“અરે ભાઈ તમે આટલા બધા અશાંત અને ઉદ્વિગ્ન છો તો તમે એકવાર પરમહંસદેવ પાસે દક્ષિણેશ્વરમાં આવોને!”

“જુઓ, તમને એમનામાં શ્રદ્ધા છે, એ સારી વાત છે, પણ મને એમનામાં શ્રદ્ધા નથી, તમે મને ત્યાં શા માટે લઈ જવા ઇચ્છો છો?”

“ભલે તમને શ્રદ્ધા ન હોય, પણ એકવાર એમના દર્શન તો કરો.”

“પણ ત્યાં આવીને હું શું કરું? હું ત્યાં ભક્તજનોની વચ્ચે શોભીશ નહીં, જાણે હંસોની વચ્ચે બગલો.”

“ના એ તમારી માન્યતા ખોટી છે. ઠાકુર પાસે તો બધાં સમાન જ હોય છે.”

“તમે ‘ઠાકુર ઠાકુર’ કરો છો, પણ મેં તો બહુ લોકોને જોયા છે જો તમારા ઠાકુરે કોઈ એવી તેવી વાત કરી તો હું તેમના કાન આમળીશ.”

“ભલે, એમ કરવા માટે પણ તમે એકવાર આવો તો ખરા.”

આમ પોતાના પડોશી રામચંદ્રદત્તના આગ્રહથી સુરેન્દ્રનાથ મિત્ર પરાણે દક્ષિણેશ્વર ગયા અને ત્યારે એમના મનમાં શ્રદ્ધા-ભક્તિ તો બિલકુલ હતાં જ નહીં, ઊલટાનું પરમહંસદેવ કંઈ એવી વાત કરે તો એમના કાન પકડવા તત્પર હતા.

આ સુરેન્દ્રનાથ મિત્ર કલકત્તાની મોટી બ્રિટિશ કંપની-ડસ્ટ કંપનીના વેપારી દલાલ હતા. એ સમયે ચારસો રૂપિયાથી પણ વધારે આવક કમાતા હતા. ઊંચું, ભરાવદાર, સુગઠિત બળવાન શરીર, ગૌરવર્ણ, ઉદાર અને વિશાળ હૃદય, ખુલ્લું મન, ધર્મનો વિરોધ નહીં, તેમ તેમાં વિશ્વાસ પણ નહીં, ઉપરથી કઠોર પણ અંદરથી કોમળ, સાહેબી મિજાજ અને સ્વચ્છંદતા – આ સુરેન્દ્રનાથના વ્યક્તિત્વમાંથી તરી આવતાં લક્ષણો હતાં. પૈસાની વિપુલતાને કારણે વૈભવ અને વિલાસિતાના દુર્ગુણોથી તેઓ ઘેરાયેલા હતા. કુસંગ અને મદિરાપાનની બુરી આદતમાં તેઓ ફસાયેલા હતા. આ કુટેવોમાંથી છૂટવા તેઓ સતત પ્રયત્નશીલ હતા, પણ છૂટી શકતા ન હતા. આથી છૂટકારો મેળવવા માટે એકવાર તો તેમણે વિષપાન કરી આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. એમના મનની આવી ઉદ્વિગ્ન સ્થિતિ જોઈને એમના પાડોશી રામચંદ્રદત્ત કે જેઓ શ્રીરામકૃષ્ણદેવના પરમ ભક્ત હતા, તેઓ તેમને એક દિવસ દક્ષિણેશ્વર લઈ જ ગયા.

જયારે તેઓ દક્ષિણેશ્વરમાં પહોંચ્યા ત્યારે શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. રામબાબુ અને અન્ય ભક્તોએ ઠાકુરને પ્રણામ કર્યા ને પછી ત્યાં બેઠા. પણ સુરેન્દ્રનાથે તેમને પ્રણામ ન કર્યા અને ત્યાં દૂર બેસીને શ્રીરામકૃષ્ણની વાણી સાંભળવા લાગ્યા. સાંભળવાની પાછળનો હેતુ તો એ જ હતો કે આ સાધુ જો કોઈ અસંબદ્ધ વાણી ઉચ્ચારે તો ખરેખર એમના કાન પકડવા જ. પણ આ શું? આ તે કેવી અમૃતવાણી એના અંતરને શીતળ કરી રહી છે! જાણે કે આ તો એમના માટે જ ઉચ્ચારવામાં આવી ન હોય! એમ સુરેન્દ્રનાથ પોતાના હૃદયનો આક્રોશ ભૂલી ગયા અને એ વાણીના દિવ્યપ્રવાહમાં પ્રથમ વખતે જ ડૂબી ગયા! એના ગૂંચવાયેલા, ગડમથલ કરી રહેલા, ભ્રમિત બનેલા મનને માર્ગ બતાવનાર શબ્દો હતા; “લોકો શા માટે વાંદરાનું બચ્ચું બનવા ઇચ્છે છે, એ મને સમજાતું નથી. બિલાડીનું બચ્ચું કેમ નહિ બનતા હોય? વાંદરાનું બચ્ચું માનો હાથ પકડે છે, ત્યારે મા એને હેરવે-ફેરવે છે, ને વળી બચ્ચાંની ૫કડ એટલે તે ગમે ત્યારે છૂટી પણ જાય, ત્યારે બિલાડીના બચ્ચાંને તો મા પોતે પકડે છે, અને મા એને સલામત જગ્યાએ પોતે જ લઈ જાય છે. માની પકડ છૂટતી નથી. એમાં એને કોઈ ભય જ નથી હોતો. વાંદરનું બચ્ચું એટલે પોતાની મેળે સાધના કરવાનો જ્ઞાન માર્ગ જ્યારે બિલાડીનું બચ્ચું એટલે સમર્પણનો માર્ગ. જેમાં મા પોતે જ બધું કરી આપે છે.” આ અમૃતધારાએ સુરેન્દ્રના તપ્ત અંતરને શાંત અને શીતળ કરી દીધું. અત્યાર સુધી તેઓ પોતાની જાતે જ જીવનની સમસ્યાઓનું સમાધાન મેળવવા માટે પ્રયત્નો કરી કરીને થાક્યા હતા. પણ સફળતા મળવી તો બાજુએ રહી, પણ અશાંતિ અને વ્યગ્રતા એટલાં વધી ગયાં કે એમને આત્મહત્યાનો માર્ગ લેવો પડ્યો હતો. હવે એમને સમજાયું કે એ એમની કાચી પકડ વારંવાર છૂટી જાય છે. એટલે જ એ રસ્તો જોખમ ભરેલો ને ગમે ત્યારે પતન તરફ ધકેલી દે તેવો છે. પણ અહીં તો પોતાનો સમગ્ર બોજો ઉપાડી લેનાર કોઈ છે, પોતાને ઊંચકીને લઈ જનાર કોઈ છે, એ વાતની નક્કર પ્રતીતિ આ અમૃતવાણીએ એમને કરાવી આપી. ત્રીસ-ત્રીસ વરસ સુધી વમળમાં આમથી તેમ ગોથાં ખાઈ રહેલી એમની જીવન નૌકાને જાણે કિનારો મળી ગયો. હવે તેમના મનની સ્થિતિ સદંતર બદલાઈ ગઈ. જતી વખતે તેમણે શ્રીરામકૃષ્ણદેવને શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરી તેમની ચરણરજ મસ્તકે ચઢાવી. શ્રીરામકૃષ્ણે પણ એમને અત્યંત સ્નેહપૂર્વક કહ્યું; “પાછા આવજો હોં!”

અને બીજા જ રવિવારે તેઓ દક્ષિણેશ્વર પાછા આવી પહોંચ્યા. જેમ-જેમ શ્રીરામકૃષ્ણનો સંપર્ક વધતો ગયો. તેમ-તેમ સુરેન્દ્રના મનની ગૂંચો પણ ઉકલતી ગઈ. મન પ્રકાશનો અનુભવ કરવા લાગ્યું. પછી તો ક્યારે રવિવાર આવે એની પ્રતીક્ષા કરવા લાગ્યા અને દર રવિવારે દક્ષિણેશ્વર જવાનો એમનો નિત્યક્રમ બની ગયો. પણ ઘણી વખત તો રવિવાર ન હોય, ઑફિસમાં ઘણું બધું કામ હોય તો પણ એમનું અંતર શ્રીરામકૃષ્ણને મળવા વ્યાકુળ બની જતું અને ત્યારે તેઓ સઘળું કામ પડતું મૂકીને સીધી દક્ષિણેશ્વરની વાટ પકડતા. ઠાકુરમાં કોણ જાણે દિવ્યપ્રેમનું કેવું ચુંબકત્વ હતું કે તેમના શિષ્યો, ભક્તોને સદાય તેમની સમીપ જકડી રાખતું. એક દિવસ ઑફિસના સમયે જ સુરેન્દ્રના મનમાં ઠાકુરને મળવાની તીવ્રતમ ઇચ્છા જાગી. તેઓ કામ પડતું મૂકીને સીધા દક્ષિણેશ્વર આવી પહોંચ્યા. ત્યાં જઈને જોયું તો શ્રીરામકૃષ્ણ પણ એમને મળવા કલકત્તા આવવા નીકળતા જ હતા. સુરેન્દ્રના આનંદની સીમા ન રહી. આટલો બધો પ્રેમ! સ્વયં ઠાકુર મને મળવા કલકત્તા આવતા હતા! તેઓ ગદ્ગદિત બની ગયા અને પછી પોતાની ગાડીમાં તેઓ શ્રીરામકૃષ્ણને કલકત્તા પોતાને ત્યાં લઈ આવ્યા. પછી તો સુરેન્દ્ર ઉપર કૃપા વરસાવવા ઠાકુર કેટલીય વાર સુરેન્દ્રના ઘેર ગયા હતા. પોતાના પરમપ્રિય શિષ્ય નરેન્દ્રનાથની પ્રથમ મુલાકાત પણ સુરેન્દ્રના ઘરે જ ઠાકુરને થઈ હતી.

શ્રીરામકૃષ્ણની કૃપાથી સુરેન્દ્રના મનની મલિનતા ધોવાતી રહી. કુસંગ અને કુટેવો છૂટવા લાગ્યાં. અહંકાર ઓગળવા લાગ્યો. નિમ્નપ્રકૃતિની પકડ ઓછી થવા લાગી. અશ્રદ્ધા હટવા લાગી. શંકા, કુશંકા દૂર થવા લાગી. અંતરમાં પ્રકાશનો અનુભવ થવા લાગ્યો. આત્મહત્યાના નિમ્ન માર્ગને સ્થાને અધ્યાત્મનો ઉર્ધ્વમાર્ગ સાંપડ્યો અને તેમને હવે દૃઢ પ્રતીતિ થઈ ગઈ કે પોતાના જેવા દુરાચારીને કોઈપણ જાતના સીધા ઉપદેશ વગર ફક્ત પોતાના આધ્યાત્મિક તેજના પ્રભાવથી જ સન્માર્ગે વાળનાર આ સાધુપુરુષ એ કંઈ સામાન્ય મનુષ્ય નથી. એ તો અવતાર પુરુષ છે. પણ મનના એક ખૂણામાં રહેલી શંકાને પ્રતીતિ જોઈતી હતી એટલે તેમણે કહ્યું; “જો ઠાકુર ખરેખર અવતારરૂપ હોય તો મારા પૂજાઘરમાં મને ધ્યાનમાં એમની હાજરીનો નક્કર અનુભવ થાય.” અને સાચ્ચેજ ધ્યાનાવસ્થામાં એમણે જોયું તો ઠાકુર સ્વયં એમના પૂજાઘરમાં હાજર હતા.! એકવાર નહીં, બે વાર નહીં, પણ જ્યારે ત્રણ-ત્રણવાર એમને આ સતત અનુભવ થયો ત્યારે તેમને પ્રત્યક્ષ અનુભવસિદ્ધ પ્રમાણ મળી ગયું અને એમના મનમાં રહેલી રહી સહી શંકા પણ નિર્મૂળ થઈ ગઈ અને અવતારરૂપ શ્રીરામકૃષ્ણના ચરણોમાં એમણે પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દીધું.

પોતાના ભક્તો-શિષ્યોને સન્માર્ગે લાવવાની શ્રીરામકૃષ્ણની રીત – અનોખી હતી. જેવી ભક્તની કક્ષા અને ચેતના તેવી ઠાકુરની પદ્ધતિ! એક વખત સુરેન્દ્રના ઘરે ઉત્સવ હતો અને ત્યાં શ્રીરામકૃષ્ણ પધાર્યા હતા. ઘણા બધા ભક્તો પણ આવ્યા હતા. આનંદોત્સવ ચાલી રહ્યો હતો. તેવામાં ઠાકુરની સમીપ સુરેન્દ્ર આવ્યા અને એમના હાથમાં સુંદર મઘમઘતાં ફૂલોની માળા હતી. તે તેમણે ઠાકુરના ગળામાં પહેરાવી અને મનમાં પ્રસન્નતા અનુભવવા લાગ્યા કે હમણાં ઠાકુર કહેશે કે કેવી સુંદર માળા છે! પણ એમ કહેવાને બદલે ઠાકુરે તો માળા પોતાના ગળામાંથી કાઢીને જમીન પર ફેંકી દીધી! આ જોઈને સુરેન્દ્રને આઘાત લાગી ગયો. તેઓ બહારની ઓસરીમાં ચાલ્યા ગયા ને ત્યાં રડતાં-રડતાં બોલવા લાગ્યાઃ

“ગામડિયા બ્રાહ્મણને આ વસ્તુના મૂલ્યની ક્યાંથી ખબર પડે? કેટલા બધા રૂપિયા ખર્ચીને મેં આ માળા તૈયાર કરાવી હતી? ને એમણે એ ફેંકી દીધી!” પછી એમણે ક્રોધના આવેશમાં કહ્યું; “બધી જ માળાઓ હવે બધા ભક્તોને પહેરાવી દો.” પણ પછી ક્રોધનો આવેગ શમી જતાં એમને ભાન થયું કે ઠાકુરે એમની માળાનો સ્વીકાર કર્યો નથી, એની પાછળ કંઈક કારણ હશે. પછી એમને થયું કે “ભગવાન કંઈ પૈસાદારના ઓછા હોય છે? એ અહંકારના ઓછા હોય છે? હા, મારામાં અહંકાર હતો કે કેટલી કિંમતી માળા મેં એમને પહેરાવી છે! એ માળા એ તો મારા પૈસાનો ઘમંડ હતો. તો પછી તેઓ એ કઈ રીતે સ્વીકારે?” આ ભાન જાગૃત થતાં તેઓ ફરી રુદન કરવા લાગ્યા. પણ આ રુદન એ પશ્ચાતાપનું રુદન હતું. ઘમંડ અને અહંકાર ચાલ્યા ગયા પછીનું રુદન હતું. તેઓ હવે કહેવા લાગ્યા કે “મારા જેવા ઘમંડી ને અહંકારીનો ઉદ્ધાર કેવી રીતે થાય? મારે હવે જીવવું જ નથી. બસ, શ્રીરામકૃષ્ણને જે કરવું હતું તે થઈ ગયું. કંઈ જ બોલ્યા વગર, થોડી જ ક્ષણોમાં પૈસાને વળગેલો સૂક્ષ્મ અહંકાર શ્રીરામકૃષ્ણના વર્તનથી ચૂરેચૂરા થઈ ગયો અને સુરેન્દ્રનાથ એનાથી પણ મુક્ત બની ગયા. હવે શ્રીરામકૃષ્ણે જમીન પર ફેંકી દીધેલી માળાને પોતે જાતે ઉઠાવી લીધી અને હાથમાં માળા પકડીને તેઓ સુંદર રીતે નૃત્ય કરવા લાગ્યા. પછી નૃત્ય કરતાં-કરતાં તેમણે તે સુંદર માળાને પોતાના ગળામાં ધારણ પણ કરી લીધી અને એ માળા એ કંઠમાં એવી તો શોભી રહી હતી એ જોઇને સુરેન્દ્રની આંખમાંથી ત્રીજીવાર આંસુ નીકળવા લાગ્યાં. પણ હવે એ આંસુ હર્ષનાં હતાં. કીર્તન સમાપ્ત થયું. ઠાકુરની અવિરત કૃપાધારા સુરેન્દ્ર પર વરસતી રહી. જ્યારે-જ્યારે પોતાનો શિષ્ય નિમ્ન પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થાય ત્યારે ઠાકુરની પ્રેમધારાની અસ્ખલિત વૃષ્ટિ એના પર થવા લાગતી. એ જ અહીં પણ થયું. ઠાકુરે સુરેન્દ્રને કહ્યું; “મને કંઈક ખવડાવને!” આનંદવિભોર બની ગયેલા સુરેન્દ્ર ઠાકુરને અંત:પૂરમાં લઈ ગયા અને ત્યાં ઠાકુરને મીઠાઈ ખવડાવી.

શ્રીરામકૃષ્ણે સુરેન્દ્રને કાદવમાંથી પ્રેમથી ઊંચકીને અધ્યાત્મના પથ પર મૂકી દીધા પણ સમયે-સમયે તેઓ એમને સાવધાન કરતા રહેતા. તેઓ તેમને કહેતા; “વચ્ચે-વચ્ચે અહીં આવતા રહેવું. નાગાબાવા (તોતાપુરી) કહેતા હતા કે લોટાને રોજ માંજવો જોઈએ. નહીંતર એના પર કાટ ચઢી જાય છે. સંન્યાસી માટે કામિનીકાંચનનો ત્યાગ છે, પણ તમારા ગૃહસ્થીઓ માટે વચ્ચે-વચ્ચે એકાંત સ્થળે જવું અને વ્યાકુળ થઈને એમને પોકારવા. તમારે મનથી ત્યાગ કરવાનો છે. વીરભક્ત થયા વગર બંને બાજુને સંભાળવી મુશ્કેલ છે!” આમ ગૃહસ્થજીવનની ફરજો બજાવતાં-બજાવતાં અધ્યાત્મ માર્ગે કેવી રીતે ચાલી શકાય તેનું શ્રીરામકૃષ્ણ તેમને સતત માર્ગદર્શન આપતા.

પરંતુ ઠાકુરના અન્ય ભક્ત-શિષ્યોને સતત ધ્યાનમગ્ન જોઈને સુરેન્દ્રનાથને થતું કે “મને આવું ધ્યાન ક્યારે લાગશે? આવી ધ્યાનાવસ્થાની સ્થિતિ મને ક્યારે મળશે? ધ્યાનમાં બેસતાં, લાંબો સમય ધ્યાન ટકતું ન હતું, તેથી તેમણે એક દિવસ શ્રીરામકૃષ્ણને કહ્યું: “ઠાકુર, મારું ધ્યાન લાગતું નથી.” શ્રીરામકૃષ્ણ તો જાણતા હતા કે એમની પ્રકૃતિને અનુરુપ ધ્યાનનો માર્ગ નથી અને એટલે જ એમણે કદી પણ એમને ધ્યાનમાં બેસવાનું કહ્યું જ ન હતું. કેમકે એ માટેના જો એ પ્રયત્ન કરે તો એમની શક્તિનો વ્યય થાય અને ધ્યાન તો સિદ્ધ થાય નહીં, એ તેઓ જાણતા હતા. પણ એ સુરેન્દ્રનાથે જ્યારે સામેથી એમને કહ્યું, ત્યારે તેમણે પ્રેમથી પૂછ્યું  “કંઈ વાંધો નહીં, સ્મરણ મનન તો છે ને?” “હા, હા, ઠાકુર માનું સ્મરણ સતત રહે છે.” ઉત્સાહથી સુરેન્દ્ર ઠાકુરને કહ્યું, “એમનું નામ જપતાં-જપતાં જ હું સૂઈ જાઉં છું.” આ સાંભળીને ઠાકુરે એમને ઉત્સાહ આપતાં કહ્યું; “તો તો ઉત્તમ. એનાથી જ કામ થઈ જશે.” ઠાકુર પાસેથી આવી ખાતરી મળી જતાં પછી સુરેન્દ્રનાથને ધ્યાન સિદ્ધ ન થયાનો અફસોસ થયો નહિ.

“સુરેન્દ્રબાબુ, ઠાકુરનું શરણ ગ્રહ્યા પછી પણ હજુ તમે દારૂ પીવાનું છોડી શકતા નથી? તમે જાણો છો? હવે તમારા દારૂ પીવાથી ઠાકુરનું નામ બદનામ થશે.” રામચંદ્રે સુરેન્દ્રને એક દિવસ કહ્યું ત્યારે સુરેન્દ્ર એમને કહ્યું; “ભાઈ, હું પ્રયત્ન તો ઘણો કરી રહ્યો છું, પણ આ ટેવ કેમેય છૂટતી નથી. પણ હવે તો તમારે કોઈપણ ભોગે આ કુટેવ છોડવી જ જોઈએ” “હું જાણું છું પણ મારા માટે એ ખૂબ જ મુશ્કેલ છે, છતાં હું પ્રયત્ન કરીશ પણ જુઓ મારી આ કુટેવ વિષે ઠાકુર જાણે છે પરંતુ એમણે મને કદી આ છોડી દેવા કહ્યું નથી. જો એવું હોય તો તે તેઓ મને આદેશ ન આપે? તેઓ મને જેમ કહેશે, તેમ હું કરીશ”.

“તો ચાલો આપણે અત્યારે જ દક્ષિણેશ્વર જઈએ” રામબાબુએ ઉત્સાહથી કહ્યું.

“હા, ચાલો અત્યારે જ આવું છું પણ મારી એક વાત છે કે તમારે મારી આ ટેવ વિષે ઠાકુરને સામેથી કશું જ કહેવું નહીં અને આપણે શા માટે ઠાકુર પાસે આવ્યા છીએ એ પણ નહીં કહેવાનું.” “ભલે એમ તો એમ” રામબાબુએ તેમને કહ્યું અને પછી બન્ને દક્ષિણેશ્વર આવી પહોંચ્યા. ત્યાં જઈને જોયું તો ઠાકુર બકુલવૃક્ષની નીચે ભાવસમાધિમાં લીન છે. ત્યાં તેઓ તેમની સમીપ બેઠા. થોડીવાર પછી શ્રીરામકૃષ્ણે સુરેન્દ્ર અને રામચંદ્રને ત્યાં જોતાં તેમણે સહજ રીતે જ સામેથી વાત ઉચ્ચારી, “જુઓ, જે કંઈ ખાઓ, પીઓ તે માને ધરાવીને પછી ખાજો-પીજો.” પોતાના આગમનનું કારણ તો સુરેન્દ્ર ઠાકુરને જણાવ્યું પણ ન હતું, અને આ શું? ઠાકુરે આજ દિવસ સુધી કદી આવી વાત કરી નથી અને તેઓ આ શું કહી રહ્યા છે? શું તેઓ આગમનનું કારણ જાણી ગયા હશે?” સુરેન્દ્ર વિસ્મિત થઈને વિચારી રહ્યા, ત્યાં તો ઠાકુરની અમૃતધારા ફરી વરસવા લાગી “એવું છે ને કે માને ધરાવીને પીવાથી પછી માથું ને પગ નહીં ડગમગે. માનું સ્મરણ કરતા રહેવાથી પછી પીવામાં આનંદ નહીં આવે કેમકે એ સ્વયં આનંદદાયિની છે એને પ્રાપ્ત કરવાથી સહજાનંદની અવસ્થા પ્રાપ્ત થાય છે” અને પછી એ દિવ્ય સહજાનંદની અવસ્થામાં મત્ત થઈને ઠાકુરે ગીત ગાયું. જાણે તેઓ સુરેન્દ્રને એ દિવ્ય આનંદનું પ્રત્યક્ષ દર્શન કરાવતા ન હોય!

શિવ સંગે સદા રંગે આનંદે મગન

સુધાપાને ડોલતી ચાલે પણ પડે નહીં

અને પછી સુરેન્દ્ર પર અમીદૃષ્ટિ વરસાવતા બોલ્યા “પહેલા કારણાનંદ થશે અને પછી ભજનાનંદ.” દારૂની વરસોથી પડેલી કુટેવમાંથી છૂટવાનો આટલો સહેલો ઉપાય ઠાકુર પાસેથી મેળવીને સુરેન્દ્ર આનંદથી સભર બનીને દક્ષિણેશ્વરથી પાછા ફર્યા એમને આનંદ એ વાતનો હતો કે ઠાકુરે એમને દારૂ પીવો ખરાબ છે, તે છોડી દે, એવું કશું જ કહ્યું ન હતું ફક્ત માને ધરાવીને પીવાનું કહ્યું હતું એટલે તેઓ દરરોજ સાંજે માની સ્તુતિ પછી મા કાલીને દારૂ ધરાવીને પ્રસાદ તરીકે પીવા લાગ્યા પણ હવે મિત્રોની વચ્ચે પાર્ટીઓમાં દારૂ પીવાનું છૂટી ગયું અને સાંજનો પ્રસાદ ચાલુ રહ્યો. થોડો સમય એ ક્રમ ચાલુ રહ્યો. પણ પછી માની સ્તુતિ ઉપાસના કર્યા પછી એમની પોતાની આંતરિક સ્થિતિ એવી બનવા લાગી કે હવે તેમને દારૂ પીવામાં આનંદ આવતો ન હતો. ઠાકુરે કહ્યું હતું, તેમ જ થયું ભજનાનંદનો ઉદય થતાં કારણાનંદની જરૂર જ ન રહી ઊલટાનું આંખમાં આંસુ સાથે, તેઓ માને વધુ ને વધુ પોકારવા લાગ્યા અને પછી માએ એના સુરાપાનને ભજનને સ્તુતિના સુધાપાનમાં ક્યારે ફેરવી નાખ્યું એની તો એમને પોતાને પણ ખબર ન પડી.

શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં સુરેન્દ્રનાથ દિવ્યઆનંદની અનુભૂતિ પામ્યા હતા. અધ્યાત્મમાર્ગની યાત્રામાં સાધક જેમ-જેમ આગળ પ્રયાણ કરતો જાય છે તેમ-તેમ ક્યારેક જૂના સંસ્કારો અને કુવૃત્તિઓ તેના ઉપર પ્રબળ હુમલો પણ કરે છે. માણસની અવચેતનામાં દટાયેલી આ વૃત્તિઓ ક્યારેક એને નીચે ખેંચી જવા પણ પ્રયત્ન કરે છે. એવું જ સુરેન્દ્રમાં પણ થયું. દર રવિવારે તેઓ શ્રીરામકૃષ્ણ પાસે દક્ષિણેશ્વર આવતા અને આખો રવિવાર તેઓ તેમના સાંનિધ્યમાં ગાળતા. પણ એક રવિવારે તેઓ ન આવ્યા અને પોતાના જૂના મિત્રોની મહેફિલમાં પહોંચી ગયા. શ્રીરામકૃષ્ણે પૂછ્યું કે “આજે સુરેન્દ્ર કેમ નથી આવ્યા? ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તેઓ તો એમના જૂના સોબતીઓની મહેફિલમાં પહોંચી ગયા છે. આ સાંભળીને શ્રીરામકૃષ્ણે ન તો કોઈ ચિંતા વ્યક્ત કરી કે ન કોઈ ઠપકાનો સૂર પણ કાઢ્યો. ઊલટું એમણે તો ત્યાં હાજર રહેલાંઓને જણાવ્યું કે ઠીક, હજુ પણ એની થોડી ભોગવાસના છે, તો થોડા દિવસ ભોગવી લે પછી એ વૃત્તિ નહીં રહે. એ નિર્મલ બની જશે. જ્યારે સુરેન્દ્રે મિત્રો પાસેથી આ સાંભળ્યું ત્યારે તેમની આંખમાં આંસુ ઊમટી આવ્યા અને તેમને થયું કે દુનિયામાં એક વ્યક્તિ તો એવી છે કે જે તેની બુરી આદતોને ય બરદાસ્ત કરી લે છે, ને બધું જાણવા છતાં ક્યારેય ઠપકો આપતી નથી, પણ પ્રેમ જ આપે છે” શ્રીરામકૃષ્ણના આવા નિર્વ્યાજ પ્રેમે તો એમને સઘળા પ્રકારની બુરી આદતોમાંથી છોડાવીને સાચા મનુષ્ય જ નહિ પણ માના કુબેર ભંડારી બનાવી દીધા.

બીજા રવિવારે તેઓ દક્ષિણેશ્વર ગયા. અને શ્રીરામકૃષ્ણથી દૂર ક્ષોભ સાથે સંકોચાઈને બેઠા. ઠાકુરની દૃષ્ટિથી એ છાનું ન રહ્યું તુરત જ તેઓ બોલી ઊઠ્યા: “અરે ચોરની જેમ સંતાઈને કેમ બેઠા છો? અહીં સામે આવોને!” સુરેન્દ્રને મનમાં ક્ષોભ ને સંકોચ, પણ ઠાકુરે કહ્યું, એટલે તેઓ ઊઠીને તેમની પાસે ગયા ત્યાં તો ઠાકુર ભાવસ્થ બની ગયા એ સ્થિતિમાં તેઓ બોલવા લાગ્યા; “અચ્છા પણ લોકો ક્યાંય પણ જાય તો માને સાથે લઈને કેમ જતા નથી? મા સાથે હોવાથી ખરાબ માણસોના ખરાબ કાર્યોની અસરમાંથી બચી શકાય છે.” આ વાક્યે સુરેન્દ્રના અંતરમાં પ્રકાશનો ઝબકારો કરી દીધો! કેવી મહાન વાત કેવી સરળ રીતે ઠાકુરે સમજાવી દીધી! અંતર્યામી ઠાકુરે એમની સમસ્યાના એક વાક્યમાં જ ઉકેલ આપી દીધો! જે કુસંગની અસરમાંથી છૂટવા પોતે વરસોથી પ્રયત્ન કરી રહ્યા હતા, પોતાની જાત સાથે એ માટે ઝઘડી રહ્યા હતા, પણ કેમેય છૂટી શકાતું ન હતું અને ક્યારેક એ વૃત્તિ પ્રબળ બનીને તેમને ખેંચી જતી. હતી પણ હવે? માને સાથે લઈને જવાનું પછી ભય કેવો? સુરેન્દ્રનો ક્ષોભ ચાલ્યો ગયો તેઓ નિર્ભય અને આનંદિત બની ગયા.

ઠાકુરના અન્ય શિષ્યોની જેમ સુરેન્દ્રના મનમાં પણ વૈરાગ્યની પ્રબળ ભાવના જાગી. રાત્રે દક્ષિણેશ્વરમાં સાધન ભજન કરવાની વૃત્તિ પ્રબળ બનતાં તેઓ બે-ત્રણ રાત દક્ષિણેશ્વરમાં રોકાયા પણ ખરા. શ્રીરામકૃષ્ણ આ બધું જોતા રહ્યા પણ તેમણે તેમને અટકાવ્યા નહીં. અલબત્ત તેઓ જાણતા હતા કે સુરેન્દ્રનો આ રસ્તો નથી પણ તેઓ કંઈ જ બોલ્યા નહીં પણ પછી સુરેન્દ્રના પત્નીએ કહ્યું “તમે આખો દિવસ ગમે ત્યાં રહો પણ રાત્રે તો તમે ઘેર આવો.” પત્નીની આજીજીભરી વિનંતીને પરિણામે પછી સુરેન્દ્રનાથનું દક્ષિણેશ્વરમાં રાત રોકાવાનું આપોઆપ બંધ થઈ ગયું.

ઠાકુરની અહૈતુકી કૃપાથી સુરેન્દ્રનું સ્વચ્છંદ જીવન સંયત બની રહ્યું હતું. છતાં એમના મનમાં એમ થતું હતું કે હજુ તેઓ પોતાના દુરાચારી જીવનથી પૂરેપૂરા મુક્ત નથી થયા. ઠાકુર જો કૃપા કરે તો ઠાકુરના અન્ય ભક્તોની જેમ તેમનું જીવન પણ ભગવદ્ભય બની રહે. શ્રીરામકૃષ્ણના શિષ્ય કેદારબાબુએ એક દિવસ તેમને કહ્યું: “ઠાકુર અમને આપે આપના ચરણોમાં સ્થાન આપ્યું છે. તો એવી કૃપા કરો કે તેઓ પોતાની દુર્વૃત્તિઓમાંથી સદંતર મુક્ત બની જાય.” ત્યારે શ્રીરામકૃષ્ણે ઉદાસીન ભાવે કહ્યું: “હું શું કરું? મારામાં કઈ શક્તિ છે? જો તેઓ ઇચ્છે તો બધું જ થઈ શકે.” એમ કહીને શ્રીરામકૃષ્ણ પંચવટીમાં જઈને સમાધિસ્થ બની ગયા. આ બાજુ સુરેન્દ્ર રડતાં-રડતાં બોલવા લાગ્યા કે અમે પાપી છીએ, દુરાચારી છીએ. ભગવાન અમારા ઉપર કેમ કૃપા કરે? એમના હૃદયનું આક્રંદ જોઈને શ્રીરામકૃષ્ણને થયું કે હવે પૂર્વસંસ્કારોનો પ્રભાવ બિલકુલ નષ્ટ થઈ ગયો છે અને સુરેન્દ્રની આંસુભરી વારંવારની વિનંતીથી ઠાકુરે પ્રસન્ન થઈ તેમને આશીર્વાદ આપ્યા આનંદમયી કૃપા કરે અને તમે સદા ય આનંદમાં રહો.

શ્રીરામકૃષ્ણના આશીર્વાદથી સુરેન્દ્રનું હૃદય નિર્મલ બની ગયું, તેમનામાં ભક્તિ અને શ્રદ્ધાનો વધુ ને વધુ ઉદય થતાં એમના પૂર્વસંસ્કારો નિર્મૂલ બની ગયા અને તેઓ શ્રીરામકૃષ્ણના ચાર ખજાનચીઓમાંના એક બની ગયા. શ્રીરામકૃષ્ણને જે-જે વસ્તુઓની આવશ્યકતા હોય તે સુરેન્દ્રનાથ પૂરી પાડવા લાગ્યા. શ્રીરામકૃષ્ણે એમને પોતાની આવી સેવા કરવાની તક આપી એથી સુરેન્દ્ર પોતાની જાતને ધન્ય માનવા લાગ્યા. શ્રીરામકૃષ્ણની માંદગી માટે જ્યારે તેમને કલકત્તા લઈ જવા માટે ભાડાનું ઘર રાખવામાં આવ્યું અને તેનું ભાડું ભરવા માટે શ્રીરામકૃષ્ણે સુરેન્દ્રને કહ્યું ત્યારે સુરેન્દ્ર ઠાકુરની વાતને આનંદપૂર્વક સ્વીકારી લીધી અને દર મહિને એંસી રૂપિયાનું ભાડું ભરવા લાગ્યા. એટલું જ નહીં પણ શ્રીરામકૃષ્ણ અને તેમની સેવામાં રહેલા શિષ્યોની જરૂરિયાતો પૂરી કરવા બીજી મદદ પણ કરતા રહ્યા. હવે એમને મા કાલી અને ઠાકુર વચ્ચે કોઈ ભેદ રહ્યો ન હતો. તે દિવસે ઑફિસનું કામ આટોપીને તેઓ નારંગી અને બે પુષ્પમાળા લઈને કાશીપુરના બગીચામાં જ્યાં શ્રીરામકૃષ્ણ આરામ કરી રહ્યા હતા ત્યાં રાત્રે આઠ વાગે આવી પહોચ્યા અને ભાવપૂર્વક બોલ્યા; “આજે વૈશાખનો પ્રથમ દિવસ, નવું વર્ષ અને પાછો મંગળવાર. કાલીઘાટ જઈ શકાયું નહીં એટલે મેં વિચાર્યું કે જેઓ સ્વયં કાલી છે અને કાલી સાથે એકરૂપ છે, તેમના દર્શનથી કામ થઈ જશે.” આવી અનન્ય હતી એમની શ્રીરામકૃષ્ણમાં શ્રદ્ધા અને ભક્તિ.

લીલા સંવરણ પહેલાં શ્રીરામકૃષ્ણે કલ્પવૃક્ષ બનીને સર્વભક્તોની ઇચ્છા પૂર્ણ કરી હતી. તે દિવસે કાશીપુરના ઉદ્યાનમાં ઠાકુરે સુરેન્દ્રને પણ પોતાની સમીપ આવવા ઈશારો કર્યો. સુરેન્દ્રે ઠાકુરની ચરણરજ લીધી ત્યાં તો ઠાકુરે પોતાના ગળામાંથી પુષ્પમાળા કાઢીને સુરેન્દ્રના ગળામાં પહેરાવી દીધી અને પછી પોતાના ચરણો પર હાથ ફેરવવા કહ્યું. ઠાકુરના આ કૃપામય સ્નેહસ્પર્શથી સુરેન્દ્રનાં રોમેરોમ પુકિત થઈ ગયાં. તેમના જન્મોજન્મનાં બંધન જાણે છૂટી ગયાં. ભીતરમાંથી આનંદનો દિવ્ય સ્રોત ખુલી ગયો. ભક્તોની સાથે તેઓ પણ આનંદથી નાચવા ને ગાવા લાગ્યા.

