‘પ્રશ્નોપનિષદ’માં એક માર્મિક વાત જાણવા મળે છે. ભરદ્વાજસુત સુકેશા, શિબિકુમાર સત્યકામ, ગર્ગગોત્રી સૌર્યાયણિ, અશ્વલકુમાર કૌસલ્ય, વિદર્ભનિવાસી ભાર્ગવ તથા કત્યનો પ્રપૌત્ર કબન્ધી – આ છ ૠષિઓ ઉત્કટ બ્રહ્મજિજ્ઞાસાથી પ્રેરાઈને સમિધ સાથે ભગવાન પિપ્પલાદની પાસે જાય છે ત્યારે ભગવાન પિપ્પલાદ તેમને પોતાનો સાભિપ્રાય કહે છે: ‘તમે તપસ્વી છો, તમે બ્રહ્મચર્યના પાલન સાથે સાંગોપાંગ વેદાધ્યયન કર્યું છે; આમ છતાં તમે એક વર્ષ અહીં, મારા આશ્રમમાં સારી રીતે રહો અને શ્રદ્ધાપૂર્વક બ્રહ્મચર્યનું પાલન કરતા રહી તપશ્ચર્યા કરો. એ પછીથી તમારે મને જે પ્રશ્નો પૂછવા હોય તે પૂછજો. હું મારા જ્ઞાન અનુસાર તે સર્વના ઉત્તર તમને આપીશ.’

(तान् ह स ऋषिरुवाच भूय एव तपसा ब्रह्मचर्येण श्रद्धया संवत्सरं संवत्स्यथ यथाकामं प्रश्नान्पृच्छत विज्ञास्यामः सर्व ह वो वक्ष्याम इति)

ઉપરની વાતમાં એક અતિમૂલ્યવાન મુદ્દો રહેલો છે ને તે આ પ્રશ્ન- પરિપ્રશ્ન કરવાનો અધિકાર કોને? અને તેમાં બ્રહ્મતત્ત્વને- પરમાત્મતત્ત્વને અનુલક્ષીને પ્રશ્ન કરવાનો હોય તો તે પ્રશ્ન ક્યારે કરી શકાય? પ્રશ્ન કરવાને ખાતર પ્રશ્ન કરવાનો નથી. કોઈને પ્રશ્ન કરીને તેનું જ્ઞાન કે ગજું માપવા માટે પ્રશ્ન કરવાનો નથી. કોઈને પ્રશ્ન કરીને, તેને મૂંઝવીને, એના પર પોતાની સરસાઈ સ્થાપવાની નથી. મતલબ કે પ્રશ્ન કરીને પોતાની વિદગ્ધતાનું પ્રદર્શન કરવાનું નથી. પ્રશ્ન અનાવિલ આત્મદર્શન કરી શકાય પરમાત્મદર્શન કરી શકાય – ૠતનું, પરમ સત્યનું સમ્યક્ દર્શન કરી શકાય એ માટે કરવાનો છે. આ પ્રશ્ન પ્રતિજ્ઞા કે સંકલ્પપૂર્વક સભાનતાથી પણ કરવાનો નથી. મનમાં સ્વાભાવિકતયા પ્રશ્ન ઊઠે તો કરવાનો છે. જાતઅનુભવે આગળ વધતાં કશુંક સમજાય એવું સામે આવે ત્યારે ખરેખર શું કરવું એ અંગે માર્ગદર્શન મેળવવા પ્રશ્ન કરવાનો છે. પ્રશ્ન સમ્યગ્ જ્ઞાન માટે હોય, વિતંડાવાદ માટે નહીં. પ્રશ્ન અંતરના ઉઘાડ માટે હોય, સામાને આંજી દેવા માટે નહીં. જેવો પ્રાશ્નિક એવો પ્રશ્ન. પ્રાશ્નિકની આધ્યાત્મિક કક્ષા ઊંચી હશે તો પ્રશ્નનું સ્વરૂપ – સત્ત્વ પણ ઊંચું હશે. તેથી જ પિપ્પલાદ મુનિ પેલા જિજ્ઞાસુ ૠષિઓને સાચો પ્રશ્ન કરવા માટે એક વર્ષ થોભી જવા કહે છે. એક વર્ષ ઉત્કટ બ્રહ્મજિજ્ઞાસાથી તપ કરવાનું, શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મી અનુભવ માટે તપ:પૂત સમાચરણ કરવાનું નિર્દેશે છે. સંભવ છે કે એ રીતે તપોમય જીવન જીવતાં, બ્રહ્મસાક્ષાત્કાર માટે જીવનસાધના કરતાં કેટલાક પ્રશ્નોના ઉત્તર આપોઆપ મળી રહે ને એ અંગે પછી ગુરુજનને ઝાઝું પૂછવાપણુંયે ન રહે. બ્રહ્માનુભવના માર્ગે સ્વયં આગળ વધતાં જ કેટલીક તો જિજ્ઞાસાપૂર્તિ થઈ રહે. તેથી જ પિપ્પલાદ મુનિ પેલા છ ૠષિઓને યોગ્ય પ્રશ્નો કરવા માટે એક વર્ષ પ્રતીક્ષા કરવાનું કહે છે. દરમિયાન જે તે સંભવિત પ્રશ્નો માટેના ઉત્તર આપવા માટેની પોતાની પાત્રતામાંયે કંઈક ઉમેરો તો થવાનો જ. પ્રશ્નો આડેધડ થાય નહીં. પ્રશ્નો કરવાનોયે અધિકાર તપશ્ચર્યાપૂર્વક કેળવવાનો – મેળવવાનો રહે છે. એ જ રીતે બ્રહ્મજિજ્ઞાસાથી પ્રેરિત જીવનના ગહન પ્રશ્નોના ઉત્તર પણ બેજવાબદારપણે અપાય નહીં. એ માટે પણ તપશ્ચર્યાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક સ્વાધિકાર સિદ્ધ કરવાનો રહે છે.

પ્રશ્નકર્તા માટે પહેલી ભૂમિકા આત્માનુભવની છે, પછી જ્ઞાનની. જિજ્ઞાસાનું મૂળ ને પરિણતિ પણ અનુભવમાં છે. અનુભવ મેળવતાં-મેળવતાં, પોતાની પાત્રતા સિદ્ધ કરતાં-કરતાં જે કંઈ ન સમજાય તે સમજવા પોતાના કરતાં વધુ અનુભવી વધુ જ્ઞાની પાસે – વિનયપૂર્વક જવું ને તેનું રચનાત્મક રીતનું માર્ગદર્શન મેળવવાના વિશુદ્ધ ભાવથી પ્રશ્ન કરવો. આમ પંડે જે તે બાબતને સમજવા – પામવા તપોમય પુરુષાર્થ કર્યા પછી અન્ય અધિકારી જન પાસે તે અંગે પ્રશ્ન કરવા નીકળવું. એમ કરવાથી પ્રશ્ન ઊંડી આધ્યાત્મિક અભીપ્સા ને જિજ્ઞાસાના સાચા અવાજરૂપ બની રહે છે. જે જ્ઞેય-જ્ઞાતવ્ય છે, તેને સ્વાનુભવે, શ્રદ્ધા ને તપ દ્વારા આત્મસાત્ કરવા કોશિશ કરવામાં આવે ત્યારે જિજ્ઞાસુને પોતાને ખરેખર ક્યાં, કેવી ને કેટલી મુશ્કેલી છે તેનું સાચું દર્શન થાય છે, જે-તે બાબતની શક્તિ અને મર્યાદા સમજાય છે અને તેના કારણે એનો પ્રશ્ન અધ્ધરતાલ ન રહેતાં નક્કર અર્થપૂર્ણ બની રહે છે. પેલો જિજ્ઞાસુ કેવળ પૂછવા ખાતર નહીં પણ પ્રશ્ન દ્વારા કંઈક પામવા ખાતર પૂછે છે. પ્રશ્ન દ્વારા એ સામાનું નહીં પોતાનું માપ મેળવવા ઇચ્છે છે. એ પોતાનામાં ખૂટતું પૂરવા, તૂટતું સાંધવા, ઊગેલું વિકસાવવા, મેળવેલું વધારવા, ને એ રીતે આત્મ અને વિશ્વપરિચયને શુદ્ધ સંગીન કરવા પૂછે છે. એ શ્રદ્ધાને વિનયપૂર્વક પૂછે છે. જે ખરેખરો અધિકારી છે, પોતાના જિજ્ઞાસાપ્રશ્નોના યોગ્ય ઉત્તર આપવા જે સક્ષમ છે તેને પારખીને તેને જ એ પ્રશ્નો કરે છે અને આ રીતે પ્રશ્નકર્તા જિજ્ઞાસુ અને ઉત્તરદાતા ગુરુ વચ્ચે એક સંવાદપૂર્ણ – આધ્યાત્મિક સત્સંગસેતુ રચાય છે. પ્રશ્નકર્તા – પ્રાશ્નિકના સ્વનો ઉધાડ થાય છે એના પ્રશ્ન દ્વારા તો ઉત્તરદાતાના આંતરસત્ય સાથે એનો યોગ થાય છે ઉત્તર દ્વારા. આમ, પ્રશ્નમાં માણસ માણસ આગળ ખૂલે છે અને ઉત્તરમાં માણસ માણસને મળે છે. પ્રશ્નોત્તરી આમ જ્યારે ઉત્કટ બ્રહ્મજિજ્ઞાસાથી પ્રેરિત – સમર્થિત હોય છે ત્યારે એક આધ્યાત્મિક સાક્ષાત્કારનો જ સ્નેહ ને શ્રદ્ધામય ઉપક્રમ બની રહે છે; એ કેવળ બૌદ્ધિક આદાનપ્રદાન રહેતું નથી.

ઉત્તમ પ્રશ્નો સૂઝવા સહેલા નથી. સોક્રેટિસને સુંદર પ્રશ્નો સૂઝતા હતા કેમ કે એ ખરા અર્થમાં સત્યજિજ્ઞાસુ – સત્યવ્રતી હતો. પ્રશ્નો આવે છે તે પ્રશ્નો તરીકે રહેવા માટે નહીં પણ અધિકારી ઉત્તરદાતાઓ દ્વારા ઉકેલવા માટે. પ્રશ્નોનું નિરાકરણ એટલે ધુમ્મસમાંથી પ્રકાશમાં ગતિ; અજ્ઞાનમાંથી વિમુક્તિ. પ્રશ્નો દ્વારા પ્રશ્નકર્તા ઉત્તરદાતાને આગળ પોતાના અંતરમાં ડોકિયું કરવાની તક આપે છે. પોતાની અંદર કેટલાક નહીં ખૂલતાં રહસ્યોના સંચ ખોલવા માટેની વિદ્યા – એની ગુરુચાવીઓ એ ઉત્તરદાતા પાસેથી પ્રાપ્ત કરે છે.

‘પ્રશ્નોપનિષદ’માં પ્રશ્નો પુછાતા જાય છે અને જીવન અને જગતનાં, મનુષ્ય અને એની સૃષ્ટિનાં રહસ્યોનાં તાળાં ખૂલતાં જાય છે. મનુષ્ય સમગ્ર વિશ્વ સાથે, બ્રહ્માંડ સાથે કેવો તો અવિનાભાવિ સંબંધે જોડાયેલો છે એનું રહસ્યપૂર્ણ ને રમણીય સંકેતદર્શન આ ઉપનિષદમાંથી મળે છે. સાચા પ્રશ્નકર્તા અને અધિકારી ઉત્તરદાતાના સત્સંગે જ એક જ્ઞાનનિષ્ઠ અર્થપૂર્ણ ઉપનિષદ સિદ્ધ થાય છે. ‘પ્રશ્નોપનિષદ’માં એ બરોબર રીતે અનુભવાય છે. પિપ્પલાદ મુનિ જિજ્ઞાસુ ઋષિઓને તેઓ ‘બ્રહ્મિષ્ઠ’ હોવાના કારણે જ પોતાના ઉત્તરો માટે સુપાત્ર લેખે છે. આમ આધ્યાત્મિક સાધનામાં ગુરુશિષ્યના સંબંધમાં જે પ્રશ્નોત્તરી થાય છે તેનું ભારે મૂલ્ય – મહત્ત્વ છે. ઉત્તમ ઉત્તરો આપવાની જ નહીં, ઉત્તમ પ્રશ્નો કરવાની કક્ષા પણ શ્રદ્ધા ને બ્રહ્મચર્યતપ વિના – બ્રહ્મજિજ્ઞાસાપ્રેરિત એકાગ્ર ને સાતત્યપૂર્ણ ભાવાનુભવ વિના સિદ્ધ થતી નથી. અર્થાત્ ઉત્તમ ઉત્તરો આપવા માટે જ નહીં, ઉત્તમ ઉત્તરો મળે એવા પ્રશ્નો કરવા માટે પણ સાત્ત્વિક – આધ્યાત્મિક ઉચ્ચ સાધના – ઉત્તમ તૈયારી અનિવાર્ય છે.

આમ ભીતર જે ન સમજાય તે સમજવા પ્રશ્નો ઊગે અને ઉત્તમાધિકારી ગુરુ દ્વારા તેમનું નિરાકરણ થાય. આ પ્રશ્નોત્તરીમાં વૈખરીનો જ ઉપયોગ થાય એવુંયે નથી. ક્યારેક તો પરમ ગુરુનું સમતાશીલ અનુગ્રહદર્શન એમનું અર્થસભર મૌન પણ શિષ્યના સંશયપ્રશ્નો મિટાવી દઈ એમને શમ – શાંતિનું વરદાન બક્ષે છે. એ સહજ અધ્યાત્મ- કળા સ્વામી રામકૃષ્ણ પરમહંસને, શ્રી રમણ મહર્ષિ વગેરેને સંસિદ્ધ હોવાનાં દૃષ્ટાંતો આપણે જાણીએ છીએ. गुरोस्तु मौनं व्याख्यानं, शिष्यास्तु, छिन्नसंशयाः- એ અનુભવમાં પણ ‘પ્રશ્નોપનિષદ’નું મર્મરહસ્ય ઊતરેલું હોવાનું સમજી શકાય. આ રહસ્ય સુધી પહોંચવા માટે જ આપણે બ્રહ્મજિજ્ઞાસુ પ્રશ્નકર્તા થવાની અભીપ્સાવાળા સૌએ ભગવાન પિપ્પલાદ મુનિની ભાવનાશીલતાને પ્રત્યક્ષ કરી, ‘પ્રશ્નોપનિષદ’ના આરંભે જે પ્રાર્થના કરવામાં આવી છે તે કરી, તદનુસાર સમાચરણ કરવું જોઇએ:

ॐ भद्रं कर्णेभिः श्रृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः।
स्थिररैर स्तुष्टुवा सस्तनूभिर्व्यशेम देवहितं यदायुः।।

ॐ शान्तिः। शान्तिः।। शान्तिः।।

‘હે દેવગણ! અમે કર્ણોથી કલ્યાણકારી વચન સાંભળીએ, યજ્ઞકાર્યમાં સમર્થ થઈને ચક્ષુઓથી કલ્યાણકારી વસ્તુ જોઈએ, તેમ જ સ્વસ્થ અંગો અને શરીરથી ભગવાનની સ્તુતિ કરતા રહીને અમે દેવોના કામમાં આવી શકે એવા આયુષ્યનો ઉપભોગ કરીએ. હે પરમાત્મા! અમારા ત્રિવિધ તાપોની શાંતિ થાઓ.’

Total Views: 78
By Published On: March 1, 1993Categories: Chandrakant Sheth0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram