(ગતાંકથી આગળ)

(શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી છે.)

બીજી કોઈ પણ વ્યક્તિ કરતાં સ્વામી વિવેકાનંદ શ્રીમાના જીવનનું વૈશ્વિક મહત્ત્વ સમજતા હતા. ભારતીય સંસ્કૃતિને પુનર્જીવિત કરવી એ શ્રીમાનું અગત્યનું કર્તવ્યકર્મ છે એ હકીકતને સ્વામીજી પિછાણતા હતા. એક ભિક્ષુક સંન્યાસી તરીકે ભારતનો લાંબો પ્રવાસ શરૂ કરતાં પહેલાં સ્વામીજી શ્રીમાના આશીર્વાદ લેવા ગયા હતા. ફરીથી જ્યારે પશ્ચિમમાં જવાનો આદેશ આવ્યો ત્યારે પણ આખરી નિર્ણય લેતાં પહેલાં સ્વામીજી મા પાસે સલાહ લેવા ગયા હતા. અમુક સમય પછી, સ્વામીજીએ એક કાવ્યમાં લખ્યું, “હું તમારા બંનેનો ચાકર છું; શક્તિથી યુક્ત તમારા ચરણોને હું વંદું છું.” ગુરુભાઈને લખેલા એક પત્રમાં સ્વામીજીએ શ્રીમાનો ઉલ્લેખ કર્યો હતો કે તેઓ માનવ સ્વરૂપમાં આવેલાં સ્વયં દુર્ગા છે. શ્રીમાની પાસે જતાં પહેલાં સ્વામીજી પોતાનું મોઢું સાફ કરતા અને પોતાની જાતને શુદ્ધ કરવા માટે શરીર પર ગંગાનું પાણી છાંટતા. સ્વામીજી શ્રીમાને હંમેશા દંડવત્ પ્રણામ કરતા. પરંતુ તેમના ચરણોને સ્પર્શ કરતા નહીં કારણ કે તે ચરણોને સ્વામીજી અતિ પવિત્ર માનતા હતા. સ્વામીજીએ પોતાના પત્રોમાં મા શારદાદેવીની દિવ્ય પ્રકૃતિ વિશ્વ સમક્ષ પ્રગટ કરી. સાધ્વીઓ માટે એક મઠ સ્થાપવાની સ્વામીજી વારંવાર ઇચ્છા વ્યક્ત કરતા હતા અને સાધ્વીઓ માટે શ્રીમા આદર્શરૂપ હોવાં જોઈએ અને આ મઠની સ્થાપના સાથે સ્ત્રીત્વના નવા યુગનો આરંભ થવો જોઈએ એમ તેઓ ઇચ્છતા.

સ્વામી બ્રહ્માનંદ કે જેઓ શ્રીરામકૃષ્ણના આધ્યાત્મિક પુત્ર હતા, તેઓ માની હાજરીમાં ભક્તિને કારણે એટલા ભાવવિભોર બની જતા કે તેમનું આખું શરીર ધ્રૂજવા માંડતું. તેઓ શ્રીમાને બ્રહ્મની શક્તિનું મૂર્તિમંત સ્વરૂપ માનતા. તેઓ કહેતા, “શ્રીમા વિશ્વની દિવ્ય માતા છે કે જેમણે માનવ સ્વરૂપ ધારણ કર્યું છે.”

શ્રીરામકૃષ્ણનાં શિષ્યોમાં, લાટુ મહારાજ (સ્વામી અદ્‌ભુતાનંદ) શ્રીમાના પહેલા સેવક હતા અને તેઓ શ્રીમાને પોતાના માતા ગણતા હતા. તેઓ કહેતા, “શ્રીમાને સમજવાં શું સહેલું છે? શ્રીમા શ્રીરામકૃષ્ણદેવે અર્પણ કરેલી પૂજાનો સ્વીકાર કરતાં; આ હકીકત ધ્યાનમાં લેતાં માની શક્તિનો વિચાર કરો! શ્રીમાનું સાચું સ્વરૂપ શું હતું એ તેઓ એકલા જ જાણતા અલબત્ત સ્વામી વિવેકાનંદ પણ થોડું જાણતા કે શ્રીમા સ્વયં દેવી લક્ષ્મી હતાં.”

શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછી શ્રીમાની સેવામાં રહેનાર પ્રથમ વ્યક્તિ સ્વામી યોગાનંદ હતા. તેઓ શ્રીમાની સમક્ષ ઊભા રહીને કદી પ્રણામ કરતા નહીં. પરંતુ જ્યારે શ્રીમા જતાં રહે ત્યારે તે જગ્યાની થોડી રજ એકઠી કરીને તેઓ પૂજ્ય ભાવે પોતાના માથે મૂકતા. શ્રીમાના વ્યક્તિત્વમાં મૂર્ત સ્વરૂપે રહેલ આદ્ય શક્તિનું તેઓને દર્શન થયેલ હતું.

સ્વામી યોગાનંદના અવસાન પછી, સ્વામી ત્રિગુણાતીતાનંદે થોડા સમય માટે શ્રીમાની સેવા કરવા માટેનો ભાર સંભાળ્યો હતો. શ્રીમાની સેવા કરવા માટેની તેમની નિષ્ઠા અમાપ હતી. એક વખત તેઓ એક જલદ પગલું લેવા તૈયાર થયા હતા. શ્રીમા બળદગાડીમાં જયરામવાટી જઈ રહ્યાં હતાં અને સ્વામી ત્રિગુણાતીતાનંદ શ્રીમાની સંભાળ રાખવા બળદગાડીની બાજુમાં ચાલતા હતા. એ લાંબી મુસાફરી હતી અને શ્રીમા વિસામો લઈ રહ્યાં હતાં. આગળ જતાં સ્વામીએ જોયું કે વરસાદને કારણે રસ્તાનો થોડો ભાગ ધોવાઈ ગયો હતો અને તે જગ્યાએ બળદગાડી નમી જવાની શક્યતા હતી. શ્રીમાને ખલેલ ન પડે તેવી ઇચ્છા રાખતા, તેઓ આગળ દોડી ગયા અને તે ખાડામાં લાંબા થઈને સૂઈ ગયા અને પછી ગાડી ચલાવનારને પોતાના શરીર પર ગાડી ચલાવવાનું કહ્યું. સદ્ભાગ્યે શ્રીમા સમયસર જાગી ગયાં અને નીચે ઊતરીને પગે ચાલીને તે જગ્યાએ ગયાં. શ્રીમાએ સ્વામીને ઉતાવળિયા પગલા માટે મીઠો ઠપકો આપ્યો. એક બીજા પ્રસંગે સ્વામી શ્રીમા માટે સારી ગુણવત્તાવાળાં તીખાં મરચાં ખરીદવા માટે ગયા. અલગ-અલગ દુકાનોમાં મરચાં ચાખતાં તેઓ લગભગ ત્રણ માઈલ ચાલ્યા અને અંતે તેમની જીભ દુ:ખ સાથે સૂજી ગઈ.

સ્વામી ત્રિગુણાતીતાનંદે હજુ વીસ વર્ષ પૂરાં નહોતાં કર્યાં ત્યારે શ્રીરામકૃષ્ણે તેમને શ્રીમા પાસે દીક્ષા લેવા મોકલ્યા હતા. એ પ્રસંગે શ્રીરામકૃષ્ણે એક બંગાળી પદ તેમને સંભળાવ્યું હતું: “રાધાની માયા અનંત છે અને તે વ્યાખ્યાથી પર છે – લાખો કૃષ્ણ અને લાખો રામ જન્મ લે છે અને જીવે છે, અને મૃત્યુ પામે છે.” આ પ્રસંગે શ્રીરામકૃષ્ણે તે બાળકમાં મા પ્રત્યે જે શ્રદ્ધા જન્માવી તે હંમેશા તેની સાથે રહી.

શ્રીમાની સેવાનો ભાર સંભાળનાર બીજી વ્યક્તિ સ્વામી શારદાનંદ હતા કે જેઓ પોતાને શ્રીમાના દ્વારપાલ ગણતા હતા. શ્રીરામકૃષ્ણ સ્તોત્રના પદમાં તેમનું શ્રીમા પ્રત્યેનું વલણ વ્યક્ત થાય છે: “હું શ્રી શારદાદેવીને વંદું છું કે જેઓ સર્વ જ્ઞાનના મૂર્તિમંત સ્વરૂપ છે, જેમ અગ્નિમાં દાહક શક્તિ રહેલી છે તેવી રીતે તેઓ શ્રી રામકૃષ્ણમાં રહેલાં છે.”

સ્વામી શિવાનંદ માટે શ્રીમા અપીલ કરવા માટેની સર્વોચ્ચ અદાલત હતા. મઠ વિષે અને મઠના યુવાન સભ્યો વિષે શ્રીમા દ્વારા લેવાયેલ કોઈ પણ નિર્ણય તેઓ સહર્ષ સ્વીકારતા. આ મહાન આત્મા મઠના બીજા પ્રમુખ બન્યા હતા. પોતાની સ્મૃતિને વાગોળતાં તેઓ એક વખત બોલ્યા હતા, “શ્રીમા સામાન્ય સ્ત્રી નથી, તેમણે સંઘર્ષ અને સાધના કરીને પૂર્ણતા પ્રાપ્ત નથી કરી. તેઓ સદાસર્વદા-પૂર્ણ છે. તેઓ આદ્ય શક્તિનો અંશ છે; જેવી રીતે કાલી, તારા, ષોડશી, ભૂવનેશ્વરી અને બીજી દેવીઓ.” મનુષ્યની અંદર રહેલા ‘ઈશ્વર’ની સેવા કરો”- એ સ્વામી વિવેકાનંદનો આદર્શ હતો અને એ આદર્શનું સચોટ ઉદાહરણ પૂરું પાડનાર સ્વામી અખંડાનંદની દૃષ્ટિએ શ્રીમા અન્નપૂર્ણા હતાં, વિશ્વેશ્વરી હતાં, જગદ્ધાત્રી હતાં અને લક્ષ્મી હતાં. સ્વામી બ્રહ્માનંદ કહેતા કે સ્વામી વિજ્ઞાનાનંદ બ્રહ્મના ગુપ્ત જાણકાર છે; અને સ્વામી વિજ્ઞાનાનંદ કહેતા: “શ્રીરામકૃષ્ણ ચૈતન્યના મૂર્તિમંત સ્વરૂપ છે; શ્રીમા વિચાર-શક્તિ (thought force)ના મૂર્તિમંત સ્વરૂપ છે: તેઓ બ્રહ્માંડની શક્તિનું સ્વરૂપ છે.”

સ્વામી પ્રેમાનંદ પ્રેમના સાગર જેવા હતા. તેઓએ એક સૂચક ઉદ્ગારમાં પોતાના અનુભવને આ રીતે વ્યક્ત કર્યો છે: “શ્રીરામકૃષ્ણ કરતાં પણ હું શ્રીમાને શક્તિના અતિ વિશાળ ઉદ્ગમ સ્થાન તરીકે જોઉં છું. પોતાની શક્તિઓને ગુપ્ત રાખવાનું કેટલું મોટું સામર્થ્ય! પોતાના પ્રયત્નો છતાં શ્રીરામકૃષ્ણ તેઓની સ્વાભાવિક દિવ્ય પ્રકૃતિ ગુપ્ત રાખી શક્યા નહીં. શ્રી શારદાદેવીને પણ ભાવ-સમાધિ (bhava-samadhi) પ્રાપ્ત છે, પરંતુ તેઓ શું તે બધાને જાણવા દે છે? પોતાના આધ્યાત્મિક ભાવોને અંકુશમાં રાખવાની શ્રીમા પાસે કેટલી શક્તિ છે!

સ્વામી અભેદાનંદ વેદાંતના કેસરી હતા અને તેઓએ રચેલું અને ખૂબ જાણીતું સ્તોત્ર – શારદાદેવી સ્તોત્રમ્ – શ્રીમાને અર્પણ કરેલું છે. તેઓ એમ માનતા કે શ્રીમા દેવી સરસ્વતી છે અને મહામાયા છે.

સ્વામી રામકૃષ્ણાનંદ દાસ્ય ભક્તિનું (attitude of servant to God) ઉદાહરણ પૂરું પાડતા હતા. તેમના મૃત્યુના સમયે તેમને શ્રીમાનું અદ્‌ભુત દર્શન થયું હતું. તે દર્શનના વર્ણનના આધારે શ્રી ગિરીશચંદ્ર ઘોષે એક સ્તોત્ર રચ્યું હતું અને તેની શરૂઆતની પંક્તિ આ પ્રમાણે હતી: “મારા શ્રીમાને જુઓ કે જેમના ચહેરા પર જ્ઞાનની ઘેરા લાલ જાંબલી રંગની આભા દેખાય છે! ભક્તોને વરદાન આપનાર, શ્રીમા હવે મને શરણ આપે છે.” બેંગલોરના એક ભક્તને સ્વામી રામકૃષ્ણાનંદે એક પત્રમાં લખ્યું: “માના વ્યક્તિત્વમાં રહેલ ઈશ્વરના માતૃત્વભાવની પૂજા કરવાની આ અણધારી અને ભાગ્યે જ મળે તેવી તક તમારે ગુમાવવી ન જોઈએ તેઓ તમારા સાચા માતા છે… એ તમારું મોટું સદ્નસીબ છે કે સમગ્ર વિશ્વની માતા તમારા ઘરને બારણે ઊભાં છે!”

સ્વામી અદ્વૈતાનંદ બજારમાંથી શ્રીમા માટે વસ્તુઓ ખરીદવાનું કામ કરતા હતા અને ખૂબજ નિષ્ઠાપૂર્વક શ્રીમાની સેવા કરતા. તેઓ ઉંમરમાં શ્રીમાથી મોટા હતા, છતાં માને તેઓ પોતાની માતા તરીકે ગણતા હતા. શ્રીમા જે થોડી વ્યક્તિઓ સાથે છૂટથી વાતો કરતાં તેમાંના તેઓ એક હતા.

સ્વામી તુરીયાનંદ અદ્વૈત વેદાંતના મૂર્તિમંત સ્વરૂપ હતા. તેમણે શ્રીમાને આ પ્રમાણે અંજલિ આપી: “વિશ્વના કલ્યાણ માટે કેટલી મહાન શક્તિએ આ સ્વરૂપ ધારણ કર્યું છે! આપણા મનને સ્થૂળ સ્તરેથી હૃદયના કેન્દ્રમાં ઊંચે લઈ જવા માટે ખૂબજ સંઘર્ષ કરવો પડે છે અને રાધુ વિષે વિચાર કરીને શ્રીમાએ તેઓના મનને ઉચ્ચતર ભૂમિકાએથી હૃદય કેન્દ્રમાં સ્થિર કર્યું છે. હવે આનો અર્થ શું થાય તે સમજવાનો પ્રયત્ન કરો. મહાન દિવ્ય માતાનો જય હો!”

સ્વામી નિરંજનાનંદને શ્રીરામકૃષ્ણ આત્માઓના એ વર્ગમાં મૂકતા હતા કે જેઓ ઈશ્વરકોટિ હોય. શ્રીરામકૃષ્ણના ભક્તોના વર્તુળમાં માની મહાનતા જાહેર કરનાર તેઓ પહેલા શિષ્ય હતા. પૂર્ણ શ્રદ્ધા અને પૂજ્યભાવ સાથે તેઓ જાહેર કરતા કે શ્રીમા તેઓના ગુરુના માત્ર પત્ની ન હતાં, પરંતુ શ્રીમા વિશ્વની દિવ્ય માતા હતાં – સર્વોચ્ચ સર્જનહાર.

મા અને શ્રીરામકૃષ્ણના શિષ્યો સ્વામી સુબોધાનંદને ‘ખોકા’ (બાળક) કહેતા હતા. શ્રીમા વિશે પોતાનો પૂજ્યભાવ તેઓ નીચેના શબ્દોમાં વ્યક્ત કરતા હતા: “આ સ્થળના પુરોહિતો અન્નકૂટનો તહેવાર ઊજવે છે (આ તહેવારમાં ચોખાનો મોટો જથ્થો પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે). પરંતુ તે માત્ર આડંબર છે. વિશ્વનાં બધાં પ્રાણીઓને ખોરાક પૂરો પાડતાં એવા દિવ્ય માતાનો સાચો અન્નકૂટ કેટલો વિશાળ છે! જો આપણે તેનો વિચાર કરીએ તો આપણું મન ઉચ્ચતર ભૂમિકાએ પહોંચી જશે.”

જેવી રીતે શ્રી શારદાદેવી શ્રીરામકૃષ્ણના સંન્યાસી શિષ્યોના માતા હતાં તેવી જ રીતે તેઓ સાંસારિક શિષ્યોના પણ માતા હતાં. શ્રી ‘એમ’ (મહેન્દ્રનાથ ગુપ્ત), નાગ મહાશય, બલરામ બોઝ, અક્ષય સેન, મનમોહન, નવગોપાલ, હરમોહન, દેવેન્દ્ર અને બીજાઓ શ્રીમાના ખૂબજ વહાલા બાળકો હતા. ધીમેધીમે વખત જતાં તેઓને શ્રીમાની દિવ્ય પ્રકૃતિનો ખ્યાલ આવ્યો. તેઓ માત્ર ગુરુનાં પત્ની ન હતાં, પરંતુ યુગે-યુગે શ્રીરામકૃષ્ણની દિવ્ય લીલાના પ્રાગટ્યમાં તેઓના શાશ્વત લીલાસહચરી હતાં. શિષ્યોના ગૂઢ અનુભવોમાં શ્રીમા પોતાની જાતને પ્રગટ કરતાં. ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક ‘એમ’, માને પોતાની માતા ગણતા હતા. તેમણે પોતાની ડાયરી સ્તુતિ સાથે શરૂ કરી – “મારા ગુરુ અને શ્રીમાના ચરણોનું શરણ લેતાં.”

મૂળ બંગાળીમાં લખાયેલ ‘કથામૃત’નો દરેક ગ્રંથ નીચેની પંક્તિઓ સાથે શ્રીમાને અર્પણ કરવામાં આવ્યો છે: “મા, તમે સમગ્ર વિશ્વના માતા છો. એવા આશીર્વાદ આપો કે તમારાં બાળકો બધાં સ્થળે અને હંમેશ શ્રીરામકૃષ્ણનું સ્મરણ કરીને પોતાના હૃદયમાં શાંતિ અને આનંદ પ્રાપ્ત કરે અને શ્રીરામકૃષ્ણનાં ચરણકમળમાં તેમની ભક્તિ હો.”

શ્રીરામકૃષ્ણના બીજા ગૃહસ્થ શિષ્ય નાગ મહાશય હતા અને તેમને શ્રીમા માટે ખૂબજ પૂજ્યભાવ હતો. વાસ્તવમાં તેમની નિષ્ઠા અદ્વિતીય હતી. નાગ મહાશય વિનમ્રતાના મૂર્તિમંત સ્વરૂપ હતા. શ્રીમાની સમક્ષ તેઓ સંપૂર્ણ રીતે બાહ્ય ચેતના ગુમાવી દેતા અને માત્ર ‘‘મા’, ‘મા’ શબ્દનો ઉચ્ચાર કરી શકતા. શ્રીમા નાગ મહાશયને પોતાના હાથ વડે ખવડાવતા. જ્યારે તેઓ મા પાસેથી જતા ત્યારે તેમને એમ બોલતા સાંભળવામાં આવતા, “પિતા કરતાં માતા વધુ દયાળુ છે, પિતા કરતાં માતા વધુ દયાળુ છે.”

(ક્રમશ:)

ભાષાંતર: શ્રી. સી. એમ. દવે

(‘પ્રબુદ્ધ ભારત’ મે, જૂન, જુલાઈ ૧૯૯૧માંથી સાભાર)

Total Views: 210

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.