“હું જપ કરું, સત્સંગ કરું, ધ્યાન ધરું – અને – મારા ચિત્તમાંથી અહંકાર, અભિમાન, મોટાઈનો ભાવ નિર્મૂળ ન થાય, તો મારી એ ઉપાસના મિથ્યા છે.
હે પરમાત્મા, હું પ્રાર્થના કરું ને તમારું નામ લઉં અને મારા જીવનમાં પ્રેમ – કરુણા – મૈત્રી – આનંદ પ્રગટ ન થાય તો મારો તમારી સાથેનો સંબંધ મિથ્યા છે.
પરમની ઉપાસના માનવના અહંકારને-ગર્વને ગાળી નાખે છે. અહંને ઓગાળીને જ અલખના ઓટલે બેસી શકાય, અનહદનો નાદ જેને લાગ્યો હોય એ તો મીણથીય મોળા બની જાય. જ્યાં સુધી વિવેક-વિનમ્રતા અને પ્રભુ પરાયણવૃત્તિ ન જન્મે ત્યાં સુધી ધર્મના બધા આચરણ બાહ્યાચાર જ બની જાય અને જીવનસાધના બની જાય સાવ નિરર્થક જ.”
હાજી મહમ્મદ નામના એક ઓલિયા દિવસમાં પાંચ વખત નમાજ પઢતા, સાઠ-સાઠ વખત પવિત્ર હજયાત્રા પણ એમણે કરી હતી. એમના મનમાં આ બાબતનો ગર્વ હતો. ક્યારેક એમનું મન કહેતું: ‘કેટલી બધી હજયાત્રા મેં કરી, કેટ કેટલી ખુદાની બંદગી કરી અને ખુદાના બંદાની જેમ મેં નિયમિત નમાજ અદા કરી – ખુદા મને સ્વર્ગ જરૂર આપશે.’
એક રાતે પોતાની આ ખુદાપરસ્તીનો વિચાર કરતાં-કરતાં એમની આંખ મળી ગઈ. એક અજબની સ્વપ્નની દુનિયામાં સરી પડ્યા. સ્વપ્નમાં એમણે જોયું કે સ્વર્ગનરકની સીમા પર એક ફરિસ્તા હાથમાં લાકડી લઈને ઊભા છે. અહીં આવનાર મૃતાત્માને એની કરણી પ્રમાણે ન્યાય આપે છે- મૃતાત્માના શુભાશુભને પૂછીને સ્વર્ગનરકમાં મોકલે છે. આમ કરતાં કરતાં પોતાનો હાજીમહમ્મદ સાહેબનો વારો આવ્યો. ફરિશ્તાએ એમને પૂછ્યું, ‘’ભાઈ, તેં તારા જીવનમાં ક્યાં-ક્યાં સત્કાર્ય કર્યાં છે’ – એ વિગતે સમજાવ. હાજી મહમ્મદ બોલી ઊઠ્યા: ‘પ્રભુ, મેં સાઠ-સાઠ વખત પવિત્ર મક્કા-મદિનાની હજયાત્રા કરી છે.’ ફરિશ્તાની કૃપા – મહેરબાનીના ઉતરવાની અપેક્ષા સેવતા હાજી મહમ્મદને કાને આ શબ્દો પડ્યા, “ભાઈ, તારી વાત સાચી કે તેં સાઠ-સાઠ વખત હજ કરી પણ એનું તને અભિમાન હતું અને તેથી જ તને તારું કોઈ નામ પૂછતું તો તરત જ તારા મુખમાંથી શબ્દો નીકળી પડતા: ‘હાજી મહમ્મદ’ – એટલે આ ગુમાને તારી હજનું પુણ્ય નિરર્થક બનાવી દીધું. ભાઈ, આ સિવાય કોઈ પુણ્યકાર્ય કર્યું હોય તો કહે.”
હાજી મહમ્મદે વ્યાકુળ થઈને કહ્યું: ‘મેં સાઠ-સાઠ વર્ષ સુધી દિવસમાં નિયમિત રીતે પાંચ-પાંચ નમાજ અદા કરી છે.’ આ સાંભળીને ફરિશ્તાએ કહ્યું : ‘ભાઈ તારું એ પુણ્યે ય નષ્ટ થયું છે.’ હવે હાજી મહમ્મદના આશ્ચર્યનો પાર ન રહ્યો, તેઓ બોલી ઊઠ્યા: ‘એમ કેમ બન્યું? આમ બની જ ન શકે.’ ફરિશ્તાએ વિનમ્રતાથી કહ્યું: ‘ભાઈ, તેં નિયમિત નમાજ અદા કરી એ વાત તો જાણે સાચી, પણ એક દિવસ કેટલાક ધર્મજિજ્ઞાસુ તને મળવા આવ્યા ત્યારે તે દંભપૂર્વક અને ગર્વ સાથે થોડો સમય વધુ નમાજમાં ગાળ્યો. તારા ક્ષણિક દંભ અને ગર્વે તારી બધી નમાજ ધોઈ નાખી અને હવે તારી સ્વર્ગની અપેક્ષા નિરર્થક છે.’ આ શબ્દો સાંભળતાં જ હાજી મહમ્મદના હૃદયને આઘાત લાગ્યો અને આંખમાંથી આંસુ વહેવાં લાગ્યાં. એટલામાં જ તેમની ઊંઘ ઊડી અને આંખો ઉઘાડીને જોયું તો ખ્યાલ આવ્યો કે એ બધી તો હતી સ્વપ્નની માયા. પણ હવે હાજી સાહેબની આંખો ઊઘડી ગઈ. એના હૃદયમાં ભેદી વાણી ગર્જી ઊઠી:
‘ગરવ કિયો સોઈ નર હાર્યો.’
હાજી મહમ્મદનું અભિમાન ઓગળી ગયું અને એ નિરાભિમાની ઓલિયા બની ગયા અને આ નિરાભિમાનીવૃત્તિ એમના જીવનમાં ફૂલની ફોરમની જેમ ફેલાવા લાગી.
સંક્લન: શ્રી મનસુખલાલ મહેતા
Your Content Goes Here