શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી તુરીયાનંદજી મહારાજની જન્મતિથિ (7 જાન્યુઆરી) પ્રસંગે
ઈશ્વરને ચાહશો તો ઈશ્વર અવશ્ય મળશે. તેઓ તો કરુણામય પ્રભુ; તેમને મેળવવા હોય, તો ખૂબ જ સહેલાઈથી મળે. પરંતુ, તેમને ચાહે છે કોણ? – અહીં જ તો મોટી મુશ્કેલી! તેમણે તો વચન આપ્યું જ છે: ખરેખર, તેમને જ શોધશે તે આંખના પલકારામાં તેમને પામશે. પણ અંતરની સચ્ચાઈથી શોધે છે કોણ? માયાનો પ્રભાવ તો જુઓ! જગન્માતાએ મનુષ્યને એવો તો મુગ્ધ કરી રાખ્યો છે કે ઈશ્વર દર્શનની પ્રાપ્તિ માટે આતુરતા આવે જ નહિ. (એટલે જ) ઠાકુર શ્રીરામકૃષ્ણ કહે છે: “ચોખાના વેપારીના ગોદામમાં ગુણીઓ ભરી હોય. પણ તેઓ બહાર સૂપડીમાં મીઠા મમરા ચણા રાખી મૂકે. આખી રાત ઉંદર કરડ-કરડ કરીને એ ખાધા કરે. અંદર અનાજની ગુણીઓ ભરી પડી છે – તેને ખબર જ ન પડે. એ જ રીતે અંતર્યામી ઈશ્વર કેટલો નજીક છે તેમ છતાં ય મનુષ્ય પત્ની, બાળકો, અન્ય ચીજવસ્તુઓ વગેરેનાં વળગણથી પાગલ બને છે. માયાનો આવો પ્રભાવ છે.”
મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે.
(ગીતા: ૭.૧૪)
“જેઓ મારે શરણે આવે છે તેઓ આ માયાને, સંસારને પેલે પાર ઊતરી જાય છે.”
તમેવ શરણં ગચ્છ સર્વભાવેન ભારત
તત્ પ્રસાદાત્ પરાં શાંતિ સ્થાનં પ્રાપ્સ્યસિ શાશ્વતમ્
(ગીતા: ૧૮.૬૨)
“હે ભારત, અનન્ય પ્રકારે એ પરમાત્માને શરણે જા. એમની કૃપાથી શાશ્વત શાંતિ અને સનાતન પરમધામને તું પામશે.”
ઊંડી આત્મશ્રદ્ધા રાખો – એવી શ્રદ્ધા હોય, તો પછી ડરવાનું કોઈ કારણ જ નથી. સાધકની ઉન્નતિ આ શ્રદ્ધાને લીધે જ થાય છે.
દૃષ્ટાંત રૂપે: કઠોપનિષદમાં નચિકેતાને જુઓ – કેવી રીતે શ્રદ્ધા વડે તેણે આત્મજ્ઞાન મેળવ્યું? યોગશાસ્ત્રના પ્રણેતાઓએ પણ શ્રદ્ધાની જ પ્રશંસા કરી છે. ગીતામાં શ્રીભગવાને કહ્યું છે:
શ્રદ્ધાવાન લભતે જ્ઞાનં તત્પર: સંયતેન્દ્રિય:।
જ્ઞાનં લબ્ધ્વા પરાં શાંતિમચિરેણાધિગચ્છતિ।। (૪.૩૯)
“જિતેન્દ્રિય, ઈશ્વરપરાયણ, શ્રદ્ધાવાન વ્યક્તિ જ્ઞાન લાભ કરે, જ્ઞાન લાભીને પલભરમાં તે પરમ શાંતિ પામે છે.”
આ તો સત્યની અનુભૂતિની વાત છે. સાધકને તેના અંતરાત્મામાં જ ઊંડાણમાં તેનો અનુભવ થાય છે. બીજા લોકો એ આત્મદૃષ્ટા પ્રત્યે કેવી રીતે નિહાળે તેની પરવા કોણ કરે? લોકો તેની વિરુદ્ધ કંઈ પણ બોલે – કંઈ પણ કરે, પરંતુ આત્માનુભવ કે પરમાત્મદર્શનની પ્રાપ્તિ માટે તેના મનમાં સંદેહનું નામનિશાન નથી. તે પરમાનંદનું અમૃતપાન કરે છે. “નાનવાપ્તમવાપ્તવ્યં” “નૈવ તસ્ય કૃતેનાર્થો નાકૃતેનેહ કશ્ચન્”
“એમની કૃપાથી કોઈ આ ઉપલબ્ધિ પામે, તોય કંઈ નવાઈ નહીં. હજારો વર્ષથી અંધકાર છવાયેલ ઓરડીમાં દીવો લાવીએ, તો તત્ક્ષણ ઝળહળી ઊઠશે.”
કહેવતમાં કહ્યું છે: ‘ચાંદામામા સૌના મામા છે.’ એટલે કે એ તો સૌના ઈશ્વર છે. અહીં શંકાને સ્થાન નથી. તમે શા માટે કહો છો કે હું નિર્બળ છું. તમારામાંથી દરેકે દરેક જગન્માતાના જ બાળક છો. માટે તમે સર્વ શક્તિમાન છો. “સ્વયં વિશ્વજનની જેની માતા છે તેને વળી ભય કોનો? એનામાં સામર્થ્યનો અભાવ હોય તે અશક્ય છે. માની કૃપાથી તમારા અંતરમાં સુપ્તરૂપે અસીમ શક્તિ રહેલી છે. સાચે જ, જગન્માતા જ આપણી માતા છે. – કંઈ કલ્પનાનો તરંગ નથી.”
“ત્વ વૈષ્ણવી શક્તિરનંતવીર્યા
વિશ્વસ્ય બીજું પરમાસિ માયા
સંમોહિતં દેવિ સમસ્તમેતત્
ત્યં વૈ પ્રસન્ના ભુવિ મુક્તિહેતુ:।”
જગન્માતા જ આપણી માતા છે, તો પછી ભય શા માટે? એટલે કે, નિર્બળતાનું ચિંતન કરશો તો નિર્બળ બનશો. પણ જગન્માતાના સંતાન પોતાને નિર્બળ માને જ શા માટે.
માની કૃપાથી કંઈ પણ અશક્ય હોય ? “હું” અને ‘મારું’ની ધૂંસરીમાંથી છૂટકારો થતાં કેટલો સમય લાગે? જગન્માતા પલભરમાં – એક જ ક્ષણમાં કૃપા વડે બંધનો કાપી શકે; અને સાચોસાચ તે મુક્તિ આપે છે.
ભાષાંતર: સ્વામી જ્ઞાનેશાનંદ
(‘પ્રબુદ્ધ ભારત’ એપ્રિલ ૧૯૯૨માંથી સાભાર)
Your Content Goes Here