આપણને મૃત્યુનો ભય છે

કારણ કે આપણને આપણી

પ્રતિભાના સંપૂર્ણ લયનો

ડર છે. જો આપણને

સમજાય કે પરમાત્મા જ

આત્મારૂપે સર્વમાં

સમાયેલ છે તો આપણને

આપણી પ્રતિભાનો

આધાર અનંતમાં દેખાશે.

મન અને હૃદયથી

અંતરાત્માને ઓળખવો

એટલે અમરતાને વરવું.

રવીન્દ્રનાથ ટાગોર

મૃત્યુ અસ્તિત્વને નાસ્તિત્વમાં ફેરવી નાખે છે. માનવ મનમાં સહજ પ્રશ્નો ઊઠે છે: ‘હું કોણ છું? ક્યાંથી આવું છું અને ક્યાં જવાનો છું?’ અત્યારનું મારું આ જીવન તો જન્મ સાથે શરૂ થાય છે અને મૃત્યુ સાથે અંત પામે છે. શું આ જ સત્ય છે? નચિકેતાએ યમરાજને પૂછ્યું કે મૃત્યુનું સત્ય શું છે એ મને સમજાવો.

નચિકેતાની જેમ દરેક માનવને અંદરથી કંઈક એવી સૂઝ તો પડે છે કે આ દેખાતા દેહની ઉત્પત્તિ અને લય, જીવનનાં સાચાં સ્વરૂપ નથી. જીવનના બે છેડાઓ જન્મ પૂર્વે અને જન્મ પછી અનંત સાથે જોડાયેલ છે. અત્યારે, પહેલાં અને પછી પણ અસ્તિત્વ સત્ય છે. દેશ, કાળ અને વસ્તુની પરિસીમાથી મુક્ત અસ્તિત્વ નિત્ય છે, અનંત છે. આ સમજ માણસને બ્રહ્માંડ સમાન બનાવે છે. આધુનિક વિજ્ઞાન પણ આ સમજમાં સંમત છે.

બ્રહ્માંડની અખંડતા:

એકમ્ એવ અદ્વિતીયમ્ બ્રહ્મ

આધુનિક વિજ્ઞાને સ્થળ અને સમયનો ભેદ ભૂંસી નાખ્યો છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન સમય વચ્ચેની સીમાઓ સ્પષ્ટ રહી નથી. આખું બ્રહ્માંડ સ્થળ અને સમયની દૃષ્ટિએ અખંડ છે.

આધુનિક વિજ્ઞાનમાં આચાર્ય બેલે સમગ્ર જગતની એકતાનો સિદ્ધાંત સાબિત કર્યો છે. આ સિદ્ધાંત પ્રમાણે વસ્તુ, ક્રિયા અને ઘટના ત્રણે સમાન છે. દરેક ઘટક અને ઘટના એકબીજા સાથે અખંડતાની શૃંખલા બનાવે છે. આવું વર્ણન તો અત્યાર સુધી કેવળ આધ્યાત્મિક દ્રષ્ટાઓએ જ આપ્યું છે. સર્જનના પ્રથમ પદકથી અંતિમ લય સુધી આખું બ્રહ્માંડ સળંગ, અખંડ, અભિન્ન છે.

વિજ્ઞાને સ્વીકારેલ વિશ્વનાં ઘટક અને ઘટનાની એકતાને કારણે પ્રકૃતિના સર્જનની પ્રથમ પ્રક્રિયા અને અંતિમ પ્રક્રિયા એક દોરે બંધાતાં વચમાં રહેલ સર્વ સ્વરૂપો પણ તેમાં ગૂંથાઈ જાય છે. તાંત્રિક બૌદ્ધધર્મી, લામા અન્ગારીકા ગોવિંદે કહ્યું છે, ‘કોઈ પણ બૌદ્ધધર્મી જગતનાં ભિન્ન સ્વરૂપો અને પોતાના સ્વતંત્ર આંતરજગતના અસ્તિત્વનો સ્વીકાર કરતો નથી. એને માટે તો તેનું આંતરજગત અને બાહ્યજગત વસ્ત્રની બે બાજુઓ છે જેના તાંતણાઓમાં દરેક પરિબળ, દરેક રચના અભિન્ન રીતે એકબીજા સાથે સંકળાઈને વણાઈ જાય છે. પરમાણુ ભૌતિકશાસ્ત્ર પણ આનો જ પડઘો પાડે છે: ‘દરેક પરમાણુ અન્ય સર્વે પરમાણુઓનો બનેલ છે.’ ૧૦૮૪ પરમાણુઓના બનેલ વિશ્વમાં દરેકેદરેક પરમાણુ બાકીના સર્વે પરમાણુનો પોતામાં સમાવેશ કરી લે છે.

રખે એમ થાય કે બેલનો સિદ્ધાંત અને તેના પરથી તારવેલાં વિવિધ અનુમાનો પૂરી સમીક્ષા કર્યા વિના અહીં રજૂ કરવામાં આવ્યાં છે. એટલે અહીં આઈન્સ્ટાઈન-દર્શિત સ્થળસમયની એકતાને યાદ કરવી ઉચિત છે. ભૌતિક વિજ્ઞાનમાં એ ધ્રુવ સિદ્ધાંત તરીકે માન્ય છે. જીવશાસ્ત્રમાં જીવસમયની એકતાનો સિદ્ધાંત એટલો જ મહત્ત્વનો છે. એના પર અત્યાર સુધી ખાસ ધ્યાન કોઈનું દોરાયું નથી પણ દરેક વ્યક્તિવિશિષ્ટતાનો મૂળભૂત પાયો જીવસમયની એકતા છે.

સ્થળસમયની એકતા

સ્થળ અને સમય એ બંને સ્વતંત્ર બાબતો નથી. સ્થળ અને સમય બંને એક જ છે. સ્થળ અને સમય બંનેનું એકીપણું એક અખંડ, અવિભાજ્ય, અતૂટક સંપૂર્ણતા છે. આપણા ૠષિઓએ અનાદિ, અનંત, “સમયથી પર, નિરંતર વર્તમાનના સાતત્યની વાત કરી છે. આ અનંત વર્તમાનનું વર્ણન હઈ-નેન્ગ નામના એક ઝેન સાધુએ નીચે મુજબ કર્યું છે: ‘વર્તમાનની પળ પરમ શાંતિ છે, આજની ઘડી કોઈ જ સીમાથી બદ્ધ નથી. માટે જ એ પરમ આનંદ છે.’ સુઝુકીએ કહ્યું છે કે ભૂત, વર્તમાન અને ભવિષ્ય જેવાં સમયનાં કોઈ વિભાજન નથી. ભૂત, ભવિષ્ય અને વર્તમાન સર્વે અત્યારની અખંડ પળમાં સમાઈ ગયાં છે.

જીવ – સમયની એકતા

જીવ અને સમયનું એકીપણું સમજવું મુશ્કેલ નથી. આપણે આગળ વ્યક્તિને સમયના મૂર્ત સ્વરૂપ તરીકે વર્ણવી છે. સમયના અગાધ સાગરમાં જીવ સમગ્ર સાગર સાથે જોડાયેલ એક કેન્દ્ર છે. આ કેન્દ્રનું સર્વ સાથેનું સંકલન કોઈ પણ પ્રકારે વિચલિત કરી શકાય એમ માટે જ દરેક જીવ, દરેક માનવ – ભૂત, ભવિષ્ય અને વર્તમાનથી ૫ર – નિત્ય છે. જ્યારે એક વ્યક્તિ – ધારો કે શ્રી ‘મ’એ એની માતાના ઉદરમાં મૂર્ત સ્વરૂપ ધારણ કરવાનું શરૂ કર્યું ત્યારે તેના પ્રથમ કોષ પાસે સંપૂર્ણ માહિતી હતી કે અત્યાર સુધી ક્યાં સ્વરૂપોનું નિર્માણ થઈ ગયું છે, ક્યાં સ્વરૂપોનું ભવિષ્યમાં નિર્માણ થવાનું છે અને અત્યારે ક્યાં સ્વરૂપો અસ્તિત્વમાં છે. આ માહિતી પરથી જ શ્રી ‘મ’એ સર્વ ભૂતોથી ભિન્ન પોતાનું બેજોડ અદ્‌ભુત સ્વરૂપ ધારણ કરે છે. આ સ્વરૂપ પહેલાં કોઈનું હતું નહીં, અત્યારે બીજા કોઈનું છે નહીં અને ભવિષ્યમાં કોઈનું થશે નહીં. ખરેખર આપણી જાત, આપણો પ્રત્યેક કોષ, માહિતીનો અગાધ મહાસાગર છે.

શ્રી ‘મ’ને બનાવી રહેલા કોષો પાસે ભૂત, ભવિષ્ય અને વર્તમાનનાં અન્ય સ્વરૂપ ધારણ કરેલ કોષોની માહિતી પહોંચી કઈ રીતે? જો માહિતી પ્રકાશની ગતિથી પ્રસરે તોપણ એને લગભગ ૧,૦૦૦ વર્ષે ખ્યાલ આવે કે હજાર વર્ષ પહેલાંનાં અને હજાર વર્ષ પછીનાં જીવસ્વરૂપોથી ભિન્ન થવા શ્રી ‘મ’ ના પ્રથમ કોષે કેવું સ્વરૂપ ધારણ કરવું. જે સત્ય હજાર વર્ષ પહેલાં કે પછી લાગુ પડે છે તે લાખ કે દસ લાખ વર્ષના ગાળા માટે પણ એટલું જ સત્ય છે. હકીકતમાં, ‘મ’ના કોષો પાસે સર્વ માહિતી લેશમાત્ર સમયના વિલંબ વિના હાજરાહજૂર જ હોય છે. આ વાસ્તવિકતાને જુદા શબ્દોમાં મૂકીએ તો ‘મ’ના કોષોને આગળપાછળની જે કંઈ માહિતી જોઈતી હોય એ બધી નિત્ય એની પાસે જ રહે છે. પદાર્થ કે માણસ, સર્વ માહિતીનાં જ સ્વરૂપ છે. જે કંઈ દૃશ્ય છે એ સર્વ સમય, સ્થળ અને શક્તિનાં સ્વરૂપો છે. એ આપણાં શાસ્ત્ર અનુસાર માયાએ રચેલ બ્રહ્મને આધારે લીલા છે.

અસ્વરૂપી પણ પૂર્ણ કંઈક હતું

જે સ્વર્ગ અને પૃથ્વી પહેલાં હતું

નિ:શબ્દ, નિષ્પદાર્થ,

નિરાધાર, અવિકારી,

સર્વ વ્યાપ્ત, સર્વદા સફળ.

આપણા શાસ્ત્રમાં આવું જ કંઈક વર્ણન બ્રહ્મ માટે કરાયેલું છે. આધુનિક વિજ્ઞાને માહિતીને આવી જ રીતે ઓળખી છે. આપણાં શાસ્ત્રમાં એને અણોરણીયાન્ અને મહતો મહયાન્ કહેલ છે. રોજિંદા જીવનનું એક વ્યાવહારિક દૃષ્ટાંત આ સ્પષ્ટ કરશે. અતિ સૂક્ષ્મ કદ ધરાવતા એક પુરુષવીર્યકણમાં રહેલી માહિતી જીવરસાયણશાસ્ત્રમાં સદીઓથી પ્રકાશિત થતાં સર્વ પુસ્તકો કે સામિયકોમાં અપાયેલ માહિતીથી વધી જાય. દરેક પ્રાણીકોષમાં કેવળ ૦,૦૦૦૦૦૦૦૦૦૦૦૧ ગ્રામ ડી.એન.એ. હોય છે જેમાં આખા જીવજગતનો ઇતિહાસ લખાયેલો છે.

અખંડ બ્રહ્માંડ-સાગરમાં મીઠાની પૂતળી

આપણાં શાસ્ત્રોમાં મીઠાની ઢીંગલીની આખ્યાયિકા કહેવામાં આવી છે. ધારો કે આખું બ્રહ્માંડ પ્રશાંત મહાસાગર જેટલું અને જેવું છે, અને આપણે શ્રી ‘મ’નો વિચાર કરી રહ્યા છીએ. આમાં નિરાકાર ‘મ’ – સંપન્ન માહિતી દ્વારા એક પળે, સમુદ્રનું મીઠું એકત્રિત થઈને શ્રી ‘મ’ને સાકાર કરે છે. પૂર્વનિર્ધારિત સમય પ્રમાણે મીઠાનું પ્રમાણ વધવાથી શ્રી ‘મ’નું કદ વધે છે, વધુ કોષો જોડાય છે અને પછી આ કોષો જર્જરિત થાય છે અને અંતે લય પામે છે. મીઠું મીઠામાં ભળી જાય છે.

ઉપરોક્ત આખ્યાયિકા પરથી ત્રણ વાસ્તવિકતા સ્પષ્ટ થાય છે. શ્રી ‘મ’નું મૂર્ત સ્વરૂપ થયું એ પહેલાં પણ શ્રી ‘મ’ સંબંધી માહિતી આખા મહાસાગરમાં હતી. શ્રી ‘મ’નું આ પૂર્વ અમૂર્ત સ્વરૂપ હતું. જયારે શ્રી ‘મ’ મૂર્ત સ્વરૂપમાં રહ્યા ત્યારે પણ આખા મહાસાગર સાથે સંકળાયેલ હતા. મૂર્ત સ્વરૂપના લય પછી પણ શ્રી ‘મ’ નું અમૂર્ત સ્વરૂપ સાગરમાં નિત્ય રહ્યું જેથી કરીને એના પછી આવનાર શ્રી ‘ક’ માટે શ્રી ‘મ’ જેવા ન થવાની માહિતી નિત્ય રહે. આમ શ્રી ‘મ’ અમર છે, અનંત છે. શ્રી ‘મ’ના મૂર્ત સ્વરૂપ માટે જીવન મર્યાદિત છે. પણ અમૂર્ત સ્વરૂપ અનાદિ અનંત છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં શ્રી ‘મ’ નિત્ય છે.

વર્તમાન સ્વરૂપનો સાર

દરેક વ્યક્તિ, સમગ્ર બ્રહ્માંડનું, પ્રત્યેક પળનું, અજોડ અને અદ્‌ભુત કેન્દ્ર છે. મહાયાન બૌદ્ધશાસ્ત્રમાં આનું એક દૃષ્ટાંત આપ્યું છે: ‘ઈન્દ્રના દરબારમાં મોતીની એક માળા છે. એની વિલક્ષણ રચના છે. તમે એક મોતી પર નજર નાખો એટલે એમાં બાકીનાં બધાં મોતીનાં પ્રતિબિંબ પડે છે.’

રોમન ફિલસૂફ પ્લોટીનસના શબ્દોમાં કહીએ તો દરેક સ્વરૂપ સમગ્ર બ્રહ્માંડનું દર્શન છે. પૂર્ણ સર્વત્ર છે. પ્રત્યેક પૂર્ણ છે અને પૂર્ણ પ્રત્યેક છે. લિબનિઝે આખા જગતના મૂળ ઘટક માટે મોનાડ શબ્દ વાપર્યો છે જે સમગ્ર વિશ્વનું પ્રતિબિંબ દેખાડે છે. બૌદ્ધ ધર્મમાં કહેવામાં આવ્યું છે કે પ્રત્યેક એકમ બ્રહ્માંડનું કેન્દ્ર બની સર્વનું દર્શન કરાવે છે. આ કથન બુદ્ધિગમ્ય નથી પણ યોગી દ્વારા સમાધિમાં અનુભવ ગમ્ય છે. સમગ્ર વિશ્વનું ગ્રહણ કરવું એ એક જૂજ અદ્‌ભુત અપરોક્ષ જ્ઞાન છે, જેને આપણાં શાસ્ત્રમાં અહમ્ બ્રહ્માસ્મિની અખંડાકારવૃત્તિ દ્વારા સૂચવવામાં આવ્યું છે.

નિત્ય: આજ, પૂર્વ અને પશ્ચાત

‘આ પૃથ્વી પરનું વ્યાવહારિક જીવન ક્ષણભંગુર છે. પરંતુ અનંત જિંદગીના પારમાર્થિક દૃષ્ટિકોણથી તો આપણો કોઈ દિવસ જન્મ થયો નથી અને આપણું કદી મૃત્યુ થવાનું નથી કારણ કે આપણે અનાદિ, અનંત, નિત્ય, અમર પરમાત્માના જ અંશ છીએ, જેને જુદીજુદી જાતના લોકો જુદાજુદા નામથી ભજે છે.

– સ્વામી અભેદાનંદ

જન્મરહિત, મૃત્યુરહિત, નિત્ય અસ્તિત્વની સમજ આપવામાં વિજ્ઞાન અને આંત:સ્ફુરણા આપણને મદદ કરે છે. રવીન્દ્રનાથ ટાગોરે, તેમના માનવ વ્યક્તિત્વ પર લખેલા પુસ્તકના ઉપસંહારમાં કહ્યું છે: ‘મૃત્યુ એક દેખીતી હકીકત છે છતાં માનવ પોતાનામાં રહેલ સમગ્ર સૃષ્ટિના આધાર, રહસ્યમય સર્વાત્માથી અમર છે.’ આજે સાકાર સ્વરૂપ ધારણ કરી એના ભૂત અને ભવિષ્યના છેડાઓને આ દેહ દ્વારા ‘દેહથી પર’ અને મન દ્વારા. ‘મનથી પર’ અનંતમાં જોડી દે છે.

ટાગોરના દર્શનને ઈસુ ખ્રિસ્તનું વર્ણન પણ સમર્થન આપે છે:

‘અબ્રાહમ હતો એ પહેલાંથી હું છે.’

આપણે પ્રત્યેક વ્યક્તિ ઉપર આરોપિત થયેલ સાકાર સ્વરૂપ છીએ. માટે, આપણે સર્વ જન્મ પહેલાં પણ છીએ અને મૃત્યુ પછી પણ છીએ. વિજ્ઞાન પણ હવે એની સમજ પરથી અનંત આજ, પૂર્વ અને પશ્ચાત્ની અખંડતાને નિશ્ચિતરૂપે સ્વીકારે છે. સાકારસ્વરૂપ પૂર્વનું નિરાકાર અસ્તિત્વ જીવનને અનંત ભૂતકાળ સાથે જોડી દે છે. તે જ રીતે, આપણું અમરત્વ આપણા જીવનને અનંત ભવિષ્યકાળ સાથે એક કરી દે છે.

જીવન અસ્તિત્વની ત્રિકાળતાનું સ્વરૂપ છે. ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને ખાતરી આપે છે કે હું કે તું ક્યારેય ન હતા એવું કદી બન્યું નથી અને ક્યારેય નહીં હોઈએ એવું બનશે નહીં. શ્રીકૃષ્ણ આગળ કહે છે કે તારા મૂળ સ્વરૂપને (આત્માને) અગ્નિ ભસ્મ નથી કરી શકતું, પવન સૂકવી નથી શકતું, પાણી ભીંજવી નથી શકતું, કે અસ્ત્ર વીંધી નથી શકતું. તું તો તારા પારમાર્થિક સ્વરૂપથી નિત્ય શુદ્ધ-બુદ્ધ સત્-ચિત્ આનંદ અજર અમર અવિનાશી જ્ઞાનસ્વરૂપ છે જે બ્રહ્માંડની લીલાનો નિત્ય સાક્ષી છે.

જન્મ અને મરણથી પર અનંત જીવન માટે કેવળ આપણા વેદ અને ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે એવું નથી. જેમણે વિવિધ ધર્મોનો અને માનવઇતિહાસનો ઊંડો અભ્યાસ કર્યો છે તેમણે આ વિશેની નોંધ ખ્રિસ્તી, યહૂદી, પારસી જેવા ધર્મોમાં અને ગ્રીક, ઈજિપ્ત અને યુરોપિયન જેવી સંસ્કૃતિઓમાં જોઈ છે. પાયથાગોરસ, પ્લેટો અને પ્લોટીનસ જેવા ફિલસૂફોએ અને વડર્ઝવર્થ, ટેનિસન અને વ્હીટમૅન જેવા કવિઓએ પણ આવા વિચારનું સમર્થન કર્યું છે.

સૉક્રેટિસને જ્યારે ઝેર પીને મોતની સજા આપવામાં આવી ત્યારે તેના શિષ્ય ક્રીટોએ એને પૂછ્યું: ‘સૉક્રેટિસ, તમને અમે કઈ રીતે દાટીએ?’ સૉક્રેટિસે જવાબ આપ્યો: ‘તમને જે રીતે મરજી પડે એ રીતે. પણ એક કામ કરજો. સૌ પ્રથમ મને પકડજો. મારા સાચા સ્વરૂપનું ગ્રહણ કરજો. વહાલા ક્રીટો! તું દિલગીર ન થા. એ સમજ કે તું કેવળ મારા શરીરને જ દાટશે. મારા શરીર પર યથાયોગ્ય દફનની ક્રિયા સૌના દેહ પર કરવામાં આવે છે એમ તારી પસંદ મુજબ કરજે.’ આ દફનાવી ન શકાય એવું સૉક્રેટિસનું માંહ્યલું તત્ત્વ શું છે, જે દેહ સાથે કબરમાં જતું નથી? વ્યાવહારિક ભાષામાં એ માણસનું મન કે વ્યક્તિત્વ છે. આધ્યાત્મિક દૃષ્ટિએ એ આત્મા – આધારિત સૂક્ષ્મ શરીર છે જેની સામે મૃત્યુ સમયે બે માર્ગ રહે છે. મોટા ભાગના લોકો કર્મનાં બંધનથી જન્મમરણના અગણિત ફેરામાં ફરવાનું પસંદ કરે છે.

શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહ્યું છે કે આખા જીવનમાં જે કંઈ વાસનાઓ પ્રબળ રહી હોય તે મૃત્યુ સમયે મુખ્ય બને છે અને તે ઇચ્છા ફળીભૂત કરવા સૂક્ષ્મ શરીરની આસપાસ બાહ્ય અન્નશરીર – સ્થૂલ શરીર – રચાય છે. બીજો માર્ગ મોક્ષનો છે. જીવનમાં સર્વ કામનાઓનો અંત આવતાં, સર્વ પ્રાપ્ય પ્રાપ્ત થઈ ગયું હોવાથી ધન્યતાની ભાવના જીવતાં જ જીવનમુક્તિ આપી દે છે. દેહલય સમયે કોઈ ઇચ્છા અપૂર્ણ ન રહેતાં બ્રહ્માંડ સાથે એક થઈ જવાય છે. મીઠાની ઢીંગલી મીઠામાં ભળી જાય છે. બ્રહ્મ બ્રહ્મમાં એકરૂપ થાય છે.

Total Views: 119
By Published On: January 1, 1993Categories: Manu Kothari Dr.0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram