આઈન્સ્ટાઈનના ગુરુ અર્ન્સ્ટમેકે, એને વૈજ્ઞાનિક સંશોધનમાં મન, ચેતના, લાગણીઓ વગેરેને લક્ષમાં ન લેવાનું કહ્યું હતું. એ વખતે તો વિજ્ઞાન વિષયલક્ષી જ હતું. વિષયી તો વિષયોની બહારનો જ હતો. પરન્તુ, ક્વાન્ટમ વિજ્ઞાનનાં નવાં સંશોધનોએ આ જૂની વિચારધારાને ધર-મૂળથી બદલી નાખી. ૧૯૨૭માં શોધાયેલા હેસનબર્ગના ‘અનિશ્ચિતતાના સિદ્ધાંતે’ ચોખ્ખું દર્શાવી આપ્યું કે પરમાણુઘટકોના વિશ્વમાં વિજ્ઞાનીઓનું મન જ ઓતપ્રોત થઈને પરમાણુધટકો પર અસર કરે છે અને અનિવાર્ય રીતે છેવટનાં સંશોધનોનો નિર્ણય પણ કરે છે.

૧૯૩૨ના જાન્યુઆરીની ૨૫મી તારીખે ‘ઓબ્ઝર્વર’માં મેક્સ પ્લેંકની જે. ડબ્લ્યુ. એને સેલીવાને લીધેલી મુલાકાત છપાઈ છે. બૅંકને પૂછવામાં આવ્યું: “તમે ભૌતિકતા અને નિયમિતતાની પરિભાષામાં ચેતનાને સમજાવી શકો ખરા?” પ્લેંકે કહ્યું: “ના, હું ચેતનાને એક મૂળભૂત તત્ત્વ લેખું છું; અને ભૌતિક પદાર્થો એમાંથી નીપજ્યા છે, એમ માનું છું. ચેતનાથી ૫૨ આ૫ણે જઈ શકતા નથી. આપણે જે કાંઈ બોલીએ કે માનીએ, તેની પાછળ ચેતના જ હસ્તી ધરાવે છે.” આ મંતવ્ય સાથે નોબેલ વિજેતા વુલ્ફગેંગ પાઉલી જેવા અનેક ભૌતિકવિજ્ઞાનીઓ પણ સહમતિ ધરાવે છે.

આમ છતાં, જીવશાસ્ત્રીઓ અને શરીરશાસ્ત્રીઓની દુનિયામાં હજી સુધી મનને યાંત્રિક અને વિષયગત રૂપમાં જ ગણવામાં આવે છે. ન્યુટોનિયન વિજ્ઞાને સાબિત કર્યું કે બાહ્ય વિશ્વ એક યંત્રની પેઠે ગતિ કરે છે અને ગતિના નિયમોનું પણ અનિવાર્ય રીતે પાલન કરે છે. એટલે બધા જ પદાર્થોની યાંત્રિક નિયમો દ્વારા સમજૂતી આપી શકાય. આમ હોવાથી બધા પેઠે મન પણ યાંત્રિક શોધખોળનો જ વિષય ગણી શકાય.

પરન્તુ, વીસમી સદીના મધ્યભાગ પછી આ વિષે અનેક ગંભીર પ્રશ્નો ઊભા થવા લાગ્યા કે મનને શું માત્ર યંત્ર જ માની લેવું? સુવિખ્યાત વિજ્ઞાની-ચિંતક ડબલ્યુ. રસેલ બ્રેઈને પોતાના “Future of Darvinism”માં લખ્યું છે: “ગમે તેમ પણ પહેલાં મન અને ચેતનાના સ્વાયત્ત શાસનનો સ્વીકાર તો થવો જ જોઈએ. એ જો સ્વાયત્ત થશે, તો અન્યાન્ય ક્ષેત્રોના અનુભવમાં પણ લાગુ પાડી શકાય, એવી નવી વિભાવનાઓના વિકાસમાં એ ઘણાં મદદગાર નીવડે. ડાર્વિન તો જીવવિજ્ઞાનનો માત્ર ન્યૂટન જ હતો. જીવવિજ્ઞાનનો આઈન્સ્ટાઈન જન્મવો તો હજુ બાકી છે!”

દવાઓ દ્વારા મનને પૂર્ણ રીતે કાબૂમાં લાવવાનાં સ્વપ્નો સેવતા કેટલાક માનસચિકિત્સકોમાં પણ મનની યાંત્રિકતાનો જ ખ્યાલ હજુ રહ્યો છે. ‘ટાઈમ’ના ૨ એપ્રિલ, ૧૯૭૯ના અંકમાં એક ટિપ્પણમાં લખ્યું છે કે, “બહુ બહુ તો આવી દવાઓ મનમાં એની પ્રવર્તમાન હતાશાઓ ખંખેરીને એમાં ઊંચી આશાઓ ભરી દેવાની ચિકિત્સા સામગ્રી પૂરી પાડી શકે.” પરંતુ એવી દવાથી સર્જાતો મનોવિક્ષોભ છેવટે સંપૂર્ણ હતાશા તરફ દોરી જાય છે, અને આજે આખી દુનિયામાં આ દવાનાં વ્યસનો ફૂલ્યાંફાલ્યાં છે. ઔષધમનોવિજ્ઞાનની નિષ્ફળતા નિહાળીને હવે મનોનિરૂપણના નવા માર્ગોની શોધ શરૂ થઈ છે. E. F. Schumucherનું એક પુસ્તક ‘A Guide for the perplexed of a yoga of new consciousness’ નામનું છે. તે – આધુનિક વિજ્ઞાનીઓને તેમની ભીતર રહેલા ‘ખુદ વિજ્ઞાની’નું જ્ઞાન મેળવવા – ‘સ્વયં’નું જ્ઞાન મેળવવા ચેતનાનો નવો યોગ સાધવા માટે – મદદ કરી શકે તેમ છે.

“મસ્તિષ્ક જ મન છે અને મન મસ્તિષ્કમાં જ રહેલું છે” – આ ધારણા ઉપર જ મન-મસ્તિષ્ક-ચેતનાની યાંત્રિકતાનો ખ્યાલ ખડો થયો છે. આવા યાંત્રિક ખ્યાલનો એક પુરસ્કર્તા ડી. એમ. આમ્સ્ટ્રોંગ કહેતો કે આ યાંત્રિકતાના વિચારને કારણે જ આપણે ભૌતિક અને યાંત્રિક પરિભાષામાં માનવનું નિરૂપણ કરી શકીએ!

પરન્તુ, હવે આજે આ ધારણા વૈજ્ઞાનિક પદ્ધતિએ જ સાવ વજૂદ વગરની બની ચૂકી છે. જ્હૉન સી. ઍક્લૅસ, વાઈલ્ડર પેનફિલ્ડ, આર. ડબ્લ્યુ. સે૫રી અને કાર્લ એચ. પ્રિબ્રામ જેવા અસંખ્ય સુવિખ્યાત ચેતોભૌતિકવિજ્ઞાનીઓએ મસ્તિષ્ક ઉપર સફળ પ્રયોગો કરીને મન અને મસ્તિષ્કની એકરૂપતાનો અસ્વીકાર કરી દીધો છે.

વિષયથી અલગ રહીને વિષયોનું તેમજ પોતાનું ભાન હોવું, એને ચેતના કહેવાય. આપણી સામાન્ય ચેતનાની સાથે ચેતનાની કેટલીક આગંતુક અવસ્થાઓ પણ સંકળાયેલી હોય છે. આવી અવસ્થાઓ વ્યક્તિઓમાં દવાઓ, સંમોહનવિદ્યા, વાસનાઓ, નિદ્રા, ધાર્મિક ક્રિયાકાંડો અને આધ્યાત્મિક સાધના વગેરે દ્વારા આવે છે વોટ્સન અને સ્કીનર જેવા વર્તનવાદીઓએ મનને ઉવેખીને વ્યક્તિના બાહ્ય દૃશ્ય વર્તનમાં જ મનોવિજ્ઞાનની સીમા બાંધી. આવા ખ્યાલે એમણે એક નવી જ ભૌતિકવાદી વિચારધારાને જન્મ આપ્યો કે મન એ મસ્તિષ્કમાં જ રહેલ કોઈક પદાર્થ છે. આ વિચારધારાને અન્વયે પાછળથી ૧૯૪૦માં વેબરે ડાબું-જમણું એવા ભાગ પાડયા. અને ૧૯૭૦માં એ બન્નેના જોડાણનું અધ્યયન પણ કર્યું. એ વિજ્ઞાનીઓએ એવું પણ કરાવ્યું કે જમણું મસ્તિષ્ક વધારે વૈશ્વિક અને ઊંડી સમજ ધરાવે છે, જયારે ડાબું મસ્તિષ્ક તરતની સંવેદનાઓને ભેગી કરવાનું અને એને ગોઠવવાનું કામ કરે છે.

પરન્તુ, આટલેથી જ મસ્તિષ્કની શોધનું પૂર્ણવિરામ મૂકાઈ ગયું નથી. નૉબેલ પારિતોષિક વિજેતા ડૉ. જ્યૉર્જ વાલ્ડે દિલ્હીની NCERT દ્વારા ૧૯૮૭ના ફેબ્રુઆરીમાં યોજાયેલા પરિસંવાદમાં “મન, મસ્તિષ્ક અને ચેતના” વિશે પોતાનું વાચનપત્ર રજૂ કર્યું. એમાં એણે એ વિષયમાં વૈજ્ઞાનિકોનાં છેલ્લાંમાં છેલ્લાં વલણો અને તારણો દર્શાવ્યાં છે. એમાં એણે વાઈલ્ડર પેનફિલ્ડ નામના મહાન કેનેડિયન ન્યુરોસર્જન સાથેની પોતાની મુલાકાત વર્ણવી છે. ‘મસ્તિષ્કમાં સભાનતા છે, એવું તમે શાથી માનો છો?’ એવું પૂછવામાં આવતાં પેનફિલ્ડે હસીને કહ્યું હતું કે “સભાનતા જો કે બધાં જ વિજ્ઞાનો માટે અનિવાર્ય શરત છે. છતાં વિજ્ઞાન એને પામી શક્યું નથી. આ સભાનતા-ચેતના પોતે વિજ્ઞાનની રમણભૂમિ લેખાતા સ્થળકાળના ક્ષેત્રની બહાર છે. આવી અનુભૂતિ અનોખાં પરિણામો સર્જે છે કે ચેતના ક્યાંય અધિષ્ઠિત નથી, પણ ચેતનામાં જ બધું અધિષ્ઠિત છે.”

આમ હોવાથી બધાં જ વિજ્ઞાનો માટે હજુ પણ આ મન-સભાનતા-નો કોયડો અણઉકેલ જ રહ્યો છે. એના ઉકેલ માટે એની હાજરી કે ગેરહાજરીને જાણવા માટે વિજ્ઞાન પાસે કોઈ માર્ગ રહ્યો નથી.

વીસમી સદીના હેસનબર્ગ, શ્રોડિંજર, આઈન્સ્ટાઈન વગેરે જેવા મહાન વૈજ્ઞાનિકોની પેઠે જ વાલ્ડ પણ અંત:સ્ફુરણાથી જડતત્ત્વ કરતાં મનની પ્રાથમિકતા અત્યંત સૂક્ષ્મ દ્રવ્ય છે એમ માને છે. વાચનપત્રમાં એમણે જણાવ્યા પ્રમાણે તેમને લાગ્યું કે વિશ્વની સંજીવનીશક્તિ અને માનવીય સંવિત એ બન્ને અગમ્ય કક્ષાનાં અને અધિષ્ઠાન વગરનાં છે. તો આ બન્નેને એકરૂપતા આપી શકાય ખરી કે? પણ આવો વિચાર આવતાં જ તેમને અનુભૂતિ થઈ કે આ બાબતમાં તેઓ એકલા નથી! તેમને પ્રાચીનતમ ભારતીય તત્ત્વજ્ઞાનનો સુંદર સથવારો છે, એટલું જ નહિ, પણ કેટલાક આધુનિકતમ પ્રવર્તમાન ભૌતિકશાસ્ત્રીઓનાં લખાણોમાં પણ સબળ અને સ્પષ્ટરૂપે આની વાત થઈ છે. પોતાના આ વિચારના અને સમજના પ્રમાણ રૂપે વાલ્ડે વોન વે મેકર, (૧૯૭૧), વુલ્ફગેંગ પાઉલ (૧૯૮૬) જેવા અનેક સુવિખ્યાત ભૌતિકશાસ્ત્રીઓનાં અવતરણો, એ વાચનપત્રમાં ટાંકયાં છે. અને તારવ્યું છે કે જડ અને ચિત્ (મન) એક જ સત્તાનાં પરસ્પર પૂરક અંગો છે.

પરન્તુ, જીવશાસ્ત્રીઓને અનેક મથામણો કર્યા છતાં આ ‘ચિત્’ તત્ત્વ મૂંઝવે છે. જો વિશ્વના સત્ત્વ તરીકે ‘ચિત્’ તત્ત્વ માની જ લઈએ તો તો એ ‘જ્ઞેય’, ભૌતિકશાસ્ત્રની બહારનું થઈ ગયું! અને જો એને ક્વાન્ટમ મિકેનીક્સ્, ક્વાન્ટમ ઈલેક્ટ્રોડાઈનેમિક્સ અને ક્વાન્ટમ ક્ષેત્રના સિદ્ધાન્ત દ્વારા અભિવ્યક્ત થતું માનીએ તો એ ભૌતિકવિજ્ઞાનની ભાષામાં નિરૂપિત હોવા છતાંય એ બધું ‘મનસ્તત્ત્વ’ સિવાય બીજું શું છે ભલા? અને એ રહસ્યમય ચિત્તના નિરૂપણ માટે તર્ક તો કામ જ આવતો નથી!

અને જો આ બધું મનસ્તત્ત્વ જ હોય, તો આપણે જે સ્થળ, કાળ, અણુઓ અને શક્તિથી ભરેલ જગતને જોઈએ છીએ તે બધું મનનું જ અવતરણ થયું કહેવાય ! ઉપાદાનભૂત મનનું જ ભૌતિકીકરણ થયું કહેવાય. આ દૃષ્ટિએ મનના ઉગમની રાહ જોવી યોગ્ય નથી, કારણ કે એ તો એમાં પહેલેથી છે જ. ખરી રાહ જોવાની હોય તો તે જીવનવિકાસની ચરમસીમાની છે; આત્મભાનથી પોતાની ચેતનાને સ્પષ્ટતર કરતા જતા સજીવોની, સામાજિક્તા-કલા-સંસ્કૃતિ-વિજ્ઞાનથી ભર્યા ભર્યા સજીવોની જ રાહ જોવી ઘટે!

આજે ઘણા સંપ્રદાયના વૈજ્ઞાનિકો શરીરના થતા સતત વિકાસની સમાન્તરે જ અલગ-સ્વતંત્ર-નિરપેક્ષ રીતે થતા ચિત્તના વિકાસના અભ્યાસમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. એટલે વિશ્વવિકાસમાં એક અનુસ્થૂત તત્ત્વ તરીકે મનોવિકાસને માન્યતા તો અપાઈ ચૂકી છે. બેંગલોરના પ્રસિદ્ધ મનોદેહજ્ઞ ડૉ. દેસી રાજુના મત પ્રમાણે આ સદીના મધ્યભાગેથી હવે ચેત:શરીરવિજ્ઞાનમાં મસ્તિષ્ક અને ચેતનાના પરસ્પર સંબંધના સ્વરૂપની શોધ કરવાની મોટી સમસ્યા ઉકેલવાનો ચર્ચારસ અને કલ્પનાઓ જાગી પડયાં છે. માનવના મસ્તિષ્કનું કવચ, એના સંબંધિત વિસ્તારથી અતિવિશાળતાને કારણે તેમજ અનેક સંસ્કારો, સ્મૃતિવ્યવસ્થા અને સંયોજનને કારણે અનન્ય છે. માનવચેતનાની અતિવિકસિત બધી બાબતો આ અનન્ય અને વિશાલ ફલકની દેણગી છે.

પણ અહીં પ્રશ્ન એ થાય છે કે જૈવિકશાસ્ત્ર પ્રમાણે તો પહેલાં વનસ્પતિ, પછી પ્રાણીઓ અને પછી ઉચ્ચતર ચેતનાવાળા જીવો અને છેવટે ઉચ્ચતમ પ્રતિભાસંપન્ન આઈન્સ્ટાઈન, શંકરાચાર્ય આદિ મહામાનવોનો ક્રમે-ક્રમે ઉદ્ભવ થયો. તો એ વિકાસક્રમ સાથે આપણા પૂર્વજોની પ્રાથમિક વિકાસદશામાં બુદ્ધ કે લિયોનાર્દ દ વિન્સીના ઉદ્દભવનો મેળ કેમ બેસાડી શકાશે?

એટલા માટે રોગર સેપ્રી જેવા વૈજ્ઞાનિકે તો મન શરીરની સરજત એ વાતને જ રૂખસદ આપી અને ઊલટું ઠરાવ્યું કે પહેલાં મનની ઉત્ક્રાંતિને કારણે જ ઉચ્ચતર મસ્તિષ્કનું સંચાલન થાય છે. મનના ભૌતિકીકરણનો કોઈપણ પ્રયત્ન અથવા તો મનની ભૌતિક પરિભાષામાં સમજૂતી આપવી એ આજના ભૌતિકવાદી વિજ્ઞાન માટે અતિ મુશ્કેલ સમસ્યા છે. મસ્તિષ્કવિદ્ સર ચાર્લ્સ શેરીંગ્ટન પોતાના “Introductory to the physical Bases of mind”માં લખે છે કે ભલે આજે મનના ભૌતિક પાયાના જ્ઞાનની ભરતી ચડી છે. પણ વિચારો, સ્મૃતિ, લાગણીઓ અને તર્ક વગેરે અર્થ ધરાવતા મનને ભૌતિક પદાર્થોના વર્ગમાં મૂકવું મુશ્કેલ છે. શરીરશાસ્ત્ર પ્રાકૃતિક વિજ્ઞાન હોઈને ભૌતિકતાને બહાર જોવાનું ટાળે છે. અને આમ મનના ભૌતિક પાયાનું અધ્યયન ત્રિશંકુની નિષ્ફળતા અનુભવે છે.

મસ્તિષ્કની શસ્ત્રક્રિયા કરાવતા પોતાના દર્દીઓ પર ઘણા-ઘણા પ્રયોગો કરનાર વાઈલ્ડર પેનફ્રિલ્ડે પોતાના ગુરુ ચાર્લ્સ શેરીંગ્ટનનો હવાલો આપીને કહ્યું કે શેરીંગ્ટન છેવટે એટલું જ કહી શકયા કે મન અને મસ્તિષ્કનો સંબંધ હજુ અજ્ઞાત છે. એટલું જ નહીં પણ હજુ તો એના પ્રારંભના પાયાનું પણ કશું ઠેકાણું નથી. મન મસ્તિષ્કમાં અધિષ્ઠિત નથી પણ સ્વતંત્ર હસ્તી ધરાવે છે. એવા પોતાનાં સંશોધનને આધારે પેનફિલ્ડે દર્દીના મસ્તિષ્કની શસ્ત્રક્રિયા દરમિયાન જ જણાવી દીધું કે આમ એકાકી અને આકરી રીતે પરિસ્થિતિમાંથી પસાર થતું દર્દીનું મન જ્ઞાનતંતુઓની પ્રતિસંધિત ક્રિયા કરતાં તદ્ન જુદું જ છે. જેમ કોઈ ગણનયોજક પોતાના કલનતંત્રથી સ્વતંત્ર રહીને જ કાર્ય કરે છે તેવું કંઈક આ છે. પછી ભલેને લનયંત્રનો ગમે તેટલો સહારો લેવો પડતો હોય!

ભૌતિક અને દૈહિક મસ્તિષ્ક ઉપર ચેતનાના કાર્ય ઉપર ખૂબ મહત્ત્વનું પ્રદાન બ્રિટનના ચેતાવિશારદ અને તદ્વિષયક સંશોધન માટે ૧૯૬૨નું નૉબેલ ઈનામ મેળવનાર જ્હૉન ઍકલૅસે કર્યું છે. ઍકલૅસે હમણાં જ જાહેર કર્યું કે મસ્તિષ્કના ક્યા નિશ્ચિત સ્થાનમાં જડ અને ચેતનની આંતરપ્રક્રિયા થાય છે તે પણ તેઓ સ્પષ્ટતાથી બતાવી શકે છે. મસ્તિષ્કના આ નિશ્ચિત ક્ષેત્રને ઍકલૅસ Supplementary Motor area (SMA) કહે છે. આ SMAની શોધ તો વાઈલ્ડર પેનફિલ્ડે ૧૯૩૦માં કરી હતી.

તો આ SMA કેવી રીતે કામ કરે છે તે જોઈએ: મસ્તિષ્કવિશારદ રોબર્ટ પોર્ટર અને કોબુલ બ્રિંકમેને શસ્ત્રક્રિયા દ્વારા કેટલાક વાંદરાઓના SMA ક્ષેત્રમાં માઈક્રો ઇલેકટ્રોડ (સૂક્ષ્મ વિદ્યુતધ્રુવો) રોપ્યા. ખોરાક મેળવવા માટે છાબડું ઉંચકવાનું તે વાનરોને શિખવવામાં આવ્યું. પણ એવું જણાયું કે વાનરો છાબડું ઉંચકે તે પહેલાં સેકંડના દસમાં ભાગમાં તેમના મસ્તિષ્કે પોતાનું કામ શરૂ કરી દીધું અને SMA ક્ષેત્રના કોશો Motor-ચાલક જ્ઞાનતંતુઓને કાર્ય કરવા ઉત્તેજીત કરવા લાગ્યા! SMAમાં પહેલાં ચેતના સ્ફૂરી અને પછી શરીર કામ કરવા લાગ્યું. આને readiness potential કહેવાય છે. કોઈપણ સ્વૈચ્છિક હલનચલનના પહેલાં એક સેકંડે બધા માનવ પ્રાણીઓના મસ્તિષ્કમાં પણ આમ જ થાય છે, એની આવી ખાતરી મળી. ઍક્લૅસે વધુમાં કહ્યું કે SMAમાં કે મસ્તિષ્કમાં બીજે ક્યાંય થતો આ ઉદ્ગમ તેમાં રહેલ કોઈ અન્ય કોશની ઉદ્દીપકતા કે બીજા કોઈ કારણે નહિ, પણ કાર્ય કરવાનો મનનો ઈરાદો જ અવશ્ય જ્ઞાનકોશને કાર્ય કરવા ધકેલે છે. ઍકલૅસની માન્યતા પ્રમાણે મસ્તિષ્કના આ SMA ક્ષેત્રમાં અભૌતિક મન ૫૦ મિલિયન ચેતાકોશો દ્વારા વિહરે છે. આ અભૌતિક મન આપણા ભૌતિક મસ્તિષ્કમાં ગર્ભવિકાસ દરમિયાન પ્રવેશ્યું અને આપણા ભૌતિક દેહ અને ભૌતિક મસ્તિષ્કના નાશ પછી પણ ટકી રહે છે. એ સ્વીકાર્ય બને છે. આ સંશોધનોથી એક મસ્તિષ્કની સમગ્ર ભૌતિક સંકુલતાની પાછળનું પ્રેરક તત્ત્વ ચેતના જ છે એવી ફંક્શનાલીઝમ એટલે વિચારધારા શરૂ થઈ. આ વિચારધારા પ્રમાણે ચેતના જ મસ્તિષ્કનાં કાર્યોનું ખરું પ્રેરક તત્ત્વ છે. એ દેહથી પર રહીને દેહ દ્વારા કાર્ય કરીને દેહને નિયમમાં રાખે છે. ડેનપેટ અને ડગ્લાસ હૉફસ્ટેટર જેવા વિજ્ઞાનીઓએ આ વાતને ટેકો આપ્યો છે. છેલ્લાં સંશોધનો ચેતના અને જડ પદાર્થો વચ્ચેની સ્પષ્ટ ભેદરેખાના અભાવે એક જ તત્ત્વનો બંનેને વ્યસ્ત અને અવ્યક્ત સ્વરૂપ માનવા તરફ વળ્યાં છે.

૧૯૬૭ના NCERT દિલ્હીના પરિસંવાદમાં મોકલેલા એક વાચનપત્રમાં ડૉ. અશોકકુમાર મુખોપાધ્યાયે પોતાના અભ્યાસના પરિપાક રૂપે માનવની વિવિધ પ્રવૃત્તિઓ માટે મસ્તિષ્કના ત્રણ પ્રકારનાં કાર્યો ચર્ચ્યાં છે. તેઓ કહે છે કે, લાખો વરસોમાં લાખો તબક્કામાં પસાર થઈને માનવજાતનો વિકાસ થયો છે. જીવદ્રવ્ય ઉત્તરોત્તર ચૈતન્યવિકાસ કરતું-કરતું યાંત્રિક મસ્તિષ્કમૂલક ચેતનામાંથી મનોમૂલક સહજ પરક ચેતનામાંથી મૂલ્યપરક નીતિમય ઉચ્ચતર ચેતના સ્વરૂપે ધીરેધીરે વિકસ્યું છે અને હવે આજે આધુનિક જીવવિજ્ઞાનીઓ ચોથા ઉચ્ચતમ પરિમાણની – વૈશ્વિક ચેતનાની – અતિમનસૂની શોધમાં પડ્યા છે. માનવીય આત્મચેતનાના લાખો વરસના લાખો તબક્કાવાળી આ ઇતિહાસ પ્રક્રિયામાં આજે હવે યોગ મનોવિજ્ઞાન દ્વારા ચોથા પરિમાણની સફળ શોધ થઈ છે. બુદ્ધ, જીસસ અને રામકૃષ્ણ જેવા ધુરંધરોએ આ વૈશ્વિક ચૈતન્યવિકાસ પ્રત્યક્ષ કરી બતાવ્યો છે.

બેલના પ્રમેયે વિશ્વનું બહુપરિમાણત્વ તેમજ વિશ્વના પ્રત્યેક ભાગને બીજા બધા ભાગો સાથેના ગાઢ આંતરસંબંધને સિદ્ધ કર્યા છે. બેલના આ પ્રમેયને બોહ્મે પુરસ્કારીને ડેવીડ બોહ્મે આ આંતરસંબંધ ચેતનાની ઘટનાઓ પર પ્રકાશ ફેંકે છે એમ માન્યું. સ્વપ્નમાં પણ ક્યારેક માણસ અન્ય માણસના અનુભવને પોતાના અનુભવની પેઠે જુએ છે. સી.જી. એ સમષ્ટિ મનને archetypal experience કહે છે અને સાંખ્યશાસ્ત્ર એને ‘મહત્’ તરીકે ઓળખે છે.

હવે જો બોહ્મના પ્રમેય પ્રમાણે વિશ્વ આમ આંતરસંબંધવાળું હોય તો એમ હેલબૉટ સાચો ઠરે છે કે દરેક માનવવ્યક્તિની મસ્તિષ્ક ક્રિયા, અન્ય માનવવ્યક્તિની મસ્તિષ્ક ક્રિયામાં પરસ્પર વણાય છે અને એ રીતે એક “સમષ્ટિ મસ્તિષ્ક કે સમષ્ટિ બુદ્ધિ મહત્” રચાય છે. આજનું વિજ્ઞાન એને anthropic principle કહે છે. ૧૯૮૩માં ફૅડ હૉઈલે ઠરાવ્યું કે આ અનાદિ વૈશ્વિક બુદ્ધિ તત્ત્વે જ વિશ્વ રચ્યું છે અને એ જ માત્ર એક ગાણિતિક પુરાવો છે અને આ વિશ્વ મનને વેદાન્ત વિશ્વચેતના કહે છે.

કાર્લ પ્રિબ્રામ નામે મસ્તિષ્કચિકિત્સકે સર્વપ્રથમ મસ્તિષ્કની રહસ્યમય સર્વત્ર આકલનીયતા શોધી. એને ‘Holograph’ કહે છે. એના પછી ડૅનિસ ગેબરે એ વિષયનું નૉબેલ પારિતોષિક મેળવ્યું. પ્રાણીઓના મસ્તિષ્ક પર પ્રયોગો કરીને પ્રિબ્રામે શોધ્યું કે મસ્તિષ્કના ઘણા ભાગો નષ્ટ થયા પછી પણ મસ્તિષ્કના બાકી રહેલ નાનામાં નાના કોષાણુમાં પણ સમગ્ર મસ્તિષ્કની ઉદ્દીપકતા અને સમગ્ર સ્મૃતિઓ ભલે અસ્પષ્ટ રૂપે પણ અવશ્ય રહેલી હોય છે જ. એટલે મગજનો દરેકેદરેક કોષાણું પણ એક સૂક્ષ્માકાર મસ્તિષ્ક જ છે.

પ્રિબ્રામે દર્શાવેલા મસ્તિષ્કના આ Holographic નમૂનાએ વૈજ્ઞાનિકોમાં ભારે ઉહાપોહ મચાવ્યો કે તો પછી આ Hologramને જોનાર એ યંત્ર દ્વારા નિરખનાર વળી ક્યું ભૂત છે? Hologram ને ચલાવનાર અને સમજૂતી મેળવનાર કોણ છે? એ માટે પ્રિબ્રામે ચેતનાની સ્વત: સિદ્ધતા પરાનિર્ણયાત્મકતાની સંકલ્પના આપી.

ધી એસોસિયેશન ઑફ હ્યુમેનેસ્ટીક સાઈકોલૉજી દ્વારા આયોજીત પાંચ નૉબેલ પ્રવચનોના એક વિશિષ્ટ પરિસંવાદમાં ચેતના સંબંધી પોતાના વિચારો દર્શાવતાં પ્રિબ્રામે વિવિધ વિજ્ઞાનશાખાઓના અનેક સુનિષ્ણાતો સમક્ષ પોતાના આ holographic universeના વિચારો મૂક્યા. ૧૯૭૭માં કેનેડિયન બ્રૉડકાસ્ટીંગ કૉર્પોરેશન દ્વારા દસ્તાવેજી ફિલ્મ દ્વારા એ વિશ્વભરમાં રજૂ થયા અને એને ભારે આવકાર મળ્યો. પ્રિબ્રામ કબૂલે છે કે વૈશ્વિક સત્તાનો આ Holographic ખ્યાલ દુનિયાને પૂર્વના તત્ત્વજ્ઞોએ આપ્યો છે. “પશ્ચિમ જો પૂર્વની એ દેનને નહિ સાચવે – સ્વીકારે તો ફરીથી એને આખું ચક્કર ફરવું પડશે” એમ એણે કહ્યું છે. ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણનું વાક્ય યાદ આવે છે કે સૂત્રમાં મણિગણોની પેઠે બધા પ્રાણીઓમાં હું વસું છું એટલે હવે નાનું-ટૂંકું કશું નથી રહ્યું, અનંત પૂર્ણતા જ આપણી સભ્યતાનો ભાગ બની ચૂકી છે.

ખૂબ દૂર રહ્યા છતાં યે જુદી વ્યક્તિઓના મનમાં એક જ વિચાર એક જ વખતે કેમ આવે છે, તે સમજવા માટે આજે મનોવૈજ્ઞાનિકોથી માંડીને વિચારસંક્રમણવિદો બેલના પ્રમેયનો ઉપયોગ કરી રહ્યા છે. વિચારની અદલાબદલી અને વિચારસંક્રમણ સમજાવતાં સ્વામી વિવેકાનંદ કહે છે. “આ મન વિરાટ મનનો એક ભાગ છે; દરેક મન બીજા દરેક મન સાથે જોડાયેલું છે, અને દરેક મન ભલે ગમે તે સ્થળે હોય તો પણ આખી દુનિયાના વાસ્તવિક સંપર્કમાં હોય છે.”

સ્વામી વિવેકાનંદ વધુમાં જણાવે છે: “વિચારસંક્રમણના નામે ઓળખાતી ઘટનાઓ પ્રત્યે તમારું ધ્યાન ક્યારેય ખેંચાયું છે? એક માણસ અહીં કોઈક વિચાર કરે છે અને એ જ વિચાર અન્ય સ્થળે બીજા માણસમાં પ્રક્ટ થાય છે અને એ અકસ્માતે નહિ પણ સાવધાનપણે થાય છે. માણસ પોતાના વિચાર દૂરના બીજા માણસને મોકલવા ઇચ્છે છે અને એ બીજો માણસ મોકલાયેલા વિચારને હૂબહૂ ઝીલે છે. એમાં અંતરનો અવરોધ આવતો નથી. વિચાર જાય છે, બીજા માણસને તે પહોંચે છે. અને પેલો માણસ તે સમજે છે. જો તમારું તે મન એક અલગ ઘટક હોય, અને મારું મન અહીં એક અલગ ઘટક હોય અને એ બંને વચ્ચે કશું જોડાણ ન હોય તો મારા વિચારો તમને કેમ પહોંચી શકે ? સામાન્ય રીતે તો મારો વિચાર સીધેસીધો તમને પહોંચતો નથી. પણ એમ થવા માટે મારો વિચાર સૂક્ષ્મ આકાશતત્ત્વના આંદોલનોમાં એકરૂપ થઈ જવો જોઈએ. આ સૂક્ષ્મ તત્ત્વનાં આંદોલનો તમારા મગજ સુધી પહોંચ્યા પછી તેમનું તમારા વિચારોમાં રૂપાંતર જોઈએ. આ સ્થળે વિચારનું વિસર્જન થાય છે. સ્થળે સ્થળે વિચારનો ઉદ્ભવ થાય છે. તે ચક્રાકાર પ્રક્રિયા છે. પણ વિચારસંક્રમણની ક્રિયામાં આવું કશું બનતું નથી. તે સીધેસીધી હોય છે.”

“આથી એમ સાબિત થાય છે કે યોગીઓ કહે છે તેમ મનનું સાતત્ય છે. મન સર્વવ્યાપી છે. જેમ સમુદ્રનાં નાનાં-નાનાં મોજાં હોય, તેમ તમારું મન, મારું મન વગેરે ઘણાં નાનાં-નાનાં મન વિશ્વમનના ટુકડાઓ છે અને આ સાતત્યને કારણે જ આપણે એકબીજાને આપણા વિચારો સીધેસીધા પહોંચાડી શકીએ છીએ.”

નૂતન મનોવિજ્ઞાનના ઉદ્ભવ પછી મન ઉપર ખૂબ વધુ ધ્યાન દેવાયું. વિલિયમ જૅમ્સે મનોવિજ્ઞાનને ચેતનાનું વર્ણન અને સમજૂતી ગણાવ્યું. એક જ મન વિવિધ ચેતના સ્થિતિઓમાં કેમ પહોંચે છે કેવી રીતે વિશ્વને વિવિધરૂપે નિહાળે છે? ફ્રીમેન ડાયસને હમણાં જ કહ્યું છે કે આપણી ચેતના કંઈ ખાલી નિષ્ક્રિય ઘટના બાહ્ય અને મસ્તિષ્કના રાસાયણિક પરિવર્તનોથી ઘેરાતું તત્ત્વ નથી. પણ એ અણુએકમોના સંકુલને વેગ આપતું અને એક ક્વાન્ટમ સ્થિતિ અને બીજી ક્વાન્ટમ સ્થિતિ વચ્ચે પસંદગી કરતું સક્રિય તત્ત્વ છે.

નૂતન મનોવિજ્ઞાને મનને સચેતન અને અચેતન કે અવચેતન એવા બે વિભાગોમાં વહેંચ્યું છે. દબાયેલ કામનાઓ, લાલસાઓ, ભય, અનિશ્ચિતતાઓ, ભૂતકાલીન જીવનના કડવા અનુભવો વગેરે વણઉકલ્યા, વણસંતોષાયેલા કે ઊર્ધ્વીકૃત ન થયા હોય તે બધાં ઊંડે-ઊંડે અચેતન મનમાં ભેગા થઈને સચેતન મનને ક્ષુબ્ધ કરે છે અને એથી છેવટે માનસિક સમસ્યાઓ અને મનોરોગો જન્મે છે. નૂતન મનોવિજ્ઞાનના જનક ફ્રૉઈડે આવા મનોરોગીઓની ચિકિત્સા કરીને એમના મનની સામાન્ય સ્થિતિ લાવવા દબાયેલી વૃત્તિઓના મુક્તવિહારની ભલામણ કરી.

બધા મનોરોગોના મૂળમાં દબાયેલી જાતીય વૃત્તિને જ ભારપૂર્વક કારણરૂપે દર્શાવતા ફ્રૉઈડના આ સિદ્ધાન્તે પશ્ચિમમાં લગભગ અડધી સદી સુધી મનોવિજ્ઞાન સાહિત્ય અને સમાજ ઉપર પ્રભુત્વ ભોગવ્યું પણ આજે હવે ફ્રૉઈડ નકારાઈ ચૂક્યો છે. આજનું મનોવિજ્ઞાન ‘મનની સામાન્ય સ્થિતિ’ની નવી વ્યાખ્યા માગે છે. મનની આ સામાન્ય સ્થિતિ કઈ છે? કેટલાક મનોવૈજ્ઞાનિકો એને ખોટી રીતે, ખોટા સમાજમાં ખોટા માપદંડથી ઠોકી બેસાડેલી માનવા લાગ્યા છે. ફ્રૉઈડના મનોવિજ્ઞાનમાં મનને અતિચેતન કે વિશ્વચેતન સુધી ઊર્ધ્વગતિની કશી સગવડ ન હોવાને લીધે જ ફ્રૉઈડવાદ આજે નાકામીયાબી અને અવગણનાને પાત્ર ઠર્યો છે. માનવમનને કોરી પાટી જેવું માનતા ફ્રૉઈડ પછીના સૌથી મહાન મનોવિજ્ઞાની યુંગ, લગભગ ભારતીય વેદાન્તની જ વિચારધારા લઈ આગળ આવ્યા. યુંગને મતે ચેતનમન, પોતાના પૂર્વવર્તી તેમજ પોતાની સમાન્તરે અથવા તો એને બદલે પણ કાર્ય કરતા રહેતા અચેતન અધ્યાત્મમાંથી ઊપજે છે. ફ્રૉઈડની “સાઈકોથેરાપી”ની સામે યુંગે “સાઈકો એનાલીસીસ” (માનસ પૃથક્કરણ)ને વિકસાવ્યું અને સાબિત કર્યું કે વ્યક્તિની વ્યષ્ટિગત અવચેતના, સામૂહિક વૈશ્વિક અવચેતના સાથે સંબદ્ધ છે. ભારતીય સાંખ્યદર્શન કહે છે કે “બધાં જ મન, એક મહત્ત્વના ભાગરૂપ છે.”

અર્વાચીન મનોવિજ્ઞાનનાં છેલ્લામાં છેલ્લાં વલણોમાં મનને અહંપ્રધાન શરીરમનના સંકુલની મર્યાદાની પેલી પાર, નિર્વૈયક્તિક કળા સુધી ઊર્ધ્વગમન કરવા માટે સક્ષમ માનવામાં આવ્યું છે. અબ્રહામ મૅસ્લૉવનું માનવીય મનોવિજ્ઞાન પોતાને મનને ‘સુધારવાનુ’ નહિ પણ ‘થવાનું’ વિજ્ઞાન ગણે છે. ભારતના ‘આત્મ સાક્ષાત્કાર’ જેવી જ આ સંકલ્પના છે. ‘આત્મા શરીરમાં જ અધિષ્ઠિત છે’ એવી પશ્ચિમી ફિલસૂફીના પાયામાં પડેલી ધૂંધળી માન્યતા હવે આધુનિક મનોવિજ્ઞાન ઉપર પૂર્વની વધતી જતી અસરને કારણે ધીરેધીરે ઘસાતી જાય છે. સચ્ચિદાનંદસ્વરૂપ આત્મા જ મનુષ્યનું સાચું સ્વરૂપ છે, એ વાત હવે પશ્ચિમી મનોવિજ્ઞાનમાં ઉઠવા લાગી છે. કેન વિલ્બરનું આદર પામી રહેલ પરાવૈયક્તિક મનોવિજ્ઞાન, પૂર્વના રહસ્યવાદની ભારે અસરવાળું છે. હવે પૂર્વની અસરવાળું મનોવિજ્ઞાન ‘આત્મવિજ્ઞાન’ બની રહ્યું છે. કારણ કે એમાં યોગ, ધ્યાન વગેરેની પદ્ધતિસરની તાલીમ આપીને મનની ચેતનાને અતિમનસ સુધી લઈ જવાની વાતો થાય છે. સ્કિનર જેવા વર્તનવાદીએ કહ્યા મુજબ મન કંઈ વફાદાર કૂતરા જેવું નથી. પણ એ તો આર. ડી. લેઈંગના કહેવા મુજબ અતિમનસ્ સુધીના ઊર્ધ્વગમન માટે સક્ષમ છે કે જ્યાં એનું ખરું આત્મસ્વરૂપ પ્રકાશી ઊઠે. આ સદીના સુવિખ્યાત બ્રિટીશ મનોવિજ્ઞાની આર.ડી. લેઇંગના મતાનુસાર આજે મનોવિજ્ઞાનનો ઉદ્દેશ આંતરિક રૂપાંતર કરવાનો છે. આ પરાવૈયક્તિક મનોવિજ્ઞાનના વિકાસ પહેલાં પણ યુંગને આ સત્ય લાધ્યું હોવાનું મનાય છે. ‘ઈશ્વર: સર્વભૂતાનાં હૃદંશેઽર્જુન તિષ્ઠતિ’નો નાદ મગજના મનોવિજ્ઞાનમાં જાણે કે ગુંજી રહ્યો છે. અબ્રહામ પેસલૉવ જેવા, એ પરતત્ત્વને મનોવિજ્ઞાનનું પરમલક્ષ્ય માનતા જણાય છે. સર્વ મસ્તિષ્કો અને સર્વ મનોના પરિચાલક વિશ્વવ્યાપી પરમચૈતન્યની અનુભૂતિ એ આજના મનોવિજ્ઞાનની તીવ્રતમ માગ છે!

સંદર્ભ:

૧. Holistic Science and Vedanta by Swami Jitatmananda

૨. વિવેકાનંદ ગ્રંથમાળા, પૃ. ૭.

Total Views: 115
By Published On: March 1, 1993Categories: Keshavlal V Shastri0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram