(ભારતના સન્માન્ય રાષ્ટ્રપતિનું આ રોચક વક્તવ્ય રાષ્ટ્રીય કાયાકલ્પ અને પુનઃનિર્માણની પ્રક્રિયાને વેગવંત કરનાર સ્વામી વિવેકાનંદનાં ચૂંબકીય વ્યક્તિત્વ અને તેમના હૃદયસ્પર્શી સંદેશની પ્રભાવક રજૂઆત કરે છે. સ્વામીજીનો સંદેશ સાંપ્રત ભારતના અને વિશ્વના મહત્ત્વના પ્રશ્નોને અનુલક્ષીને પણ કેટલો આનુષંગિક અને પ્રસ્તુત છે તે પ્રત્યે અંગુલીનિર્દેશ કરતાં ડૉ. શર્મા બધાને, મુખ્યત્વે આપણા બાળકો અને યુવાનોને રાષ્ટ્રીય પુનર્નિર્માણના અને ભવિષ્યના સામાજિક પરિવર્તનના પડકારોને સફળતાપૂર્વક ઝીલવા માટે સ્વામી વિવેકાનંદના ભવ્ય ઉદાહરણને અનુસરવા અનુરોધ કરે છે.)

સૌથી મહાન ધર્મશોધકો, આધ્યાત્મિક મહંતો અને સમાજ સુધારકોમાં જેમની ગણના થાય છે તેવી ભારતની પરમ પૂજનીય વિભૂતિ સ્વામી વિવેકાનંદની ભારત પરિક્રમાના શતાબ્દી સમારોહમાં આપનો સહભાગી થતાં મને અત્યંત આનંદ થાય છે. આપણા રાષ્ટ્રના સાચા પનોતા પુત્ર સ્વામી વિવેકાનંદના અજોડ ચૂંબકીય વ્યક્તિત્વમાંથી અમોઘ શક્તિ અને અજેય સામર્થ્ય પ્રસરતું હતું.

સ્વામી વિવેકાનંદની વ્યાપક દૃષ્ટિ અનેક ક્ષેત્રોને આવરી લેતી હતી અને બીજા લોકોને પ્રવૃત્તિઓ સંપન્ન કરતાં ઘણા દશકાઓ લાગે, તે બધી પ્રવૃત્તિઓના વ્યાપને તેમણે પોતાના ટૂંકા આયુમાં સંપન્ન કર્યો. રાષ્ટ્રીય હિત માટેનાં જેમનાં બલિદાનોએ ભારતને રાજકીય સ્વાતંત્ર્ય અપાવ્યું તેવા ભારતનાં યુવાન કે વૃદ્ધ પનોતા પુત્રો અને પુત્રીઓના સ્વામીજી પ્રેરણાસ્રોત હતા. સ્વાતંત્ર્ય પછી આપણા મહાન રાષ્ટ્ર આર્થિક વિકાસનાં જુદાંજુદાં ક્ષેત્રોમાં પ્રભાવક સિદ્ધિ હાંસલ કરી છે અને સ્વામી વિવેકાનંદે જે ભવ્ય ભારતની ઝાંખી અને આગાહી કરેલી તેના નિર્માણના ભગીરથ કાર્યમાં આપણે સૌ પ્રવૃત્ત છીએ.

ઈ.સ.૧૮૯૩માં શિકાગો ખાતે મળેલી વિશ્વધર્મ પરિષદમાં સ્વામીજીની સામેલગીરીની શતાબ્દીની ઉજવણી કરવા માટે પણ આજે આપણે સૌ ભેળા થયા છીએ.

આધુનિક અને બિનસાંપ્રદાયિક ભારતના અભ્યુદયમાં સ્વામી વિવેકાનંદના ઐતિહાસિક યોગદાનને અને નૈતિક તેમજ આધ્યાત્મિક મૂલ્યોના સતત સંવર્ધન દ્વારા માનવ સમાજના ઉત્થાનના તેમના ભગીરથ કાર્યને યાદ કર્યા સિવાય સ્વામી વિવેકાનંદના પ્રશંસક માટે વધુ મોટો સંતોષ બીજો કયો હોઈ શકે? સ્વામી વિવેકાનંદનાં વ્યક્તિત્વ અને સંદેશથી હું મારા બાળપણના સમયથી જ આકર્ષાયેલો રહ્યો છું અને તેથી જ આજના આ યાદગાર સમારંભમાં મને નિમંત્રણ આપનાર શતાબ્દી ઉજવણી કમિટી તેમજ બધા આયોજકો પ્રત્યે હું મારી આભારની હાર્દિક લાગણી વ્યક્ત કરું છું.

શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદની ભાવના સાચાં આધ્યાત્મિક જીવનને ચરિતાર્થ કરતા વૈશ્વિક ધર્મની છે. ૧૮૮૬ની સાલમાં તેમની છેલ્લી બિમારી વખતે શ્રીરામકૃષ્ણ પરમહંસે તેમના યુવાન શિષ્યને એક દૈવી મિશનનું સુકાન સોંપ્યું. આ જવાબદારીની પરિપૂર્તિરૂપે સ્વામી વિવેકાનંદે ભારતની પરિક્રમા કરી અને વિદેશોનો વ્યાપક પ્રવાસ ખેડ્યો. સમાજમાંથી જડવાદી અને પુરાણા રીતિરીવાજોને દૂર કરીને વેદાન્તના જ્ઞાનના પ્રસાર માટે તેમણે રાષ્ટ્રીય કાયાકલ્પ અને પુનર્નિર્માણની પ્રક્રિયાને વેગવંત કરી. અતીતના પાયા ઉપર પણ તેની ક્ષતિઓને દૂર રાખીને નિર્માણ કરવામાં તેમને શ્રદ્ધા હતી. માત્ર આધ્યાત્મની શક્તિ જ સંસ્થાઓ અને કાયદાઓમાં પ્રાણ પૂરી શકે અને વ્યક્તિગત ચારિત્ર્યની પવિત્રતાની શક્તિ જ નવા સમાજનું નિર્માણ કરી શકે તેવી તેમની માન્યતા હતી.

સ્વામીજી વારાણસી, હિમાલયનાં તીર્થ સ્થાનો અને શ્રીકૃષ્ણની સ્મૃતિ અને કથાઓની પવિત્ર નગરી દ્વારકામાં વિહર્યા. પૂણે ખાતે તેઓ આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના મહાન જ્યોતિર્ધર લોકમાન્ય તિલકના મહેમાન થયા હતા. કેરળ ખાતેના તેમના નિવાસ અંગેનો એક અહેવાલ જણાવે છે, “તેમનામાં એક જ સ્થળે અને સમયે અનેક માણસોના અનેક પ્રશ્નોના જવાબ આપવાની અદ્‌ભુત શક્તિ હતી. સ્પેન્સરની વાત હોય, શેક્સપિયર કે કાલિદાસની વાત હોય, ડાર્વિનનો ઉત્ક્રાન્તિવાદ હોય, યહૂદીઓનો ઇતિહાસ, આર્ય સંસ્કૃતિનો વિકાસ, વેદો, ઈસ્લામ, ખ્રિસ્તી ધર્મ – ગમે તેને લગતો પ્રશ્ન હોય પણ સ્વામીજી પાસે તેનો યોગ્ય જવાબ હાજર જ રહેતો.”(૧)

હું માનું છું કે અત્યારે હાજર રહેલા આપણામાંના ઘણાને એ જાણીને આનંદ થશે કે સ્વામી વિવેકાનંદ જ્યારે તેમના યજમાનને ઘેર પહોંચ્યા, ત્યારે તેમની સરભરા માટે મોકલાયેલ મુસ્લિમ પટાવાળો તેમની સાથે હતો. તે સમયે પોતે છેલ્લા બે દિવસથી માત્ર થોડું દૂધ જ લીધેલું હોવા છતાં સ્વામીજીએ પહેલું ભોજન પટાવાળાને પીરસાવવાનો આગ્રહ સેવ્યો હતો. સ્થાનિક નાગરિકોને તેમના વિચાર ખૂબ જ ઉદારમતવાદી લાગ્યા હતા. સ્ત્રીઓ અને બધા વર્ગોના સભ્યો શિક્ષણ મેળવીને પોતાની જરૂરિયાતો અંગેની પ્રતિભાવંત દૃષ્ટિથી ગૌરવ હાંસલ કરી શકે એમ તેઓ ઇચ્છતા હતા. ત્રિવેન્દ્રથી તેઓ રામેશ્વરમ્ અને ત્યાંથી ભારતીય ઉપકલ્પના દક્ષિણના છેલ્લામાં છેલ્લા સ્થળ કન્યાકુમારી ગયા હતા. આ રીતે તેમની મહાન યાત્રા પરિપૂર્ણ થઈ હતી. અહીં પોતાની પ્રિય માતૃભૂમિ અંગે વિચાર કરતાં અને ચિંતન કરતાં તેમને જે પ્રકાશ લાધ્યો તેણે તેમના મિશનને માનવસેવામાં સમર્પિત કરાવ્યું અને તેમને માનવ ઇતિહાસમાં અનોખું સ્થાન અપાવ્યું.

ભારતમાં તેમજ વિદેશોમાં સ્વામીજીએ બધા ધર્મોની ઉપયુક્તતાનો અને તેમના સ્વતંત્ર અસ્તિત્વનો સ્વીકાર કર્યો હતો. એક વાર તેમણે ધર્મની વૈશ્વિકતા અંગેની એક ચર્ચાનું સમાપન નીચેના શબ્દોમાં કર્યું હતું:

“આપણો મંત્ર સ્વીકૃતિ હશે, અસ્વીકૃતિ નહીં. માત્ર સહિષ્ણુતા જ નહીં, પણ સ્વીકાર. સહિષ્ણુતાનો અર્થ એવો થાય કે તમે ખોટા છો એમ હું માનું છું, છતાં હું તમને ફક્ત જીવવા દઉં છું. હું તો સ્વીકારમાં માનું છું. ભૂતકાળના બધા ધર્મોનો હું સ્વીકાર કરું છું. તે બધાને હું ભજું છું. ઈશ્વરના જે સ્વરૂપને તે બધા ભજતા હોય, તે દરેક સ્વરૂપને તેમની સાથે રહીને હું ભજું છું. ભૂતકાળના બધા પયગંબરોને પ્રણામ. વર્તમાનના બધા મહાન સંતો અને ભવિષ્યમાં આવનાર બધા મહાન સંતોને પ્રણામ!”(૨)

સ્વામી વિવેકાનંદે ભારતની લોકસંસ્કૃતિ અને જ્ઞાનનો ઊંડે સુધી અભ્યાસ કર્યો હતો. જીવન પ્રત્યેના આપણા અભિગમના પ્રાચીન ધોરણનો અને આપણી ઉપલબ્ધિઓનો તેમને ખ્યાલ હતો અને લોકો સહેલાઈથી સમજી શકે તેવી ભાષામાં આ વાત તેમણે લોકોને સમજાવી હતી. પણ તેમણે પોતાની જાતને માત્ર ભારત પૂરતી મર્યાદિત રાખી નહોતી અને તેથી જ તેમનો સંદેશ વિદેશોમાં પણ પૂરતા ધ્યાનથી સાંભળવામાં આવ્યો હતો. તેમણે કહેલું:

“આપણે વિધાયક વિચારોનું પ્રદાન કરવું જોઈએ. નકારાત્મક વિચારો માણસને માત્ર દુર્બળ બનાવે છે… તમે જો તેઓને વિધાયક વિચારો આપો, તો લોકો શક્તિશાળી બનશે અને પોતાના પગ ઉપર ઊભા રહેતાં શીખશે. ભાષા તેમજ સાહિત્યમાં, કવિતા તેમજ બધી કલામાં, દરેકમાં આપણે લોકો પોતાના વિચારોમાં અને વર્તનમાં ભૂલો કરે છે તે પ્રત્યે નહીં પણ ક્રમશ: આ લોકો કઈ રીતે વધુ સારું કરી શકશે તેના તરફ અંગુલિનિર્દેશ કરવો જોઈએ…”(૩)

વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામીજીએ સમજાવ્યું હતું કે હિન્દુ ધર્મ પોતે જ એક ધર્મ પરિષદ સમાન છે અને ઈશ્વરપ્રાપ્તિના જુદા માર્ગોને એકસરખા સન્માનથી જ સ્વીકારે છે. અમેરિકામાં પ્રખ્યાત વર્તમાનપત્રોએ તેમની ભરપૂર પ્રશંસા કરી હતી. ન્યૂયૅાર્ક હેરાલ્ડ નામના છાપાએ લખેલું, “વિશ્વધર્મ પરિષદમાં તે નિ:શંકપણે સૌથી મહાન પ્રતિભાવંત સિદ્ધ થયા છે.”(૪) આધ્યાત્મના શિક્ષણ દ્વારા વ્યક્તિ સર્વોચ્ચ ભૂમિકાએ પહોંચી શકે, યાતનાઓથી મુક્ત થઈ શકે અને પોતાના દેશબાંધવોનું અજ્ઞાન દૂર કરી શકે તે બાબતમાં બધાને મદદરૂપ થવાનું હવે તેમનું ધર્મકાર્ય થવાનું હતું.

ડૉ. ઍની બેસંટે વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદ સાથેની તેમની મુલાકાતને આ રીતે વર્ણવી છે:

“એક આકર્ષક વ્યક્તિત્વ, પીળાં અને કેસરી વસ્ત્રોમાં સજ્જ, શિકાગોના ભારેખમ વાતાવરણમાં ભારતના સૂર્ય સમાન દેદીપ્યમાન, સિંહ જેવું મસ્તક, ભેદક આંખો, ચપળ હોઠ, ઝડપી અને ઓચિંતી હાલચાલ – આવી સ્વામી વિવેકાનંદની મારી પહેલી છાપ હતી. વિશ્વધર્મ પરિષદના સભ્યોના ઉપયોગ માટે રખાયેલા અલાયદા ખંડમાં હું જ્યારે તેમને મળી ત્યારે તે મને હેતુલક્ષી, મર્દાનગીસભર, શક્તિશાળી, બીજા માણસોથી અલગ તરી આવતા, આત્મનિર્ભર લાગ્યા.”(5)

વિશ્વધર્મ પરિષદમાં સ્વામીજીની જ્વલંત સફળતાના સમાચાર ભારત પહોંચતાં વાર લાગી, પણ એકવાર તેની ભારતમાં જાણ થતાંની સાથે જ ભારતમાં રાષ્ટ્રીય ગૌરવ અને આનંદનો ઉભાર આવ્યો. શ્રીરામકૃષ્ણદેવની જૂની ભવિષ્યવાણી ઘણાને યાદ આવી, “નરેન દુનિયાને જડમૂળથી હલબલાવી નાખશે..”

આપણે યાદ રાખવું જોઈએ કે સ્વામીજીએ વેદાન્ત, જેનાં મૂળ પૌરાણિક ભારતીય શાસ્ત્રોમાં સમાયેલાં છે, તેના ઉપદેશ માત્રથી સંતોષ ન માનતાં તેમ કરવામાં બીજા ધર્મોની પણ મદદ લીધી. જાન્યુઆરી ૧૯૦૦માં કૅલીફૅાર્નિયા ખાતે મારું જીવન અને જીવનકાર્ય વિષે બોલતાં તેમણે પોતે પોતાના ગુરુભાઈઓ સાથે શ્રીરામકૃષ્ણદેવ પાસેથી કેવી રીતે વિચારો મેળવ્યા હતા અને તેમના વિચારો પ્રસરાવવાનું બધાએ સાથે મળીને કેવી રીતે નક્કી કરેલું તેનું વર્ણન કર્યું હતું. તેમણે કહેલું, “માત્ર પ્રસરાવવાનું જ નહીં પણ તેને વ્યવહારુ બને તે રીતે બીજા પાસે મૂકવાનું. અર્થાત્ આપણે આપણાં વ્યવહારુ જીવનમાં હિન્દુઓની આધ્યાત્મિકતા, બૌદ્ધોની કરુણા, ખ્રિસ્તીઓની કર્તવ્યશીલતા અને મુસ્લિમોની બિરાદરી વ્યક્ત કરવાનાં છે.”(6)

સ્વામી વિવેકાનંદે બહુ સ્પષ્ટ રીતે સામાજિક અને આર્થિક વિકાસના સાધન તરીકે શિક્ષણના ઉપયોગની જરૂરિયાતને પિછાણી હતી પણ પુસ્તકિયા અને પોપટિયા જ્ઞાન પ્રત્યે તેમને તિરસ્કાર હતો. તેમણે કહેલું, “આપણે જીવન-ઘડતર, માનવ-ઘડતર, ચારિત્ર્ય નિર્માણનું સમાયોજન કરે તેવા વિચારોની જરૂર છે. જો શિક્ષણ અને માહિતી એકબીજાના પર્યાય હોય, તો દુનિયામાં પુસ્તકાલયો સૌથી મહાન સંતો અને બધા જ્ઞાનકોષો ઋષિઓ ગણાય.”(૭) તેઓ નારી શિક્ષણના પણ પ્રખર હિમાયતી હતા અને અનેકવાર મનુને ટાંકીને કહેતા, “જેટલી કાળજી અને ધ્યાનથી પુત્રોના ભાઈના શિક્ષણની વ્યવસ્થા થાય છે તેટલી જ કાળજી અને ધ્યાનથી પુત્રીઓના – નારી શિક્ષણનો પણ પ્રબંધ થવો જોઈએ.”(૮)

સ્વામીજી જાણતા હતા કે સામર્થ્ય કોઈપણ પ્રજાનો સૌથી મહત્ત્વનો સદ્ગુણ છે અને ખાસ કરીને ભારતનાં બાળકો અને યુવાનોને તેમણે શક્તિનો સંદેશ આપ્યો હતો. કેટલાંક વર્ષો પછી મહાત્મા ગાંધીજીએ પણ આપણને આ જ સંદેશો આપ્યો. તેમણે આપણને નિર્ભય બનવાની શીખ આપી.

હું માનું છું કે અગાઉના કોઈપણ સમય કરતાં સૌથી વધુ આજે આપણાં યુવાનો અને યુવતીઓએ સ્વામી વિવેકાનંદના ઉપદેશોને વધુને વધુ આત્મસાત્ કરવાની અને તેમાંથી પ્રેરણા લેવાની જરૂર છે. આપણે તેમણે જે શિખવ્યું કે લખ્યું તેને વાંચવાની અને તેમના ઉપદેશોને ગ્રહણ કરવાની જરૂર આપણે જો તેમ કરીશું, તો આપણા રાષ્ટ્રને મૂંઝવતા બધા પ્રશ્નો હલ કરવાનું બહુ સહેલું બનશે, તે બાબતમાં મને કોઈ શંકા નથી.

જનસમૂહને તેમણે જે પ્રાધાન્ય આપ્યું હતું, તેમનાં શોષણ પ્રત્યેનો જે પુણ્યપ્રકોપ તેમણે ઠાલવ્યો હતો, પ્રાચીન ભારતના સંસ્કૃતિ અને ધર્મ પ્રત્યેનું તેમના મનમાં જે ગૌરવ હતું અને અંધ નકલના પાંજરામાં સપડાયા વગર પાશ્ચાત્ય વિજ્ઞાન અને તંત્રવિદ્યાનો લાભ આપણો દેશ લઈ શકે તેવી તેમની જે ઉત્કટ તાલાવેલી હતી તે બધાં ઉપરથી સ્વામી વિવેકાનંદ પોતાના સમય કરતાં કેટલા આગળ હતા તે હકીકત તરફ હું તમારું ધ્યાન દોરવા ઇચ્છું છું. મને લાગે છે કે તેમણે જે વિચારો પ્રવાહિત કર્યા તે વિચારો સમકાલીન ભારત માટે ખરેખર ક્રાન્તિકારી વિચારો હતા અને ત્યાર પછીની આપણા દેશની રાજકીય વિચારધારા અને કાર્યપદ્ધતિ ઉપર તેની જબરજસ્ત અસર થઈ હતી. તે ઘણીવાર કહેતા, “આચરણની એક ચિંત હજાર મણ વજનની મોટી વાતો બરાબર છે.” આધુનિક ભારતના પર્યાવરણમાં વિદ્યમાન સર્વધર્મસમભાવ અને સમાજવાદનાં માત્ર બે જ ક્ષેત્રોમાં સ્વામી વિવેકાનંદ સહાયભૂત થયા હતા તેવું નથી. વેદાન્તનાં તેમનાં જ્ઞાન અને બીજા ધર્મોની તેમની સમજણે તેમને અસ્પૃશ્યતાની ભયાનક રૂઢિના કટ્ટર વિરોધી બનાવ્યા હતા. અસ્પૃશ્યતાને તેઓ સખત રીતે ધિક્કારતા હતા. તેમને એ ખ્યાલ પણ તરત આવી ગયો હતો કે પ્રવૃત્તિની પરિતૃપ્તિ દ્વારા મળતી શાંતિ અસહાયતા અને નિરાશામાંથી ઉદ્ભવતી શાંતિ કરતાં ગુણાત્મક રીતે તદ્દન જુદી વસ્તુ છે. એટલે જ તેઓ ગરીબીની નાબૂદી કરે અને ઉત્પાદનમાં વધારો કરે તેવી બધી પ્રવૃત્તિઓના હિમાયતી હતા. અલબત્ત, તેમને માટે ભૌતિક વિકાસ એ આધ્યાત્મિક વિકાસની દિશામાં એક માત્ર સંક્રમક અવસ્થા હતી, તેનો વિકલ્પ નહીં. ગાંધીજીની જેમ તેઓ ભૌતિક જરૂરિયાતોના નિયંત્રણની તરફદારી કરતા હતા. તેમને ભૌતિક વિકાસ જોઈતો હતો, પણ તે ખાસ કરીને માત્ર જનસમૂહ માટે જ, જેથી તેઓ પોતાની જીવનજરૂરિયાતો પરિપૂર્ણ કરી શકે. ૧૯૪૧માં ગાંધીજીએ તેમના વિષે લખ્યું, “સ્વામી વિવેકાનંદનાં લખાણને કોઈના ઉપોદ્ધાંતની જરૂર નથી, તે વાત નિ:શંક છે. તેમની પોતાની એક અપ્રતિકારક અસર છે.”

આ પ્રસંગે મને સ્વામીજીનો માનવતાનો પ્રેરક સંદેશ યાદ આવે છે, “પ્રેમના ધ્વજને લહેરાવો”, તેમણે ગર્જના કરેલી, “ઊભા થાઓ, જાગો અને ધ્યેયપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો.” તેમણે તેમના શિષ્યોને કહેલું કે આપણું ધ્યેય વૈશ્વિક ચેતનામાં પોતાની વ્યક્તિગત ચેતનાને અને એ દ્વારા બીજા લોકોની વ્યક્તિગત ચેતનાને પામવાનું છે. તેમણે શિષ્યોને કહેલું, “તમારે જો બીજા લોકોને મદદ કરવી હોય તો તમારા સંકુચિત અહને છોડો… આ યુગમાં જ્યાં એકબાજુ લોકોએ ખૂબ જ વ્યવહાર કુશળ થવાની જરૂર છે, ત્યારે બીજી બાજુ તેમણે ઊંડાં આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવાની પણ જરૂર છે.” હું માનું છું કે આવું કહીને સ્વામી વિવેકાનંદે આધુનિક યુગમાં વિજ્ઞાન અને અધ્યાત્મના સમાયોજન માટે કામ કરનાર આચાર્ય વિનોબા ભાવેના આગમન તરફ ઈશારો કરેલો.

ગરીબો માટેની સ્વામીજીની તીવ્ર લાગણી તેમના આ શબ્દોમાં સ્પષ્ટ થાય છે, “ચાલો, આપણા માંહેની એકે- એક વ્યક્તિ ભારતના કરોડો કચડાયેલા, ગરીબી, પંડાગીરી અને જુલ્મના સકંજામાં જકડાએલા લોકો માટે દિવસ-રાત પ્રાર્થના કરીએ. સમાજમાં સુપ્રતિષ્ઠિત અને ધનવાન લોકોને ધર્મોપદેશ આપવા કરતાં હું આવા લોકોને ધર્મોપદેશ આપવાનું વધુ પસંદ કરું છું, ગરીબને માટે જેનામાં લાગણી હોય તેને હું મહાત્મા કહું છું…”

સદીઓ પહેલાં મહારાષ્ટ્રમાં સંત તુકારામે ગાયું હતું:

जे का रंजले गांजले, त्या सी म्हणे जो आपुले।
तो ची साधु ओलखावा, देव तेथेची जाणावा॥

તુકારામ ગાથા

“જે માણસ દુ:ખી અને પીડિતને પોતાના જ માને, તેને સાચો સંત, ઈશ્વરનો અવતાર માનજે.”

સ્વામીજીની ભારત પરિક્રમા દરમિયાન તેઓ કેરળની આ ભૂમિ ઉપર પણ આવી ગયા હતા તે – પરિક્રમાના અને વિશ્વધર્મ પરિષદની તેમની તેજસ્વી સામેલગીરીના આ શતાબ્દી વર્ષમાં આપણે માટે તેમના સંદેશને અને માનવતાની સેવા માટેના તેમના જીવનકાર્યને યાદ કરવાનું ઉચિત ગણાશે. જે રીતે આ પરિક્રમાએ આપણી સાંસ્કૃતિક એકતાના તાણાવાણાને સુસંવાદી પદ્ધતિમાં વણવાની પ્રક્રિયામાં મદઢ કરી અને આપણી રાષ્ટ્રીય ચેતનાને પુર્નજાગૃત કરવામાં એક મહત્ત્વની કડી તરીકે કામ કર્યું તે જ રીતે શિકાગો ખાતે સ્વામીજીએ ધર્મનો નવો આયામ આપ્યો અને ભારતને પશ્ચિમમાં રજૂ કર્યું, ખાસ તો વિદેશમાં વસતા ભારતીયો પાસે ભારતને રજૂ કર્યું.

પણ વિવેકાનંદને માત્ર વ્યક્તિ તરીકે જ પૂજવાનું પર્યાપ્ત નથી. ખરેખર તો જે વિચારો અને આદર્શોને સ્વામી વિવેકાનંદે આપણી સામે મૂક્યા તેને સમજવાની, સ્વીકારવાની અને અમલમાં મૂકવાની જરૂર છે. તે જ આપણે સ્વામીજીની દિવ્ય સ્મૃતિને સાચા અર્થમાં અંજિલ આપી ગણાશે અને તેમના વારસાને સાચવ્યો ગણાશે.

એથી જ ચાલો આપણે ફરીથી સ્વામી વિવેકાનંદના પ્રેરણાત્મક સંદેશને ઝીલવાનો, હૃદયથી અને મનથી શક્તિશાળી બનવાનો અને અન્યાય અને દુરાચારને કદી પણ શરણે ન થવાની શક્તિ મેળવવાનો નિરધાર કરીએ. આપણા આજના અને ભવિષ્યના દેશબાંધવો ખાસ કરીને આપણા બાળકો અને યુવાનો રાષ્ટ્રીય પુનર્નિર્માણ અને સામાજિક ક્રાન્તિના ભાવિ પડકારોને સમર્થ રીતે ઝીલવામાં સ્વામી વિવેકાનંદના ભવ્ય ઉદાહરણને અનુસરશે, એવી મારી પ્રાર્થના અને હાર્દિક અભિલાષા છે.

ફરી એકવાર હું શતાબ્દી સમારોહ સમિતિ અને સ્વામી વિવેકાનંદના હાજર રહેલા ઘણા બધા ભક્તો અને ભાવિકો પ્રત્યે મારી કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરું છું અને તેમના માયાળુ આમંત્રણ બદલ આભાર માનું છું. હું આપ સૌને મારી શુભેચ્છા અને અભિવાદન પાઠવું છું અને આગામી વર્ષોમાં આપ સૌનાં સુખ અને શાંતિની પ્રાર્થના કરું છું.

જય હિંદ.

(એર્નાકુલમ, કોચીન ખાતે ૨૮ ઑક્ટોબર, ૧૯૯૨ના રોજ કાલાડીના રામકૃષ્ણ અદ્વૈત આશ્રમ અને ભારતીય વિદ્યા ભવનના કોચીન કેન્દ્ર દ્વારા આયોજિત સ્વામી વિવેકાનંદની ભારત પરિક્રમા અને ૧૮૯૩માં શિકાગો ખાતે યોજાયેલ વિશ્વધર્મ પરિષદની સ્વામીજીની સામેલગીરીના શતાબ્દી સમારોહનું ઉદ્‌ઘાટન પ્રવચન.)

સંદર્ભ:

૧.  The life of Swami Vivekananda by His Eastern And Western Disciples. 6th Ed., Vol.1, pp 337-338.

૨. સ્વામી વિવેકાનંદનાં સંપૂર્ણ સાહિત્યમાંથી (૧૯૯૧) ગ્રંથ-ર, પાનાં નં. ૩૭૩-૩૭૪ (અંગ્રેજી)

૩. સ્વામી વિવેકાનંદનાં સંપૂર્ણ સાહિત્યમાંથી (૧૯૯૧) ગ્રંથ-૭, પાના નં. ૧૭૦ (અંગ્રેજી)

૪.  The Life of Swami Vivekananda by His Eastern and Western Disciples – 6th Ed., Vol.1, pp 428

૫. ઉપર મુજબ, પાના નં ૪૨૯

૬. સ્વામી વિવેકાનંદનાં સંપૂર્ણ સાહિત્યમાંથી (૧૯૯૧) ગ્રંથ-૮, પાના નં. ૭૯-૮૦. (અંગ્રેજી)

૭. ઉપર મુજબ ગ્રંથ-૩, પાના નં. ૩૦૨

૮. ઉપર મુજબ ગ્રંથ-૫, પાના નં. ૨૬

૯. ગ્રંથ-૩, પાના નં. ૨૧૨

૧૦. પાના નં. ૪૩૦ ૧૧, ગ્રંથ-૫, પાના નં. ૫૮

ભાષાંતર: પ્રો. શ્રી નલિન છાયા

(‘પ્રબુદ્ધ ભારત’ ડિસેમ્બર ૯૨માંથી સાભાર લીધેલ છે.)

Total Views: 217

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.