नमः परम ऋषिभ्यः

‘ભારતના દેશ ભક્ત સંત’ (The Patron Saint of India) આ શબ્દો વડે લોકમાન્ય ટિળકે સ્વામી વિવેકાનંદનું ગૌરવ કર્યું હતું. લોકમાન્યના આ શબ્દો તે વખતે આખા રાષ્ટ્રને પ્રિય થઈ પડ્યા હતા અને અંગ્રેજી જાણનારા ભારતીયોની જીભે રમતા હતા. સ્વામી વિવેકાનંદના હૃદયમાં ભારત વિશે અસીમ પ્રેમ હતો. ભારતની ઉજ્જ્વળ આધ્યાત્મિક સંસ્કૃતિના તેઓ એક તેજસ્વી પ્રતિનિધિ હતા. એમનું ભારતીય હૃદય માનવવ્યાપી, વિશ્વવ્યાપી હતું. ભારતના પોતાના યુગના તેઓ ‘અધ્યાત્મવીર’ હતા.

સન ૧૮૯૩માં અમેરિકાના શિકાગો શહેરમાં ભરાયેલી ‘વિશ્વધર્મ પરિષદ’માં સ્વામી વિવેકાનંદે ‘ખરા વિશ્વધર્મ વેદાન્ત’ની શ્રેષ્ઠતા ગર્જના કરી સંભળાવી, ત્યારે જ દુનિયાએ અને આપણા દેશે, એમને ઓળખ્યા. ‘દરેક મનુષ્ય અમૃતનો પુત્ર છે અને માણસે આખરે દેવ બનવાનું છે.’ આ એમનો સંદેશો અમેરિકા માટે ત્યારે ખરેખર સાવ નવો હતો. અમેરિકાથી સ્વદેશ પાછા ફરતાં સ્વામીજી રસ્તામાં ફ્રાન્સ, બ્રિટન વગેરે દેશોમાં જઈને આવ્યા. પાછા માતૃભૂમિ પહોંચ્યા પછી કોલંબોથી આલમોડા સુધીની જે યાત્રા એમણે કરી તે તો ખરેખર જાણે દિગ્વિજયની જ યાત્રા હતી.

સન ૧૮૫૭ પછી આપણા રાષ્ટ્રમાં એક જાતનો વૈરાગ્ય ફેલાયો હતો. એ વૈરાગ્ય પાછળ નિરાશા અને ‘आत्मनिअनित्यय’ હતો. રાષ્ટ્ર પોતાનું આત્મગૌરવ ખોઈ બેઠું હતું. આ માનસિક ગ્લાનિ દૂર કરવા માટે ‘આત્મવિશ્વાસ, સ્વાભિમાન, નિર્ભયતા, ત્યાગ, વૈરાગ્ય અને નિ:સ્વાર્થ સેવા’નો આદર્શ સ્વામીજીએ જ સર્વપ્રથમ રાષ્ટ્ર આગળ રાખ્યો. ભગવાન શ્રીરામકૃષ્ણ પરમહંસને ચરણે બેસી એમણે અને એમના ગુરુબંધુઓએ જે આધ્યાત્મિક પ્રેરણા મેળવી હતી તેને સંગઠિત રૂપ આપી, સેવા અને પ્રચાર દ્વારા એને જગભર ફેલાવવાનો સંકલ્પ સ્વામીજીએ કર્યો. વેદાન્તમાં દ્વૈત, અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, શુદ્ધાદ્વૈત વગેરે અનેક સંપ્રદાયો હતા. એ બધા અંદર-અંદર ચર્ચા અને શાસ્ત્રાર્થ કરવામાં જ મશગૂલ હતા. સ્વામીજીએ આ સંપ્રદાયોને અને એમના માંહોમાંહેના વાદવિવાદને ગૌણ માન્યા. તેઓ પોતે શાંકરમતના, એટલે અદ્વૈતવાદી હતા. પણ અદ્વૈતના આદ્ય આચાર્ય ગૌડપાદ પાસેથી એમણે સમન્વયદૃષ્ટિ લીધી હતી. તેથી કોઈની સાથે પણ એમના અદ્વૈતમતનો ઝઘડો ન હતો. જ્ઞાનમાર્ગ, કર્મમાર્ગ, ભક્તિમાર્ગ ઇત્યાદિ બધા માર્ગોનો એમણે સરખો જ પુરસ્કાર કર્યો અને આ માર્ગો વચ્ચે સમન્વય આણવાનો પૂરો પ્રયત્ન કમર કસીને એમણે કર્યો.

સ્વામી વિવેકાનંદ પહેલાં આપણા દેશમાં વેદાન્તનો પ્રચાર ઓછો નહોતો થતો. ગૌડપાદાચાર્ય, શંકરાચાર્ય, રામાનુજાચાર્ય આદિ શ્રેષ્ઠ ભાષ્યકારોએ વેદાન્તવિદ્યાનો વિસ્તાર માનવબુદ્ધિની પરાકાષ્ઠા સુધી પહોંચાડ્યો હતો. મહારાષ્ટ્રમાં શ્રી જ્ઞાનેશ્વર, વામન પંડિત, દાસોપંત, સોહિરોબા આદિ મનીષીઓએ ગીતાનો સંદેશો ઘેર-ઘેર પહોંચતો કર્યો હતો. નામદેવ, જ્ઞાનદેવ, એકનાથ, તુકારામ, રામદાસ, આદિ સંતોએ વર્ણાશ્રમવ્યવસ્થાને ગૌણ બનાવી અભેદ વૃત્તિ દ્વારા સમાજમાં ધર્મ-જાગૃતિ આણવાનું કામ કર્યું હતું. આ જે કામ મહારાષ્ટ્રમાં થયું તે જ જાતનું કાર્ય ભારતની દરેક ભાષાના અને દરેક પ્રદેશના સંતોએ તથા ધર્મપરાયણ કવિઓએ પોતપોતાના પ્રદેશોમાં પણ કર્યું હતું. ઈશ્વરભક્તિ, સદાચાર, સંતોષ, સેવા અને નામમાહાત્મ્ય – એ જ આ કાર્યનો સાર હતો.

વ્યાવહારિક જીવનમાં એમનો ભાર સદાચાર અને સંતોષ પર જ રહેતો. તેજસ્વી પુરુષાર્થ, રાજનૈતિક અસ્મિતા, ભૌતિક જ્ઞાનોપાસના અને સામાજિક સુધારા ૫૨ સંતોએ ભાર મૂક્યો ન હતો.

અંગ્રેજો અને અંગ્રેજી વિદ્યાની અસર ઓગણીસમી સદીના પ્રારંભથી જ આપણા પર પડવા માંડી હતી. પણ આખા રાષ્ટ્રનું જીવન-પરિવર્તન, સાચા અર્થમાં ૧૮૫૭ પછી જ શરૂ થયું એમ કહેવું જોઈએ. આપણો ધર્મ, સંતોનું કાર્ય, ઉદ્યોગધંધાઓની પ્રગતિ, જુદીજુદી કળાઓનો વિકાસ, સાહિત્ય-સંપદા – આ બધું જ આપણી પાસે હોવા છતાં આપણું રાષ્ટ્રીય જીવન અસંગઠિત, દુર્બળ અને ક્ષીણવીર્ય બન્યું હતું. ત્રીસ-ચાળીસ વર્ષોથી આપણે લગભગ કિંકર્તવ્યમૂઢ થઈને પડ્યા હતા. અંગ્રેજી વિદ્યા, સંસ્કૃત વિદ્યા અને અરબી-ફારસી ગ્રંથોમાં ગૂંથાયેલી ઈસ્લામી સંસ્કૃતિનું મૂલ્યાંકન કરવું આપણે માટે જરૂરી થઈ પડ્યું હતું. જૂની સંસ્કૃતિનું પુનરુજજીવન કરવા ઇચ્છનારો ઉદ્ધારક પક્ષ અને ‘જૂની વાતો હવે નિ:સત્ત્વ થઈ છે’ એવું માનીને સારી વસ્તુઓ જ્યાંથી મળે ત્યાંથી લઈને જીવનમાં નવું ચૈતન્ય આણવાની સિફારશ કરનારો સુધારક પક્ષ – આ બન્ને વચ્ચે ઠીક-ઠીક સંઘર્ષ ચાલ્યો. એક તરફથી બ્રહ્મસમાજ અને બીજી તરફથી આર્યસમાજ વિશાળ જનતાને પોતપોતાની બાજુએ ખેંચવાનો પ્રયત્ન કરતા રહ્યા અને બન્નેની તરફ શંકાની નજરે જોનારો સનાતન સમાજ જૂની વાતોનું સમર્થન કરવામાં અસમર્થ સાબિત થયો. આર્યસમાજમાં ‘ઘાસ’ પાર્ટી અને ‘ઘાસ’ પાર્ટી, ‘ગુરુકુલવાળા’ અને ‘ડી.એ.વી. કૉલેજવાળા,’ – આવા પક્ષો પડ્યા. આ પરિસ્થિતિમાં ધર્માનુભવના આધારે સંસ્કૃતિમાં નવજીવન રેડવા માગનારી, શિક્ષણમાં રાષ્ટ્રીયતા દાખલ કરવા માગનારી અને ઉદ્યોગધંધા મારફત આર્થિક અવદશા દૂર કરવા ઇચ્છનારી એક સર્વાંગીણ જાગૃતિ દેશમાં ઉદય પામી. એના એક અગ્રદૂત હતા સ્વામી વિવેકાનંદ.

અમેરિકા જતાં પહેલાં એમણે અજાણ્યા સંન્યાસીને વેશે આખા દેશમાં પરિભ્રમણ કર્યું હતું. બધે ફરીને એમણે પરિસ્થિતિનું ઊંડું નિરીક્ષણ અને પરીક્ષણ પણ કર્યું હતું. દેશના ઉદ્ધારનો માર્ગ એમની આગળ સ્પષ્ટ હતો. એમણે જોયું કે જે રાષ્ટ્ર આત્મવિશ્વાસ ખોઈ બેઠું છે તે રાષ્ટ્ર સારુ પ્રતિષ્ઠાની સંજીવની બહારથી જ આણવી પડશે. તેથી જ તેઓ અમેરિકા આદિ પશ્ચિમના દેશોમાં ગયા. ત્યાં તેમને શિષ્યો પણ મળ્યા અને આર્થિક મદદ પણ મળી. ભારતીય સંસ્કૃતિને આવી રીતે પ્રતિષ્ઠિત અને પુન: સ્થાપિત કરી એની આગળ વિશ્વ વિજયનો આધ્યાત્મિક આદર્શ મૂક્યો અને દેશમાં જનતા-જનાર્દનની-વિશેષત: દરિદ્રનારાયણની સેવાથી પ્રારંભ કર્યો.(‘દરિદ્રનારાયણ’ આ શબ્દ એમનો પોતાનો જ ઘડેલો છે)

સ્વામી વિવેકાનંદને વધારેમાં વધારે ચીડ હોય તો તે હતી દુર્બળતા વિશેની. બીજાં બધાં પાપો તેઓ સહન કરી શકતા. પણ દુર્બળતા એમને અસહ્ય લાગતી. એમના આખા કાર્યને કોઈ એક યથાર્થ નામ આપવું હોય તો નવા અર્થમાં ‘શક્તિની ઉપાસના’ એ જ નામ આપવું પડશે. સંન્યાસી થયા તે પહેલાંનું નામ હતું ‘વીરેશ્વર’.

પણ બંગાળમાં કાલીપૂજાને અને પશુના બલિદાનને જ શક્તિની ઉપાસના માનવામાં આવે છે. સ્વામીજીના ગુરુ શ્રીરામકૃષ્ણ પરમહંસે કાલીમાતાની પૂજા અને ભક્તિમાંથી જ બધું મેળવ્યું હતું. આ કાલી-ઉપાસનાનો સ્વામી વિવેકાનંદ વિરોધ નહોતા કરતા, પરંતુ જે ‘શક્તિની ઉપાસના’ એમને જોઈતી હતી તે નિરાળી જ હતી. દેશનું પરિભ્રમણ કરતાં તેઓ મહારાષ્ટ્ર પહોંચ્યા. અહીં એમણે રામભક્તિ, હનુમાનની ઉપાસના અને હનુમાનની પૂજા સાથે-સાથે ચલાવાતા કુસ્તીના અખાડાઓ જોયા અને એમના મુખમાંથી ઉગાર નીકળ્યો, ‘શક્તિની ઉપાસના માટે બાળ-બ્રહ્મચારી હનુમાનજી’નો આદર્શ જ વધારે ઉપયોગી છે. તેમણે પોતાના મઠોમાં રામકથાનું સૂચન કરતું એક સ્તોત્ર પણ ચલાવ્યું અને હનુમાનને આગળ કરીને, શક્તિની ઉપાસના ચલાવવીએ આજના યુગ માટે વધુ હિતકર છે એવો મત પણ જાહેર કર્યો.

જુદીજુદી જગ્યાએ એમણે જે અદ્વૈતાશ્રમો અને સેવાશ્રમો સ્થાપ્યા તે બધા દેશ આખા માટે આધ્યાત્મિક પ્રેરણાના ચૈતન્ય-સ્રોતો બન્યા. આ સંસ્થાઓએ એક બાજુએ શિક્ષિતવર્ગમાં અને વિદ્યાર્થીઓમાં આત્મપરિચયનું અને આત્મગૌરવનું વાતાવરણ નિર્માણ કર્યું અને બીજી બાજુ દીન-હીન, પતિત અને પરિત્યક્ત જનતાનો સ્વીકાર કરી આખા રાષ્ટ્રમાં ભાવનાત્મક ઐક્યનું બળ નિર્માણ કર્યું. ‘સામાજિક સુધારણાનું કામ ધર્મની નિંદા કરીને નહીં, પણ ધર્મ પાસેથી પ્રેરણા લઈને જ થઈ શકે છે’ એ સિદ્ધાન્ત સર્વપ્રથમ સ્વામી વિવેકાનંદે જ રાષ્ટ્રને સમજાવ્યો.

જે લોકો ખ્રિસ્તી આદિ લોકોને હિન્દુ ધર્મના દુશ્મન માનતા હતા એમની દૃષ્ટિ શુદ્ધ કરવાનું કામ પણ વિવેકાનંદે જ કર્યું. થિયૉસૉફી સાથે જો કે એમનો સહકાર થઈ શક્યો નહીં, તોયે થિયૉસૉફીના સર્વ-ધર્મ-સમભાવને સ્વામી વિવેકાનંદે સંપૂર્ણપણે સ્વીકાર્યો હતો.

રાષ્ટ્ર પર સ્વામી વિવેકાનંદનો કેટલો પ્રભાવ  પડ્યો એનો અંદાજ કાઢવો હોય તો હું કહું કે, કવિવર રવીન્દ્રનાથ, યોગી શ્રી અરવિંદ અને મહાત્મા ગાંધી આ ત્રણે મહાપુરુષોને જોઈ લો. આ મહાપુરુષોનો વિકાસ વિવેકાનંદે નિર્માણ કરેલા વાતાવરણમાં જ થઈ શકતો હતો.

તે વખતે હિન્દુ ધર્મના દોષો જોઈ એમાં સુધારા કરવાનો પ્રયત્ન કરનારા ‘સુધારકો’નો એક પક્ષ હતો અને હિન્દુ ધર્મના સૌન્દર્યનું વર્ણન કરી એ ધર્મ વિશે લોકોના મનમાં નિષ્ઠા વધારનારા ‘ઉદ્ધારકો’નો પણ એક પક્ષ હતો. એ વિશે મેં ઉપર કહ્યું જ છે. આ બન્નેથી અલિપ્ત રહી, હિન્દુ ધર્મમાં જે માનવહિતકારી તત્ત્વો છે તે જ આગળ કરી હિન્દુ ધર્મને નવું રૂપ આપવાનું અને એની આધ્યાત્મિક ભૂમિકા વિશદ કરવાનું કાર્ય સ્વામી વિવેકાનંદે કર્યું. એ જ કામ આપણી દૃષ્ટિએ આજે મહત્ત્વનું છે. આ જ કામને આધારે આજે આપણે સામાજિક ઉન્નતિ કરી શકીએ અને રાષ્ટ્રીય સંસ્કૃતિને પણ પ્રભાવશાળી કરી શકીએ.

જે હિન્દુ ધર્મ વિશે આપણે ગૌરવ અનુભવીએ છીએ અને જેને લીધે આજનો યુગ જીવનદર્શન તરફ આદરથી જુએ છે તે હિન્દુ ધર્મ ક્યો?

રોટી-બેટી વહેવારની મર્યાદામાં ખૂંચેલો અને જાતિઓની ઉચ્ચ-નીચતાને જ ધર્મ-સર્વસ્વ માનનારો હિન્દુ ધર્મ આજે કોઈનો જ આદર મેળવી ન શકે. ખાનપાનના વિધિનિષેધને જ જેણે પ્રાધાન્ય આપ્યું છે તે ધર્મને સ્વામી વિવેકાનંદે Kitchen Religion (રસોડાનો ધર્મ) એવું નામ આપી એનાથી દૂર રહેવાની ભલામણ આજની દુનિયાને કરી હતી. અદ્વૈતાદિ તત્ત્વજ્ઞાનમાંથી વ્યક્ત થતો વેદાન્તધર્મ જ ખરો હિન્દુ ધર્મ છે. સદાચાર, ભક્તિ, નિ:સ્વાર્થ સેવાવૃત્તિ, માનવતા, નિર્ભયતા, તેજસ્વિતા અને સમન્વયકારી ઉદારતાના સમુચ્ચયને જ સ્વામીજીએ ખરા હિન્દુ ધર્મ તરીકે ઓળખાવ્યો. દરેક માણસમાં જે આત્મતત્ત્વ અથવા ઈશ્વરી તત્ત્વ સુમ રહેલું છે તેને જાગૃત કરવું, તેનો સાક્ષાત્કાર કરવો અને મનુષ્ય-હૃદયમાંથી જ ઈશ્વરને પ્રગટ કરવો – આ જ સાધનાનો સંપૂર્ણ પુરસ્કાર સ્વામીજીએ કર્યો. આજે પણ આપણે આ જ કરવાનું છે.

વર્ણાશ્રમમાં જ હિન્દુ ધર્મનું હાર્દ સમાઈ જાય છે એવી એક સર્વસામાન્ય માન્યતા છે. આમાં આશ્રમવ્યવસ્થાને કોરે મૂકી દેવી જોઈએ. કારણ કે આશ્રમવ્યવસ્થામાંથી બ્રહ્મચર્ય આશ્રમ તો ‘સવર્ણોને જ જનોઈ અપાય’ એટલું જ સમાજ જાણે છે. બાકીનાં ક્ષેત્રોમાં તો એ માત્ર હાસ્યાસ્પદ જ થઈ બેઠો છે. બીજો ગૃહસ્થાશ્રમ. એ તો દુનિયાભરમાં ચાલે છે તેવો જ આપણે ત્યાં પણ ચાલે છે. પતિ-પત્નીની પરસ્પર નિષ્ઠા, અપત્ય વાત્સલ્ય અને આતિથ્ય આ ત્રણ તત્ત્વોનો પુરસ્કાર બધા જ ધર્મોમાં મળે છે અને એની કેટલેક અંશે ઉપેક્ષા પણ બીજાઓની જેમ આપણામાં પણ દેખાય છે. ત્રીજો વાનપ્રસ્થાશ્રમ ક્યારનો લુપ્ત થઈ ગયો છે અને ચોથો સંન્યાસાશ્રમ એટલો રૂઢિનિષ્ઠ બન્યો હતો કે જો સ્વામી વિવેકાનંદ જેવા થોડા સંન્યાસીઓએ એ આશ્રમને ઉજ્જ્વળ કર્યો ન હોત તો ‘સંન્યાસધર્મ’ અને ‘વિધવાધર્મ’માં કશો જ ફેર જણાત નહીં. આ ચાર આશ્રમોનું ગૌરવપૂર્ણ વર્ણન અનેક પુસ્તકોમાં વાંચવા મળે છે. પણ તેમના પુનરુદ્ધારના પ્રયત્ન ક્યાંય થયેલા દેખાતા ન હતા. ભગવદ્ગીતામાં આ ચાર આશ્રમોનો અસ્પષ્ટ ઉલ્લેખ મળે છે ખરો, પણ તે નનામો જ ગણાય.

ચાર વર્ણોની વ્યવસ્થા જેટલી શાસ્ત્રોમાં અને ગ્રંથોમાં મળે છે તેટલી સામાજિક જીવનમાં મળતી નથી. જાતિવ્યવસ્થાનાં જંગલોમાં વર્ણવ્યવસ્થા ક્યારની નામશેષ થઈ ચૂકી છે. એનું તાત્ત્વિક સમર્થન અવશ્ય કરી શકાય, પણ વર્ણવ્યવસ્થામાં ભયાનક દોષો છે. તેમાં રહેલી ‘પ્રતિષ્ઠાની ઉચ્ચનીચતા’ દૂર કરવી સહેલી નથી. ‘પોતપોતાના વર્ણ પ્રમાણે જીવન જીવનારા લોકોમાં ચારે વર્ણોના આદર્શોનો સમન્વય આણ્યા વગર’ હિન્દુસમાજ સમર્થ થઈ શકવાનો નથી અને જીવન તથા સમાજમાં સર્વાંગિતા આવવાની નથી. તે સિવાય ‘દુનિયામાં જે અનેક ધર્મો પ્રચલિત છે તેમની વચ્ચે કૌટુંબિક સંબંધની સ્થાપના’ કર્યા વગર હિન્દુ ધર્મને તેમ જ સંસ્કૃતિને સાફલ્યનો સંતોષ પણ મળવાનો નથી.

સ્વામી વિવેકાનંદે આપેલી આ પ્રેરણા એટલી બધી પરિણામકારક હતી કે આજના સામાજિક નેતાઓના માનસમાં એ દૃઢમૂળ થઈ બેઠી છે. આ જ પ્રેરણાને આગળ વધારીને રૂઢિપરાયણ સમાજમાં જીવનપરિવર્તન કરાવવા માટે જો આપણે આપણું જીવન સમર્પિત કરીશું તો તે જ સ્વામી વિવેકાનંદના ચરિત્રના ચરિત્રકીર્તનની ઉત્તમ ફલશ્રુતિ થશે.

(કાકા કાલેલકર ગ્રંથાવલિ-૮, પૃ. ૫૨૯-૫૩૩, ‘નવજીવન ટ્રસ્ટ’ના સૌજન્યથી)

Total Views: 115
By Published On: January 1, 1993Categories: Kaka Saheb Kalelkar0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram