પ્રશ્ન: ૨૮. હિન્દુધર્મગ્રંથોમાં જાતિભેદની દીવાલ તોડનારા આંતરજાતીય સહ-ભોજનનો નિષેધ છે? આંતરજ્ઞાતીય લગ્નોને સ્વીકૃતિ છે?

ઉ.: કેટલાંક ધર્મશાસ્ત્રોમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે કોઈપણ જાતિની સચ્ચરિત્ર-વ્યક્તિનું ભોજન બ્રાહ્મણ ગ્રહણ કરી શકે છે. હકીકતે હિન્દુધર્મગ્રંથોમાં આંતરજાતીય સહ – ભોજનનો નિષેધ નથી. હિન્દુસમાજમાં અંદરોઅંદર સંકળાયેલી જાતિઓમાં એથી એકતા અને સંપ વધવાનો સંભવ વિશેષ છે.

ધર્મગ્રંથોમાં ‘અનુલોમ – વિવાહ’ને સ્વીકૃતિ છે. આ શાસ્ત્રોના મત મુજબ ઉચ્ચજાતિનો પુરુષ, નિમ્ન જાતિની સ્ત્રી સાથે લગ્ન કરી શકે છે. બહુ શરૂઆતથી જ ‘પ્રતિલોમ વિવાહ’ પણ એથી વિપરીત, પ્રચલિત રહ્યા છે. એટલે જ એમ કહી શકાય કે ધર્મશાસ્ત્રોમાં આંતરજાતીય વિવાહ નિષિદ્ધ નથી માનવામાં આવ્યા.

હા, આજના સમાજમાં આંતરજાતીય લગ્નોનાં પ્રતિકૂળ પરિણામ જોવામાં આવે છે. એ ખરેખર ચિંતાનો વિષય છે. તેમાં દબાણથી નહીં પરન્તુ સમજૂતીથી ઉકેલ મળી શકે છે. માતા-પિતા પોતાના સંતાનની ઇચ્છાને અનુકૂળ થાય તો જ બંને જાતિના લોકોએ તેમાં સહકાર દેવો જોઈએ. બંને પક્ષો સહમત હોય તો પોતાની જાતિના નિર્ણયોને બદલવા સમજાવી શકે. એમાં એમનું કશું ઊપજે નહીં, તો યુગલ પર જ તેની જવાબદારી છોડી દેવી જોઈએ. બંને પતિ-પત્ની સદાચારપૂર્ણ જીવન વિતાવે, એટલું પૂરતું છે.

હા, ઉપજાતિઓ અને એક જ જાતિના કે વર્ણના અલગ-અલગ સમુદાયો એકરૂપ બને તે માત્ર સારું જ નહીં પણ અનિવાર્ય પણ છે.

સ્વામી વિવેકાનંદે આ જટિલ સમસ્યાનો જે ઉકેલ બતાવ્યો હતો, તે આજે પણ વિચારવા યોગ્ય છે. સમુચિત શિક્ષા દ્વારા આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઉત્કર્ષ થી એક-જાતિ-નિરપેક્ષ સમાજની કલ્પના તેમણે કરી હતી, જેમાં સૌ સમાન હોય. એવો આદર્શ પ્રાપ્ત કરતાં પહેલાં, આજના સમાજમાં જે આગળ વધેલા હોય, તેમણે પછાત લોકોના ઉત્કર્ષ માટે મદદ કરવી જોઈએ અને શોષણ બંધ કરવું જોઈએ. આ પણ એ રીતે થવું જોઈએ જે રીતે, મોટાં ભાઈબહેન પોતાનાં નાનાં ભાઈબહેનોને, તેમની મુશ્કેલીમાં મદદ કરે છે.

પ્રશ્ન: ૨૯. બધા જ ચિંતકો સ્વીકારે છે કે અસ્પૃશ્યતા હિન્દુ સમાજ પરનું એક કલંક છે. શું શાસ્ત્રોમાં આ બાબતનું સમર્થન મળે છે? જો એમ નથી તો આવો કુરિવાજ કઈ રીતે શરૂ થયો? શું હિન્દુ સુધારકોએ આ કલંક દૂર કરવા પ્રયત્નો કર્યા છે?

ઉ.: એ બાબતમાં સર્વ સંમત છે કે આ કુરિવાજનો શક્ય એટલો ત્વરિત અંત આવવો જ જોઈએ અને આ પ્રથા હિન્દુસમાજ પરનું કલંક છે.

આ હીન-પ્રથાનું સમર્થન વેદોમાં કે ધર્મશાસ્ત્રોમાં નથી. વિશિષ્ટ પ્રસંગોએ શરીર-શુદ્ધિ અને પર્વોની પવિત્રતાનું મહત્ત્વ દર્શાવતા, ધર્મગ્રંથોમાં, અસ્પૃશ્યતાનો ઉલ્લેખ થયેલો જરૂર જોવા મળે છે. પરન્તુ સદીઓથી હિન્દુ સમાજમાં, આંખો બંધ રાખી ચલાવવામાં આવતી અસ્પૃશ્યતા સાથે તેને કોઈ જ સંબંધ નથી. આ સ્પષ્ટ કરવાના હેતુથી, એમ કહી શકાય કે, આ નીચે દર્શાવેલ અથવા તેના સંપર્કમાં આવતા લોકોને જ અસ્પૃશ્ય ગણવામાં આવ્યા છે.

૧. જેને ત્યાં જન્મ કે મરણને લીધે સૂતક હોય; ૨. માસિક-ધર્મમાં હોય તેવી સ્ત્રી; ૩. ભોજન બાદ હાથ ન ધોયા હોય તેવી વ્યક્તિ; ૪. કસાઈ કે ઝાડુવાળા, જેનાં શરીર-કપડાં ગંદાં થયા હોય; ૫. વર્ણાશ્રમ ધર્મનું આચરણ ન કરનાર; ૬. પાપી તેમજ અપરાધી.

અહીં એ બાબત સ્પષ્ટ કરવી જરૂરી છે કે તીર્થોમાં, રથયાત્રા જેવાં પર્વો પર, રાષ્ટ્ર પરની આપત્તિના સમયે ઉપર્યુક્ત અસ્પૃશ્યતા જાળવવી જરૂરી નથી, તેવો સ્પષ્ટ આદેશ ધર્મગ્રંથોમાં છે. કેટલાક ધર્મગ્રંથોમાં હરિજનોના મંદિરપ્રવેશનો પણ નિષેધ નથી. સંકુચિત વિચારો ધરાવતા, કેટલાક સ્વાર્થી લોકોએ જ સમાજમાં આ રોગ ફેલાવ્યો છે. હકીકતે, ગંદાં માનવામાં આવે તેવા ધંધારોજગાર કરતા લોકોને દૂર રાખવામાં આવ્યા. એ ખરેખર શરમની વાત છે કે આ લોકોના શિક્ષણ તરફ, તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે, કે તેમના સાંસ્કૃતિક વિકાસ માટે કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. સ્વાર્થી લોકોએ જ આ બાબતને પ્રથા કે રિવાજનું રૂપ આપ્યું છે. તેમાં ધર્મ કારણરૂપ નથી. અસ્પૃશ્ય ગણવામાં આવી હોય તેવી જાતિના કેટલાયે સંતમહાત્માઓનો, સમાજ આજે પણ આદર કરે છે. તેથી એ બાબતની સચ્ચાઈનો ખ્યાલ આપે છે.

આજે હિન્દુસમાજ આ બાબત પર ઊંડાણથી વિચારવા લાગ્યો છે. આ સમસ્યા રાષ્ટ્રની અખંડિતતા માટે એક પડકારરૂપ બની ગઈ છે. મઠાધીશો અને ધર્મગુરુઓ યુગોથી ચાલી આવતી આ જડતા દૂર કરવામાં લાગી ગયા છે. આ દૂષિત પ્રથાને દૂર કરવા માટે યોજવામાં આવતા વિવિધ ઉપાયો, આ પ્રમાણે છે:

૧. હરિજનોને મંદિરોમાં પ્રવેશ આપવો, તેમને ધાર્મિક તહેવારો કે પર્વો સમયે સન્માન આપવું, ધર્મ અને સંસ્કૃતિનો તેઓમાં પ્રસાર થાય તે માટે વિશેષ કાર્યક્રમો માટેનું આયોજન કરી, ભેદભાવ વગર તેમને સહભોજન માટે આમંત્રણ આપવું, ઈત્યાદિ. હા, આ દિશામાં ગતિ ઘણી ધીમી છે. તેને ઝડપથી આગળ વધારવાની જરૂર છે.

૨. હરિજનોની સમસ્યાઓનો ઉકેલ, સુંદર રીતે તો જ થઈ શકે કે જો તેમનામાં સમુચિત શિક્ષણનો પ્રચાર થાય, તેઓ વ્યાપક દૃષ્ટિકોણ અને જીવનના આદર્શો અપનાવી શકે તે માટે તેમને લાયક બનાવવામાં આવે અને,

૩. તેમનો આર્થિક સ્થિતિ સુધારવામાં આવે. આપણ સમાજને સદીઓથી લાગેલા કલંકને ધોવા માટે આવી ત્રિમુખી યોજનાને નિયમિત રીતે અમલમાં મૂકી કાર્યરત કરવી જોઈએ.

પ્રશ્ન: ૩૦ વર્ણાશ્રમ શું છે? આજે પણ શું એ જીવિત છે?

ઉ.: જીવનનાં મૂલ્યોના પ્રતિપાદન માટે હિન્દુધર્મ મોક્ષને જ સૌથી ઊંચો માને છે. એ ખરું છે કે મોહ, કામ, લોભ, ક્રોધ જેવી માનસિક દુર્બળતાઓ માનવીની આધ્યાત્મિક પ્રગતિમાં બાધક બને છે. માનવ-મનોવિજ્ઞાનના જ્ઞાતા એવા, આપણા ઋષિઓએ મનની ઇચ્છાઓની ન્યાયોચિત પૂર્તિ માટે, જીવનમાં પૂરતા પ્રમાણમાં સગવડો અને તકોની વ્યવસ્થા કરી છે. માત્ર સંયમ રાખવાની જરૂરત છે. આ દૃષ્ટિએ ચારેય પુરુષાર્થની સુસંગત છે, તેવું લાગે છે, તેઓનો એ અણમોલ સંદેશ છે કે ખૂબ કમાઓ, જીવનનું સુખ લૂંટો, ધર્મમાર્ગની સીમા ક્યારેય ઓળંગો નહીં. આ આદેશનું પાલન થાય તો મનની નબળાઈઓ અને અગવડો ક્રમશ: દૂર થતી જશે અને મોક્ષનો માર્ગ સરળ બની જશે.

મોક્ષ પામવા માટે વ્યક્તિએ જીવનમાં ચાર અવસ્થાઓ અથવા આશ્રમો પાર કરવાના હોય છે – બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ. સંયમ વડે લૌકિક અને પારલૌકિક જ્ઞાનની પ્રાપ્તિ જ બ્રહ્મચર્યાશ્રમનું મુખ્ય લક્ષ્ય છે.

ગૃહસ્થાશ્રમમાં ધન કમાઈને ન્યાયોચિત સુખ ભોગવવાની વ્યવસ્થા છે. પરન્તુ તે ધર્મની પરિસીમાથી બહાર નહીં જ. સત્પાત્રને દાન દેવું એ પણ એક કર્તવ્ય છે. ઉંમર વધવા સાથે શરીર શિથિલ બને, તે પહેલાં, વ્યક્તિએ એકલા અથવા પત્ની સાથે વનમાં ચાલ્યા જઈ ઈશ્વર ધ્યાનમાં સમય વિતાવવાનો હોય છે. આજ વાનપ્રસ્થ સંન્યાસનું પગથિયું છે. આ આશ્રમમાં વાસનાજન્ય વિકારો પર નિયંત્રણ અને અવિચળ મનથી મોક્ષની સાધના કરવી અનિવાર્ય છે. સંન્યાસાશ્રમ આશ્રમોનો મુકુટણિ છે.

ક્રમિક રીતે એક-એક આશ્રમ સ્વીકારવો જોઈએ. તેમાં અપવાદ પણ હોઈ શકે છે. ત્યાગની પરાકાષ્ઠા અને મોક્ષની ઉત્કટ આકાંક્ષાવાળા, જે સમયે સંન્યાસ લેવા ઇચ્છે, ત્યારે લઈ શકે છે.

વ્યક્તિનું જીવન પૂર્ણતાની પ્રાપ્તિ માટેની એક અનન્ત યાત્રા છે. આશ્રમોની વ્યવસ્થા તો એટલા માટે છે કે આ યાત્રા સરળ બને. વ્યક્તિ એ સમાજનું અંગ જ છે ને! તેથી તેને માટે સમાજમાં અનુકૂળ વાતાવરણની સૃષ્ટિ વર્ણ-વ્યવસ્થા દ્વારા સંભવી શકે એમ માનવામાં આવ્યું હતું. ગુણ કર્મોના આધારે સમાજમાં થયેલ વર્ગીકરણને આનાથી સ્વીકૃતિ મળી હતી.

બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર – એ ચાર વર્ણો છે. સમસ્ત જીવન જ્ઞાનપ્રાપ્તિમાં, તેના વિતરણમાં જીવન ગુજારનાર વિદ્વાન, વિવેકી અને વ્રતી જ બ્રાહ્મણ કહેવાયા. તેઓ ‘સાદું જીવન અને ઊંચા વિચારો’ના મૂર્તિરૂપ હતા. હથિયાર ચલાવનાર, વીર, બહાદુર તે ક્ષત્રિય, જેમણે બહારનાં આક્રમણોથી અને આંતરિક ઉપદ્રવોથી સમાજની રક્ષા કરવાનું બીડું ઝડપ્યું. એમાંથી પણ ઘણી વ્યક્તિઓ અને રાજાઓ અધ્યાત્મની ટોચે પહોંચ્યા છે. વેપાર, વાણિજય અને ખેતી દ્વારા સંપત્તિના ઉત્પાદન અને વિતરણમાં લાગેલા વૈશ્ય તરીકે ઓળખાયા, આ ત્રણેયની સેવા-ચાકરીમાં જીવન વ્યતીત કરનારા શૂદ્ર કહેવાયા.

અત્યારે તો સમાજમાં ગૃહસ્થ અને સંન્યાસ બે જ આશ્રમો રહ્યા છે. જ્યાં સુધી વર્ણોને સંબંધ છે ત્યાં સુધી તે અસંખ્ય જાતિઓના જાળામાં ખોવાઈ ગયા છે.

Total Views: 199

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.