: પહેલી મુલાકાત :

જ્યારે મેં સાંભળ્યું કે સ્વામીજી (સ્વામી વિવેકાનંદ) કલકત્તામાં આવ્યા છે ત્યારે તે લગભગ ઈ. સ. ૧૮૯૭ની સાલ હતી. હું તેમને મળવા બાગબજારમાં કે જ્યાં તેઓ શ્રી બલરામ બોઝ સાથે રહેતા હતા, ગયો. ગલીમાં જ પડતા પહેલા માળવાળા એક ખંડમાં કેટલાક લોકો એ મહાન સંન્યાસીનાં દર્શનની પ્રતીક્ષા કરી રહ્યા હતા; સ્વામીજી તેની બાજુના જ ઓરડામાં હતા. ઓરડામાં જાજમ બિછાવેલી હતી. મેં ત્યાં એક ખૂણામાં મારું સ્થાન ગ્રહણ કર્યું અને થોડી જ વારમાં ઓરડામાં પડતા દરવાજાઓમાંના એકમાંથી કુમારી નોબલ (ભગિની નિવેદિતા) પ્રવેશ્યાં. તેમણે આછા કેસરી રંગનો આખો ઝભ્ભો પહેરેલો જે લગભગ તેમના પગની ઘૂંટી સુધી પહોંચતો હતો અને ગળામાં પવિત્ર રુદ્રાક્ષની માળા પહેરેલી. તેઓ ઓરડામાં પ્રવેશ્યાં ત્યારે તેઓ એક પવિત્ર દેવી જેવાં દેખાતાં હતાં.

એ ખંડની બાજુના જ ઓરડામાં કે જ્યાં સ્વામીજી આરામ કરી રહ્યા હતા, તે દરવાજા તરફ નિવેદિતા ધીમા પગલે ગયાં. પણ પછી તે દરવાજાના ઉંબરેથી જ તેમણે ઘૂંટણિયે પડી, હાથ જોડી પોતાના ગુરુને પ્રણામ કર્યા. જે રીતે આપણે પ્રાર્થના કરીએ છીએ બરાબર તે જ મુદ્રામાં તેમણે પ્રણામ કર્યા ને પોતાના પગની એડી ઉપર શાંતિથી થોડીવાર એ જ રીતે બેસી રહ્યાં. પરંતુ એ ઓરડામાં કે જ્યાં સ્વામીજી એક પાટ પર બેઠા હતા ત્યાં તેઓ પ્રવેશ્યા નહિ. સ્વામીજીએ ત્યાંથી જ થોડીવાર તેમની સાથે વાતો કરી અને નિવેદિતાએ પણ પોતે જાણે કે દેવળમાં હોય તે રીતે મૃદુ સ્વરમાં માનપૂર્વક સ્વામીજીને જવાબ આપ્યા. પછી ફરીથી સ્વામીજીને પ્રણામ કરી જે શાંતિથી પોતે આવેલ તે જ રીતે જતાં રહ્યાં.

મેં ભગિની નિવેદિતા વિષે ઘણું-ઘણું સાંભળેલું. ૫રંતુ પ્રત્યક્ષ તો મેં આજે પહેલી જ વાર જોયાં. તેમના ચહેરા પર એક પ્રકારની ગંભીરતા તેમજ મેડોનાના ચહેરા પર જેવી પૂર્ણતાની ઝલક દેખાય છે તેવી એક ઝલક જોવા મળી કે જે ઈશ્વરના પ્રત્યક્ષ દર્શનની સાક્ષી પૂરે છે.

થોડીવારમાં પોતાના અનુયાયીઓ સાથે વિજયકૃષ્ણ ગોસ્વામી હોલમાં પ્રવેશ્યા; તે લોકો પોતાની સાથે મૃદંગ તેમ જ ઝાંઝ (કરતાલ) લાવેલા. અત્યાર સુધીમાં તો ત્યાં ઘણા લોકો એકઠા થઈ ગયા હતા. તેમનાથી થોડે દૂર હૉલના એક ખૂણામાં તે લોકો બેઠા. સ્વામીજીએ જેવા વિજયકૃષ્ણને જોયા કે તરત જ પોતાનો ઓરડો છોડી હૉલમાં આવી વચ્ચે ઊભા રહ્યા. સ્વામીજીને જોઈને વિજયકૃષ્ણ અને તેની સાથેના લોકો માન આપવા ઊભા થઈ ગયા. પછી વિજયકૃષ્ણ એક બે ડગલાં આગળ જઈ સ્વામીજીની ચરણરજ લેવા પ્રયત્ન કર્યો – પરંતુ સ્વામીજી તે માટે ખૂબ જ સાવધાન (સજાગ) હતા; અને પોતે શ્રી ગોસ્વામીજીની ચરણરજ લેવા નીચા નમ્યા. બંને એકીસાથે એકબીજાને ચરણસ્પર્શ કરતા અટકાવવા લાગ્યા અને ફરીથી બંનેએ એ જ ક્રિયા પાછી કરવા પ્રયત્ન કરી જોયો. અંતે સ્વામીજીએ શ્રી ગોસ્વામીજીનો હાથ પકડી જમીન પર પાથરેલી જાજમ પર વચ્ચોવચ્ચ પોતાની પાસે બેસાડી દીધા.

એ વખતે શ્રી વિજયકૃષ્ણ ઉચ્ચ ભાવરાજ્યમાં વિહરી રહ્યા હતા; અને ઈશ્વરીય પ્રેમના નશામાં હોય તેવું લાગતું હતું. થોડી મિનિટો બાદ, જ્યારે તેઓ સહજ અવસ્થામાં આવી ગયા હોય તેવું લાગતાં, સ્વામીજીએ તેમને શ્રીરામકૃષ્ણદેવ વિષે બેએક શબ્દો બોલવા વિનંતી કરી. આ સાંભળી શ્રી વિજયકૃષ્ણ ફરીથી લાગણીના આવેગમાં આવી ગયા અને ધીમેથી, પ્રયત્નપૂર્વક આ શબ્દો ઘણી વારે બોલ્યા:

“શ્રીઠાકુરે (રામકૃષ્ણદેવે) મારા પર દયા કરી આશીર્વાદ આપ્યા છે.” પરંતુ ભક્તિના ઉછળતા (ઉભરાતા) વેગને કારણે આગળ કંઈ જ બોલી શક્યા નહિ. અમે તેમના ચમકતા ચહેરા ઉપર અને ભાવના આવેશની અંદર દિવ્યકૃપા નિરખી રહ્યા. તેઓ શાંતિથી, હાલ્યાચાલ્યા વિના બેસી રહ્યા અને થોડીવાર સુધી તેમની આંખોમાંથી આંસુનાં પૂર અવિરત પણે વહી તેમના ગાલને ભીંજવતાં રહ્યાં. આવું થતાં જ તેમની સાથે આવેલા માણસો ઊભા થઈ તેમની અને સ્વામીજીની ગોળગોળ ફરતાં સંકીર્તન કરવા માંડ્યા. થોડા સમય બાદ શ્રી ગોસ્વામી ઊભા થઈ શક્યા છતાં હજુ પણ તેઓ અર્ધબાહ્ય દશામાં હોય તેવું લાગતું હતું. તેમના અનુયાયીઓ તેમને પોતાની સાથે લઈ જઈ ધીમેથી હૉલની બહાર જતા રહ્યા.

ત્યારબાદ મેં સ્વામીજીને દૂરથી પ્રણામ કર્યા. મારી ઓળખાણ કરાવે એવું કોઈ ત્યાં હતું નહિ, પરંતુ તેમને પ્રત્યક્ષ જોઈ શકવાનો મને અત્યંત આનંદ થયો. મને થયું કે અમેરિકામાં સિંહની જેમ ગર્જના કરી અને વાક્છટાથી ખ્યાતિ પામેલા તે મહાન સ્વામીજીને હું જોઈ શક્યો એ પણ ખરેખર મારું સદ્ભાગ્ય કહેવાય. હું અલ્હાબાદ ખાતે સરકારી નોકરી કરતો એક મામૂલી કર્મચારી હતો, પરંતુ સ્વામીજીના ભારતમાં પુનરાગમનના સમાચાર સાંભળી મારી ઑફિસમાંથી રજા લઈ એમનાં દર્શને આવેલો. હું કલકત્તામાં વકીલાત કરતા મારા મોટાભાઈને ત્યાં ઉતરેલો. વર્ષમાં બેથી ત્રણ વાર મારે કલકત્તા આવવાનું થતું; અને મારી આધ્યાત્મિક પ્રગતિ માટે મઠના સંન્યાસીઓ તેમજ શ્રીરામકૃષ્ણદેવના શિષ્યોને મળવાની તક હું ક્યારેય ગુમાવતો નહિ.

શ્રીમાને મેં કેટલાક પ્રસંગે જોયેલાં. પરંતુ ક્યારેય મેં તેમની પાસે મને મંત્રદીક્ષા આપવા માગણી કરેલી નહિ. મારા એક બ્રાહ્મસમાજી મિત્ર શ્રી નરેન્દ્રનાથ બસુને શ્રીમાના પવિત્ર ચરણોનાં દર્શન કરતાં જ દિવ્ય નશાની અસર થયેલી અને શ્રીમાની કૃપાથી તરત જ તેણે પોતાની પત્ની સાથે શ્રીમા પાસેથી મંત્રદીક્ષા મેળવેલી. સ્વામીજી બલરામ બોઝને ત્યાં ઊતર્યા છે તેવી માહિતી લઈ એ જ મારો મિત્ર મારી પાસે આવેલો અને મારા મિત્રની આ પરમ ઉદારતાને લઈને જ મારી જિંદગીમાં સ્વામીજીને પ્રત્યક્ષ જોવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું.

: દ્વિતીય મુલાકાત :

એક વખત ડિસેમ્બર માસના છેલ્લા અઠવાડિયામાં સવારે હું બેલુર ગયો. રસોડાની સામેના ખુલ્લા ચોકમાં મેં સ્વામીજીને ઊભેલા જોયા. તેમના મસ્તક ઉપર ભગવા રંગની ગરમ ટોપી હતી અને તેમણે સફેદ કાપડ ઉપર મોટા કાળા ચોકડાવાળો લાંબો ગરમ ગાઉન પહેરેલો. તેઓ ગૌરવર્ણના હતા પરંતુ તેમની ચામડી તેમાં રહેલા એક ખાસ પ્રકારના તેજ અને કોમળતાથી વધુ રૂપાળી દેખાતી હતી. આ સુંદર વ્યક્તિત્વનો આકર્ષક ભાગ તો તેમની આંખો હતી! તેમની આંખો એટલી મોટી તેમજ ભાવવાહી હતી, કે તેવી આંખો તો મેં હજુ સુધી ક્યાંય પણ જોઈ નથી.

આ વખતે તો હું તેમની પાસે ગયો અને મેં મારી આંગળીઓથી તેમનાં ચરણને સ્પર્શ કરી પ્રણામ કર્યા. નજીકમાં જ એક નાનો તંબૂ હતો જેમાં એક નાનું ચાનું ટેબલ અને બેસવાનાં થોડા સ્ટૂલ પડેલાં હતાં. તેમણે એક બ્રહ્મચારીને મારા માટે એક કપ ચા લાવવાનું કહ્યું. મને ચા અને પ્રસાદ આપવામાં આવ્યા અને પછી સ્વામીજી વાતચીતના મિજાજમાં આવી ગયા. તેમણે મને હું શું કરું છું, કર્યાં રહું છું વગેરે પ્રશ્નો પૂછતાં મેં તેના જવાબો આપ્યા. ત્યાર પછી તેઓ કાંક જતા રહ્યા અને હું પણ મારા ઓળખીતા સ્વામીજીઓ સાથે આજુબાજુમાં ફર્યો. આ રીતે સમય પસાર થતાં થતાં લગભગ દસ વાગી ગયા.

મઠના ચોગાનની સામેના જ વરંડામાં એક ખુરશી જ પર સ્વામીજી બેઠેલા. જ્યારે ત્યાં પડેલી ત્રણ બેંચોમાંથી એક ઉપર રાખાલ મહારાજ, મહાપુરુષજી અને શરત્ મહારાજ (સ્વામી બ્રહ્માનંદજી, શિવાનંદજી અને શારદાનંદજી) બેઠેલા અને હું એકલો બીજી એક બેંચ ઉપર થોડે દૂર બેઠેલો. સ્વામીજી વાતચીતના મિજાજમાં હતા અને પોતાના અમેરિકાના વિવિધ અનુભવો વર્ણવી રહ્યા હતા. વાતચીતને મિષે તેઓ બોલ્યા, “શિકાગોમાં જ્યારે એ સાબિત થયું કે હિંદુધર્મ જ દુનિયાનો સૌથી મહાનમાં મહાન ધર્મ છે, ત્યારે પાદરીઓ ગુસ્સે થઈ ગયા. તેઓ ફ્રાંસમાં બીજી ધર્મપરિષદ બોલાવવા ઇચ્છતા હતા. એ લોકોએ એવું વિચાર્યું કે પેરિસ ખાતે પરિષદ ભરવી અને તેમાં દરેક વક્તાએ ફરજિયાત ફ્રેન્ચ ભાષામાં જ પોતાનું વક્તવ્ય આપવું. એ સમયે મને ફ્રેંચ આવડતું નહિ; તેથી તે લોકોને થયું કે મારા આ અજ્ઞાનથી મને પરિષદમાં પ્રવેશ આપવામાં આવશે નહિ. પરંતુ હું ફ્રાંસ ગયો અને છ માસમાં તો મેં ફ્રેંચ ભાષા શીખી લીધી અને તે જ ભાષામાં કેટલાંક પ્રવચનો આપવાની શરુઆત પણ કરી દીધી, આને લીધે પાદરીઓ હતોત્સાહ થઈ ગયા. પછીથી ફરી બીજી પરિષદ બોલાવવાનો વિચાર પડતો મૂકવામાં આવ્યો.”

સ્વામીજીએ કહ્યું: “અમેરિકામાં મારા ઓરડાની બહાર એક ખાનગી લેટરબોક્સ હતું. જેને હું તાળું મારી રાખતો અને મારી જાતે જ દિવસમાં નજર પડે ત્યારે ખોલીને જોઈ લેતો. દરેક પ્રકારના લોકો પાસેથી હું ઢગલાબંધ પત્રો મેળવતો. તેમાંના ઘણા તો અજાણ્યા લોકો તરફથી આપવામાં આવતી ધમકીના પત્રો પણ હતા. તે લોકોએ મને હિંદુત્વનો ઉપદેશ આપવાનું બંધ કરવા કહેલું. પરંતુ ક્યારેક મને વખાણ તેમ જ પ્રશંસાના પત્રો પણ મળતા, જેમાંના મોટા ભાગના સ્ત્રીઓ દ્વારા લખાયેલા હતા. તેમાંની કેટલીકે તો લગ્નની દરખાસ્ત પણ મૂકેલી. બીજા કોઈ પ્રસંગોએ પણ કેટલીક પ્રતિષ્ઠિત સ્ત્રીઓએ એવી ઈચ્છા વ્યક્ત કરેલી કે મારે કોઈ પૈસાદાર સ્ત્રીને પરણીને અમેરિકામાં જ સ્થાયી થઈ જવું. મારે તેમને સમજાવવું પડતું કે હિંદુ સાધુઓ (સંન્યાસીઓ) પરણે નહિ. પરંતુ તે વસ્તુની ખાતરી થવી તેમના માટે મુશ્કેલીભર્યું હતું, કેમકે તેમના દેશના કેટલાક પાદરીઓ લગ્ન કરતા, તેથી તેઓ મને પૂછતા કે હું શા માટે તેમ ન કરી શકું.”

આ વાતચીત દરમિયાન જ સ્વામીજીએ એક વિશિષ્ટ ઘટના કહી જે મને ખૂબ જ વિચિત્ર લાગી અને સ્વામીજીએ પણ તે ઘટના સમજાવવા પ્રયત્ન ન કર્યો. તેમણે કહ્યું: “એ વખતે હું એક શહેરથી બીજા શહેરમાં ફરીફરીને એક જ દિવસમાં કેટલીય સભાઓને સંબોધતો. એક દિવસ હું વિચારી રહ્યો હતો કે હું જેટલું જાણું છું તે બધા વિષે પ્રવચનો અપાઈ ગયાં, બીજા જ દિવસે મારે જે વ્યાખ્યાન આપવાનું હતું તેમાં હું ભય ને દિલગીરી અનુભવતો હતો કે આ વખતે કદાચ આગળ આપાયેલા વ્યાખ્યાનનું પુનરાવર્તન થશે જ જેને હું ટાળવા માગતો હતો. ત્યારે રાત્રિ ઘણી વીતી ગયેલી. આરામખુરશોમાં હું આરામથી બેઠેલો અને મનમાં ને મનમાં મારી આ મુશ્કેલી માટે હું શ્રી ઠાકુર ઉપર દોષારોપણ કરી રહ્યો હતો. એકદમ જ મેં તેમને મને કંઈક કહેતા સાંભળ્યા, એ વખતે મારી આંખો બંધ હતી, તેથી હું તેમને જોઈ શક્યો નહિ. ફક્ત મેં એમનો અવાજ સાંભળ્યો. તેઓ થોડો સમય સુધી એકધારું લંબાણપૂર્વક બોલતા રહ્યા અને તેમણે કહ્યું આમ – આમ – તારે બોલવું અને બિલકુલ ચિંતા કરતો નહિ.” હું તો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો. પરંતુ મારા હવે પછીના વ્યાખ્યાનના મુદ્દાઓ વિષે જાણીને ખૂબ જ આનંદિત થઈ ગયો. મારે મન તે એક વધારાનું આશ્ચર્યું હતું. બીજે દિવસે મારી બાજુનાં ઓરડામાં રહેતા એક સજજને મને પૂછ્યું: “ગઈકાલે તમારી સાથે કોણ વાત કરતું હતું? મને કંઈ સમજાતું નહોતું કારણકે તે ભાષા મારા માટે એકદમ જ નવી હતી.” હવે મેં જે સાંભળ્યું (ઠાકુરે બોલેલું) તેં બંગાળી ભાષામાં હતું. મને ખૂબ જ નવાઈ લાગી કે આ માણસ પણ કેવી રીતે સાંભળી શક્યો હશે!”

સ્વામીજીએ વાત ચાલુ જ રાખી, “એક વખત અમેરિકામાં મને મારા ગુરુદેવ ઉપર ભાષણ આપવાનું કહેવામાં આવ્યું. મેં તે લોકોને કહ્યું કે શ્રીરામકૃષ્ણદેવ તાંબાના સિક્કાને પણ અડકી શકતા નહીં તો પછી સોના કે ચાંદીની તો વાત જ શી કરવી! આ કંઈ ખાલી શાબ્દિક ગપ્પાં મારવાની વાત નથી પણ ખરેખર જ એમ બનતું. ભૂલેચૂકેય જો તેઓથી ધાતુને સ્પર્શ થઈ જતો, તો તેમની આંગળીઓ ઠીંગરાઈ જતી અને હાથ વાંકો વળી જતો, જાણે કે તેમનું સમગ્ર મજજાતંત્ર જ તેમને સ્વાભાવિક રીતે જ સ્પર્શ કરવા ઈન્કાર કરી રહ્યું હતું. અડકવાથી તેમને ખરેખર શારીરિક પીડા થતી અને તે પીડા એટલી તો તીવ્ર હતી કે તેઓ ઊંધમાં પણ મોટેમોટેથી રડતા. એક રાત્રે શ્રી ઠાકુર સૂતા હતા અને મેં એક ચાંદીનો રૂપિયો હાથમાં રાખી તેમનો સ્પર્શ કર્યો. તુરત જ અસર થઈ. શ્રીરામકૃષ્ણદેવ જાગી ગયા. એવું ચોખ્ખું દેખાતું હતું કે તેઓને તીવ્ર વેદના થઈ રહી છે અને હું મારી તે બાલિશ ક્રિયાથી શરમાઈ ગયો.”

પછી રાખાલ મહારાજે સ્વામીજીને શ્રી ઠાકુરનો જીવનઇતિહાસ લખવા વિનંતી કરી જેનાથી સ્વામીજી દુ:ખી થતા હોય તેમ બોલ્યા, “હું તે કરી શકું નહિ. આવા અઘરા કામનો પ્રયત્ન મારા માટે નથી. ખરાબ કલાકારના હાથમાં શિવનું ચિત્ર પણ કદાચ વાંદરા જેવું થઈ જાય. એટલે રાખાલ મહારાજે કહ્યું “જો તમે આવું કહેશો તો પછી તે કામ થયા વિનાનું જ રહેશે.” પરંતુ સ્વામીજીએ જવાબ આપ્યો, “જો ઠાકુરની ઇચ્છા હશે તો કોઈ તે કામ સિદ્ધ કરી શકશે.”

થોડા સમય માટે સ્વામીજીના ગુરુભાઈઓ સ્વામીજીને ત્યાં જ એકલા બેઠેલા છોડી છૂટા પડ્યા, જેથી સ્વામીજીએ હવે મારા તરફ ફરીને એમ જ વાતચીત કરવી શરૂ કરી.

“હં, તો તમે અલ્હાબાદ રહો છો કે? ડૉ. નંદીને ઓળખો છો? જયારે હું જૂસીમાં હતો ત્યારે હું તેમના ઘરે ભિક્ષા લેવા જતો. હું તેમને બહુ સારી રીતે ઓળખું છું.” ડૉ. નંદી શ્રી રામકૃષ્ણદેવના ભક્ત હતા. અમને તે વ્યક્તિ (ડૉ. નંદી) બહુ ગમતી અને અમારી વચ્ચે આ સરખા બંધન લઈને અમે એકબીજાને ઓળખતા. મને એવો ખ્યાલ છે કે ડૉ. નંદી ઠાકુરને મળેલા. પરંતુ મને તેના તરફ પ્રેમ એટલા માટે છે કે તે સ્વામી વિવેકાનંદને અંગત રીતે ઓળખતા હતા. એણે અમને કહેલું કે શ્રીરામકૃષ્ણદેવના પટ્ટશિષ્ય સ્વામી વિવેકાનંદ એક વખત ગંગાને સામે કાઠે પરિવ્રાજક સાધુઓ માટેની ઝૂંપડીઓ છે તેમાં કેટલોક વખત રહેલા. એ વખતે સ્વામીજી પરિવ્રાજક સંન્યાસી હતા. તે ઉનાળાની સખત ગરમીના દિવસો હતા. વારંવાર ગરમ હવા કે જેને આપણે આપણી ભાષામાં ‘લૂ’ કહીએ છીએ તે ફૂંકાતી. આવા ગરમ દિવસોમાં પણ સ્વામીજી એક બરછટ ધાબળો ઓઢતા જેનો અર્ધો ભાગ બહિર્વસ્ત્ર તરીકે વાપરતા અને બીજા અર્ધા ભાગથી પોતાના ઉપરના શરીરને ઢાંકતા. તેઓ ડૉ. નંદીના ઘરે ખુલ્લા પગે આવતા જતા.

આ વખતે હું વારંવાર બેલુર જતો. આબાલવૃદ્ધ સહુ કોઈ સ્વામીજીનાં દર્શને બેલુર આવતા. પરંતુ દિવસના બધા જ કલાકોમાં સ્વામીજીને મળવું કંઈ એટલું સહેલું નહોતું. મોટેભાગે તો તેઓ પોતાના જ ઓરડામાં રહેતા અને તેમના ગુરુભાઈઓ પણ તેમને ભાગ્યે જ ખલેલ પહોંચાડતા. એ તો સર્વવિદિત છે કે તેઓ મોટાભાગના સમયમાં પોતાના પરમશાંતિના ભાવમાં જ મગ્ન રહેતા અને પછી પોતાના આ ભાવથી વિરુદ્ધની વાતો કરતાં તેમને પીડા થતી. તેથી એવો એક નિયમ કરી દેવામાં આવેલો કે જયારે તેઓ પોતે જ પોતાની રીતે ઉપલા માળે આવેલા પોતાના ઓરડામાંથી નીચે આવે ત્યારે જ લોકો તેમને જોઈ શકતા કે વાતચીત કરી શકતા અને ત્યારે તો મુલાકાતીઓને કોઈપણ બાધ રોકટોક વિના મુક્ત રીતે મળવા દેવામાં આવતા.

એક દિવસ સવારે સ્વામીજીના મા તેમને મળવા આવ્યાં. તેમનો દેખાવ જ એકદમ માન ઊપજે તેવો હતો. તેઓ ખૂબજ મજબૂત બાંધાના તેમજ લાંબી પાંપણોવાળી મોટી સુંદર આંખોવાળા હતા. એમનું વ્યક્તિત્ત્વ એવું ચિત્તાકર્ષાક અને પ્રભાવક હતું કે જેમને જોઈને કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રશ્ન વિના તેમની આજ્ઞાનું પાલન કરે. સ્વામીજીને આ ચીજ વારસાગત પ્રાપ્ત થયેલી તેમાં કોઈ નવાઈ નથી. તેઓ પહેલા માળના વરંડા ઉપર ચડી ગયાં અને મોટેથી બૂમ પાડવા લાગ્યાં “બીલે…” અને તેમનો પુત્ર એકદમ જ ઓરડામાંથી બહાર આવ્યો. મહાન સ્વામી વિવેકાનંદ જાણે કે કિશોર પુત્ર જેવા થઈ ગયા. તેઓ ભુવનેશ્વરીદેવી સાથે પગથિયાં ઊતરી નીચે આવી મા સાથે બગીચાના રસ્તે ચાલતાં ચાલતાં અંગત બાબતો વિષે ધીમેથી વાતો કરવા માંડ્યા.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં જયારે પણ સ્વામીજી કલકત્તામાં હોય ત્યારે પોતાની જાતે જ પોતાનાં માને મળવા જતા. બેલુરમાં હોય ત્યારે પણ તેઓ પ્રસંગોપાત્ કલકત્તા માને મળવા જતા. પરંતુ જો સંજોગોવશાત્ એક કે બે અઠવાડિયાં સુધી ત્યાં જઈ ન શકતા તો મા પોતે જ સ્વામીજીને મળવા બેલુર આવતાં અને કૌટુંબિક બાબતોમાં તેમની સલાહ લઈ જતાં.

(ક્રમશ:)

ભાષાંતરકાર: કુ. સીમા કે. માંડવિયા

Total Views: 128

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.