શ્રીરામકૃષ્ણના લીલા સંવરણ બાદ સુરેન્દ્રનાથ એક દિવસ ઑફિસેથી ઘરે આવ્યા. સંધ્યા સમયે તેઓ પૂજા ઘરમાં બેસીને પૂજા કરી રહ્યા હતા ત્યારે તેમને દિવ્યદર્શન થયું! જાણે શ્રીરામકૃષ્ણ આવ્યા અને તેમને કહ્યું “અરે, સુરેન્દ્ર તું શું કરે છે? મારાં બાળકો અહીં-તહીં ભટકીને જીવન ગાળે છે. પહેલાં એમના રહેવાની કોઈ વ્યવસ્થા તો કર.” આ દિવ્યદર્શન પૂરું થતાં જ સુરેન્દ્ર પાગલની જેમ નરેન્દ્રનાથના ઘરે દાડી ગયા અને ગદ્ગદ્ કંઠે એમને ઠાકુરના આદેશની વાત કરીને કહ્યું; “ભાઈ પહેલાં તો કોઈ એક સ્થાન નિશ્ચિત કરો, જ્યાં ઠાકુરની છબિ, તેમના પવિત્રદેહના ભગ્નાવશેષ અસ્થિ-ભસ્મ અને તેમની વસ્તુઓ રાખીને નિયમાનુસાર પૂજા-અર્ચના કરી શકાય અને તમે ત્યાગી ભક્તો એક નિશ્ચિત સ્થળે સાથે રહી શકો અને અમે સંસારી લોકો તમારી પાસે આવીને શાંતિ મેળવી શકીએ. કાશીપુરમાં હું જે રકમ આપતો હતો તે હજુ પણ આપતો રહીશ.” સુરેન્દ્રના આ પ્રસ્તાવથી નરેન્દ્રનાથ પ્રસન્ન થઈ ગયા અને તેમણે મકાનની શોધ આરંભી અને ૧૧ રૂા.ના માસિક ભાડા પેટે વરાહનગરમાં જમીનદાર મુનશીની એક જર્જરિત ઉદ્યાનવાડી લીધી અને આમ ઈ. સ. ૧૮૮૬ના ઑક્ટૉબર મહિનામાં શ્રીરામકૃષ્ણ મઠનો પ્રારંભ થયો. એના મૂળ સ્રોત બન્યા સુરેન્દ્રનાથ. આ વિષે શ્રીરામકૃષ્ણ કથામૃતમાં માસ્ટર મહાશય લખે છે; “ધન્ય સુરેન્દ્ર, આ પ્રથમ મઠ તમારા હાથે રચાયો. તમારી શુભ નિષ્ઠાથી આ આશ્રમ બન્યો. તમને કરણ બનાવીને ઠાકુરે પોતાનો મૂળમંત્ર કામિની-કાંચન ત્યાગને મૂર્તિમંત બનાવી દીધો. ભાઈ, મઠના લોકો તો માતૃહીન બાળકની જેમ રહેતા હતા, તમારી પ્રતીક્ષા કરતા રહેતા કે ક્યારે તમે આવશો ને ભોજનનો પ્રબંધ કરશો?”

લીલાસંવરણ પછી પણ શ્રીરામકૃષ્ણની કૃપાધારા સુરેન્દ્રનાથ ઉપર વરસતી જ રહી. તેમની આવકમાંથી શ્રીરામકૃષ્ણના સંન્યાસી પુત્રોનું ભરણ-પોષણ થતું રહ્યું અને પછી તો શ્રીરામકૃષ્ણ મઠ માટે જમીન લેવામાં આવી અને તેમાં સુરેન્દ્રે એક હજાર રૂપિયા આપ્યા. શ્રીરામકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી માટેનો પણ તમામ ખર્ચ તેઓ આપતા હતા. પણ પછી ત્રીજા જન્મોત્સવ સમયે અન્યભક્તોએ પણ એમાં પોતાનું યોગદાન આપવાનું નક્કી કર્યું. છતાં જન્મોત્સવનો મૂળ આધારસ્તંભ તો સુરેન્દ્ર જ હતા.

આમ ત્રીસ વર્ષની વયે સ્વચ્છંદ અને ઉન્મુક્ત સુરેન્દ્ર શ્રીરામકૃષ્ણને મળ્યા અને ચાલીસ વર્ષની વયે ઈ.સ. ૧૮૯૦ની ૨૫મી મેએ એમણે શરીર ત્યાગ કર્યો, ત્યાં સુધીના આ દસ વર્ષના ગાળામાં તો સુરેન્દ્ર શ્રીરામકૃષ્ણની દિવ્યકૃપાથી પોતાના જીવનને કેવું સાર્થક બનાવી ગયા! તેઓ ગયા હતા શ્રીરામકૃષ્ણના કાન પકડવા માટે પણ શ્રીરામકૃષ્ણે એમના જ કાન એવા તો પકડી લીધા ને જીવનને એવો તો વળાંક આપી દીધો કે તેઓ ધન્ય બની ગયા. સહુના આદરણીય અને પ્રેમપાત્ર બની ગયા. એમણે પોતે જ આ વિષે જણાવ્યું હતું; “તેમણે મારી બાજી કેવી રીતે એમના તરફ ફેરવી લીધી એની મને ખબરે ય ન પડી. તેમણે મારા કાન આમળ્યા. આવા માણસ હશે, એની તો મને સ્વપ્નમાંય ખબર ન હતી. મારા અંતરના વિચારો તેમણે વાંચી લીધા અને મને થયું કે મારા જીવનનો ય કોઈ અર્થ છે ખરો!” એક નિરર્થક અને ભટકતું ભ્રમિત અને શંકિત દુરાચારી જીવન શ્રીરામકૃષ્ણની અમીદૃષ્ટિ પડતાં કેવું ગૌરવપૂર્ણ, મહિમાવંતુ અને આભિજાત્યપૂર્ણ બની ગયું એનું મૂર્તિમંત ઉદાહરણ સુરેન્દ્રનાથનું જીવન છે.

Total Views: 44
By Published On: April 1, 1993Categories: Jyotibahen Thanki0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram