નાથો, સિદ્ધો, શ્રમણો અને બ્રાહ્મણોની મંગલ મિલનભૂમિ સમો, કાળાન્તરે દોસ્તીને દાવે દાતારને અને અન્ય અનેક ધૂળધોયા સંતો-મહંતોને કશાય વેરાવંચા વગર અવારનવાર પોતાને આંગણે આમંત્રતો રહેતો ગરવો ગિરિવર ગિરનાર, આજના જાણીતા ઐતિહાસિક જૂનાગઢ શહેરને પોતાની ગોદમાં રાખીને પોતે ઠેઠ પ્રાગૈતિહાસિક કાળથી ‘અહાલેક’ ‘અહાલેક’ના અવાજે જાણે દશે દિશાઓ ભરી દેવાની મથામણ કરતો હોય, તેમ આજે પણ એવોને એવો અડીખમ ખડો છે!
જો કે આ સુદીર્ઘ કાલખંડમાં એણે પોતાનાં નામો સમયે-સમયે બદલ્યા કર્યાં છે. મહાભારતના વનપર્વમાં એને પુણ્યગિરિ અને ઉજ્જયંતીને નામે ઓળખાવ્યો છે, તો વળી અન્યત્ર એને પુષ્પગિરિ, રૈવતક, વૈજયન્ત અને વસ્ત્રાપથ ક્ષેત્રને નામે પણ કહ્યો છે. કશ્યપની પાંચમી પેઢીએ થયેલા કુશસ્થલીના રાજા રૈવતે પોતાની રાજધાની ત્યાંના આદિવાસીઓ પુણ્યજનો-અસુ ત્રાસને લીધે કુશસ્થલીથી બદલીને જૂનાગઢમાં રાખી ત્યારથી એના નામ પરથી આ પર્વતને રૈવતક નામ મળ્યું હશે અથવા તો કુશસ્થલીમાં રૈવતે પ્રેરેલા યાદવોએ દ્વારકાનું નિર્માણ કર્યા પછી રૈવત પાછલું શાન્ત જીવન ગાળવા આ પર્વતની છાયામાં રહ્યો, એ કારણે પણ આને ‘રેવતક’ નામ મળ્યું હશે એની પહેલાં રૈવતના તાબામાં રહેલો, કુશસ્થલીથી પૂર્વમાં આવેલો આજનો બરડો ડુંગર પણ ‘રેવતક’ને નામે ઓળખાતો હતો. આમ એક શાસકને નામે બબ્બે પર્વતોને મળેલા એક જ સંભવિત નામથી તદ્શ વિદ્વાનોમાં ઊહાપોહ જન્મ્યો છે. પાર્જિટર જેવા વિદ્વાનો બરડાને જ મુખ્ય રૈવતક માને છે અને એને શ્રી ડે, અલ્પેકર, પુસાલકર વગેરેનો ટેકો છે, જ્યારે શ્રી દુર્ગાશંકર શાસ્ત્રી જેવા વિદ્વાનો ગિરનારને જ રૈવતક માનીને દ્વારકાને જૂનાગઢ ખેંચી લાવ્યા છે!
સૌરાષ્ટ્રમાં ૨૧° ૩૧ ઉં અને ૭૦° ૪૨ પૂ૦ ઉપર આજના જૂનાગઢથી આશરે દશેક માઈલને અંતરે સાગરસપાટીથી ૩૫૦૦ ફૂટ ઊંચો આ પાવનકારી પર્વત પોતાના કણેકણમાં ઇતિહાસ, સંસ્કૃતિ અને પુરાણકથાઓ સાલુકાઈથી સાચવી રહ્યો છે.
હજુ તો જૂનાગઢથી પૂર્વાભિમુખ થઈને ગિરનારયાત્રાનાં પગલાં પાડીએ, ત્યાં જ ઇતિહાસનાં પૃષ્ઠો ઊઘડવા લાગે છે. ગિરનાર દરવાજેથી નીકળી વાઘેશ્વરી દરવાજે, વાઘેશ્વરીની ટેકરી પર વાઘેશ્વરી મંદિર, વાઘેશ્વરી તળાવ, રામઝરોખા થઈને દામોદરકુંડના પવિત્ર જળને સ્પર્શીએ કે તરત જ ‘ગિરિતળેટી ને કુંડ દામોદર, ત્યાં મહેતોજી ના’વા જાય’ એ શબ્દો કાનમાં ગુંજે છે. ગુજરાતીના આદિ કવિ મનાતા ભક્તરાજ નરસિંહ મહેતાનાં સ્મરણો તાજાં થાય છે. એનું જળ હાડકાંને ઓગાળી નાખવાની શક્તિવાળું મનાયું છે. એની પાસે આવેલ રેવતી કુંડ રૈવતપુત્રી અને બળરામપત્ની રેવતીને નામે છે, પાસે હિન્દુઓનું સ્મશાન છે. આ વિસ્તાર ‘વસ્ત્રાપથ ક્ષેત્ર’ની અંતર્ગત છે. આ દામોદરકુંડ અને રેવતીકુંડનું માહાત્મ્ય પુરાકલ્પનોથી મઢી લેવામાં આવ્યું છે. વાઘેશ્વરી અને દામોદરકુંડની વચ્ચે ખડકોની મોટી શિલાઓ પર અશોક, રુદ્રદામન્ અને સ્કંદગુપ્તે કોતરાવેલા શિલાલેખો આવે છે. પણ એમાં મૌર્ય સમ્રાટ પ્રિયદર્શી અશોકનો શિલાલેખ એક નવી ભાત પાડી જાય છે. કાળા પથ્થર ૫૨, ચારથી પંદર પંક્તિવાળાં, દરેક પંક્તિમાં પચ્ચીસેક શબ્દોવાળાં એના ધર્મચકપ્રવર્તનનાં ચૌદ સૂત્રો, તત્કાલીન અને ભાવિ પેઢીને સદીઓથી શાન્તિ, સંપ, સહકાર, સહિષ્ણુતા વગેરે માનવીય ગુણોના પાઠ શીખવતાં આજેય સધ્ધર્મનો રાહ ચીંધી રહ્યાં છે. પેશાવર પાસેની શાહબાઝ ગઢી, કર્નાલ જિલ્લાના વેરાગુંડી, સૌરાષ્ટ્રના ગિરનાર અને ઓરિસામાં ધાઉડી અને જંગડા – એમ પોતાના સામ્રાજ્યની ચતુ:સીમામાં આ મહાન અશોકે બ્રાહ્મણ અને શ્રમણધર્મનાં સર્વસાધારણ જીવનમૂલ્યો પ્રબોધતા શિલાલેખો સુલભ ભાષામાં કોતરાવ્યા છે, તેમજ નૈતિક, સામાજિક, આર્થિક, ધાર્મિક અને આરોગ્યવિષયક સ્થિરતા અને સંવાદિતાના સૂર રેલાવ્યા છે.
અશોકનો આ શિલાલેખ અને એ જ પથ્થર પર કોતરાયેલા ક્ષત્રપ રુદ્રદામન (ઈ.પૂ.રજી સદી) અને સ્કંદગુપ્તના (ઈ.પૂ. ૪૫૫-૫૬)ના બીજા બે સુદર્શનતળાવ સંબંધી શિલાલેખો જૂનાગઢ શહેરનો ઇતિહાસ છતો કરી જાય છે કે ઓછામાં ઓછું નંદો અને મૌર્યોના સમય સુધી તો જૂનાગઢ એક ધમધમતું શહેર હતું. પહેલાં મણિપુર, પછી ચંદ્કેતુપુર, પછી રૈવતનગર અને પછી પુરાતનપુર એવાં એનાં ક્રમિક જુદાંજુદાં નામ હતાં. પહેલાં એ ગિરનારની સાવ નજીક હતું અને મોડેથી દશેક માઈલનું અંતર થઈ ગયું. ગિરનારને એક પડખે, શિખરથી ૬૦૦ ફૂટ નીચેની સપાટ ભૂમિ પરનો જૂનો કિલ્લો એની પ્રતીતિ કરાવે છે. ત્યાં રા’ખેંગારનો જૂનો મહેલ, ચુડાસમાઓના મહેલોનાં ખંડેરો અને અસંખ્ય જૈનમંદિરો છે. એની આસપાસની ફળદ્રુપ ભૂમિ અને સૈનિક વ્યૂહરચનાની સુવિધા જૂના જૂનાગઢનો ઊજળો અતીત ખુલ્લો કરે છે.
શિલાલેખોથી દામોદર – રેવતી કુંડ અને મુચકુંદ મહાદેવનાં પૌરાણિક મહત્ત્વ ધરાવતાં સ્થળોએ થઈને ભવનાથ જવાય છે. દામોદરકુંડ પાસેની અશ્વત્થામાની ટેકરી પર આજે પણ મહાભારતનો અશ્વત્થામા ભટકતો હોય એમ શ્રદ્ધાળુઓને દેખાય છે. ભવનાથનું મંદિર સુવર્ણરેખા (સોનરખ)ને કાંઠે છે. દર શિવરાત્રિએ અહીં ત્રણ દિવસનો મેળો ભરાય છે; એની પાસે મૃગીકુંડ છે. ભવનાથ અને મૃગીકુંડનું માહાત્મ્ય સ્કંદપુરાણમાં વિસ્તારથી આપ્યું છે. રસ્તા પર પુરાણું સુદર્શન તળાવ છે. પૂર્વકથિત શિલાલેખો પરથી માલૂમ પડે છે કે કોઈ અજાણ્યા રાજાએ બંધાવેલું આ તળાવ, પહેલાં અશોકે, પછી રુદ્રદામને અને પછી સ્કન્દગુપ્ત દ્વારા પ્રેરિત એના નીમેલા રાજપાલ ચક્રપાલિતે સમરાવ્યું હતું. વિદ્વાનો માને છે કે આ ૨૬૮ એકરમાં પથરાયેલું અશ્વત્થામાની ટેકરીથી ઉપરકોટની દીવાલો સુધી લંબાયેલું અને સુવર્ણરેખા (સોનરખ)થી અને પલાશિની નદીથી ઘેરાયેલું હતું. ડૉ. ભગવાનલાલ ઈન્દ્રજીને મતે દામોદરમંદિરની વિષ્ણમૂર્તિ ગુમકાલીન અને સંભવત: ચક્રપાલિતની સ્થાપેલી હોવી જોઈએ.
ક્ષત્રપો પછી વલભીઓ (૩૦૦ વરસ, પછી ચુડાસમાઓ (૧૪૭૨ ઈ. સુધી) અહીંના રાજકર્તા રહ્યા. ચુડાસમા ગૃહરિપુએ જૂનાગઢ પાસે ઉપરકોટનો કિલ્લો બંધાવ્યો. ઉપરકોટમાં બે જૂની તોપો, અડીકડી વાવ અને નવઘણ કૂવો અને બોદ્ધ ગુફાઓ આવેલ છે. આજે હવે ભવનાથ તળાવ કહેવાતા સુદર્શનતળાવ પાસે ભવનાથ મૃગીકુંડ, કાલમેધભૈરવ, વસ્ત્રાપથેશ્વર મહાદેવની વાવ, અન્નક્ષેત્ર વગેરે સ્થળો આવેલાં છે. તદુપરાંત, તળાવની એક બાજુથી ફંટાનો માર્ગ જટાશંકર મહાદેવ તરફ અને બીજો નવો સીડીમાર્ગ શેષાવન નેમીનાથની તપોભૂમિ તરફ જાય છે. શેષાવનથી ફંટાતા માર્ગોમાં એક માર્ગ હનુમાનધારા – ભરતવન અને બીજો સીડીમાર્ગ ગૌમુખી-ગંગા જાય છે. વળી આ સુદર્શન પાસે કોળી સંત વેલાબાવાની જગ્યા, એનાથી આગળ લંબે હનુમાન તથા છેક તળેટીમાં જોવાલાયક જૈનમંદિરો, ધર્મશાળાઓ વગેરે છે.
આ તળેટીથી જ ગિરનાર આરોહણની યાત્રા શરૂ થાય છે. પુરાણોમાં તો ગિરનારનાં ૨૧ શિખરો દર્શાવ્યાં છે, પણ એ બધાંને નાનાં-મોટાં સ્થાનકો ગણી લઈએ તો આજે પાંચ, બહુબહુ તો સાત મુખ્ય છે. સીડીની અડોઅડ ચંડાવાવ હનુમાનની મૂર્તિ છે. થોડાં પગથિયાં ચડીએ ત્યાં ભરથરીગુફા-ભર્તૃહરિનું તપ:સ્થાન છે. નીતિ, શૃંગાર અને વૈરાગ્ય પરના શતકોના સુવિખ્યાત કર્તા અને માળવા સૌરાષ્ટ્રના રાજા ભર્તૃહરિ અને બાજુના રાજ્યના રાજકુમાર ગોપીચંદ એ બન્ને નાથસંપ્રદાયના પુરસ્કર્તા ગુરુ ગોરખનાથના સહપાઠી શિષ્યો હતા અને તેમણે અહીં સાધના કરી હતી. ભર્તૃહરિ અને ગોપીચંદ વિશે અનેક વાયકાઓ લોકમુખે વણાઈ છે. અશ્વત્થામાની પેઠે એ બંનેને પણ ચિરંજીવી રહેવાનું વરદાન મળ્યું હતું. ત્યાંથી આગળ ચાલતાં માળી પરબ, રાણકદેવીની શિલા, કબૂતરી ખાણ, સુવાવડીનાં પગલાં, ગુરુદત્ત ગુફા, પંચેશ્વર મહાદેવ વગેરે ઘણાં-ઘણાં સ્થળો કેટલીય કિંવદન્તીઓથી મઢેલાં ઊભાં છે. આગળ જતાં દૂરથી ગિરનારકોટ દેખાય છે – ગિરનારનું પ્રથમ શિખર!
૩૦૦૦ ફૂટની ઉંચાઈએ ગિરનારના કિલ્લાનું દ્વાર છે. કોટમાંના લગભગ બધાં જૈનમંદિરો છે. એવું મનાય છે કે સિદ્ધરાજ જયસિંહના દંડનાયક સજ્જ્ન મહેતાએ સૌરાષ્ટ્રની ત્રણ વરસની આવક અહીં બાવીસમા જૈન તીર્થંકર નેમિનાથના મંદિરનિમાર્ણમાં ખર્ચી હતી. પથ્થરોથી જ બાંધેલાં આ જૈનમંદિરો ગુજરાતના ચાલુક્યકાળની શિલ્પ અને સ્થાપત્યની કળાની ઝાંખી કરાવે છે. અલબત્ત, આ જૈનમંદિરો કરતાં આબુનાં જૈનમંદિરો કલાદૃષ્ટિએ ચડિયાતાં છે. નેમિનાથને ફરતી ચોવીસ તીર્થંકરોની દેરીઓ, ભોયરામાં અમીઝરા પાશ્વર્નાથની મૂર્તિ, જરા નીચે ઊતરતાં ઘડીઘંટુકોમાં આદીશ્વર ૠષભદેવની મૂર્તિ, ગ્રેનાઈટ પથ્થરોનું સંભવનાથનું મંદિર, વસ્તુપાલ-તેજપાલે બંધાવેલ મંદિરો, વગેરે અનેકાનેક સ્થળો દર્શનીય છે.
કોટની બહાર નીકળીએ ત્યાં વિશાળ પરકોટા પર પણ દિગંબર જૈનમંદિરો છે. જમણા હાથે રાજુલ ગુફા છે. આગળ સીડી ચડતાં જતાં સાતપુડાનો કેડી રસ્તો અને એની નીચે જામ્બવાનની પ્રાચીન ગુફા છે. હજુ આગળ ને આગળ જતાં ગૌમુખી ગંગા છે. એના ચોકમાંથી ડાબી તરફ ફંટાતો સીડી રસ્તો નીચે શેષાવન જાય છે અને જમણી તરફ આગળ વધવાનો અંબાજી તરફ જતો રસ્તો છે. અનેક સ્થાનકો, દેરીઓ પાર કરતાં અંબાજી પહોંચાય છે, ગિરનારનું આ બીજું શિખર!
ગિરનારની અધિષ્ઠાત્રી અંબા માતાજી ગિરનારનું સૌથી પ્રાચીન સ્થાનક છે. ગિરિકોટને ન ગણીએ તો એ ગિરનારનું પ્રથમ શિખર છે. ઓછામાં ઓછું ઈ.પૂ.૧૨મી સદી જેટલું એ પુરાતન છે, સંભવત: એથીય પુરાણું છે. અહીં નવપરિણીત દંપતિ પોતાના વિવાહપોશાકમાં સજ્જ થઈ સગાંસંબંધીઓ સાથે માતાજીના આશીર્વાદ લેવા આવે છે, અને માતાજીને શ્રીફળોની ભેટ ધરે છે. અંબાજીના માહાત્મ્ય સાથે પુરાણકથા સંકળાયેલી છે. મંદિરની પાછળ માતાજીના ખપ્પર નામનું ઝરણું છે.
અંબાજીથી આગળ જતાં યોગાચાર્ય અને નાથસંપ્રદાયના પ્રસિદ્ધ પુરસ્કર્તા ગોરખનાથનું શિખર આવે છે. સાગરસપાટીથી ૩૬૬૬ ફૂટ ઊંચે ગિરનારનું આ સૌથી ઊંચું શિખર છે. ગોરખનાથ મત્સ્યેન્દ્રનાથ શિષ્ય અને કાનફટા જોગી સંપ્રદાયના સ્થાપક મનાય છે, તેમનું મુખ્ય સ્થાન ગોરખમઢી હતું. કહેવાય છે સદ્બોધ નામના બ્રાહ્મણની સદ્વૃત્તિ નામની નિ:સંતાન પત્નીને પુત્ર થાય એ માટે મત્સ્યેન્દ્રનાથે ભસ્મપ્રસાદ આપ્યો હતો. પણ એણે તુચ્છકારથી ભસ્મ ટેકરી પર ફગાવી દીધી. બાર વરસે મત્સ્યેન્દ્રનાથે તપાસ કરતાં એ વાત જાણી. ટેકરી પાસે જઈને મત્સ્યેન્દ્રનાથે અલખનો ઉચ્ચાર કર્યો અને ગોરખનાથનો ‘આદેશ’ – એવો પ્રતિસાદ મળ્યો. સીધા ધરતીમાંથી જન્મવાને કારણે ગોરખનાથ ‘અયોનિજ’ કહેવાય છે. એમણે પોતાના ગુરુને એક રાણીના મોહપાશમાંથી છોડાવ્યા હતા. ગોરખનાથ મહાયોગી, પરમશિવભક્ત અને સિદ્ધપુરુષ ગણાય છે. નેપાલ, પંજાબ, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, બંગાળ અને શ્રીલંકામાં તેમનાં સ્થાનો છે.
અહીંથી આગળ વધતાં, થોડું ઉતરાણ આવે છે. થોડું નીચે ઊતરતાં એક ઉપર જતી અને બીજી નીચે જતી સીડીઓ આવે છે. નીચેની સીડીએ જતાં કમંડલુ કુંડ આવે છે અને ઉપર જતાં દત્તાત્રેયનું શિખર આવે છે. અત્રિપુત્ર દત્તાત્રેયની કથા તો પુરાણોમાં સુવિખ્યાત બૃહત્સંહિતામાં ગિરનારને દત્તાત્રેયનો આશ્રમ કહ્યો છે. અત્રિૠષિના ઉગ્ર તપે પ્રસન્ન થયેલા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એને ત્યાં પુત્રરૂપે ‘અયોનિજ’ અવતર્યા, તે અનુક્રમે સોમ, દત્તાત્રેય અને દુર્વાસા થયા. દત્તાત્રેય વિષ્ણુના અંશાવતાર, નિત્યસિદ્ધ અને શિષ્યો સહિત ગિરનારવાસી હોવાનું અત્રિએ જ અનસૂયાને કહ્યું હતું ત્યારથી ગિરનાર નવ નાથ અને ચોરાસી સિદ્ધોનું બેસણું બન્યો. આ શિખર પર તેમની ચરણપાદુકા અને પ્રાચીન ઘંટ છે.
અહીંથી આગળ સીડી માર્ગ નથી. રસ્તો વિકટ છે એટલે યાત્રિકો પાછા વળે છે. પાછા વળતાં ફંટાતા રસ્તાની સીડીઓ ઊતરતાં, ચેતન ધૂણા પછી કમંડલુ કુંડ આવે છે. આ જગ્યાએ સ્વામી વિવેકાનંદે કેટલોક સમય તપશ્ચરણ કર્યું હતું. કમંડલુ કુંડથી એક કેડી મહાકાળી જાય છે, ત્યાં એક ગુફા છે, આગળ મહાકાલીનું ખપ્પર છે. કમંડલુ કુંડથી નીચાણમાં શેરબાગ અને રતનબાગમાં કિંમતી ઔષધિઓ અને વનસ્પતિઓ છે. મહાકાળી, અનસૂયા, ઓઘડનાથ વગેરેના રસ્તા વિકટ છે, ત્યાં અઘોરીઓનો વાસ હોવાનું કહેવાય છે. ભાગ્યે જ કોઈ ત્યાં જાય છે.
ગિરનાર ચડતી વખતે કે ઊતરતી વખતે ગૌમુખી ગંગાના ચોકથી ડાબે ફંટાતો નીચે જતો સીડીમાર્ગ શેષાવન જાય છે. વચ્ચે ભૈરવજપ અને પથ્થર ચટ્ટીની જગ્યાઓ આવે છે. અહીં જૈનોના – વિશેષત: દિગમ્બરોના આરાધ્ય ભગવાન અરિષ્ટનેમિ કે નેમિનાથનાં પદ્ચિન્હો અને ભવ્ય જૈનમંદિર છે. જૈનોના ૨૨મા તીર્થંકર એવા આ નેમિનાથ શૌરીપુર (મથુરા)માં જન્મેલા, કૃષ્ણના સમકાલીન અને પિતરાઈ હતા એમ મનાય છે. ઉગ્રસેનપુત્રી રાજમતીના પુત્ર હતા. શંખનું પ્રતીક ધારણ કરતા એ મહાપુરુષ ગિરનારમાં વૃદ્ધ ઉંમરે નિર્વાણ પામ્યા હતા.
અહીંથી સીતામઢી અને ધોળાઆંબાની જગ્યાએ થઈને હનુમાનધારા જવાય છે, ત્યાંથી ભરતવન જવાય છે. આ સ્થાનો પણ પ્રેક્ષણીય છે.
સદીઓથી દરવરસે કાર્તિક સુદ ૧૧થી ૧૫ સુધી ગિરનારની પરિક્રમા થાય છે, એનાં વિશ્રામસ્થાનો અનુક્રમે ભવનાથ, જીણાબાવાની મઢી, માળવેલા, બૌરદેવી અને પાછું ભવનાથ છે. આ પરિક્રમામાં સૌરાષ્ટ્ર-ગુજરાતની ભાતીગળ લોકસંસ્કૃતિનાં દર્શન થાય છે.
સ્કંદપુરાણના પ્રભાસખંડના ઉપખંડ વસ્ત્રાપથમાહાત્મ્યના ૧૯ અધ્યાયોમાં ગિરનાર તેમજ એની આસપાસની પવિત્ર જગ્યાઓનું માહાત્મ્ય વર્ણવાયું છે. ‘વસ્ત્રાપથ’ એ કંઈ કેવળ ગિરનાર પર્વત જ નથી, પણ એની આસપાસનો પ્રદેશ પણ છે, શિવજીના નીચે પડી ગયેલા વસ્ત્રે એટલા પ્રદેશને ઢાંકી દીધો હતો. ઉત્તરમાં ભાદર (ભદ્રા) નદી, પૂર્વમાં ગિરનારથી બે યોજન સુધીનો ભૂમિખંડ, દક્ષિણમાં બલિસ્થાન (બીલખા) અને ઉજ્જ્યન્તી ટેકરી અને પશ્ચિમમાં વામનપુર (વંથળી) સુધી વસ્ત્રાપથનો વિસ્તાર છે. વંથળીના ઈશાનખૂણે સુવર્ણરેખા (સોનરખ) વહે છે.
આમ, જિત, સતી, સંત, યોગી, કાનફટાઓ, ધૂળધોયાઓ, પીર, ઓલિયાઓ, સાધકો, સિદ્ધો, જ્ઞાનીઓ, ભક્તો – બધાંનો વિસામો થઈ રહેલો, પાર્વતીના મોટાભાઈનું બિરુદ પામેલો, ગરવી ગુજરાતનો આ ગરવો ગિરનાર આજેય જાણે કે સંવાદિતાનાં ગળૂંભી ગીતો રેલાવી રહ્યો છે!
Your Content Goes Here