મહાવીર સાથે અને જિન માર્ગ સાથે દેહદમન એવી રીતે જોડાઈ ગયું છે જાણે જૈનદર્શનનો સાર આત્મપીડન ન હોય ! આનાથી ચડિયાતી ભૂલ બીજી હોઈ ન શકે. મહાવીરે તપનો કાર્યક્રમ નહોતો ઘડ્યો. એમનાથી સહજ રીતે જે થઈ ગયું તે તપ બની રહ્યું. એમણે વસ્ત્રોનો ત્યાગ નહોતો કર્યો; એમનાં વસ્ત્રો ખરી પડ્યાં હતાં. એક ગોવાળિયાએ મહાવીરના કાનમાં ઘાસની શલાકા ખોસી દીધી તો ય મહાવીર સ્વસ્થ રહ્યા. આ ‘સ્વસ્થતા’ ‘સ્વ.’માં ‘સ્થિર’ થયેલી ચેતનાની સ્વસ્થતા હતી. એમાં આયાસ કે અસાહજિકતા ન હતાં. આપણા શરીરના કોઈ ભાગ પર દાક્તર નસ્તર મૂકે અને આપણે તે જીવ કઠણ કરીને ખમી લઈ ઉંકાર (‘ઉંકાર’નો સંબંધ આપણા ‘અહંકાર’ (હુંકાર) સાથે રહેલો હોય છે. અહંકારનો આધાર છે, દેહભાવ. દેહભાવ હોય ત્યારે પીડા ન થાય એમ બને ખરું?) પણ ન ભરીએ તેમાં અને મહાવીર સ્વસ્થ રહે એમાં ગુણાત્મક તફાવત રહેલો છે. નસ્તર મુકાય ત્યારે થતી પીડાને વેઠી લઈ માણસ ક્યારેક પોતાના સ્ટેટસનો ખ્યાલ કરીને રડવાનું ટાળે છે. મહાવીરની સ્વસ્થતા પીડાનો સ્વીકાર નથી કરતી. તેઓ તો દેહાતીત બનીને પીડાને સાક્ષીભાવે જોતા રહ્યા હશે ને! જેનો દેહભાવ નષ્ટ થયો હોય તેને પીડાની પજવણી થાય, તે આપણને થતી પજવણી જેવી પોતીકી શી રીતે હોઈ શકે? કહે છે કે મહાવીરે તે ગોવાળિયાને ક્ષમા આપી. અહીં મોટો ગોટાળો થાય છે. આપણે કોઈને ક્ષમા આપીએ છીએ ત્યારે આપણા મન પર ક્ષમા આપ્યાનો બોજ રહેતો હોય છે. ક્ષમા આપણે મન ‘આપવાની’ બાબત બને છે. મહાવીર પાસે કશું જ આપવાનું બચ્યું ન હતું – ક્ષમા પણ નહીં. ગોવાળિયાએ તેમને જે પીડા પહોંચાડી તે એમના સુધી પહોંચી હોય ત્યારે જ ક્ષમાને ગોવાળિયા સુધી પહોંચાડવાનો પ્રશ્ન ઊભો થાય. મહાવીરની ક્ષમા અનોખી હતી.

અહીં ‘ક્ષમા’ શબ્દ સમજી લેવાની જરૂર છે. એ મૂળે ‘ક્ષમ’ પરથી આવ્યો છે અને એનો અર્થ છે ‘સામર્થ્ય.’ બીજા શબ્દોમાં કહીએ તો જે ‘શક્તિમાન’ છે તે ‘ક્ષમાવાન’ છે. મહાવીરની ક્ષમતાનો સંબંધ ‘સામર્થ્ય’ સાથે છે. આપણું સામર્થ્ય ઓછું પડે છે તેથી કોઈકને માફી ‘આપવાની’ ક્રિયા બોજલ બને છે અને વળી અસહજ બને છે. જ્યોતીન્દ્ર દવેને દારાસિંગ મુક્કો લગાવે અને જમીન પર પછડાયેલા જ્યોતીન્દ્ર દારાસિંગને ક્ષમા આપે તેવું ક્યારેક આપણી તકલાદી ક્ષમા (ક્ષાંતિ) વિષે બનતું હોય છે. ટૂંકમાં સામર્થ્ય વગરની ક્ષમા એટલે નિષ્પર્ણ વૃક્ષની છાંયડી! કાયરની અહિંસાનો, વાંઢાના બ્રહ્મચર્યનો અને ભૂખડીબારસના અપરિગ્રહનો મહિમા થઈ ન શકે. મહાવીરની ક્ષમા એ પરમ સામર્થ્યમાંથી જન્મેલા નિર્વેદ કે વિરાગચારિત્ર્યમાંથી સહજ ભાવે પ્રગટેલી ક્ષમા હતી. કોઈ હાથીને પૂંછડે કીડી ચટકે ત્યારે હાથી કીડીને ક્ષમા નથી ‘આપતો.’ કીડીના ચટકાનો હાથી સ્વીકાર કરે ત્યારે જ ક્ષમા ‘આપવાનો’ પ્રશ્ન ઊભો થાય. મહાવીરના દેહદમનને પણ આવા સૂક્ષ્મ સંદર્ભમાં જોવું રહ્યું.

જીભના અનુપયોગને આપણે ‘મૌન’ ગણીએ છીએ. પ્રજનન ઇંદ્રિયના અનુપયોગને એટલે કે સંભોગથી દૂર રહેવાના વ્રતને આપણે ‘બ્રહ્મચર્ય’ કહીએ છીએ. યુદ્ધની ગેરહાજરીને આપણે ‘શાંતિ’ કહીએ છીએ અને રોગના અભાવને ‘આરોગ્ય’ કહીએ છીએ. એ જ રીતે મોં દ્વારા આહાર લેવાનું બંધ થાય તેને ‘ઉપવાસ’ કહેવામાં આવે છે. ‘ઉપવાસ’નો ખરો અર્થ છે, ‘નજીક હોવું.’ ઉપવાસ તો પરમ સત્તાના સામીપ્યના અણસારા મળે તે માટે પોતાના અસ્તિત્વને તૈયાર રાખવાની ચેષ્ટા છે. બીજા શબ્દોમાં કહીએ તો ઉપવાસ એ ચિત્તની એક અત્યંત પ્રાર્થનામય, ઉપરતિયુક્ત અને મસ્તીથી ભરેલી અવસ્થા છે. સન ૧૯૩૩ની ૧૧મી ફેબ્રુઆરીએ ‘હરિજન’ના પ્રથમ અંકમાં એક જણે ‘ઉપવાસ’ એ દાબદબાણ નથી શું? – એવો પ્રશ્ન ગાંધીજીએ કરેલા ઉપવાસના સંદર્ભમાં પૂછેલો. ગાંધીજીએ જવાબમાં લખેલું:

“I believe that there is no prayer without fasting and there is no real fast without prayer. My fast was prayer of a soul in agony.”

આમ ઉપવાસનો દુનિયાદારી સંદર્ભ મહત્ત્વનો નથી. મહાવીરે ઉપવાસના સંકલ્પો નહોતા કર્યા. એમની અત્યંત સહજ ઉપરતિને કારણે દેહભાન ખરી પડે એવી અવસ્થા દિવસોના દિવસો સુધી રહી હશે અને એવે વખતે આહાર સાવ ભૂલાઈ જાય એમ બન્યું હશે. એમની આવી મસ્ત દશાની આપણા જેવા સામાન્ય માણસોએ તો કલ્પના જ કરવી રહી. માણસના ઉપવાસ સાથે ઈરાદો જોડાઈ જાય છે. રાજકારણીઓના ઉપવાસ તો ક્યારેક નિરાહારથીય નીચી કક્ષાના હોય છે એટલે એ વાત જ બાજુ પર રાખીએ. ‘ઉપવાસ’ શબ્દની આથી વધારે અક્ષમ્ય વિડંબના બીજી હોઈ ન શકે. ધાર્મિક ઉપવાસ સાથે પણ જ્યારે અમુક દિવસોની ગણતરી અને ધ્યેયલક્ષિતા જોડાઈ જાય ત્યારે એ વ્રતની કક્ષા પ્રાપ્ત કરે છે. વ્રતનું મહત્ત્વ મનની કેળવણી માટે સ્વીકારીએ તોય એની સાથે જ્યારે કૃત્રિમતા, કષ્ટ, દેખાડો, વરઘોડો અને પ્રસિદ્ધિ જોડાઈ જાય ત્યારે ઉપવાસનું હાર્દ નષ્ટ થાય છે. અધ્યાત્મ મૂળે અત્યંત વ્યક્તિગત બાબત છે. સાધનાની યાત્રા તો ખરેખર એકલયાત્રા છે.

ઉપવાસ એ સાધક અને પરમ સાધ્ય વચ્ચે પ્રત્યાયન (communication)નો સેતુ બાંધવાની પ્રાર્થનામય ચેષ્ટા છે. એ પ્રત્યાયનની નિષ્પત્તિ એટલે સાધકને થતી પ્રતીતિ. આવી પ્રતીતિ ક્યારેક અડધીપડધી, થોડીક સંદિગ્ધ અને વળી સાવ ક્ષણિક હોય તોય એનું બહુ મોટું મૂલ્ય છે. મહાવીરના ઉપવાસમાં કષ્ટ તો શોધ્યું નહીં જડે. પરમ આનંદની એ અવસ્થા હોવી જોઈએ. પરમ વૈરાગ્યયુક્ત સાક્ષીભાવમાં શક્ય એવા નિર્વિષયી મનનો એ આનંદ હશે એમ કહી શકાય. મન ખરી પડ્યું હોય એવી અલૌકિક અને પ્રસાદયુક્ત અવસ્થાની ચરમસીમાએ મહાવીર પહોંચ્યા હશે એનો સંકેત એમના સાવ અનાયાસપણે દિવસો સુધી ચાલેલા ઉપવાસ પરથી પ્રાપ્ત થાય છે. કોઈ ઉપવાસ નિયમાનુસાર કે એક ધારી રીતે (consistently) ચાલ્યા ન હતા. અંદરની મસ્તી નિયમાનુસારી શી રીતે હોઈ શકે ?

મનની કેળવણી માટે વ્રત-ઉપવાસ ખપ લાગે, પરંતુ આખરે તો એ ચાલણગાડી છૂટવી જોઈએ. સાધના આખરે તો સહજ બનવી જોઈએ. તપ, તિતિક્ષા, કષ્ટપ્રયોગ, અનશન અને યમનિયમ સાથે જોડાયેલા દમનને કારણે ઘણી પ્રતિક્રિયાઓ અને ક્યારેક દંભ જન્મે છે. ફ્રોઈડે અચેતન મનની ઊંડી ગવેષણા કરીને દમનની મર્યાદાઓ દુનિયા સામે છતી કરી. જિનમાર્ગીઓ આવી વિજ્ઞાનપૂત માહિતીનો અનાદર પોતાની પ્રામાણિકતાને ભોગે જ કરી શકે. નીચેનું અવતરણ આ વાતને સમજવામાં ઉપકારક બની શકે:

“મહાવીરની સાધના દમનની સાધના નહોતી. નગ્ન રહેવું, તપ કરવું, દૂર વનવગડામાં પડ્યા રહેવું એ સર્વ તેમને સહજ હતું, અન્ત:સ્ફૂર્ત હતું, બહારથી થોપાયેલી હઠ નહોતી. વસ્તુત: એ સાધના નહીં, સાધનાને માટે યોગ્ય વાતાવરણ તૈયાર કરવાની પ્રક્રિયા હતી.

મહાવીરનો યોગ દમનનો યોગ ન હતો. સત્યત: દમન એ સાધના જ નથી. વૃત્તિઓનો વિવેકહીન અંધનિગ્રહ કરીને વૃત્તિઓને શુદ્ધ બનાવવી એ રેતીનાં દોરડાં બનાવવા જેવું છે. દમન દ્વારા નિગૃહીત વૃત્તિઓ પિંજરનાં અવરુદ્ધ ભૂખ્યા વાઘ જેવી હોય છે. તે હાહાકાર મચાવી મૂકે છે.

મહાવીરનો માર્ગ દમન કે શમનનો નથી, પણ વિવેકનો છે, ચેતનાનો છે. ઉચિત નિવૃત્તિ અને ઉચિત પ્રવૃત્તિ એ બંનેને સ્પર્શ કરતો વચલો માર્ગ તેઓ લે છે. બાહ્ય વિધિનિષેધ અમુક સીમા સુધી માન્ય છે, પણ તેમનો મુખ્ય સાધનાપથ બહાર નથી અંદર છે. વૃત્તિઓનું દમન યા શમન નહીં, પણ ક્ષપણ એ એમની ગતિ છે. શાસ્ત્રની શુદ્ધ ભાષામાં એને ‘ક્ષાયિક માર્ગ’ કહે છે. ક્ષાયિક પ્રણાલીમાં વૃત્તિઓનાં બીજને જોવાનાં, જાણવાનાં અને સમજવાનાં છે. વૃત્તિઓના મૂળ પાસે જવાનું છે. જાગૃતિના તેજમાં એ વૃત્તિઓ જડથી ઉન્મૂલિત થઈ જાય છે.”

ગીતામાં કહ્યું છે તેમ નિરાહારી માણસના વિષયો ટળે છે ખરા પરંતુ રસ રહી જાય તેને ટાળવા માટે તો મથવું જ પડે છે. આમ ઉપવાસ અને નિરાહાર વચ્ચે બહુ મોટો તફાવત છે. દમનની પ્રતિક્રિયાઓથી બચવા માટે વિવેકપૂર્વક બને તેટલી સહજ રીતે સાધના થતી રહે તે જરૂરી છે. જે કાંઈ પીડાકારક હાય, કષ્ટમય હોય કે સુખાવિરેાધી હાય તે આપોઆપ તપ નથી બની જતું. વળી તપમાં અનુકરણ, દેખાડો કે પ્રસિદ્ધિ તો હોઈ જ ન શકે. પોતાનો જીવનલય જાળવીને સાધના કરવાની છે. એ લય દમનથી તૂટે ત્યારે સાધના નષ્ટ થાય છે.

Total Views: 111
By Published On: April 1, 1993Categories: Gunwant Shah, Dr.0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram