સને ૧૮૯૯માં નિવેદિતાએ શ્રીમાનાં દર્શન પ્રથમ વાર કર્યાં. એકબીજાની ભાષાથી અજ્ઞાત હોવા છતાં બન્નેનાં હૃદયનું મિલન ખૂબ જ ગાઢ બન્યું હતું. શાળા શરૂ કરતાં પહેલાં પણ ભારતીય સ્ત્રીનું જીવન જોવા-સમજવા માટે નિવેદિતા શ્રીમા સાથે જ રહેલાં. રૂઢિચુસ્ત શ્રીમાએ કશા પણ સંકોચ, ભય કે લજજા વિના નિવેદિતાને પોતાનાં ‘ખુકી’ (કીકી-બબી) બતાવેલાં. બીજી બહેનો પણ ધીરેધીરે નિવેદિતાની નિખાલસતા, પ્રેમ, સેવાભાવ, દયાભાવ અને ખાસ તો આત્મીયતા જોઈ તેમને પોતાની બહેન કે દીકરી જેમ ગણવા માંડયાં હતાં.
નિવેદિતાની શાળાના દરેક ઉત્સવ વખતે શ્રીમા અચૂક હાજરી આપતાં. નિવેદિતા બારણે તોરણો બંધાવતાં, કુંભ મૂકતાં, રંગોળી પુરાવતાં અને શ્રીમાને આવકારતાં. શ્રીમા પણ બાલિકાઓને પ્રેમથી બોલાવતાં, આશિષ આપતાં, પ્રસાદ આપતાં અને ખુશ કરતાં.
કોઈ પણ કાર્યનો આરંભ કરતાં પહેલાં કે મુસાફરીએ જતાં પહેલાં કે મુસાફરીમાંથી આવીને નિવેદિતા શ્રીમાને પ્રણામ કરવા અચૂક જતાં. નિવેદિતા કહે છે: ‘શ્રીમાનો પ્રેમ વાત્સલ્યભરપૂર હતો, એ પ્રેમ કોઈને કદી નકારતો નહિ. એમના આશીર્વાદ સદાકાળ માટે હતા; એમની હાજરી સતત લાગ્યા કરતી હતી; એમના હૃદયમાં દરેક માટે રક્ષણ હતું; એમની મીઠાશ અગાધ ઊંડાણવાળી હતી. આ બધાય સાથે અપાર માતૃત્વ તેમની પાસે હતું, તેમની સાથેનું બંધન અતૂટ હતું. તેમની પવિત્રતા અસીમ હતી!’
શ્રીમા પાસે નિવેદિતા સાવ બાળક જેવાં બની જતાં; અનિમિષ નયને શ્રીમાને જોયાં જ કરતાં; તેમના આસનને આંખે અડાડતાં; તેમની પાસે બેસવાનું કે તેમની કોઈ નાનીસૂની સેવા કરવાનો લાભ મળતો તો તેને પોતાનું અહોભાગ્ય માનતાં.
શ્રીમા પણ નિવેદિતાનો પ્રેમ સમજતાં. નિવેદિતાએ તેમને આપેલો એક રૂમાલ જર્જરિત થઈ ગયેલો, તો પણ શ્રીમાએ તે સંઘરી રાખેલો. જર્મનની એક નાનકડી ડબ્બી નિવેદિતાએ તેમને આપેલી, તેમાં શ્રી પરમહંસદેવના વાળનો એક ગુચ્છો તેમણે સંગ્રહી રાખેલો, જેથી ડબ્બીને લીધે નિવેદિતાની યાદ તેમને અહર્નિશ રહે. તેમણે પોતે નિવેદિતાને એક ઊનના પંખો ભેટ આપેલો. એમના ‘નરેન’ની માનસ-પુત્રી માટે શ્રીમાને ખૂબ પ્રેમ હતો.
નિવેદિતા અમેરિકા હતાં ત્યારે શ્રીમાએ બંગાળીમાં લખેલા એક પત્રનો તરજૂમો અંગ્રેજીમાં કરાવી નિવેદિતાને પાઠવેલો. શ્રીમાએ લખ્યું હતું:
‘મારી નાનકડી દીકરી નિવેદિતાને મારો ખૂબ જ પ્રેમ. મને હંમેશાં શાંતિ મળે તેવી તારી પ્રાર્થના માટે હું ખૂબ ખુશ થઈ છું. તારું સ્વરૂપ પણ શાશ્વત આનંદ આપતી ‘મા’નું જ પ્રતીક છે; તારી છબિ અવારનવાર જોઉં છું, તો લાગે છે કે તું પાસે જ છે. તું પાછી આવે તેની રાહ જોઉં છું. તેં હૃદયના ઊંડાણથી મારે માટે કરેલી તારી પ્રાર્થના ફળો! હું આનંદમાં અને સારી છું; ઈશ્વર તને સારી અને સશક્ત રાખે અને તારા ઉચ્ચ કાર્યમાં મદદ કરે એ જ મારી પ્રાર્થના. ભારતમાં સ્ત્રીઓ માટે સંસ્થા ખોલવાનો તારો સંક્લ્પ પાર પડો! એ સંસ્થા દ્વારા ભારતીય સ્ત્રીઓને સાચો ધર્મ શીખવવાનો તારો આદેશ પણ પાર પડો એમ ઈશ્વરને પ્રાર્થું છું.
‘પ્રભુ એક રીતે પોતાનાં વખાણ પોતાનાં સર્જન દ્વારા જ કરે છે; એનું સંગીત દરેક વસ્તુમાં સંભળાય છે, પણ તે વસ્તુઓ શાશ્વત નથી. ઝાડપાન, દક્ષિણેશ્વરનું વડનું ઝાડ, પાણી – એ બધું જ પ્રભુનું ગુંજન કરે છે જેના કાન એ સાંભળી શકે તેને માટે!’
‘તારી સાધનામાં પ્રગતિ થાઓ એ જ પ્રાર્થના! મારો ખૂબ સ્નેહ તને પાઠવું છું. તારું બંગાળી ભૂલી ન જઈશ, નહિ તો તું પાછી આવીશ પછી મને તારી વાતો નહિ સમજાય. ત્યાં તું ધ્રુવ, સાવિત્રી, રામચંદ્રજી વગેરેની વાર્તાઓ બધાંયને કહે છે તે જાણી હું ખુશ થાઉં છું. નકામા લવારા કરવા કરતાં એ જ ઠીક છે! ઈશ્વરના નામમાં અને તેનાં કાર્યોમાં કેટલી સુંદરતા ભરી છે!’
આમ, પરદેશથી પણ નિવેદિતા શ્રીમાને પોતાની પ્રવૃત્તિઓથી વાકેફ રાખતાં. નિવેદિતાએ અમેરિકામાં ચર્ચમાં પ્રાર્થના કરતાં ઈસુ ખ્રિસ્તનાં મા મેરી મેડોનામાં પણ શ્રીમાનાં દર્શન કરેલાં અને તેમનાં મિત્ર શ્રીમતી બુલને માંદગીમાં જાણે શ્રીમાના જ આશીર્વાદ મળ્યા હોય તેવું તેમને લાગેલું. કેટલાં અડગ શ્રદ્ધા અને પ્રેમ!
નિવેદિતા પણ શ્રીમાને પત્ર લખે છે:
‘પ્રેમાળ મા,’
હું તમારા ઓરડામાં બેસી, સાયંકાળની પૂજા સમયે ધ્યાન કરવા મથતી; તે વખતે હું કેમ ન સમજી કે તમારે જ ચરણે એક બાળક તરીકે બેસતાં મને બધું પ્રાપ્ત થતું હતું? તમારો પ્રેમ અજોડ છે; અમારા પ્રેમ જેવો ભરતી-ઓટવાળો કે ઉગ્ર નહિ, પણ શાંત અને શીતળ. તમારો પ્રેમ દરેકનું સારું જ ઈચ્છે છે; હા, પ્રેમભરપૂર એક તેજસ્વિતા તમારી આસપાસ છે.
‘હંમેશાં ગંગાકિનારેથી દોડીને તમારી પાસે આવતાં અને જતાં તથા મુસાફરીએ નીકળતાં પહેલાં તમારા આશીર્વાદથી એક અકલ્પ્ય આનંદ મને લાગતો હતો. તમારે માટે એક ભજન, પ્રાર્થના કે સ્તુતિ લખવા ઈચ્છા થાય છે, પણ તમારી અજોડ શાંતિ પાસે તે પણ કર્કશ લાગે છે; તમે તો ઈશ્વરની એક ખૂબ જ સુંદર કૃતિ છો. પ્રભુ શ્રીરામકૃષ્ણનો પ્રેમ જગતને પીરસવા માટેનો એમનો એક અર્ધ્ય છો. આ એકલતાભર્યા દિવસોમાં એમના બાળકોના આશ્રયરૂપ છો; અમારે તો તમારી પાસે શાંત જ રહેવું જોઈએ; જેમ કુદરતની, પ્રભુની, દરેક ચીજ શાંત અને સૌમ્ય હોય છે અને અમારા જીવનમાં જેમ અણજાણ અને અદીઠ રીતે પ્રવેશે છે તેમ. સૂર્યનો પ્રકાશ, ગંગાનદીની લહર, બગીચાનાં ફૂલોની ફોરમ અને મીઠી શીતળ હવા – એ બધાંય તમારા જેવાં શાંત, ધીર, ગંભીર છે.
‘બિચારી સારા માટે શાંતિના આશીર્વાદ પાઠવજો. રાગ અને દ્વેષથી પર તમારા સ્વરૂપનો વિચાર ઉચ્ચતમ શાંતિ આપતો હોય છે અને જેમ કમળપત્ર પર ઝાકળ બિંદુ કંપે છે છતાં અલિપ્ત છે; તેમ તમારા આશીર્વાદ દુનિયાની માયાથી પર રહીને પ્રભુની મધુરતામાં જ પ્રભુના અગાધ સ્નેહના સાગરમાં જ – સ્ફુરતા નથી લાગતા?
‘હંમેશની મારી પ્રિય મા, તમારી ગાંડી કીકી નિવેદિતા.’
શ્રીમાને નિવેદિતા ભારતીય સ્ત્રીત્વના આદર્શરૂપ ગણતાં. સરી જતી સંસ્કૃતિનાં તેઓ છેલ્લા પ્રતીક હતાં કે નૂતન સંસ્કૃતિના પ્રથમ પ્રતીક હતાં, તે નિવેદિતાને મન એક કોયડો જ હતો.
નિવેદિતાને ભારતની સ્ત્રી પશ્ચિમની ઉગ્ર સ્ત્રીઓ પાસે સૌમ્ય, શાંત અને ગૌરવવંતી લાગતી હતી; એનામાં એમને મનની અને હૃદયની વિશાળતા જણાતી; હજારો વર્ષની હિંદુ સંસ્કૃતિમાં તેમના આદર્શો સમાયેલા હતા. તેથી તેમના જ દેશની ગૌરવભરી કથાઓ, ઈતિહાસ અને સાહિત્ય સાથે તેમનું શિક્ષણ સંકળાયેલું રાખીને તેમને જાગૃત કરવી એ ઈચ્છવા યોગ્ય હતું. નિવેદિતાને મન ભારત એ મહાન સ્ત્રીઓની ભૂમિ હતી. ભારતીય સ્ત્રી દબાયેલી છે, તેની સામે ક્રૂરતા બતાવાય છે વગેરે પાદરીઓની દાંભિક વાતોનો તેઓ પ્રતિરોધ કરતાં. તેઓ માનતાં કે જે શિક્ષણ ભારતીય સ્ત્રીને ઘરમાં મળતું, તે ઉચ્ચ ચારિત્ર્ય ધરાવનારું હતું અને તેથી ભારતીય સ્ત્રીને કદાચ લખતાં-વાંચતાં ન આવડે તોયે એ ઉપરછલ્લા જ્ઞાન કરતાં તેની પાસે વધુ મૌલિક શિક્ષણ હતું.
જો નિવેદિતાનો ભારતીય સ્ત્રીઓ માટે આ મત હતો, તો પછી સ્ત્રીઓ માટે શાળા અને સંસ્થા સ્થાપી તેઓ શા માટે શિક્ષણ આપવા મથતાં હતાં એવો વિચાર જરૂર આવે. એના જવાબમાં એ પોતે જ કહે છે: ‘શિક્ષણ એટલે વ્યક્તિ કુટુંબથી બહાર પણ જોવાની દૃષ્ટિ કેવળે, નાગરિક્તા અને રાષ્ટ્રીયતા સમજતી થાય અને તે દ્વારા એકતા કેળવે, તે જ શિક્ષણનો ઉદ્દેશ છે. ત્યારે ભારતીય સ્ત્રીને સ્કૂલમાં અપાતું શિક્ષણ સર્જનાત્મક કે રાષ્ટ્રીય ભાવના જગાડનારું નહોતું; જે અપાતું તે શિક્ષણ પશ્ચિમની નકલ કરનારું હતું. નિવેદિતાને આ જાતનું શિક્ષણ માન્ય નહોતું. નિવેદિતા માનતાં કે ભારતીય સ્ત્રીમાં કોઈ પણ જાતના શરમાવા જેવા ગુણો નહોતા; અને તે ગુણો ઉપરાંત તેમની સૌમ્યતા, લાગણી, પવિત્રતા અને સહનશીલતા વગેરેને તરછોડી, ભારતીય સ્ત્રીને ફક્ત પશ્ચિમની માહિતીથી ભરપૂર, ઉગ્ર અને અવિચારી સ્ત્રી બનાવી દેવી તે ખોટું છે. જે સ્ત્રી પોતાના દેશનો ઈતિહાસ, સંસ્કૃતિ અને સાહિત્ય માટે કાંઈ પણ ન જાણે તે સાચા અર્થમાં શિક્ષિત સ્ત્રી નથી.’
સ્વભોગ, આત્મસંયમ અને મનન કરનારી ભારતીય સ્ત્રીનું જીવન નિવેદિતાએ જોયું અને અનુભવ્યું પણ હતું; અને તેથી જ તેમને માટે કહેવાય છે કે, જન્મે તે પરદેશી હેાવા છતાંય ભારતમાં રહી અને ભારતમાં જ મૃત્યુ પામી તેમણે જગત પર બેવડો ઉપકાર કર્યો હતો. તેમણે ભારતીય સ્ત્રીત્વના આદર્શને યુરોપિયન વારસારૂપી આધુનિક બૌદ્ધિક બળ અને દૃષ્ટિ આપ્યાં હતાં અને પશ્ચિમના દેશોને ભારતીય સ્ત્રીનું ગૌરવ દર્શાવ્યું હતું. એમને ખાતરી હતી કે ભવિષ્યમાં ભારતીય સ્ત્રી ભારતમાતાનું ગૌરવ ખૂબ જ ઉજ્જ્વળ કરશે. ભારતીય સ્ત્રી પોતાનું અને કુટુંબનું આત્મસમર્પણ કરી ભારતમાતા સમક્ષ સ્વદેશાભિમાનની એક આરતી ઉતારશે; અને ત્યારે માનું મંદિર ઝળાંહળાં બની જશે અને મુક્તિનું સુંદર પ્રભાત ઊગશે.
Your Content Goes Here