જિંદગીનાં સાઠ વર્ષ પૂરાં થયાં અને ‘ઘડપણ રોગ અને મૃત્યુ’ નામધારી પુસ્તક ઘરનાં બારણાં ખટખટાવતું, ‘સાવધાન, સાવધાન’ કહેતું હાથમાં આવી પહોંચ્યું. પ્રથમ દૃષ્ટિએ પ્રચારાત્મક લાગતું આ પુસ્તક વાસ્તવમાં પ્રસારાત્મક તો અવશ્ય છે જ. મુખપૃષ્ઠ ઉપર ‘ઘડપણ, રોગ અને મૃત્યુ’ શીર્ષક આપવામાં આવ્યું છે અને અંદરના ભાગમાં ‘રોગ, ઘડપણ અને મૃત્યુ’ શીર્ષક અપાયું છે, પરંતુ એનાથી કુદરતના ક્રમમાં ખાસ કશો ફેરફાર થતો નથી.

ડૉ. મનુ કોઠારી અને ડૉ. લોપા મહેતા બન્ને, ‘શેઠ જી.એસ મેડિકલ કૉલેજ, પરેલમાં શરીર રચના શાસ્ત્ર’ વિભાગમાં પોતાની સેવા આપી રહ્યાં છે અને ડૉક્ટરોની દુનિયામાં ખૂબ જ ઊંચી પ્રતિષ્ઠા ધરાવે છે. ગુજરાતી ભાષામાં લખાયેલું આ પુસ્તક મનુષ્યમાત્ર માટે દિશા સૂચક બને એ પ્રકારનું છે. અતિશયોક્તિ થતી લાગે તો પણ હું, ભારપૂર્વક કહીશ કે, દરેક ઘરમાં જેમ ગીતા, કુરાન કે બાઈબલના પાઠ થાય છે એમ આ પુસ્તકના પાઠ થવા જોઈએ.

‘પ્રાસ્તાવિક’માં બન્ને ડૉક્ટર મિત્રો લખે છે, “માણસની આકાંક્ષાઓ પર પાણી ફેરવ્યા વિના આ પુસ્તક મૃત્યુનાં વિવિધ પાસાંઓને પરોવતી એક નવી દૃષ્ટિ આપે છે. મૃત્યુ સુંદર છે, સત્ય છે, મંગલ છે. આ પુસ્તક દર્દી અને ડૉક્ટર બન્નેને મૃત્યુને પંથે માર્ગદર્શન આપે છે અને રોગ તથા મૃત્યુ માટેની ફિલસૂફી તથા ધાર્મિક દૃષ્ટિને વૈજ્ઞાનિક સમર્થન આપે છે.”

આ પુસ્તક ક્યા સંજોગોમાં લખાયું, શા માટે લખાયું એ જાણવા માટે ડૉ. કોઠારીની આપવીતી એમના જ શબ્દોમાં સાંભળીએ. ડૉ. કોઠારીના યુવાન તંદુરસ્ત, નિરોગી ભાઈનું પરદેશમાં અવસાન થયું. તેઓ હચમચી ઊઠ્યા, સંશોધકનો જીવ એટલે મૃત્યુના રહસ્યને પામવા ચિંતનમાં સરી પડ્યા. પરિણામે આ પુસ્તક પ્રાપ્ય બન્યું. હવે એમના જ શબ્દોમાં: “દીપકનો બાંધો ઘાટીલો, શરીર તંદુરસ્ત અને સ્વભાવ ખેલાડીનો. ડાયાબિટીસ કે રક્ત દબાણના રોગનો એનામાં અણસાર પણ ન હતો. હૃદયરોગ માટે માનવામાં આવતાં સર્વે કારણોનો તેના પર ઓછાયો પણ પડ્યો નહતો, તે છતાં, દીપક હૃદયરોગથી મૃત્યુ પામ્યો. જગતભરના હૃદયરોગના નિષ્ણાતોનું હૃદયરોગ માટેનાં કારણો સંબંધી શાસ્ત્ર જૂઠું સાબિત થયું. બેચેન હૃદયને સજાગ બુદ્ધિએ સમજ આપી કે ડૉક્ટરના નિદાન તકેદારી અને માવજતથી ૫૨, મૃત્યુ સ્વતંત્ર રીતે વર્તે છે.” બન્ને ડૉક્ટર મિત્રો જણાવે છે, “મૃત્યુ કોઈ અકસ્માત નથી કે કુદરતનો કારમો ઘા નથી. મૃત્યુ સર્વ જીવજગતનું પોષક તત્ત્વ છે. કુદરતના સામ્રાજ્યમાં લોકશાહી છે. મૃત્યુના સામ્રાજ્યમાં રાજા અને રંક, ડૉક્ટર અને દર્દી, પુરુષ અને સ્ત્રી, યુવાન કે વૃદ્ધ સૌને સમદૃષ્ટિથી જોવામાં આવે છે.”

પુસ્તકની પ્રસ્તાવના જ વાચકને આગળ વાંચવા પ્રેરે છે અને શરૂ થાય છે, દસ પ્રકરણ અને એકસો છયાંસી પાનામાં લખાયેલ આ પુસ્તક. પ્રથમ પ્રકરણના શીર્ષક ઉપરથી જ વાચકોને “રોગ અને મૃત્યુનું તત્ત્વજ્ઞાન” સ્પષ્ટ થાય છે. આ પ્રકરણનો ઉઘાડ થાય છે, બે શબ્દોથી ‘મૃત્યુને સંમજો’, ‘મૃત્યુને સ્વીકારો!’ જીવ માત્રનો સ્વભાવ છે, ભયથી દૂર ભાગવાનો. મૃત્યુને મનુષ્યે ભયજનક બનાવી દીધું પરિણામે સૌ મૃત્યુથી ડરીને દૂર રહેવા લાગ્યા અને એટલે જ નેપોલિયને કહ્યું છે, “તબીબોએ અને ધર્મગુરુઓએ મોતના વિષયને લાંબાકાળથી દુ:ખભર્યો બનાવી દીધો છે.” બન્ને લેખકો આ પ્રકરણમાં લખે છે, “સકળ સચેતન સૃષ્ટિમાં કેવળ માનવ જ મૃત્યુથી દૂર ભાગે છે. મૃત્યુને દુશ્મન રૂપે લેખે છે. મૃત્યુ સામે ઝઝૂમે છે. આધુનિક વિજ્ઞાન જગતમાં તો મૃત્યુનું નામ પણ અપશબ્દ મનાય છે.”

મનોવિજ્ઞાનનો નિયમ છે કે ભયભીત મનુષ્ય, ભયના ઓથારમાંથી નીકળવા માટે ‘મનોરંજન શોધતો’ હોય છે. ભોજન, વ્યસન, રંગ-રાગ કે અન્ય બાબતમાં સલામતી શોધતો ફરે છે. મૃત્યુના ભયથી ભાગતો મનુષ્ય ભયને જાણે કે ભૂલી જ જતો હોય એમ લાગે છે. મહાભારતમાં યક્ષ-યુધિષ્ઠિર સંવાદ આવે છે. સંવાદમાં યક્ષ, યુધિષ્ઠિરને સવાલ પૂછે છે, “આ જગતનું મોટામાં મોટું આશ્ચર્ય ક્યું?” યુધિષ્ઠિરે કહ્યું, “રોજ રોજ હજારો માનવો યમદ્વારે જતાં હોવા છતાં બાકીના લોકો પોતે ક્યારેય મરવાના નથી એમ માની જીવે છે તે.”

મૃત્યુને મિત્ર માની એનો સ્વીકાર કરવામાં જે શાંતિ મળે છે, એવી શાંતિ મૃત્યુની ઉપેક્ષા કરવાથી ક્યારેય નહિ મળે એ સૌએ સમજવા જેવી બાબત છે. શરીર રચના શાસ્ત્રના નિષ્ણાત આ પુસ્તકના લેખકો એક અદનો માનવ પણ સમજી શકે એ પ્રકારની માહિતી ડાબા મગજ અને જમણા મગજ માટે આપે છે. તે ઓ નોંધે છે, “જમણું મગજ કળાપ્રેમી, કલ્પનાશક્તિવાળું, કવિ દૃષ્ટિવાળું, સમજદાર અને આંતરસ્ફુરણાભર્યું છે. જમણું મગજ મૃત્યુને જીવનના એક સર્વ સામાન્ય જરૂરી અને મહત્ત્વના અંગ તરીકે સ્વીકારે છે. પણ ડાબા મગજ પાસે આ દૃષ્ટિ નથી. ડાબા મગજ માટે તો કેવળ તર્ક જ એક પ્રમાણ છે. આધુનિક યુગનો માનવ ડાબા મગજના તાબા હેઠળ છે.” ડાબા મગજને તર્કસંગીન, મૃત્યુનું સાચું દર્શન કરાવી, મગજના બે ભાગ વચ્ચે એક સૂર મિલાવવાનો આ પુસ્તકનો ઉદ્દેશ છે, જેથી માનવજાત મૃત્યુના કાલ્પનિક ડરથી છૂટે. મૃત્યુના કારણમાં કોઈ રોગ હોય છે એવી તબીબી શાસ્ત્રમાં માન્યતા છે. જો રોગ નાબૂદ થાય તો મૃત્યુ થવાની કોઈ સંભાવના જ ન રહે. બન્ને લેખકોના કહેવા મુજબ અહીં જ દાકતરી વિજ્ઞાન ગોથું ખાઈ જાય છે. “મૃત્યુ રોગને નિમિત્ત રૂપે આગળ ધરે છે, પરંતુ પોતાનું કાર્ય તો એ સ્વતંત્ર રીતે જ બજાવે છે.”

માણસના લાખ પ્રયત્નો છતાં મૃત્યુ તો એનું કાર્ય ખૂબ જ કુશળતાપૂર્વક કરે છે. મનુષ્યની હોશિયારી, ચાલાકી કે યુક્તિ કશું જ કરી શકતી નથી. “મૃત્યુ એ જીવનનો અર્ક છે. મૃત્યુ વિનાનું જીવન શુષ્ક છે. જીવન રસ સમાન મૃત્યુને ઓળખતાં માનવ પોતે અમૃત બની જાય છે” આ છે પ્રથમ પ્રકરણનો માનવજાતને સંદેશ. ઈલા આરબ મહેતા સંપાદિત ‘મૃત્યુ નામ પરપોટો મરે’ પુસ્તકમાં મૃત્યુ ક્ષણમાંથી સ્વ. ઉમાશંકર જોશીની બે કાવ્યપંક્તિઓ યાદ આવે છે.

જન્મ દિને કાળને ખંડિત કર્યો હતો,

મૃત્યુ, અખંડ કાળમાં પુન: પ્રવેશ?

‘રોગનું ગણતંત્ર’ એ આ પુસ્તકનું બીજું પ્રકરણ છે. રોગનો સ્વભાવ, જન્મગત ખોડખાંપણ, શરીર રચના અને કાર્યને લગતા રોગો, ગાંઠ/કેન્સર, ઉંમર સહજ ઘસારાર્થી થતા રોગો, ‘કોલેજન’ તંતુઓમાં થતા રોગો, જરાનું રહસ્ય વગેરે બાબતો બન્ને મિત્રોએ ખૂબજ સરળતાથી સમજાવી છે.

‘બાહ્યજન્ય’ અને ‘આંતરજન્ય’ રોગ વિષે સમજણ આપતાં બન્ને મિત્રો લખે છે, “બાહ્યજન્ય રોગ એટલે માણસ અને એના વાતાવરણ વચ્ચે થતા સંવાદનું માનવ શરીર પર ઊપજતું અનિચ્છનીય પરિણામ.” વધુ પડતું પોષણ કે પોષણનો અભાવ બાહ્યજન્ય રોગમાં આવે, જીવજંતુઓ, જીવાણુઓ, વિષમકણો વગેરે વાતાવરણમાંથી શરીરમાં પ્રવેશી પોતાની વસ્તીનો ફેલાવો શરૂ કરી દે છે. ડૉક્ટર મિત્રોના મતે બધા જ બાહ્યજન્ય રોગો દૂર કરી શકાય છે.

“આંતરજન્ય રોગો શરીરની સહજ પ્રવૃતિ છે. સમય સાથે વણાયેલ આ રોગો શરીરમાં આપોઆપ ઉદ્ભવે છે. જન્મથી મૃત્યુ વચ્ચે થતી શરીરવૃદ્ધિ રૂપી ચક્રના અનેક આરા છે, તે સ્વતંત્ર છે. તબીબી શાસ્ત્રના ઉપચારો એને આંબી શકતા નથી.” લેખકોએ આંતરજન્ય રોગોના નીચે જણાવ્યા મુજબ મુખ્ય ભાગો બતાવ્યા છે.

-જન્મગત ખોડખાંપણ:

-શરીરરચના અને તેના કાર્યને લગતા રોગો

-ગાંઠ – કેન્સર

-ધમનીની દીવાલોમાં ઉંમર સહજ ઘસારાથી થતા રોગો.

-‘કોલેજન’ તંતુઓમાં થતા રોગો:

આખા શરીરનું માળખું કોલેજન તંતુઓ છે, જેમાં કોષો વસે છે… કોલેજન પ્રોટીન છે. તેમાં સમય સહજ ફેરફારો થાય છે; પરિણામે ચામડીમાં કરચલી પડે છે, સાંધાઓ જકડાય છે.

આ જ પ્રકરણમાં ‘જરા’ (વયોવૃદ્ધ)નું રહસ્ય, જરાવસ્થા અને રોગની ઉત્પત્તિ, રોગ શા માટે થાય છે વગેરે બાબતો ખૂબજ ઝીણવટથી ચર્ચી છે. પ્રકરણમાં અંતે સૌએ નોંધવા જેવી વાત પણ લખી છે. “માનવરોગો ઉંમર, જાતિ, જૂથ, નાત, જાત, ધર્મ, સંસ્કારો, ભૌતિકસમૃદ્ધિ કે ભણતરનો ભેદ નોંધ્યા વિના નિષ્પક્ષ રીતે પોતાનું કામ કર્યે જાય છે. સર્વ વાડાથી પર રોગનું ગણતંત્ર ફેલાયેલું છે.” સર થૉમસ બ્રાઉન કહે છે, “ભગવાનની દયાથી દુનિયાભરમાં રોગો સમમાત્રામાં ફેલાયેલ છે. સર્વત્ર તેમની વર્તણૂક એક સરખી છે. ઈશ્વરની નિષ્પક્ષતા સર્વવ્યાપી છે. પ્રકરણ ૩ અને પ્રકરણ ૪માં ‘મૃત્યુનો સમભાવ’ અને ‘મૃત્યુ વ્યાખ્યા અને પ્રક્રિયા’ની ચર્ચા ફિલસૂફની નજરે કરવામાં આવી છે. બન્ને ડૉક્ટર મિત્રો મૃત્યુને સમયનું એક કાર્ય માને છે. મૃત્યુની અનિવાર્યતાનો સ્વીકાર અને મૃત્યુની સમદૃષ્ટિનો સ્વીકાર જે વ્યક્તિ સમજીને કરે છે એ મૃત્યુને જીતી જાય છે.

સામાન્ય માનવને કલ્પના પણ ન હોય એવી અનુભવજન્ય છતાં ચોંકાવનારી વાત કરી લેખકો સૌને મૃત્યુનો ખ્યાલ સ્પષ્ટ “એક સર્વ સામાન્ય અનુભવ છે કે, જે વ્યક્તિનું શરીર રોગોનું સંગ્રહાલય હોય એ જીવી જાય છે અને જેને નખમાંય રોગ ન હોય એને મૃત્યુનું નોતરું આવી જાય છે.” ખરું જોતાં આ બધા વિરોધાભાસો દેખીતા છે. ભ્રમને કારણે મૃત્યુની વર્તણૂંક વિચિત્ર પણ લાગે છે. પરંતુ આ ભ્રમને દૂર કરવા મૃત્યુનું સાચું સ્વરૂપ પ્રદર્શિત કરવાની જરૂર છે.”

જે ઝડપે વસ્તીવધારો થઈ રહ્યો છે એ જોતાં આવતાં ત્રીસ ચાલીસ વરસોમાં લગભગ દસ અબજની વસ્તી થઈ જશે. મૃત્યુ માનવજાત પર રહેમ કરી દુનિયામાં સમતુલા જાળવી રાખે છે. ફ્રાન્કોઈસ મોરીએકની ભાષામાં કહીએ તો, “મૃત્યુ માનવજાત માટે એક શાશ્વત આશીર્વાદ નથી?”

રવીન્દ્રનાથ ટાગોર જેવા મનીષીને ટાંકીને લેખક મિત્રો પોતાની કલમને પણ તાજી માજી રાખે છે. ટાગોર લખે છે, “મૃત્યુ એ જીવનનું અભિન્ન અંગ છે, પ્રાણીમાત્રમાં જેમ જીવન જીવવાની પ્રબળ ઇચ્છા પ્રવર્તે છે એ જ પ્રમાણે ઊંડે-ઊંડે જીવન ત્યાગની ભાવના પણ વસે છે. એ ભાવના પૂરી પાડવા જન્મ સાથે મૃત્યુનો કાર્યક્રમ પણ ઘડાઈ ગયો હોય છે.” સીગમંડ ફ્રોઈડે જીવનનું ધ્યેય જ મૃત્યુ ગણાવ્યું છે.

૧૯૭૨ની સાલમાં, નવેમ્બર મહિનામાં અઠ્ઠાવન વર્ષની ઉંમરના મુંબઈના અગ્રગણ્ય હૃદયરોગ નિષ્ણાત ડૉક્ટર, હૃદયરોગના એક દર્દીને ઈન્ટેસીવ કેર યુનિટમાં તપાસતા હતા અને તે પોતે જ છાતીના દુ:ખાવાથી ઢળી પડ્યા. આના ઉપરથી ડૉક્ટર મિત્રો નિષ્કર્ષ ઉપર આવે છે કે, મૃત્યુનું એક માત્ર શસ્ત્ર કાળ છે, જે ડૉક્ટરોના નિદાન, ઉપચાર કે આગાહીની પરવા કર્યા વિના પોતાનું કાર્ય કર્યે રાખે છે.

ઘણીવાર વળી તદ્ન જુદું પણ બને છે. પ્રખ્યાત વિજ્ઞાની લુઈ પાસ્તરને ૪૭ વર્ષની ઉંમરે પક્ષઘાતનો પ્રાણઘાતક હુમલો થયો છતાં એ ૭૪ વર્ષ સુધી સક્રિય વૈજ્ઞાનિક તરીકે જીવ્યા. આમ મૃત્યુ અકળ રીતે પણ ચોક્ક્સ સમયે આવે જ છે, એમાં મીનમેખ નથી.

મૃત્યુ – વ્યાખ્યા અને પ્રક્રિયા નામનું પ્રકરણ શરૂ થાય છે, શ્રીકૃષ્ણના અર્જુન સાથેના વાર્તાલાપથી. “કુંતીપુત્ર! માગ તારી જે ઇચ્છા હોય તે વરદાન માગ, હું તને એ જરૂર આપીશ, એક અમરપટ્ટા સિવાય.”

અમરપટ્ટા સિવાય, અન્ય કોઈ પણ ઇચ્છા શ્રીકૃષ્ણ અર્જુનની પૂરી કરવા તૈયાર છે. કારણ કે અમરપટ્ટાની માગણી એ કુદરતના ક્રમની વિરુદ્ધ છે. આ પ્રકરણમાં બન્ને લેખક મિત્રોની મૃત્યુ સંબંધી વિદ્વતાપૂર્ણ ચર્ચા જોવા – જાણવા મળે છે. દેશ – વિદેશના અનેક ડૉક્ટરો, ચિંતકો, જીવશાસ્ત્રજ્ઞો વગેરેના સંશોધનના આધારો ટાંકી મૃત્યુની વ્યાખ્યા અને પ્રક્રિયા સ્પષ્ટ કરે છે. જીવન અને મૃત્યુ એક જ સિક્કાની બે બાજુ છે, અને પંડિત એલાન વૉટ્સે આ બે બાજુઓને ઈશ્વરના જ બે હાથ કહ્યા છે. પ્રકરણને અંતે તબીબી વિજ્ઞાનના ઘમંડ અને મિથ્યાભિમાન પર એક ‘કાર્ટૂન’ની વાત કરી લેખકો પોતાના જ વ્યવસાય સામે લુચ્ચું હાસ્ય મુક્તપણે વેરી દે છે. એ કાર્ટૂનમાં દેખાડ્યું છે કે ડૉક્ટર બહુ જ ખુમારીથી એની સામે બેઠેલા હેરાન પરેશાન દર્દીને કહે છે: ‘અમારી લેબોરેટરીના અન્ય રિપોર્ટની રાહ જોવી પડશે, પરંતુ અમારા કમ્પ્યૂટરના નિદાન મુજબ તો તમે ગુજરી ગયા લાગો છો.’ પ્રકરણ ૫ અને ૬માં, રોગ અને મૃત્યુ વિજ્ઞાનને આધીન નથી, ટેક્નૉલોજીથી પણ પર છે, એ વિષય ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચવામાં આવ્યો છે. માણસને થતા રોગ અને મૃત્યુનું કાર્યક્ષેત્ર ‘વિજ્ઞાનથી પર’ છે, એમ જ્યારે આપણે કહીએ ત્યારે ‘વિજ્ઞાનથી પર’ એટલે શું સમજવું? લેખકો સમજાવે છે, “ઘણીવાર બુદ્ધિ એવા પ્રશ્નો ઊભા કરે છે જેનો જવાબ આપણે વિજ્ઞાન પાસે માગીએ છીએ. પણ વિજ્ઞાન પાસે એના જવાબો આપવાની ક્ષમતા નથી, આ છે ‘વિજ્ઞાનથી પર’નો અર્થ. રોગ અને મૃત્યુ સંબંધી વિચાર કરતાં અનેક પ્રશ્નોના જવાબો આપણને મળતા નથી જેનાં કારણોમાં જીવજગતમાં પ્રવર્તતાં ચાર પરિબળો છે, આ પરિબળોની વિસ્તૃત ચર્ચા અહીં કરવામાં આવી છે. મુખ્ય પરિબળો ચાર-

– કાળ Time

– અનિશ્ચિતતા Uncertainty

– સાપેક્ષતા Relativity

– સ્વાભાવિકતા Normality

આ પરિબળો સ્વતંત્ર રીતે પોતાનું કાર્ય કરે છે અને એમનું અસ્તિત્વ વિજ્ઞાનની કાર્યક્ષમતાથી સૂક્ષ્મ છે.

‘ટેકનીક’ એટલે દર્દી માટે ડૉક્ટર જે કંઈ કરે તે. એમાં નિદાન, ઉપચાર, તપાસ, આગાહી સર્વનો સમાવેશ થઈ જાય છે, દર્દીનું નામ પૂછવાથી માંડીને શસ્ત્રક્રિયા પણ આવી જાય.

ડૉક્ટર મેકૅઓનેના જન્મગત ખોડખાંપણ અંગેના પરિસંવાદના પ્રવચનનો આધાર આપતાં લેખકો કહે છે: જન્મગત ખોડખાંપણના પ્રશ્નોનો ઉકેલ હજુ આપણને મળ્યો નથી. આ હકીકત આપણો ગર્વ ઉતારે છે. સ્તનના કેન્સરનું પણ કંઈક આવું જ છે. હૃદયરોગને દૂર કરવા હૃદય નિષ્ણાતોએ આધુનિક ઈલેક્ટ્રોનિક તંત્રોથી સજ્જ ઈન્ટેન્સીવ કેર યુનિટ ઊભાં કર્યાં છે, પરંતુ ત્યાંનો ખર્ચ જોતાં એને “ઈન્ટેન્સીવ કેર યુનિટ” કહેવું વધુ વાજબી ગણાય. બન્ને ડૉક્ટર મિત્રોની નિખાલસતા ક્યારેક ઉગ્રતા ધારણ કરે છે અને બોલી ઊઠે છે, “ખર્ચાના ખાડામાં ઉતારનાર આવા કક્ષોએ કોઈ જ અર્થ સાર્યો નથી. ઊલટું હૃદય રોગના હુમલાથી થતાં મૃત્યુનું પ્રમાણ સૌથી ઓછું ઘરમાં દર્દીને રાખતાં થાય છે. એનાથી વધુ મૃત્યુનું પ્રમાણ હોસ્પિટલના સામાન્ય વોર્ડમાં થાય છે અને સૌથી વધુ મૃત્યુનું પ્રમાણ ‘આઈસીસીયુ’માં થાય છે.”

‘‘‘મધુપ્રમેહ’ની બાબતમાં ઈન્સ્યુલીનની ક્ષમતા કરતાં ક્ષતિઓથી જગત વિશેષ પરિચિત છે. એટલું સ્પષ્ટ છે કે આધુનિક તબીબી ઉપચારો, યુક્તિઓ અને સરંજામો સમયસહજ થતા ‘આંતર જન્ય’ રોગોની પ્રકૃતિમાં કોઈ ફેરફાર કરી શકતા નથી.’’

પ્રકરણ ૭ – ‘રોગ અને મૃત્યુનો આદેશ’માં બન્ને લેખકો રોગ અને મૃત્યુની અનિવાર્યતા, તેની લોકશાહી પ્રકૃતિ તથા તેનો સમાજવાદી અભિગમ સુંદર રીતે દર્શાવે છે. ડૉ. ફૂલરની પંક્તિ દ્વારા રોગ અને મૃત્યુનું ચિત્ર સ્પષ્ટ થઈ જાય છે.

“આજે વારો મારો, આવતી કાલે તારો!” વળી આટલી સમજ ઊભી થાય તો મનુષ્યના રાગદ્વેષ, મતમતાંતર કે ખેંચતાણનો આપમેળે અંત આવે છે. લોકશાહી – સમાજવાદમાં વણિલિખત કરાર રહે છે કે સમાજમાં વસતી પ્રત્યેક વ્યક્તિ અરસપરસની જવાબદારી ઉપાડી લે. પરિણામે, ડૉક્ટર મિત્રોના કહેવા પ્રમાણે, “એક “એક માણસનું કેન્સર અન્ય ચાર માણસોને કેન્સરમાંથી મુક્ત રાખવાની જવાબદારી ઉપાડી લે છે. મારો ઉગ્ર ડાયાબિટીસ તમને ડાયાબિટીસથી દૂર રાખે છે. આ પ્રકરણમાં દર્દીની વધુ પડતી દયા ખાઈ આપણે કેવા તદુંરસ્ત છીએ એવો અહમ્ ન પોષવાની ડૉક્ટર મિત્રો સલાહ આપે છે. વ્યક્તિગત રોગને પોતાના કુકર્મનું ફળ ન માનવું કે નસીબનો વાંક પણ ન કાઢવો એ જાતનો પોતાનો મત જણાવે છે.

મૃત્યુની વાસ્તવિકતાની ઉજળી બાજુ પણ આ પ્રકરણમાં બતાવવામાં આવી છે.

“જો મૃત્યુ અહીં અને અત્યારે છે તો જીવન પણ અહીં અને અત્યારે છે. દરેક પળ ભગવાનની ભેટ છે. જીવનનો આનંદ માણો. જીવનમાં પ્રેમની વર્ષા કરો,” ડૉક્ટર શ્રી વૈઘે તબીબો માટે એક સુંદર સૂચન કર્યું છે જે આ પ્રકરણમાં દર્શાવવામાં આવ્યું છે: “કોઈ પણ તબીબી શાસ્ત્રના અનુકરણમાં-ઉપચારમાં જરૂરી માત્રામાં ‘સીમ્પથી’ અને ‘એમ્પથી’નું મિશ્રણ કરશો તો તમારો ઉપચાર કલ્યાણકારી નીવડશે.”

‘મરણ માટે સન્માન’ એ વર્તમાન સમયની માગ છે. અમેરિકાના સાપ્તાહિક ન્યુઝવીકમાં ‘સારું મૃત્યુ’ શીર્ષક હેઠળ જણાવવામાં આવ્યું છે કે, જ્યારે શારીરિક જીવનદોરને ટકાવી રાખવાના અંતિમ પ્રયત્નો ન છૂટકે ડૉક્ટરે છોડવા પડે છે ત્યારે ઘણા ડૉક્ટરો પ્રયત્નો છોડવા સાથે દર્દીને પણ પડતો મૂકે છે. રોગી ત્યારે એકલો અટૂલો યંત્રોથી ઘેરાયેલ હોસ્પિટલના ખાટલામાં તરફડતો રહે છે. દર્દીને જ્યારે પ્રેમની જરૂર હોય છે ત્યારે જ સૌ એનાથી વિમુખ બનવા લાગે છે. જીવન પ્રત્યેના સન્માનનું વહેણ મૃત્યુ પ્રત્યેના સન્માન સુધી વહે તો જીવન અને મૃત્યુ બન્ને સુધરી જાય.

પ્રકરણ ૯ – જીવન અને મૃત્યુ: અહીં અને અત્યારે પ્રકરણ ૧૦ – જીવન અને મૃત્યુ: પહેલાં અને પછી આ બન્ને પ્રકરણોમાં ભારતીય ચિંતનની ગહરાઈ જોવા મળે છે. પશ્ચિમની સંસ્કૃતિની ભૌતિકસિદ્ધિઓ પાછળની આંધળી દોટ, પછી શું? અને ભારતીય સંસ્કૃતિમાં રહેલ સૂક્ષ્મ ચિંતન. જાણે કે આ પ્રકરણો કોઈ ડૉક્ટરો મિત્રોએ નથી લખ્યાં પણ જબરા ચિંતકોએ લખ્યાં છે, એવું આપણને લાગ્યા વગર ન રહે.

– ઈશા વાસ્યમ્ ઈદમ સર્વમ

– ઓમ તત્ ત્વમ્ અસિ

– ઓમ પૂર્ણમદ: પૂર્ણમિદમ્

– ઓમ અહમ્ બ્રહ્માસ્મિ

પૂર્વની સંસ્કૃતિએ આ મહાવાક્યોમાં જીવન અને મૃત્યુના ભેદને ઉકેલવાની ક્ષમતા પૂરી છે એની ચર્ચા સરસ રીતે કરવામાં આવી છે. પુસ્તક પૂરું કરતાં પહેલાં રવીન્દ્રનાથ ટાગોરના એક કાવ્યને રજૂ કરી મૃત્યુના ઘાટેથી અમરતાના ખંડમાં પ્રવેશ કેમ કરવો તે બતાવ્યું છે.

“આપણને મૃત્યુનો ભય છે કારણ કે આપણને આપણી પ્રતિભાના સંપૂર્ણ લયનો ડર છે. જો આપણને સમજાય કે પરમાત્મા જ આત્મારૂપે સર્વમાં સમાયેલા છે તો આપણને આપણી પ્રતિભાનો આધાર અનંતમાં દેખાશે. મન અને હૃદયથી અંતરાત્માને ઓળખવો એટલે અમરતાને વરવું.”

શ્રીરામકૃષ્ણદેવ કહેતા કે, “મૃત્યુ એટલે એક ખંડમાંથી બીજા ખંડમાં પ્રવેશ.”

શ્રી ભગવત્ સાધન સંઘ દ્વારા બહાર પાડવામાં આવેલી પુસ્તિકા ‘અમૃતમ્’માં, પ્રેરણા વિભાગમાં મૃત્યુને પ્રાકૃતિક વેશપલટો કહેવામાં આવ્યું છે. માની શાંતિવીણાની ઝંકૃતિમાં માનવ ડૂબી જશે તો અમરત્વનો બોધ થશે; મૃત્યુ ફક્ત પ્રાકૃતિક વેશપલટો લાગશે.

આ રીતે મૃત્યુનો સ્વીકાર, પ્રેમભર્યું જીવન, માનસિક શાંતિ અને ઘડપણ, રોગ અને મૃત્યુ વિશેના ભ્રામક ખ્યાલોમાંથી મુક્તિ એ છે આ પુસ્તક લખવા પાછળનો ઉદ્દેશ.

આ પુસ્તકનું શીર્ષક ‘મૃત્યોપનિષદ’ રાખવાનો વિચાર લેખકોએ વ્યક્ત કર્યો છે. મૃત્યુ + ઉપનિષદ = ‘મૃત્યૂપનિષદ’ થાય, મૃત્યોપનિષદ નહીં. પાના નંબર ૧૯૨ પૂરું થતાં, પાના નંબર ૧૯૪નું લખાણ ૧૯૩ પાના પર હોવું જોઈએ. બાઈન્ડીંગમાં કંઈક ભૂલ છે. આવી સામાન્ય ક્ષતિઓ બાદ કરતાં એક સર્વાંગ સુંદર પુસ્તક આપવા બદલ ડૉક્ટર મિત્રો અને પ્રકાશકને ધન્યવાદ.

સંદર્ભ:

– મૃત્યુ નામ પરપોટો મરે – સંપાદક, ઈલા આરબ મહેતા

– મોત ઉપર મનન -ફીરોઝ કા. દાવર, એલ.ડી. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ.

– અમૃતમ્ – નાથાલાલ હ. જોશી

પ્રકાશક, પ્રમુખ શ્રી ભગવત્ સાધન સંઘ, ગોંડલ.

Total Views: 171

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.