ભગવતી પાર્વતી ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા ઘોર તપશ્ચર્યા કરી રહ્યાં હતાં. તપશ્ચર્યા ઉગ્ર બનાવવા તેઓ આહાર માટેની એક પછી એક વસ્તુનો ત્યાગ કરી રહ્યાં હતાં. છતાં શિવજી તરફથી કોઈ પ્રતિભાવ મળતો નહોતો. તેમણે વૃક્ષોનાં પર્ણો ખાઈને શિવપ્રાપ્તિ માટે સાધના કરી, તો પણ ભોળાનાથનું હૃદય પીંગળ્યું નહિ; ત્યારે પાર્વતીએ આહારરૂપે લેવાતાં પર્ણોનો પણ ત્યાગ કર્યો. અપર્ણાની આકરી તપશ્ચર્યાથી શિવને થયું કે તેનો પ્રેમ સ્વયંભૂ છે કે કોઈના કહેવાથી તે મારી પ્રાપ્તિ ઝંખી રહી છે, તેની કસોટી કરવી જોઈએ. તેમણે વૃદ્ધ બ્રહ્મચારીનો વેશ ધારણ કર્યો અને પાર્વતી સમક્ષ આવી કહેવા લાગ્યા: “તને કોઈએ ભરમાવી લાગે છે. શંકર વિશે તને કોઈએ સાચી વાત કહી લાગતી નથી. શંકરની દરિદ્રતાની તને ખબર લાગતી નથી. તે એટલા દરિદ્ર છે કે તેમની પાસે પહેરવા માટે વસ્ત્ર નથી. એટલે તેઓ દિગંબર કહેવાય છે. તેઓ સ્મશાનમાં રહે છે; તેમનું રૂપ ભયંકર છે. તું મહાન રાજા હિમાલયની પુત્રી રાજમહેલના વૈભવમાં ઊછરેલી છે. શિવ ચોવીસેય કલાક ધ્યાનમાં હોય છે. શરીરે ભભૂતિ ચોળી બેસી રહે છે. તેની સાથે વિવાહ કરવાથી તારું શું ભલું થવાનું હતું?”

બ્રહ્મચારીની શિવનિંદા સાંભળી પાર્વતી એક ક્ષણ મૌન રહી. પછી તેણે જે ઉત્તર આપ્યો તે મહાકવિ કાલિદાસની ભાષામાં જોઈએ:

અકિંચન: સન્ પ્રભવ: સ સંપદાં ત્રિલોકનાથ: પિતૃસદ્મગોચર:
સ ભીમરૂપ: શિવ ઇત્યુદીર્યતે ન સન્તિ યાથાર્થ્યવિદ: પિનાકિન:

અર્થાત્ શિવ પરમ દરિદ્ર હોવા છતાં પણ સકલ સંપત્તિઓનું ઉદ્ગમસ્થાન છે, બધી સંપત્તિઓ ત્યાંથી જ પ્રગટ થાય છે; તેઓ સ્મશાનવાસી હોવા છતાં ત્રણેય લોકના નાથ છે; તેમનું ભયાનક રૂપ હોવા છતાં તેમનું નામ શિવ છે. સત્ય તો એ છે કે પિનાક નામનું ધનુષ ધારણ કરનારા શિવતત્ત્વને કોઈ યથાર્થ રીતે જાણી શક્યું નથી.

બાણશય્યા પર સૂતેલા ભીષ્મપિતામહને મહારાજા યુધિષ્ઠિરે શિવ વિષે પૂછ્યું ત્યારે વૃદ્ધ ભીષ્મે કહેલું:

અશક્તોડહં ગુણાન્ વસ્તું મહાદેવસ્ય ધીમત:
યો હિ સર્વગતો દેવો ન ચ સર્વત્ર દૃશ્યતે

(મહા. અનુશાસન પર્વ ૧૪/૩)

જે બધાંમાં રહેતા હોવા છતાં ક્યાંય કોઈને જોવામાં નથી આવતા, તે મહાદેવના ગુણોનું વર્ણન કરવા હું અશક્તિમાન છું.

હવે પરમ તત્ત્વજ્ઞ ભીષ્મ શિવનો મહિમા ગાવા અશક્તિમાન હોય તો અન્ય ક્યો મનુષ્ય મહાદેવનો મહિમા કરવા સમર્થ બની શકે? તેઓ કહે છે: માણસ તો ગર્ભ, જન્મ તથા વૃદ્ધાવસ્થાવાળો અને મરણધર્મવાળો છે. શંખ, ચક્ર અને ગદાધારી ભગવાન નારાયણ વિના મારા સરખો પુરુષ તે પરમેશ્વર એવા શંકરને કેવી રીતે જાણી શકે ? ભગવાન નારાયણ જ્ઞાની છે, ગુણો વડે ઉત્તમ છે, વ્યાપક છે, પરમ દુર્જય છે, દિવ્ય નેત્રવાળા છે, મહા તેજસ્વી છે. તે દિવ્ય નેત્ર દ્વારા મહાદેવનાં દર્શન કરે છે. તેઓ જ શંકરને જાણી શકે તેમ છે. હે યુધિષ્ઠિર! મહા બાહુવાળા શ્રીકૃષ્ણ ભગવાન મહાદેવના સર્વ ગુણોને તથા મહેશ્વરની વિભૂતિને સંપૂર્ણપણે કહેવા સમર્થ છે.

શ્રીકૃષ્ણ કહે છે: હિરણ્યગર્ભ, ઇન્દ્ર, મહર્ષિ વગેરે શિવ-તત્ત્વને જાણવા-સમજવા અસમર્થ છે. આટલું કહી તેમણે શિવનો અપરંપાર મહિમા ગાયો છે. છતાં તેમને સંતોષ થયો નથી. શ્રીપુષ્પદન્તાચાર્યે વિખ્યાત ‘મહિમ્ન: સ્તોત્ર’ લખ્યું છે, છતાં શરૂઆતમાં જ તેમને સ્પષ્ટતા કરી દેવી પડી છે કે-

મહિમ્ન: પારં તે પરમવિદુષો યદ્યસદૃશી
સ્તુતિર્બ્રહ્માદીનામપિ તદવસન્નાસ્વયિ ગિર:
અથાવાચ્ય: સર્વ સ્વમતિપરિણામાવધિ ગૃણન્
મમાપ્યેષ સ્તોત્રે હર નિરપવાદઃ પરિકરઃ

‘તમારા મહિમાને પૂર્ણરૂપથી જાણ્યા વિના સ્તુતિ કરવી અનુચિત હોય તો બ્રહ્માદિની વાણી પણ રોકાઈ જશે. કોઈ પણ તમારી સ્તુતિ નહિ કરી શકે, કારણ કે તમારા મહિમાનો અંત કોઈ જાણી જ શકતું નથી. અનંતનો અંત કેવી રીતે જાણી શકાય? ત્યારે પોતપોતાની બુદ્ધિ અનુસાર જે જેટલું સમજ્યો છે, તેટલું કહેવાનો તેનો અધિકાર દૂષિત ઠેરાવવામાં ન આવે, તો મારા જેવો તુચ્છ પુરુષ પણ સ્તુતિ માટે કમર કેમ ન કસે? થોડું અમે પણ જાણીએ છીએ; જેટલું જાણીએ છીએ, તેટલું શા માટે ન કહીએ?’ આવી હિંમત ધરાવનાર ‘મહિમ્ન: સ્તોત્ર’ રચી શકે.

આ શિવતત્ત્વ શું છે? શિવપુરાણ કહે છે કે જેનાથી આ વિશ્વની ઉત્પત્તિ, પાલન અને સંહાર થાય છે, જે આ સમસ્ત વિશ્વરૂપમાં વ્યાપ્ત છે, હું મુનીશ્વર! તે (વેદમાં) શિવસ્વરૂપે વર્ણવાયા છે. તે સત્ય છે, જ્ઞાનસ્વરૂપ છે; તે જ અનંત છે, અસીમ ચિદાનંદ છે. તે નિર્ગુણ, નિરુપાધિ, નિરંજન અને અવ્યય છે. તે રક્ત, પીળા, નીલ કે શ્વેતવર્ણ નથી. તેઓ મન અને વાણીથી પર છે. તે જ બ્રહ્મ પ્રથમ શિવ-નામથી ઓળખાયા છે.

ઋગ્વેદના ૭મા મંડળના એકાવનમા સૂક્તમાં એમને ત્ર્યમ્બક કહ્યા છે. મૃત્યુમાંથી મોક્ષ મેળવવા અને અમૃત સ્થિતિમાં રહેવા ઋષિઓએ તેમને પ્રાર્થના કરી છે. ઋગ્વેદનો સુપ્રસિદ્ધ મંત્ર છે –

ત્ર્યમ્બકં યજામહે સુગન્ધિં પુષ્ટિવર્દ્ધનમ્।
ઉર્વારુકમિવ બન્ધનાત્ મૃત્યો: મુક્ષીય મામૃતાત્

આ શિવતત્ત્વ એ જ અદ્વૈત તત્ત્વ છે. શ્વેતાશ્વતર ઉપનિષદમાં શિવતત્ત્વનું આ રીતે વર્ણન કરવામાં આવ્યું છે:

સર્વાનનશિરોગ્રીવ: સર્વભૂતગુહાશય:।
સર્વવ્યાપી સ ભગવાંસ્તસ્માત્ સર્વગત: શિવ:।। (૩:૧૧)

સમસ્ત મુખ, સમસ્ત શિર અને સમસ્ત ડોકીઓ અથવા ગળાં ભગવાન શિવનાં છે; તેઓ સલ પ્રાણીઓનાં અંત:કરણમાં સ્થિત છે અને સર્વવ્યાપી છે, એટલે શિવ સર્વત્ર રહેલા છે. ‘અમરકોશ’માં ‘શ્રેયસં, શિવં, ભદ્રં, કલ્યાણં, મંગલં, શુભં’ એ શબ્દો એક જ અર્થમાં વપરાયા છે. શિવને આશુતોષ પણ કહ્યા છે. તેઓ જલદી સંતુષ્ટ થઈ જાય તેવા છે. તેઓ ભક્તોની ઇચ્છા તત્કાલ પૂર્ણ કરે છે. હિન્દુ શાસ્ત્રોએ શિવને મોક્ષદાતા દેવ ગણ્યા છે.

‘શિવપુરાણ’માં શિવે વિષ્ણુને સંબોધીને કહ્યું છે: ‘હે વિષ્ણુ! હું સ્વભાવથી નિર્ગુણ હોવા છતાં પણ સંસારની રચના, સ્થિતિ અને પ્રલયને માટે ક્રમશ: બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર – એમ ત્રણ રૂપોમાં વિભક્ત થાઉં છું. જેવી રીતે જલ વગેરેના સંસર્ગથી અર્થાત્ તેમનામાં પ્રતિબિંબ પડવાથી સૂર્ય આદિ જ્યોતિઓમાં કોઈ સંપર્ક થતો નથી, તેવી રીતે મારા નિર્ગુણનો ગુણો સાથે સંયોગ થવાથી બંધન નિર્માણ થતું નથી. માટીનાં ભિન્ન પ્રકારનાં પાત્રોમાં કેવળ નામ અને આકારનો જ ભેદ છે, વાસ્તવિક ભેદ નથી. સમુદ્રમાં પણ ફીણ, બુદ્દબુદો, તરંગો વગેરે વિકારો જોવામાં આવે છે; વસ્તુત: સમુદ્ર એક જ છે. આ સમજીને તમારે ભેદનું કોઈ કારણ ન જોવું જોઈએ. વસ્તુત: તમામ દૃશ્ય પદાર્થ શિવરૂપ જ છે, એવો મારો મત છે. હું, તમે, આ બ્રહ્માજી, અને ભવિષ્યમાં મારી જે રુદ્રમૂર્તિ ઉત્પન્ન થશે, તે સર્વ એકરૂપ જ છે, એમાં કોઈ ભેદ નથી. ભેદ જ બંધનનું કારણ છે. તેમ છતાં અહીં મારું આ શિવરૂપ નિત્ય, સનાતન અને સર્વનું મૂળ-સ્વરૂપ કહેવાયું છે, આ જ સત્ય, જ્ઞાન અને અનંતરૂપ ગુણાતીત પરબ્રહ્મ છે.’

શ્રીમદ્ભાગવતમાં વિષ્ણુએ દક્ષ પ્રજાપતિને કહ્યું છે તે આ સંદર્ભમાં નોંધવા જેવું છે:

ત્રયાણામેકભાવાનાં યો ન પશ્યતિ વૈ ભિદામ્।
સર્વભૂતાત્મનાં બ્રહ્મન્ સ શાન્તિમધિગચ્છતિ॥ (૪૭:૫૪)

હે વિપ્ર! અમે ત્રણેય એકરૂપ છીએ અને સમસ્ત પ્રાણીમાત્રના આત્મા છીએ. અમારી અંદર જે ભેદભાવ નથી કરતો, નિ:સંદેહ તે શાન્તિને પ્રાપ્ત કરે છે.

શિવનો અર્થ થાય છે, જેને સૌ કોઈ ચાહે છે. સૌ શું ઇચ્છે છે? શાંતિ અને આનંદ. જ્યાં આનંદ છે ત્યાં શાંતિ છે. આનંદ પરમ મંગલકારી અને પરમ કલ્યાણકારી છે. શિવને પરમ મંગલમય અને કલ્યાણમય કહ્યો છે. શું એટલે આનંદ. જે આનંદ કરે છે તે શંકર છે. જ્ઞાનીજનો શંકરને અંખડ આનંદસ્વરૂપ કહે છે.

ભારતનું ભાગ્યે જ એવું કોઈ ગામ હશે જ્યાં શિવનું મંદિર નહિ હોય અને એવો ભાગ્યે જ કોઈ હિન્દુ હશે જે શિવરાત્રિ નહિ મનાવતો હોય. મહા મહિનાની કૃષ્ણપક્ષની ચૌદશે શિવરાત્રિનો તહેવાર ઊજવવામાં આવે છે. ઈશાન-સંહિતા અનુસાર શિવની પ્રથમ લિંગમૂર્તિ આ તિથિની મહારાત્રિમાં પૃથ્વીથી પહેલીવાર આવિર્ભૂત થઈ હતી, ત્યારથી શિવરાત્રિના વ્રતની ઉત્પત્તિ થઈ છે.

વ્રતકથામાં કહ્યું છે કે એક દિવસ કૈલાસશિખર પર રહેતાં પાર્વતીએ શંકરને પૂછ્યું:

કર્મણા કેન ભગવત્ વ્રતેન તપસાપ વા
ધર્માર્થકામમોક્ષાણાં હેતુસ્ત્વ પરિતુષ્યસિ

હે ભગવન્! ધર્મ, અર્થ, કામ અને મોક્ષ – આ ચારેય વર્ગના તમે હેતુ છો. સાધનાથી સંતુષ્ટ થઈ મનુષ્યને તમે તે પ્રદાન કરો છો. એટલે આ જાણવાની ઇચ્છા થાય છે કે ક્યું કર્મ, ક્યું વ્રત અથવા ક્યા પ્રકારની તપશ્ચર્યાથી તમે પ્રસન્ન થાવ છો?

પાર્વતીના પ્રશ્નનો ઉત્તર આપતાં ભગવાન શંકર કહે છે: માઘ મહિનાની કૃષ્ણપક્ષની ચતુર્દશી તિથિનો આશ્રય લઈને જે અંધકારમયી રાત્રિનો ઉદય થાય છે તેને ‘શિવરાત્રિ’ કહે છે. ‘તે દિવસે ઉપવાસ કરવાથી હું જેટલો પ્રસન્ન થાઉં છું તેટલો સ્નાન, ધૂપ, વસ્ત્ર અને પુષ્પ અર્પવાથી નથી થતો.’

શિવરાત્રિના ઉપવાસ પછી અમાવાસ્યાને દિવસે શિવભક્ત પ્રાર્થે છે કે ‘હે શંકર! હું નિત્ય સંસારની યાતનાથી બળી રહ્યો છું. આ વ્રતથી તમે માર ૫ર પ્રસન્ન થાઓ. હે પ્રભો! સંતુષ્ટ થઈ તમે મને જ્ઞાનદૃષ્ટિ પ્રદાન કરો.’

શિવરાત્રિની સંક્ષિપ્ત કથા આ પ્રમાણે છે:

વારાણસીનો એક શિકારી શિકાર કરવા જંગલમાં ગયો. ત્યાં અનેક મૃગોનો શિકાર કરીને તે પાછો ફરતો હતો ત્યારે એટલો બધો થાકી ગયો હતો કે એક પુરાતન વૃક્ષ નીચે આરામ કરવા આડો પડ્યો. ત્યાં તેને ઊંઘ આવી ગઈ. આંખ ઊઘડી ત્યારે સંધ્યાકાળ થઈ ગયો હતો. તેને થયું: થોડીવારમાં આ ઘોર જંગલમાં ગાઢ અંધકાર છવાઈ જશે અને કેડી દેખાશે નહિ. એટલે નગરમાં પાછા ફરવાનું શક્ય નથી.

રાત્રે વૃક્ષ નીચે ઊંધે તો હિંસક પશુઓ તેને ફાડી ખાય, એટલે તેણે વિચાર કર્યો કે ઝાડ પર ચડી જઈ બેઠા-બેઠા જ રાત્રિ વિતાવવામાં ડહાપણ છે. તે દિવસે શિવરાત્રિ હતી અને તે જે વૃક્ષ પર ચડ્યો હતો તે બીલીનું વૃક્ષ હતું. તેના મૂળિયાં પાસે ખૂબ પ્રાચીન શિવલિંગ હતું.

શિકારી વહેલી સવારથી ખાધા-પીધા વિના ઘરેથી નીકળી ગયેલો. જંગલમાં તે એટલો રોકાયેલો રહ્યો કે ખાવાનું ઠેકાણું ન પડ્યું. આમ તે દિવસ સ્વાભાવિક ક્રમમાં જ ઉપવાસ થઈ ગયો. રાત્રિમાં ઝાકળ પડવાથી બીલીપત્રો ભીનાં થઈ ગયેલાં, શિકારીના હલનચલનથી ભીનાં પાંદડાં નીચે આવેલા શિવલિંગ પર પડવા લાગ્યાં. આમ કુદરતી રીતે જ તેની પૂજા થવા લાગી. તેથી શંકર સંતુષ્ટ થયા અને દુષ્ટ કર્મ કરનારો પાપી શિવરાત્રિએ શિવનું પૂજન કરવાથી તરી ગયો.

અહીં ઉપવાસ એટલે આહારનો ત્યાગ એટલો મર્યાદિત અર્થ ન લેવો જોઈએ. ઉપવાસનો અર્થ થાય છે કોઈની સમીપ રહેવું. શિવરાત્રિએ મન, વચન અને કર્મથી શિવની સમીપ રહેવું જોઈએ. શિવ સમીપ રહેવું એટલે શુભ બનવું, મંગલમય બનવું, કલ્યાણકારી બનવું, આનંદરૂપ બનવું; અંત:કરણ અને ઇન્દ્રિયોને આહારમાંથી નિવૃત્ત કરવાં. રાત્રિનો સમય પરમ તત્ત્વની સાધના માટે વિશેષ અનુકૂળ છે. એકાત્માનુભૂતિ માટે રાત્રિ વિશેષ સહાયરૂપ થાય છે. મનુષ્યની પ્રત્યેક રાત્રિ શિવરાત્રિ બની જાય તે જ સાચી ઉપાસના છે. નીલકંઠ જેવા થવું તે જ સાચી સાધના છે. નીલકંઠ શિવ સર્વોચ્ચ યોગી છે – કહો કે મહા યોગીશ્વર છે, દેવોમાં મહાદેવ છે, સર્વ કલાઓના અધિષ્ઠાતા છે, નૃત્યોના પ્રણેતા છે એટલે નટરાજ છે, અર્ધનારીશ્વર છે, ભોળાનાથ છે, વિશ્વનાથ છે. નીચેના શ્લોકો ભગવાન શિવનો યથાતથ ખ્યાલ આપે છે:

અચિન્ત્યમવ્યક્તમનન્તરૂપં શિવં પ્રશાન્તમમૃતં બ્રહ્મયોનિમ્।
તમાદિમધ્યાન્તવિહીનમેકં વિભું ચિદાનન્દમરૂપમદ્ભુતમ્॥

ઉમાસહાયં પરમેશ્વરં પ્રભું ત્રિલોચનં નીલકંઠ પ્રશાન્તમ્।
ધ્યાત્વા મુનિર્ગચ્છતિ ભૂતિયોર્નિ સમસ્તસાક્ષિં તમસ: પરસ્તાત્।।

પુરત્રયે ક્રીડતિ યશ્વ જીવ સ્તત: સુજાતં સક્લં વિચિત્રમ્
આધારમાનન્દમખંડબોધ યસ્મિલ્લયં યાતિ પુરત્રયશ્ચ।।

સ એવ સર્વં યદ્ભૂતં યચ્ચ ભાવ્યં સનાતનમ્।
જ્ઞાત્વા દ્વં મૃત્યુમત્યેતિ નાન્ય: પન્થા વિમુક્તયે।।

આ શ્લોકોમાં શિવનું સર્વાંગીદર્શન છે. શિવરાત્રિના મહાપર્વે શિવતત્ત્વને પામવાનો દૃઢ સંકલ્પ કરનાર જીવનની પરમ સાર્થકતાને પામ્યા વિના નહિ રહે.

Total Views: 52
By Published On: February 1, 1993Categories: Kantilal Kalani0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram