દેવ, હું તમારા ચરણે પ્રણત છું. હું તમને… પ્રાર્થના કરું છું.

મારો આત્મા સાંસારિક વસ્તુના ઝેરી નાગના ઝેરથી સંતપ્ત છે. આ ધરતી પર બધું જ ક્ષણભંગુર અને નશ્વર છે. ધન – સગા સંબંધ – જીવન – યૌવન – સંસારનું સર્વ કાંઈ નશ્વર છે. સંતાન-પરિવાર-બધું અનિશ્ચિત છે. કોઈના પર ભરોસો રાખી શકાય તેમ નથી – હે દેવ આ નાગચૂડમાંથી મને મુક્ત કર, પ્રભુ મને મુક્ત કર.

– મહાન જ્ઞાની સંત શંકરદેવની આ પ્રાર્થનામાં કામિની-કાંચનના અને સાંસારિક સુખોના ત્યાગથી જ ઈશ્વર પ્રત્યે આપણી સાચી પ્રીતિ જાગી શકે એ વાત કરી છે. પ્રભુ પરાયણ બનેલા ભક્તનું મન મીરાંની જેમ-

‘ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો’ની ધૂનમાં રમમાણ રહે છે.

પ્રભુના પ્યારા સેન્ટ ફ્રાન્સિસ ઑફ આસીસી ઈશ્વરના-પ્રભુ ઈશુના-નેક બંદા હતા. ત્યાગ, વૈરાગ્ય, એમના જીવનનું ધન. દુન્યવી સુખો, દુન્યવી પદાર્થો, ધનસંપત્તિને તેઓ હંમેશને માટે – પ્રભુના માર્ગે ચાલતાં- ચાલતાં છોડી ચૂક્યા હતા. પ્રભુ ઈશુનું સ્મરણ અને પરમાર્થ સિવાય એમના જીવનમાં બીજું કાંઈ મહત્ત્વનું ન હતું. પરમ ત્યાગી-વૈરાગી સંત ફ્રાન્સિસ ધનને ધિક્કારતા અને પોતાના સંન્યાસી સંઘબંધુઓને આ ધનરૂપી શેતાનથી દૂર રહેવાની સલાહ આપતા અને પોતે જ કાંચનથી દૂર રહીને જીવંત ઉદાહરણ તેમની સામે ધરતા. એમને મન સાધુ-સંન્યાસી કે પ્રભુ પરાયણ વ્યક્તિ માટે ધનનો મોહ અને ઉપભોગ વિષ્ટામાં રાચવા સમાન હતું.

એક વખત એક સંસારી ભક્ત પોરઝિક્યુલાના સૅન્ટમૅરીના પવિત્રદેવળમાં પ્રવેશી પ્રભુ ઈશુને પ્રાર્થના કરતાં-કરતાં ક્રોસ પાસે થોડા પૈસા ધર્યા. આ ધન-દોલતમાં રાચતો સંસારી તો ચાલ્યો ગયો પણ એક પાદરીની નજર આ થોડા ચાંદીના સિકકા પર પડી. તેણે પળવારનો વિચાર કર્યા વગર એ પૈસા ઉપાડી લીધા અને દેવળની બારીની છાજલી પર કોઈનું ધ્યાન ન જાય તેમ મૂકી દીધા. પણ પાદરીની વૃત્તિ છાની રહી શકી નહિ-તેની આ લોભમોહ ભરી વૃત્તિની વાત સૅન્ટ ફ્રાન્સિસને કાને પહોંચી – પેલા પાદરીને પણ પોતાની ભૂલ સમજાઈ અને સંત ફ્રાન્સિસના ચરણે પડીને હૃદયપૂર્વક ક્ષમાયાચના કરવા લાગ્યા. એટલું જ નહિં સંન્યાસીના આ સંયમ નિયમને તોડવા માટે એણે સજાની માગણી કરી. સંત ફ્રાન્સિસે તેને ખૂબ ઠપકો આપ્યો અને ધનને સ્પર્શ કરવા બદલ આકરી સજા કરતાં કહ્યું: ‘ભાઈ, એ પૈસા તારા મોઢેથી ઉપાડીને દેવળની બહાર લઈ જા અને ગંદકીભર્યા ઉકરડામાં તારી મેળે જ ફેંકી આવ’ – આ દૃશ્ય નજરે જોનાર સંન્યાસીઓ કાંચનમોહને ત્યજીને ત્યાગ-વૈરાગ્યના રંગે રંગાયા.

શ્રીરામકૃષ્ણદેવને મળવા એક મારવાડી ભક્ત આવતા. તેમણે કહ્યું: ‘હું દશ હજાર રૂપિયા તમારે નામે વ્યાજે મૂકું – તેના વ્યાજમાંથી તમારી સેવા ચાલ્યા કરે અને પછી તમને કોઈ જાતની ચિંતા ન રહે.’

આ વાત સાંભળતાં જ જાણે માથા પર ફટકો પડ્યો અને શ્રીરામકૃષ્ણદેવ બેશુદ્ધ થઈ ગયા. ભાનમાં આવતાં પેલા મારવાડીને કહ્યું: ‘એવી વાત જો હવે ફરીથી કહેવી હોય તો અહીં આવશો માં. મારાથી રૂપિયાને અડી શકાતું નથી, તેમ પાસે રાખી શકતો પણ નથી. એ ભાઈ, ત્યાગીના બહુ કઠણ નિયમ. કામિની-કાંચનનો સંસર્ગ લેશમાત્ર પણ રહેવો ન જોઈએ. તેણે રૂપિયા-પૈસા પોતાના હાથથી તો ન લેવા પણ પોતાની નજીકમાં ય ન રાખવા દેવા.’

જ્યાં આવો તીવ્ર ત્યાગ-વૈરાગ્ય હોય ત્યાં જ પરમ સમીપે પહોંચવાનું સરળ-સહજ બને.

સંકલક: શ્રી મનસુખલાલ મહેતા

Total Views: 92
By Published On: April 1, 1993Categories: Uncategorized0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram