(૯મી ઑગસ્ટ ૯૨ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ શૈક્ષણિક પરિસંવાદમાં સુપ્રસિદ્ધ વિદ્વાન સાહિત્યકાર શ્રી યશવંત શુક્લ સાથેની પ્રશ્નોત્તરીનું સંકલન શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કર્યું છે.)

પ્રશ્ન: શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ?

ઉત્તર: શિક્ષકમાં કુશળતા હશે, વિદ્યાર્થીઓ પ્રત્યે પ્રેમ હશે, પોતાના કાર્યમાં નિષ્ઠા હશે તો એની સાધનાના ફળ સ્વરૂપે શિક્ષણની પદ્ધતિ તો એની મેળે જ આવી જશે. મૂળ વાત પદ્ધતિની નહિ, પ્રેમની છે, નિષ્ઠાની છે, વિષયજ્ઞાનની છે, અવિરત સાધનાની છે. શિક્ષકમાં આ બધું હોય એ મુખ્ય વાત છે.

પ્રશ્ન: આજનું શિક્ષણ નિષ્ફળ ગયું છે, એને સફળ બનાવવાનો કોઈ ઉપાય સૂચવશો?

ઉત્તર: એના ઉપાયો કોઠારી કમીશનના રિપોર્ટમાં વિસ્તૃત રીતે બતાવવામાં આવ્યા છે. એ રિપોર્ટમાં ઉત્તમ માણસો દ્વારા ઉત્તમ વિચારો દર્શાવવામાં આવ્યા છે. એમાં શિક્ષણના હેતુઓ અને લક્ષ્યોની સુંદર છણાવટ થઈ છે, પણ એનો અમલ થયો નથી. એના અમલનો પ્રયોગ થવો જોઈએ. આજના શિક્ષણથી લોકો નારાજ છે એનું કારણ અમલનો અભાવ છે. શિક્ષણનો પોતાનો એમાં દોષ નથી. હેતુઓના અમલ માટે લોકો જાગ્રત થવા જોઈએ, મા-બાપ જાગ્રત થવાં જોઈએ. જાગ્રત સમાજ સિવાય શિક્ષણના હેતુઓ બર લાવી શકાય નહિ.

પ્રશ્ન: વિદ્વાન શિક્ષકો પણ ટ્યુશનનો આગ્રહ કેમ રાખે છે?

ઉત્તર: આ પ્રશ્ન તો શિક્ષકોને જ પૂછવો જોઈએ. પહેલાં તો એ પૂછવું જોઈએ કે તમે વિદ્વાન છો ખરા? હા, એક રીતે તેઓ વિદ્વાન છે કારણ કે આજે કોઈ શિક્ષક B.Ed. થયા સિવાય માધ્યમિક શાળામાં અધ્યાપન કાર્ય કરી શકતો નથી અને અનુસ્નાતક પછી B.Ed. થયા સિવાય ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણાવી શકતો નથી. વળી અમુક ગુણવત્તા વગરનો શિક્ષક કૉલેજમાં ભણાવી શકતો નથી. આ બધું છે તો ખરું પણ પરીક્ષાનાં ધોરણો એટલાં બધાં નીચે ઊતરી ગયાં છે કે પોતાના વિષયનું કશું જ જ્ઞાન ન ધરાવનારા માણસો પણ ઈન્ટરવ્યુમાં આવે છે! આ શું વિદ્વત્તા કહેવાય ખરી?

બીજો પ્રશ્ન એ પૂછવો જોઈએ કે તમે ટ્યુશનનો આગ્રહ શા માટે રાખો છો? ટ્યુશનનો આગ્રહ રાખનાર શિક્ષકને વિદ્યાર્થીએ કહી દેવું જોઈએ કે ‘સાહેબ, આપ અમને વર્ગમાં જ સારી રીતે ભણાવો.’

એક વસ્તુ ખાસ યાદ રાખવી ઘટે કે વિદ્યાર્થીઓની ઇચ્છા નહિ હોય તો કોઈ પણ એવો શિક્ષક વિદ્યાલયમાં ટકી શકે નહિ. આ માટે વિદ્યાર્થીઓમાં જાતિ અને સાચી ઇચ્છા હોવી જોઈએ. એ માટે એમણે આચાર્ય કે સંચાલકો પાસે જવું જોઈએ અને એવા શિક્ષકને યોગ્ય પાઠ ભણાવવો જોઈએ.

ટ્યુશન માટે પણ નિયમો ઘડાયા છે, કેટલાં ટ્યુશનો રાખવાં? ક્યારે રાખવાં? આ બધું છે ખરું, છતાં આજે કોઈની દેન નથી કે એ વિશે કશું કહે.

શિક્ષકોની અનાવડત, ટ્યુશનખોરી, ઔચિત્યભંગ વગેરે સામે વિદ્યાર્થીઓની સાચી અને રચનાત્મક જાગૃતિ જ ઉપાય છે.

પ્રશ્ન: આજે વધતી જતી બેકારી ટાળવા માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓ શું કરી શકે?

ઉત્તર: એ માટે મહાત્મા ગાંધીજીએ ચીંધેલો માર્ગ અપનાવવો જોઈએ. એમણે ઉત્પાદક અને ઉપયોગી શ્રમને કેન્દ્રમાં રાખીને કેળવણી આપવાનું કહ્યું હતું. આજની બેઠાડુ કેળવણી બેકારી દૂર નહિ કરી શકે. આજે વિજ્ઞાન અને ટેક્નોલૉજીના શિક્ષણમાં થોડો શ્રમ કરવો પડે છે ખરો, પણ બાકીના ચીલાચાલુ શિક્ષણમાં તો ખાલી વર્ગમાં બેસીને સાંભળવા સિવાય કશું કરવું પડતું નથી. આ બેઠાડુ કેળવણી છે. ગાંધીજીએ જે Do it yourselfની વાત કરી, તે આજની કેળવણીમાં દાખલ કરવાની જરૂર છે. આવી કેળવણીથી મોટામોટા બંગલાઓ કદાચ ન બંધાય, પણ એનાથી કોઈ બેકાર તો નહિ જ રહે, એ નક્કી છે. સૌરાષ્ટ્રમાં જ ચાલતા એવા પ્રયોગો જોજો. વળી, એવી કેળવણીથી શ્રમનું ગૌરવ વધશે, સ્વાવલંબનની સારી આદત પડશે, આત્મશ્રદ્ધાનો ગુણ ખીલશે.

પ્રશ્ન: આજના નીચી ગુણવત્તાવાળા શિક્ષણ માટે ફીનું નીચું ધોરણ જવાબદાર છે, એવું આપને લાગે છે ખરું?

ઉત્તર: ના જી, ભારત એક ગરીબ દેશ છે અને એના લોકોને ઓછા ખર્ચે શિક્ષણ મળે, એનો મને ધોખો નથી. ગુજરાતમાં કન્યા કેળવણી મફત છે અને છોકરાઓ માટે પણ માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ મફત આપવામાં આવે છે. પણ જેઓ ફી ભરી શકે તેઓ ભરે, એવું રાખ્યું હોત તો સરકાર પર બોજો હળવો રહેત. પણ સરકારેય ભારે ચતુર છે. ભાતભાતના ટેક્સ લોકો પાસેથી એ ઉધરાવે છે અને મફત શિક્ષણમાં એનું વિતરણ કરે છે અને એમાં પણ એ કમાય છે!

શિક્ષણની નીચી ગુણવત્તા સાથે ફીના સસ્તાપણાનો કશો તાત્ત્વિક સંબંધ નથી. નીચી ગુણવત્તાનો તાત્ત્વિક સંબંધ શિક્ષકોના અસંતોષ સાથે છે, સંચાલકોના અજ્ઞાન અને એમની હરામખોરી સાથે છે, મા-બાપોની બેદરકારી સાથે છે અને વિદ્યાર્થીઓની બેજવાબદારી સાથે છે.

પ્રશ્ન: પરીક્ષા વિશે આપ શું માનો છો?

ઉત્તર: જીવનમાં ડગલે અને પગલે પરીક્ષણ તો આવ્યા જ કરવાનું છે અને એ જરૂરનું પણ છે એની નાબૂદી થઈ શકે નહિ. જુદાંજુદાં ક્ષેત્રોમાં આગળ વધવા માટે વર્ગો-પરીક્ષણો વગેરે ચાલે છે. પરન્તુ પરીક્ષણ, શિક્ષણને અંતે હોવું જોઈએ. શિક્ષણ પામ્યા વગરના પરીક્ષણનો કશો અર્થ નથી. પરીક્ષણ લક્ષ્ય ન હોવું જોઈએ, જ્ઞાન મુખ્ય છે, કૌશલ મુખ્ય છે અને પરીક્ષણ એ તો જ્ઞાનમાપન કે કૌશલમાપનનું સાધન માત્ર છે. આજે પરીક્ષણ લક્ષ્ય બની ગયું છે, પરીક્ષણ કરતાંય ડિગ્રી લક્ષ્ય બની ગઈ છે અને ડિગ્રી કરતાંય નોકરી લક્ષ્ય બની ગઈ છે. જ્ઞાન કે કૌશલ્ય કયાંય જોવાતાં નથી, જ્ઞાનનું અવમૂલ્યન થયું છે.

પ્રશ્ન: આપને એમ નથી લાગતું કે શિક્ષણનો વ્યાપ વધ્યો તેથી શિક્ષણની ગુણવત્તા ઘટી છે?

ઉત્તર: મને લાગે છે કે વ્યાપ પર કે ગુણવત્તા પર – બન્નેમાંથી એક પર પણ ભાર મૂકવામાં આવ્યો નથી. જનસંખ્યાના પ્રમાણમાં નિરક્ષરતાનું પ્રમાણ જોતાં વ્યાપ પર ભાર મૂકાયો છે, એવું લાગતું નથી. અને ગુણવત્તા તો ઘટતી જ જાય છે. એનાં જુદાં કારણો છે.

પ્રશ્ન: શિક્ષણ પામેલામાં તો નિર્ભયતા આવવી જોઈએ, એને બદલે આજે એવા લોકોમાં કાયરતા કેમ દેખાય છે?

ઉત્તર: મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ૧૯૧૫માં ભારત આવ્યા ત્યારે એમના રાજનીતિગુરુ શ્રી ગોખલેએ તેમને ભારતીય જનોની સેવા કરવા માટે સૌ પહેલાં આખા ભારતનું પરિભ્રમણ કરવાનું સૂચવ્યું. ગોપાલકૃષ્ણ ગોખલેની વાત માનીને મહાત્મા ગાંધીએ ભારતની યાત્રા આરંભી. યાત્રા પૂરી કર્યા પછી જ્યારે તેઓ પાછા અમદાવાદ આવ્યા, ત્યારે સ્વ. ડૉ. હરિપ્રસાદ દેસાઈએ તેમને ટીખળમાં પૂછ્યું: “શું જોયું?” મહાત્માજીએ ઉત્તર આપ્યો: “બધે જ નાટારંભ ચાલે છે, કોઈને દેશની પડી નથી. ભણેલાની નિષ્ઠુરતા અને આપમતલબીપણું જ્યાં અને ત્યાં વરતાય છે.” ગાંધીજીએ તે વખતે વર્ણવેલી પરિસ્થિતિમાં આજે એંસી વરસ થવા આવ્યાં છતાં કશો ફેર પડ્યો નથી. એક મજૂરને પહેલાં દાડિયાના પાંચ રૂપિયા મળતા હતા, આજે ૧૫ (પંદર) મળે છે મહીનાના ૪૫૦ રૂપિયા થયા. એટલામાં એને પોતાનું મોટું કુટુંબ આ મોંઘવારીમાં ચલાવવું પડે છે અને એમાં પણ એની નિરક્ષરતાનો લાભ લઈ અંગૂઠાની છાપ પડાવીને લૂંટણખોરી અને શોષણખોરી ચાલી રહી છે! જ્યારે બીજી બાજુ પાયલોટોને માસિક ૩૦૦૦૦ (ત્રીસ હજાર) રૂપિયા મળે છે છતાં તેઓ કહે છે કે અમારું પૂરું થતું નથી! કારણ કે એનું કામ બીજો કોઈ કરી શકતો નથી એટલે એવી ગરજનો એ લાભ ઉઠાવવા માગે છે!

આનું કારણ એ છે કે આપણું અત્યારનું શિક્ષણ માણસના મનની ધાતુને બદલાવી શક્યું નથી – એ Man-Making બની શક્યું નથી. ચારિત્ર્ય ઘડતરનો મુખ્ય હેતુ એ બર લાવી શક્યું નથી. જયાં સુધી શિક્ષણ આવું મૂલ્યલક્ષી નહિ બને ત્યાં સુધી કોઈ આરો ઓવારો જણાતો નથી.

આ માટે પણ કોઠારી કમીશનમાં કેટલાંક ઉત્તમ સૂચનો છે ખરાં, પણ એના અમલ માટે પ્રજાએ ચૂંટેલી સરકારમાં જ પ્રથમ તો નિર્ભયતા જોઈએ અને સરકાર જો અમલ કરવામાં આંખમીંચામણાં કરે તો પ્રજાએ બુલંદ માગણી કરવી જોઈએ; પ્રજાનો એ પૂરો અધિકાર છે. કારણ કે પ્રજાએ જ પોતાની પ્રતિનિધિ તરીકે સરકાર ચૂંટી છે.

પ્રશ્ન: કેટલાક નિષ્ઠાવાન અને કુશળ શિક્ષકોના શૈક્ષણિક પ્રયોગોમાં વહીવટી દખલગીરી થવાથી તેઓ પોતાનું કાર્ય સારી રીતે કરી શકતા નથી. એને માટે આપ શો ઉપાય સૂચવો છો?

ઉત્તર: નિષ્ઠાવાન, ચારિત્ર્યસંપન્ન અને કુશળ શિક્ષકના કાર્યમાં દખલગીરી કરનાર વહીવટદારોને એવા શિક્ષકોએ પાગલ સમજીને પોતાનું કામ કર્યે જ જવું જોઈએ. એમના સત્તાના ગાંડપણની ઉપેક્ષા જ કરવી જોઈએ. રસ્તે ચાલતો કોઈ ગાંડો માણસ પથરા ફેંકતો હોય અને બીજા ચાલતા માણસો એની ઉપેક્ષા કરતા પોતાને રસ્તે ચાલ્યા જાય, એવું વલણ રાખવું જોઈએ.

પ્રશ્ન: કેટલાક શિક્ષકો વર્ગમાં ભણાવતા નથી. તેમને પોતાના વિષયનું જ્ઞાન પણ હોતું નથી. એ માટે શું કરવું જોઈએ?

ઉત્તર: જો વિદ્યાર્થીઓ સાચેસાચ એવા શિક્ષકને ન ઇચ્છતા હોય, તો એવો શિક્ષક શાળામાં નહિ હોય. એવા શિક્ષકને દૂર કરવા વિદ્યાર્થીઓએ આચાર્યને ફરિયાદ કરવી જોઈએ. જરૂર પડે તો સંચાલકો પાસે પણ જવું જોઈએ. સારું શિક્ષણ મેળવવાના હેતુ માટે સંઘો રચવા જોઈએ. આજે વિદ્યાર્થીઓ સંધો રચે છે, પણ ખોટી રીતે અને ખોટા હેતુઓ માટે રચે છે. શિક્ષણ સારું મળે એ માટે જવાબદારીપૂર્વક સંધો રચાય તો એ ઈચ્છનીય છે. ગાંધીજી કહેતા કે તમારા શિક્ષકોનો ઠૈડ (ઠરડ) કાઢો.

આ માટે માબાપે પણ કાળજી લેવી જોઈએ અને પોતાનાં સંતાનોને સમુચિત શિક્ષણ મળી રહે તે માટે “શિક્ષક શું કરે છે?” એટલું જ નહિ, પણ પોતાનાં બાળકો કેવું શિક્ષણ પામીને શું કરે છે, તેનું ધ્યાન રાખવું જોઈએ.

પ્રશ્ન: શિક્ષણમાં વિદ્યાર્થીઓને આધ્યાત્મિક જ્ઞાન આપવું જોઈએ ખરું કે? જો આપવું હોય તો કેટલું અને કેવી રીતે આપવું જોઈએ?

ઉત્તર: આપણે ત્યાં ટી.વી., રેડિયો વગેરે સમૂહ માધ્યમો છે. તેમના દ્વારા વિદ્યાર્થીઓમાં ઉચ્ચ આધ્યાત્મિકતાની સમજણ આપી-કેળવી શકાય તેમ છે. આ માધ્યમો રંજન પણ આપી શકે છે, પણ એ રંજન ઊંચા ધોરણનું, શિષ્ટ અને મૂલ્યપોષક હોવું જોઈએ. આજે એવું જણાતું નથી.

આપણા દેશમાં અનેક સંપ્રદાયો છે. બધાની ઉપલી તરાહ જુદીજુદી છે. એવા સાંપ્રદાયિક શિક્ષણની વાત આ નથી. આ તો સર્વસંપ્રદાયોના – હિન્દુ, બૌદ્ધ, જૈન, શીખ, ઈસ્લામ, ખ્રિસ્તી, પારસી – વગેરે બધા જ ધર્મસંપ્રદાયોના ગર્ભમાં પડેલી આધ્યાત્મિકતાનું જ્ઞાન આપી શકાય. સર્વધર્મસંપ્રદાયોમાં આ આધ્યાત્મિકતા એકસમાન રૂપે રહેલી છે. એ પોતે સાંપ્રદાયિક નથી, પણ બધા સંપ્રદાયોમાં એ પડેલી છે. સર્વસંપ્રદાયોમાં રહેલી આધ્યાત્મિકતાનું શિક્ષણ અપાવું જોઈએ. આવી આધ્યાત્મિકતાની સમજણ આપવા માટે પણ કોઠારી કમીશને સૂચનો કર્યાં છે એનો અમલ થવો જોઈએ. બર્ટ્રાન્ડ રસેલ આવી આધ્યાત્મિકતાને ‘no man’s land’ તરીકે ઓળખાવે છે એટલે કે આવી આધ્યાત્મિકતા કોઈ ધર્મસંપ્રદાયની સુવાંગ મૂડી નથી.

વિશ્વવિદ્યાલયોમાં પહેલાં ‘જગતના ધર્મોનો પરિચય’ નામનો વિષય કૉલેજના પ્રથમ વર્ષમાં શીખવાતો હતો. પણ પાછળથી એ દૂર કરવામાં આવ્યો કારણ કે ત્રિવર્ષી ડિગ્રી કૉર્સ આવ્યો અને કૉલેજમાંથી પહેલું વરસ નીકળી પણ એની સાથે આ મહત્ત્વનો વિષય પણ કાઢી નાખવામાં આવ્યો! વરસ અને વિષય સાથે તાલમેળ બેસાડવામાં આવ્યો અને પરિણામે અગત્યના શિક્ષણની ખોટ ખાવી પડી. પાઠ્યક્રમ ઘડનારાઓએ વિષયના મહત્ત્વને બદલે વરસની ગણતરીને મહત્ત્વ આપ્યું.

આધ્યાત્મિકતાના સર્વધર્મસમાન તત્ત્વો આચાર્ય વિનોબા, આનંદશંકર ધ્રુવ વગેરેએ લખ્યાં છે. આનંદશંકર ધ્રુવે ‘ધર્મવર્ણન’ નામના પુસ્તકમાં તેરેક ધર્મોનો પરિચય આપ્યો છે, તે વાંચવો જોઈએ.

‘ધૃ’ – ‘ધારણ કરવું’ – પરથી ‘ધર્મ’ શબ્દ બન્યો છે એટલે જીવનધારક જે Spirituality છે, તેના વગર કોઈપણ માણસ ખરો Religious બની જ ન શકે.

એટલે આ રીતે ધર્મનું – આધ્યાત્મિકતાનું – શિક્ષણ અપાવું જ જોઈએ.

Total Views: 126
By Published On: March 1, 1993Categories: Yashwant Shukla0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram