેતા.

સંગીતમાં ગાયન અને વાદનની તેમની અનોખી પ્રતિભા, એ એમની કલાત્મક વિશેષતા હતી. એકવાર તેમની બાંસુરી પરની મધુરતાન સાંભળીને શ્રીરામકૃષ્ણ સમાધિસ્થ થઈ ગયા હતા. એક વખત બાગબજારના બલરામ બોઝના ઘેર ગિરીશચન્દ્ર ઘોષ તથા કાલીપદે સાથે મળીને ખૂબ મસ્ત બનીને ગાયું હતું. જેનો ભાવાર્થ આમ હતો :“કોઈ જાણે કેમ મારું મન વ્યાકુળ થઈ રહ્યું છે. (નિતાઈ) મને પકડો (નિતાઈ) હરિનામની લહાણી કરવા માટે પ્રેમનદીમાંલહેરો ઊઠવા માંડી અને એ લહેરોમાં હું હવે વહી રહ્યો છું.”

બીજા માળનો હોલ ખીચોખીચ ભરાઈ ગયો હતો. પૂર્વાભિમુખ રાખી શ્રીરામકૃષ્ણ ખૂણામાં સમાધિમાં લીન થઈ ગયા હતા.

ગળાની વ્યાધિને કારણે સારવાર અર્થે શ્રીરામકૃષ્ણને જ્યારે-જ્યારે શ્યામપુકુર લઈ ગયા ત્યારે નવા ભાડાના મકાનને વ્યવસ્થિત કરવામાં કાલીપદે ઘણી મહેનત કરી હતી, ઘરની જરૂરી ચીજવસ્તુઓની સાથે દીવાલો પર દેવી-દેવતાઓની છબિઓ પણ ટીંગાડી હતી, જેથી શ્રીરામકૃષ્ણ સારામાં સારી સગવડ સાથે ત્યાં રહી શકે. વિનોદિની દાસીનો શ્રીરામકૃષ્ણ સાથે મેળાપ કરાવ્યો એ પણ કાલીપદ જ હતા. વિનોદિની દાસીએ ગિરીશ ઘોષના નાટકમાં ચૈતન્યનું પાત્ર ભજવ્યું હતું. બધાએ તેની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. શ્રીરામકૃષ્ણે પણ પ્રસન્ન થઈને કૃપા કરી હતી. પરંતુ શ્રીરામકૃષ્ણ પાસે પહોંચવું કેવી રીતે? તે અભિનેત્રીને પાશ્ચાત્ય ઢબનાં કોટ-પાટલુન પહેરાવ્યાં. પુરુષ રૂપમાં શ્રીરામકૃષ્ણ પાસે લઈ ગયા. મહેમાનને ઓળખી લીધા બાદ શ્રીરામકૃષ્ણ ખૂબ હસ્યા હતા અને પછી તો તેમણે તેને ઉપદેશ આપ્યો હતો.

વિશ્વાસથી કૃપા પેદા થાય છે. ૧૮૮૫નો કાલીપૂજાનો દિવસ હતો. ઠાકુરના આદેશથી ભક્તોએ તેમાં ખાસ કરીને કાલીપદે, શ્રીરામકૃષ્ણના ઓરડામાં કાલીપૂજાની વ્યવસ્થા કરી હતી. ઠાકુરની સામે ફૂલ, ચંદન, બિલીપત્ર, લાલ જવ, નૈવેઘ માટે ખીર, જુદી જુદી મિઠાઈઓ તથા બીજી પૂજાની સામગ્રી રાખી હતી. લગભગ ત્રીસ ભક્તો ત્યાં ભેગા થયા હતા. ઠાકુરે બધી ચીજો માને અર્પણ કરી. ઠાકુરની સલાહથી બધા તેમની સામે બેસીને ધ્યાન કરવા લાગ્યા ત્યારે ગિરીશચન્દ્રને એવો આભાસ થયો કે જાણે ઠાકુર તેમને (ગિરીશને) પોતાની (ઠાકુરની), અંદર જ જગન્માતાની પૂજા કરવાનો સુઅવસરઆપી રહ્યા છે! પોતાનો નાનો એવો તરંગ પણ પૂર્ણ કરવા માટે સદા તૈયાર એવા ગિરીશે પુષ્પમાળા શ્રીરામકૃષ્ણના ચરણે અર્પણ કરી. કાલીપદ અને બીજા બધાએ પણ તેમ જ કર્યું.

શ્રીરામકૃષ્ણના મનમાં એક ભાવતરંગ ઊઠ્યો અને તેઓ સમાધિસ્થ થઈ ગયા. મુખમંડલ દૈવી જ્યોતિથી પ્રકાશિત હતું. તેમના બન્ને હાથ વર તથા અભય દેનારી જગન્માતાની મૂર્તિ સમાન ઊંચા કરેલા હતા. કાલીપદ માટે આ એક પ્રેરક અનુભવ હતો. આશ્ચર્યચકિત કાલીપદે પણ બીજા ભકતોની જેમ એવો અનુભવ કર્યો કે શ્રીરામકૃષ્ણના રૂપમાં જગન્માતા પ્રક્ટ થઈને તે બધાને આશીર્વાદ આપી રહ્યાં છે. આ વિશેષ પૂજા પછી ભક્તોએ ભાવપૂર્ણ કીર્તન અને નૃત્ય કર્યાં.

ઠાકુરે કાલીપદ પર વ્યક્તિગત રીતે પણ કૃપા કરી હતી. ૨૩ ડિસેમ્બર ૧૮૮૫ના દિવસે કાશીપુર બાગમાં શ્રીરામકૃષ્ણે પોતાના ભક્તો પ્રત્યે અબાધિત પ્રેમની વર્ષા કરી હતી. કાલીપદના હૃદયને સ્પર્શ કરીને તેમણે કહ્યું હતું, “ચૈતન્ય થાવ”પછી તેમની ચિબુકને સ્નેહથી પકડીને ઉચ્ચ ભાવ અવસ્થામાં આવીને તેમણે કહ્યું હતું :“જેમણે હૃદયથી ઈશ્વરને પોકાર્યો હશે, જેમણે સાંધ્યઉપાસના કરી હશે તેમણે અહીં આવવુંજ પડશે.”આ વિરલ કૃપા પ્રાપ્ત કરીને કાલીપદ અભિભૂત થઈ ગયા. તેમણે પહેલાં કોઈ દિવસ આવી આનંદની અનુભૂતિની કલ્પના પણ કરી નહોતી.

કાલીપદ એ ભક્તવૃંદ માંહેના હતા, જે સૌ એમ માનતા હતા કે શ્રીરામકૃષ્ણ અવતારી પુરુષ છે. તેમજ એવું પણ માનતા કે તેમની જે આ બિમારી છે, તે ફકત લીલા છે, ને તેના દ્વારા કોઈ ગાઢ ઉદ્દેશ પૂર્ણ થશે. જ્યારે આ બાબત પરિપૂર્ણ થશે ત્યારે તેઓ આ ઘાતક રોગમાંથી પોતાની જાતને મુકત કરી લેશે. સ્વામી શારદાનંદજીએ લખ્યું છે.“કાલીપદ બધીબાબતોમાં ગિરીશનું અનુસરણ કરતા હતા. જો કોઈ દુરાચારી પશ્ચાતાપ પામીને શ્રીરામકૃષ્ણનો ચરણસ્પર્શ કરે તો તેમનો (શ્રીરામકૃષ્ણનો) રોગ વધી જાય એ વાતમાં તેમનો વિશ્વાસ નહોતો. કારણકે તેઓ શ્રીરામકૃષ્ણને યુગાવતાર માનતા હતા અને એટલે તેઓ બધા કર્મના નિયમોથી પર હતા.”

પરંતુ શ્રીરામકૃષ્ણ તો સ્વસ્થ થવાના નહોતા, એટલે જ્યારે ઑગષ્ટ ૧૮૮૬માં તેઓ મહાસમાધિમાં લીન થઈ ગયા ત્યારે કાલીપદને વિયોગનું ઘણું દુ:ખ થયું. જેમના પર તે આધાર રાખીને બેઠા હતા તે ભવસાગર પાર કરાવનાર નાવ દૃષ્ટિથી દૂર થઈ ગઈ હતી. એટલે કાલીપદ ભયભીત થઈ ગયા કે ફરીથી તેઓ ક્યાંક ડૂબી ન જાય. પરંતુ આ પ્રકારની નિરાશાથી ભાંગી પડવાને બદલે તેમણે ઠાકુરે આપેલ અમૂલ્ય આશ્વાસન અને વિશ્વાસનો સહારો લીધો.

ઠાકુરની છબિ સામે બેસીને તેઓ હૃદયના ઊંડાણથી પ્રાર્થના કરવા લાગ્યા :“હે ઠાકુર, દયા કરો. આપનાં દર્શન દો.”તેમણે રચેલ અનેક ગીતોમાં, તેમની શ્રીરામકૃષ્ણ પ્રત્યેની ભક્તિ અને ગાઢ પ્રેમ અભિવ્યકત થયેલાં છે. રામકૃષ્ણ યોગોદ્યાન મઠ દ્વારા ૧૮૯૩માં પ્રકાશિત ‘રામકૃષ્ણ સંગીત’તથા યોગવિનોદ આશ્રમ સિમુલતલા દ્વારા પ્રકાશિત ‘ઠાકુર નામામૃત’ (ઠાકુરનું નામામૃત) પુસ્તકોમાં કાલીપદની સાહિત્યિક પ્રતિભા, સંગીતજ્ઞાન તથા સર્વોપરી ઠાકુર પ્રત્યેની તેમની ગાઢ ભક્તિનું પ્રચુર પ્રમાણ જોવા મળે છે. તેમને જે ભય હતો કે તેઓ ફરીથી લપસી પડશે તે ઠાકુરની કૃપાથી દૂર થયો અને તેઓ ઈશ્વર તરફ લઈ જનાર યાત્રામાં આગળ વધતા રહ્યા. તેમનામાં થયેલું પરિવર્તન જોઈ લોકોને આશ્ચર્ય થતું.

જેમણે શ્રીરામકૃષ્ણનો જન્મોત્સવ ઉજવવાનું શરૂ કર્યું તેવા શરૂઆતના લોકોમાંના એક કાલીપદ હતા. ત્યાં સુધી કે શ્રીરામકૃષ્ણના જીવનકાળ દરમિયાન જ, રામચંદ્ર દત્ત, જે શ્રીરામકૃષ્ણ નામપ્રચાર માટે પ્રયત્નોકરતા હતા, તેમાં મનમોહન મિત્ર અને કાલીપદે તેમને દરેક પ્રકારની મદદ કરી હતી. રામચંદ્ર દત્તનાં વ્યાખ્યાનોમાં શરૂઆતમાં અને અંતમાં ગવાતાં ઘણાંખરાં ગીતો કાલીપદનાં રચેલાં હતાં. મુંબઈમાં પણ કાલીપદે શ્રીરામકૃષ્ણ જન્મોત્સવ મોટા પાયા પર ઉજવ્યો હતો. આ ઉત્સવોની સફળતાનું મુખ્ય કારણ કાલીપદની માનસિક શકિત અને અથાક મહેનતહતી.

રામકૃષ્ણ સંઘના શરૂઆતના દિવસોમાં વરાહનગર મઠમાં તેમનાથી શક્ય તેટલી મદદ તેઓ કરતા હતા. તેમની તે વિલાયતી કંપનીમાં ઉચ્ચ સ્થાને મુંબઈ બદલી થઈ ગઈ. તો પણ વરાહનગર મઠને તેમની મદદ બરોબર મળતી રહી. રામકૃષ્ણ સંઘના જે કોઈ સંન્યાસી એ તરફ ભ્રમણ અર્થે જતા ત્યારે તેઓ પોતાના શ્રીઠાકુરના આ ભકતને ત્યાં અચૂક જતા.

નવગોપાલ ઘોષને ત્યાં જે વાર્ષિક ઉત્સવનું આયોજન થયું હતું. તેમાં શ્રીરામકૃષ્ણ પ્રત્યેના કાલીપદના અગાધ પ્રેમનું દર્શન થતું હતું. કાંકુડગાછીના ભક્તો કરતાલ અને મૃંદગ લઈને કીર્તન કરતા હતા, જ્યારે કાલીપદ, બીજા ભક્તો સાથે ચૂપચાપ બેઠા હતા. જેવા ગિરિશચંદ્ર ત્યાં આવ્યા કે તે લોકો વધારે ઉત્સાહથી મૃદંગ વગાડવા લાગ્યા. તેને કારણે ગિરીશ તથા કાલીપદ પણ તે કીર્તનમાં જોડાવા માટે તૈયાર થઈ ગયા. પોતાને પરિચત એવા આ ‘જગાઈ-મધાઈ’ને ઘેરીને ભકતજનો નૃત્ય કરવા લાગ્યા. હલબલાવી દેનાર તાલની ગતિએ ગિરીશ અને કાલીપદને પણ નૃત્ય કરતા કરી દીધા. તેમનાં વજનદાર શરીરના ઉપલા ભાગમાં વસ્ત્ર નહોતાં અને તેઓ લય તથા તાલ સાથે આગળ પાછળ થતા હતા. નવગોપાલે બંનેને માળા પહેરાવી. થોડા સમય બાદ બંને જણ એકબીજાના હાથમાં હાથ પરોવી સ્થિર ઊભા રહી ગયા તેમની આંખો બંધ હતી અને મુખેથી રામકૃષ્ણ ઉચ્ચારણ થતું હતું. તેમનાંમુખારવિંદ શ્રીરામકૃષ્ણની કૃપાને કારણે ઉજ્જવલ લાગતાં હતાં. ભક્તમંડળ ઉત્સાહપૂર્વક તાલ સાથે કીર્તન અને નૃત્ય કરતું હતું. આ ખરેખર એક વિરલ દૃશ્ય હતું.

કાલીપદ પોતે વ્યક્તિગત રીતે કોઈની સેવા લેતા નહોતા, પરંતુ બીજાની સેવા કરવા પોતે સદા તત્પર રહેતા તેમનો રોષ વહોરીને જ કોઈ તેમની ચરણરજ લઈ શકતું. ક્રોધ અને અહંકારે તો લગભગ વિદાય લઈ લીધી હતી. એક વખત કોઈ દુષ્ટ માણસે તેમના ગાલ પર એક તમાચો ચોડી દીધો, તો પણ રુષ્ટપુષ્ટ કાલીપદે તેનો કોઈ સામનો કર્યો નહોતો. જ્યારે મિત્રોએ તેમને સામનો કરવાનું કહ્યું, ત્યારે તેમણે નમ્રતાથી કહ્યું“શું તે દુષ્ટે મને માર્યું છે? હું તો શ્રીરામકૃષ્ણનો સેવક છું. મને કોણ મારી શકે? જેમણે મને તે દિવસે માર્યું હતું, તે તો શ્રીરામકૃષ્ણ જ હતા.” તેમને દૃઢ વિશ્વાસ હતો કે શ્રીરામકૃષ્ણે તેનો ભાર લઈ લીધો છે.

કાલીપદનાં સાહસ અને ઉદારતા જોઈને નરેન્દ્રે (સ્વામી વિવેકાનંદે) તેમનું નામ ‘દાનાકાલી’રાખ્યું. હતું. વિશાલ હૃદયવાળા કાલીપદ ઉદાર હાથે દાન દેવા માટે તથા અડગ વિશ્વાસ માટે પ્રસિદ્ધ હતા. એટલે નરેન્દ્રે દીધેલું નામ તેમને માટે યથાયોગ્ય હતું.

૧૯ જાન્યુઆરી, ૧૮૯૯ના રોજ રામચંદ્ર દત્તના નિધન બાદ જ્યાં શ્રીરામકૃષ્ણનાં પવિત્ર અસ્થિની પૂજા થાય છે તે કાંકુડગાછી અને શ્રીરામકૃષ્ણ યોગોઘાનની વ્યવસ્થાનો ભાર કાલીપદે પોતાની ઉપર લઈ લીધો.

ઘર તથા નોકરી – એમ બન્ને જગ્યાએ તેમની શ્રીરામકૃષ્ણ પ્રત્યેની ભક્તિ અને નિષ્ઠા દેખાતી હતી. તેમની બહેન શ્રીમતી મહામાયા મિત્રા શ્રીરામકૃષ્ણની મોટી ભકત હતી. તેમનાં ત્રણ પુત્રો અને બે પુત્રીઓમાં સોથી મોટો પુત્ર બારિન્દ્રકૃષ્ણ સૌથી વધારે પ્રતિભાવંત હતો. તેનું નિધન ૪૭ વર્ષની નાની ઉંમરે થયું હતું. પરંતુ પોતાના પિતાના સિદ્ધાંતોમાટેની નિષ્ઠાને કારણે તેમને યાદ કરવામાં આવે છે. પોતાના દરેક કાર્ય અને તેની સફળતામાં શ્રીરામકૃષ્ણની કૃપાનો અનુભવ જ કાલીપદ કરતા હતા. જે વિલાયતી પેઢીમાં તેઓ કામ કરતા હતા તેના મુખ્યકેન્દ્ર અને શાખાકેન્દ્રોમાં તથા ઘરમાં શ્રીરામકૃષ્ણની છબિ લગાડીને તેમણે પોતાની એ અભિવ્યકિત જાહેર કરી હતી.

કાલીપદે પોતાના મિત્રોને કહ્યું હતું, “એમ તો શ્રીરામકૃષ્ણને કોઈ પ્રશ્ન પૂછ્યો નથી. તેમની પાસેથી એકવાર મેં આશ્વાસન મેળવી લીધું અને હું સંતુષ્ટ થઈ ગયો. મેં તેમને પ્રાર્થના કરી હતી કે મૃત્યુ સમયે તેઓ મને એક હાથે પકડીને તથા બીજા હાથમાં ફાનસ લઈને લઈ જાય.”શ્રીરામકૃષ્ણે તેમની પ્રાર્થનાનો સહર્ષ સ્વીકાર કરતાં કહ્યું હતું કે“તારી મન:કામના પૂર્ણ થશે.” ૨૮ જૂન ૧૯૦૫ની રાત્રે ૯-૩૦ કલાકે મૃત્યુ સમયે કાલીપદના બન્ને હાથ ઊંચા થયેલા હતા અને ચહેરો ચમકી રહ્યો હતો. સ્વામી પ્રેમાનન્દજી સહિત જે લોકો ત્યાં હાજર હતા તે સૌને એમ લાગ્યું કે કાલીપદને આપેલું વચન શ્રીરામકૃષ્ણે અક્ષરશ: પૂર્ણ કર્યું છે. ૩૦, શ્યામપુકુર સ્ટ્રીટના (કલકત્તાના) ત્રણ મજલાના મકાનના ત્રીજા માળે આવેલા ઓરડાની આ ઘટના છે.

કાલીપદનું જીવન એ તથ્યનું જીવંત પ્રમાણ છે કે શ્રીરામકૃષ્ણની કૃપા કેવી આશ્ચર્યકારક રીતે કામ કરે છે. પારસ જેમ લોખંડને સુવર્ણમાં ફેરવી નાખે છે તેવીજ રીતે ભોગ અને સંસારમાં ડૂબેલા એવા કાલીપદ ઘોષનું શ્રીરામકૃષ્ણે એક સંતમાં પરિવર્તન કરી દીધું તેઓ શ્રદ્ધાથી જીવ્યા અને છેવટે શ્રીરામકૃષ્ણની ગોદમાં ચિરશાંતિને પામ્યા. મૃત્યુ સમયે તેમના ચહેરા પરની દિવ્યતા આજે પણ ગૃહસ્થ ભકતોના હૃદયમાં આશા અને વિશ્વાસનો સંચાર કરે છે.

ભાષાંતર : શ્રીમતી પુષ્પા પંડ્યા

Total Views: 192

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.