(સ્વામી સોમેશ્વરાનંદજી રામકૃષ્ણ મિશનના ખેતડી કેન્દ્રના સેક્રેટરી છે.)

વીસમી સદીના ઉત્તરાર્ધમાં યુવાનો અને વડીલો વચ્ચેના વિચારભેદનો ગાળો વધતો જાય છે. અલબત્ત, વિશ્વમાં પેઢી અંતરની સમસ્યા તો પરાપૂર્વથી ચાલી આવે છે. પ્લેટો પણ યુવાપેઢીથી અસંતુષ્ટ હતા. જો કે ચોક્કસ દૃષ્ટિકોણ મુજબ પેઢીઅંતર આવકાર્ય પણ છે. જો યુવાપેઢી નવું વિચારે અને નવું આચરે નહીં તો સમાજ કૂપમંડૂક જ બની જાય. ‘જૈસે થે’નો ખ્યાલ સમાજની પ્રગતિ અવરોધે છે. પ્રવર્તમાન મૂલ્યો અંગે લોકો જયારે સાશંક બને ત્યારે સામાજિક લાગણી ચોક્કસપણે દુભાય જ. આ રીતે નૂતન અને પુરાતન વચ્ચેનું ઘર્ષણ ઉદ્ભવે એ આવકાર્ય પણ છે. એને નિષેધાત્મક રીતે જોવાને બદલે એની વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ – એટલે કે પ્રવર્તમાન સમસ્યાઓના અભિનવ અને વૈકલ્પિક ઉકેલની તક તરીકે એને સ્વીકારવા જોઈએ. નૂતન અને પુરાતન વચ્ચેનાં આવાં ઘર્ષણો ભારતના ઇતિહાસ માટે નવાં નથી. પડકાર અને અનુકૂલનની પરંપરાથી તો ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે; વિવિધતામાં એકતા શક્ય બની છે. વર્તમાનના સંદર્ભમાં આ વિચારભેદ અથવા પેઢીઅંતર દ્વારા ભારત માટે નવી ક્ષિતિજો ખૂલી રહી છે. આ અંતર પાછળ ઘણાં પરિબળો કાર્યરત છે. એમાનાં મુખ્ય ત્રણ સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક મુદ્દાઓ પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીશું.

વર્તમાન પરિસ્થિતિમાં સામાજિક પરિવર્તન ઘણો નિર્ણાયક ભાગ ભજવે છે. ભૂતકાળમાં પુત્ર પોતાના પિતાના ધંધાને જ અનુસરતો; ખેડૂતના પુત્રને ભવિષ્યમાં ખેતી કરવાની અને પ્રત્યેક પુત્રીને ગૃહકાર્યની તેમજ માતા બનવાની કેળવણી અપાતી. ભૂતકાળમાં સામાજિક મૂલ્યો ત્વરાથી બદલાતાં નહીં તેથી મૂલ્યસાતત્ય જળવાઈ રહેતું. પરંતુ ૧૯૪૭ના રાજકીય સ્વાતંત્ર્ય બાદ પરિસ્થિતિ બદલાઈ છે. નવાં દ્વારો, નવા વિકલ્પો, નવી તકો અસ્તિત્વમાં આવી. લોકોને વધુ સ્વાતંત્ર્ય સાંપડ્યું. સ્વાભાવિક રીતે જ ભારતીયો નવા વ્યક્તિત્વ અને અસ્તિત્વ પ્રત્યે સભાન થયા. યુવકોને સવિશેષ લાભ થયો. ચૂંટણી પ્રથા, યુવા કલ્યાણ પ્રવૃત્તિઓ, અને કેળવણીના પ્રસારથી એમને વધુ તકો સાંપડી. પરિવર્તનની પ્રક્રિયાઓ – ખાસ કરીને ગ્રાહ્ય પરિવર્તનો અસ્તિત્વમાં આવ્યાં.

સાંસ્કૃતિક પરિબળોએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો. એક બાજુ પરંપરાઓ અને આધુનિક વિચારસરણી વચ્ચે ઘર્ષણ થયું. તો બીજી બાજુ ભારતીયતાનો ખ્યાલ મહત્ત્વનો બની રહ્યો. મોટાભાગના ભારતીયો પોતાનો સાંસ્કૃતિક વારસો છોડવા તૈયાર ન હતા. સાથે-સાથે તેઓ પાશ્ચાત્ય સભ્યતાના ઉજળાં પાસાંઓથી જ્ઞાત હતા. બંનેનો સુમેળ સાધવાનો સવાલ હતો. બહુધર્મી, બહુભાષી અને બહુવંશી હોવાને કારણે ભારતમાં સંગઠનની ભાવના આવશ્યક હતી. તદ્ઉપરાંત કચડાયેલો અને દુભાયેલો વર્ગ પોતાને પીછાણતો થયો હતો. દલિતો, સ્ત્રીઓ અને યુવાનો પોતાના વ્યક્તિત્વના વિકાસને ઝંખતા હતા. રાજકીય ક્ષેત્રે જરા જુદા સ્વરૂપે આવા જ અન્વેષણનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. પંજાબ, કાશ્મીર, આસામ અને ઉત્તરપ્રદેશ એ દરેકની પ્રવર્તમાન અશાંતિના મૂળમાં પણ આ સ્વ-અસ્તિત્વનું સંક્રમણ છે. આ પરિબળોનું અસ્તિત્વ આંગ્લ-શાસનકાળ દરમિયાન પણ હતું જ પરંતુ ત્યારે એક સમાન શત્રુ આંગ્લ આગંતુકો સાથે બાથ ભીડવા માટે ભારતીયતાનો એક સાર્વત્રિક ભાવ (સાંસ્કૃતિક નહીં – છતાં ભૌગોલિક) જાગૃત થયો હતો. ઈ.સ. ૧૯૪૭ બાદ આ સમાન શત્રુ

દૂર થતાં ક્ષિતિજ પર નવા પ્રશ્નોની હારમાળા શરૂ થઈ.

શૈક્ષણિક પરિબળોએ પણ અગત્યનો ભાગ ભજવ્યો છે. ભૂતકાળમાં વિવેક, આજ્ઞાંકિતતા વગેરેને કેળવણીનું સત્ત્વ ગણવામાં આવતું. એ બધાનું સ્થાન હરીફાઈ અને કારકિર્દીલક્ષી કેળવણીએ લીધું. આ બધાનો અર્થ ‘જૂનું એટલું સોનું અને નવું એટલું કથીર’ એવો નથી. કેળવણીને વધુ ફળદાયી બનાવવાની આવશ્યકતા છે. યુવાનોને જૂનાં મૂલ્યો જાળવવાનું કહેવામાં આવે છે, પરંતુ એ અમલમાં શી રીતે મૂકવું તે કોઈ શીખવતું નથી. શિસ્તના નિયમો લાદવામાં આવે છે, પરંતુ તેની પાછળનો હેતુ સમજાવવામાં આવતો નથી. આ રીતે એક પ્રકારનો સાંસ્કૃતિક – શૂન્યાવકાશ સર્જાયો છે. જૂની પેઢી પોતે જ અવઢવમાં હોવાથી યુવાપેઢીને યોગ્ય માર્ગદર્શન આપવામાં અસમર્થ રહી. તેઓએ માત્ર પોતાના પરંપરાગત અધિકારો યુવાપેઢી પર જમાવવાનો પ્રયત્ન કર્યો. મહાશાળા અને વિશ્વવિદ્યાલયોમાં જીવન-કૌશલ્યને નહીં પરંતુ વ્યાવસાયિક નૈપૂણ્યને મહત્ત્વ અપાય છે. વિદ્યાર્થીઓ નિપુણ કારીગરો બને છે પરંતુ સંબંધોના સમાયોજનમાં ઉણા ઉતરે છે. તકનીકી કૌશલ્ય ઉપરાંત જમીન, શ્રમિક અને સંપત્તિને ખૂબ મહત્ત્વ અપાય છે, જ્યારે માનવતાની મહત્તા કાં તો વિસરી જવાય છે અથવા પ્રચ્છન્ન રહે છે.

કોઈપણ પ્રકારની પૂર્વધારણા કે પૂર્વશરતો વગર સીધા મુદ્દા પ્રતિ આગળ વધીએ. ઈ.સ. ૧૯૮૮માં સમાજશાસ્ત્રીઓના એક જૂથ દ્વારા મહાશાળાઓ અને વિશ્વવિદ્યાલયોમાં ભણતા વિદ્યાર્થીઓની મોજણી કરવામાં આવેલી. તેમનાં અવલોકનોના તારણો ચોંકાવનારાં હતાં. એમના સંશોધનમાંની કેટલીક હકીકતો કોષ્ટકરૂપે નીચે રજૂ કરવામાં આવી છે.

આંકડાકીય માહિતીના આધારે કહી શકાય કે પુરાણાં મૂલ્યોની પ્રમાણભૂતતા અને વિશ્વસનીયતા ધીરેધીરે નામશેષ થઈ રહ્યાં છે. મોટાભાગના વિદ્યાર્થીઓ પોતાના માતા-પિતા અને અધ્યાપકોમાં નહીંવત્ ભરોસો ધરાવે છે. રાજકીયપક્ષો અને એમના પક્ષકારો પણ વિશ્વસનીયતા ગુમાવી રહ્યા છે. ૪૦% વિદ્યાર્થીઓ કૌટુમ્બિક પરંપરાઓને હજી પણ મહત્ત્વ આપે છે તે આશાસ્પદ બાબત છે. ૬૮% વિદ્યાર્થીઓ પોતાના ભાવિ અંગે અનિશ્ચિત હોવાનું જણાયું છે જે ઘણું ભયસૂચક છે. કારણ કે એ દિશાવિહીનતા તરફ અંગુલીનિર્દેશ કરે છે જ્યારે કોઈ ચોક્કસ દિશા જ ન હોય ત્યારે ઉજ્જ્વળ ભાવિનો કાર્યક્રમ કે રૂપરેખા પણ ક્યાંથી હોય?

યુવામાનસ મોટે ભાગે આદર્શવાદી તેમજ યોગ્ય કારણ માટે બલિદાન આપવા તત્પર હોય છે. પરંતુ તેઓ પરિસ્થિતિનો શિકાર બન્યા હોવાનું અનુભવે છે. યુવાપેઢીને પોતાનું જીવન અર્થસભર અને રચનાત્મક બનાવવા માટે નક્કર કાર્યક્રમ અને માર્ગદર્શનની જરૂર છે. કમનસીબે વડીલો ઈચ્છે છે કે તેઓ સફળ ધંધાર્થી બને, નહીં કે મહાન વ્યક્તિ: મહાનતા બલિદાનમાં છૂપાયેલી છે. ઉચ્ચ આદર્શો માટે જીવવું તેમ જ મરવા તત્પર રહેવું એ ખ્યાલને મહત્ત્વ આપવાને બદલે જાણ્યે-અજાણ્યે તેને મૃત:પ્રાય બનાવી દેવામાં આવ્યો છે. યુવાનો હંમેશાં શક્તિથી થનગનતા હોય છે. યોગ્ય માર્ગદર્શન અને સઘન કાર્યક્રમોના અભાવે આ શક્તિ વેડફાઈ રહી છે. એમનો અજંપો કવિચત્ કાયદા અને વ્યવસ્થા માટે ખતરો બની જાય છે.

આ હકીકત સમજવા માટે મુંબઈના વિદ્યાર્થીસમૂહ ૫૨ દૃષ્ટિપાત કરીએ. ભારતના અન્ય કોઈ ભાગ કરતાં એમની સ્થિતિ અલગ નથી. મુંબઈના વિદ્યાર્થીઓ ઉમદાકાર્યની શોધમાં છે પરંતુ એમના વાલીઓ એમને કારકિર્દીલક્ષી બનવા પ્રેરે છે. વર્તમાનપત્રો દ્વારા સમાજની કાળી બાજુને અપાતું મહત્ત્વ વિદ્યાર્થીઓને ઉદાસીન બનાવે છે. કેટલાંકને તો ઉમદાજીવન જીવવું અશક્ય લાગવા માંડે છે. અંતે એઓ પોતાની મૂલ્યનિષ્ઠાનું બલિદાન આપી ઉંદર-દોડમાં સામેલ થાય છે. કલકત્તા કરતાં મુંબઈની ઝૂંપડપટ્ટીમાં દરિદ્રતા અને બેરોજગારીનો પ્રશ્ન પ્રમાણમાં ઓછો વિક્ટ છે. એ સ્પષ્ટ છે કે પોતાની કૌટુમ્બિક પૂર્વભૂમિકાને કારણે તેઓ ઉચ્ચ વિચારો અને સભ્યતાથી વિમુખ બને છે. ઝૂંપડપટ્ટીનાં બાળકો સત્તર વર્ષની ઉંમરે પહોંચતા સુધીમાં તો અસામાજિક પ્રવૃત્તિના છટકામાં સપડાઈ જાય છે. માફિયા, દાણચોરો, શોષણખોર વેપારીઓ અને રાજકીય પક્ષો આંબલી-પીપળી બતાવીને તેમનો દુરુપયોગ કરે છે.

મુંબઈના યુવકો તેમના દિલ્હી અને કલકત્તાના ભાઈઓ કરતાં વધુ નમ્ર અને સાહસિક જણાય છે. પરંતુ પ્રવર્તમાન મૂલ્યવિહીનતાને કારણે તેઓ ગૂંગળાય છે. કેટલાક દૃષ્ટાંતો તપાસીએ. તબીબી, સ્થપતિવિદ્યા કે વાણિજ્ય-વહીવટ વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓ કુશાગ્ર ગણાય છે. સવાલ ઉઠે છે કે માત્ર તેવા વિદ્યાર્થીઓને જ શા માટે બુદ્ધિશાળી ગણવામાં આવે છે? જેઓ રમત-ગમત, સંગીત, અભિનય વગેરેમાં પ્રવીણ તેઓનું શું? આઈ.આઈ.ટી. કે આઈ.આઈ.એમ.ના વિદ્યાર્થી કરતાં શું સચીન તેંડુલકર વધુ પ્રતિભાશાળી નથી? અથવા તો એક ડાહ્યા છોકરાનું દૃષ્ટાંત લઈએ. સારા અને શાણા છોકરા વચ્ચે તફાવત હોય છે. આ તફાવતની આપણે ક્યારેય નોંધ લીધી છે ખરી? યુધિષ્ઠિર અને શ્રીકૃષ્ણ વચ્ચે આવો જ તફાવત છે. યુધિષ્ઠિર ધર્મપુત્ર ખરા, પરંતુ એમની સારપ સંજોગ ૫૨ કાબુ મેળવવા શક્તિમાન હતી ખરી? જ્યારે શ્રીકૃષ્ણનું તત્ત્વદર્શન અદ્ભૂત હતું. ગાંધીજીએ અહિંસાનો પ્રસાર કર્યો. તેમની અહિંસા લડાયક અને નિશ્ચિત હતી. તેથી જ સારપમાં અસરકારકતા હોવી આવશ્યક છે. પ્રચ્છન્ન સારપ બીન અસરકારક જ નહીં બલ્કે જોખમી પણ છે. કારણ કે એ દુરાચારીને સહન કરે છે (અને એ રીતે એને ઉત્તેજન આપે છે). ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે દુષ્ટનો પ્રતિરોધ ન કરો: જો તારા જમણા ગાલે તમાચો મારે તો ડાબો ધરી દે. છતાં એમણે પોતે પણ ધીરધારી કરનારને આ વેપારકેન્દ્ર નથી કહીને મંદિર – દેવળમાંથી હાંકી કાઢ્યા હતા. એ શું બતાવે છે? એનાથી પ્રતિપાદિત થાય છે કે પ્રેમ એ સીધી કે આડકતરી રીતે દુરાચારીને પ્રોત્સાહન આપવા માટે નથી. આ રીતે ભલા અને શાણા માનવીઓમાં તફાવત હોય છે. દુર્ભાગ્યવશાત્ ભારતીયો આ પાસાં તરફ ઉદાસીન છે. એ કારણે જ અનેક સારા અને તેજસ્વી વિદ્યાર્થીઓ નિ:સ્વાર્થ સેવામાં રુચિ દાખવી શકતા નથી.

શું વેદાન્ત માર્ગે ભારતીય યુવા પેઢીની સમસ્યાઓનો ઉકેલ સંભવિત છે? અવશ્ય. શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ દ્વારા ઘટિત વેદાન્ત તત્ત્વદર્શન પાસે વર્તમાન યુવા સમસ્યાનો ઉકેલ છે.

(૧) આ તત્ત્વજ્ઞાનનાં વિશિષ્ટ લક્ષણોનું હાર્દ છે: ‘તત્, ત્વમ્, અસિ.’ એટલે કે ‘તું તે છે.’ પ્રત્યેક વ્યક્તિમાં પ્રચંડ શક્યતાઓ ભરેલી છે એવો અર્થ અભિપ્રેત છે. પ્રત્યેકની અંદરની સંપત્તિ અખૂટ છે. જો તમને લાગે કે તમે નબળા છો, તો એ નબળાઈ તમે ખરેખર નબળા છો તેથી નહીં પરંતુ તમારા નબળા વિચારોને આભારી છે. આ તમારી કલ્પના માત્ર છે.

(૨) તમે પ્રચંડ ક્ષમતાયુક્ત છો. એ આંતરિક સંપત્તિને બહાર લાવવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. એના મહત્તમ ઉપયોગ દ્વારા વધુ ઉત્પાદનલક્ષી બનવું જોઈએ.

(૩) જિંદગીના ઘણા નિક્ટતમ સાધ્યો પ્રેય હોવાના. જરૂર છે અંતિમ ધ્યેય (શ્રેય)ની. અર્થપૂર્ણ જીવન જીવવા માટે પ્રત્યક્ષ સાધ્યને અંતિમ સાધ્ય સાથે જોડી દઈ શકાય એવું એક વિશિષ્ટ આયોજન કરવું જોઈએ.

(૪) સારી રીતે જીવવા માટે અર્થપૂર્ણ જીવન જરૂરી છે: એવું જીવન જે સ્વ અને સમાજ બંને માટે ઉપકારક હોય. એ શક્ય બનાવવા માટે યોગ્ય ધ્યેય આવશ્યક છે. આપણું માનસ નિરક્ષીર વિવેક પારખી શકે એવું, કલ્પના અને વાસ્તવિકતાનો ભેદ જાણી શકે એવું હોવું જોઈએ.

(૫) સ્વાતંત્ર્ય પ્રત્યેક આત્માનું જ્ઞાન છે. દરેક જાગૃતપણે કે અજાગૃતપણે સ્વાતંત્ર્ય મેળવવા પ્રયત્નશીલ રહે છે. સ્વામી વિવેકાનંદના મતે સ્વાતંત્ર્ય એટલે બંધનોથી મુક્તિ. બંધનો ત્રણ પ્રકારનાં હોય છે: આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક. દરેકને ક્રમાનુસાર લઈએ તો સૌ પ્રથમ બેકાબુ આવેગો અને વાસનાઓ આવે છે. તે આપણી શકિતનો વ્યયકર્તા છે એટલું જ નહીં યોગ્ય નિર્ણયથી ચ્યુત કરે છે. આપણા ગમા-અણગમા આપણને પૂર્વગ્રહરહિત બનતા રોકી ગૂંચવણમાં નાખે છે. બંધનમુક્ત થવા માટે આધ્યાત્મિક સાધના જરૂરી છે. ત્યારબાદ બાહ્ય પ્રકૃતિ આવે છે. આપણે અતિવૃષ્ટિ, ભૂકંપ, દુષ્કાળ જેવી કુદરતી આપત્તિઓનો સામનો કરવો પડે છે. માનવીય વિકાસ માટે નૈસર્ગિક સંપત્તિનો ઉપયોગ કરીએ છીએ. આ માટે વિજ્ઞાન અને યાંત્રકળા જરૂરી છે. તૃતીય સ્થાન અસમાનતા, અન્યાય જેવાં સામાજિક દુષણોને ફાળે જાય છે. આ સમસ્યા હલ કરવા માટે સમાજવિદ્યા, અર્થશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર વગેરેનો અભ્યાસ જરૂરી છે. આ રીતે સ્વામીજીના મતાનુસાર આપણે મનનાં પ્રતિકૂળ આવેગો, કુદરતી આપત્તિઓ તથા સામાજિક દૂષણો સામે ત્રિપાંખીયો જંગ ખેલવાનો છે. એટલા માટે જ સ્વામીજી આપણને અધ્યાત્મ અને આધુનિક વિજ્ઞાનનો સુમેળ સૂચવે છે. આથી જ એમની કૃતિઓમાં સમાજવિદ્યા, અર્થશાસ્ત્ર અને રાજનીતિશાસ્ત્રના ઉલ્લેખો મળે છે.

(૬) મનુષ્યના વ્યક્તિગત અને સામાજિક એમ બે પાસાંઓ હોય છે. તે સમાજનું એક અંગ હોવા ઉપરાંત પોતાનું આગવું વ્યક્તિત્વ પણ ધરાવે છે. જો વ્યક્તિ આ દ્વિમુખી વિકાસ સાધવાની કોશિશ ન કરે તો તેનું વ્યક્તિત્વ રુંધાય છે. અર્થાત ‘આત્માનો મોક્ષાર્થમ્ જગત્ હિતાય ચ’ એટલે કે વ્યક્તિએ માનવતાના કલ્યાણાર્થે અને પોતાના મોક્ષાર્થે પ્રયત્નશીલ રહેવું જોઈએ.

(૭) પરોપકાર એટલે અન્યને જે જોઈતું હોય તે આપી દેવું એવું સંકુચિત અર્થઘટન અહીં અભિપ્રેત નથી. વેદાંતાનુસાર પરહિત એટલે અન્યને આત્મનિર્ભર થવા માટે મદદરૂપ થવું. એમની આંખ ઉઘાડવી અને એમના ખોવાયેલા વ્યક્તિત્વની પીંછાણ કરાવવી. એમના સ્વકલ્યાણના કાર્યમાં આપણે સહભાગી થવાનું છે. જ્યારે શ્રીરામકૃષ્ણના એક શિષ્યા ગૌરીમાએ શ્રીમાને પૂછ્યું કે ‘મા, હું એક કન્યાશાળા શરૂ કરવા માગું છું. તેઓને શું શીખવું?’ શ્રીમાએ ઉત્તર આપ્યો, ‘ગૌરી, કન્યાઓને શીખવો કે ફક્ત ગૃહકાર્ય માટે એમનો જન્મ નથી થયો. તેઓ બીજાં ઘણાં મહાન કાર્યો કરી શકે છે. તેઓ અશક્યને શક્ય બનાવી શકે છે.’ શ્રીરામકૃષ્ણ, શ્રી મા અને સ્વામીજીએ પોતાના ઉપદેશ દ્વારા કેળવણીના ઉદ્દેશ પરત્વે નવો જ અભિગમ દાખવ્યો છે. એમણે પ્રતિપાદિત કર્યું કે માનવ મગજ કંઈ ઠાંસી-ઠાંસીને ભરવા માટેનું ખાલી પાત્ર નથી.

ઉપરોક્ત વેદાંતધારિત સિદ્ધાંતો જો યોગ્ય રીતે અપનાવાય તો વ્યક્તિગત તેમજ સામૂહિક રીતે ક્રાંતિકારી પરિણામો પ્રાપ્ત થઈ શકે છે. સ્વામીજી વારંવાર કહેતા કે આપણને વ્યવહારદક્ષ વેદાંતની જરૂર છે. બીનવ્યવહારદક્ષ વેદાંત બૌદ્ધિક ઉત્તેજનાથી વિશેષ કંઈ આપી શકતું નથી. ધર્મના નામે બૌદ્ધિક પ્રત્યાઘાતો કે યંત્રવત્ વિધિન્યાસ એમ બંને વર્જિત છે. સ્વામીજીના મતે ધર્મ એટલે જ સાક્ષાત્કાર. સાથેસાથે ધ્યાનમાં રાખવું જોઈએ કે શ્રીરામકૃષ્ણ અને સ્વામીજીનો સ્વીકાર એટલે સામાજિક ઋણ સ્વીકાર. ફક્ત ધ્યાન સાધના કે સમાજસેવા દ્વારા શ્રીરામકૃષ્ણ કે સ્વામી વિવેકાનંદના સાચા શિષ્ય બની જવાતું નથી. આપણે સહુએ આપણા ભાગનું સામાજિક ૠણ ફેડવા ઉપાસના કરવાની છે.

હવે એવો પ્રશ્ન ઉદ્ભવે કે વેદાન્ત જ શા માટે? અન્ય ધર્મનિરપેક્ષ વિચારસરણીનો સ્વીકાર શા માટે ન કરવો? ઉત્તર સરળ છે. કોઈ પણ દેશમાં કાર્યન્વિત થવા તેની રાષ્ટ્રીય લાક્ષણિકતાઓ ધ્યાનમાં રાખવી જોઈએ. જેનાં મૂળ ભૂતકાળમાં હોય છતાં જેનાં સ્પંદનો આધુનિક હોય એવો માર્ગ કે સાધનો અપનાવવાં જોઈએ. વિદેશી વિચારસરણીથી ભારતીયોને ખાસ લાભ થયો નથી. આથી જ ઈજનેરો પણ યોગ્ય યાંત્રશક્તિ’ (ટેક્નૉલોજી) એટલે કે રાષ્ટ્રને અનુરૂપ યાંત્રશક્તિ (Appropriate Technology) પર ભાર મૂકતા થયા છે. એટલા માટે જ વ્યવસ્થા સંચાલનમાં પણ ભારતીયકરણનો નવો અભિગમ અપનાવવાની ભલામણ થાય છે. અને ધર્મ તો ભારતની કરોડરજજુ છે. વેદાંત ઉદારમતવાદી હોવા છતાં એનાં હાર્દમાં ધર્મ રહેલો હોવાથી આધુનિકતા અને ૫રં૫રા વચ્ચેના ઘર્ષણને એ અતિક્રમી શકે છે. તદ્ઉપરાંત વેદાંત સમાજવિદ્યા અને વિજ્ઞાનને અવગણતું નથી. ભારતની કોઈ પણ ધર્મનિરપેક્ષ વિચારસરણીમાં જીવનનાં વિવિધ પાસાંઓનો વ્યાપક રીતે સમાવેશ થતો નથી. કેટલાક અંશે સામ્યવાદી વિચારસરણીમાં એ જોવા મળે છે ખરું. પરંતુ પૂર્વ યુરોપ અને સોવિયેત સંઘનાં પરિણામો સ્પષ્ટપણે દર્શાવે છે કે સામ્યવાદ પણ ત્રુટિઓથી પર નથી.

ઉપરોક્ત વેદાંતાધારિત સિદ્ધાંત-સપ્તકમાં વ્યક્તિગત મૂલ્યો અને સનાતન આદર્શોનો સમાવેશ કરીને શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદે તેને સાર્વત્રિક બનાવ્યાં છે. સર્વ ધર્મો પ્રેમ, સત્ય, પ્રામાણિકતા, સમભાવના જેવા પાયાનાં મૂલ્યોથી શરૂ કરીને ઈશ્વરપ્રાપ્તિના અંતિમ ધ્યેય તરફ લઈ જાય છે. જુદાજુદા ધર્મોની ઈશ્વર અંગેની પરિકલ્પનાઓ પણ અલગ અલગ હોય છે. માત્ર એક વિચારમાં સર્વસંમતિ જોવા મળે છે: ‘ઈશ્વર સર્વાંગસંપૂર્ણ છે. સર્વોત્તમ સત્ય છે.’ એટલે જ્યારે ધર્મો દ્વારા ‘ઈશ્વર પ્રાપ્તિ’ કે ‘ઈશ્વર શરણ’ કે ‘ઈશ્વર સમકક્ષ’ બનવાનો બોધ મળે ત્યારે તેનું અર્થઘટન ‘પૂર્ણતા પ્રાપ્ત કરવી’ તેવો થાય છે. ધર્મસાધના એટલે પૂર્ણતા પ્રાપ્તિની યાત્રા. આથી પ્રત્યેક ધર્મનો પ્રારંભિક અને અંતિમ તબક્કો સમાન હોય છે. તત્ત્વજ્ઞાન, પુરાણો અને આચારસંહિતાઓ સ્વાભાવિક રીતે જ પ્રાદેશિક, સંસ્કૃતિ અને જાતિ પ્રમાણે ભિન્ન હોય છે. શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના મતાનુસાર કોઈપણ ધર્મનો ઊંડાણથી અભ્યાસ કરવામાં આવે તો સમાન સત્ય જ જોવા મળે છે. તેઓ બધા તત્ત્વજ્ઞાન અને ધર્મોનું સંમિલન વેદાંતમાં જુએ છે. આ રીતે શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ સ્પષ્ટ કરે છે કે વેદાંતવિચારસરણી કોઈની પ્રતિસ્પર્ધી નથી. બલ્કે વર્તમાનયુગ, ખાસ કરીને યુવાનોને અનુરૂપ છે.

સ્વામીજી તો વિદ્યાર્થીઓ, અધ્યાપકો, ભૂમિપુત્રો, માછીમારો, કારીગરો અને વ્યાવસાયિકો, સ્ત્રી, પુરુષ અને બાળકો સર્વમાં સમાન રીતે વેદાન્તનો પ્રસાર ઇચ્છતા હતા. આપણે જેટલી ત્વરાથી તે શક્ય બનાવી શકીએ તેટલા વધુ ઝડપથી નવા યુગમાં પદાર્પણ કરી શકીશું. આ રીતે શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ દ્વારા ઉપદેશાયેલી વેદાંત વિચારસરણી યુવાપેઢીના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે ઉપયોગી ભાગ ભજવી શકે તેમ છે.

પ્રવર્તમાન સંજોગોમાં તો વિદ્યાર્થીઓને તેમની સંસ્થા કે શિક્ષણસંકુલની બહાર થોડી ટકોર થવી જરૂરી છે, કારણકે વર્તમાન કેળવણી વ્યક્તિના આંતરિક વિકાસની ભાગ્યે જ ખેવના રાખે છે. આ માટે યુવ સંમેલનોથી પ્રારંભ કરવો જોઈએ, જેમાં સંમિલિત થનારને સ્વામીજીના આદર્શો અને યુવ-શક્તિના મહત્ત્વથી પરિચિત બનાવવા જોઈએ.

સંમેલન બાદ એમને કાંઈક ઉત્પાદનલક્ષી કાર્ય કરવા પ્રોત્સાહિત કરવા જોઈએ. જેમને ખરેખર લોકો વચ્ચે કાર્ય કરવામાં રસ હોય તેમના માટે યુવાશિબિરોનું આયોજન કરવું જોઈએ.

શિબિરને અંતે ખરેખર ગંભીર હોય એવા યુવા જૂથની પસંદગી કરવી. જે કેન્દ્રનું – એટલે કે જુદાજુદા ક્ષેત્રમાં કાર્ય કરવા માટે રચવા ધારેલા સંગઠનોના કેન્દ્ર સ્રોત તરીકે કાર્ય કરશે.

આવી શિબિરો અને જૂથો આવશ્યક પણ છે, કારણકે યોગ્ય અનુસરણ કાર્યક્રમના અભાવે ઘણી વખત શરૂઆતનો જુસ્સો ઓસરી જતો જોવા મળે છે.

આવાં નાનાં જૂથોએ અભ્યાસવર્તુળો, પ્રશિક્ષણ કાર્યક્રમો અને પ્રકલ્પો યોજવા જોઈએ. વર્તમાન સામાજિક અને અન્ય સમસ્યાઓના સંદર્ભમાં સ્વામીજીના પુસ્તકોનું વાંચન અને ચર્ચાઓ થવી જોઈએ. સાથે-સાથે પ્રત્યક્ષ પ્રશિક્ષણ ઉપલબ્ધ થાય એવા પરિસંવાદો યોજવા જોઈએ. નેતૃત્વ, સંભાષણ કળા, સભ્યો અને સમુદાયનું ઉદ્દીપન, સંઘભાવના, ઇચ્છાશક્તિની પુષ્ટિ, પ્રકલ્પોનું આયોજન તેમ જ સંચાલન વગેરેના વ્યાવહારિક અનુભવો મળે તે જોવું જોઈએ, જે સભ્યોને કાર્યક્ષમ કાર્યકરો અને નેતાઓ બનાવશે. સંગઠનના સભ્યોને મૂળ લક્ષ્ય કે હેતુથી માહિતગાર બનાવવા જોઈએ. એમનું ચેતસ્ જાગૃત કરી એમની સૈદ્ધાંતિક પૂર્વભૂમિકાને મજબૂત બનાવવી જોઈએ.

પ્રયોજિત કાર્યક્રમોમાં રચનાત્મક તેમજ પ્રતિકારાત્મક એમ બંને પ્રકારના કાર્યનો સમાવેશ કરવો, સભ્યોને ક્રિયાશીલ બનાવવા જોઈએ. એમને જરૂરિયાતમંદોને આત્મનિર્ભર બનાવી શકે એવા પ્રકલ્પો સોંપવા જોઈએ. સાથે-સાથે સામાજિક દૂષણોનો પ્રતિકાર કે બહિષ્કાર પણ થવો જોઈએ.

આ રીતે – સંમેલનો – શિબિરોના કેન્દ્રસ્રોત દ્વારા સ્થપાયેલાં અનેક જૂથો દ્વારા જુદાજુદા લત્તાઓમાં ચોક્કસ કાર્યક્રમો અમલી બનાવવા જોઈએ. જોકે શરૂઆતમાં માતા-પિતા પોતાનાં સંતાનોને આવા સમાજસેવાયજ્ઞમાં સહભાગી થતા અટકાવતા હોય છે. આથી વડીલોની પુન: કેળવણી પણ આવશ્યક છે. વિશેષત: યુવાનો તો સમાજનો એક ભાગ છે. તે સિવાય પણ આંતરિક રીતે સંકળાયેલા અનેક ઘટકો હોય છે. આથી યુવકોને યોગ્ય દિશાસૂચન કરવા વ્યાપક અભિગમ અપનાવવો જોઈએ.

મુંબઈ ખાતેનો અમારો અનુભવ કંઈક આવો જ છે. છેલ્લા છ વર્ષ દરમ્યાન શ્રીરામકૃષ્ણ સ્વામી વિવેકાનંદના વેદાંત – વિચાર પર આધારિત ચાર – સંગઠનોની રચના કરવામાં આવેલી. વિવેકાનંદ યુવા સંગઠન, જે યુવકો માટેનું એકમ છે, વિવેકાનંદ નારી સેવા સંઘ જે મુખ્યત્વે ગૃહિણીઓ અને નોકરિયાત મહિલાઓનું એકમ છે; સ્વામી વિવેકાનંદ જનસેવા કેન્દ્ર, જે ઝૂંપડપટ્ટીવાસીઓનું ઘટક છે અને પૂર્ણવહીવટ સંચાલન સંસ્થાપન (ફાઉન્ડેશન ફૉર ઈન્ટીગ્રલ મૅનેજમેન્ટ) જે વ્યાવસાયિક વ્યવસ્થાપકો, સલાહકારો અને પ્રાધ્યાપકોનું જૂથ છે. તાજેતરમાં શાળા-મહાશાળા અને વિશ્વવિદ્યાલયોના પ્રાધ્યાપકોનું સંગઠન પણ રચવામાં આવ્યું છે. આવી યોજનાઓનો હેતુ પાયામાંથી જ જનશક્તિ કેળવવાનો છે.

અત્રે વર્તમાન સમસ્યાઓના સંદર્ભમાં સ્વામીજીના ઉપદેશની સમજણ અતિ આવશ્યક છે, જેમાં વ્યાવહારિક અભિગમ જ મદદરૂપ થઈ શકે. પ્રારંભિક પ્રશિક્ષણ (જો કે – તાલીમ એક સતત પ્રક્રિયા છે) સાથે યુવા-જૂથ ઝૂંપડપટ્ટીનાં બાળકો વચ્ચે કાર્ય શરૂ કરે અને સંપર્ક સ્થાપિત થયા બાદ પૌઢશિક્ષણ અંગેનો પ્રકલ્પ પણ શરૂ કરવામાં આવે. જાગૃતિ કાર્યક્રમો દ્વારા ‘બસ્તી’ના રહેવાસીઓને પોતાની સમસ્યાઓનું નિરાકરણ સાથે મળીને લાવવા માટે પ્રેરવામાં આવે તે પૌઢશિક્ષણનું અગત્યનું પરિબળ છે. પરિસ્થિતિઓથી એમને વાકેફ કરવા એ પણ શિક્ષણનો જ એક ભાગ છે. તેઓ જ્યારે પોતાના સામાન્ય પ્રશ્નોના નિરાકરણ માટે એકઠા થશે ત્યારે તેમને પોતાની શક્તિનો અહેસાસ થશે. એ રીતે તેઓ પોતાના સુષુપ્ત વ્યક્તિત્વને પીછાણશે. ત્યારબાદ સ્વ-રોજગાર યોજનાઓ દ્વારા યુવકો તેમજ પૌઢમહિલાઓને તેમની મંડળીઓ રચવા પ્રેરવા જોઈએ. ઉદાહરણ તરીકે પાંચ ભાઈઓ અને ત્રણ મહિલાઓની સમિતિવાળા એસ.વી.જે.કે. (સ્વામી વિવેકાનંદ જનસેવા કેન્દ્ર)ના બધા સભ્યો ઝૂંપડપટ્ટીવાસી છે. તેઓ પોતાની વસ્તીના વિકાસ માટે પ્રયત્નશીલ છે. આ રીતે બસ્તીના બધા ઘટકને સક્રિય બનાવી શકાય.

આ પ્રકારે દેશના કોઈપણ ભાગમાં સ્વામીજીનું ‘પ્રજાનું પ્રજાદ્રારા મુક્તિપ્રસૂન-સ્વપ્ન’ સિદ્ધ કરી શકાય. યુવાનો તેમાં મહત્ત્વનો ભાગ ભજવી શકે.

સ્વામીજીના મતે યુવાદળોએ માત્ર સુઆચરણશીલ જ નહીં પરંતુ સામાજિક પરિવર્તનો માટે પણ કાર્યશીલ રહેવું જોઈએ. આવાં સંગઠનો બીન રાજકીય હોઈ શકે પરંતુ રાજકીય રીતે વિમુખ તો ન જ રહેવાં જોઈએ. પક્ષાપક્ષના રાજકારણને બદલે આવાં દળોએ છેક નીચેના સ્તરથી લોકશક્તિ જાગૃત કરવી જોઈએ. આજના ભારતીય યુવકોનું ધ્યેય “પ્રજા દ્વારા પ્રજાની મુક્તિ”નું હોવું જોઈએ. પ્રજાને લોકોને સ્વાવલંબી, આત્મ – વિશ્વાસયુક્ત અને ત્યાગવૃત્તિવાળી તેમજ દેશના ઉત્થાન માટે જાગૃત બનાવવી તે જ તેમનો ઉદ્દેશ હોવો જોઈએ.

યુવા સંગઠનો દ્વારા યુવાનોની આકાંક્ષા, જરૂરિયાત અને અભિરુચિને વાચા મળવી જોઈએ. એ એમની જ વાણી અને એમના જ વિચારના દ્યોતક હોવા જોઈએ. આવાં સંગઠનો તેમના પોતાના પ્રશ્નોના ઉકેલ માટેની પ્રત્યક્ષ લડત છે. એટલું જ નહીં સંગઠનના ઉમદા કાર્ય માટે સમર્પિત થવું એ પોતાનું અહોભાગ્ય છે એવી લાગણી એમનામાં જન્માવવી જોઈએ.

ભાષાંતર: શ્રીમતી નીલાબહેન શાહ

Total Views: 286

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.