શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે. રામકૃષ્ણ મઠ, પૂના કેન્દ્રમાં તેમણે હિન્દીમાં આપેલ પ્રવચનનું ગુજરાતી રૂપાંતર શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કર્યું છે.

શ્રીરામકૃષ્ણદેવના જીવનચરિત્રના વાચકોને ખબર જ હશે કે તેમનો વિનય એ તેમના જીવનની એક વિશિષ્ટતા હતી. જ્યારે તેમને કોઈ કહેતું કે ‘આપ અવતાર છો’, ત્યારે તેઓ હાથ જોડીને કહેતા કે “ભાઈ, મને અવતાર કહેવો ઠીક નથી, હું તો બધાનો દાસ છું.”

એકવાર શ્રીરામકૃષ્ણદેવે પોતાને ‘અવતાર’ કહ્યા કરતા ભક્તો માટે કહ્યું હતું: “આ લોકો મને ‘અવતાર અવતાર’ કહ્યા કરે છે, પણ આ બધા ‘અવતાર’ શબ્દનો અર્થ સમજે છે ખરા કે? કેટલાય મોટા-મોટા પંડિતોએ પણ મને અવતાર કહ્યો તો છે, પણ મને તો એ જરાય ગમતું નથી.” શ્રીરામકૃષ્ણદેવનું આમ કહેવાનું કારણ શું હશે?

આજકાલ તો કેટકેટલા અવતારો પ્રક્ટ થતા રહે છે. આ બધા અવતારો માંહેના એક તરીકે શ્રીરામકૃષ્ણદેવને પણ માની લેવામાં આવે તો એમાં ભલા શી નવાઈ છે  એમાં હરકતેય શી છે?

પરન્તુ, અહીં વિચારવાનું એ છે કે મોઢેથી કોઈને માત્ર ‘અવતાર અવતાર’ કહી દેવાથી જ આપણા મનમાં કોઈ વિશિષ્ટ તત્ત્વનો પ્રકાશ પથરાઈ જતો નથી. ‘અવતાર’ શબ્દનો અર્થ સમજ્યા વગર જ કોઈને ‘અવતાર’ કહીં દેવાથી કશું જ વળતું નથી. એટલે ‘અવતાર’ શબ્દનો અર્થ પહેલાં જાણી લેવો જોઈએ. ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે:

अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितम्।

परं भावमजानन्तो मम भूतमहेश्वरम्॥ (९/११)

“મૂઢ માણસો મને માનવદેહધારી સમજે છે, પણ મારા સ્વરૂપને એ સમજતા નથી.” સ્વરૂપને સમજીને જો કોઈ કંઈ કહે તો એનો કશોક અર્થ છે, પણ કશું સમજ્યા વગર જ કોઈ ‘અવતાર અવતાર’ કહ્યે રાખે તો એનો કશો જ અર્થ નથી.

શ્રીરામકૃષ્ણદેવ પોતાને આવા ‘અવતાર’ તરીકે ક્યારેય લેખાવતા નહિ. પરન્તુ, તેમણે પોતાના મુખ્ય શિષ્ય સ્વામી વિવેકાનંદને એકવાર કહ્યું હતું: “જે રામ હતા, જે કૃષ્ણ હતા, એ જ આ વખતે રામકૃષ્ણને રૂપે આવ્યા છે, અને એ તારી વેદાન્તની દૃષ્ટિથી નહિ.”

એમની આ વાણીનું તાત્પર્ય આપણે સમજવું જોઈએ. વેદાન્તની દૃષ્ટિથી તો બધા જ બ્રહ્મ છે. અવતાર પણ બ્રહ્મ છે અને દરેક સામાન્ય મનુષ્ય પણ બ્રહ્મ જ છે. માત્ર મનુષ્ય જ નહિ, બધાં જીવજંતુઓ પણ બ્રહ્મ જ છે. અરે, બધા જડ પદાર્થો પણ બ્રહ્મ જ છે. તો તો પછી કશામાં કોઈ ખાસિયત જેવું કશું નથી.

આ વેદાન્તની દૃષ્ટિએ જે કૃષ્ણ હતા, જે રામ હતા, એ જ અત્યારે શ્રીરામકૃષ્ણના રૂપે આવ્યા છે, એવો અર્થ અહીં સમજવાનો નથી, એમ એમનું કહેવું છે.

તો પછી કેવો અર્થ સમજવો જોઈએ?

શ્રીકૃષ્ણ એક વ્યક્તિત્વ છે, રામચન્દ્ર પણ એક વ્યક્તિત્વ છે. આ વ્યક્તિત્વ એક ખાસ તત્ત્વ છે. આ વિશિષ્ટ તત્ત્વથી જ આપણે શ્રીરામચંદ્રજીને અને શ્રીકૃષ્ણને ‘ઈશ્વરાવતાર’ તરીકે ઓળખીએ છીએ. ‘બધું જ બ્રહ્મ છે’ એવું માનીને નહિ. એટલે જ ભગવાને ગીતાજીમાં આવું કહ્યું છે કે ‘परं भावमजानन्तो मम भूतमहेश्वर्’ અર્થાત, ‘મારું જે પરમ તત્ત્વ છે – भूतमहेश्वरम्’ – બધાં જ પ્રાણીઓનો મહાન ઈશ્વર, નિયન્તા – આ તત્ત્વને લોકો સમજતા નથી! લોકો તો સમજે છે કે શ્રીકૃષ્ણ વસુદેવના અને રામચંદ્ર દશરથના પુત્ર માત્ર હતા!

પરન્તુ, ભગવાન જ્યારે અવતાર લે છે, ત્યારે એમનામાં એક ખાસ પ્રકારના વ્યક્તિત્વનો પ્રકાશ હોય છે, એક વિશેષ પ્રકારનો આદેશ આપવાનો ઉદ્દેશ, તેમના જીવનનો હોય છે અને આ લક્ષ્ય પૂરું કરવા માટે ભગવાન એક વિશિષ્ટ રૂપમાં ખાસ કરીને એક – મનુષ્યના રૂપમાં અવતરે છે.

ભગવાનના આ અવતારોમાં દરેક અવતારને પોતપોતાની વિશેષતા હોય છે. શ્રીકૃષ્ણના અવતારકૃત્યમાં આપણે અનાસક્તિનો ભાવ નિહાળીએ છીએ, વૃંદાવનના કૃષ્ણમાં અને મથુરાના કૃષ્ણમાં બાહ્ય દૃષ્ટિએ ભલે મોટો ફરક જણાય પણ બંનેમાં એક જ શક્તિ વિરાજિત હતી. આ સમજવું ખૂબ મુશ્કેલ છે. વૃંદાવનમાં શ્રીકૃષ્ણ ભક્તિભાવનો પ્રકાશ- પ્રેમવિલાસ દર્શાવે છે. પણ મથુરામાં એમનું જુદું જીવનતાત્પર્ય છે. મથુરામાં ફક્ત ગોપીઓ માટે જ નહિ, પણ વિશ્વનાં બધાં મનુષ્યો માટે એક વિશાલ વ્યક્તિત્વનો પ્રકાશ તેઓ કરે છે. કેટકેટલા રાજાઓ અને કેટકેટલા સંતોના આદર્શપુરુષના રૂપમાં ભગવાન શ્રીકૃષ્ણે પોતાનો ચરિત્રપ્રકાશ મથુરામાં રહીને ફેલાવ્યો હતો? જે એમનું ‘સર્વભૂતમહેશ્વર’નું તેમનું સ્વરૂપ છે, સર્વપ્રાણીનિ યંતાનું, પરમેશ્વરનું જે સ્વરૂપ છે, તે એમણે માનવદેહમાં રહીને જ બતાવી આપ્યું! એ હતું સંપૂર્ણ અનાસક્ત સ્વરૂપ! જુઓ તો ખરા આ શ્રીકૃષ્ણનું જીવન! વૃંદાવનમાં ગોપગોપીઓ સાથે એમની બાળલીલા અને જ્યારે વૃંદાવનથી મથુરા ગયા, ત્યાર પછી ક્યારેય વૃંદાવનમાં પાછા જ ન આવ્યા! ગોપગોપીઓ સાથે તેમનો ઘનિષ્ઠ સંબંધ હોવા છતાં પણ બધું છોડીને ચાલ્યા ગયા. પછી મથુરામાં પણ એવું જ અનાસક્ત વ્યક્તિત્વ એમનું રહ્યું. એમણે ક્યારેય રાજ્ય ન કર્યું. રાજારૂપે તેઓ ક્યારેય પ્રકાશ્યા નહિ! જેવી રીતે ઈશ્વર પોતાના સ્વરૂપને ઢાંકીને બધાંનું નિયંત્રણ કરે છે, તેવી જ રીતે શ્રીકૃષ્ણ પણ પોતાના વ્યક્તિત્વને છુપાવીને જ અહીં રાજ્ય કરે છે. પછી જયારે જરૂર ઊભી થઈ, ત્યારે મથુરાથી દ્વારકા ચાલ્યા ગયા અને પછી મથુરા તરફ પણ જરાય આસક્તિ રાખી નહિ. એમના સમયમાં યદુવંશનો જબરો વિસ્તાર-વિકાસ થયો, એનો પ્રભાવ પણ ફેલાયો, શક્તિ વધી, લખલૂટ સમૃદ્ધિયે થઈ અને છતાં જ્યારે સમય આવ્યો ત્યારે પોતાની નજર સામે જ એ બધાંનો નાશ પણ એમણે પોતે જ કર્યો! કુરુક્ષેત્રના યુદ્ધમાં શ્રીકૃષ્ણે શસ્ત્ર ધારણ કર્યું ન હતું, પોતે તે યુદ્ધ ન કર્યું પણ અર્જુનના સારથી રૂપે સલાહસૂચનો જ કર્યાં. તો ભગવાનનું આવું સ્વરૂપ છે – બધા આગળ એ પોતાને છુપાવીને રાખે છે અને છતાં બધાનું નિયંત્રણ પણ કરે છે! જેવી રીતે અંતર્યામી બધાના અંતરમાં છુપાઈને બધાનું નિયંત્રણ કરે છે, તેવી જ રીતે ભગવાન પણ છુપાઈને જ બધાનું નિયંત્રણ કરે છે. આમ, શ્રીકૃષ્ણના જીવનમાં આપણે એમનું ખાસ કરીને તદ્દન અસંગસ્વરૂપ જોઈ શકીએ છીએ. એમને કોઈ સ્થળ, કોઈ વ્યક્તિ, કોઈ પરિસ્થિતિ કે અન્ય કશાની સાથે જરા સરખી પણ આસક્તિ ન હતી. કામ તો એ ઘણાં બધાં કરે છે, પણ બધાં જ સાવ નિર્લેપભાવે જ! આ નિર્લેપતા જ કૃષ્ણજીવનની મુખ્ય વિશેષતા છે. કૃષ્ણાવતારમાં ભગવાને એ બતાવ્યું કે દરેક અવસ્થામાં માણસ કેટલો નિર્લેપ રહી શકે. જેમ રાજાજનક વિષે કહેવાયું છે ને કે “मिथिलायां प्रदग्धायां न मे दहति किंचन” – અર્થાત્, ‘આખી મિથિલા બળી જાય તોય મારું કશું બળતું નથી’ – એમ ભગવાનના સ્વજન સર્વ યાદવોનો-આખા યદુવંશનો-વિનાશ થઈ ગયો, છતાંય ભગવાન તો નિશ્ચિન્ત જ હતા! કુરુક્ષેત્રમાં ભગવાન અર્જુનને કહે છે કે નિર્લિપ્ત રહીને કામ કરો. ગીતાજીનો આ જ મુખ્ય ઉપદેશ છે. હું બધું ય કરું છું, છતાં કશું જ કરતા નથી. એવેા ભાવ રાખવો જોઈએ. આ દેશ-કાલ-વ્યક્તિ દરેક તરફની નિર્લેપતા ભગવાન શ્રીકૃષ્ણના જીવનની વિશેષતા છે.

શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીમાં કહ્યું છે: “कालोઽस्मि लोकक्षयकृत्प्रवृद्धः” અર્થાત્, “હું અત્યારે કાળસ્વરૂપ ધારણ કરેલો છું, આ રૂપે હું લોકોનો નાશ કરીશ.” આ બોલતી વખતે તેઓ કૃષ્ણરૂપમાં ન હતા. આ વખતે તો એ કાળસ્વરૂપ હતા. આ રૂપનો અર્જુનને પરિચય ન હતો. આ રૂપને જોઈને અર્જુનનું હૃદય થરથરવા લાગ્યું. શ્રીકૃષ્ણ કંઈ કેવળ મનોહરમુરલીવાદક જ નથી, સર્વસંહારક પણ એ જ છે. આવી-આવી તો શ્રીકૃષ્ણના જીવનમાં અનેક વિશેષતાઓ છે. શ્રીકૃષ્ણને અવતારને રૂપે માનીએ ત્યારે આ બધાની આપણને ખબર પડે.

શ્રીકૃષ્ણ તત્ત્વજ્ઞાની હતા. કુરુક્ષેત્રના રણમેદાનમાં અર્જુન આગળ એ જ્ઞાનનો પ્રકાશ કરે છે. સર્વધર્મોનો સાર, વેદોનું તત્ત્વ ભગવાન રણમેદાનમાં રજૂ કરે છે! સમરાંગણ એમના વ્યક્તિત્વને લેશમાત્ર પણ પ્રભાવિત કરી શકતું નથી! પોતાના ભગવત્સ્વરૂપમાં રહીને તો ભગવાન બધું જ કરી શકે, પણ અહીં તો મનુષ્ય શરીરમાં રહીને માનવને માટે અનુકરણયોગ્ય જીવન જીવે છે. અવતારની આ જ વિશેષતા છે.

ભગવાન અવતાર શા માટે લે છે! ભગવાનને અવતાર લેવાનું કારણ એ છે કે બધા માણસો તો કંઈ ઈશ્વરને સમજી શકતા નથી. એટલે અવતાર લઈને માનવદેહ ધારણ કરીને જો ઈશ્વર આવે, તો માણસો કંઈક સમજી શકે કે આ તો આપણામાંના જ એક છે. એટલે જો આપણે ધારીએ, આપણી મરજી થાય, તો આપણે પણ એનું થોડુંઘણું અનુકરણ કરી શકીએ.

ભગવાન રામચંદ્રને ‘મર્યાદાપુરુષોત્તમ’ કહેવામાં આવે છે. તેઓ મનુષ્યજીવનની પૂર્ણતા પ્રદર્શિત કરે છે. એટલે કે આદર્શ માનવજીવન કેવું હોવું જોઈએ, તે બતાવે છે. રામચન્દ્રજી ત્યાગ શું છે, તે બતાવે છે. પિતાના આદેશથી રાજપાટ છોડીને તેઓ વનમાં ગયા. પિતાની ઇચ્છા પૂર્ણ કરવા, પિતાનું સત્ય સાચવવા એમણે વનનો રસ્તો લીધો! પછી જ્યારે રાવણે સીતાજીનું હરણ કર્યું ત્યારે પતિના રૂપમાં પત્નીને છોડાવવાનું કર્તવ્ય પણ એમણે પણ બજાવ્યું – સીતાજીને મુક્ત કર્યાં. પછી એમને અયોધ્યામાં રાજ્ય કરવું પડયું અને પ્રજારંજન માટે સીતાત્યાગ કરવો પડ્યો. આ કપરું કામ પણ એમણે ‘રાજાનું કર્તવ્ય’ માનીને કર્યું. એમનું આખું જીવન યોગ્યતાના માપદંડે ચાલનારું જ હતું. હંમેશાં શું કરવું જોઈએ, ક્યા ક્ષેત્રમાં કેવો અભિગમ હોવો જોઈએ, એનો આદર્શ રામચંદ્રજી રજૂ કરે છે. આદર્શ પુત્ર, આદર્શ પતિ, આદર્શ ભાઈ, આદર્શ રાજા – આ એમના જીવનની વિશેષતા છે. માનવજીવનો પ્રવાહ કેમ ચાલે, જીવનમાં કર્તવ્યનિષ્ઠા કેવી હોય, આ બધું એમણે બતાવ્યું છે.

અવતારો ભલે જુદાંજુદાં રૂપો ધારણ કરીને આવે, પણ એમનું વ્યક્તિ તો એક જ હોય છે. ભગવાને ગીતામાં કહ્યું છે કે “મેં જ આ બધું બનાવ્યું છે.”

પછી જ્યારે આપણે કહીએ કે શ્રીરામકૃષ્ણદેવ પણ એક અવતાર છે, ત્યારે માણસોને એક શંકા થાય કે શ્રીરામકૃષ્ણદેવ તો અત્યારના માણસ છે, એ વળી અવતાર કેવી રીતે હોઈ શકે! અવતાર થવા માટે તો એમણે યુગો પહેલાં જન્મવું જોઈએ! અત્યારે તો અવતારની ધારા બંધ થઈ ગઈ. આ માટે ભગવાન ગીતામાં કહે છે:

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्॥

ભગવાન તો કેટલીયવાર જન્મ લે છે, આ અવતારની ધારા છે; એનો પ્રવાહ અટક્યો જ નથી, અને અટકશે પણ નહિ. જ્યાં સુધી આ સૃષ્ટિ ચાલતી રહેશે, ત્યાં સુધી અવતારની જરૂર પડશે. કારણ કે જયારે-જ્યારે ધર્મની ગ્લાનિ થશે ત્યારે-ત્યારે ભગવાને આવવું પડશે. રામરૂપે પણ એ જ કારણે આવ્યા અને કૃષ્ણરૂપે પણ એ જ કારણે આવ્યા. હજુ પણ કેટલાય અવતારો થશે. ભાગવતમાં કહ્યું છે કે ‘अवतारा ह्यसंख्याः’ અવતારો અસંખ્ય છે. કારણ કે કાળ અનંત છે અને અનંત કાળમાં ભગવાન પણ અનંત પ્રકારે અવતાર લે છે. એટલે શ્રીરામકૃષ્ણદેવને પણ અવતાર સમજવામાં આવે, એમાં નવાઈ નથી.

હવે શ્રીરામકૃષ્ણદેવ અવતારરૂપે આપણને શું શું બતાવી જાય છે, તે થોડું સમજી લેવું જોઈએ. એ ટૂંકમાં કહીશું, વિસ્તારથી નહિ.

શ્રીરામકૃષ્ણદેવ તો એકની એક વાત વારેવારે કહે છે કે હું ઈશ્વર સિવાય કશું જાણતો નથી, ઈશ્વરપ્રાપ્તિ જ જીવનનો એકમાત્ર ઉદ્દેશ છે, એમ તેઓ સમજે છે. બાળપણથી જ તેમની પ્રવૃત્તિ ઈશ્વર તરફ હતી. પછીથી એમણે સાધના શરુ કરી. સાધના કરીને એમણે દર્શાવ્યું કે કોઈ શાસ્ત્રના નિર્દેશ વગર, કોઈ ગુરુની સહાય વગર પણ ફક્ત મનની વ્યાકુળતાથી જ ઈશ્વરદર્શન કરી શકાય છે. તેમને જયારે મા ભવતારિણીનું પ્રથમ દર્શન થયું ત્યારે એમના જીવનચરિતમાંથી આપણને એ જાણવા મળે છે કે એ વખતે તો એમણે વિધિવત્ કોઈ સાધના પણ કરી ન હતી, કેવળ અંતરની વ્યાકુળતા જ હતી અને એ વ્યાકુળતાને લીધે એમનું મન એક ક્ષણભર પણ ભગવાનને છોડી ને રહી શકતું નહિ. જયારે મનની આવી સ્થિતિ થઈ ત્યારે માનાં દર્શન થયાં. પણ આટલી જ સાધના પર્યાપ્ત ન રહી. એમને એવો વિચાર આવ્યો કે અલગ અલગ પ્રકારના ધર્મસંપ્રદાયો છે, અલગ અલગ પ્રકારના ઈશ્વરપ્રાપ્તિના ઉપાયો જે છે, એ બધાને જાણવા જોઈએ. એટલે એમણે એક એક કરીને બધા ધર્મોની સાધના શરૂ કરી; વિધિપૂર્વક વિવિધ સાધનાઓ કરી. નિષ્ણાત વ્યક્તિઓ પાસેથી દીક્ષા લઈને એમની પ્રણાલીઓનું અનુસરણ કરીને એમણે સાધનાઓ કરી અને તેમાં સિદ્ધિ પ્રાપ્ત કરી. એ સિદ્ધિપ્રાપ્તિ પછી તેમણે કહ્યું: “મેં જોયું કે ધર્મના માર્ગ અલગ-અલગ છે, દરેક સંપ્રદાય એક-એક માર્ગ છે, પણ અંતે તો બધા માર્ગ એક જ સત્ય તરફ લઈ જાય છે. કંઈ મારે માટેનો ઈશ્વર એક અને બીજાને માટે બીજો નથી. આ બધા જુદાજુદા માર્ગો એક જ પરમેશ્વર પાસે લઈ જાય છે.” એમની આ વાતને આજે આપણે ‘સર્વધર્મસમન્વય’ને નામે ઓળખીએ છીએ. બધા ધર્મોનું અંતિમ લક્ષ્ય એક જ છે. આ તત્ત્વ તેમણે કોઈ શાસ્ત્ર દ્વારા જાણ્યું નથી; પણ જીવનની અભિન્નતા દ્વારા એમણે જાણેલું તત્ત્વ છે. આ તત્ત્વનો અનુભવ એમણે પોતાની સાધનાથી કર્યો અને કહ્યું: “જેટલા મત તેટલા પથ” જેટલા પંથો, સાધનાઓની જેટલી પદ્ધતિઓ છે, તે બધી ઈશ્વર તરફ લઈ જવામાં સમર્થ છે. આવી સાધનાની ખાસ જરૂર હતી, કારણ કે ધર્મસંપ્રદાયોમાં બહુ ચડસાચડસી ઉત્પન્ન થઈ ગઈ હતી; અને બધા પંથો એકબીજા સાથે લડવા લાગ્યા હતા. આવી પરિસ્થિતિમાં સર્વમતોની સાધના કરીને તેમણે બતાવ્યું કે જુઓ, આ બધા રસ્તા એક જ જગ્યાએ લઈ જાય છે. આની એ વખતે ખાસ જરૂર હતી અને આજે પણ એટલી જ જરૂર છે. તેમના જીવનની બીજી વિશેષતા હતી ત્યાગ, સર્વસ્વ ત્યાગ! કશી જ આસક્તિ નહિ! કશો સંપર્ક એમણે ન સ્વીકાર્યો. અને આમ છતાંય પોતે સંન્યાસી હોવા છતાંય પોતાનાં સાંસારિક કર્તવ્યોનો ક્યારેય અસ્વીકાર પણ ન કર્યો ! જન્મદાત્રી માતા તરફ તેમનો કર્તવ્યબોધ ખૂબ હતો. વૃંદાવનમાં જ્યારે એક ભક્તિમતી સંન્યાસિની ગંગામાઈ તેમની અંદર અગાધ ભગવત્પ્રેમ જોઈને મુગ્ધ થઈ ગઈ અને બોલી કે તમે અહીં જ રહી જાઓ, અહીં રહીને આપણે બંને સાથે સાધના કરીશું,’ ત્યારે શ્રીરામકૃષ્ણદેવ પણ એની ભક્તિથી પ્રભાવિત થઈ ઊઠ્યા અને એની વિનંતીનો સ્વીકાર એમણે કર્યો તો ખરો, પણ તેમને તરત જ યાદ આવ્યું કે કલકત્તા નજીક દક્ષિણેશ્વરમાં તેમનાં જનની રહે છે, અને તેમના પ્રત્યે પણ તેમનું કર્તવ્ય છે! બસ, ગંગામાઈને છોડીને તેઓ દક્ષિણેશ્વર જતા રહ્યા! અને માતા પ્રત્યેની ફરજ તેમણે છેવટે સુધી બજાવી – માતા જીવતાં રહ્યાં ત્યાં સુધી બજાવી.

પોતાની પત્ની તરફ એમનું ફરજપાલન પણ જુઓ. મા શારદાદેવી સાથેનો શ્રીરામકૃષ્ણદેવનો સંબંધ કંઈ સાધારણ પતિ-પત્નીના સંબંધ જેવો ન હતો, એ તો આપ બધા જાણો જ છો – પણ મા શારદાદેવી જ્યારે પોતાના જન્મસ્થાનથી પતિની સેવા કરવા શ્રીરામકૃષ્ણદેવ પાસે દક્ષિણેશ્વર આવી રહ્યા હતાં ત્યારે રસ્તામાં બીમાર પડી ગયાં. જ્યારે તેઓ દક્ષિણેશ્વર પહોંચ્યાં ત્યારે શ્રીરામકૃષ્ણદેવે તેમને પોતાના ઓરડામાં રહેવાની જગ્યા કરી આપી અને તેમની સેવાચાકરીની વ્યવસ્થા કરી. એમણે ક્યારેય એમ ન કહ્યું કે “હું તો સંન્યાસી છું. પત્નીનું અહીં શું કામ છે!’ છતાં એમની સાથે માયિક સંબંધ તો નહોતો જ. પોતાની ધર્મપ્રચારની પ્રવૃત્તિ માટે એમણે મા શારદાને તૈયાર કર્યાં. એમના જીવનકાળમાં અને એમના દેહાન્ત પછી પણ માતાજી એમનું આ કામ ચાલુ રાખે એ માટે તેમણે માતાજીને તૈયાર કર્યાં. પોતાની સાધનાશક્તિ માતાજીને આપીને તેમની અંદરની માતૃશક્તિ જાગૃત કરી. તેમના દેહાન્ત પછી માતાજી ‘સંધજનનીરૂપે જયાં સુધી જીવ્યાં ત્યાં સુધી પોતાનું કર્તવ્ય બજાવતાં રહ્યાં હતાં.

આ યુગમાં આવા વિશિષ્ટ દૃષ્ટાંતની આવશ્યકતા હતી અને આવું દૃષ્ટાંત બતાવીને તેમણે પોતાનું અવતારસ્વરૂપ સાબિત કર્યું. આપણે શ્રીરામકૃષ્ણ ને ઈશ્વરાવતારરૂપે ન માનીએ તો પણ તેમને જેટલા બને તેટલા વધુ આદર્શ પુરુષ તો માનવા જ રહ્યા ! અવતારને એના પરિપૂર્ણરૂપમાં તો આપણે ક્યારેય સમજતા હોતા નથી. ઈશ્વર જેટલા આપણી બુદ્ધિથી પર છે, તેટલા જ અવતાર પણ આપણી બુદ્ધિથી પર છે પણ એનું મનુષ્યરૂપ તો થોડુંક સમજી શકાય છે. એટલા જ માટે અવતારરૂપે ઈશ્વરના આગમનની આવશ્યકતા છે.

એટલે, “જે રામ હતા, જે કૃષ્ણ હતા, તે જ આ વખતે રામકૃષ્ણ છે” – આ વચનોનું તાત્પર્ય આપણે એવું સમજવું જોઈએ કે જે ભગવાન જગતમાં સર્વધર્મસમભાવને પ્રબળ બનાવવા, જગતને અધર્મથી ઉગારવા અવતાર લે છે, જેમણે રામચંદ્રરૂપે અવતાર લીધો છે, શ્રીકૃષ્ણરૂપે અવતાર લીધો છે, તેમણે જ શ્રીરામકૃષ્ણરૂપે અવતાર લીધો છે. આ રીતે તાત્ત્વિક દૃષ્ટિએ સમજવું પડશે.

બ્રહ્મદૃષ્ટિથી તો બ્રહ્મ નિષ્ક્રિય છે એ બ્રહ્મ જ્યારે સક્રિય થાય છે, ત્યારે એને ‘ઈશ્વર’ કહેવામાં આવે છે અને એ ઈશ્વરનો જ અવતાર થાય છે એવું સમજવું જોઈએ. શ્રીરામકૃષ્ણદેવની પોતાની જ ઉક્તિ છે : “જે રામ હતા, જે કૃષ્ણ હતા તે જ આ વખતે રામકૃષ્ણ છે.” એને ઉપર બતાવ્યા પ્રમાણે સમજવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ અને તો જ તેમની વાણીની સાર્થકતા આપણે સમજી શકીશું. એમની કૃપાના પ્રતાપે આપણી બુદ્ધિ ધીરેધીરે શુદ્ધ થતી જશે અને એ કૃપાના બળે જ એમના જીવનનો જે જગત્ – કલ્યાણનો – માનવકલ્યાણનો ઉદ્દેશ હતો, તેવો આપણામાં પણ થોડો-થોડો થતો જશે એમ આપણે માની શકીએ. એમના આશીર્વાદો સૌ પર ઊતરો!

Total Views: 68
By Published On: February 1, 1993Categories: Bhuteshananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram