શ્રીકૃષ્ણ જન્માષ્ટમી (૨૧ ઑગસ્ટ) પ્રસંગે

ભારત વર્ષની સાંસ્કૃતિક સીમા જાણે કે અંકિત કરતાં હોય એમ એની ચારે દિશાએ ચાર તીર્થધામો રખેવાળી કરતાં ખડાં છે: પૂર્વમાં પુરી, ઉત્તરમાં બદરીકેદાર, દક્ષિણમાં રામેશ્વરમ્ અને પશ્ચિમમાં પ્રસ્તુત દ્વારાવતી કે દ્વારકા આવેલ છે.

આ દ્વારકા કે દ્વારાવતીની ગણના સાત મુક્તિપુરીઓમાં પણ કરવામાં આવે છે : અયોધ્યા, મથુરા, માયા (હરિદ્વાર), કાશી (વારાણસી), કાંચીં (કાંજીવરમ્), અવન્તી (ઉજજૈન) અને સાતમી આ દ્વારાવતી કે દ્વારકાપુરી છે.

આ મુક્તિપુરીનું માહાત્મ્ય ઠેઠ પ્રાગૈતિહાસિક – પૌરાણિક કાળથી માંડીને આજ સુધી ગવાતું આવ્યું છે. મહાભારત, હરિવંશ, વિષ્ણુપુરાણ, વાયુપુરાણ, ભાગવત, વરાહપુરાણ, સ્કંદપુરાણ વગેરે અનેક ગ્રંથોમાં દ્વારકા વર્ણવાઈ-વખણાઈ છે અને સ્કંદપુરાણમાં તો દ્વારકાવર્ણન માટે ખાસ્સા ચુમ્માલીસ અધ્યાયો ફાળવાયા છે.

આ બધામાંથી આપણને દ્વારકાની સ્થાપના, સમૃદ્ધિ, સર્જન-વિસર્જન સ્થળ વગેરેની માહિતી પણ એના મહિમાગાન સાથે સાંપડે છે. ઉપર્યુક્ત ગ્રંથોમાં પણ હરિવંશમાં ઇતિહાસતત્ત્વ વધુ હોવાનું વિદ્વાનો માને છે. આ બધાંની સંકલિત સળંગ કથા કંઈક આવી છે:

કશ્યપની પાંચમી પેઢીએ થયેલ શર્યાતિ કુશસ્થલીનો અનેક દ્વીપનો રાજા હતો. એના વંશમાં કુકુદ્મી રૈવત નામે રાજા થયો. આજનું આખું સૌરાષ્ટ્ર એના તાબામાં હતું. રાજ્યવ્યવસ્થાની સગવડ માટે શાર્યાતોએ જૂનાગઢમાં રાજધાની બદલી પણ તે સ્થાનના આદિવાસીઓ, યક્ષો અને પુણ્યજનોએ સૌરાષ્ટ્રમાં એવો ત્રાસ વર્તાવ્યો કે આ કુકુદ્મી રૈવતને સપરિવાર નાસી જઈને મથુરાના યાદવોનું શરણું સ્વીકારવું પડ્યું. એણે બલરામને પોતાની પુત્રી રેવતી પરણાવી પણ મથુરામાં યાદવો પોતે જ સલામત ન હતા. કૃષ્ણે કંસવધ કર્યો પછી કંસના સસરા જરાસંધના વારંવારનાં આક્રમણોથી યાદવો પરેશાન હતા. યાદવોને મગધથી દૂર વસાવવા શ્રીકૃષ્ણ વિચારી જ રહ્યા હતા, ત્યાં જ શરણાગત કુકુદ્મીએ કુશસ્થલીમાં આવવા વિનંતી કરી એટલે શ્રીકૃષ્ણ યાદવો સહિત જુદાજુદા પ્રદેશોમાં થઈ કુશસ્થલી પહોંચ્યા અને બધા બળવાખોરોને પરાસ્ત કરીને સાગરકાંઠે કિલ્લેદાર દ્વારકા વસાવ્યું. શ્રીકૃષ્ણ પાસે કાલયવન-મુચકુંદ વચ્ચે કરાવેલા યુક્તિપૂર્વકના યુદ્ધને પરિણામે જે ધન હતું, તેનો દ્વારકાપુરીની રચનામાં તેમણે ઉપયોગ કર્યો, દ્વારકાનો અન્ય દેશો સાથે વેપાર વધ્યો, કુદરતી બંદર હોવાથી જબરો વિકાસ થયો, સમૃદ્ધિ છલકાઈ ઊઠી – દ્વારકા જાણે કે સોનાની બની ગઈ! આ દ્વારકા શ્રીકૃષ્ણની વિહારભૂમિ, પરાક્રમભૂમિ, શાસનભૂમિ અને ભારતપ્રવેશનું પશ્ચિમી દ્વાર બની ગઈ.

પણ અતિવિલાસ જીવનનો ઉપહાસ છે. યાદવોના વિલાસમદે શિસ્ત તૂટી. શ્રીકૃષ્ણ જ્યારે ભારતના વિશાળ રાજકારણમાં પડીને પાંડવોને સ્થિર કરવામાં રોકાયેલા હતા, ત્યારે લગામવિહોણા યાદવોએ સાગરને ખાળતી મજબૂત દીવાલમાં પડી ગયેલાં બાકોરાં સમાર્યા નહિ અને હાથે કરીને સાગરની આફતો નોતરી. વળી, આ છકેલા યાદવોએ નજીકના પિંડતારક ક્ષેત્રમાં વસતા મુનિઓની મશ્કરી કરીને આત્મનાશનો વિનાશનો શાપ પણ નોતર્યો. શાપને કારણે કૃષ્ણપુત્ર સામ્બને કુષ્ટરોગ થયો. એનું નિવારણ કરવા ઈરાનથી મગબ્રાહ્મણો બોલાવવામાં આવ્યા. તેઓ અહીં વસ્યા. અહીં તેમણે સૂર્યપૂજા પ્રચલિત કરી.

સુરાપ્રેમી સ્વચ્છંદી યાદવોની સાગર ખાળતી દીવાલની મરામત કરવાની બેદરકારીથી આવી પડનારા સાગરપ્રલયની આગાહી કરીને બધા જ યાદવોને ત્વરિત દૂરની પ્રભાસયાત્રાએ ચાલ્યા જવાનો આદેશ આપ્યો. અને વૃદ્ધો, સ્ત્રીઓ તેમજ બાળકોને નજીકના શંખાદ્ગાર બેટમાં મોકલી દીધાં. પોતે પણ પ્રભાસ પધાર્યા અને મંદિરોન્મત્ત યાદવોની પરસ્પરની હત્યા યાદવાસ્થળી નજરે નિહાળી સ્વધામ ગયા. હસ્તિનાપુરમાં શ્રીકૃષ્ણે પહેલાં મોકલેલા સંદેશા અનુસાર અર્જુન શંખોદ્ધારમાંથી યાદવ વૃદ્ધો, સ્ત્રીઓ અને બાળકોને ઇન્દ્રપ્રસ્થ તેડી જવા આવ્યો અને રસ્તામાં પંચનદ પંજાબના આભીર લોકો દ્વારા લૂંટાયો અને ખાલીખમ દ્વારકા ભગવાન શ્રીકૃષ્ણના ઊંચા મહેલ સિવાય આખીય સાગરમાં ડૂબી ગઈ.

યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણના સગીરવયના પ્રપૌત્ર વજનાભનો એની પૈતૃક રાજગાદી પર રાજ્યાભિષેક કર્યો. વયમાં આવ્યા પછી વજનાભે દ્વારકા આવીને દાદાની સ્મૃતિમાં હરિદ્વારનું નિર્માણ કર્યું.

પણ આજે ભારતમાં જેમ એક નામવાળાં અનેક ગામો-શહેરો જોવા મળે છે, તેમ આ દ્વારકા નામવાળાં નવેક સ્થળો જોવા મળે છે. પોતાના ગામ સ્થળને પોતાના આદર્શ’ સાથે સુસંગત બનાવવાની ઝંખનાથી આમ બન્યું હોય, કે પછી મથુરાથી કુશસ્થલી આવતાં શ્રીકૃષ્ણે જે-જે સ્થળે પડાવ નાખ્યો હશે, તે-તે સ્થળને સ્મૃતિરૂપે ‘દ્વારકા’ નામ અપાયું હોય ગમે તે રીતે પણ દ્વારકા નામનાં નવ સ્થળો મળે છે. સૌરાષ્ટ્રમાં જ જૂનાગઢ, માધવપુર, કોડીનારની નજીકનું મૂળદ્વારકા, પોરબંદર પાસેના વીસાવાડાને અને ઓખામંડળના (૨૨-૧૫º, ૬૯-૦º) સુપ્રસિદ્ધ દ્વારકા – આમ પાંચ સ્થળો દ્વારકા નામધારી છે. વળી, પંજાબ, સિંધ, મારવાડ અને મન્નારગુડીમાં પણ એકેક દ્વારકા હોવાનું મનાય છે!

આમ હોવાથી શ્રીકૃષ્ણની ખરી દ્વારકાના ભૂમિખંડ વિષે વિદ્વાનોમાં ઊહાપોહ જાગ્યો છે. આપણી પાસે અત્યારે તો ફક્ત પુરાણવર્ણિત પુરાવાઓ સિવાય કશી નિર્ણાયક સામગ્રી નથી. એટલે મહદંશે પુરાણવર્ણન અને ૧૯૬૯માં ડૉ. સાંકળિયાએ નિજમંદિર પાસે કરાવેલા ઉત્ખનનનો થોડો આધાર લઈને જ આપણી વાત પ્રમાણિત કરવી રહી! કારણ કે અન્ય સ્થળોએ તો આવા ઉત્ખનનોની પસંદગી હજી પુરાતત્ત્વવિદોએ ઉતારી નથી. એટલે પુરાણવર્ણન અને હાલની ભૌગોલિક પરિસ્થિતિનો મેળ બેસે એ રીતે વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે.

પુરાણોમાં સાગરસામીપ્ય, રૈવતકસામીપ્ય અને બેટ – દ્વીપરૂપ એમ કૃષ્ણદ્વારકાના ભૂમિખંડનાં લક્ષણો બતાવ્યાં છે. એટલે પંજાબ, સિંધ, મારવાડ કે મદ્રાસની દ્વારકા, એ કૃષ્ણની દ્વારકાનો ભૂખંડ હોવાનો સંભવ નથી.

રૈવતકસામીપ્યને મુખ્ય અને સાગરસામીપ્યને ગૌણ ગણીને શ્રી દુર્ગાશંકર શાસ્ત્રી અને શ્રી ભણસાલી જેવા વિદ્વાનો જૂનાગઢને (જીર્ણદુર્ગને)જ દ્વારકાનો ભૂખંડ માને છે, પણ સાગરસામીપ્યને ગૌણ ગણવાનું કારણ શું છે? રૈવતકસામીપ્યને શા માટે ગૌણ ન ગણવું, એનું સબળ કારણ કોઈ જડતું નથી. સાગર, બેટ અને રૈવતકનું સામીપ્ય કોડીનાર પાસેની મૂળદ્વારકા, વીસાવાડા અને ઓખા મંડળ એમ ત્રણે સ્થળે હોવા છતાં પુરાણમાં રૈવતકપર્વત દ્વારકાની પૂર્વ દિશાએ બતાવેલો હોઈને મૂળ દ્વારકાનો શ્રીકૃષ્ણની દ્વારકાના ભૂખંડ હોવાનો દાવો વજૂદ વગરનો થઈ જાય છે. વીસાવાડામાં આ બાધ જો કે નથી. છતાં પુરાણોમાં વર્ણવેલી કૃષ્ણદ્વારકાના ભૂખંડની ભૌગોલિક પરિસ્થિતિ ઓખામંડળની દ્વારકા સાથે જ બરાબર રીતે બંધ બેસે છે: દ્વારાવતીનો પુરાણણિત વિસ્તાર (૧૨ યોજન ૧૨ x ૮ = ૯૬ માઈલ), પિંડતારકીર્થ (પિંડારક)નું નજીકપણું, શંખોદ્ધાર બેટનું નજીકપણું, ભૂમિગત વિશેષતા, માટીની લાલાશ વગેરે બધું ઓખામંડળની દ્વારકાને જ કૃષ્ણદ્બારાવતીનો ભૂખંડ ઠરાવે છે આ રીતે માધવપુરનો દાવો પણ નકામો સાબિત થાય છે. ઓખામંડળ એ નામ પણ કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધની પત્ની ઉષાના નામ પરથી પડ્યું છે.

શ્રી ડે, અલ્તેકર, પાર્જિટર અને પુસાલકર જેવા વિદ્વાનો આવો વિચાર કરીને જ પોરબંદર પાસેના બરડાની ગિરિમાળાને જ રૈવતક પર્વત ગણાવ્યો. એ ઓખામંડળથી ફક્ત પંદર માઈલ જ દૂર છે; વીસાવાડાની દિશા પુરાણસંગત નથી. વળી, શાસકો, નેતાઓ અને મહાત્માઓનાં નામો તે તે સ્થાનની એક કે વધારે વસ્તુઓને આપવાનો રિવાજ તો છે જ એટલે કુશસ્થલીથી જૂનાગઢમાં જ્યારે રૈવત રાજધાની બદલી હશે, ત્યારે તેના નામથી ઉજ્જયંત કહેવાતા પર્વતને પણ પોતાનો બરડા પર્વતના જ નામકરણથી નવા નામે યુક્ત કર્યો હશે. તદુપરાંત, પુરાણો પ્રમાણે યાદવોને સાગરે આ ભૂમિ આપી હતી, એટલે જ એનું ભૂસ્તર સૌરાષ્ટ્રનાં ભૂસ્તર કરતાં જુદું છે. આ ભૂખંડનું પેટાળ જળકૃત ખડકોનું બનેલું છે અને સૌરાષ્ટ્રનું ભૂસ્તર અગ્નિકૃત ખડકોનું છે. આ વાત હરિવંશમાં વિ.પં. ૫૬/૨૫માં લખી છે. હરિવંશમાં વિ.પં. ૫૫/૯માં જણાવ્યા મુજબ જ અહીં વનસ્પતિ અને પ્રાણીજીવન પણ પાંગરેલ છે. ઈસુની પહેલી સદીમાં લખાયેલ પ્રાચીન ગ્રીક સાગરકથામાં દ્વારકાના દરિયાને ‘બારાકા’ કહ્યો છે. સમુદ્રસપાટીથી ઊંચે વસેલાં સાત ગામોને વહાણવટીઓએ દૂરથી ટાપુઓ તરીકે નિહાળીને આ ‘બારાકા’ને સાતટાપુનો પ્રદેશ કહ્યો છે તે જ આ દ્વારકાનો પ્રદેશ છે. ઉત્ખનનમાંથી સાંપડેલ ઉલુ ખલો, યક્ષકન્યાઓ, ભૂસ્તર, સાગર, વનસ્પતિ, પ્રાણીઓ, ભૌગોલિક પરિસ્થિતિ, દ્વારાવતીનું નામ, ઓખામંડળનું નામ, પૌરાણિક સ્થાનો વગેરે બધું જ કૃષ્ણની દ્વારકાનો ભૂખંડ ઓખામંડળનો જ ભૂખંડ હોવાની પ્રતીતિ કરાવે છે.

વિદ્વાનોએ ગણતરી કરીને શ્રીકૃષ્ણનો સમય આજથી આશરે ૩૪૦૦ પહેલાંનો નક્કી કર્યો છે. એટલે દ્વારકા સાગરમાં ડૂબી ગયા પછી શ્રીકૃષ્ણના પૌત્ર વજનાભે દાદાની સ્મૃતિમાં બંધાવેલા હરિગૃહનો સમય આજથી આશરે ૩૩૦૦ વર્ષ પહેલાંનો ગણી શકાય. દુર્ગાશંકર શાસ્ત્રી જેવા પ્રતિપક્ષી અને વિખ્યાત વિદ્વાનો પણ ઓછામાં ઓછું આ મંદિરને ગુપ્તકાળ પહેલાંનું તો અવશ્ય સ્વીકારે જ છે. અવારનવાર એની મરામત થયા કરી હોય, એ જુદી વાત છે. આ હરિગૃહ આજના દ્વારકાનું મુખ્ય આકર્ષણ છે. એને દ્વારકાધીશમંદિર, નિજમંદિર, જગતમંદિર, વિલોકસુંદર રણછોડરાય વગેરે નામોથી ઓળખવામાં આવે છે. શ્રી દુર્ગાશંકર શાસ્ત્રી તો દ્વારકાનો વિષ્ણુતીર્થ તરીકેનો સ્વીકાર મહમદ ગઝનીના આક્રમણ પછી થયો એમ પણ માને છે’ પણ મહમદ પહેલા ગ્રંથમાં સો-દોઢસો વર્ષો પર થયેલા લક્ષ્મીધરે પોતાના તીર્થંકલ્પદ્રુમ નામના ગ્રંથમાં તત્કાલીન પ્રચલિત પ્રસિદ્ધ તીર્થોમાં વિષ્ણુતીર્થ તરીકે દ્વારકાનું પેટ ભરીને વર્ણન કર્યું છે અને વારાહપુરાણનાં મબલખ ઉદ્ધરણોથી એને મઢ્યું છે. એટલે શાસ્ત્રીજીનું તારણ યોગ્ય લાગતું નથી.

ગોમતીતટે સાગરસપાટીથી ૪૦°ની ઊંચાઈએ આવેલ ૧૨૫ ફૂટ ઊંચું આ કૃષ્ણપૌત્ર વજનાભનિર્મિત કહેવાતું દ્વારકાનું સુવિખ્યાત નિજમંદિર-જગતમંદિર મુખ્ય બે ભાગમાં વહેંચાયેલું છે : ૧ લાડવા મંદિર અને ૨ નિજમંદિર. સાત માળના નિજમંદિરમાં શ્રીકૃષ્ણ બિરાજે છે અને ૭૫ ફૂટ ઊંચા લાડવા મંદિરમાં લોકો ઊભા રહીને ભગવાનનાં દર્શન કરે છે. મંદિરે પૂર્વ-પશ્ચિમ ૯૦ ફૂટ અને ઉત્તર-દક્ષિણ ૭૨ ફૂટના માપનું છે અને એક જ શિલામાંથી બનાવેલા એવા ૮૦ થાંભલાઓને ટેકે છેક ઉપર સુધી જાય છે! મંદિરમાં ક્યાંય કમાન નથી. કમાનની જગ્યાએ લીટેલ તરીકે તેવડી જ મોટી બબ્બે ટનની શિલાઓ ચડાવવામાં આવી છે. આમ સંપૂર્ણ પથ્થરોથી જ ચણેલ આ મંદિર સ્થાપત્યકલાની એક અજાયબી છે. અત્યારે દેખાતી કમાનો પાછળથી મૂકી છે. અરે, ક્યાંય ચૂના-ગારા વગરના આ મંદિરમાં ઉપર જવા માટેની સીડીઓ પણ એક જ પથ્થરમાંથી કોતરી કઢાઈ હતી!

પુરાણોના વર્ણનાનુસાર કૃષ્ણની દ્વારકા સાગરમાં ગરક થતાં તો બચી ગયેલ કૃષ્ણવાસ તે જ આ ૭૨ x ૭૨ અથવા ૧૬’ના પાંખવાળી ચોપાટ જેવું, ઈશાન-નૈઋત્ય અને અગ્નિ-વાયવ્યે ૪૦ના માપનું પણ દિશામાં સમાકૃતિ, ચારે દિશામાં ચૌદ-ચૌદ સ્તંભવાળું લાડવા મંદિર છે. એનો સભાગૃહ તરીકે પણ ઉપયોગ થતો હશે. ૫૬ સ્તંભો પર પાંચ માળનું ચણતર, વચ્ચે ૨૫ x ૨૫ ના રમતગમતના ચોક, ચોકરમતો જોવાની સરળતા માટે જરા બહાર કાઢેલા ઝરૂખાઓ, ઝરૂખો ફરતી બેઠકો એનું પ્રમાણ છે. યુદ્ધનિરત યાદવોમાં શિલ્પકલા વિકસી ન હતી એટલે આ લાડવામંદિર – આવાસ – સભાગૃહમાં ઝાઝું શિલ્પ નથી, પણ પાછળથી શિલ્પકળા વિકસતાં ભારોભાર શિલ્પોથી ભરેલ નિજમંદિર લાડવા મંદિર સાથે એકભાગે જોડી દેવાયું છે, એ પાછળનું નિર્માણ હિન્દુપ્રજામાં મોડેથી થયેલા મૂર્તિપૂજાના પ્રવેશ પછીનું આ નિર્માણ એટલે પાછળથી કોઈ બીજા યદુવંશી રાજાએ કરેલું આ નિર્માણ છે. તોયે આશરે ૧૮૦૦થી ૨૫૦૦ વર્ષ પહેલું તો આ નિર્માણ ખરું જ. આ નિજમંદિરની સ્થાપત્યકલામાં અતિપ્રાચીનથી માંડીને અતિઅર્વાચીન કલા દેખાય છે એનું કારણ જુદા જુદા કાળખંડોમાં જુદાજુદા લોકોની દેખરેખ નીચે એનું નિર્માણ થયું તે, અને વારેવાર મરામત થવી તે છે. પણ મંદિરરચનાના સિદ્ધાન્તો, ભાવનાઓ, પરંપરાઓ વગેરેને કારણે નિજમંદિર અદ્ભુત છે, અનન્ય છે!

સદીઓથી ભારતીય જનગણ આ ભૂમિખંડને જ કૃષ્ણની વિહારભૂમિ માની રહ્યો છે, ભારતની જનતાનું ભાવજગત સૈકાઓથી આ ભૂખંડ સાથે જડાયું છે.

આદિ શંકરાચાર્યે અહીં જ શારદાપીઠનું સ્થાપન કર્યું છે; દીન-દીવાના ઠાકોરવાસી બોડાણાની ભક્તવત્સલ ભગવાને અહીં જ વાંછા પૂરી કરીને એની પત્નીની નાકની વાળીએ વેચાયાની વાયકા વહેતી થઈ છે; અહીં જ જૂનાગઢના કવિ નરસિંહ મહેતાની હૂંડી ભગવાને શામળશા શેઠનું રૂપ ધરીને સ્વીકારી હતી. અહીં જ મેવાડી મીરા ભગવાનમાં સમાઈ ગયાં હતાં; અહીં જ ૧૦૩૬-૫૦ના ગાળામાં શ્રીરામાનુજચાર્યે યાત્રા કરીને પોતાના સંપ્રદાયના વ્યૂહના પારિભાષિક શબ્દો અને આરાધ્ય પ્રદ્યુમ્નાદિ દેવોની વરણી કરી હતી; મધ્વાચાર્ય પણ અહીં જ ૧૨૩૬-૪૦ના સમયગાળામાં યાત્રાએ આવ્યા હતા; મહારાષ્ટ્રના જ્ઞાનેશ્વર અને બંગાળના ગોવિંદસ્વામી પણ અહીં જ યાત્રાએ આવ્યા હતા; વલ્લભાચાર્યજી તો ત્રણ વખત આ સ્થળની મુલાકાતે આવ્યા હતા અને અહીં જ તેમણે છ વખત ભાગવતપારાયણ કર્યું હતું; ચૈતન્ય ગૌરાંગે અહીં ભક્તિરસ પીધો હતો. નાનક આદિ અનેક સંતો, ભક્તોના મિલનમેળા અહીં અનવરત જામતા રહ્યા છે, ભાવુક ભક્તજનોનાં ભજનો અને ધૂનો સદીઓથી અહીં ગુંજતાં રહ્યાં છે. અને હજુ પણ એ પ્રવાહ અવિચ્છિન્ન રીતે ચાલુ રહ્યો છે.

અહીંના યાત્રિકે દંડ, મુંડ અને દાનની વિવિધ કસોટી પસાર કરવી પડે છે, એમ કહેવાતું એટલે કે સ્નાનાર્ચાનાદિ માટે એણે કર ભરવો પડે છે, માથું મુંડાવવું પડે છે અને શંખચક્રાદિની હાથ વગેરે પર લોઢાના તપાવેલાં બીબાંથી છાપ લેવી પડે છે. પરંતુ, ૧૯૪૩માં ત્યારની ગાયકવાડ સરકારે કર લેવો બંધ કર્યો છે. મુંડન અને છાપ પણ હવે કેવળ રૂઢિચુસ્ત ગણ્યા ગાંઠયા યાત્રિકો પૂરતા જ મર્યાદિત થઈ ગયાં છે.

દ્વારકાથી આશરે વીસેક માઈલ દૂર, કચ્છના અખાતમાં બેટ દ્વારકા નામે એક ટાપુ છે. એ વલ્લભસંપ્રદાયનું સ્થાન છે. આ બેટમાં રણછોડજી અને શંખોદ્ધારનાં બે મુખ્ય મંદિરો છે. અહીનાં બીજાં સ્થળો અને મકાનોને કૃષ્ણના મહેલ અને રુકિમણી વગેરે કૃષ્ણ પત્નીઓના આવાસ તરીકે ઓળખવામાં આવે છે.

કથા કહે છે કે સત્ યુગમાં શંખાસુર આ સ્થળના ઋષિમુનિઓને ત્રાસ આપતો તેથી ભગવાને મત્સ્યાવતાર ધારણ કરી એને હણ્યો હતો, એની સ્મૃતિમાં એ ઋષિમુનિઓએ અહીં આ શંખનારાયણનું મંદિર બંધાવ્યું હતું.

બેટ દ્વારકાને રસ્તે જતાં ગોપીતળાવ આવે છે. આ યાત્રાળુઓ એની ધોળી માટી-ગોપીચંદનને-પોતાની સાથે લઈ જાય છે, અને ઘેરે રોજ એ ગોપીચંદનથી પોતાનાં હાથ, છાતી અને કપાળ પર તિલક કરે છે.

દ્વારકા પાસે પિંડતારક-પિંડારક નામે એક બીજું પ્રાચીન સ્થળ છે. કહેવાય છે કે ત્યાં પિતૃઓને અપાતાં પિંડો પાણીમાં તરે છે. તેથી જ એનું આવું નામ પડ્યું છે. અહીં જ શ્રીકૃષ્ણના છકેલા પુત્ર સામ્બે સગર્ભા સ્ત્રીનો વેશ પહેરીને ૠષિઓની મશ્કરી કરી હતી અને વંશનાશક શાપ વહોર્યો હતો.

ગોમતી, ગોમય, ગોદાન, ગોપીચંદન અને ગોપીનાથ – આ પાંચ ‘ગ-કારો’ દ્વારકાયાત્રાનાં મહત્ત્વનાં અંગો છે. આ સાંગ યાત્રાનું માહાત્મ્ય સ્કંદપુરાણમાં પેટ ભરીને ગવાયું છે.

કૃષ્ણની આ વિહારભૂમિથી ભારતવર્ષ ભાગ્યવંત છે. વિશેષત: ગુજરાતની ધરતી પાવન બની છે. કવિ વીર નર્મદના શબ્દોમાં આપણેય ગાઈ ઊઠવાની ઇચ્છા થાય છે :

છે સોમનાથ ને દ્વારકેશ, પશ્ચિમ કેરા દેવ;
છે સહાયમાં સાક્ષાત્, જયજય ગરવી ગુજરાત…”

“(જય જય હો ભારત માત)”

સંદર્ભ:

૧ દ્વારકા: સંપાદક – શ્રી પુષ્કરભાઈ ગોકાણી અને ડૉ. જયંતીલાલ ઠાકર, પ્રકાશક-નવભારતી કાર્યાલય, શારદાપીઠ, દ્વારકા

2 Immortal India by J H Dave (Bharatiya Vidya Bhawan, Bombay)

૩ શ્રી હસમુખ સાંકળિયાના ‘જર્નલ ઑફ એશિયાટિક સોસાયટી’માં મુદ્રિત લેખો

૪ વિવિધ અખબારોમાં છપાયેલા દ્વારકા સંબંધી લેખો.

Total Views: 175

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.