‘રામધૂનમાં જે હિંદુ નથી તે કેમ જોડાય?’ એ પ્રશ્નના જવાબમાં ગાંધીજીએ લખ્યું હતું: “જ્યારે-જ્યારે કોઈ વાંધો ઉઠાવે છે કે રામનું નામ અથવા રામધૂનનું ગાયન તો ફક્ત હિંદુઓને સારુ છે એટલે મુસલમાનો તેમાં કેમ જોડાઈ શકે, ત્યારે મને હસવું આવે છે. તો શું મુસલમાનોનો એક ખુદા છે અને હિંદુ, ખ્રિસ્તી કે પારસીનો બીજો છે? ના, સર્વસમર્થ અને સર્વવ્યાપી ઈશ્વર એક જ છે. તેનાં નામો અનેક છે. આપણને જે સૌથી વધારે જાણીતું હોય તે નામથી આપણે તેને ઓળખીએ છીએ. મારો રામ જે રામની આપણે સૌ – પ્રાર્થના કરીએ છીએ તે રામ, અયોધ્યાના રાજા દશરથનો પુત્ર નથી કે ઇતિહાસમાં થઈ ગયેલો રાજા રામચંદ્ર નથી. મારો રામ તો સનાતન છે, તે કદી જન્મ લેતો નથી અને તેના જેવો બીજો કોઈ નથી.”
ગોસ્વામી તુલસીદાસજીની દૃષ્ટિમાં પણ રામ એક ઐતિહાસિક પાત્ર જ નહિ પણ સાક્ષાત્ પરબ્રહ્મ પરમેશ્વર પણ છે. તેમણે ત્રેતાયુગમાં અવતાર લીધો હતો પણ તેઓ આજે પણ હાજર છે. પણ તો પછી દેખાતા કેમ નથી? તેના ઉત્તરમાં તુલસીદાસજી કહે છે;
મુકુર મલિન અરુ નયન વિહીના
રામરૂપ દેખહિં કિમિ દીના
રાવણ અને તેના સૈનિકો રામ સાક્ષાત્ દેહધારણ કરી આવ્યા ત્યારે પણ તેમને ઓળખી શક્યા હતા? તેઓના માટે રામ શત્રુ હતા એટલે જ તુલસીદાસજી રાવણને ‘બિંસહુ લોચન અંધ’ (વીસ આંખવાળો આંધળો)ની ઉપાધિ આવે છે.
‘રામ મનુષ્ય છે કે ઈશ્વર?’ આ પ્રશ્નના ઉત્તરરૂપે જ ‘રામચરિતમાનસ’માં સમસ્ત રામકથા કહેવામાં આવી છે. રામચરિતમાનસના ત્રણેય શ્રોતાઓનો એક જ પ્રશ્ન છે. રામને પત્નીના વિરહમાં રડતા જોઈને સતીના હૃદયમાં સંશય ઉત્પન્ન થઈ ગયો:
બ્રહ્મ જો વ્યાપક વિરજ અજ અકલ અનીહ અભેદ
સોં કિ દેહ ધરિ હોઈ નર જાહિ ન જાનત વેદ
પાર્વતીના રૂપમાં તેમણે ફરી શિવજીને એ જ પ્રશ્ન કર્યો:
જોં નૃપતનય ત બ્રહ્મ કિમિ નારિ વિરહં મતિ ભોરિ
દેખિ ચરિત મહિમા સુનત ભ્રમતિ બુદ્ધિ અતિ મોરિ
ગરુડ પણ રામને લંકામાં નાગપાશથી મુક્ત કરી અને પોતે સંશયગ્રસ્ત થઈ જાય છે અને કાગભુશુંડજીને પૂછે છે:
ભવ બંધન તે છૂંટહિં નર જપિ જાકર નામ
ખર્બ નિસાચર બાંધેઉ નાગપાસ સોઈ રામ
ત્રીજા શ્રોતા ભરદ્વાજ પણ વ્યંગમાં યાજ્ઞવલ્ક્યને પૂછે છે:
એક રામ અવધેસકુમારા તિન્હ કર ચરિત વિદિત સંસારા
નારિ વિરંહ દુખુ લહેઉ અપારા ભયઉરોષુ રન રાવનુ મારા
પ્રભુ સોઈ રામ કિ અપર કોઉ જાહિ જપત ત્રિપુરારિ
સત્યધામ સર્વગ્ય તુમ્હ કહહુ વિવેકુ વિચારી
ખરેખર, આપણી આ સાધારણ બુદ્ધિ દ્વારા અવતાર-તત્ત્વ સમજવું મુશ્કેલ છે. પ્રત્યેક યુગમાં ધર્મની સ્થાપના માટે અને દુષ્ટોના વિનાશ માટે તેઓ મનુષ્ય દેહ ધારણ કરે છે.
પણ શું ફક્ત બહારના કેટલાક દુષ્ટોના વિનાશથી રામરાજ્યની સ્થાપના થઈ જશે? ગોસ્વામી તુલસીદાસજી એમ નથી માનતા. ‘વિનય-પત્રિકામાં’ ગોસ્વામીજી કહે છે-
મોહ દસમૌલિ તદ્ભ્રાત અહંકાર,
પાકારિજિત કામ બિશ્રામહારી (૫૮/૭)
“મોહ એ રાવણ, અહંકાર એ કુંભકર્ણ અને કામ એ મેઘનાદ છે.”
‘રામચરિતમાનસ’માં પ્રસંગ આવે છે: જ્યારે શ્રીરામના હાથે રાવણનો વધ થયો ત્યારે ઈન્દ્ર વગેરે દેવતાઓ શ્રીરામને આ દુષ્કર કાર્ય સંપન્ન કરવા માટે અભિનંદન દેવા માટે આવ્યા. સૌની છેલ્લે શિવજી આવ્યા પણ તેમણે શ્રીરામની પ્રશંસા કરવાને બદલે હાથ જોડી કહ્યું:
મામભિરક્ષય રઘુકુલ નાયક ।
ધૃત બર ચાપ રુચિર કર સાયક ॥
મોહમહા ઘન પટલ પ્રભંજન ।
સંશય બિપિન અનલ સુરરંજન ॥
અગુન સગુન ગુન મંદિર સુંદર ।
ભ્રમ તમ પ્રબલ પ્રતાપ દિવાકર ।।
કામક્રોધ મદ ગજ પંચાનન ।
બસહું નિરંતર જન મન કાનન ।।
(રામચરિતમાનસ: ૬/૧૯૪/૧-૨-૩-૪)
“હે રઘુકુળના સ્વામી! સુંદર હાથોમાં શ્રેષ્ઠ ધનુષબાણ ધરતા આપ મારી રક્ષા કરો. આપ મહામોહરૂપી મેઘસમૂહને છિન્નભિન્ન કરનારા પ્રચંડ પવનરૂપ છો. સંશયરૂપી વનને ભસ્મ કરતા અગ્નિરૂપ છો અને દેવોને આનંદ આપનારા છો. આપ નિર્ગુણ, સગુણ, દિવ્ય ગુણોના ધામ અને પરમ સુંદર છો; ભ્રમરૂપી અંધકારનો નાશ કરતા પ્રબળ પ્રતાપી સૂર્યરૂપ છો, કામ, ક્રોધ અને મદરૂપી હાથીઓના નાશ માટે સિંહ સમાન આપ સેવકના મનરૂપી વનમાં નિરંતર વસો.”
ગોસ્વામીજી રામચરિતમાનસમાં ભગવાન શ્રીરામના ચરિત્રનું વર્ણન એક મનુષ્યના રૂપમાં નથી કરતા પણ એવા શાશ્વત ઈશ્વરના રૂપમાં કરે છે જે આજે પણ આપણા જીવનમાં ઉદ્ભવતી દરેક સમસ્યાઓનું સમાધાન કરી શકે છે. તેમની દૃષ્ટિમાં શ્રીરામ અને તેમની લીલા સાર્વકાલિક છે.
‘રામચરિતમાનસ’ના ઉત્તરકાંડમાં એક પ્રસંગ આવે છે. શ્રીરામ વાનરોને વિદાય આપતી વખતે કહે છે-
અબ ગૃહ જાહુ સખા સબ, ભજેહુ મોહિ દૃઢ નેમ ।
સદા સર્વગત સર્વહિત જાનિ કરહુ અતિ પ્રેમ ।।
“ઘેર જઈને દૃઢ નિયમપૂર્વક ભજન કરજો. પ્રત્યેક દેશ અને પ્રત્યેક કાળમાં બધાને મારું સ્વરૂપ સમજીને બધાને પ્રેમ કરવો અને બધાની સેવા કરવી એ જ મારું ભજન છે.”
આપણે રામ-ભજન તો કરીએ છીએ પણ ભજનની ઉપરોક્ત વ્યાખ્યાને ભૂલી જઈએ છીએ અને તેથી જ આપણા સંકુચિત હૃદયમાં અથવા બહાર સમાજમાં રામરાજ્ય સ્થપાતું નથી.
રામ-ભજન વિષે ગાંધીજીએ લખ્યું હતું: “મારો અભિપ્રાય એવો છે કે રામનામનો પ્રચાર ખાદીના કે સ્વરાજ્યના પ્રચારની જેમ ન થઈ શકે. આ અતિશય કઠિન કાળમાં રામનામ પણ અવળું જ જપાય છે. એટલે કે એ પણ ઘણે ઠેકાણે આડંબરને ખાતર, કેટલીક જગાએ પોતાના સ્વાર્થને ખાતર અને કેટલીક જગાએ વ્યભિચારને પોષવાને ખાતર પણ જપાયેલું મેં ભાખ્યું છે… તેથી જે રામનામનો પ્રચાર કરવાને ઇચ્છે છે તેણે પોતે એ પ્રચાર પોતાના હૃદયમાં કરી રામનું સામ્રાજ્ય ત્યાં સ્થાપી પ્રચાર કરવો. એ વસ્તુને જગત ઝીલી લેશે અને રામનામ જપશે પણ જ્યાં-ત્યાં અને જેમ-તેમ રામનામનો જપ કરાવવો એટલે તો પાખંડમાં પાખંડને ઉમેરી રામનામને નિંદવું અને નાસ્તિકતાનો ધોધ ચાલી રહ્યો છે તેનો વેગ વધારવો.”
દેશની વર્તમાન સંકટકાળની પરિસ્થિતિમાં ગાંધીજીનો આ ઉપદેશ આજે પણ કેટલો પ્રાસંગિક છે! આજે આવશ્યકતા છે રામનામનો પ્રચાર બહાર કરતા પહેલાં પોતાનાં હૃદયમાં કરવાની. આજે આવશ્યકતા છે શાશ્વતરામને હૃદયસિંહાસનમાં બેસાડવાની.
શ્રીરામકૃષ્ણદેવ જટાધારી પાસેથી ગોપાલમંત્રની દીક્ષા લઈ, વાત્સલ્યભાવની સાધના કરી શ્રીરામચંદ્રની બાલગોપાલમૂર્તિના દિવ્ય દર્શન હરપળે પામવા સમર્થ બન્યા હતા. પોતાની અનુભૂતિને તેઓ એક પ્રખ્યાત હિન્દી દોહા દ્વારા પ્રગટ કરતા-
જો રામ દશરથકા બેટા, વો હી રામ ઘટઘટમેં લેટા ।
વો હી રામ જગત પસેરા, વો હી રામ સબ સે ન્યારા ॥
શ્રીરામનવમી પ્રસંગે આપણે આ શાશ્વત રામને પ્રાર્થીએ કે તેઓ આપણને તેમના આ શાશ્વત સ્વરૂપને સમજવાની અને પોતપોતાના હૃદયમાં રામરાજ્ય સ્થાપવાની શક્તિ આપે જેથી સમાજમાં રામરાજ્ય સ્થાપવાનો માર્ગ મોકળો બને.
Your Content Goes Here